આમંત્રિત/૨૮. સુજીત
૨૮. સુજીત
હું એની સાથે રહેવા આવ્યો છું ત્યારથી કદાચ આ પહેલી જ વાર સચિનનું ધ્યાન મારા પર નથી ગયું. આજે એ એની વાતોમાં - એની અને જૅકિની વાતોમાં - મશગુલ થઈ ગયો છે. તે સારું છે, એ બંનેની આવી ખુશી માટે હું પણ ખુશ જ છું. પણ આજે એને મારા મોઢા પરનો થાક, કે પછી થોડી ઉદાસી દેખાઈ નથી. એટલો આનંદમાં છે કે — આ જ વખતે ફોન આવ્યો. મેં ચૂપચાપ સાંભળ્યા કર્યું, અને ફોન મૂકી દીધો. સચિન જરા અકળાઈને - એની વાતોમાં ખલેલ પડીને - બોલ્યો, “કોણ હતું, પાપા?” મારે કહેવું તો પડે જ કે કોનો ફોન હતો. “જો બાબા, શર્માજીએ ફોન કર્યો. એમ કહેવા કે ગઈ કાલે વહેલી સવારે માનિની મૃત્યુ પામી છે.” “શું કહો છો? આટલું જલદી કઈ રીતે બન્યું? અમે ફ્રાન્સ જતાં પહેલાં એને જોવા હૉસ્પિટલમાં ગયેલાં. ત્યારે તબિયત એવી ખરાબ તો નહતી.” સચિન આઘાત પામી ગયો. હવે બીજી બધી વાત છોડીને એણે કહ્યું, “પાપા, તમે શર્માજીને ફોન કરોને. એ ફ્રી હોય તો હમણાં જ મળી આવીએ.” પછી તો દિવાનને પણ તૈયાર થઈને તરત નીચે આવી જવાનું કહ્યું, અને જલદીથી અમે ઈસ્ટ સાઇડ પર શર્માજીને ત્યાં જવા નીકળી ગયા. શર્માજી એકલા બેઠા હતા. બે દિવસમાં જ સાવ નંખાઈ ગયેલા લાગતા હતા. અમને ત્રણેને ‘આવો’ કહીને એ સચિનની સામે જોઈને બોલ્યા, “તને બહુ યાદ કર્યો એણે, બેટા. કહ્યા કરતી હતી, સચિનને કહ્યું? સચિનને બોલાવોને. સચિન ક્યારે આવશે?” “અંકલ, હું સત્તર-અઢાર દિવસથી બહારગામ હતો. હમણાં બે કલાક પહેલાં જ પાછો આવ્યો છું. અહીં હોત તો તરત મળવા ના આવી જાત?” “હા, બેટા. તારા પાપાએ મને જણાવ્યું હતું, કે તું અહીં નથી. જાણે છે, એક વાર માનિનીએ ધીમેથી મને કહેલું - એવી અશક્ત થઈ ગઈ હતીને, કે બહુ બોલાતું પણ નહતું. કહે,‘દાદાજી, સચિન જેવો મિત્ર મને પહેલાં મળ્યો હોત તો હું બચી ગઈ હોત. મને જિંદગીનો સાચો આનંદ જાણવા મળ્યો હોત. મારી આવી હાલત ના થઈ હોત.’ છોકરી ડાહી હતી, પણ એને સોબત ખરાબ મળી. નાની ઉંમરે વધારે પડતા પૈસાની છૂટ મળવાથી કેવું નુકશાન થઈ જઈ શકે છે, તે બધા યુવાન લોકોએ સમજવા જેવું છે”, શર્માજી આંખો લૂછતા લૂછતા બોલ્યા. અમે ત્રણ અવાક્ થઈને બેસી રહ્યા. હું અને દિવાન શર્માજીની બે બાજુ પર બેઠેલા, એમના ખભા પર હાથ મૂકીને, પણ અમે સાંત્વનના કોઈ શબ્દ બોલી ના શક્યા. પોતાના પહેલાં પૌત્રીને જતી જોવી પડી, એનું દુઃખ કોઈ પણ શબ્દોથી ઘટવાનું નહતું. માનિનીને શું થયું હતું, તે પૂછવાનું યોગ્ય નહતું લાગતું. પણ શર્માજી જ આગળ બોલ્યા, “જેવી રૂપાળી હતી તેવી હોંશિયાર પણ હતી. તારી જેમ એ પણ પ્રોફેશનલ કરિયર કરી શકી હોત, સચિન. પણ એને ધૂન લાગેલી મઝા કરવાની. આખો વખત મઝા. ખાવાનું સાવ નહીં જેવું, પીવાનું જ વધારે. સિગારેટ પણ ખરી, અને બીજા ડ્રગ પણ લેતી હોય તો કોણ જાણે. રોજ બહાર જવાનું. ક્યારેક તો રાતે પાછી પણ ના આવી હોય. મા-બાપનું- લોકેશ ને શીલાનું - કશું સાંભળે નહીં. હું પાસે બેસાડીને કાંઈ કહેવા પ્રયત્ન કરું, તો હસતાં હસતાં કહે, ‘અરે, દાદાજી, આ જમાનામાં તો આમ જ જીવવાનું હોય. જિંદગી કેવી ટૂંકી છે. છેને? તો પછી એને રોજે રોજ માણવાની જ હોય ને.’ મને જ ભાષણ આપે. હું તો કહીશ, એ મઝા અંગેના સાવ ખોટા ખ્યાલમાં ફસાઈ ગઈ હતી.” હું વચમાં સચિનની સામે જોઈ લેતો હતો, અને અંજલિને યાદ કર્યા કરતો હતો. એ બે જાતે જાતે જ મોટાં થયાં, પણ આવા રવાડે ના ચઢી ગયાં, ને આવાં મિત્રોમાં ના ફસાયાં, એ માટે ફરીથી, ફરી ફરી, મનોમન હું નસીબનો પાડ માનતો હતો. કદાચ શર્માજીને પોતે પણ જવાબદાર લાગતા હશે, કે પછી હું ને દિવાન પાસે હતા તેથી દિલ ખાલી કરવા માગતા હશે. એ બોલતા ગયા, “નાનપણમાં બહુ લાડમાં ઉછેરી હતી માનિનીને. કોઈ વાતની ના જ નહીં પાડવાની. મારા અને એની દાદી તરફથી માનિનીને બધી છૂટ જ હતીને તે વખતે. માગે તેનાથી વધારે પૈસા હું જ આપતો હતોને એને. સ્કૂલમાં એ જ બધાં મિત્રોને માટે પૈસા ખરચતી. બધાં કહેવાતાં મિત્રો. એવાં જ એને મળતાં પણ રહ્યાં. આ છેક સુધી.” સચિન રસોડામાં જઈને એમને માટે પાણી લઈ આવ્યો. પાણી પી, આંખો લુછીને એમણે કહ્યું, “બેટા, અમારે માનિનીની પાછળ ચૅરિટિમાં પૈસા આપવા છે. તને ખ્યાલ છે એ વિષે કશો?” સચિનને તરત ગ્રાન્ડ કૅથિડ્રાલમાં મળેલો તે વિલિયમ યાદ આવી ગયો. એણે શર્માજીને ત્યાંના સૂપ-કિચન વિષે કહ્યું. “ત્યાં આર્મિના રિટાયર્ડ સોલ્જરો માટે જમવાના ડબ્બા તૈયાર થાય છે, અને બસો-અઢીસો હોમલેસ લોકો ત્યાં રોજ જમે છે. એ કેન્દ્રમાં ફંડની જરૂર હંમેશાં હોય છે. નહીં તો અંકલ, તમે કોઈ મંદિરમાં પણ પૈસા આપી શકો.” “હા, કોઈ વાર મંદિરમાં જવાનું થશે ત્યારે ત્યાં પણ આપીશું. અમુકમાં સામાજિક કાર્યો થતાં જ હોય છે, કાઉન્સેલિન્ગ વગેરે પણ થતું હોય છે. ત્યાં જરૂર અમે મદદ કરીશું. પણ આપણે અમેરિકામાં રહીને પૈસા કમાયા, સુખી થયા, તો અહીંની દુઃખિયારી પ્રજાને પણ આપણે સહાય કરવી જોઈએ, એમ મને લાગે છે. તેં ઘણું સારું સૂચન કર્યું છે, ને અત્યારે તો, તું કહે છે ત્યાંને માટે જ કશુંક કરવાનું મન થાય છે.” સચિને તરત વિલિયમને ફોન કર્યો. એ ત્યાં જ હતો, ને તરત એની સાથે વાત થઈ ગઈ. કયા નામે ચેક લખવાના તે વિલિયમે જણાવ્યું, અને એ પ્રમાણે શર્માજીએ બે ચેક લખી આપ્યા. સાથે જ, એમને સચિનની સાથે ગ્રાન્ડ કૅથિડ્રાલ પર જવાની, અને આ ચૅરિટિ સેન્ટર જોવાની પણ ઈચ્છા થઈ. એ કહે, “જોઉં, ને સમજું, તો ફરી દાન કરી શકું. અને ક્યારેક ત્યાં જઈને સમયની મદદ પણ કરી શકું.” હું તો પહેલાં સચિનની સાથે ત્યાં ગયો જ હતો, પણ દિવાન નહતા ગયા. એમને પણ થયું, કે સાથે છે તો એ પણ આ કેન્દ્ર જોઈ કેમ ના લે. વિલિયમને કહેલું હતું એટલે એ અમારી રાહ જોતો હતો. એની પત્ની સુઝન પણ હતી. સચિને અમારી ઓળખાણ કરાવી. શાને માટે દાન કરવાનું છે, તે વિલિયમે પૂછ્યું નહીં, ને આ અકાળ અવસાન વિષે અજાણ્યાંને વાત કરવાનું શર્માજી ઈચ્છતા પણ નહતા. ચેકમાંની રકમ જોઈને વિલિયમે ખૂબ આભાર માન્યો. “તમે અમને ખૂબ સમયસર આ મદદ કરી રહ્યા છો, સર. અત્યારે અમારે વધારે લોકોને ખાવાનું પૂરું પાડવાનું છે, કારણકે હાર્લેમમાંનું એક કેન્દ્ર હમણાં બંધ થયું છે.” હાર્લેમનું નામ સાંભળીને હું ચોંકી ગયો. જાણે મારા કોઈ પરિચિતનો ઉલ્લેખ થયો હતો. સચિને એ જોઈ લીધું હતું. એણે જ વિલિયમને પૂછ્યું, “કયું કેન્દ્ર? એ હંમેશ માટે બંધ કરવું પડ્યું છે?” “ના, ના. હમણાં ત્યાં મકાનનું સમારકામ ચાલે છે, એટલે ત્યાં જમવા જનારા હોમલેસ લોકોને બીજાં બેએક કેન્દ્રમાં વહેંચી દીધા છે. પણ આથી દરેક કેન્દ્ર પર ભાર વધી જતો હોય છે. આ બે ચેકની રકમ આપીને તમે અમારા પર બહુ રાહત કરી છે, સર”, વિલિયમે ફરીથી શર્માજીનો આભાર માન્યો. એણે તો સચિનનો પણ આભાર માન્યો, કારણકે એણે જ આ કેન્દ્ર વિષે શર્માજીને જાણ કરી હતી. શર્માજીએ વિલિયમને બીજી કઈ કઈ પ્રવૃત્તિ ત્યાં થાય છે, તે વિષે પૂછ્યું. એણે કહ્યું, કે આમ તો જમાડવાનું જ થતું હોય છે. પણ ક્યારેક બહુ જરૂર હોય તો કાઉન્સેલિન્ગ, શારીરિક કસરત વગેરે જેવી મદદ પણ કરવામાં આવે છે. એ માટે સુઝનની જરૂર પડતી. એની ટ્રેઇનિન્ગ આ બાબતોમાં હતી. સુઝને જણાવ્યું કે આ લોકોને જાતજાતના માનસિક તેમજ શારીરિક રોગ થતા હોય છે. આ કેન્દ્રમાં અમે એમને તાત્કાલિક સહાય આપી શકીએ. એ પછી વધારે સારવાર માટે એમણે સરકારી કાર્યાલયોમાં જઈને નોંધણી કરાવવી પડે, અને જરૂર પ્રમાણેની ચિકિત્સા મેળવવી પડે. “આવી સમસ્યા શું ન્યૂયોર્ક જેવા મોટા, અને વસવાટ માટે કઠિન કહેવાય એવા શહેરમાં જ હોય છે?”, દિવાને પૂછ્યું. “અરે, ના, ના. અમેરિકાના દરેક મોટા ને નાના શહેરમાં ઓછેવત્તે અંશે આવી સમસ્યાઓ ઊભી થયેલી છે. માનવું મુશ્કેલ લાગે છે, નહીં? એકદમ આધુનિક અને ધનિક ગણાતા દેશમાં આટલી મોટી સંખ્યામાં ગરીબ અને હોમલેસ લોકો હોય, તે કોણ માની શકે? પહેલાં ઘર, કુટુંબ, નોકરી વગેરે જવા માંડે, ધીરે ધીરે હાલત બગડતી જાય, ને પછી માનસિક અને શારીરિક રોગ થવા માંડે, તેમજ ગુના કરનારાઓ પણ વધતા જાય.” “મારે અહીં આવીને મદદરૂપ થવું હોય તો —” સુઝન અને વિલિયમે માથાં હલાવ્યાં, અને કહ્યું કે “એવું તો ના થઈ શકે. એક તો, સુઝન કરે છે તેવી મદદ માટે તો એ ક્ષેત્રમાં ડિગ્રી હોવી જોઈએ”, વિલિયમ બોલ્યો. “અને બીજું, આ લોકો સાથે કામ કરવું, કે એમને મદદરૂપ થવું પણ હંમેશાં સહેલું નથી હોતું. આપણે જ સાચવવું પડે, ને સતર્ક રહેવું પડે. કોઈ ક્યારે ઝગડી પડે, કે મારવા માંડે, તે કહેવાય નહીં.” “હું ‘માનવીય કેન્દ્ર’માં બે-સવા બે વર્ષ રહ્યો, અને મદદરૂપ થયો. પણ ત્યાં આવતા લોકો ઘણા શાંત અને મળતાવડા હતા, એટલે વાંધો ના આવ્યો”, મારાથી કહેવાઈ ગયું. “એ કેન્દ્ર બહુ સારું હતું. સરકારે જ મદદ બંધ કરી, ખરુંને? એટલે કેન્દ્ર પણ બંધ થયું. આવી વાસ્તવિકતા છે, તે કેટલાં ઓછાં જાણતાં હોય છે, નહીં?”, વિલિયમ બોલ્યો. “પણ તમે આવીને સોલ્જરો માટેના ખાવાનાના ડબ્બા ભરાવવામાં મદદ કરી શકો, ખરુંને, વિલિયમ?”, સુઝને કહ્યું. “હા, એ થઈ શકે, કારણકે એ કામ રસોડાની બાજુના રૂમમાં થતું હોય છે, અને ત્યાં કાર્યકરો અને સ્વયંસેવકો સિવાય કોઈ જતું નથી હોતું. હમણાં તો અમારી પાસે પૂરતા મદદગારો છે, પણ તમારો ફોન નંબર મને આપી રાખો, સર. જરૂર હોય ત્યારે હું તમને આગળથી ફોન કરી દઈ શકું”, વિલિયમે વિવેકથી જવાબ આપ્યો. બહુ સારી માહિતી મળી હતી અમને. અમે સુરક્ષિત રહીને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ, એ જાણવું અમને ત્રણેયને ગમ્યું હતું. સચિને સુઝન અને વિલિયમ સાથે ફરી મળવાની વાત કરી. બહાર નીકળીને સચિને અમને એક કાફે તરફ દોર્યા. કહે, “તમને હું સરસ કૉફી પીવડાવું.” એ જ પેલા હંગેરિયન કાફેમાં બેઠા પછી ફરી શર્માજી રુંધાયેલા અવાજે કહેવા માંડ્યા, “તમે બધા મારા સાચા મિત્રો છો. તમે પૂછ્યું પણ નથી કે લોકેશ અને શીલા, એટલેકે માનિનીનાં પપ્પા-મમ્મી ઘેર કેમ ના દેખાયાં. ગઈ કાલે અગ્નિદાહ અપાયો. અમે કોઈને જ ના બોલાવ્યાં. એ માંદી હતી, પણ તોયે જીવતી હતી ત્યારે કોણ આવ્યું એને જોવા, એને મૈત્રીની હુંફ આપવા? અમે ત્રણ જ જણે એને વિદાય આપી. પછી લોકેશ અને શીલા સોએક માઇલ દૂર એક બૌદ્ધ મઠમાં ત્રણેક દિવસ રહેવા જતાં રહ્યાં. ત્યાં પહેલાં પણ ગયાં છે બંને, અને ત્યાં એમને બહુ શાંતિ મળે છે. અત્યારે તરત લોકેશ-શીલાને માનિની વગરના ઘેર પાછાં નહતું જવું. પણ મેં ઘેર જ રહેવાનું નક્કી કર્યું. અઘરું છે મારે માટે પણ, છતાં મેં ઘેર રહીને સ્વસ્થ થવાનું પસંદ કર્યું.” સચિન તરત જ બોલ્યો, “અંકલ, તો આજે તમે ઘેર ના જાઓ. અમારે ત્યાં જ રાતે રોકાઓ.” “નહીં તો મારે ત્યાં રહેજો. મુકુલ ને રીટા પણ બહાર છે આજે”, દિવાને કહ્યું. શર્માજી ના-ના તો કર્યું, પણ દિવાન અને હું આગ્રહ કરતા રહ્યા. દિવાનને સરસ કંઇક સૂઝ્યું હશે, તે એ કહેવા માંડ્યા, “જુઓ, શર્માજી, કાલે આપણે ત્રણ જણા સાથે દિવસ પસાર કરીશું, સાથે જમીશું, સાંજે નીચે પાર્કમાં સાથે આંટો મારીશું. બરાબર ને?” હું ને સચિન તો આ નાટ્યાત્મક રીતે કહેવાયેલી વાત સાંભળીને હસી જ પડ્યા, પણ શર્માજીના હોઠ પર પણ આજે પહેલી વાર આછું સ્મિત જોવા મળ્યું.