આમંત્રિત/૩. સુજીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩. સુજીત

એક સમયે જે હતું, ને તે હવે નથી - એને માટે મનથી સળગ્યા કરવામાં ક્યાં કશો ઉકેલ છે? હવે વલખવું નથી. હવે કશું ઈચ્છવું નથી. હવે કશું પામવું પણ નથી. હવે, બસ, કોઈ પણ રીતે નભી જવું છે. લિમોઝિનના ડ્રાયવર તરીકેની નોકરીમાંથી મને બહુ આનંદ નહતો મળતો, ને એમાં કશી હોંશિયારીની જરૂર નહતી, છતાં હતી શાંતિની નોકરી, ને મને ફાવી ગઈ હતી. એક સમયે જીવનમાં કેવી કારકિર્દી હતી, તે યાદ કરી કરીને, પોતાનાથી થયેલી ભૂલો અને વાંકને યાદ કરી કરીને, જીવ બાળી બાળીને ઘણાં વર્ષ જીવ્યો. હવે જિંદગી જે આપે તે સ્વીકારું છું. બીજો ઉપાય જ ક્યાં છે? આ નોકરીમાં મારે ન્યૂયોર્કની મોટી મોટી કોર્પોરેશનની ઑફીસમાંથી ક્લાયન્ટને લેવાના હોય, અને બીજે ઉતારવાના હોય. પૈસાની આપ-લે કરવાની હોય જ નહીં. દર અઠવાડિયે લિમોઝિન કંપનીમાંથી પગાર મળી જાય. મોંઘા સૂટ પહેરેલા કોઈ ઑફીસર ક્યારેક દયાળુ થઈને, ઑફીસના જ પૈસે, બક્ષિસ આપે, ત્યારે આપણને એટલો ફાયદો થયો ગણાય. એક સાંજે પાર્ક એવન્યૂ પરની અમેરિકન બૅન્કની ઊંચી ઇમારતની પાસે, રસ્તાના અને ટ્રાફીકના નિયમ પ્રમાણે સાચવીને મેં લિમોઝિન ઊભી રાખેલી. જેની વરધી હતી તે વ્યક્તિ બારણું ખોલીને અંદર બેઠી પછી મેં ગાડી ચલાવી. ક્યાં જવાનું છે તે પણ કંપની તરફથી જણાવેલું જ હોય. હું કાચમાંથી ક્યારેય જોઉં જ નહીં કે પાછલી સીટ પર કોણ બેઠું છે. ક્લાયન્ટ સાથે વાત કરવાની જરૂર જ ના હોય. વળી, ક્લાયન્ટ પોતે પોતાના ફોન પર જ લાગેલા હોય. પણ એ સાંજે, બે મિનિટમાં જ ક્લાયન્ટે કહ્યું, “ડ્રાયવર, જગ્યા બદલાઈ છે. મને ઈસ્ટ સાઈડ પર ઉતારવાનો છે.” ત્યારે મેં કાચમાં જોઈને પૂછ્યું, “કઈ સ્ટ્રીટ પર લઉં, સર?” હું તો, નોકરીમાં આવશ્યક એવા વિવેકથી, જવાબની રાહ જોતો હતો. પણ પાછળ બેઠેલો યુવાન જરાક ચમકેલો. એનાથી બોલાઈ ગયેલું, “અંકલ?” એટલી એક પળમાં એને હું ઓળખાઈ ગયેલો. મેં એને ઓળખ્યો નથી, એમ લાગ્યું એટલે એણે કહ્યું, “મને ના ઓળખ્યો, અંકલ? અરે, હું તમારા સચિનનો ખાસ ફ્રેન્ડ ખલિલ છું. જુઓ, હવે ઓળખ્યો ને?” મેં કહ્યું તો ખરું, “હા, હા, ઓળખ્યો જ ને”, પણ ભૂતકાળમાંનું કોઈ ઓળખીતું મને આમ સાધારણ લિમોઝિન-ડ્રાયવરના લેબાસમાં જોઈ ગયું, એથી હું ખૂબ સંકોચ પામી ગયો હતો. સચિનના સફળ વકીલ પિતા તરીકે ખલિલ અને બીજા મિત્રો, નાના હતા ત્યારથી, મને ઘણું માન આપતા રહ્યા હતા, ને હવે અચાનક મારી આવી પડતી થયેલી જોઈને, મોટી કોર્પોરેશનમાં ઑફીસર બની ગયેલો ખલિલ શું વિચારતો હશે? મને થયું, આવી નાલેશી ભોગવવા કરતાં તો શહેરની બસ નીચે કચડાઈ જવાનું સારું. પણ પ્રયત્નપૂર્વક મેં પૂછ્યું, “કેમ છે, બેટા? બધાં મઝામાં છોને?” ખલિલે સચિન વિષે કહેવાનું શરૂ કરી દીધેલું, પણ ત્યાં જ મેં કહ્યું, “તમારે ઊતરવાની જગ્યા, સર.” ટેવ પ્રમાણે મારાથી ‘સર’ જ બોલાઈ ગયું હતું. ખલિલે જાણીને ના-સાંભળ્યું કર્યું. મને પોતાનું કાર્ડ આપતાં બોલ્યો, “પાછળ સચિનનો નંબર લખ્યો છે, અંકલ. ફોન ચોક્કસ કરજો, હોં.” હું અંદરથી જરા ધ્રૂજી તો ગયો. ઘણા દૂર થઈ ગયેલા ભૂતકાળનો એકાદ પડછાયો જાણે ગાડીની અંદર ઘુસી આવ્યો હતો, ને મારું ગળું દબાવી ગયો હતો.. ન્યૂયોર્ક જેવા શહેરમાં આમ અચાનક કોઈ ઓળખીતું મળી જાય એવું ભાગ્યે જ બને. પણ તો એનો અર્થ એ કે ફરી આવું બનવાના ચાન્સ નહીંવત્ તો શું, બીલકુલ હતા જ નહીં. થોડી વારમાં તો આ બનાવ પાછળ રહી ગયો, અને મારી બીજી વરધીઓમાં દિવસ પસાર થઈ ગયો. બે દિવસ પછી રાત પડ્યે જ્યારે હું ભાડાની એ ખોલી પર ગયો, અને મિસિસ રૂસોએ મને જ્યારે એ કવર આપ્યું, ત્યારે એની પરનું નામ વાંચીને મને નવાઈ લાગી, મનોમન ખૂબ સંકોચ થયો, ને તેમ છતાં થયું કે જાણે મારા મનની અંદરનું બધું સળગવું-વલખવું હવે દૂર થઈ જવાનું હતું, શમી જવાનું હતું. મારા બાબાએ કેટલા પ્રેમથી મને કાગળ લખ્યો હતો. ખલિલે તરત જ સચિનને જણાવ્યું હશે, અને જુઓ તો, સચિને તરત મારું સરનામું મેળવવા લિમોઝિન કંપનીમાં તપાસ કરી હશે. આમ તો કંપની કોઈનું સરનામું આપે નહીં, પણ સચિને પણ પોતાની ઊંચી પોઝિશનની લાગવગ ચલાવી હશે. હા, એ પણ મોટી પદવી પર જ હોવાનો. એ તો સ્કૂલમાંથી જ કેવો સ્કૉલર હતો. મારો બાબો સ્કૉલરશિપ પર ભણ્યો, જાતમહેનતે જ કેટલો આગળ આવી ગયો, મારો સચિન. હું હાથ-મોઢું ધોવા પણ રહ્યો નહીં, ને સાચવીને મેં કવર ખોલ્યું. અંદરથી એક વાળેલો કાગળ નીકળ્યો. એ તો ચેક હતો. સચિને મને સારા એવા ડૉલર મોકલ્યા હતા. ડ્રાયવરની નોકરી કરું છું જાણ્યું એટલે અર્થ કર્યો કે હું ભિખારી હોઈશ. બસ, એ એક વાળેલી ચબરખી, તે જ. ના, બીજો કોઈ કાગળ નહીં. કેમ છો, પાપા?, જેવો કોઈ સાદો પ્રશ્ન નહીં; મળવાની કોઈ વાત નહીં. અરે, મેં શું ધાર્યું હતું? સચિન પાસે મને પત્ર લખવા બેસવાનો ટાઇમ હશે, એમ? મને ખૂબ અપમાન લાગ્યું. હું હતો તેનાથી વધારે હતાશ અને દુઃખી થઈ ગયો. જિંદગી માટે મેં કેટલી બધી આશા રાખી હતી. સાદી એવી માગણી હતી - સફળતા પામવાની, સુખી થવાની. નાનપણથી, મા-બાપની સાથે હતો ત્યારથી, આટલું જ કૈંક પામવા મથતો રહેલો. એમ તો, મેં પણ ઇન્ડિયામાં સ્કૉલરશિપ પર જ ડિગ્રી લીધેલી. જાતે જ પ્રયત્નો કરીને અમેરિકામાં યુનિવર્સિટિનું ઍડ્મિશન મેળવ્યું હતું. અમેરિકા ગયા પછી પણ કેટલી મહેનત કરી. એન્જિનિયર તરીકે સારી નોકરી કરી, પછી વળી વકિલાતનું ભણીને મારી પોતાની ઑફીસ ખોલી. કેતકી જેવી પત્ની હતી, સચિન અને અંજલિ જેવાં બે વહાલસોયાં બાળકો, મારું પોતાનું ઘર. શું નહતું? ને છતાં, નસીબ એવું ક્રૂર, કે બધું છિનવાઈ પણ ગયું, ક્યાંયે ફેંકાઈ ગયું. જે મેળવેલું એમાંનું કશું જ ના રહ્યું. હા, એ અર્થમાં ભિખારી જ કહેવાઉં. પણ નથી. હું મરી જાઉં પણ ભીખ ને દયા પર તો નહીં જ જીવું. બે દિવસ પછી એ કવર સચિનની ઑફીસના સરનામે મેં કુરિયરથી પાછું મોકલી આપ્યું. એ દરમ્યાન, ઘણું વિચાર્યા અને મન સાથે ઘણું ચર્ચ્યા પછી, મેં નિર્ણય કરી લીધો હતો એ મુજબ મારો સાવ થોડો સામાન એક બૅગમાં ભર્યો, મિસિસ રૂસોનો આભાર માન્યો, એમને સૉરિ પણ કહ્યું, ભાડાના બાકી હતા તેનાથી વધારે પૈસા હાથમાં મૂક્યા, અને હું સબ-વે ટ્રેનના સ્ટેશન તરફ ચાલવા માંડ્યો. ક્યાં જઈશ તેની ખબર નહતી. શું કરીશ, કઈ રીતે ટકીશ, તેનો કશો જ ખ્યાલ નહતો. હતાશાના જ કોઈ ઝનૂનથી, તદ્દન આશરે મેં ટ્રેન-લાઇનના સાવ છેલ્લા સ્ટેશન માટેની ટિકિટ લીધી. શું હશે ત્યાં, ને કેવો એરિયા હશે, કોને ખબર. પણ મારા જેવા ક્ષુલ્લક અને એક વખતના ઘમંડીને પણ જીવનમાંનું દૈવી તત્ત્વ ક્યારેક ક્ષમા કરી દેતું હશે. એ સ્ટેશને હું ઊતર્યો, અને આમતેમ જોતો આશરે એક દિશામાં ચાલવા માંડ્યો. લોકોના રહેવાસને લાયક, શાંત પરિસર હતો. થોડી વાર ચાલ્યા પછી, અચાનક મારી નજર પડી એક પાટિયા પર. એના પર લખ્યું હતું, ‘માનવીય કેન્દ્ર’. એમાં શું કામ થતું હતું, તે હું સમજ્યો તો નહીં, પણ એ નામના અર્થની ઉદારતા પર આધાર રાખીને, અંદર જઈને પૂછવા-જાણવાની હિંમત મેં કરી. પહેલાં રિસેપ્શનિસ્ટ, પછી એક કાર્યકર, પછી મુખ્ય સંયોજક જ્હોનને હું મળ્યો. બધાં હસતે મોઢે જ વાત કરે. એટલાથી જ મને રાહત થઈ. પેલી હસતી રિસેપ્શનિસ્ટ મારે માટે ગરમ કૉફી અને બિસ્કિટ લઈ આવી. હું એને થાકેલો, ને ભૂખ્યો-તરસ્યો લાગ્યો હોઈશ. ને એવો જ હતોને હું એ દિવસે. હું કામની શોધમાં છું, તે પણ સ્પષ્ટ જ હતું. પછી તો એમનાં કામ વિષે મેં જાણ્યું, મારાં આવડત અને અનુભવ વિષે એમણે જાણ્યું. એમના પક્ષે નિરાંત થઈ, ને મને સંતોષ થયો, કે પરસ્પરને મદદ મળશે અહીં. “આજે કેન્દ્રની પ્રવૃત્તિ જુઓ, બધાંને મળો, અને કાલથી અમે તમને ઉપયોગમાં લેવા માંડીશું”, જ્હોને કહ્યું. દિવસ પૂરો થાય તે પહેલાં, નજીકમાં, થોડા ભાડામાં, એક કાર્યકરના ઘરના એક રૂમમાં મારી રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. આ રીતે, ત્યાં ને ત્યાં, તરત ને તરત, ફરી જીવન સુરક્ષિત બની જાય, એવું સહેલાઈથી માની જ ના શકાય. પણ અત્યાર સુધીમાં મારી જિંદગીમાં તો કેટલુંયે બન્યું જ હતું ને? - એવું જ, માની ના શકાય તેવું. એ કેન્દ્ર ખરેખર માનવ-સેવા માટેનું જ હતું. આસપાસમાં રહેતાં ગરીબ તેમજ અભણ જેવાં સ્ત્રી-પુરુષો સવારથી બપોર સુધી ત્યાં લખતાં-વાંચતાં શીખતાં, રમતો રમતાં, ચિત્રો દોરતાં, ગાતાં, હસતાં. લંચ પણ એમને આપવામાં આવતું. હું ભલે અભણ નહતો, પણ હતો તો ગરીબ અને એમના જેવો જ દુખિયારો ને. એમની સાથે સાથે, મને પણ અહીં સહાય અને કંપની મળવાનાં હતાં. લગભગ બે આખાં વર્ષ મેં ત્યાં મિત્રતાના વાતાવરણમાં, અને મનની શાંતિમાં વિતાવ્યાં. ત્યાર સુધી મારું જે જીવન હતું તેની સાથે હવે કોઈ સંપર્ક નહતો, સંબંધોની કશી કનડગત નહતી. આછા-પાતળા આ સુખથી મારું મન રુઝાઈ જવા આવ્યું હતું, પણ ફરી મારું નસીબ કૃદ્ધ થયું. મારંુ જ શા માટે?, અમારાં બધાંનું નસીબ કૃદ્ધ થયું હતું. અમને બધાંને જાણ કરવામાં આવી, કે આ કેન્દ્રને આપવામાં આવતી સહાય માટે સરકાર પાસે હવે સગવડ નહતી, અને કેન્દ્ર બંધ થવાનું હતું. એ સ્ત્રી-પુરુષોને બીજે ખસેડવાની ચર્ચા ચાલતી હતી. એ જગ્યાએ પણ મારી મદદની જરૂર તો રહેવાની, પણ મારે હજીયે બીજે ક્યાંક, ફરીથી બીજી કોઈ અજાણી જગ્યાએ હવે જવું નહતું. ફરીથી જીવને ઉપાડીને બચવા મથવાની જરૂર પડી હતી. કેન્દ્રમાંથી મળેલા વેતનમાંથી થોડા મહિના તો નીકળશે, ને ત્યાં સુધીમાં બીજો કોઈ રસ્તો પણ નીકળી આવશે. ક્યાં જાઉં તે વિચારતાં, ઘણા વખત પછી મને ન્યૂયોર્ક શહેરમાં પાછા જવાનું મન થયું. કહું કે મેં પાછી એ હિંમત કરી. છેક આટલા વખતે, વામા અને રૉબર્ટ પણ યાદ આવ્યાં. મારી આવી મુફલિસ જેવી હાલતમાં, મારી એક વખતે પ્રિય મિત્ર એવી, વામાને તો હું મળી શકું તેમ નહતો, પણ રૉબર્ટને મેં ફોન કર્યો. એના જેવા સજજ્ન માણસ બહુ હોતા નથી આ દુનિયામાં. એણે જરા પણ અચકાયા વગર મને મળવા બોલાવ્યો, મારી વાત સાંભળી, અને એક-બે મિત્રોને ફોન કરીને મને એક નાની નોકરી પણ ગોઠવી આપી. મારી તુચ્છ જેવી જિંદગીમાં હજી જે એક છેલ્લો સુખદ સંયોગ બાકી હશે, તેનું કારણ પણ રૉબર્ટ જ થયો. ન્યૂયોર્કમાં રહેવાની ગોઠવણ કર્યા પછી, એને મેં મારો ફોન નંબર આપી રાખેલો. વામા પાસે એ નંબર નહતો, પણ રૉબર્ટ પાસે છે એટલી એને ખબર હતી, કારણકે રૉબર્ટે મારી બધી વાત એને કરેલી. પછી સંજોગવશાત્, ઘણા લાંબા વખતે, જ્યારે વામા સાથે કેતકીને વાત થઈ, ત્યારે એ વાતોમાંથી કેતકીએ જાણ્યું કે રૉબર્ટ પાસે મારો નંબર છે. કોઈ વિલંબ વગર એણે સચિનને જણાવ્યું, ને પછી મારો નંબર મેળવવા સચિનને રૉબર્ટ પાસે ઘણી વિનંતી કરવી પડી, ઘણી ખાતરી આપવી પડી. જોકે રૉબર્ટે મને પૂછી લીધું હતું, અને મારી સંમતિ મળ્યા પછી જ એણે સચિનને મારો નંબર આપ્યો હતો. વર્ષો સુધી હાડમારી ભોગવતાં ભોગવતાં મારી તબિયત નબળી પડતી ગઈ છે, તે કોઈને પણ જણાય તેમ હતું. ઝઝુમતાં રહેવાની હવે મારામાં હામ રહી નહતી, ને હવે કોઈની પાસે કશું સંતાડવાનો, કે સંકોચ પામવાનો ય કશો અર્થ રહ્યો નહતો. તેથી જ્યારે સચિને મને ફોન કર્યો ત્યારે મેં એને અવગણ્યો નહીં.