આમંત્રિત/૮. જૅકિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૮. જૅકિ

રવિવારની સવારે સચિને એ વખતે ફોન કર્યો ના હોત તો જૅકિ બહાર નીકળી ગઈ હોત. એને થોડું શૉપિન્ગ કરવું હતું. પછી તો, ન્યૂયોર્કના રસ્તા ઉપર લોકોનો, ગાડીઓનો, બસોની બ્રેકનો અવાજ એટલો હોય, કે ફોન પર્સમાં હોય અને વાગે તો સંભળાય જ નહીં. સચિને જો જરા પણ મોડો ફોન કર્યો હોત તો જૅકિએ સાંભળ્યો ના હોત, અને ઘેર ગયા પછી પણ કદાચ મોડે સુધી એ મિસ્ડ કૉલ એની નજરે પડ્યો ના હોત. ને એમ થયું હોત તો એ સચિનને ઘેર જવાનો સમય કાઢી શકી ના હોત. સચિના ફોનથી એને નવાઈ તો લાગેલી, પણ એ સમજી કે સચિન રવિવારે એને માટે ખાસ સમય કાઢીને, ગઈ કાલને માટે ફરી માફી માગી રહ્યો હતો. એ સંતોષ તો પામેલી કે સચિન સંપર્કને ટકાવવા કૈંક વધારે પ્રયત્ન કરી રહ્યો હતો. છતાં, એને લાગતું હતું, કે એમણે બંનેએ, ગભરાયા ને અચકાયા વગર, હવે મૈત્રીને વધારે સ્પષ્ટ કરવાની જરૂર હતી. રવિવારની એ બપોરે સચિનના અપાર્ટમેન્ટમાં જતાં જ, સૌથી પહેલાં જૅકિને દેખાઈ હતી સુજીતની આંખો. લીલી-ભૂખરી આંખો. અનયુઝ્વલ ગ્રીન-ગ્રે કલર. સૌથી પહેલી વાર સચિનને જોયો ત્યારે પણ જૅકિની નજર એની આંખો પર જ અટકી હતી. જોકે ટીકીને જોવાનું શક્ય નહતું. પણ હવે એને સમજાયું, કે કઈ રીતે થઈ હતી સચિનની આંખો એવા રંગની. એના પાપાને નમસ્તે કરતાં એમની સાથે નજર મળી, જૅકિએ એ લીલી-ભૂખરી આંખો જોઈ, ને એને તરત ખ્યાલ આવ્યો હતો કે સચિનને વારસામાં મળ્યો હતો એની પોતાની આંખોનો અસાધારણ રંગ. પિતા-પુત્રમાં આ કેવી વિશિષ્ટ સમાનતા હતી. આગલી સાંજે રૉલ્ફ અને કૅમિલને ઘેર બહુ મઝા પડી હતી. બધું ફ્રેન્ચ હતું - મિત્રો, ભાષા, વિનોદ, ખાવા-પીવાનું, મ્યુઝીક. કઝીન પૉલ અમેરિકા પર સતત જોક કર્યા કરે. હળવો જ વિનોદ, અપમાન જેવું ક્યારેય નહીં. હસી હસીને બધાં જાણે થાકી ગયાં! હજી તો દસ પણ નથી વાગ્યા, કહીને જૅકિ એકલી ઘેર જતી રહી શકે તેમ હતી, પણ એ મિત્રોનો સૌજન્યનો ખ્યાલ પણ ફ્રેન્ચ હતો. મૂકવા તો જવું જ પડે, ને ચાલીને જવાય તેટલું પાસે જ હતુંને જૅકિનું ઘર. કઝીન પૉલ કહે, ‘હું જાઉં છું સાથે.’ રૉલ્ફ અને કૅમિલને પણ થોડું ચાલવાનું મન હતું, એટલે ચારેય જણ નીકળ્યાં. બહુ ઠંડી શરૂ થાય તે પહેલાંની હુંફાળી જેવી રાત હતી. ન્યૂયોર્કને ચાહનારાં બીજાં કેટલાંયે જણ આ ઋતુમાનનો લાભ લેવા બહાર નીકળેલાં દેખાતાં હતાં. હવામાં તરતા જણાતા આછા ધુમ્મસને લીધે રસ્તા પરની બત્તીઓનો પ્રકાશ ધુંધળો થઈ જતો હતો. હવે કઝીન પૉલને કહેવું પડ્યું ખરું, કે “ભઈ, આ વાતાવરણ - આવી રાત, આ ધુંધળો પ્રકાશ, રસ્તા પર ધીરે ધીરે ટહેલતા બીજા લોકો - બધું લાગે છે તો પૅરિસના જેવું, હોં.” જરાક વિચાર કરીને એ બોલ્યો, “અમેરિકન ફિલ્મ-સર્જક વૂડી ઍલનની અસાધારણ ફિલ્મ ’મિડનાઇટ ઈન પૅરિસ’ યાદ આવે છે મને.” એ ફિલ્મ બધાંયે જોયેલી, અને બધાં સંમત થયાં કે વૂડી ઍલને ખરેખર અસાધારણ ફિલ્મ બનાવી હતી. “જોયું ને”, જૅકિએ કહ્યું, “અમેરિકન સર્જનશીલતા કેવી વિશિષ્ટ હોઈ શકે છે.” પૉલ એમ હારે તેમ નહતો. એ કહે, “હા, પણ એ ફિલ્મમાં પૅરિસ શહેરની સંુદરતા કેટલી મદદરૂપ થયેલી.” જૅકિનું બિલ્ડીંગ આવી લાગેલું. “હવે બધાં કૉફી પીવા ઉપર આવો”, જૅકિએ ફ્રેન્ચ વિવેક દર્શાવ્યો. પૉલને તો મન થઈ જ ગયેલું. એને જાણે હજી છૂટા પડવું નહતું, પણ કૅમિલે કહ્યું, કે “ના, હવે પાછાં જઈએ.” “સારું,” પૉલ જલદીથી બોલ્યો, “પણ તો એમ કરીએ, કાલે સાંજે ડિનર માટે મળીએ. ડિનર મારા તરફથી. શું કહો છો?” સહેજ પણ વાર કર્યા વગર, બધાં વતી રૉલ્ફે કહી દીધું, “હા, હા, ચોકક્સ. અને તું પૈસા આપવાનો હોઈશ તો આપણે બધાં ન્યૂયોર્કની એક સરસ ફ્રેન્ચ રૅસ્ટૉરાઁમાં જ જઈશું !” જૅકિએ કૅમિલ અને રૉલ્ફને ઘેર પહોંચીને પોતાની પર્સ બારણા પાસેના ટેબલ પર મૂકી દીધી હતી, ને નીકળતી વખતે યાદ કરીને લઈ લીધી હતી. એના ઘરની ચાવી એમાં જ હતી. ઉપર જઈને કપડાં બદલીને તરત એ સૂઈ જ ગઈ. ફ્રેન્ચ વાઇનની અસર હશે, સવારે એ વિચારે એને પાછું હસવું આવી ગયેલું. દર રવિવારે સવારે એનાં પૅરન્ટ્સને ફોન કરવાનું નક્કી હતું. એ માટે જૅકિને ફોન શોધવો પડ્યો. આગલી સાંજથી પર્સમાં જ હતો, ને ભુલાઈ જ ગયેલો. છેક એને હાથમાં લીધો ત્યારે એણે જોયું કે સચિને બે વાર ફોન કર્યા હશે તે નોંધાયેલા હતા. શું હશે?, એને નવાઈ જ લાગી. એ તો બીજાંઓની સાથે કોઈ પાર્ટીમાં જવાનો હતો. એમાં કોઈ ફેર થયો હોય તો, બાકી જૅકિનું કામ તો એને શું હોઈ શકે? જૅકિ કોઈ વખત સચિનને ફોન કરતી નહીં. એ એના ફાધરમાં બિઝી હોય, એ ખબર હતી. અને શનિ-રવિના દિવસ તો સચિન એમની સાથે જ ગાળે. સમય હોય ત્યારે સચિન જ એને ફોન કરે. એ જ નિયમ થઈ ગયો હતો. તેથી રવિવારે સવારે જૅકિએ સચિનને સામો ફોન કર્યો નહીં. કૉફી બનાવીને એ રવિવારનું, પુસ્તક જેવું મોટું, ન્યૂયોર્ક ટાઇમ્સ વાંચવા લાગી. આ વિધિ વગર જાણે એની રવિવારની સવાર અધૂરી રહેતી. “આવી આવી ટેવો મને ધીરે ધીરે ન્યૂયોર્કર બનાવી રહી છે”, જૅકિએ સાનંદ વિચાર્યું. અગિયારેક વાગ્યે સચિનનો જ ફોન આવ્યો. એ પણ નવાઈ. રવિવારને દિવસે તો એણે કર્યો જ ના હોય. “કેમ છે, જૅકિ?”, સચિને કહ્યું. “સાંભળ, આજે તારી પાસે સમય છે? તો સાંજે અમારે ત્યાં આવીશ? એમ જ. કાલે સાંજે મળાયું નહીં ને. તો આવીશ ને?” જૅકિએ કહ્યું કે એ પાંચેક વાગ્યે આવી શકશે. સચિનને એવી તો હાશ થઈ, કે ગઈ કાલે કૅન્સલ કર્યું હતું એ કારણે જૅકિ આજે રીસ નહતી કરતી. એ ખૂબ ખુશ થયો હતો, પણ સ્વાભાવિક રહ્યો. પાપાને કહ્યું નહીં, કે કોઈ આવવાનું હતું, એમને એ સરપ્રાઇઝ આપવા માગતો હતો. પાપા જૅકિની સાથે સારી એવી વાતો કરી શક્યા, એ જોઈને પણ એ ઘણો ખુશ થયો. બંનેનું બૅકગ્રાઉન્ડ કાયદા-કાનૂનને લગતું હતું ને. ભલે પછી જૅકિ વકિલાત નહતી કરતી. છ-સવા છ થતાંમાં જ જૅકિને જવાનું હતું. સચિન નિરાશ થઈ ગયો હતો, પણ મોઢું હસતું રાખ્યું. એને લિફ્ટ સુધી મૂકવા ગયો ત્યારે ઉતાવળે પૂછી લીધું, “આવતા શનિવારે મળીશ ને? સાથે ડિનર લઈશું. મૅક્સિકન ખાવું છે? ‘સાન્તા ફે’ રૅસ્ટૉરાઁ બહુ સારી ગણાય છે.” “હા, સારું. વચમાં ફરી વાત કરી લઈશું. આવજે.” અંદર જઈને સચિને સુજીતને પૂછ્યું, “પાપા, જમવા માટે ચાઇનિઝ ઑર્ડર કરી દઉં છું. આપણે તો એમ જ વિચારેલું ને, આજને માટે.” નજીકમાં ‘હુનાન બાલ્કનિ’ નામની ચીની રૅસ્ટારાઁનું ખાવાનું બંનેને ભાવતું. જમતાં જમતાં સુજીતે સ્વાભાવિક ભાવે જ કહ્યું, “તારી ફ્રેન્ડ સાથે વાતો કરવાની મઝા આવી, હોં. આવી યુવતીને મળવાનું બહુ ના થતું હોય, નહીં?” પછીના શનિવારની સાંજને માટે સચિને ‘સાન્તા ફે’ રૅસ્ટૉરાઁમાં રિઝર્વેશન કરાવી દીધેલું. જૅકિને સીધા ત્યાં જ મળવાનું ફાવે એમ હતું. એમ કેમ હશે, તે સચિનને સમજાયું નહતું. અધીરા થઈને એણે પૂછ્યું નહતું, પણ મળ્યાં ત્યારે જૅકિએ જ ચોખવટ કરી. એને ઑફીસમાં આજકાલ ઘણું કામ રહેતું હતું, ને અત્યારે એ કોન્સ્યુલેટ પરથી જ આવી હતી. ઓહ, એટલે ફૉર્મલ જેવા પોષાકમાં હતી. ઘેરા ગ્રે રંગનાં પૅન્ટ અને જૅકૅટ પહેર્યાં હતાં એણે, અને મોંઘી દેખાતી બ્રીફકેસ સાથે રાખેલી હતી. આવી રીતે સજ્જ જૅકિને સચિને પહેલી વાર જોઈ, ને પ્રશંસાની દૃષ્ટિથી એને જોઈ રહ્યો. “પણ એવું કેટલું કામ છે કે તારે શનિવારે પણ ઑફીસ જવું પડે”, એણે પૂછ્યું. આજે જવાબ આપતાં અચકાવાનો વારો જૅકિનો હતો. કામ, એમ તો, થોડા દિવસથી વધારે રહેતું હતું. સામાન્ય રીતે ફોન ને કમ્પ્યુટર દ્વારા જ પતાવાતું હોય. પણ બન્યું હતું એવું કે દુનિયાના અમુક દેશોમાં નિમાયેલા ફ્રેન્ચ ડિપ્લોમૅટિક ઑફીસરોની એક ખાસ મિટીન્ગ પૅરિસમાં ગોઠવાઈ રહી હતી. એમાં જૅકિને જવું જ પડે તેમ હતું. એની હાજરી ત્યાં આવશ્યક હતી. સચિન મનોમન આઘાત પામી ગયો. જૅકિ ન્યૂયોર્કમાં ના પણ હોઈ શકે, એવું એણે એક પણ વાર વિચારેલું પણ નહીં. જાણે આગલા શનિવારે એણે મળવાનું કૅન્સલ કર્યું, એટલે એનું ભાગ્ય એને સજા કરી રહ્યું હતું. એણે જૅકિનો હાથ પકડ્યો, અને પૂછ્યું - એના અવાજમાંની ધ્રુજારી જૅકિને સંભળાઈ હતી, “તારે જ જવું પડે એમ છે? તારા ડિપાર્ટમેન્ટમાંથી કોઈ બીજું કેમ ના જઈ શકે?” “એક તો હું સિનિયર ગણાઉં, ને હાજર રહેવાના છે એમાંના લગભગ બધા ડિપ્લોમૅટની સાથે મારો સીધો સંપર્ક રહેલો છે. સહાય જ નહીં, પણ ત્યાં સલાહ પણ મારે આપવાની રહેશે.” સચિનને લાગ્યું કે એની બોલવાની રીત પણ આજે જાણે એના પોષાકને અનુરૂપ થઈ ગઈ હતી. એકદમ પ્રોફેશનલ - મારી જૅકિ. ને ત્યાં જ એ અટકી ગયો. એને “મારી જૅકિ” કહેવા જેટલો ઘનિષ્ટ થયો હતો ખરો એમનો સંબંધ? હજી તો જાણે બંને ગોથાં જ ખાઈ રહ્યાં હતાં. સંબંધ જાણે ઓળખાણથી જરા પણ આગળ વધતો જ નહતો. વાંક ગણો તો વાંક, અને મજબૂરી ગણો તો તે - સચિનના પક્ષે જ હતા બધા અવરોધ. એણે પૂછ્યું, “ક્યારે જવું પડશે?” “મંગળ કે મોડામાં મોડું બુધવારે નીકળવું પડશે. મિટીન્ગ શરૂ થાય તે પહેલાં મારે અમુક તૈયારી કરવી પડે એમ છે.” એટલેકે બે જ દિવસમાં. “ને ક્યારે પાછી આવીશ?” આટલું પૂછવાની અંગતતા પણ કદાચ હજી સ્થપાઈ નહતી બંને વચ્ચે, પણ એનો જવાબ ખબર નહીં હોય તો અજંપો થયા કરશે, સચિન જાણતો હતો. “ત્રણ અઠવાડિયાંની અંદર પાછી આવી જઈશ—”. જૅકિએ વાક્ય ત્યાં જ પૂરું કર્યું. એને કહેવું તો હતું, કે ‘ત્રણ આઠવાડિયાંમાં આવી જઈશ- એમ લાગે છે.’ એને ખબર હતી કે જરૂર હોય તે પ્રમાણે વધારે પણ રહી જવું પડે. વળી, એ કદાચ થોડી રજા પણ લઈ લે, કારણકે મમા અને ડૅડની સાથે નિરાંતે રહેવાની તક એને ઘણા વખત પછી મળી રહી હતી. સચિન મનમાં તારિખો ગોઠવતો હતો. હમણાં જાય છે, એટલે ત્રણ અઠવાડિયાં પછી ડિસેમ્બરની શરૂઆત થઈ હશે. ત્રણના સાડા ત્રણ અઠવાડિયાં થાય તો પણ એ ડિસેમ્બરની દસમી સુધીમાં આવી જવાની. મળતાં મળતાં મહિનો થઈ જવાનો. કેવી રીતે જશે એટલા દહાડા? રૅસ્ટૉરાઁમાં ધીમું સરસ મૅક્સિકન સંગીત વાગતું હતું. એવી ઠંડી થઈ નહતી હજી તો, પણ ફૅન્સી જગ્યા હતી એટલે સ્ટાઇલ માટે ફાયરપ્લેસ ચાલું કરી દીધું હતું. આગની લાલ-પીળી જ્વાળા આકર્ષક લાગતી હતી. જૅકિએ ધીરેથી હાથ છોડાવીને ખાવાનું શરૂ કર્યું. સચિનને હવે ક્યાં ભૂખ કે ખાવાની ઈચ્છા રહી હતી? જૅકિ એની સામે જોઈને હસી, ને આસ્તેથી કહ્યું, “બહુ વિચાર ના કર, સચિન, હું બને તેટલી જલદી આવી જઈશ —” “— તારી પાસે”, એણે ફરી વાક્ય અધૂરું છોડ્યું