આમંત્રિત/૯. ખલિલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૯. ખલિલ

ન્યૂયોર્ક શહેરમાં આ ઋતુ સૌથી સરસ કહેવાય, ખલિલ દર વર્ષની જેમ વિચારતો હતો. દર વર્ષે ઑક્ટોબર મહિનો આવે એટલે એ ‘ઑટમ્ન સિઝન’નાં- પાનખરની ઋતુનાં ગુણગાન ગાવા માંડતો. જેની સાથે વાત થાય તેને કહેતો, પાનખર શબ્દમાં આ ઋતુને ફક્ત અન્યાય જ થાય છે. એ શબ્દથી ફક્ત ખરી જતાં પાંદડાં, અને ઠુંઠાં બનેલાં વૃક્ષોનું જ ચિત્ર મનમાં આવે છે. પણ ઑટમ્ન —આહા, ‘ઑટમ્ન મીન્સ બ્યુટીફુલ ફૉલિએજ’, રંગોનો વૈભવ. ખલિલના બધાં મિત્રોને ખબર કે ઑક્ટોબર આવશે એટલે આની આ વાત ફરી એની પાસેથી સાંભળવી પડશે! પણ વાત સાચી પણ હતી, એટલે બધાં સંમત જ થતાં. આ વર્ષે આ ઋતુ એને માટે હજીયે વધારે સ્પેશિયલ બની હતી, કારણકે રેહાનાની સાથે લગ્ન કરવાનું પાકું થઈ ગયું હતું. ખલિલ અને રેહાનાની ઓળખાણ નાનપણથી હતી. બંનેનાં કુટુંબો, તેમજ સચિનનું કુટુંબ, સારાં મિત્રો હતાં. વળી, સચિનની નાની બહેન અંજલિની સાથે જ ભણતી હતી રેહાના. એ વખતે તો ફક્ત હતી સહજ મિત્રતા અને ખલિલની બાલિશ હેરાનગતિ. પછીનાં વર્ષોમાં તો એમાંનું કશું રહ્યું જ નહીં. ખલિલ આગળ ભણવાને માટે ઘેરથી દૂર ગયો. હાઈસ્કૂલની અને આડોશ-પાડોશની વાતો, યાદો - એ બધું દૂરનું ને અજાણ્યું થતું ગયું. શરૂઆતમાં તો એ હૉસ્ટેલમાં રહ્યો. વડીલોને લાગે કે હૉસ્ટેલમાં આ છોકરા-છોકરીઓ મઝા વધારે કરે, ને ભણવામાં ધ્યાન ઓછું હોય. પણ ખલિલ કૉલૅજમાં ગયો પછી ભણવામાં જ વધારે બિઝી થઈ ગયેલો. ઘણી મહેનત કરતો, અને એની ગ્રેડ દર વર્ષે બહુ સારી જ આવતી. સચિનની જેમ એ પણ ભાગ્યે જ ઘેર જતો. ક્લાસિઝ પૂરા થાય એટલે વેકેશન, ને વેકેશન નાનું હોય કે મોટું, બહાર ક્યાંક જતાં જ રહેવાનું. ત્યારે ભાઈબંધોની સાથે, ને ક્યારેક બહેનપણીઓની સાથે પણ, સમય સરસ વીતે. ત્યાં વળી, કુટુંબમાં કોઈ પ્રસંગે મમ્મીની ખાસ્સી વિનવણીને લીધે એ ઘેર ગયો. ખરેખર જ, મમ્મી અને પપ્પાને મળ્યે કેટલો બધો વખત થઈ ગયો હતો. એ પ્રસંગના કાર્યક્રમો વખતે ફરી રેહાનાને મળવાનું થયું. ત્યારે, ઓહો, કેટલાં વર્ષે, એની સાથે સ્કૂલની અને એ કેવી હેરાનગતિ કરતો હતો વગેરે વાતો થઈ. બંને બહુ હસ્યાં. એ વખતે સહજ રીતે ફોન નંબર, અને ઇ મેલનાં સરનામાંની આપ-લે થઈ હતી. એમાંથી સંપર્ક વધ્યો, બંને એકમેકના વિકાસને જાણતાં થયાં, અને ધીરે ધીરે બંને આકર્ષાતાં ગયાં . પણ મળવાનું તો થયું છેક બેએક વર્ષે ફરી પાછાં કૌટુંબિક પ્રસંગે મળ્યાં ત્યારે. ખલિલે તે જ વખતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ રેહાના પાસે પરણવા માટે સમય નહતો. એ હજી ઘણું ભણવા માગતી હતી. એને તો દાક્તર થવું હતું. “એટલે તો હજી કેટલાં બધાં વર્ષો”, કહીને ખલિલે જીવ બાળ્યો હતો. “તો મેં તમને ક્યાં બાંધી રાખ્યા છે તે? તમારે કાંઈ રાહ જોવાની જરૂર નથી.”, રેહાનાએ જવાબમાં કહ્યું હતું. “હા, એ વાત સાચી. હું છું તો છુટ્ટો જ”. પણ ખલિલને બીજી કોઈ છોકરીમાં રસ પડ્યો જ નહીં. આખરે હવે એ સમય આવ્યો હતો. રેહાના દાક્તર થઈને ન્યૂયોર્કની માઉન્ટ સાઈનાઈ નામની હૉસ્પિટલમાં કામ કરતી હતી. એક સાંજે ખલિલ રેહાનાને હડસન નદીને કિનારે લઈ ગયો હતો. એ સાંજ બહુ સરસ થઈ હતી. આકાશમાં સૂર્ય સાલ્મન કલરના લિસોટા મૂકતો ગયો હતો. હવાની આછી ફરફર ચાલું હતી. પાણીમાં લહેરીઓ થઈ રહી હતી. ખલિલે જૅકૅટના ખિસ્સામાં સંતાડેલું લાલ ગુલાબ કાઢ્યું, ને રેહાનાને પૂછ્યું, “હવે હું તારે લાયક થયો છુ?” “શું?”, રેહાના સમજી નહતી. “અરે, ડૉક્ટર, હું પૂછું છું, હું હવે તને પરણી શકું?” પછી પશ્ચિમની પ્રણાલિ પ્રમાણે એક ઘુંટણ પર બેસીને એણે ગંભીરતાથી પ્રશ્ન કર્યો, “રેહાના, મારી સાથે લગ્ન કરીશ?” બે હાથે એને વળગી પડેલી રેહાનાને જરા દૂર કરી, બીજા ખિસ્સામાંથી એક ડબ્બી કાઢીને એના હાથમાં મૂકી. પછી ખોલીને હીરાની વીંટી રેહાનાના ડાબા હાથની અનામિકા આંગળી પર પહેરાવી. “હાશ, ડૉક્ટર, હવે તમે કામ કરજો, ને હું ઘેર છોકરાં સંભાળીશ” “છોકરાં?” ફરી રેહાના ગભરાઈ. નાનપણમાં કરતો હતો તેમ, ખલિલ તોફાનમાં હસ્યો. “અરે, મજાક છે, મજાક છે!” સચિનને મળવા અને એને આ બધી વાત કરવા ખલિલ ઉતાવળો થયો હતો. ફોન કરીને એણે કહ્યું, “સચિન, શનિવારે બપોરે હું ઘેર આવીશ. અંકલને મળીશ, ને પછી આપણે બે ક્યાંક જમવા જઈશું. બરાબર ને?” પછી કૈંક યાદ આવતાં ઉમેર્યું, “જૅકિને પણ કહી દેજે.” સચિનના પાપાની સંભાળ સારી રીતે લેવાઈ રહી હતી, તે જોઈને ખલિલને ખુશી થઈ. હવે સચિન પણ આનંદમાં રહેતો હતો. જોકે એ દિવસે જરા ઉદાસ લાગતો હતો. સુજીતની સાથે ચ્હા પીતાં પીતાં ખલિલે પોતાની અને રેહાનાની સગાઈની વાત કરી. એણે કહ્યું કે બંને કુટુંબ રાજી હતાં. “હવે બધાં મળીને લગ્નની તારિખ નક્કી કરીશું. અંકલ, તમારે ચોક્કસ આવવાનું હોં.” મુશ્કેલી ભરેલા ભૂતકાળમાંનાં ઓળખીતાંની સામે જવાના વિચારથી સુજીત ચિંતિત થઈ ગયા. હજી તો ઘણે દીર છે આ પ્રસંગ. વખત આવશે ત્યારે જોયું જશે. “લગ્ન ક્યાં કરશો? તમારા સબર્બના ઘરની પાસેના કોઈ હૉલમાં?”, એમણે પૂછ્યું. “અંકલ, એકાદ પ્રસંગ ત્યાં રાખીશું, ને બધાં ઓળખીતાં-પાળખીતાંને બોલાવી લઈશું. પણ લગ્ન તો મારે હડસનના કિનારે ક્યાંક કરવાં છે. બને તો મૅનહૅતનમાં, નહીં તો જરા ઉત્તરમાં ક્યાંક. એ વખતે ફક્ત નજીકનાં સગાં ને મિત્રો જ હશે.” વાહ, આ ખલિલિયાએ તો બધું વિચારી રાખ્યું છેને, સચિને મિત્ર-ભાવે વિચાર્યું. બંને ભાઈબંધ નીચે ઊતર્યા કે ખલિલે પૂછ્યું, “તબિયત નથી સારી? કે પછી જૅકિની સાથે યુદ્ધ?” ટેવ મુજબ એણે મજાક કરી. “અરે, જૅકિ તો ફ્રાન્સ ગયેલી છે. ત્રણ અઠવાડિયાં થવા આવ્યાં. એ બિઝી હશે, એટલે મેં ઇ-મેલ પણ નથી લખી. પણ એણે એકાદ લખી હોત તો? ક્યારે પાછી આવે છે, એની મને ખબર તો પડે.” “એને ખબર છે કે તું એની રાહ જુએ છે? ને તને લાગે છે કે એ તારે માટે રાહ જોતી હશે? એવી કોઈ વાત, કે કશો પણ એકરાર થયો છે તમારી વચ્ચે?” બીજો એક વિચાર આવતાં ખલિલે પૂછ્યું, “તેં એને માનિની વિષે કહ્યું છે?” “ના, પણ માનિની સાથેનો બનાવ જૅકિ ગઈ પછી બન્યો.” ખલિલ સાથે પણ એ વિષે પૂરી વાત થઈ નહતી. હવે સચિન કહેવા માંડ્યો, “શર્માજીને ત્યાં હું ને માનિની પહેલી વાર મળ્યાં, બરાબર? પછી બધાં ડ્રિન્ક્સ માટે ગયાં. ત્યાંથી હું તો વહેલો છૂટો પડીને ઘેર ગયો. ત્યારે માનિનીએ મારો ફોન નંબર માગી લીધો હતો. અપમાન નહતું કરવું, બીજાંનાં દેખતાં, એટલે મેં આપ્યો. પણ એનો મેં નહતો માગ્યો. મારે ક્યાં એને ફોન કરવો જ હતો તે. ને એ પણ નહીં જ કરે, એવું મેં માન્યું હતું. પણ એણે બે દિવસમાં જ ફોન કર્યો. ક્યારે મળે છે? ક્યારે મળે છે?, કરતી હતી. મેં કહ્યું, હું બિઝી છું. ત્રણ દિવસ પછી ફરી કર્યો. ત્યારે પણ મેં બહાનું કાઢ્યું. છેલ્લે એનો ફોન આવ્યો, ત્યારે તો જાણે એણે કકળાટ જ કર્યો. ના, મળજે ને, મળજે ને. પ્લીઝ. પછી કહે, તારું કામ છે. પછી કહે, તારી મદદની જરૂર છે. પ્લીઝ. આટલું કહે છે તો એકાદ વાર મળવું જોઈએ, મને થયું. હું બસ લઈને ઈસ્ટ સાઈડ ગયો, ને એના બિલ્ડીન્ગ નીચે અમે મળ્યાં. એ મને જે વળગી તે વળગેલી જ રહી. હું તો એ ઘડીથી જ હેરાન હતો. થોડું ચાલ્યા પછી એક નાની રૅસ્ટૉરાઁમાં ગયાં. ત્યાં તરત એણે પહેલાં તો ડ્રિન્ક્સ મંગાવ્યાં. આ લોકો કશું ખાતાં જ નથી લાગતાં, ને મને તો સાથે કંઇક ખાવાનું જોઈએ. મેં સૅન્ડવિચ મંગાવી. માનિનીએ એક કટકો હાથમાં લીધો ખરો, પણ એને એટલું બધું બોલવાનું હતું કે મોઢા સુધી કટકો ગયો જ નહીં. મેં કહ્યું, શું કામ છે? એ કહે, સાંભળ, તને એમ થતું હશે કે આપણે બંને ઇન્ડિયન છીએ, એટલે એકદમ ઝડપથી ઇન્ટિમેટ ના થવાય. સારું ના લાગે. પણ તું ને હું - આપણે ખરેખર તો અમેરિકન છીએ. અહીં જ જન્મ્યાં છીએ, બરાબર? ને મને તું બહુ ગમી ગયો છું. મારે તારી સાથે ટાઇમ ગાળવો છે. ચાલ, ચોખ્ખું કહું - રાતો ગાળવી છે. ને સાંભળ, એમાં તું કશું બંધન ના માનતો, હોં. આપણે આમ તો છુટ્ટાં જ. મને પરણવાની તારી કોઈ ચિંતા નહીં. જો, મારે પરણવું છે જ નહીં. મારે હળવું-મળવું છે, આનંદ કરવો છે, ન્યૂયોર્ક જેવા શહેરમાં મારે યુવાનીને માણવી છે. હવે સમજ્યો ને? તો આજની રાતથી જ શું કામ ના માણીએ? “ખલિલ, તું નહીં માને મારી શું હાલત હતી તે. આવી વાતો મેં ક્યારેય સાંભળી નહતી. આવી કોઈ છોકરી મેં જોઈ નહતી. સારું હતું કે અમે જાહેર જગ્યાએ હતાં. એકલાં ક્યાંક હોત તો મને ફાડી ખાધો હોત, કે શું?” સહાનુભૂતિ બતાવવાને બદલે, ખલિલ ખૂબ હસવા લાગ્યો. “હા, તો પછી એના હિંસક પંજામાંથી છૂટ્યો કેવી રીતે?” “અરે, તોયે મારાથી વિવેક સાવ તો ના જ છૂટ્યો. મેં કહ્યું, માનિની, તને મારે વિષે આવા ખ્યાલ કઈ રીતે આવ્યા તે સમજાતું નથી. પણ જો, મારે તો ગર્લફ્રેન્ડ છે જ, અને હું એને પરણવા માગંુ જ છું. ઉપરાંત, મને આવા કોઈ પ્લાનમાં રસ નથી. હું હવે તને છેલ્લી વાર માટે ગૂડબાય કહીશ. ડ્રિન્ક્સ વગેરેના પૈસા હું આપી દઉં છું. અરે, હું હજી પૈસા ચૂકવું છું ત્યાં તો, મને એક સૉલિડ ગાળ આપીને એ જ બહાર જતી રહી. મારો શ્વાસ તો હેઠો બેઠો હું છેક ઘેર પહોંચ્યો ત્યારે. જોકે ઘરમાં જતાં પહેલાં એક કૉફી લઈને થોડી વાર હું કાફેમાં બેસી રહ્યો. સ્વસ્થ થયો, ને પછી ઉપર ગયો.” ખલિલનું હસવું માય નહીં. સચિનને ધબ્બો મારીને એ કહે, “તે સારું. છોકરીઓ તારી પાછળ પડે છે. એમાં આટલું ગભરાવાનું શું? આ વાત સાંભળીને તો જૅકિ પણ બહુ જ હસશે, તું જોજે.” મનમાં સચિને કહ્યું, જૅકિ મળે તો ખરી. પૅરિસના વૈભવી વાતાવરણમાં એને એક સાધારણ ઇન્ડિયન ક્યાંથી યાદ આવવાનો હતો? ફરી એ પાછો શાંત થઈ ગયેલો. વાતોમાં કેટલે દૂર પહોંચી ગયેલા તે ખ્યાલ આવતાં બંનેએ આજુબાજુ જોયું. “આ ‘ક્યુબન કાફે’માં જ બેસી જઈએ. હજી વધારે કેટલે દૂર જઈશું?” બહુ ભીડ નહતી. હજી તો લોકો મોડા આવવાના. ટેબલ પર બેઠા કે તરત એક વેઇટ્રેસ આવી, બંનેને મેન્યુ કાર્ડ આપ્યાં, ને બોલી, “શું પીશો? કે જમવાનું ઑર્ડર કરવું છે?” ડ્રિન્ક્સનો ઑર્ડર આપવા ઊંચું જોયું, વેઇટ્રેસના મોઢા પર નજર ગઈ, ને બંને ચોંક્યા. “ભાઈ? તું? ખલિલભાઈ? અહીં ક્યાંથી?”, એ પણ ચમકી ગયેલી. “અંજલિ?” બંને મિત્રોથી મોટેથી બોલાઈ ગયું હતું, “અંજલિ?”