ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/એ કેમ બન્યું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એ કેમ બન્યું?


પોણા વાગ્યે બે મોટી મોટરબસ આવીને બારણે ઊભી રહી. ક્ષણ વારમાં તો એક પછી એક 25-30 સિપાહીઓ કૂદી પડ્યા. સુરતના પેલા ગોરા ન્યાયમૂર્તિ કલેક્ટર બ્રેહામ સૌથી આગળ દોડ્યા. પાછળ સુપરિન્ટેન્ડેન્ટ મિ. રોબિન્સન ઉપરી અને આંટિયા અને તેમની પાછળ પચીસ પોલીસો બંદૂકના કુંદા ઝાલી દોડ્યા. જાણે ધાડ પાડવા આવ્યા ન હોય! દરવાજા આગળ સૂતેલો રાઘવન જાગી ઊઠ્યો અને ‘Who are you? (કોણ છો તમે?) કરતોકને પેલા ગોરા ન્યાયમૂર્તિ સામે આવી ખડો થઈ ગયો. ‘Shut up!’ (ચૂપ કર) ગોરાએ જવાબ આપ્યો. ‘Who are you?’ રાઘવન ફરી તાડૂક્્યો. ‘Shut up!’ પેલાએ રુઆબી છાંટી. રાઘવને ત્રીજી વાર એ જ પૂછ્યું અને પેલો જવાબ પણ દેવા ન થોભતાં બાપુજીની કુટિર તરફ દોડી ગયો. પહેલાં તો સિપાહીઓએ અમને સૌને ઘેરી લીધા હતા. મેં ધાર્યું, કે અમને પણ પકડશે; એટલે બિસ્તરો સંકેલવો શરૂ કર્યો. પણ ત્યાં તો જોયું કે એ લોકો બાપુજીની કુટિર તરફ ધસી રહ્યા છે, એટલે મેં પણ દોટ મૂકી. સિપાહીઓના જોડાના અવાજથી અને રાઘવનની બૂમથી સૌ જાગી ગયા હતા. ક્ષણ બે ક્ષણમાં તો સૌ બાપુજી પાસે દોડી ગયા અને આસપાસ વીંટળાઈ વળ્યા. અવાજથી જાગી ગયેલાં કમળાબહેન ખુલ્લા આકાશની અનંત આંખોની ચોકી નીચે સૂતેલા બાપુ પાસે દોડી ગયાં અને ભેટી પડ્યાં. બાપુ પણ જાગતા જ હતા. ‘બાપુ, તમને લઈ જવા આવ્યા લાગે છે.’ ‘હા, કેમ, જઈશું ને?’ બાપુએ માથું પંપાળ્યું. કમળાબહેને ‘હા’ એવો જવાબ આપ્યો. ‘તારે આવવું છે મારી સાથે?’ ‘હા’ બોલ્યાં, ત્યાં તો કમળાબહેનની આંખોમાં પાણી આવ્યાં. ‘અરે, ગાંડી, ગાંડી!, બાપુએ વાંસામાં બે ધબ્બા માર્યા, એટલામાં તો ન્યાયમૂર્તિ અને આંટિયા આવી પહોંચ્યા. કોઈ જંગલીની માફક બાપુ ઉપર ઓચિંતો ટોર્ચ (વીજળીની બત્તી)નો પ્રકાશ ફેંક્યો. બાપુએ મોં ફેરવ્યું. ‘I arrest you.’ ગોરો બોલ્યો. બાપુ હસ્યા. ‘Do you want me?’ બાપુજી બોલ્યા. ‘Yes sir,’ (હાજ) ગોરાએ જવાબ આપ્યો અને પૂછ્યું : ‘તમારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી?’ ‘હા.’ બાપુએ જવાબ આપ્યો. ત્યાં તો સિપાહીઓ આવીને ફરી મળ્યા. હુકમ મળ્યો કે ટોળું બહારની બાજુ રાખો. ‘જો તમારે કશો વાંધો ન હોય તો હું દાતણ કરી લઉ?’ બાપુએ પૂછ્યું. ‘ખુશીથી,’ જવાબ મળ્યો. બાપુએ દાતણ મંગાવ્યું. જાણે કાંઈ જ ન બન્યું હોય, જાણે હંમેશની માફક ચાર વાગ્યાની પ્રાત: ઉપાસના માટે તૈયાર થતા હોય, તેમ સ્વસ્થતાથી દાતણ કરવા લાગ્યા. ‘કાન્તિ!’ બાપુ બોલ્યા, ‘મારાં કપડાં તૈયાર કર.’ બાપુ તો દાતણ કરતા જાય અને કહેતા જાય : ‘વાલજી Young India માટે અધૂરું લખેલું પડ્યું છે; સંભાળી લેજો અને મોકલી દેજો.’ દાતણ કરતા જાય અને સ્વસ્થતાથી સૂચનાઓ આપ્યે જાય. સામે અમલદારો સ્તબ્ધ ઊભેલા. ‘મિ. મૅજિસ્ટ્રેટ, મને જણાવશો કે મને કયા સેક્શન નીચે પકડવામાં આવે છે?’ બાપુજીએ ન્યાયમૂર્તિને પૂછ્યું. ન્યાયમૂર્તિએ ધ્રૂજતાંધ્રૂજતાં આખું વોરંટ વાંચ્યું. સાર આ હતો : ‘1827ના રેગ્યુલેશનની 25મી કલમ પ્રમાણે.’ ત્યાં તો આનંદ પત્રોની ફાઈલ લઈને આવી પહોંચ્યો. બાપુ એકેક પત્ર લેતા જાય ને સમજ પાડતા જાય. ત્યાં તો એક પત્ર આવ્યો. ‘આ છાપી નાખજો.’ બાપુ બોલ્યા. એ કયો પત્ર હશે? જે પત્રમાં લોર્ડ અરવિનને બાપુએ કેટલીક એવી વાતો કહી છે! ‘વખત છે ને?’ બાપુએ પૂછ્યું. ‘ના જી.’ આંટિયાએ જવાબ આપ્યો, ‘આપને એક વાગ્યા પહેલાં પકડી લેવાના છે.’ ‘ત્યારે પાંચ મિનિટ વધારે, એક ભજન ગાઈ લઈએ. પંડિતજી છે કે?’ મહાવીર દોડ્યો અને એકતારો લઈ આવ્યો. બાપુ ઊઠ્યા. સૌ એકધ્યાન થયા. પંડિતજીએ શરૂ કર્યું : ‘વૈષ્ણવજન તો તેને કહીએ...’ વચમાં આદર્શ વૈષ્ણવજન નીચે વદને અંતર્મુખ ઊભા હતા અને આસપાસ સત્યાગ્રહીઓ ગાતાગાતા — ‘તેનું દર્શન કરતાં કુળ એકોતેર’ તારતા હતા. એટલામાં ગામલોક પણ આવી પહોંચ્યું. પાછલી વાડમાંથી પ્રવેશ કરે ત્યાં તો પોલીસો ગોઠવાઈ ગયા અને તેમને અંદર આવતા અટકાવ્યા. ગામની સ્ત્રીઓ ગાવા લાગી : ‘દાતણ કરતા ઓરે ગાંધીજી.......’ ભજન ખલાસ થયું અને એક પછી સૌ એ પતિતપાવન ચરણોમાં પડવા લાગ્યા. બાપુ હસતા જાય અને થાબડતા જાય : ‘ચાલો, હવે ઉતાવળ કરો. મને જવા દો.’ બાપુએ છેલ્લા નમસ્કાર કર્યા. ધીમે-ધીમે સૌ ખસ્યા. આંટિયાએ હાથ આપ્યો, જાણે ઊલટ આવી હોય એમ બાપુજી ઝપાટાભેર ચાલવા લાગ્યા. સૌ મોટરોની આસપાસ ગોઠવાઈ ગયા. કોઈએ પૂછ્યું, ‘બા માટે કાંઈ સંદેશો?’ બાપુ હસ્યા, ‘અરે એ તો બહાદુર છે.’ એક ક્ષણમાં તો બાપુજી એક ખટારામાં ચડી બેઠા અને એક પછી એક અમલદારો અને સિપાહીઓ ખડકાયા. કેટલાક બહાર ટિંગાયા; અને ખરર... મોટો ઊપડી ગઈ. ગામની સ્ત્રીઓ ગાવા લાગી : બાપુને શરણે આવજો રે, અવસર છે છેલ્લો...... બાપુને ચરણે આવજો રે, અવસર છે છેલ્લો.’ એમને વળાવી સૌ પાછા ફર્યા. બાપુની ખાલી કુટિર ઉપર આંબામાં કોયલ ટહુકતી હતી. એમની ખાલી પડેલી પથારી જોઈ-જોઈને સૌ પ્રાર્થનામાં વળ્યા. પંડિતજીએ ગાયું : ‘હમારે નિર્બલ કે બલ રામ |’ ગામલોક રડે છે કે અમારા ગામને કલંક ચોંટ્યું. પણ રડવાનું તો આખા રાષ્ટ્રને છે. ખબર આવ્યા કે નવસારી સ્ટેશનથી બે માઈલ દૂર એક સરસ સલૂન ઊભું રાખવામાં આવ્યું હતું. કોઈને જાણ ન થાય માટે તેમાં બત્તી પણ નહોતી કરવામાં આવી. બાપુને લાવીને તેમાં બેસાડી દેવામાં આવ્યા. તાર કરવા માટે છાવણીમાંથી ઘોડો દોડાવવામાં આવ્યો. પણ તેને રસ્તામાં રોકવામાં આવ્યો. દરેક રસ્તે 25-25 પોલીસો ગોઠવી દેવામાં આવ્યા હતા. સ્ટેશન તથા જલાલપુર અને નવસારીની તાર-ઓફિસોનો તો બાર વાગ્યાથી કબજો લઈ લેવામાં આવ્યો હતો !

[કરાડી-મટવાડ : 5-5-’30: રાતનો દોઢ]