ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પેટલીકરનું પત્રકારત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. પેટલીકરનું પત્રકારત્વ

મૅટ્રિક થતાં સુધીમાં પેટલીકરની મહત્ત્વાકાંક્ષા લેખક થવાના એમના નિર્ણય પાસે જ ઊભી રહી ગઈ હતી. તે છેક સુધી સાહિત્યકાર તરીકે જીવવાનું અને સાહિત્યના માધ્યમે જે થાય એ કરી છૂટવાનું એમને ગમેલું, એમણે માસ્તરગીરી છોડી ત્યારેય લેખનને વ્યવસાય તરીકે સ્વીકારવાનો ઉદ્દેશ હતો. એકલા લેખન પર નભવું ગુજરાતમાં (કદાચ, ભારતમાં પણ) મુશ્કેલ હતું એવા દિવસોમાં એમણે બજારુ સાહિત્ય લખ્યા વિના જ, સંસ્કાર અને સમાજઘડતરનું સાહિત્ય લખીને જીવન જીવી બતાવ્યું – સારી રીતે, સફળતાથી, ફરજિયાત લેખને એમને સામયિકો સાથે જોડ્યા, ઉપરાંત સામયિકોએ પણ એમની પાસે ફરજિયાત લેખન કરાવ્યું હતું. આમ એનું સાહિત્ય-લેખન અને પત્રકારત્વ લગભગ સાથે સાથે આરંભાયાં ને એક બીજાની સાથે/સાખે ને ક્યારેક એકબીજાને સહારે ચાલતાં જ રહ્યાં. લેખક થવાનું સ્વપ્ન ખરું પણ એટલો અભ્યાસ કે માર્ગદર્શન નહીં હોવાથી પેટલીકર મૂંઝાતા હતા. મૅટ્રિક થયા (૧૯૩૫-૩૬મા) પછી કૉલેજમાં જવાની ઇચ્છા એમણે જ નહીં દર્શાવેલી. નોકરીની શોધમાં મામાને ઘેર અમદાવાદ રહ્યા, વાર્તા લખવાનો અભરખો આળસ મરડીને બેઠો થયો. લખી. છપાવી. ને એનું આર્થિક રીતે માઠું પરિણામ ભોગવ્યું. સમાજની શાળામાં પેટલીકરે જાતને ઘડવા માંડી, અહીંથી જ. અનુભવોએ એમને ઘડવા માંડ્યા. આણંદમાંથી નીકળતા ‘આર્યપ્રકાશ’ સાપ્તાહિકમાં થોડોક સમય એમણે કારકુની કરી, આ જ દિવસોમાં. વાર્તા લખીને ‘આર્યપ્રકાશ’માં છપાવીય ખરી. પણ હજી જીવનને કોઈ દિશા મળી નહોતી, ને મહેચ્છાનો ઘોડો તો સાહિત્યકારનાં શમણાં લઈને ફરતો રહ્યો. માસ્તરી નહોતી કરવી તોય નોકરીની સરળતા વગેરેને લક્ષીને ૧૯૩૭માં વડોદરાની ટ્રનિંગ કૉલેજમાં પ્રાથમિક શિક્ષકની તાલીમ મેળવી, ૧૯૩૮ના વચગાળામાં તો એ નેદરા ગામે શિક્ષક થયા જ્યાંથી એમને ‘જનમટીપ’નું વસ્તુ મળ્યું. ૧૯૩૭ દરમ્યાન જ ‘પાટીદાર’માં એમની વાર્તાઓ પ્રગટ તવા લાગી હતી ‘પાટીદાર’ માસિક હતું ને આણંદથિ નીકળતું. નરસિંહભાઈ ઈ. પટેલ જેવા હિંમતવાન, ખ્યાત નાગરિક એના સંપાદક – તંત્રી હતા. ‘પાટીદાર’માં પટેલ જ્ઞાતિની કેટલીક સુધારાલક્ષી વિશેષ વાતો છપાતી એ સિવાય સમગ્ર હિન્દુધર્મીઓ માટે એ વાંચવા યોગ્ય સામગ્રી પૂરી પાડતું માસિક હતું. એને સારી કીર્તિ વરેલી હતી. ‘પાટીદાર’ના વાર્તાલેખક તરીકે પેટલીકરને શરૂઆતમાં જ ઠીક ઠીક ખ્યાતિ મળી. આમ એમનું લેખન આરંભાયું. ‘ગ્રામચિત્રો’ અને ‘પટલાઈના પેચ’ના પ્રસંગો આ સામયિકની નીપજ છે, એણે પણ પેટલીકરને સમાજચિત્રણ કરનાર નાની વચના મોટા લેખક તરીકે સ્થાપી આપ્યા હતા. ૧૯૪૪માં પેટલીકરે માસ્તરી મૂકી દીધી, આણંદ આવીને એમણે ‘આર્યપ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. અહીંથી એમના પત્રકારત્વનો પ્રત્યક્ષ પ્રારંભ થયો ગણાશે. એ જ વર્ષે એમની કીર્તિદા કૃતિ ‘જનમટીપ’ ‘પ્રજાબન્ધુ’માં હપતાથી પ્રગટી અને આવકાર પામી. આજ વર્ષમાં નરસિંહભાઈને લકવો થતાં ‘પાટીદાર’ના સંપાદનની જવાબદારી પણ પેટલીકરનામાથે આવી, ને એમણે, આમ, બબ્બે સામયિકોનું સંપાદનકાર્ય પરિશ્રમ કરીને નિષ્ઠાથી સંભાળ્યું, એને યોગ્ય આચારવિચારનું પાલન કરીને પોતાના સંપાદનને એમણે સ્વીકૃત ને સફળ બનાવ્યું. ફરજિયાત લેખનનો વ્યવસાય, સારી વાર્તાઓ અને નવલકથાઓ લખવાનું ચાલે. એ સાથે આ પત્રકારત્વ પણ ચાલતું રહે. લેખો, રેખાચિત્રો, પ્રસંગો લખવાનું આ પત્રકારત્વે ફરજિયાત બનાવ્યું. સમાજવર્ણનમાં એ ઊંડા ઊતરતા ગયા. સુધારકવૃત્તિઓએ મેદાન જોયું ને એ બહાર આવતાં પેટલીકરની સુધારક પ્રવૃત્તિઓ પણ વધાવા લાગી. એમનું લેખન, આમ, સહજ રીતે જ સમાજ અને સુધારાને વધુ ને વધુ સ્પર્શતું થયું એમની સર્જકતા ‘કળા’ ભણી વળે એવી અભ્યાસની કે કળાકીય કશી ભૂમિકા પેટલીકર સામે નહોતી, જે હતું એ તો સમાજકારણ હતું, એ સમાજનું રાજકારણ એમને ઉપયોગિતાવાદી લેખન માટે પ્રેરતું–પોષતું રહેલું. આમ પત્રકારત્વે પેટલીકરના કથાલેખનને સામાજિકતામાં મર્યાદિત કર્યું હતું એ જો શકાશે. જોકે પત્રકાર તરીકે ને લેખક તરીકે એ પોતાના વ્યાપ વિસ્તારતા રહ્યા હતા. અનેક પ્રશ્નો અને પાસાંની તટસ્થ ચર્ચાઓ કરતા રહીને એમણે પોતાની પ્રગતિશીલ દૃષ્ટિનો પરિચય પત્રકારત્વના ક્ષેત્રે જલદી દૃઢ કરી દીધો હતો. પેટલીકરનું વ્યક્તિત્વ સૌમ્ય. માણસ તરીકે એ નમ્ર, વિવેકી નીતિશુદ્ધ, સ્વભાવે શાંત, પરગજુ, પણ કોઈની શેહશરમ ન રાખનારા, કોઈનું અહિત ન કરનારા ને નિઃસ્વાર્થી પણ ખરા. પટેલકુટુંબના સંસ્કાર એટલો કે જે સત્ય હોય તે, તરત જ બોલી દેવા જોઈએ. વિવેકથી કહે, પણ એક મગની બે ફાડ કરી મૂકે. કડવું હોય તોય સત્ય હોય એ પેટલીકર કહીને જ રહે, અલબત્ત, એને બને એટલું મૃદુ કરીને કહે. પેટલીકરનાં આ સ્વભાવલક્ષણો એમના પત્રકાત્વને પોષક રહ્યાં. પત્રકાર તરીકે એ વધારે સ્વીકારાયા ને એમના ભાવપ્રતિભાની કિંમત અંકાવા લાગી. સમાજના ઘણા એકમો ઘણાં કાર્યો માટે એમની સલાહ-શિખામ્ણ લેતા થયા. વ્યક્તિઓ અને સમૂહો બધાં માટે પેટલીકર પંચ, ન્યાયાધીશ અને વડીલ બની રહ્યા. એમને ઘડનારાં પરિબળોનો આમાં મોટો ફાળો છે. ઘરમાં બાપુજીના મોટાભાઈ, વિધુર. બાબર ભગત. એમણે જ ઘર ને ખેતી ચલાવેલાં – સંભાળેલા. પેટલીકર ઉપર એમનાં કાર્યોનો, આચાર અને વિચારનો પ્રભાવ પડેલો. બાબર ભગત ગામની, જ્ઞાતિની ભાંજગડ કરતા. ન્યાય તોળતા. પણ જે હોય તે સત્ય કહેતા. નિસ્વાર્થભાવે ઝઘડા ઉકેલતા. પોતાનો નિર્ણય સૌને ગળે ઊતરે તો ઠીક છે ન ઊતરે ત્યારે દબાણ ન કરતા. બીજાના દૃષ્ટિકોણને સમજતા અને પોતાનો દૃષ્ટિકોણ સ્વીકાર્ય હોય કે ન હોય, કોઈના પર એ લાદવા જેવું વર્તન એ નહોતા કરતા. ઓછામાં ઓછી સગવડોથિ, નિયમિત અને કશાય દેખાડા વગરનું સાત્ત્વિક જીવન બાબર ભગત જીવ્યા હતા. પેટલીકરના વ્યક્તિત્વમાં ઉક્ત બધાય ગુણો છે. એમની પત્રકાર-લેખિનીમાં પણ બાબર ભગતનાં ગુણલક્ષણોનો સમન્વય જોઈ શકાય એમ છે. ‘આર્ય પ્રકાશ’ તંત્રી થયા છતાં આર્યસમાજમાં જોડાયા નહીં પણ આર્યસમાજની સુધારકદૃષ્ટિએ એમને આકર્ષેલા. ગાંધીજીના આચારવિચારનો પ્રભાવ પણ એ દિવસોમાં પેટલીકરે ઝીલ્યો હોય એ સ્પષ્ટ છે. માણેકલાલ પટેલ નામના ગાંધીવાદી અનેસાચા શિક્ષકની પણ એમના પર અસર પડી હતી. માતા જીવીબાનો સ્વભાવ થોડો આકરો જીવીબા સત્ય બોલનારાં સગો પણ ખોટું કરે તો મોં પર કહેવામાં એ માનતાં, ને કહેતાં પણ ખરાં. જીવીબાની આ સાચકલાઈ પણ પેટલીકરમાં ઊતરેલી દેખાશે. ઉત્તરવયમાં પેટલીકરે જે લેખો લખ્યા એમાં, અને જે માણસોએ એમને પોતાના નાનામોટા ઝઘડાના લવાદ બનાવ્યા હતા એ દરેકને એમણે પોતાની તટસ્થતા, નિર્ભીકતા અને સમજણભરી સચ્ચાઈનો પરિચય કરાવ્યો એમાં ઉક્ત ગુણલક્ષણોનો પ્રભાવ જોઈ શકાશે. ‘પાટીદાર’ના આદ્ય સંપાદક નરસિંહભાઈએ પોતે સંપાદનની અને અગ્રલેખો લખવાની જે પરિપાટી ઊભી કરી હતી એને પેટલીકરે બરાબર અપનાવી હતી. ઈશ્વરભાઈ પાસેથી પત્રકાર પેટલીકર શીખ્યા એ કે, સામયિકને મર્યાદિત વિચારસરણીથી ગ્રસ્ત ન બનાવવું, પોતાની જીદ માટે સામયિકનો ઉપયોગ ન કરવો, અવ્યવહારુ બનીને સુધારાવાદી વિચારો પ્રજાને માથે ન મરાય, વ્યવહાર અને પ્રજાની પરિસ્થિતિ તથા સમયની માગને ધ્યાનમાં રાખીને જ આપણા વિચારોને વહેવા દેવા, સુધારો ઉપદેશવો ખરો પણ એ વિશે કશી વિપરીતતા જન્મી આવે એવો માર્ગ ન લેવો, જરૂર પડે હિંમત દાખવીને લખવું, એવાં લખાણોને ચકાસીને છાપવાં જેથી એ લખાણો કશી મોટી સમજ ન ફેલાવે, ક્યારેક સત્ય માટે અને એવી કશી તાકીદ માટે ખફગી વહોરીને પણ લખવું, લખ્યાને વળગી રહેવું ને એની મહત્તાને બતાવવી – પુરવાર કરી આપવી પડે તો તેમ કરવું. પ્રારંભનાં વર્ષોમાં પેટલીકરનું પત્રકારત્વ ઈશ્વરભાઈની દેખરેખ પામ્યું છે, ને એનાં સારાં પરિણામ જ આવ્યાં છે. ‘પાટીદાર’ને ‘સંસાર’માં ફેરવ્યું ત્યાં સુધીમાં તો પેટલીકર પત્રકાર તરીકે પૂરેપૂરા ઊઘડી ચૂકેલા. પત્રકાર પાસે ઇતિહાસનું અને રાજકારણનું જ્ઞાન હોવું જોઈએ. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ એને માટે ને સમાજ માટે ઘણી વાર ધડો લેવા જેવી હોય છે. પ્રજાની ચેતનાની જાણકારી અને એ સાથે સાંસ્કૃતિક ઇતિહાસ તથા પરિવેશનું જ્ઞાન પત્રકાર પાસે અપેક્ષિત છે. બીજા દેશોની સાંપ્રત સ્થિતિ અને બીજાં શાસ્રોનું પ્રજાઘડતરમાં શું મૂલ્ય છે તે વિશે પણ એ સભાન હોય. એ અભ્યાસી હોય. એનામાં સતત વાચન-વિચારથી નિર્ણયશક્તિ, પૃથક્કરણશક્તિ કેળવાઈ હોય એય જરૂરી છે. આ બધાંને આધારે પત્રકાર જ્યારે કોઈ ઘટના કે સ્થિતિનું નિદાન કરવા બેસે ત્યારે એને વર્તમાનની તાકીદ સાથે ભાવિની અપેક્ષાના સંદર્ભમાં મૂલવી શકે, એ વિશે બહુમતીને તોષી શકે એવું કશુંક એ કહી શકે. પત્રકાર સૌથી વિશેષ જવાબદાર વ્યક્તિ છે, જાહેર જીવનનાં હિતો સાથે ને સમાજકલ્યાણ સાથે એને લેવાદેવા છે, પણ એથી કરીને એ રાજસત્તાનો કે કશી કોઈ સર્વોપરિતાનો દુશ્મન નથી. એણે તો એ બેની વચ્ચે સંતુલન રચવાનું રહે છે. એકના પ્રત્યે બીજું બેજવાબદાર બને ત્યારે જે ઘાતક પરિણામ આવે છે એ પત્રકારે બતાવી આપવાનું હોય છે. વર્તમાન યુગની સંચેતનાને પરખીને એણે પ્રજાના ભાવિ વિશે સચિંત રહીને સૌને સચિંત રાખવાના હોય છે. પત્રકારની જવાબદારી કેવડી મોટી છે! પેટલીકરે પોતાની શક્તિ-મર્યાદાઓમાં રહીને એ જવાબદારી અદા કરવા મથામણ કરી છે. એ મોટા વિદ્વાન નથી, એમને અભ્યાસી પણ ન કહી શકાય. છતાં એમણે જાણકારીના અભાવમાં કશું ચલાવી લીધું નથી. જાણકારી મેળવી લેવામાં એ પાછા પડતા નહોતા. સમાજની જંગમ વિદ્યાપીઠમાં ભણીને પેટલીકર પારંગત થયા હતા. ‘આપશિક્ષણ’ પામતાં પામતાં એ વિકસતા રહેલા. એમનો આપવિકાસ અનુભવોને આભારી છે. અનુભવોએ એમને સફળતા અપાવી. પત્રકાર તરીકે પેટલીકરની હૈયાઉકલત – જેને કોઠાસૂઝ કહી શકાય — ધ્યાનપાત્ર છે. આ કોઠાસૂઝથી એમણે અટપટા પ્રશ્નો કે અટપટી પરિસ્થિતિઓને અવલોકી મૂલવી અને સ્વીકાર્ય તારણો પણ કાઢી આપ્યાં, આવું ઘણી વાર બન્યું. પત્રકાર પેટલીકરની આ સફળતા નાનીસૂની ન ગણાય. બાળપણમાં પેટલી ગામનું રાજકારણ નજીકથી જાણેલું. એ વખતથી વાતને પામી જવાની ને બધાં પાસાંથી વસ્તુને ચકાસી જોવાની ભૂમિકા તૈયાર થવા મંડેલી. એ ભૂમિકા પછી વધારે સૂક્ષમ બની. ‘પાટીદાર’–‘સંસાર’ની સાથે એ ‘પ્રજાબંધુ’માં લખતા થયેલા. ‘લોકનાદ’માં ૧૯૫૨થી સામાજિક કટારલેખન કરવાનું મળતા એમનામાં રહેલો પૂરા કદનો પત્રકાર પ્રગટ થવા માંડ્યો, એનું પૂર્ણ પ્રગટ રૂપ આપણને ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્રી’ અને ‘નિરીક્ષક’ની એમની કૉલમો દર્શાવતી રહી. ‘મહાગુજરાતનાં નીરક્ષીર’ અને ‘લોકસાગરને તીરે તીરે’ નામની એમની કટારોથી અજાણ્યો તો અભણ સિવાય કોઈ નહીં હોય. અભણે પણ એમના વિચારો વિશે સાંભળ્યું હશે. પાટીદાર જ્ઞાતિને સુધારો પ્રબોધતાં એમણે સમભાવ દાખવેલો. પેટલીકરનો ‘હ્યુમન એપ્રોચ’ એમના કોઈ પણ લેખનને સ્પર્શ્ય બનાવી દે છે. જમાનો બદલાયો, પરિવર્તનો આવતાં ગયાં. કેળવણીની સમસ્યાઓ, નારીકેળવણી, દામ્પત્યજીવન અને સ્રીની નોકરી, ગૃહસ્થીના પ્રશ્નો, લગ્નજીવન પૂર્વેનો પ્રેમ અને લગ્નજીવનનો પ્રેમ, કુટુંબજીવન અને બાળકો, નિષ્ફળ લગ્નો, છૂટાછેડા, વિધવા સાથેનાં લગ્નો, ભગ્નહૃદય દંપતીનેનજીક લાવવાં, નાનીમોટી ગૂંચો ઉકેલીને જીવનને સુગમ બનાવવું – જેવા અનેક સામાજિક પ્રશ્નો સાથે પેટલીકરે પ્રત્યક્ષ કામ પાડ્યું છે, સામયિકોમાં એ પ્રશ્નો વિશે, કૉલમોમાં સતત લખ્યા કર્યું અને એ લેખોનાં પુસ્તકો કર્યાં. હજારો વાચકોએ એમને પત્રો લખ્યા, રૂબરૂ મળવા આવ્યા. પેટલીકરે પૂરા વિવેકથી એ સૌને યથાશક્તિમતિ ન્યાય કર્યો છે. પત્રકાર તરીકેની એમની આ કામગીરીએ એમને લગ્ન બ્યૂરો જેવી સંસ્થાઓ સાથે જોડ્યા છે. ને ૧૯૬૦ પછીના એમના અમદાવાદનિવાસ દરમ્યાન પણ એ વધુ ને વધુ વ્યસ્ત રહ્યા છે. એમની આ વ્યસ્ત રહ્યા છે. એમની આ વ્યસ્તતા એમની પ્રત્યક્ષ પત્રકારિતાનું અવર નામ છે. એમનું પત્રકારત્વ જાણે એમની કાર્યશાલા, પ્રશ્નોના ઉકેલની પ્રયોગશાળાનું પરિણામ છે એમ મહદંશે લાગશે. પેટલીકરની જેમ ઘણા ઓછા પત્રકારો સમાજ સાથે આ રીતે ઓતપ્રોત થઈ જતા હશે. પેટલીકર સામાના દૃષ્ટિકોણને સમજવા મથતા સમભાવી પત્રકાર છે, પણ એથી એ કશી લાગણીશીલતામાં તણાતા નથી. સામાજિક પ્રશ્નોનું એ વિશ્લેષણ કરે છે, એને વર્તમાન-ભાવિની સુખકલ્યાણની સરાણે ચડાવી જોઈને પછી એ વિશે લખે કે બોલે છે ચર્ચા થતી હોય કે ચર્ચા જાગે એવો પ્રશ્ન હોય ત્યારે એ આક્રમક થતા નથી, પૂરી સ્વઃસ્થતાથી અને સમજણથી કામ લે છે. એટલે એમના વિરોધી — સામે પક્ષે રહેલાઓને પણ એમની વાત ગ્રાહ્ય બને છે. સાચકલાઈ તો પેટલીકર એવી છે કે એ જેની આકરામાં આકરી ટીકા કરતા હોય એનેય પેટલીકરના સાચા વિશે શ કા ના હોય, પછી ભલે બહારથી એ નારાજ થાય અંતરથી એ પેટલીકરને સ્વીકારવાનો જ. આવું પેટલીકરના નિકટનાઓ વિશે પણ બન્યું છે. પત્રકાર તરીકે પેટલીકર તરીકે પેટલીકરની આ વિલક્ષણતા ધડો લેવા જેવી કહેવાય. મોટાભાગના પત્રકારો સંશોધન – સંકલન કરે છે, અભ્યાસ કરીને વિદ્વત્તા પણ કેવળે છે. પેટલીકરે આવી ઔપચારિક વિધિઓમાં ગયા વિના કામ કર્યું છે. એ જરૂર પડ્યે વાંચી લેવાના મતના. પણ બહુધા એમના અભ્યાસના વિષયો તો સમાજ અને માણસ છે. એમની ચિંતાના વિષયો પણ કલ્યાણ અને માનવતા એ બે. આટલું ખ્યાલમાં રાખીને એ પોતાની કલમ ચલાવે, પ્રસંગને – પરિસ્થિતિને બરાબર પકડે, મમતમાં ગયા વિના જીદ પકડ્યા વિના વિવેકથી લખે, બધા સંમત થાય એવું હોય ત્યારેય નિદાન કરીને નિર્ણય તો પ્રજાસમૂહ કે કોઈ લાગતાવળગતા વર્ગ પર છોડે. રાજકારણને લગતાં એમનાં પત્રકારી લખાણોમાં ઉક્ત વલણોનો પરિચય થાય છે. પેટલીકર પક્ષાપક્ષીથી પર પત્રકાર રહ્યા છે. કોઈ પણ જાતના પાર્ટીપોલિટિક્સથી એ તટસ્થ આકે તે પક્ષ સાથે તેમની સહાનુભૂતિ કે સદ્‌ભાવ એવુંય નહીં. સત્ય અને કલ્યાણના પક્ષે જ એ તો રહેવાના, રાજકારણીઓના કાવાદાવા, આટાપાટા એ સમજે પણ કશાથી ભરમાય નહીં, એવા રંગોથી રંગાય નહીં. ‘જાતે રંગાયા વિના હું સૌ રંગો જોઈ શકું છું’ એમ એ કહેતા. કટુતાને એ પામી જતા, કુટિલતાનેય પામી જાય પળમાં. પણ પોતે બેમાંથી એકેયનો આશ્રય ના લે, એમને લેવોય ન પડે. ૧૯૫૨માં દેશમાં પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે ‘પાટીદાર’માં પેટલીકરે ‘ચૂંટણી આવી રે! શું શું લાવી રે!’ એવા શીર્ષકથી લેખો કરેલા. ચૂંટણી વિશેના આ લેખો પ્રજાને ગમેલા. ચૂંટણીમાં નીતિરીતિ, એનાં ધોરણો વગેરે વિશે લખીને પેટલીકરે ચૂંટણીની મર્યાદાઓ પ્રત્યે સૌ પ્રથમ ધ્યાન ખેંચેલું. પ્રચારની વરવી રીત તરફ પેટલીકરે સહજ રીતે નફરત વ્યક્ત કરેલી. પ્રજાજીવન કે જાહેરક્ષેત્રોને સ્પર્શતી કોઈ પણ ઘટના બને કે તરત જ પેટલીકર એના વિશે પોતાના કૉલમમાં પૂરી નિષ્ઠાથી, સાધકબાધક ચર્ચા કરીને લખે જ. મહાગુજરાતના આંદોલન વખતના એમના લેખો તો અલગ પુસ્તકરૂપે સંગ્રહાયા હતા. ભાષાની સમસ્યા અને રાજ્યવિભાજનને પેટલીકરે પૂરી ગંભીરતા અને દક્ષતાથી વર્ણવ્યાં હતાં. મુંબઈ ગુજરાત માગે એ વાત પેટલીકરને યોગ્ય નહોતી લાગી, ને પ્રજા તો ભારે ઝનૂનમાં હતી. તોય પેટલીકરે સાફ સાફ લખેલું કે મુંબઈ ગુજરાતને મળે એમ કહેવું બરોબર નથી. મોરાજીનાં ‘સરમુખત્યારને શોભે’ એવાં વાક્યોની પેટલીકરે એમના કૉલમમાં જાહેર ટીકા કરેલી. યોગ્ય ભાષામાં નમ્રતા અને વિવેકપૂર્વક મોરારજી પોતાની વાતને મૂકી શક્યા હોત એ મતલબનું લખીને એમણે એ વિધાનોને એવી સૌમ્ય રીતે મૂકી આપ્યાં હતાં. કોઈને વિશેય સાચું —પોતાને લાગ્યું તે — લખવામાં પેટલીકરને શેહશરમ નડતી નથી. એ પૂરી સભાનતા અને ભારોભાર જવાબદારીથી લખતા હોય છે, કશાય પૂર્વગ્રહ વિના કે લાભાલાભની ગણતરી વિના એ લખતા એટલે ભલભલા પ્રધાનો કે ચમર બંધીઓ વિશે લખતાં પણ એ ગભરાતા નહોતા. પેટલીકરની આવી નિર્ભયતા વખતે નર્મદ યાદ આવી જાય છે. વસ્તુનો સાર, પૂરી માહિતી મેળવવામાં એ પાછી પાની કરતા નથિ. પત્રકારત્વને એ પવિત્ર માને છે, એમાં કશુંય નિરાધાર ન ચાલવું જોઈએ. ક્યારેક પેટલીકરની અલ્પ જાણકારીએ ભૂલો થવા દીધી હશે પણ એમાં સત્યને ઠરડવાની મુરાદ ન હોવાથી વાંધો આવ્યો જાણ્યો નથી. પોતાની આ મર્યાદાથી એ સભાન હતા, પણ મહદંશે એ ત્રુટિને પૂરવા મથતા, ક્યારેક એ વિશે લાચાર થઈ જતા. પછી એમણે ગુજરાતના જાહેર જીવનને સ્પર્શતી મોટી મોટી ઘટનાઓ વિશે પૂરી સંડોવણીથી લખ્યું છે. ૧૯૬૭ની ચૂંટણી વિશે અને ૧૯૬૯નાં અમદાવાદનાં કોમી હુલ્લડો વિશે એમણે રીતસર લેખમાળા લખતા હોય એમ કૉલમ ચલાવેલું. વિચારણા, ચિંતન, ચિંતા, ઉપાયો પરિસ્થિતિ સાથે કામ પાડવાની ઉત્તમ રીત આદિ વિશે એ લખતા. પ્રજાને ટોકતા, પ્રબોધતા ને સ્થિતિ સમજાવતા. ૧૯૭૩માં ઓઝા સરકાર સામેની કૂડી રાજરમત, ઊથલપાથલ; ૧૯૭૪નું નવનિર્માણ આંદોલન અને છેક છેલ્લે અનામત આંદોલન વિશે પણ એમણે એવી જ ચીવટ ને જવાબદારીથી લખેલું. ક્યારેક ગણોતધારા વિશે, પંચાયતી રાજ વિશે, કેળવણીની સમસ્યા વિશે,કામરાજ યોજના વિશે, અન્ય રાજકીય આંદોલન કે સત્તાપલટા પછીની સત્તાની સાઠમારી વિશેય એમણે લખ્યું છે. છેલ્લે ‘નિરીક્ષક’માં પ્રગટતા એમના લેખો એમની રાજકારણને પામવાની અને પ્રજાના હિતને જોવાની દક્ષતા – કુનેહનો સારો પરિચય આપે છે. પેટલીકર વાચકને વિશ્વાસમાં લે છે અને વિષયનાં બંને પાસાં રજૂ કરીને વાચકને પોતાના નિદાન – નિર્ણયમાં સહજ રીતે લઈ લે છે. કુટુંબ, લગ્ન અને નગર લેખ પણ એટલી જ ચીવટથિ લખતા. એમની સમજણકે જ્ઞાનની મર્યાદા ક્યારેક એમને નડે છે પણ એમનું સમાજજ્ઞાન અને માનવસ્વભાવજ્ઞાન એમને મદદરૂપ બને છે. એમણે રાજકારણ વિશે લખ્યું ત્યારે સુરાજયના આદર્શની દિશામાં મોં રાખીને વાસ્તવિકતાને વર્ણવી છે, કમ-એ-કમ એ વાસ્તવિકતાને તો સત્તાએ ઉપેક્ષવી ન જોઈએ, એમ એ કહેતા રહ્યા છે. એ જ રીતે સુસમાજની ચિંતા કરવા એમણે લખ્યું જ છે. ધર્મ, ચિંતન કે લગ્ન; કન્યા, સ્રી, દામ્પત્યજીવન વિશે એમણે ‘સ્રી’ વેરેમાં જે લખ્યું એમાં સુધારક પેટલીકરની પૂરી નિસબત પમાય છે. પત્રકાર તરીકે એમણે સમાજ અને રાજકારણની ચિંતા કર્યા કરી છે, વખતોવખત એનું મૂલ્યાંકન કરતા રહ્યા છે. સહજતા એમના પત્રકારી લેખોનુંય લક્ષણ છે. મોરારજીની ટીકાનાં લખાણોમાં વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નથી, ટીકા છે તે વિચારોની ને એની રજૂઆતની ટીકા છે. ઓઝા સરકાર, ચીમનભાઈ કે રતુભાઈ — કોઈનીય ટીકા-ટિપ્પણી કરે છે ત્યારે એ એમની સારી કામગીરીની નોંધ પણ લે છે. ત્યારે આપણને સમજાય છે કે પ્રવીણ શેઠ કહે છે તેમ ‘તેમના લખાનમાં વસ્તુલક્ષિતા અને તાટસ્થ્ય દેખાય છે.’ રાજકારણની વાત કરતાં એમણે ત્યાં સુધારાની વાત કરી નથી. જૂની-નવી કૉંગ્રેસની એ ટીકા કરે છે ત્યારેય કાર્યો અને દૃષ્ટિકોણને મૂલવે છે. લોકશાહી માટે સબળ વિરોધપક્ષના એ હિમાયતી હતા, આથી મોરચા સરકારને આવકારવા સાથે એના પતન વખતે એની મર્યાદાઓ બતાવવામાં પણ એ (‘નિરીક્ષક’માં) મોખરે રહેલા. લોકશાહીમાં સત્તાના પ્રદૂષણને એમણે પરખ્યું હતું ને એની વાત પણ કરી હતી. પોતાની વાત મનાવવા એ જડતાથી વળગી રહેતા પણ નથી. પોતાનો વિચાર ખોટો લાગે તો એ બદલતા; કશાની કંઠી ન બાંધતા એટલે કશાં ખોટાં પ્રતિપાદનો કરવા એમને ઝૂઝવું પડતું નહોતું. અલ્પશિક્ષિત (આજના સંદર્ભમાં) ગણાય એવો માણસ પત્રકાર તરીકે આટલી બધી ચીવટથી સફળ થાય એ વાત આશ્ચર્ય જરૂર ઉપજાવે છે. પેટલીકર વધારે ભણ્યા હોત તો એમનાં લખાણોને નિબંધાત્મકતા કે એવો કશો આકાર આપી શક્યા હોત, કદાચ. જોકે એ એવું માનતા નહોતા. એમણે તો હૈયાઉકલતને જ અભ્યાસનો પર્યાય ગણીને કામ કર્યું છે ને! પણ કેળવણીએ એમને વધારે સમૃદ્ધ કર્યા હોત એમ આપણે કહી શકીએ. ભાષા એમને નડી નથી. તળપદી, સરળ અને જરૂર પડે ત્યારે પરિભાષાવાળી ભાષામાં એ વાત કરી શકતા હતા. પેટલીકરને ‘લોકધર્મી પત્રકાર’ (‘પેટલીકરઃ શીલ અને શબ્દ’ઃ પૃ.૨૯૯થી ૩૦૫) તરીકે નવાજતાં યશવંત શુક્લે નોંધ્યું છે એમાં ભારોભાર ઔચિત્ય છેઃ "લોકમાનસ ઘડવામાં અને ઉદાર વિચારો સમજાવવામાં જાગ્રત વિચારક અને સુધારક તરીકે પેટલીકરે અસાધારણ ફાળો આપ્યો છે. એ લોકધર્મી પત્રકાર છે અને પત્રકાર તરીકે એ લોકશિક્ષક છે." સાહિત્યકાર પેટલીકરની સ્પર્ધામાં ઊતરે એવું એમનું પત્રકારત્વ છે.

.............................................................

............................................................