ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વાર્તાકાર પેટલીકર
પેટલીકરે ટૂંકી વાર્તા લખવાનો પ્રારંભ કર્યો ત્યારે સાહિત્યમાં હજી ગાંધીજીનો પ્રભાવ ઓસર્યો ન હતો. ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓએ ગુજરાતી વાર્તાને દૃઢમૂલ કરવા સાથે વિવિધ અભિગમવાળી અને વૈવિધ્યસભર કથાવસ્તુવાળી વાર્તાઓના નમૂના પૂરા પાડ્યા હતા. એમાં ઉત્તમ વાર્તાઓની સાથે સામાન્ય કક્ષાની વાર્તાઓ પણ ઘણી હતી. ગાંધીયુગના પ્રવાહમાં સુન્દરમ્-ઉમાશંકરે પણ વાસ્તવ જીવનને વર્ણવતી નવલિકાઓ લખી હતી ગાંધીવાદની વૈચારિક ભૂમિકા ઉપર અને સમાજવાદની દિશામાં મોં રાખતી વાર્તાઓ આ બે કવિ-વાર્તાકારોએ આપી હતી, એમાં સમાજની વિષમતાનું અને માનવીની સારીનરસી વૃત્તિઓનું પણ ઠીકઠીક નિરૂપણ હતું. ફ્રૉઇડની અસર તો છેક દ્વિરેફથી જોઈ શકાય. ઉમાશંકર-સુન્દરમ્માં પણ એનો પ્રભાવ છે. મડિયા વગેરેમાં એ વલણ વધારે વ્યાપક ને પ્રમુખ બનતું લાગશે. સુન્દરમ્-ઉમાશંકરમાં થોડીક પણ કળાપૂર્ણ વાર્તાઓ મળે છે. પન્નાલાલ પોતાના શ્વાસોચ્છ્વાસ સમા ઈશાનિયા સાબરકાંઠાને વાર્તા-નવલકથામાં લઈ આવેલા વર્ણન સિવાય પન્નાલાલની દૃષ્ટિમાં બીજું કંઈ ન હતું, એમને ત્યારે તો અનુભવેલા સમાજને શબ્દબદ્ધ કરવો હતો, નરવી દૃષ્ટિથી. મેઘાણીમાં ઉદ્દેશો ભળેલા દેખાય છે. પેટલીકરે આ સમયગાળામાં વાર્તાલેખન આરંભેલું. ૧૯૪૦ની આસપાસનો એ ગાળો સાંસ્કૃતિક સંદર્ભમાં તો જાગૃતિકાળ ગણાવી શકાય. સમાજસુધારાનાં વલણો નવેસર નવી રીતે પ્રગટેલાં, ને રાજકીય આંદોલનોએ પ્રજાને સ્વતંત્રતા ભણી વિચારવા જ નહીં, એ માટે બધું જ કરી છૂટવા પ્રેરી હતી. ઉપરાંત યંત્રો ને ઉદ્યોગોનો પ્રભાવ પણ વધતો જતો હતો. યુદ્ધોની આબોહવાએ પણ સમાજને ખાસ્સો સચિંત કરેલો. કેળવણીનો પ્રસાર પણ ગામડાંને જગવતો હતો. જીવન અને ગ્રામીણ સમાજ એક બદલાવમાંથી — એવી પ્રક્રિયામાંથી ગુજરી રહ્યાં હતાં. આ સમયમાં વાર્તાલેખન પેટલીકર માટે અનેક શક્યતાઓથી ભરેલું હતું, પણ પેટલીકરે, નવલકથામાં રાખ્યો હતો એ જ રીતે, વાર્તામાં પણ સમાજવર્ણન કરવાનો દૃષ્ટિકોણ રાખ્યો. સમાજવર્ણનની ભૂમિકાથી પેટલીકર સુધારો અને આદર્શ તરફ ખસતા ગયા. તે છેક ૧૯૬૨ સુધી એમની વાર્તાલેખનપ્રવૃત્તિ ચાલી ત્યાં સુધી પેટલીકરે વાર્તામાં ગ્રામીણ/શહેરી સમાજ, એના પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ, સુધારો કે નારીશિક્ષણની ગતિવિધિઓ, બદલાતા સમય-સંદર્ભમાં આવતાં પરિવર્તનો, કુટુંબ, ગામ ને સમાજના, જ્ઞાતિના નવા નવા પ્રશ્નો વગેરેનું નિરૂપણ-વર્ણન કર્યા કર્યું હતું. પન્નાલાલમાં પ્રારંભે વર્તાયેલો થોડોક રોમૅન્ટિક અભિગમ પેટલીકરમાં નથી મળતો. પેટલીકરે તો વાસ્તવવાદી દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. એ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને વાર્તા લખતા હોય ત્યારે પણ, મોટેભાગે, એ સમાજને જ જોતા-દર્શાવતા લાગશે. પેટલીકરની વાર્તાઓ વ્યક્તિથી સમાજ તરફ ગતિ કરે છે. વ્યક્તિગત સંવેદના કે દુઃખદર્દ પેટલીકર વર્ણવે છે ખરા, પણ એમના મનમાં ત્યારેય એનું જનરાઇલેશન કરવાનું વલણ હોય છે, એના ઉદાહરણમાં ‘દુઃખનાં પોટલાં’ જેવી વાર્તા જોઈ શકાય. સમાજવર્ણનની નેમ અને સુધારાનું ધ્યેય પેટલીકરની વાર્તાઓને બીબાંઢાળ અને ખાસ પ્રકારના નવોન્મેષ વિનાની કરી મૂકે છે. એ વાર્તાઓ સંકેતો, વ્યંજના, પ્રસંગોની સુનિયોજિત ગોઠવણ, સંવેદનોનું સઘન નિરૂપણ, સંઘર્ષની-કટોકટીની તનાવપૂર્ણ પળ — ક્ષણ ઇત્યાદિ લક્ષણો ભાગ્યે જ ધરાવે છે. એમની થોડીક સફળ નવલિકાઓને બાદ કરતાં પેટલીકરની ઘણીખરી વાર્તાઓ માત્ર કથાવર્ણન કે પ્રસંગ કક્ષાએ ગાથા બનીને અટકી જાય છે. એમાં પણ એમનો સમાજલક્ષી અભિગમ જ જવાબદાર રહ્યો છે. નવલકથા અને નવલિકા બંનેમાં પેટલીકર એમના નજીના પુરોગામી અને યુગમૂર્તિ વાર્તાકાર ર. વ. દેસાઈના વારસદાર લાગે છે, અને એટલે ૧૯૫૫ પછી નવી વાર્તાનાં વલણો પણ એમને પ્રભાવિત કરતાં નથી. એ તો સમાજને, સમાજની ઘટનાઓને વાસ્તવની ભોંય પરથી વર્ણવે છે. માનવકલ્યાણ/સમાજકલ્યાણ એમના દૃષ્ટિકોણમાં કાયમ રહે છે. ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને લખવામાં વાર્તાકાળને હાનિ થાય છે કે નહીં એની એમણે હમેશની જેમ પરવા નથી કરી. એ રીતે એમણે જે પોતાની દૃષ્ટિમાં નથી ને કદાચ ગજા બહારનું છે એને વળગી રહેવાનો દંભ પણ કર્યો નથી. થોડીક વાર્તાઓની મદદથી એમના, આવાં લક્ષણો ધરાવતા, વાર્તાજગતને આપણે તપાસી જોઈશું. પેટલીકરના અગિયાર વાર્તાસંગ્રહો અને પાંચ વાર્તાસંકલનો પ્રગટ થયાં છે. ‘તાણાવાણા’ (૧૯૪૬), ‘પટલાઈના પેચ’ (૧૯૪૬), ‘માનતા’ (૧૯૪૭), ‘પારસમણિ’ (૧૯૪૯), ‘કાશીનું કરવત’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘લોહીની સગાઈ’ (૧૯૫૨), ‘અભિસારિકા’ (૧૯૫૪), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘મીનપિયાસી’ (૧૯૬૦), ‘કઠપૂતળી’ (૧૯૬૨) ઉપરાંત એમનાં સંકલનોમાં પેટલીકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ કે ‘વાર્તાવૈભવ’ ધ્યાનપાત્ર છે. દોઢસો જેટલી વાર્તાઓનું સર્જન-લેખન એ કંઈ નાની-અમથી ઘટના ન ગણાય. પણ આમાં ધ્યાનપાત્ર, આસ્વાદ્ય વાર્તાઓ કેટલી? એવો પ્રશ્ન પણ થાય. વાર્તાકાળની એકાદી વિશેષતા પણ ન ધરાવતી વાર્તાગંધી રચનાઓ જ અધઝાઝેરો ભાગ રોકે છે ત્યારે સુપાઠ્ય વાર્તાઓ ઓછી મળવા સંભવ છે ને ઉત્તમ નવલિકાના માનદંડે પાસ થતી વાર્તાઓ તો એકાદ આંગળીના વેઢે ગણાય એટલી જ મળવાનો સંભવ છે. પન ગુણવત્તા ગણિતથી ઉપર છે. સફળ કૃતિઓનું મૂલ્ય એના સર્જકને સર્જક ઠેરવવા પૂરતું ગણાવું ઘટે. ‘દુઃખનાં પોટલાં’ : ગામડેથી શહેરમાં આવી વસેલા એક વણકર કુટુંબની આ વાર્તામાં વાલી કેન્દ્રસ્થ સ્રીપાત્ર છે. વાલીએ રંડાપો વેઠીને દીકરા મોટા કર્યાં. બબ્બે ઘર કર્યાં ને મોટા દીકરા ગણેશને પરણાવ્યો છે. બધાં મિલમાં નોકરી કરે છે, ને ખાધેપીધે સુખી છે. પણ વાલીની ઉપરવટ જઈને દીકરો અને વહુ દિયરના છોકરાની જાનમાં જાય છે, જે દિયરે વાલીને પજવવામાં ન એની મિલકત પડાવી લેવાના પેંતરા રચવામાં કશું બાકી નહોતું રાખ્યું. એટલે દીકરા-વહુનું પગલું વાલીને હાડોહાડ લાગી આવે છે એ મિલથી આવી એવી પહેર્યે કપડે ઘર છોડી જાય છે. એ પછી વાલું મનોમંથન વર્ણવતાં વર્ણવતાં લેખકે એને પિયરમાં બહેનને ત્યાં જતી બતાવી છે. ‘દીકરો જાનેથી આવીને બાને મનાવી લેવા આવશે ને પોતે બે વાતો કહીને માનીય જશે’ — એમ મન સાથે ગોઠવતી વાલીને બોલાવવા દીકરો ચાર ચાર દિવસ લગી આવતો નથી. આખરે બહેનને ઘેરથી પાછાં જવાને બહાને નીકળેલી વાલી ‘કૂવોહવાડો’ કરવાને બદલે પીપળાની ટોચે ચડીને પડતું મૂકે છે. ત્યારે ગણેશ, એનો મામો ને લલ્લુ વાલીની શોધમાં ત્યાં પાસેથી નીકળતાં કોઈને પીપળેથી પડતું મૂકતાં જોઈને ત્યાં આવે છે! પણ ખેલ ખલાસ થઈ ગયો છે! વાલી જેવી સમજણી બાઈ અહમ્ને કારણે અને જિદ્દી સ્વભાવને કારણે જાતનું મરણ નોતરે એ જરા ગળે ન ઊતરે એવી વાત છે. વાલીને દુઃખ નથી કશું. હજી તો દીકરો ને વહુ એનું કહ્યું ઘણુંય માને છે. ને વાલીની સમજણ નવા જમાનાને ઓળખીને એને વર્તવા પ્રેરે એવી છે. બીજાં ઘણાં ઉદાહરણોમાં વાલી જુએ છે કે પોતા કરતાં વધારે ખરાબ સ્થિતિ છે. પણ ઘર છોડતાં તો છોડી ગયેલી વાલીને વણબોલાવ્યે ઘેર પાછાં જવું માથાવાઢ લાગે છે. અહમ્ — સ્વમાન ને પોતે વેઠેલાં દુઃખોનું અભિમાન એને ઘેરી લે છે. ન-જેવી બાબતે વાલી આપઘાત કરે છે. બીજો અંત ન સૂઝતાંં પેટલીકરે જાણે વાલીને માથે આપઘાત ઠોકી માર્યો હોય એવું લાગે છે. લેખકનો આશય સમાજવર્ણનનો છે એ અહીં સ્પષ્ટ બને છે. વાણીની વેદનાની સામે લેખકે બીજાં છસાત પાત્રોના જીવનની લહાય બતાવી છે. પડોશણ જમનાની વાત, સ્ટેશન પરનાં ગંગામાની વાત, પિયરમાં ઉકાકાકાની વાત, નવા શેઠ ને નર્મદા ગોરાણીનું દુઃખ, છેલ્લે બહેનને ઘેર ભાણી સોનીનું દુઃખ ને ભાણો દાનો તથા વહુનું દુઃખ લેખક વર્ણવે છે. બધાંને દીકરા-વહુના વર્તનનો જ ઝઘડો છે. સાસુ-વહુ-દીકરો-સસરો-ના પ્રશ્નો લેખકે ભારે કાળજીથી વર્ણવ્યા છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘ઘેર ઘેર માટીના ચૂલા’ વધારે બંધબેસતું હતું. ‘દુઃખનાં પોટલાં’ શીર્ષક માથે થાયેલું લાગે છે. પેટલીકર પાસે વર્ણનશક્તિ છે. ઘટના સાથે ઘટના જોડી દેવી, પ્રસંગમાંથી પ્રસંગ રચાતો આવે અને પોતાનું કથયિતવ્ય દૃઢ થતું જાય, સમાજ-વર્ણન પણ આવતું જાય એ — એ બધું પેટલીકર એવી સહજતાથી કરે છે કે એમાં ક્યાંય સંધાણ કે તિરાડ દેખાતાં નથી. પણ આમાંથી ઘણી ઘટનાઓને, વર્ણનોને બાદ કરીને વાર્તાનો મેદ ઘટાડી શકાય. વાર્તાને વધારે સઘન ને સંકેતપૂર્ણ બનાવવાનું પેટલીકરને છેક નથી જ ફાવતું એવું નથી. એ લંબાણમાંય સંકેતો રચતા જ રહે છે. પણ ત્યાં એનો પ્રભાવ/પ્રસ્તાર થકી રોળાઈ જાય છે. ‘દુઃખનાં પોટલાં’ લંબાવેલી વાર્તા છે. ૭૦-૮૦ પાનાંની લંબાઈને ‘વનફોર્થ’ પણ કરી શકાઈ હોત એમ લાગે છે. પેટલીકરનું પાત્રલેખન, સમાજચિત્રણ અને પ્રસંગ આલેખન અહીં ધ્યાનપાત્ર બને છે, પણ ટૂંકી વાર્તાની રેંજની બહાર એ બધું બને છે, એટલે એ ગુણો ‘વાર્તા સર્જવામાં’ લેખે લાગ્યા નથી. વાર્તામાં અપ્રતીતિકર અંશો પણ છે. ઉપરાંત બધું જ કહી દેવાની લેખકની તાલાવેલી, ને ઝીણી વિગતોનું પણ આલેખન આપવાનો લોભ પેટલીકરની વાર્તાઓને ઘાતક નીવડે છે. ‘કાશીનું કરવત’ અને ‘અકળ લીલા’ જેવી દીર્ઘ વાર્તાઓમાં પણ આવી જ મર્યાદા ઓ વાર્તાકાળાના ગળે ટૂંપો દે છે. (આ ત્રણે વાર્તાઓ ‘કાશી કરવત’ સંગ્રહમાં છે, ત્રણ દીર્ઘ વાર્તાઓનો જ આ સંગ્રહ છે.) ‘કાશીનું કરવત’ : સાદાસીધા છગાભાઈના શાંત અને સુખી જીવનમાં સંબંધીઓની હીન વૃત્તિઓને લીધે ઝંઝાવાત આવે છે. છગાભાઈને એક જોશી લગ્નયોગ’ ને ‘બે દીકરાનું સુખ’ ચીંધી જાય છે. પંચાવન વર્ષના વિધુર છગાભાઈ આનાથી તળેઉપર થવા માંડે છે. છગાભાઈ એક તરફથી સમાજ-કુટુંબીઓને સંબંધીઓની મેલી રમતનો ભોગ બને છે ને બીજી તરફથી એમની વૃત્તિઓ માણસ તરીકેની નબળાઈઓ એમને ઘેરે છે. પરિણામે છગાભાઈનું જીવન સંક્ષુબ્ધ અને યાતનાગ્રસ્ત બની જાય છે. છગાભાઈનો આંતરિક તરફડાટ સ્પર્શક્ષમ બને છે ને પરાકાષ્ઠાએ પહોંચે છે. પેટલીકર પાસએ માનવ-સ્વભાવની પરીક્ષણશક્તિ પણ છે. સમાજની ચાલબાજી પણ એ બતાવે છે સમાજ પેટલીકરમાં બરાબર ઊતર્યો છે એ આવી વાર્તાઓ સચોટ રીતે બતાવે છે. ‘કાશીનું કરવત’માંય લંબાણ કંઈક અંશે નિર્વાહ્ય હતું જ. બબ્બે સંઘર્ષોને વર્ણવતી આ વાર્તા પેટલીકરની કંઈક અંશે સફળ વાર્તા છે એમ કહેવામાં વાંધો નથી. ‘અકળ લીલા’ આ વાર્તામાં ચંચળબહેનને સમજાય છે કે પોતે પતિ માટે પ્રેરણાદાયક નથી, કેમ કે પોતે કશી ડિગ્રી મેળવી નથી. પતિને એમની સ્રી સહકાર્યકર આ મતલબનું કહેતી હતી એ ચંચળબહેને સાંભળેલું, પતિ સમાજસેવક છે. પતિને પત્ની સામે કશી ફરિયાદ નથી. તે ચંચળબહેનના મનમાય કશી સ્રી સહજ ઈર્ષા જન્મતી નથી, પણ તે ઇચ્છે છે કે પતિને એવી પત્ની મળે કે જે એમનાં કાર્યમાં પ્રેરક ને મદદરૂપ થઈ શકે. એમની અયોગ્યતા ને એમાંથી જન્મતી ચિતા પેટલીકરે વિકસાવ્યાં છે. વાર્તા ચંચળબહેનના ઇચ્છા-મૃત્યુની પરાકાષ્ઠા સુધી પહોંચે છે. મનનાં ઊંડાણો પેટલીકર પણ તાગી શકે છે. છતાં અહીં આડીઅવળી વાતો, ઝીણી વિગતોના ખડકલા લંબાણ અને શિથિલતા સરજે છે. એટલે ‘અકળ લીલા’ વાર્તા અપીલ કરતી નથી. ‘ચંચળબહેન’ની સમજણ, ચિંતા અને ઇચ્છા-મૃત્યુ પણ ખાસ કંઈ વાસ્તવિક લાગતાં નથી. બધું ઉપજાવેલું વધારે લાગે છે. ‘ચતુર મુખી’ : ગામડાનો સમાજ, એની પચરંગી વસ્તી અને એમાં મુખી / મુખિચાણીનો મોભો — મહિમા દર્શાવતી વાર્તા ‘ચતુર મુખી’ ધ્યાનપાત્ર ટૂંકી વાર્તા છે. ચતુર મૂળે બાઘો છે; કંઈક મૂર્ખ પણ ખરો. સૌ કોઈથી દબાઈને ચાલનારો, આળસુ/ એદી ખરો પન જમીનમાંથી પોતાનું નભે એટલુંં મળી રહેતું એથી કંઈક નફકરો, હુક્કો પીધા કરતો ચતુર જડવત્ જીવ્યા કરે છે. ત્યાં સરકારમાંથી ‘મુખીપદનો એનો વારો’ આવ્યાનો કાગળ એને મળે છે. હજી તો ચાર્જ લેવા જવાનું છે, પણ ચતુર તો આ જ પળથી મુખી થઈ ગયો છે, એની પત્ની પણ મુખિયાણી બની બેઠી છે! મુખીપણું એ બીજાને આપવા નથી ઇચ્છતો. કોઈથી ન દબાવાનું — કરસન મોટાથીય નહીં —, અને વસવાયાં પાસે ઢોર ચરાવવાથી માંડીને કચરો-વાસીદું, વાસણ પાણી. કપડા ધોવા સુધીનું દરેક કામ કરાવવાનું ચતુર મુખી અને એની પત્ની નક્કી પણ કરી દે છે. ચતુર તો એના અમલ માટેય ઉતાવળો છે. પણ તલાટી એને સમજાવે છે. ચાર્જ લેવા જવાના દિવસો ઠેલ્યા કરતો તલાટી ચતુર પાસેથી ક્લાર્ક ક્લેક્ટરસાહેબ વગેરેને ખુશ કરવાના બહાનાથી પૈસા પડાવ્યા કરે છે. ચતુરને ખબર નથી કે આ તલાટી બધું ખિસ્સે ઘાલી બેઠો છે. ચતુર તો ઘર ધોળાવે છે, નવાં ગાદલાં ભરાવે છે, નવાં કપડાં – બધાં માટે — કરાવે છે. રખેને સાહેબ ગામમાં મહેમાન થઈને આવે તો! લોકો ચતુરની મશ્કરી કરે છે, પણ એ તો એના કેફમાં છે, મુખીપણાનો નશો સ્વાભાવિક જ મુખિયાણીને છે! તલાટી એને ‘મુખિયાણી’ કહે છે એટલે એ ખુશ થઈ ગઈ છે. ચતુર હુક્કો લઈને રોજ ચોરે બેસે છે. આમ ચાર્જ વગરની મુખીપણાના ચાર માસ થઈ જાય છે. ને આખરે તલાટી ચતુરને લઈને ચાર્જ માટે જાય છે. ત્યાં ન વાં કપડાંમાંય ન ઢંકાયેલી ચતુર મુખીની બાઘાઈથી, ને કદાચ લાંચ ત્યાં ન પહોંચ્યાથી, એને મુખીપણું મળતું નથી. એની દલીલોની સાથે એનેય ઑફિસ બહાર કાઢી મૂકવામાં આવે છે. તલાટી આ ચુસાઈ ગયેલા સાંઠાને ફેંકી દે છે. તે બિચારો ચતુર મુખી! હવે જે મળે એને હજીય મુખીપણાનો રોફ બતાવતો ફરે છે. લોકો એના ગાંડપણને પોરસાવવા એને મુખી કહે છે, ને ચતુર ખુશ થાય છે. છેલ્લે, આમ, ચતુરનું ગાંડપણ દર્શાવીને લેખકે હાસ્યની સાથે કરુણની સેર ગૂંથી લીધી છે. જરાય બોલકા બન્યા વિના તલાટીની ભ્રષ્ટ દાનત, લોકોનાં માનસ, ચતુરની ગાંડીઘેલી ચેષ્ટાઓ લેખકે ઉપસવ્યાં છે. કથાનો કશો ભાર નથી, ને મહદંશે ચતુરની માનસિકતાને વર્ણવતી બાહ્ય ઘટનાઓ જ નિરૂપિત થઈ છે. છેક અંત જતાં પરાકાષ્ઠા પછી ચોટ આવે છે. ચતુરની દયનીય સ્થિતિ આપણને હલાવી જાય છે. આપણું હાસ્ય કરુણની છાંટથી રંગાઈ જાય છે. જશવંત શેખડીવાળાએ યોગ્ય રીતે જ આ વાર્તાને પેટલીકરની સફળ વાર્તાઓમાની એક વાર્તા કહીને વર્ણવી છે. (‘પેટલીકરઃ શીલ અને શબ્દ’ઃ પૃ. ૨૩૬–૭). ‘મધુરાં સ્વપ્નાં’ : મુગ્ધ સુશીલાના માનસસંચલનોની, શરમ–લજ્જા અને બાળક પ્રેમની આ વાર્તામાં સુશીલાના યૌવન સહજ માનસનું પણ ઠીક ઠીક વર્ણન થયું છે. બહાર બનતી ઘટનાઓના ઘેરા પ્રભાવો સુશીલાના મનને હેલે ચડાવે છે. વિનોદ-સુભદ્રા પોતાની પડોશમાં રહેવા આવે છે. સુશીલાના ભાવિ પતિનું નામ પણ વિનોદ છે. વળી એના પતિની મોં-કળા પણ પડોશમાં રહેવા આવેલા વિનોદને મળતી છે. માબાપ પડોશી વિનોદને પોતાને ઘેર ચા-પાણી માટે બોલાવે છે ને સુશીલાના વરની વાતો કહે છે. સુશીલાને આ વિનોદ જ જાણે (પેલો) પોતાનો વિનોદ હોય એમ થવા લાગે છે. એ શરમાય છે, ચોરીછૂપીથી વિનોદ-સુભદ્રાનો ઘરસંસાર જોયા કરે છે. વિનોદની ગેરહાજરીમાં સુભદ્રાને વિનોદની કાળજી રાખવા કહે છે. એની મનની દુનિયામાં સુભદ્રા-વિનોદની જેમ સુશીલા-વિનોદ ગોઠવાય છે. ને એમ એનું યૌવન એને અનેક કલ્પનાતરંગોમાં વિહાર કરાવે છે. અત્યારે તો એ પડોશી-યુગલમાં ને પછી એમને આવેલા બાબામાં ઓતપ્રોત થઈ જાય છે. લેખકે સુશીલાનું આણું વર્ણવ્યું છે. મધુરાં શમણાં લઈને સુશીલા ગંભીર બનીને પિતગૃહે જવા નીકળે છે. એનું ભાવિ જીવન અમંગળ તો નહીં હોયને એવી આપણને ચિંતા થાય છે, પણ એવો કોઈ સંકેત નથી. ભીતરમાં હસતી સુશીલા થોડીક ઉદાસ છે, ગંભીર છે. જાણે અહીં પણ એનું કશુંક છૂટી જતું ના હોય! કશીય ગંભીર વાત નથી. કશો ઉદ્દેશ નથી. પેટલીકરે એક મુગ્ધા/યૌવનાનું સ્વપ્નજગત વર્ણવવા નવદંપતીનો ઉપયોગ કર્યો છે, એ ટેકનિક પણ ગમે એવી છે. સરળ ભાષામાં, સાવ પ્રવાહી રીતિમાં વાર્તા લખાઈ છે, છતાં સુશીલાની સૃષ્ટિ ભાવકને સ્પર્શવા શક્તિમાન બની છે. સુશીલાને પડોશી વિનોદના પ્રેમમાં પાડી દઈને ત્રિકાણ રચી દેવાનો લોભ પેટલીકરે જવા દીધો, સુશીલા-વિનોદને શરમથી દૂર જ રાખ્યાં. સુશીલાની અકારણ પ્રીતિ માટે સુભદ્રાને પેલી નોકરાણીની જેમ ઈર્ષાય નથી થતી. કેમ કે સુશીલાની નિર્દોષતા દેખાય એવી છે. ને સુશીલાના મનમાં જે કલ્પનાઓ છે એની સાક્ષી તો એ એકલી ને બીજો ભાવક છે. આવી સુક્ષ્મતા પણ પેટલીકર માટે આપણે જમાપક્ષે જ નોંધવાની રહે છે. ‘પડદા પાછળ’ : નાગરિક પરિવેશમાં હળવા કટાક્ષથી લખાયેલી આ વાર્તા ભ્રષ્ટ, રીઢા ચોર જેવા અમલદારો, રાજકરાણીઓ અને કૉન્ટ્રાક્ટરોની દુનિયા રજૂ કરવા સાથે પ્રીતમરાય જેવો સજ્જન માણસ પણ સ્વાર્થવશ કેવો બદલાઈ જાય છે એનો નિર્દેશ કરે છે. પ્રીતમરાય સાક્ષર છે, સમાજનો સડો/ભ્રષ્ટાચાર જોઈને એ ભારે દુઃખી થાય છે. એવા ભ્રષ્ટાચારીઓ વડે આયોજિત એક સભાનું પ્રમુખસ્થાન લેવા એમને નિમંત્રણ – કહેણ મળે છે. પ્રીતમરાયને એ લોકોથી નફરત છે. પોતાને પણ એમના ભ્રષ્ટાચાર ભાગીદાર બનાવવાની આ યોજના હોવાની એમને ગંધ આવે છે. પોતે એવી જાહેર લપડાક ખાવા ઇચ્છતા નથી. પ્રમુખપદનો સાફ ઇન્કાર કરવાનું એ વિચારે છે. પણ ત્યાં જ એમને ખબર પડે છે કે એક કૉન્ટ્રાક્ટર જે જૂનો મિત્ર છે, એની ઓળખાણથી એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતા પોતાના પુત્રનું ભાવિ ઉજ્જવળ બને એમ છે. પ્રીતમરાય પ્રમુખપદનો સ્વીકાર કરી લે છે. સાક્ષરમાં ભરાયેલા ક્ષુલ્લક સ્વાર્થને ઉપસાવીને પેટલીકરે માણસની લાચારી ચીંધી છે, સાથે સાથે માનવીની નભળાઈ પણ દેખાડી છે. વર્ણન કરતા જઈને કટાક્ષ ઉપસાવ્યો છે, લેખક ક્યાંય ઉગ્ર બનતા નથી. કટુતા પણ લાવતા નથી. પ્રીતમરાયની નબળાઈ આપણને સહાસ્ય દયાપાત્ર લાગે છે. પેટલીકર પાત્રને સાંગોપાંગ જીવંત કરી મૂકે છે એ તો ખરું, પણ પાત્રના ભીતરનેય બરાબર ઉપસાવી આપે છે. પાત્રના મનમાં એ પેસી જાય છે, ને પાત્ર આપણી સામે બાહ્યાંતર ઊપસી આવે છે. આવાં જીવંત પાત્રોના જનક તરીકે પેટલીકરને ટૂંકી વાર્તાક્ષેત્રે પણ થોડોક યશ મળે એમ છે. ‘લોહીની સગાઈ’ : ‘જનમટીપ’ની જેમ ‘લોહીની સગાઈ’ પણ પેટલીકરની યશોદાયી કૃતિ છે. અનેક ભાષાઓની વાર્તા-સ્પર્ધામાં, ગુજરાતી વાર્તાઓમાં શ્રેષ્ઠ પુરવાર થયેલી ‘લોહીની સગાઈ’એ પેટલીકરને ‘રાતોરાત’ ખ્યાત કરેલા, ને લોકપ્રિય પણ. દાયકા લગી પેટલીકરે સગી બાને ગાંડી બહેનની સરભરામાં ડૂબી ગયેલાં જોયાં હતાં. ‘લોહીની સગાઈ’ સાથે પેટલીકરનેય લોહીની સગાઈ હતી. એટલે જ અનુભૂતિનો એ ‘અનુબૉમ્બ’ બનીને ભાવકને હચમચાવતી રહી છે. દાયકાને ઠાંસી ઠાંસીને પેટલીકર વીસ મિનિટમાં વાંચી શકાય એવા શબ્દોમાં ભરે છે. ને શબ્દો અહીં એમને સહાય કરવા હાજરાહજૂર છે. મંગુ માટેની બધી જ શક્યતા-અશક્યતાઓનો વિચાર અમરતકાકી કરી છૂટ્યાં છે. છતાં માની મમતાની શ્રદ્ધાનો, આશાનો કોઈ છેડો નથી. દીકરા-દીકરી-વહુઓની લાગણી અને પોતાની ગેરહાજરી સમેત બધી જ સ્થિતિઓનો અમરતકાકી વિચાર કરી છૂટ્યાં છે. ને તોય ગાંડાની ઇસ્પિતાલમાં દીકરીને મૂકવી એટલે ‘ખોડા ઢોરને પાંજરાપોળમાં મેલી આવવું’ એમ જ એ માને છે. ને એ સ્થિતિ આવે છે ત્યારે એ સાવ ભાંગી પડે છે, છતાં ક્યાંય રોતલવેડા લેખક બતાવતા નથી. કાંઠાઓ તોડીને વહેતી લાગણી અહીં અસીમ અને અસહ્ય દર્દનું — વેદનાનું રૂપ લે છે. એ વેદનાને વહેવા જગા નથી મળતી. અમરતકાકી ભૂલી શકતાં નથી, ગાંડી દીકરી દવાખાને રહી જતાં હવે એ સાવ નિરાધાર થઈ ગયાં છે જાણે! દીકરીને મૂકીને પાછાં વળતાં એમની સ્થિતિ, જતાં હતી એટલી જ વ્યથાસભર છે. જાતે દવાખાનું ને ડૉક્ટર-નર્સોની માયા જોયા છતાં અમરતકાકીને કશુંક ખૂટતું લાગે છે. દવાખાનામાં એમનું રુદન ડૉક્ટર-નર્સો સમેત ઈમારતીય સજળ કરી દે એવું તાકાતવાન છે. અમરતકાકીના પ્રેમની સચ્ચાઈની તાકાત છે માની મમતા માટે જે સહજ છે એ અહીં ક્રમશઃ બનતું રહે છે. એની પારાકાષ્ઠા આવે ત્યારે નહીં વહી શકતી વેદના અમરતકાકીને મંગુની ન્યાતમાં વટલાવી દે છે. મંગુની દેખરેખ અને એને વિશેનાં શ્રદ્ધા-તરંગોમાં અમરતકાકી પણ સ્વસ્થતા અને વ્યવહારુ સમજણને ચૂકી ગયાં છે, એમની ગતિ પણ દીકરીની દિશામાં હતી જ એવો અંતે કરુણ અહેસાસ થાય છે. કુસુમના સાજા થવાનો આશ્વસ્થ દાખલો ના હોત તો અમરતકાકી દીકરીને દવાખાને મૂકવા જવાનું—સામે ચાલીને તો —ના જ વિચારત. પછીય એમનું મન માનતું નથી, પણ દીકરાના ધક્કા ગણીને અને પોતાની જે બચી હતી એ વિવેકબુદ્ધિથી એ ચૂપ રહે છે. જતાં ગાડીમાં કોઈ પૂછે છે — (મંગૂને ગાંડાના દવાખાને લઈ જવાતી જાણીને) ‘આ છોડીની મા નથી?’ ત્યારે અમરતકાકીને માથે કેવો વજ્રાઘાત થયો હશે! એમને પાગલ કરી દેવા માટે એ પૂરતું નથી શું? ‘મા થઈને પોતે દવાખાને નહીં જ મૂકે’ એ નિર્ણય સમો એમની હાર અહીં તો એમણે જ નોતરી છે, ત્યારે એમની મજબૂરી ને કરુણતા આપણી આંખને સજળ કરી મૂકે છે. વળતી ગાડીએ મંગુની ચિંતામાં રડ્યા કરતાં કાકીને કોઈ પૂછે છે ‘કેમ બા રડો છો? કોઈનું મૈણું થયું છે?’ આ સામાન્ય વાક્ય (જશવંત શેળીવાળાએ પણ નોંધ્યું છે તેમ) એ વિશિષ્ટ સંદર્ભમાં અમરતકાકીના હૃદયને ચૂરચૂર કરવા પૂરતું છે પેટલીકરે યોજેલાં, મુસાફરોના મુખમાં અમસ્થાં મૂકેલા આ વાક્યો, અમરતકાકીને મૂળસોતાં ઉખાડી નાખે છે અને આપણનેય હચમાચાવી દે છે. સાદી ભાષા જ્યારે સંકેત બને છે ત્યારે વાર્તામાં એની શી તાકાત હોય છે એનો અહીં અનુભવ થાય છે. મા-દીકરો ઘેર આવ્યાં છે. બધે ગમગીની છે. પડોશણ ખાવા બનાવીને બેઠી છે. જમવાનું કહે છે ખરી પ મા-દીકરો ના પાડે છે ત્યારે પડોશણ પણ આગ્રહ કરી શકતી નથી. માણસના મૃત્યુ પછી તો પડોશીઓ મરનારનાં સ્વજનોને સમજાવી-પટાવીને ખવડાવે છે— ‘કડવું કરાવે’ છે. અહીં મરણથીય અધિકું કશુંક બની ગયું છે. માની વેદનામાં દીકરોય ઊંઘી શકતો નથી, ને ‘સવારે બહેનને ઘેર લઈ આવશે’ એ નિર્ણય કહી શકતો નથી. ને કહે તોય શું? મમતાની હાર થઈ છે. માનું મમત્વ મરી ગયું — એ જ તો મૈણું છે શું? ના. અમરતકાકીની મમતા એમ મરીમટી જાય એવી નથી. પરિસ્થિતિએ એમને જે બિન્દુએ લાવી મૂક્યાં એ કરુણતા છે. લેખક અમરતકાકીના કરુણાર્દ્ર મંથનને ચીસ રૂપે અવતાર્યું છે... ‘ધાજો રે મારી મંગુને મારી નાખી...’ હબકી ગયેલું લોક જોઈ રહ્યું — કરુણતાથી : ‘અમરતકાકી મંગુની ન્યાતમાં વટલાઈ ગયાં હતાં.’ માની મમતાના વિજ સાથે વાર્તા પૂરી થાય છે.’ ‘વાર્તાનો એક અને માત્ર એક જ અંત હોય છે—’ એમ આપણે કહીએ છીએ તે અહીં સમજાશે. ‘લોહીની સગાઈ’નો બીજો કોઈ પણ અન્ત એ વાર્તાના પ્રાણને હરી લઈ શકે છે. પેટલીકરે આથીય કરુણ પ્રસંગો આલેખ્યા છે, પણ અહીં જે વેધકતા છે, સરળતા સ્વયં કળાત્મકતાનું રૂપ ધરતી ચાલે છે એવું અન્યત્ર બન્યું નથી. ‘લોહીની સગાઈ’ પેટલીકરની શ્રેષ્ઠ વાર્તા છે એમ કહેવાની જરૂર જ નથી. પણ પેટલીકરે પછી આપણને એવી એકેય વાર્તા નથી આપી. ‘સર્જન’ હમેશાં સર્જકના વશની વાત નથી હોતું, એ સમજવામાં આવી કૃતિઓ મદદે આવે છે. ઉમાશંકરે વાર્તાને ‘અનુભૂતિકણ’ કહેલી. એ ‘અનુભૂતિકણ’ અહીં કેવો વિસ્ફોટ જન્માવે છે! ‘ધન્ય અવસર’ : આવી કૃતિઓને વાર્તા કહેવા કરતાં પ્રસંગ કહેવી જોઈએ. કેટલાક પ્રસંગો રસિક કોયડા જેવા હોય છે. કોઈ કોઈ પ્રસંગની આડે જીવનની કરુણતા પણ પડેલી હોય છે. ‘ધન્ય અવસર’માં વિધવાકાકી અનાથાશ્રમમાંથી બાળક દત્તક લે એ વડીલોને મંજૂર નથી. નજીકના ભાઈનો દીકરો, કે એનોય દીકરો લે ત્યાં સુધી બરાબર છે. કાકીની આ સાન ઠેકાણે લાવવા માટે કાકીના જેઠનો દીકરો — ભત્રીજો બાલુભાઈ છે એને સ્વજનો બોલાવે છે. પણ બાલુભાઇ નવા વિચારોમાં માનનારો, ગાંધીવાદી માણસ છે. અહીં કાકી જે છોકરાને દત્તક લેવા તૈયાર થયાં છે એ અનાથાશ્રમનો બાળક કાકીની વિધવાકૂખે દાયકા પહેલાં (યાત્રાપ્રવાસ દરમ્યાન) જન્મેલો એ જ છે. બાલોભાઈ તો માદીકરાનું એ મિલન જોઈને ધન્ય થઈ જાય છે. અહીં પ્રસંગની જેમ વાર્તા કહેવાઈ જાય છે કશું બનતું નથી જાણે. પેટલીકરે આવી પ્રસંગકથન જેવી તો ઘણી વાર્તાઓ લખી છે, જેને ‘ટૂંકીવાર્તા’ની રેંજમાં મૂકવી એ અયોગ્ય જ ગણાય. પ્રસંગ કે ઘટના ભલે સ્વયં સંપૂર્ણ હોય પણ વાર્તાકાર એમાંથી ટૂંકી વાર્તા લખવા પ્રવૃત્ત થાય ત્યારે એણે એને નવેસર, પોતાની દૃષ્ટિથી, કોઈ વિશેષને ઉભારવા માટે અભિવ્યક્તિ આપવી પડે છે, એ માટે એણે રચનારીતિ અને ભાષાનો કશોક વિલક્ષણ ઉપયોગ કરવો પડતો હોય છે વાર્તાકારની આવી ઓછામાં ઓછી ‘સર્જકતા’નો લાભ પણ પેટલીકરની ઘણી વાર્તાઓ પામી નથી. એના ઉદાહરણરૂપ થોડીક વધારે વાર્તાઓનું નિરીક્ષણ કરીશું. ‘વટ’ અને ‘હવાડીનું પાણી’ જેવી વાર્તાઓ પ્રસંગવર્ણનથી આગળ વધતી નથી. ‘વટ’માં ગામડાનો એક સમૃદ્ધ હરિજન પોતાની પાર્ટીના ગરીબ પટેલને એના બાપુજી પાછળ પોતાની ગાંઠના પૈસા ખરચીને ગામ આખું જમાડવા કહે છે. સામી પાર્ટીના વણકરે મારેલું મહેણું એને વાગે છે. એ ‘વટ–નો માર્યો’ પોતાના પૈસાથી, પટેલના બાપના કારજમાં કંસાર-ધી કરાવીને બદલો લે છે. માણસની અહમ્ વૃત્તિનું દર્શન કરાવીને પેટલીકરે એવા મિથ્યાચાર પર કટાક્ષ પણ કર્યો છે. ગામડામાં દ્વેષથી પડી જતાં તડ (પક્ષો) બતાવીને પેટલીકરે ગામડાંની વસ્તીના વરવા આચારવિચાર દર્શાવ્યા છે. ‘હવાડીનું પાણી’માં ઢેડ-વણકરથી નિમ્ન ગણાતી સેનવા કોમને કૂવાને બદલે ઢોર પીએ તે હવાડીનું પાણી પીવું પડે છે એ ને એમાંથી સુધારો/કાયદો આવતાં થતી રામાયણ પેટલીકરે બતાવી છે. અસ્પૃશ્યતાને દૂર કરવા સરકારે સાર્વજનિક કૂવે બધાંને પાણી ભરવાની છૂટનો કાયદો કર્યો. એક ગામના સેનવાઓ એ કાયદાની રૂએ બળવો કરીને — માર ખાઈને, ઘર બળી જાવા દઈનેય ઝઝૂમ્યા એટલે સાર્વજનિક કૂવાનું પાણી પીતા થયા. ઢોરની જેમ હવાડીનું પાણી પીવામાંથિ બચી ગયા. બીજા ગામે એમની જાન ગઈ ત્યાં એમણે હવાડીનું પાણી પીવા ઇન્કાર કરતાં મુશ્કેલી થાય છે. સેનવા-વેવાઈઓને કૂવાનું પાણી મળતું નથી. બીજા વર્ષે એ કૂવો ન કરે તો કન્યા કોઈ લે નહીં કે દે નહીં એવું થયું. સેનવાકૂવો કરવા પૈસા માટે બધું જ કરી છૂટે છે. કૂવો થાય છે, પણ પટેલો પૈસા આપતા નથી. એમને લાગે છે કે આમ થતાં તો સેનવા ‘ફાટી જશે.’ આખરે ગામના લોકો સેનવાઓની જાન આવવાના દિવસે જ કાચો કૂવો (ચણ્યા વગરનો) પૂરી દે છે ને સેનવાઓ બચારા એમના તાબેદાર થઈને રહે છે. પેટલીકરે અહીં નિમ્ન વર્ગની હાલાકી બતાવી છે. શોષણ સામે એ વર્ગને જાગ્રત થવા કહ્યું છે. હક માટે જાગવું પડે ને લડવુંય પડે સુધારક પેટલીકરે અહીં ગાંધીવાદી અભિગમથી ગરીબોનો પક્ષ લઈ, એમને અકારણ પીડતા ઉજળિયાત લોકોની વાયડાઈ પ્રત્યે ધ્યાન દોર્યું છે. સેનવાઓ હોય કે ઢેડ બધા માણસ છે. માનવતાવાદી અભિગમનો અભાવ સમાજને કેવો વિરૂપ બનાવે છે એવું પણ કહેવાનો ઉદ્દેશ છે જ. અહીં છાપામાં આવતા ચિતાર જેવો ચિતાર મળે છે. એને વળ-બળ કે દિશા આપીને વાર્તા ઘડી કાઢવાનો પ્રયત્ન થયો હોય એમ લાગતું નથી. ‘જનમનો ખેડુ’માં ચમત્કાર છે. નાથો પટેલ મરતી વખતે જમીનમાં – ખેતીમાં જીવ રહી જતાં ભૂત થાય છે, દીકરો મુંબઇમાં વકીલાત કરે છે. જમીનને ભાગે ખેડનારને નાથો પટેલ રંજાડે છે જમીન પડતર રહે છે. આખરે બાપનો અવગતિયો જીવ મોક્ષ પામે એ હેતુથી દીકરો રમણભાઈ કામચલાઉ, વકીલાત છોડીને જાતે ખેતી કરવા ઘેર આવે છે, ત્યારે નાથા પટેલનું ભૂત એને રંજાડવાને બદલે સહકાર આપે છે. દંતકથા જેવી આ વાર્તા પ્રતીતિકર ભાગ્યે જ લાગશે. ‘શિવ-પાર્વતી’ વાર્તામાં ગાંડા મોટાભાઈને, અને એમના કુટુંબને પાલવતો મોહન તથા સમજુ પત્ની શાન્તા છે. એક વખત ગાંડાભાઈને નાનોભાઈ મોહન તમાચ મારે છે, એ માંડ માંડ સહી રહેલી ગાંડાભાઈની પત્ની ગંગાને મોહનનું વલણવર્તન પીડે છે. મોહન શિવ-પાર્વતીના બસ્ટને તોડવાના ગુના સબબ ગાંડાભાઈને જૂતે જૂતે મારે છે ત્યારે ગંગા એના શિવજીને ન મારવા સમજાવે છે ને ઘર છોડી બધાંને લઈને જવા નીકળે છે. મોહન-શાન્તાએ એમને માટે ઘણું કર્યું છે. પણ ગંગાને હવે લાગ્યું ેકે બીજા પર બોજ બનીએ એટલે જ અપમાન થવા લાગે. પણ આજલગી કોઈ ઉપાય નહોતો. પણ લાગણીની નાજુક પળે એ ઘર છોડે છે નેતરત જ એને મોટર અકસ્માત નડે છે. વર્ષો પહેલાં મોટે અકસ્માતમાં દીકરો મરી જતાં ગાંડો બનેલો પતિ આ અકસ્માતથિ સારો થઈ જાય છે, ને બેભાન ગંગા પણ બીજે દિવસે ભાનમાં આવતાં વાર્તાનો સુખદ અંત આવે છે. ભાઈ-ભાભી, પત્ની-પતિ — બધાંની કરુણાર્દ્ર સ્થિતિ સ્પર્શ્ય બને છે પણ વાર્તા તરીકે અહીં કશોય વિશેષ ઉન્મેષ પ્રાપ્ત થતો નથી. કેટલાક પ્રસંગો એવા હોય છે કે એ પ્રબોધક જ બની જાય. પેટલીકરનું સુધારક વ્યક્તિત્વ પણ પ્રસંગોને એ તરફ લઈ જાય છે. વાર્તા માટે અક્ષમ ઘટના પણ પેટલીકર ઘણી વાર પસંદ કરે છે, એ એમાં સામાજિક સંદર્ભે કશીક ઉપયોગિતા જોઈને એ તરફ આકર્ષાયા હશે એમ આપણને એમાંથી થયેલી વાર્તા વાચતાં લાગ્યા વિના નહીં રહે. પેટલીકરને સમાજવર્ણનમાં રસ છે. ઘણી વાર, સાદીસરળ ઘટનાને પણ એ વાર્તાના ખોખામાં ઢાળી આપે છે. સમાજનાં વિવિધ પાસાં, વિવિધ વર્ગોનાં વિવિધ પાત્રો અને અવનવા પ્રશ્નો આલેખવામાં પેટલીકરને આનંદ આવે છે. ગ્રામીણ કે શહેરી સમાજની વાર્તાઓમાં પેટલીકરનું લેખક તરીકે સમાન વલણ જ વર્તાય છે. પરિવેશ, બોલી કે કથા-ઘટનામાં ફેરફાર હોય પણ એની કથન-વર્ણનની લઢણ તો એ જ ‘પેટલીકરીય’ હોવાની. સામાન્ય રીતે, પેટલીકરને નિમ્ન વર્ગનાં, ઉપેક્ષિત, શોષિત પાત્રોમાં વધારે રસ છે એમ કહી શકાય. એ પાત્રોના વર્ગનું કે એમના સમાજનું વર્ણન કરતી વાર્તાઓ વધારે મળે છે. પટેલ સમાજ અને ગ્રામીણ સમાજનાં અન્ય વસવાયાં પાત્રો પણ પેટલીકરની કલમે વખતોવખત આલેખાય છે. નગરજીવનમાં એમને કેળવણી અને જાગૃતિ આવ્યા પછીના અટપટા ને અવનવા પ્રશ્નોને લીધે રસ પડેલો. પછી તો એમણે ઈર્ષાદ્વેષની માંડીને Sex—યૌનસંબંધો અને અવૈધ સંબંધોને લક્ષીને પણ વાર્તાઓ લખી છે. પણ મોટેભાગે પેટલીકર કોઈ ને કોઈ સમાજસંદર્ભ, સુધારકવલણ કે એવા પ્રબોધક દૃષ્ટિબિન્દુ આગળ અટકી જતા દેખાય છે. વાર્તાને સર્જકની હેસિયતથી કળાકૃતિ બનવા દેવાની એમને સ્મૃતિ જ થતી નથી. કદાચ એ દરેક વખતે એમના વશની વાત, ગજાની વાત ન પણ હોય એમ બને. પોતાની મર્યાદાથી વાકેફ પેટલીકર વાર્તા પાસે પોતાનું ધાર્યું કામ લે છે એ તો ખરું પણ વાર્તાની કળા નિપજાવવાનું કદાચ એ ઓછામાં ઓછી વખત ધારતા હશે. એમની દૃષ્ટિ અન્ય પ્રયોજનોમાંથી મુક્ત થતી નહીં હોય એટલે એ વાર્તાને સમાજિકતાની ભૂમિકાથી જ જોતા–ખેડતા રહ્યા. એટલે જે માર્ગે એ ગયા નથી એ માર્ગની ચર્ચા કરવાનો નિરર્થક ઉદ્યમ શા માટે? પેટલીકરની વાર્તાઓમાં ગ્રામીણ સમાજની અંધશ્રદ્ધાનું તેમ કુરિવાજો નું વર્ણન પણ મળે છે. માનવમનનો તાગ મેળવતી પ્રસંગપ્રધાન કૃતિઓ પણ મળે છે. સંબંધો અને સંઘર્ષ — કટોકટીકાળમાં એ સંબંધોની પરીક્ષા કરતી વાતો પણ પેટલીકરે લખી છે. કુટુંબજીવન અને લગ્નજીવનના પ્રશ્નો, આમેય, પેટલીકરના રસનો વિષય છે. રોજે રોજ એમના અનુભવો પણ એમને આવા પ્રસંગો પૂરા પાડે છે. એટલે સ્વાભાવિક જ એ બધાંને કેન્દ્રિત કરતી વાર્તાઓ પણ એમણે ઠીકઠીક લખી છે. ઉક્ત વિષયોને લક્ષતી વાર્તાઓમાં મુખ્યત્વે ‘માનતા’, ‘મોટી બહેન’, ‘દાસભાઈની ઉધરસ’, ‘વીંછીનું મોં’, ‘વીસ ને એક’, ‘કુંદનનું આમંત્રણ’, ‘મીનપિયાસી’, ‘તાણાવાણા’, ‘ઠંડુ યુદ્ધ’, ‘એક મગની બે ફાડ’, ‘નવો કોયડો’, ‘લગ્નનો ગજ’, ‘શનિવારની રાતે’, ‘મિસ બેની’, ‘દિલનું દર્દ’, ‘નૂપૂરઝંકાર’, ‘દરિયાની માછલી’, ‘ગૃહત્યાગ’, ‘પરીક્ષાનો ઉજાગરો’, ‘ભગવતી દીક્ષા’, ‘પારસમણિ’, ‘કઠપૂતળી’, ‘અભિસારિકા’ આદિનો ઉલ્લેખ કરી શકાય. ‘દીકરો ખોવાયો’ જેવી વાર્તાઓમાં અપ્રતીતિકરતાનો પ્રશ્ન નડે છે. લંબાણ, ઝીણી વિગતોનું બિનજરૂરી વર્ણન, વાર્તાને શિથિલ કરતી આડીતેડી વાતો, પ્રત્યક્ષપણે આવતાં સુધારક–વલણો વગેરે પેટલીકરની મર્યાદાઓ છે. એમનું ગદ્ય પણ ક્યારેક છાપાળવા ગદ્યની લગોલગ જઈને પ્રસંગકથન કરે છે ત્યારે વાર્તા અને ગદ્ય બંને ફિક્કાં લાગે છે. બાકી એમની વાર્તાઓમાં આખો ગ્રામીણ સમાજ અને સમગ્ર પરિવેશ સાથે ખડો થાય છે જરૂર. વળી એમની વાર્તાઓની પાત્રસૃષ્ટિને તપાસીશું તો ખ્યાલ અવશે કે એમાં હરકોઈ કોમનાં ને હરકોઈ વયનાં પ્રતિનિધિરૂપ પાત્રો જરૂર છે. એમની વાર્તાઓમાંથી પસાર થતા ભાવકને ખેડા જિલ્લાનાં ગામડાંમાંથી પસાર થવાનો પણ અહેસાસ થાય એવી એમના પ્રદેશની મુદ્રા એ વાર્તાઓમાં ઊપસેલી છે. પેટલીકરના સાહિત્યમાં ચરોતરનું આવું અખંડ દર્શન થઈ શકે છે, એમાં એમની વાર્તાના કળાકાર કસબીની નહીં પણ સમાજદ્રષ્ટા સાહિત્યકારની દૃષ્ટિનો ફાળો છે. અહીં એક વાત તરફ ધ્યાન ખેંચવું જરૂરી છે ‘પટલાઈના પેચ’– (૧૯૪૬)ને આપણા કેટલાક વિવેચકોએ, (પેટલીકરે પણ) વાર્તાગ્રંથ ગણ્યો છે, પણ એ ટૂંકી વાર્તાનો ગ્રંથ છે એમ માની શકાય એવું નથી. એમાં મર્મબોધક પ્રસંગો છે. કેટલાક પ્રસંગો પાત્રપ્રધાન પણ છે. ગામડાની ખટપટો, ગામડાના સારામાઠા પ્રસંગોમાં સૌને રાખતા કે ગામનાં કાર્યો સિદ્ધ-અસિદ્ધ કરવા-કરાવવા મથતા સારા નઠારા માણાસોનું અહીં વર્ણન છે. મેઘાણીએ રવિશંકર મહારાજના જીવનમાં બહારવટિયાઓ સાથેના અનુભવ-પ્રસંગો બન્યા હતા એ લઈને ‘માણસાઈના દીવા’ નામનું પુસ્તક લખેલું. એને પણ ઘણાએ ટૂંકી વાર્તાઓ તરીકે ઘટાવેલું. પણ એમ સત્યકથાઓને વર્ણવતી પ્રસંગકથાઓ કે વ્યક્તિકથાઓ છે. એમાંથી મહદંશે વ્યક્તિચિત્રો પણ મળે છે. એ રીતે ‘પટલાઈના પેચ’માં પેટલીકરના દાદાબાબર ભગત (બાપુજીના મોટાભાઈ)ને જીવનમાં ભાંજગડ કરતાં કરતાં ઘણા અનુભવો થયોેલા. પેટલીકરે સગી આંખે, બાળપણ દરમ્યાન આવા અનેક પ્રસંગો જોયેલા લખવાની પ્રવૃત્તિ આરંભી ત્યારે સ્વાનુભૂત પ્રદેશનાં આ પાત્રો ને પ્રસંગો પેટલીકરના મન-આંગણે આવીને ઊભાં રહ્યાં હશે, ને પેટલીકરે એ વર્ણવ્યાં હશે. ગામડામાં મુખ્ય વસ્તી પટેલની હોય. ને એવું ન હોય ત્યાંય ભાંજગડિયાને પટેલ (મુખીના અર્થમાં) કહેવામાં આવતો ને ભાંજગડને પટલાઈ/પટલાઈનો એક અર્થ ‘ડાહપણ’ પણ થતો) જ ગણવામાં આવતી. એટલે પેટલીકરે જે જોયું-જાણ્યું એને ગદ્યદેહે આલેખ્યું, એ પુસ્તક તે ‘પટલાઈના પેચ’. એ પ્રસંગકથાઓમાં પેટલીકરની હાસ્યવિનોદશક્તિ, નિરીક્ષણ અને વર્ણશક્તિ તથા માનસ્વભાવને પરખી લેવાની વિચક્ષણતા દેખાઈ આવે છે. જે તે પ્રસંગ કે પાત્ર પણ અહિં ઠીક ઠીક જીવંત બનીને પ્રગટ્યાં છે. સમાજનું ચિત્રણ કરતી આવી કૃતિઓ ત્યારે તો દુર્લભ હતી ‘ગ્રામચિત્રો’ની જેમ આ કૃતિનું પણ તન્કાળે ઘણું મૂલ્ય હતું. આજે તો નવા યુગની આબોહવાએ ગામડાં અને એના પ્રશ્નોનું રૂપ બદલી નાખ્યાં છે. છતાં દસ્તાવેજી પુરાવા જેવી એ પ્રસંગગંધી વાર્તાઓ આજેય વાંચનારને આનંદ આપે એવી છે.
.............................................................
૦
............................................................