ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/વેરની વસૂલાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વેરની વસૂલાત
(આર્ટિમિસિઆ જિંટિલેસ્કીનો પત્ર)

[ઈટાલિયન સ્ત્રી-ચિત્રકાર આર્ટિમિસિઆએ ઈ.સ. ૧૬૨૦માં ‘હલોફર્નિસનો શિરચ્છેદ કરતી જ્યુડીથ’ નામના ચિત્રનું સર્જન કર્યું હતું.]

પિતાજી, બાળપણામાં હું જિદ કરી બેસું,
તો બાઇબલની કહાણી તમે કહેતા હતા :

અસીરિયાના લઈ સૈન્યને, હલોફર્નિસ
યહૂદીઓના નગરની ઉપર ચડી આવ્યો.
યહૂદીઓમાં કોઈ એક, મૂઠી ઊંચેરી,
જ્યુડીથ નામે રહેતી હતી મનસ્વિની
વિશાલ વક્ષ – હો પ્રત્યક્ષ આર્ટિમિસ જાણે –
કપોલમાં લઘુ ખંજનની જોડ વસતી હતી,
હતું સ્વરૂપ અસલથી જ એવું અણિયાળું,
કે રોમ રોમમાં ભભરાવી હોય હીરાકણી!
જ્યુડીથ શત્રુની પાસે ગઈ, હલોફર્નિસ
તો એને જોઈ તરત પાણી પાણી થઈ ચાલ્યો.
સુરા મગાવી છે ને સેજ પણ સજાવી છે,
કહો કે યુદ્ધ પહેલાં ફતેહ આવી છે!

તિમિરથી જે રીતે સરકાવતું કોઈક સવાર,
જ્યુડીથે એ રીતે સરકાવી મ્યાનથી તલવાર,
પહેલા ઝાટકે શત્રુનું માથું ઉતાર્યું.

કહાણીઓ તો ઘણી કહી હતી તમે બાપુ,
પરંતુ યાદ છે : જ્યુડીથ ને હલોફર્નિસ.



નમાઈ છોકરી હું :
પિતા તમે જ હતા ને તમે હતા માતા,
તમે જ હાથમાં નાનકડી પીંછી પકડાવી,
તમે જ શીખવ્યું શું ઇન્ડિગો? શું અલ્ટ્રામરીન?
તમે જ શીખવ્યું અખરોટના ને અળસીના
લઈને તેલને, ઓગાળતાં એ રંગોને.
યુરોપભરમાં બધે અંધકારયુગ ચાલે,
દે ચિત્રકામની કેળવણી કોણ કન્યાને?
સિવાય કે તમે...
સમસ્ત લોકમાં બાપુ, તમારું નામ હતું,
છતાં નિપુણ ને નિષ્ણાત એવા શિક્ષકને
તમે નિયુક્ત કર્યા, કે હું થાઉં પારંગત.
એ તાસ્સી નામના શિક્ષકથી પાઠ શીખી હું :
તમે ન ભૂલી શકો, હું તો કેમ ભૂલી શકું?

કરેલો મારો તો કૌમાર્યભંગ તાસ્સીએ...


તમે જ તાસ્સીને ઊભો કર્યો અદાલતમાં,
ઉલટતપાસમાં મારી, તમે જ પડખે રહ્યા.
ભલે સમાજ કહે એમને વકીલો, પણ
મને તો લાગ્યું કે એ પણ હતા બળાત્કારી.
નગરમાં મારી પ્રતિષ્ઠાનાં ચીંથરાં ઊડ્યાં.
‘કહીશ સત્ય અને માત્ર સત્ય,’ હું બોલી,
‘આ તાસ્સીએ જ મને ભોંયસરસી ફંગોળી,
એ વામ હસ્તથી સ્તનને દબાવતો જ રહ્યો,
ને જમણા હસ્તથી ચિત્કાર મારો ગુંગળાવ્યો,
બે મારા સાથળો વચ્ચે મૂકી દીધો ઘૂંટણ,
નહોરિયાં ભર્યાં મેં, શિશ્નની ત્વચા તાણી,
પરંતુ એ તો જે કરવું હતું, કર્યે જ ગયો....
મી લોર્ડ સાચું છે, આ સાચું છે, આ સાચું છે!’
મળ્યો ન ન્યાય અદાલતમાં.
હવે આ તાસ્સીને શિક્ષા કઈ રીતે કરવી?


એ વાતને હવે વર્ષો વીતી ગયાં, બાપુ.
મેં એક ચિત્રને આજે સવારે પૂરું કર્યું :
પુરુષ પડ્યો છે કોઈ, રેશમી તળાઈમાં,
જે હાથ આમ કદી તેમ પાય ફંગોળે,
દદડતો જાય છે ચિત્કાર એની ગ્રીવાથી,
પુરુષના કેશને ઝાલ્યા છે વામ હસ્ત વડે,
ને જમણા હસ્તથી માનુની વીંઝતી તલવાર...

હા, બાઇબલની કહાણીનું ચિત્ર છે, બાપુ.
નિહાળશો તમે જો એને ધારી ધારીને,
તો પૂછશો મને – આ તાસ્સી? કે હલોફર્નિસ?
ના, આ તો તાસ્સી છે! ના, ના, આ તો હલોફર્નિસ...
નિહાળશો તમે જો એને ધારી ધારીને,
કદાચ મારું મોં દેખાશે તમને, જ્યુડીથમાં!

છંદવિધાન : લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા
જેમ કે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’

(૨૦૨૨)


૧ ગ્રીસના મિથક પ્રમાણે શિકારની દેવી, કુંવારિકા