ઉપજાતિ/પાનખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાનખર

સુરેશ જોષી

જોયા કરું છું અનિમેષ નેત્રે
આ પાંદડાં પાનખરે ખર્યા કરે.
તેમાં વળી નિર્દય વાયુ વાય,
સરી જતી વિશ્વઉરેથી હાય!
નિ:શ્વાસ એનો પટ કો ખસેડે,
છતું થઈ દર્દ અજાણ્યું કો પીડે!

લાગે મને કે હું છું શાપભ્રષ્ટ,
ગ્રસે મને કાલ કરાલદંષ્ટ્ર;
કો અન્ય લોકે, નહિ જાણું ક્યારે
આવ્યો દઈ કોલ: હું આવું છું, પ્રિયે!
આવી પડ્યો હું સ્મૃતિભ્રંશથી અહીં
ને ત્યાં હજુ એ વિરહે રહી બળી!

અશ્રુથકી ધૂસર નેત્ર એનાં,
આકાશ વ્યાપી કરતાં પ્રતીક્ષા.
જે પદ્મ હાથે રહી’તી રમાડી
તેની હવે ક્રોધથી તોડી પાંખડી
નખે કરી કચ્ચર આમ ફેંકે
ખર્યા કરે તે અહીં પર્ણ રૂપે.

જોયા કરું છું અનિમેષ નેત્રે:
આ પાંદડાં પાનખરે ખર્યાં કરે.