ઉપજાતિ/વિનંતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનંતી

સુરેશ જોષી

આ થોરના કંટકની અણીપે
તુષારની સેજ કશી મુલાયમ!
પોઢી રહ્યાં ઇન્દ્રધનુ શિશુસમાં,
એ નિન્દરે ભંગ ન પાડશો, ખમા.

પ્રથમ અંક: પ્રથમ દૃશ્ય

ટિંગાડજો ચન્દ્ર અહીં પૂનેમનો
(ના પૂર્વ કે પશ્ચિમ શોધવા જશો,
કાંકે અહીં ના ઝઘડો દિશાનો.)
તારા ય થોડા અહીં વેરી રાખજો;
એકાદ ડાળી ઝૂલતી લતાની,
થોડાંક ફૂલો વળી જો બને તો!
દુષ્યન્ત ક્યાં? ક્યાં ગઈ રે શકુન્તલા?
ભેગાં કરો રે સહુ તૂર્ત ઢીંગલાં!
તૈયાર રાખો દઈ ચાવી પ્રેમીઓ,
થતાં ઇશારો સરકાવી દેજો.
ચાલુ કરો આ સહુ ફૂટલાઇટો;
જોજો, કશો ના વળી જાય ગોટો!
(રે પ્રેમમાં વિઘ્ન હજાર આવે,
કર્યા વિના પ્રેમ છતાં ય ચાલે?)

એકાદ ગાતી ગીત છો શકુન્તલા:
ટ્રલા ટ્રલા લા ટ્રલલા ટ્રલા ટ્રલા.
ખેંચો હવે આ પડદો, ન વાર,
પ્રેમી અધીરાં, ઉભરાય પ્યાર!
‘પ્રિયે!’ ‘પિયુ!’ ચાલુ થયા પ્રલાપ;
કાઢી લિયો પ્રેમનું આપ માપ!