ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું પ્રવાસસાહિત્ય
આપણે ત્યાં પ્રવાસશોખીન – પ્રવાસપ્રેમી – પ્રવાસી સાહિત્યકારોનું પ્રમાણ ઝાઝું નથી. સંસ્કૃત સાહિત્યમાં ‘હર્ષચરિત’કાર બાણની રઝળપાટથી આપણે વાકેફ છીએ. મધ્યકાલીન સાહિત્યમાં દયારામ આદિની ધાર્મિક પદયાત્રાઓ આપણી જાણમાં છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં દલપતરામ, નારાયણ હેમચંદ્ર, હરિ હર્ષદ ધ્રુવ, અમૃતલાલ પઢિયાર, ન્હાનાલાલ જેવાઓ તો પછીથી કાકાસાહેબ, સ્વામી આનંદ, ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ વગેરેનાં પ્રવાસ-પર્યટનો પણ ઉલ્લેખનીય લેખાય. કાકાસાહેબનો ‘હિમાલયનો પ્રવાસ’ હિમાલય-પૂજા – ભારત-પૂજા પણ એક રીતે બની રહે છે. એ પ્રવાસગ્રંથ છે, પણ માત્ર પ્રવાસગ્રંથ નથી. એમાં કાકાસાહેબની સંસ્કૃતિયાત્રા – સૌન્દર્યયાત્રાય છે. ચંદ્રવદનની પ્રવાસયાત્રાઓનો તો કેફ જ જુદો. આપણે એક વાર એમની સાથે ચાલવા માંડ્યું, પછી છૂટા પડવાનું જ ન ગમે ! એમનાં દર્શન-સ્મરણ-કથન-શૈલીમાં એવી એક રંગભરી લિજ્જત છે. ઉમાશંકરનાં પ્રવાસવર્ણનો કાકાસાહેબ કે ચંદ્રવદન જેવાં રસાળ ને રંગીન નહિ લાગે, પણ એ પ્રવાસવર્ણનોય ભારતના – ભારતીય જનના આત્મ-પરિચયની સુંદર તક આપતા સંદર્ભો લઈને આવે છે. એ વર્ણનમાં પ્રવાસી લેખકની હૃદયની છબીયે પ્રગટ થાય છે. તેઓ તેમના ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’ (૧૯૭૬) પ્રવાસગ્રંથની પ્રસ્તાવનામાં લખે છે :
- “પ્રવાસ એ એક પ્રકારની આંતરયાત્રા પણ છે. વ્યક્તિજીવનની, સમાજ-જીવનની, રાષ્ટ્રજીવનની એક ભીતરી સફર એ બની રહે છે.”
ઉમાશંકરનાં પ્રવાસવર્ણનો અવલોકતાં એમની પ્રવાસ વિશેની આ સમજ બરોબર ખ્યાલમાં રાખવી ઘટે. ઉમાશંકર તો ભોમિયા વિના ડુંગરા ભમવાના આશક. જંગલની કુંજ કુંજ જોવાના કોડ ધરાવનાર. ડુંગરાઓમાં ભમવા ચાહનાર આ કવિને ડુંગર જેવી – પહાડ જેવી અડગ – અણનમ વ્યક્તિત્વ ધરાવનારી વિભૂતિઓનુંયે આકર્ષણ ઓછું નથી ને તે રીતે જંગલમાં ભમવાની આકાંક્ષા સેવનાર આ કવિને ભવાટવીની રમણાનોય સ્વાદ ઓછો નથી. તેઓ તો પ્રકૃતિ અને સંસ્કૃતિથી – મનુષ્યથી સતત ખેંચાતા – ખીલતા સર્જક રહ્યા છે ને તેથી પ્રવાસમાંય એમની આંખ ખગોળ-ભૂગોળ આદિમાંથીયે માનવીયતાને પોષક એવાં તત્ત્વોની ખોજમાં જ લાગી રહે છે. એથી એમના પ્રવાસને જો લાભ થયો છે તો થોડો ગેરલાભ પણ ! જેમ કોઈ ધાર્મિક યાત્રી હોય તેમ તેઓ ‘સાંસ્કૃતિક’ યાત્રી છે. કેવળયાત્રી રહ્યા હોત તો તો વાત જ જુદી હતી. ‘અલગારીની રખડપટ્ટી’નો મર્મ-સ્વાદ એ જાણી શકે ? પોતે અલગારી થઈને રખડપટ્ટી કરી શકે ? આબુ વિશેની પહેલી જ પ્રવાસવિષયક લેખમાળા એનો ઉત્તર હકારમાં પાઠવી શકે એમ છે. ઉમાશંકર આમ ગુર્જરયાત્રી, પણ ભારતયાત્રીયે ખરા – શું ગુજરાતમાં, શું આસામમાં, શું ચીનમાં કે લંડનમાં. ઉમાશંકર આસામ ગયા પણ આસામ એટલે એમના મનમાં તો ‘ઈશાન દિશાનું ભારત’, પોતાના ગુજરાતનેય તેઓ કદાચ ‘પશ્ચિમ દિશાનું ભારત’ જ લેખે ! આસામમાં ફરતાંય તેમને તો ત્યાં ‘બધે જ ઘરઆંગણું’ લાગેલું. ઉમાશંકરને ઈશાન ભારતની યાત્રા પણ પોતાની ભારતીયતાના સાક્ષાત્કારરૂપ જ સવિશેષ લાગી જણાય છે. તેઓ અંતરતમ ભારતની જ વિકસિત ઐક્યપ્રતિમાનો પરિચય એથી મેળવે છે. તેઓ કહે છે :
- “ઉપરથી વિભિન્ન, અંદરથી અભેદ – ભારતયાત્રીનો આ, ગમે તે પ્રદેશમાં એ જાય, અચૂક અનુભવ છે. જુદા જુદા સ્થળે – તેમ જ કાલબિંદુએ – ઊભા રહી આપણા દેશની પ્રતિમા જોવી એમાં આનંદ છે. એ રીતે એનો કાંઈક સમગ્ર અને કદાચ વધુ સાચો ખ્યાલ પણ સાંપડે.” (ઈશાન ભારત૰, નિવેદન)
અહીં દેશની વાત છે. એ દેશના સંદર્ભને સહેલાઈથી વિશ્વના સંદર્ભમાંયે સમજી શકાય. ઉમાશંકરની ચીન, ઇન્ડોનેશિયા, યુરોપ વગેરેની યાત્રાઓ વિશ્વની – વિશ્વમાનવની પ્રતિમા જોવાના ઉત્સાહ-આનંદની નિર્દેશક છે એમ કહી શકાય. છેવટે તો ‘વિશ્વશાંતિ’-ગાયક ઉમાશંકરની ખોજ વિશ્વાંતર્ગત ઐક્યની છે. ઐક્ય તો છે જ, પ્રશ્ન પામવાનો છે અને એ પામવામાં મુક્ત મનથી કરેલ પ્રવાસ-યાત્રા જેવો શુદ્ધ સુંદર ઉપાય ભાગ્યે જ બીજો હોઈ શકે. જેમનું મન કવિનું, જેઓ પોતે ‘મૂળ ડુંગરના’, જેમણે કાવ્યદીક્ષા મેળવેલી પ્રકૃતિ પાસે; તેઓ પ્રવાસનો આવો ને આટલો મહિમા ન કરત તો જ નવાઈ લાગત. ઉમાશંકર પ્રવાસોને ‘આત્મસ્ફૂર્તિ’ના ઉપાયરૂપે – સાધનરૂપે જોતા હોય તો એમાં શું આશ્ચર્ય ? પ્રવાસી દેખાય છે ‘ભાગેડુ’ પણ ખરેખર તે ‘ભાગેડુ’ હોતો નથી. તેની રઝળપાટ તેના પોતીકા મુકામ પર પહોંચવાની મથામણરૂપ હોય છે. આમ માણસ પ્રવાસ દ્વારા પોતાનામાંથી છૂટીને પોતાને બૃહત્સ્વરૂપે પામવા મથતો હોય છે. પ્રવાસ આ અર્થમાં આત્મસાધના છે. ‘भूमा वै तत्सुखम्' – એ સુખની સાધના પ્રવાસમાં છે. ઉમાશંકરે ‘ઈશાન ભારત’ની લેખમાળા ‘સંસ્કૃતિ’માં (પૃ. ૨૪૨) ૧૯૭૫થી આપવા માંડી અને ‘સંસ્કૃતિ’ (પૃ. ૨૧૮–૨૨૭) ૧૯૭૧માં પૂરી પણ કરી. આ દરમિયાન અંદામાનયાત્રાનોય અનુભવ લીધો ને તેની વાતેય કરી દીધી. (સંસ્કૃતિ – ૧૯૭૬, પૃ. ૧૨૭–૧૩૫, પૃ. ૧૬૧) આ પૂર્વે અને પછી ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં ગુજરાત, ભારત અને વિદેશના પ્રવાસો વિશેના પત્રો–લેખો વગેરે આપ્યા હતા. જેમાંથી આપણને અનુક્રમે ‘યુરોપયાત્રા’ (સ્વાતિ જોશી અને નંદિની જોશી સાથે, ઑગસ્ટ, ૧૯૮૫), ‘ચીનમાં ૫૪ દિવસ’ (૧૯૯૪) તથા ‘યાત્રી’ (૧૯૯૪) – આ ત્રણ ગ્રંથો પ્રાપ્ત થયા છે. છેલ્લા બે ગ્રંથોનું સંપાદન ડૉ. સ્વાતિ જોશીનું છે. ઉમાશંકરના મનમાં ‘ચીનમાં ૫૪ દિવસ’, ‘જાવા, બાલી ને લંકા’, ‘ઉત્તરયાત્રી’, ‘દક્ષિણયાત્રી’, ‘રમીએ ગુજરાતે’ જેવા પ્રવાસગ્રંથો આપવાની યોજના ઠીક ઠીક સમયથી રમતી હતી. ‘ગિરનાર’, ‘રશિયાના પ્રવાસે’, ‘ચાર મહાનગરો અને રોમ’ વગેરે લેખમાળાઓ આપવાનો ઉપક્રમ પણ ઉમાશંકરે માંડેલો; પરંતુ કોઈક કારણે તેઓ તેમની હયાતી દરમિયાન ઈશાન ભારત, અંદામાન વગેરેની યાત્રાઓ પૂર્વે પણ જે કેટલીક યાત્રાઓ કરેલી તેમનાં બધાં લખાણો, એમાંનાં કેટલાંક તો સામયિકોમાં પ્રકાશિત હતાં, જે હવે ગ્રંથસ્થ થયાં છે. વળી આ પ્રવાસો નિમિત્તે તેમણે રચેલાં કેટલાંક કાવ્યો અત્રતત્ર એમના કાવ્યગ્રંથોમાં પ્રકાશિત થયેલાં જરૂર મળતાં રહેલાં; જેમ કે, ‘આવ્યો છું મંદિરો જોવા–’, ‘રાજસ્થાનમાંથી પસાર થતાં–’, ‘નૂતન ચીન’ (સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૪૪૪), ‘ઑક્સફર્ડ’, ‘મૉં બ્લાઁ’, ‘દૂધસાગર : ગોવા’, ‘પ. ૧૬’, ‘તૉલ્સ્તૉયની સમાધિએ’, ‘હિમાની’ આદિ. જોકે એ કાવ્યોમાં પ્રવાસ તો નિમિત્ત જ લાગે; કવિનું સંવેદન જ તેમાં મુખ્ય લાગે. એમના પ્રવાસલેખોમાંયે કવિસંવેદનની હાજરી તો હોય જ છે, પણ તેનું પ્રાધાન્ય જોવા મળતું નથી. ઉમાશંકર પ્રવાસલેખોમાં આત્મસંવેદન ઉપરાંત સાંસ્કૃતિક દર્શન; વ્યક્તિ અને સમાજ, રાષ્ટ્ર ને સંસ્કાર-સંસ્કૃતિ-વિષયક ચિંતનવિચાર વગેરેનેય યથાવકાશ પ્રકટ કરવા માટે સભાન-સક્રિય હોય છે. તેમણે પોતે પ્રવાસમાં જે જોયું – મેળવ્યું તેની ચિત્તનોંધ સુવાંગ આપણને આપવા મથતા હોય છે. તેઓ પ્રવાસના સ્થળદર્શને જ વિરમતા નથી, કેવળ બાહ્ય ભૂગોળદર્શન જ એમનું ધ્યેય હોતું નથી, તેઓ તો જે તે પ્રવાસસ્થળના મનુષ્યનો, એની ઇતિહાસપરંપરાના સંદર્ભમાં, વ્યાપક માનવતાના સંદર્ભમાં પરિચય મેળવવા મથે છે. તેઓ પોતાના પ્રવાસોને આત્મશિક્ષણના પાઠરૂપ લેખતા હોય તો નવાઈ નથી. ઉમાશંકરના નાનામોટા પ્રવાસો તો અભ્યાસકાળથી ચાલતા રહ્યા છે, પરંતુ કેટલાક મહત્ત્વના પ્રવાસો કોઈક ને કોઈક સાંસ્કૃતિક પ્રવૃત્તિ (‘મિશન’)ના અન્વયે તેમને કરવાના આવ્યા છે. તેમણે ૧૯૫૨માં ચીનનો ૫૪ દિવસનો અને અન્ય એશિયાઈ દેશો જાવા, બાલી ને લંકાનો પ્રવાસ કરેલો. ચીનમાં પૅકિંગમાં તા. ૨૫મી સપ્ટેમ્બરે એશિયાઈ શાંતિ પરિષદ ભરાનારી હતી અને એમાં અમદાવાદના શાંતિ સમિતિના સભ્યો તરીકે રવિશંકર મહારાજ, યશવંત શુક્લ સમેત ઉમાશંકરને પણ જવાનું થયું હતું. ઉમાશંકર કલકત્તાથી બૅંગકોક થઈ હૉંગકૉંગ વિમાનમાર્ગે પહોંચ્યા અને ત્યાંથી ગાડી દ્વારા કૅન્ટોન પહોંચ્યા. ત્યાં પછી પૅકિંગ અને અન્ય સ્થળોની તેમણે મુલાકાતો લીધી. તેમની શાંતિપરિષદ બીજીથી અગિયારમી ઑક્ટોબર સુધી ચાલી. આ પછી ચીનમાં કેટલુંક ફર્યા. ઉમાશંકર ચીનમાં ૫૪ દિવસ રહ્યા. ૨૭ દિવસ પૅકિંગમાં અને ૨૭ દિવસ બીજે બધે ફરવામાં પસાર થયા. શેન્યાંગ (મગડેન), નાનકિંગ, શાંગ્હાઈ, હાઙ્ચાઉ, કૅન્ટન ને તે પછી હૉંગકૉંગથી સ્ટીમર દ્વારા સિંગાપુર ગયા. ત્યાંથી વિમાનમાર્ગે સુમાત્રા ઉપરથી ઊડીને જાકાર્તા ગયા, ત્યાંથી પ્રાઇવેટ કારમાં બાંડુંગ, ત્યાંથી બસમાં ચિરેબોન, ત્યાંથી રેલવેથી સમારંગ ગયા. સમારંગથી કારમાં સુરાકાર્તા જતાં બોરબુદુ(ડુ)ર વગેરે જોયાં. સુરાકાર્તાથી રેલવે દ્વારા સુરાબાયા પહોંચ્યા. સુરાબાયાથી ઊડીને દેનપસાર પહોંચ્યા. એક દિવસની બાલીની મુલાકાત બાદ તેઓ જાવા ગયા અને ત્યાંથી મલાયા – સિંગાપોર, સિંગાપોરથી રેલવે દ્વારા પિનાંગ જતાં વચ્ચે ઇપોહની જસતની ખાણો જોઈ. પિનાંગથી યુસાન પહોંચી સ્ટીમર દ્વારા તેઓ લંકા પહોંચ્યા. ત્યાં સાત દિવસ ફર્યા અને ત્યાંથી એસ. એસ. મુલતાન દ્વારા મુંબઈ આવ્યા. એ પછી ૧૯૫૬માં ઉમાશંકરે ભારત સરકારના ઉપક્રમે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ‘જનરલ એડ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે ત્યાંની મુલાકાત લીધી. લંડનમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો ને ઇંગ્લૅન્ડમાં દોઢ માસ રહ્યા અને યુરોપના મુખ્ય દેશો ફ્રાંસ, પશ્ચિમ જર્મની, ઇટાલી, સ્વિર્ટ્ઝ્લૅન્ડ અને ગ્રીસનો પ્રવાસ કર્યો. પાછા ફરતાં રસ્તામાં બે દિવસ ઇજિપ્તને આપ્યા ને ત્યાંના પિરામિડો જોયા. આ પ્રવાસની ફલશ્રુતિરૂપે ‘પશ્ચિમયાત્રી’ (સંસ્કૃતિ, ૧૯૫૬, પૃ. ૨૦૨–૨૦૫, ૨૪૩–૨૪૮) લેખમાળાના બે લેખ મળ્યા, પણ એ લેખમાળા સુસંકલિત રીતે, ગ્રંથસ્વરૂપે એમના દ્વારા મળવી જોઈતી હતી તે તો ન જ મળી. એ પછી તેમણે ૧૯૫૭માં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો અને જાપાનમાંનાં કેટલાંક સ્થળોની મુલાકાત લીધી. આ પછી પણ બે વાર તેઓ જાપાન ગયા – ૧૯૭૦માં પી.ઈ.એન. કૉન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે, સોફિયા વાડિયાની સાથે અને ૧૯૭૧-૭૨માં ધર્મપરિષદ ક્યોતોમાં ભરાઈ તેમાં ભાગ લેવા. ૧૯૭૦માં ક્યોતો ઉપરાંત તાઇવાનમાં એશિયન રાઇટર્સ કૉન્ફરન્સમાં ભાગ લીધેલો. ત્યાં એમના વક્તવ્યે સારો પ્રભાવ પાડેલો. ૧૯૬૧માં ભારત સરકાર તરફથી પાંચ લેખકોનું એક પ્રતિનિધિમંડળ રશિયા મોકલવાનું ઠર્યું. એમાંના એક પ્રતિનિધિ તરીકે ઉમાશંકરે રશિયાનો પ્રવાસ કર્યો અને તેના ફલસ્વરૂપ ‘કેસૂડાં’ વાર્ષિકમાં ‘રશિયાનો પ્રવાસ’ લેખ આપ્યો. વળી ‘રશિયાના પ્રવાસે’ (સંસ્કૃતિ, ૧૯૬૧, પૃ. ૪૪૫–૪૭૪–૭૫)માં પણ આ પ્રવાસની વિગતો એમણે આપી. આ રશિયાનો પ્રવાસ કરવા પાછળ ‘દેશને સમજવામાં વિદેશયાત્રા સારી પેઠે ઉપકારક નીવડે છે’ એ જાતઅનુભવ પણ કોઈક રીતે કારણભૂત હતો.[1] તેઓ ૬–૧૦–૧૯૬૧ના રોજ દિલ્હીથી કાબૂલ થઈને વચમાં ‘ગિરિ-બ્રહ્મ’નાં દર્શન કરીને તાશ્કંદ પહોંચ્યા. તાશ્કંદ સુધી તો ‘પ્રવાસવીર’ ચંદ્રવદન પણ એમની જોડે હતા. તે પછી તેઓ છૂટા પડ્યા ને ઉમાશંકરની મંડળી રશિયાના વિમાનમાં મૉસ્કો પહોંચી. રશિયાથી તેઓ ૨૯–૧૦–૧૯૬૧ના રોજ પાછા ફર્યા. આમ રશિયાનો એમનો પ્રવાસ ૨૩ દિવસનો રહ્યો. આ પ્રવાસમાં એમનું મુખ્ય કામ તો ‘લેખકોને મળવું અને લોકજીવનનું દર્શન કરવું એ જ હતું.’[2] ઉમાશંકરે આરમીનિયા ને ઉજબેકિસ્તાનની પણ મુલાકાત લીધી હતી. ‘દુનિયામાં માણસ હર જગાએ એકસરખો છે.’[3] – એનો સાક્ષાત્કાર રશિયાનો પ્રવાસ પણ તેમને કરાવી શક્યો. ૧૯૭૧માં પણ ઑક્ટોબર–નવેમ્બર દરમિયાન ઉમાશંકરે વિદેશયાત્રા કરી. ત્યારે તેમણે ફ્રાન્સ, પશ્ચિમ જર્મની વગેરેની મુલાકાત લીધી હતી. એ યાત્રા પશ્ચિમ જર્મનીની યુનિવર્સિટીઓની અભ્યાસયાત્રા હતી. તેમણે ડૉ. કોઠારીની અનુપસ્થિતિમાં ભારતના પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા સ્વીકારી – શોભાવી હતી. પશ્ચિમ જર્મનીમાં તેઓ ત્રણ અઠવાડિયાં રહ્યા હતા. એ યાત્રાની પ્રસાદીરૂપ એક લેખ ‘બૉન, બોમુખ, આખન’ આપ્યો છે. તેમાં એ ત્રણેય સ્થળોની યુનિવર્સિટીઓનો પ્રેરણાદાયી સંક્ષિપ્ત પરિચય છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ઑસ્ટ્રિયાનીયે મુલાકાત લીધેલી. તે પછી ૧૯૭૩માં ફ્રાન્સમાં પૅરિસમાં ભરાનાર પ્રાચ્યવિદોના સંમેલનમાં જુલાઈની ૧૫મીથી ૨૨મી સુધી હાજરી આપવાનું નિમંત્રણ મળતાં એક વધુ વિદેશયાત્રા થઈ. તેઓ ૧૪–૭–૧૯૭૩ના રોજ દિલ્હીથી ઊડી ૧૫મીએ ફ્રાન્સ પહોંચ્યા. ત્યાં સંમેલનમાં તો હાજરી આપી તે ઉપરાંત વરસાઈનો મહેલ, ફોન્તેબ્લૉનો કિલ્લો વગેરે જોયાં. તેમણે અનુઇનું નાટક તથા લુવ્ર સંગ્રહાલયના ખુલ્લા ચોગાનમાં રુડોલ્ફ ન્યુરેયેવ અને બેલેરિના માગૉટ ફોન્ટેન દ્વારા રજૂ થયેલ (બંને સાથે છેલ્લી વાર આ કાર્યક્રમમાં હતાં.) પ્રખ્યાત ‘લેઇક-સ્વાન’ બૅલે જોયાં. ઉમાશંકર તેમ જ ડૉ. નામવરસિંહ ૨૬મીએ લંડન પહોંચ્યા. લંડનમાં પ્રસિદ્ધ પુસ્તકભંડાર ફોઇલ્સ, ટફાલ્ગર સ્ક્વૅર પરની નૅશનલ ગૅલેરી વગેરેની મુલાકાત લીધી. વળી ગ્લોબ થિયેટરમાં ‘મૅકબેથ’ પર કરામત કરીને આયોનેસ્કોએ તૈયાર કરેલ નાટક ‘મૅકબેટ્ટ’ તેમણે જોયું. ‘એઝ યુ લાઇક ઇટ’ પણ રીજેન્ટ પાર્કમાં ખુલ્લામાં ભજવાતું નિહાળ્યું. બૉટમ્લી સાથે હાઉસ ઑફ કોમનની મુલાકાત લીધી. ન્યૂ વિક થિયેટરમાં સૅમ્યુઅલ બૅકેટનાં નાનાં નાટકો નિહાળ્યાં. આમ લંડનમાંના પાંચ દિવસ સર્જનાત્મક રીતે તેમણે ઉપયોગમાં લીધા. એ પછી પહેલી ઑગસ્ટે તેઓ હંગેરીના બુડાપેસ્ટ પહોંચ્યા. તે પછી પૂર્વ જર્મનીની, ત્યાંના વિદેશખાતાના અતિથિની રૂએ, મુલાકાત લીધી. ઉમાશંકરે આ યુરોપની વિદેશયાત્રાઓનો પોતાનો અર્ક આપવાના ખ્યાલે ‘ચાર મહાનગરો અને રોમ’ લેખમાળા આરંભી. તે લેખમાળામાં અનુક્રમે પૅરિસ ને લંડનનાં સંસ્કૃતિચિત્રો છે, પરંતુ બર્લિન, બુડાપેસ્ટ, અને મહાનગરોનાયે મહાનગર એવાં રોમનાં ચિત્રો મેળવવાં બાકી રહ્યાં. ‘રશિયાના પ્રવાસ’ વિશે લખતાં ઉમાશંકરે એક ખૂબ જ માર્મિક વાત કરી છે – ‘ઇન્ડિયા રીટર્ન્ડ’ની. “સાચા અર્થમાં ‘ઇન્ડિયા રીટર્ન’ બની શકાય તો કેવું સારું !” – આ એમનો મનોભાવ છે. એક વાર ઉછીના પૈસા લઈને દક્ષિણ ભારતની યાત્રા કરનાર ઉમાશંકરે તક મળી છે ત્યારે ગુજરાતદર્શન, ભારતદર્શન કરવાની તક જતી કરી નથી. એક કલાકાર તરીકે તો એમનું ગૃહદર્શન હોય કે ગ્રામદર્શન, નગરદર્શન હોય કે રાષ્ટ્રદર્શન છેવટે તો તેમના જેવા વિશ્વમાનવતાના સાધક કવિ-યાત્રીને કેટલીક રીતે તો વિશ્વદર્શન તરફ જ લઈ જનારું થવાનું. ઉમાશંકરના અવસાન બાદ (૧૯૯૪) બે પ્રવાસગ્રંથો પ્રગટ થયા : ‘ચીનમાં ૫૪ દિવસ’ (૧૯૯૪) અને ‘યાત્રી’ (૧૯૯૪). ‘યાત્રી’માં તેમના ગુજરાત–ભારતના તેમ જ વિદેશના કેટલાક પ્રવાસોનું અનુભવ-વર્ણન લેખો રૂપે છે. આ લેખોમાં એકબે પાનાંથી માંડીને કેટલાક દીર્ઘ લેખો છે. વળી કેટલાક લેખો અહેવાલરૂપ પણ જણાય; જેમ કે, “એક અજાયબ રંગમેળો – એક્સપો ’૭૦” તો કેટલાક સંસ્થાપરિચય જેવા જણાય; જેમ કે, ‘શ્રીનિકેતન’. ‘લેનિનગ્રાદમાં લગ્નવિધિ’ જેવો લેખ પ્રવાસ-દૃષ્ટિએ વિલક્ષણ પણ લેખાય. આ પ્રવાસગ્રંથમાં પાંચ પત્રરૂપ લેખો પણ છે, જેમાં ‘જાકાર્તા જતાં’ નંદિનીબહેન પરના તથા ‘પારેવડાં-કુટી’ એ સ્વાતિબહેન પરના પ્રવાસપત્રો છે તો ‘નિસર્ગતીર્થ બાલી’, ‘રૂપાનું સરોવર’ તથા ‘સલામ ઇન્ડોનેશિયા’ – એ સંભવત: જ્યોત્સ્નાબહેન પરના પ્રવાસપત્રો છે. વળી એ પ્રવાસગ્રંથમાં ઉમાશંકરે ૧૯૪૪–૪૫ દરમિયાન કરેલી દક્ષિણ ભારતની યાત્રા નિમિત્તે રાખેલી વાસરીની અને એ રીતે ૧૯૫૨ની જાવા, બાલી, મલાયા અને શ્રીલંકાની યાત્રાની; ૧૯૫૬ની યુરોપયાત્રાની; ૧૯૫૭ની જાપાનની યાત્રાની તેમ જ ૧૯૬૧ની રશિયાની યાત્રાની વાસરીઓની સામગ્રી પણ આપવામાં આવી છે. આ પ્રવાસ-વાસરીઓ એક વાસરી-લેખક તરીકે અને પ્રવાસી–યાત્રી તરીકે ઉમાશંકર કેવા સંસ્કૃતિપ્રેમી, માનવતાપ્રેમી, પ્રકૃતિપ્રેમી ને સાહિત્ય-કલાપ્રેમી છે તેનો પ્રમાણભૂત ને મજબૂત ખ્યાલ આપી રહે છે. તેમની પ્રવાસવિષયક લખાણો માટેની સભાનતા, સજ્જતા વગેરેનો તે અંદાજ આપે છે. પ્રવાસો તેમના માટે માત્ર ‘રખડપટ્ટી’ નથી, એથી વિશેષ ઘણું છે. રખડવાનો આનંદ એ જાણે છે, પણ સાથે જીવન ને સંસ્કૃતિના સાક્ષાત્કારના આનંદનેય તેઓ પ્રમાણે છે. એમની વાસરીઓ એ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોરે છે. તેમની પ્રવાસનોંધો તેમના પ્રવાસલેખનમાં ઘણી માર્ગદર્શક ને ઉપકારક નીવડ્યાની પ્રતીતિ થાય છે. પ્રવાસ કરતાં ઉમાશંકરની નજર અંદર-બહાર ચોતરફ સ્થૂળ તેમ જ સૂક્ષ્મના દર્શનમાં કેવી ફરી વળતી હોય છે તેનો રસપ્રદ અંદાજ આ વાસરીઓ આપી રહે છે. વળી ઉમાશંકરનું રસવિશ્વ કેટલું વ્યાપક છે, કેવું સર્વાશ્લેષી છે તે પણ આ વાસરીઓ સચોટ રીતે સૂચવી રહે છે. વાસરીમાં રોજ-બ-રોજના ખર્ચના હિસાબથી માંડીને ગાયત્રીના શ્લોકો સુધીની ઘણી વિગતો પ્રસંગોપાત્ત, સ્થાન પામતી હોય છે. ખરેખર તો આ વાસરીનાં લખાણો અલગ વિભાગમાં કે અલગ પરિશિષ્ટ રૂપે અપાયાં હોત તો ઠીક થાત. એ રીતે, અલબત્ત, પ્રવાસને કારણે ને છતાંય અલગ રીતે – સ્વતંત્ર રીતે આવી શકે – ટકી શકે એવાં પારેવડાં-કુટી, કે યાસ્નાયા પોલ્યાના જેવા વિશેના લેખો કે વાર્તાલાપ કે મુલાકાતની અન્યથા પ્રકાશન-વ્યવસ્થા થઈ શકી હોત કે કેમ તેય વિચારવા જેવું ખરું. આમ છતાં એકંદરે આ ‘યાત્રી’ ગ્રંથ ઉમાશંકરની માનવ-સંસ્કૃતિના સહજયાત્રી તરીકેની વ્યક્તિતાને ઉપસાવવા ને સ્થાપવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે એમ કહેવું જોઈએ.