ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/યાત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. યાત્રી

આ ‘યાત્રી’ ગ્રંથનો શરૂઆતનો લેખ છે ‘આબુ’. ઉમાશંકરે આબુની યાત્રા ભૂલાભાઈ ને દેવશંકરની સાથે કરેલી. ‘પૈસાની તાણ છતાંય જેમતેમ કરી વાટખરચી જોગી વ્યવસ્થા કરી ત્રણેય મિત્રો આબુરોડ પહોંચી ત્યાંથી આબુ પહાડને જે રીતે પદાક્રાંત કરે છે તેનું રોચક ચિત્રણ છે. ‘પ્રત્યુત્પન્નમતિ’ ભૂલાભાઈનું ચિત્ર ભુલાય એવું નથી. સૂર્યોદયવેળાના ગિરિદર્શનના પ્રભાવનું ચિત્રણ આપતાં ઉમાશંકર લખે છે :

“પૃથ્વી અમારે માટે પલટાઈ ગઈ. નંદવનમાં હોઈએ એમ ગાંડા બની નાચવા લાગ્યા. સૂર્યનાં આ સુકુમાર કિરણોએ જાણે કે અમારા હૃદયના આગળા ખોલી નાખ્યા ! કુદરતને ખોળે એકાન્તમાં મુક્ત બનેલા છોકરડાઓ મત્તપણે કૂદી રહ્યા. તૃપ્ત બનેલા વાછરડાની જેમ રૂંવે રૂંવે તાજગી મઘમઘી રહી. અમે ફરી ઊર્ધ્વ પ્રયાણ આદર્યું. હસું હસું થતું શરદનું સ્વચ્છ આકાશ ઉપરથી અમને આકર્ષી રહ્યું.” (યાત્રી, પ્ર. આ., ૧૯૯૪, પૃ. ૪)

ઉમાશંકરે વાનરોનું દર્શન કંઈક હળવી-પ્રસન્ન રીતિમાં કરાવ્યું છે.[1] ‘ગિરિનગર’ના ઊર્ધ્વારોહી માર્ગનું આકર્ષણ પણ બરોબર વર્ણવ્યું છે. (યાત્રી, પૃ. ૫) પ્રકૃતિના ભિન્ન ભિન્ન સૌન્દર્યોન્મેષોને ઝીલવામાં આ ત્રિપુટી જે ઇન્દ્રિયચાપલ્ય દાખવે છે તે સાચે જ આકર્ષક છે. સમગ્ર પ્રકૃતિના આલેખનમાં નરવો જીવનરસ વહી રહેતો વરતાય છે. આ વર્ણનમાં આવતાં ‘સડક તો માણસના હાથનું ચિહ્ન છે, જ્યારે પગદંડી કે કેડી એ માણસના પગની શક્તિનું રેખાંકન છે’ (યાત્રી, પૃ. ૭) જેવાં વિધાનો સચોટ છે. તેમની કાવ્યદીક્ષાની ક્ષણોનું આલેખન અત્યંત હૃદ્ય રીતે કરાયેલું જોવા મળે છે. તેમણે લખ્યું છે :

“શરત્પૂર્ણિમા હતી. પૂર્ણિમાનો પૂરી કળાએ ખીલેલો ચંદ્ર સામે આકાશમાં થોડોક ચઢ્યો હતો. બે શિખરોના અંતરાલમાં નિશાનાથ, અંજલિમાં લીધો હોય એમ, સુધાકુંભ સમો શોભતો હતો. થોડીક સુધા છલકાઈને સરોવરમાં રેલાઈ હતી, અને આહ્લાદક તેજથી દેદીપ્યમાન, લાંબો, ઊભો, તરંગો ઉપર ધબકતો કિરણપથ બિછાવી રહી હતી. આસપાસ મૂંગાં શિખરો આછા ધુમ્મસના ઉત્તરીયનું પરિધાન કરી શાન્ત સમાધિમાં લીન હતાં. રૂના પોલ જેવી ઊજળીદૂધ કોઈ અટકચાળી વાદળીઓ પાણીના અરીસામાં મુખડું નિહાળતી સ્વૈરપણે વ્યોમમાં વિચરતી હતી. વૃક્ષો જાણે ઘેનમાં ઝૂલતાં હતાં. કોઈ કોઈ પાંદડાં કીકીઓ સમાં ચમકતાં હતાં. વૃક્ષોના ઓળા પણ ઉજમાળા લાગતા હતા. પવનલહરી કપોલમાં છુપાવેલા સ્મિત સમી ફરકતી હતી. ઊંચે ફીકા તારાઓ જાણે પોતે નિચોવાઈને અવકાશને અદકું અજવાળતા હોય એમ ધન્યપણે પલકાર કરતા હતા, નીચે સરોવર રસમૂર્છામાં ઊછળતું હતું.” (યાત્રી, પૃ. ૯–૧૦)

આ પછી તુરત જ ચંદ્રોદયની વાત આ યાત્રી કવિ છોડે છે :

“સામે ચંદ્ર જરીક ઊંચે ચઢ્યો. પ્રકૃતિ જાણે ઝબકી ઊઠી. ગિરિમાળાની પાળો તોડીને રસનું સરોવર છલકાયું હોય એમ સામા અંતરાલની પાર અનંતમાં તે વિસ્તરતું લાગ્યું. મુદાના પ્રફુલ્લ કુમુદ સમો કૌમુદીનાથ એમાં ડોલતો હતો. જળતરંગો પર ઝૂલતા કિરણપથ ઉપર થતુંકને હૃદય અનંત તરફ દોટ મૂકીને ધસ્યું ને પ્રકૃતિના અંત:પુરનાં દ્વાર ખખડાવવા લાગ્યું. પાછળ પેલું દ્યુતિનું ધવલ કુમુદ જાણે મરકમરક હસતું હતું : જેના હૃદયના હાસના નિમેષોન્મેષ મારી પાંખડીઓને પખવાડિયે પખવાડિયે બીડે-ઉઘાડે છે તેને ઢૂંઢે છે તું ? હું પણ તેને જ ઢૂંઢું છું, ક્યાં છે તે ?” (યાત્રી, પૃ. ૧૦)

ચંદ્રની ગતિક્રિયાનું આલેખન આપતાં કવિ સ્વકીય ભાવસંવેદનને આલેખતા જાય છે :

“ચંદ્ર ઊંચે ચઢતો હતો. એને ચેન ન હતું. મારા મનને પણ એણે મધુર બેચેની આપી હતી. અને તેમ છતાં તત્કાલ તો મને શાંતિ પણ મળી : પ્રકૃતિનું હૃદય છો ને ગૂઢ અને રહસ્યમય રહ્યું. પણ એ રહસ્યમય કેવી અગાધ સુંદરતામાં ગોપાયું છે એનું મનભર દર્શન આજની શરત્પૂર્ણિમાએ કરાવ્યું હતું.
મૂઢ જેવો અવાક તું ઊભો હતો. ત્યાં હૃદયની જડતાના થરોને ભેદીને જાણે શબ્દસરવાણી ઉદ્ભવી :
સૌન્દર્યો પી : ઉરઝરણ ગાશે પછી આપમેળે.
રાત્રે ઠંડીથી આંખ ઊઘડી જતાં પાછું એ હૃદયંગમ દૃશ્ય પ્રત્યક્ષ થયું. એ તે સ્વપ્ન હશે કે યથાર્થ અનુભવ ? સ્વપ્ન હોય તોપણ એક સિદ્ધિ જેવું મનમાં રમી રહ્યું. જાણે અર્બુદાચળે આપેલી અણમોલ ભેટ. જાણે અર્બુદાચળે આજે શરત્પૂર્ણિમાના એકાદ કિરણથી મારી આંખો આંજી, સચરાચર સૃષ્ટિ ઉપર હંમેશ માટે બેહદની ભૂરકી છાંટી દીધી અને અનાયાસ ગાનના મર્મની દીક્ષા આપી. મારું બાલચિત્ત કૃતાર્થતાથી લચી રહ્યું.” (યાત્રી, પૃ. ૧૦)

ઉમાશંકરે આબુ પરની દેલવાડાનાં દહેરાં, અચળગઢ ને ગુરુશિખર જેવી મુખ્ય મુખ્ય વસ્તુઓ જોવાનો લાભ કર ભરવાના પૈસા નહિ હોવાના કારણે જ ગુમાવ્યો એની વિગતે વાત કરી છે. વળી સાધુ મહારાજના કહેવામાં અંગ્રેજીમાં ૐ લખવાની વાત ઉમાશંકરે પોતાના બાળપણનો એક પ્રસંગ સંભારીને રસિક રીતે આલેખી છે. તદુપરાંત આબુના પ્રસિદ્ધ મહારાજ શાન્તિવિજયજીનો અચાનક જ સત્સંગ થયાથી ઉમાશંકરને ‘બગાસું ખાતાં મોંમાં લાડુ પડી ગયો ન હોય’ એવી લાગણી થાય છે. આ મહારાજ કોઈ મહારાજાના આગમન પૂર્વે સભાન થઈને સાધનાની મુદ્રામાં બેસે છે તે ઉમાશંકરને ઠીક લાગતું નથી.[2] તેઓ જેમ આબુના સૂર્યોદયનું, શરત્પૂર્ણિમાનું તેમ સૂર્યાસ્તનું બયાન પણ કાવ્યાત્મક રીતે કરે છે.[3] રાત્રીની વાઘણ તરીકેની કલ્પના તાજગીભરી છે. વળી ઉતારેથી ભાડે લીધેલ ગોદડીઓનાં નાણાં ચૂકવ્યા વિના છટકી જવાની પેંતરાબાજી ને પકડાઈ ગયાની શિક્ષા પણ રમૂજપ્રેરક છે. આ રોમાંચક પ્રવાસમાં દેવશંકરનો પગ સૂઝવાથી તેને ગાડીમાં મોકલી દેવો પડ્યો ને પછીની સફર પોતાને ને ભૂલાભાઈને એકલાં પૂરી કરવી પડી એનું દુ:ખ પણ ઉમાશંકર દાખવે છે. અંબાજીની તકલીફોનું પણ બયાન તેમણે આપ્યું છે. તેમણે કોટેશ્વરમાં સરસ્વતીના મુખનું દર્શન કરતાં ત્યાંથી જતા નાના વહેળિયાને ‘નવકવિની અસ્ખલિત વહી આવતી શરમાળ વાણી’ – એવું સુંદર રૂપક આપ્યું છે. તે પછી કુંભારિયાનાં દેરાં પણ જોયાં. એના દર્શનનો પ્રતિભાવ આપતાં તેઓ લખે છે :

“કળામાં બહુ સમજ્યા નહીં પણ આખાયની એક કાલીઘેલી છાપ અમારા ચિત્ત ઉપર જરૂર પડી. કોઈ ધર્મસાગર મહાપંડિતની વિદ્યામાં ચંચૂપાત કરવા ન પામીએ પણ એના વ્યક્તિત્વની છાપ હૃદયમાં રમતાં રમતાં લઈ આવીએ એમ.” (યાત્રી, પૃ. ૨૧)

એ પછી હળાદ જવા માટે ડુંગરી–જંગલની વાટે તેઓ જે રીતે આગળ વધ્યા તેનું સુંદર આલેખન[4] મળે છે. એમાંય ખાસ કરીને ભલા પથદર્શક સોમા વિશે ક્ષણવાર જે અવિશ્વાસ સેવે છે તેની મર્મસ્પર્શી વાત લખી છે. સોમો કદાચ લૂંટફાટના હેતુએ નજીક આવતો હોય તો શું કરવું એની વાત કરતાં ભૂલાભાઈ બે જણા હોવાથી પહોંચી વળાશે એવી હૈયાધારણ ઉમાશંકરને આપે છે ત્યારે ઉમાશંકરથી આ ફિલસૂફી ડહોળાઈ જાય છે :

“ભાઈ, જંગલમાં હિંસક પશુઓએ આપણને છેડ્યા નથી, તો માણસનો અવિશ્વાસ શું કરવા કરીએ ?” (યાત્રી, પૃ. ૨૫)

એ પછી પણ આ ચિંતનક્ષમ ઘટના વિશે ઉમાશંકર સુંદર વિચારણા પ્રસ્તુત કરે છે :

“એ રાતે ઊંચાં તોતિંગ વૃક્ષો નીચે ઊભા રહીને બોલાઈ ગયેલા એ શબ્દોએ પાછળથી ઘણી વાર મારો કાન પકડ્યો છે. જીવન એટલે માણસનો વિશ્વાસ કરવાની કળા, માનવીમાં શ્રદ્ધા એનું નામ જ પ્રભુશ્રદ્ધા, એ વાત ઉત્તરોતર મનમાં દૃઢ થતી ગઈ છે.” (યાત્રી, પૃ. ૨૫)

ને આ સાથે આત્મ-પૃચ્છાય કરી લે છે :

“પણ એ જાતે જીવવાની – અનુભવવાની શક્તિ એ વખતે હતી તે વધી છે ખરી ?” (યાત્રી, પૃ. ૨૫)

વાટના આવા અનુભવો પછી ઉમાશંકર હળાદ આવી પહોંચતાં “કમાઉ દીકરા ઘેર આવી રહ્યા હતા !”[5] – એમ મીઠી ટકોર પણ પોતાને લક્ષ્ય કરીને કરી લે છે. ઉમાશંકરમાં મર્મ-વિનોદ માટેની ઊંચા પ્રકારની શક્તિ છે જ ને તે આ લેખમાળામાં અનેક વાર દેખાય છે. ક્યાંક વાક્યો કે વાક્યમાં, ક્યાંક શબ્દમાં પણ. આ આબુ-લેખમાળા એમની પ્રવાસ-લેખમાળાઓમાં સર્જનાત્મક ગુણવત્તાની દૃષ્ટિએ સર્વોત્તમ લાગે છે. જે સર્જનશક્તિ આ પ્રથમ લેખમાળામાં પ્રગટ થઈ છે એ શક્તિ પછીની લેખમાળાઓમાં એકધારી આટલી ઉન્નત ભૂમિકાએ સંચારિત થઈ જણાતી નથી. આ લેખમાળાના અંતમાં અમદાવાદના મેળાવડામાં બે સજ્જનો તરફથી પાંચ પાંચ રૂપિયાની ‘થેલી’ઓ મળ્યાનો નિર્દેશ છે. એ નિર્દેશ કરતાં તેઓ છેલ્લે જે લખે છે તેનું રહસ્ય એમના પ્રવાસ-સાહિત્યમાંથી પામવાનો પુરુષાર્થ આપણેય કરવાનો રહે છે. તેઓ લખે છે :

“એ મેળાવડામાં બે બાલ-આંખો ચમકતી હતી ! એ શાનો પ્રકાશ હશે ? પણ એ પામવા માટે તો હજી જિંદગીની ઘણી ઘણી યાત્રાઓ બાકી હતી.”[6]

એ શાનો પ્રકાશ ? કવિતાનો ? ‘શોધ’ કાવ્યમાં પોતાના અસ્તિત્વમાં કાવ્ય ચમકતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. એ ચમક આ હશે ? ‘આબુ’ લેખમાળામાં પ્રવાસનો આનંદ વધુમાં વધુ મુખર થઈ ઊઠ્યો જણાય છે. એમાં લેખકના પ્રવાસ-અનુભવોમાં તાજગી છે. વિસ્મય ને ઉલ્લાસનું તત્ત્વ પ્રવાસીઓની દૃષ્ટિ અને ગતિમાં પ્રગટ થયું છે ને તે જ ભાષાભિવ્યક્તિમાંય આવ્યું છે. ઉમાશંકરનું ગદ્ય આ લેખમાળામાં સૌન્દર્યદીપ્ત ને તેથી તાજગીભર્યું જણાય છે. કવિ-લેખકનો વર્ણનોત્સાહ અછતો રહેતો નથી. ‘આબુ’ પછી લેખકે ગુજરાતના બીજા એક અગત્યના પર્વત ગિરનારને વર્ણનવિષય બનાવ્યો છે. પોતેય અગાઉ સૂચવ્યું છે તેમ, ‘અરવલ્લીના બાળક’[7] ને ! ડુંગરાઓનું આકર્ષણ સ્વાભાવિક જ. તેમણે ‘ગિરનાર’ વિશે એક જ લેખ આપ્યો ને તે પછી એ (સંભવિત) લેખમાળા અપૂર્ણ જ રહી ગઈ ! લેખક જૂનાગઢ ગિરિતળેટી સુધી જ પહોંચીને લેખમાળામાં અટકી ગયા છે. આ ‘ગિરનાર’ લેખમાં ઉમાશંકરે અમદાવાદથી જૂનાગઢ સુધીની રેલગાડીયાત્રાનું રસિક બયાન આપતાં ‘સૌરાષ્ટ્રની ભાવમૂર્તિ’નો એક આછો ખ્યાલ સાદર કર્યો છે. લેખકે પોતાના ગાડીના ડબ્બામાંના મેળાને જ ‘ભવેસરના મેળાની નાનકડી આવૃત્તિ જેવો’ (યાત્રી, પૃ. ૩૧) વર્ણવ્યો છે. ગાડીમાં મળેલા રબારી, રાવણહથ્થાવાળો, ચારણ, માલધારી આદિની આછીપાતળી રેખાઓ ઉપસાવતાં, દુહા-ગીતનાં અવતરણ ટાંકતાં તેઓ પ્રવાસનું વાતાવરણ ઠીક ઠીક અસરકારકતાથી દાખવે છે. એમાંય ‘કોટપાટલૂનમાં સુધરેલા કેળવાયેલા લાગતા જુવાન ભાઈ’ના કઠોર પ્રયત્ને ડબ્બામાંથી ઉતારી કાઢવામાં આવેલ ભગવાંધારી સાધુઓમાંના એકનો – ‘કોલાહલમાં એક સ્થિર સંવાદિતા પ્રસારતી’ ઊંચી ગૌર એકવડી મૂર્તિનો નિર્દેશ મર્મસ્પર્શી બન્યો છે. (યાત્રી, પૃ. ૩૦) લેખકે આ લેખમાળા પૂરી કરી હોત તો ઠીક થાત એવી લાગણી અવશ્ય થાય છે. ‘ભાલના દર્શને’માં ‘બીજા છપ્પનિયા’ દરમિયાન ‘આખા ભાલને પાણીનો સોસ પડતાં’ ત્યાં જે વિષમ પરિસ્થિતિ સર્જાઈ તેની જાતતપાસ કરતાં લેખકને જે કંઈ જાણવા-અનુભવવા મળ્યું તેનું બયાન છે. ગામલોકોની આળસે જે વિપરીત પરિણામો આવતાં હોય છે તેનીયે આછી વાત આ લેખમાં છે. વળી ભાલમાં દુષ્કાળરાહત નિમિત્તે જે કાર્યો–પ્રવૃત્તિઓ ચાલે છે તેનો અહેવાલ અહીં રજૂ થયો છે. ઉમાશંકરે, ધોલેરા, ખૂણ, ભાણગઢ આદિ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનું બયાન કરતાં ક્યાંક મૃગજલનાં મોજાંની છોળોની કે ચંદ્રોદયની વાત પણ આવી જાય છે ખરી ! ઉમાશંકરે મુનિ સંતબાલજીની તપસ્યાની શીળી છાયાની ખાસ નોંધ લીધી છે ને એમની રચેલી પ્રાર્થનાપંક્તિઓથી એ લેખ પૂરો કરેલ છે. (યાત્રી પૃ. ૩૭) ‘ભાલના દર્શને’ લેખને અહેવાલલેખ જ આમ તો કહી શકાય. લેખકનો અભિગમ દુષ્કાળ રાહતકાર્યોનાં નિરીક્ષા-તપાસનો સવિશેષ જણાય છે. ઉમાશંકરની બનાસકાંઠાની યાત્રા ‘રવિશંકર મહારાજની જોડે થોડોક સમય રહેવાની પ્રબળ ઇચ્છા’ના પરિણામે શક્ય બની. ઉમાશંકર ને ભૃગુરાય અંજારિયાએ મહારાજની પાછળ એમનો ડબોય જોડી દીધો ને દુષ્કાળથી અસરગ્રસ્ત એવા વિસ્તારને જોવાની તક લીધી. તેઓ સૌરાષ્ટ્ર મેલમાં વીરમગામ સુધી પહોંચી ત્યાંથી બસમાર્ગે રાધનપુર જવા નીકળ્યા. માંડલ, પંચાસર, શંખેશ્વર, સમી આદિ ગામોનાં રસ્તામાં દર્શન કર્યાં. દુષ્કાળરાહતનાં કાર્યો પણ જોયાં ને છેવટે રાધનપુર પહોંચ્યા. ત્યાં રવિશંકર મહારાજની ‘વાંસો વાળ્યા વગરની’ (યાત્રી, પૃ. ૪૧) એકધારી સેવાપ્રવૃત્તિ નિહાળી. એ પછી તેઓ જીપગાડી દ્વારા વારાહી, પાટણકા, ફાંગલી ગયા. રસ્તે નગરપારકરનું રણ પણ જોયું, ચારણકા-ધોકવાડાનાં તળાવોનું ખોદકામ જોયું. માર્ગમાં ડાઘાસર આવ્યું. તે વિશેની દંતકથાયે જાણી અને વઉઆ થઈ તેઓ બરાલા પહોંચ્યા. વઉઆમાં આંખની બીમારીનો ઉપદ્રવ જણાયો. એ પછી તેઓ બીજે દિવસે સાંતલપુર તાલુકાનાં ગામોની મુલાકાતે ગયા. ગઢસઈ પહોંચ્યા. મહારાજ માટેનો જનતાનો ઉમળકો ત્યાં નિહાળ્યો. મહારાજની લોકસેવાની કામગીરીનું બયાન કરતાં તેઓ મહારાજના મુખની વાત નોંધે છે :

“આ અમારું કુટુંબ. આ બધાંને જોઉં છું, મળું છું, ત્યારે કુટુંબ જેવું જ લાગે છે. જિંદગીમાં આનાથી માણસને શું વધુ જોઈએ ? કોઈ પૂછે છે કે તમને શું મળ્યું ? હું કહું છું કે શું મળ્યું તે આ સ્નેહની મૂડી. એ મૂડી ઉપર બધો વેપાર ચાલે છે અને એ મૂડીની મસ્તીમાંથી આગળ કામ કરવાનું બળ મળી રહે છે.” (યાત્રી, પૃ. ૪૨)

ત્યાર બાદ તેઓ અમરાપુર, કોડધા, જાખેલ, સમી થઈ તેઓ રાધનપુર પાછા ફર્યા. આમ તેમણે બનાસકાંઠાની વિષમ પરિસ્થિતિમાં માનવસેવાનો જે ‘મંગલયજ્ઞ’ ચાલી રહ્યો હતો તેની આછી ઝાંખી કરાવતાં મહારાજના સત્સંગનુંયે મહત્ત્વ કર્યું છે. ગાંધીજીની જીવનગરિમાનો લાભ એમની વાણી દ્વારા પ્રાપ્ત થતો તેની તેઓ નોંધ લે છે અને મહારાજનુંયે એક ‘પુણ્ય’ ચિત્ર આપવાનો મોકો અહીં ઝડપી લે છે. તેઓ લખે છે :

“મહારાજની થકવી નાખે એવી છતાં પ્રસન્ન દિનચર્યા, લોકોને સમજાવવાની એમની રીતો, એ બધામાંથી એમનું સમૃદ્ધ વ્યક્તિત્વ સ્ફુટ થતું. મહારાજ જીવનના કલાકાર છે. એ ગામડિયા ઉચ્ચારે બોલે છે, પણ એમની વાણી પણ કલાકારની વાણીની જેમ બરોબર પહેલ પાડેલી હોય છે. મહારાજનું જીવન જાણે ગીતાનું કોઈ જીવતુંજાગતું વિવરણ ન હોય ! મહારાજ એક એવા સુજન છે, જે તમારા હૃદય સુધીનો ટૂંકામાં ટૂંકો માર્ગ જાણે છે. એમનો સહવાસ એટલે જીવનની સુવાસ લૂંટવાનો ધન્ય પ્રસંગ.” (યાત્રી, પૃ. ૪૫)

ઉમાશંકરે આમ રૂપેણ, સરસ્વતી ને બનાસ – એ ત્રણેય કુંવારકાઓના પ્રદેશની વાત કરતાં મહારાજના કર્મયોગનું દર્શન કરાવવાની તક લીધી; પણ કવિ છતાં પેલી કુંવારકાઓનો જોઈએ એવો રસપ્રદ પરિચય તો બાકી જ રહી ગયો ! આ પ્રવાસલેખ પણ અહેવાલ-યુક્ત વધારે જણાય છે. ૧૯૫૦માં “સુરતનો સાગરકાંઠો” – એ વિષય પર લેખ કરતાં તેમાં ખાસ તો દાંડીની જ વાત એમણે કરી છે. લેખનો આરંભનો ભાગ સારા ગદ્યવર્ણનનો એક નમૂનો બને તેમ છે. તાપીના વર્ણનમાં જમાવટ છે. કાવેરીની વાત પણ રમણીય રીતે કહેવાઈ છે. (યાત્રી, પૃ. ૪૭) ચીખલી, વાલોડ, કરાડીની વાત પણ અહીં ખરી. વેડછી, વાલોડ, કરાડી આશ્રમ-શાળાઓની વાત ન આવે તો જ નવાઈ લાગે. તીથલનો સમુદ્રતટ પણ લેખક નિહાળે છે. પછી લેખક ધ્યાન કેન્દ્રિત કરે છે દાંડી પર. આ દાંડી યાદ કરતાં પહેલપ્રથમ ગાંધીજીનું જ સ્મરણ લેખક કરે છે. દાંડી પર સમુદ્રનું જે રીતે આક્રમણ થઈ રહ્યું છે તેનો ભયસંકેત પણ તેઓ આપે છે. તેઓ પરશુરામની અસ્ત્રપ્રભાવે સમુદ્રને હઠાવ્યાની પુરાણકથાય નોંધે છે ને તે સાથે ‘દરિયાની માશી’-રૂપ મરજાદ-વેલનેય નિર્દેશે છે. તેઓ દાંડીના કોળી પટેલો ને માછીઓની વસ્તીનો પરિચય આપે છે. બેટની આ કાંઠાવિભાગના મજૂરોની કાર્યકુશળતાનું સારું ચિત્ર તેઓ આપે છે.[8] અહીંની રેંટિયાપ્રવૃત્તિની વ્યાપકતાનો પણ ઉલ્લેખ તેઓ કરે છે. તેઓ દિલખુશભાઈ દીવાનજીની આ વિસ્તારની રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવે છે ને તે સાથે મિશનરીઓની વ્યસનાદિ બાબતની ઉદાસીનતા બાબત ટકોર પણ કરી લે છે. તેઓ આ લેબમાં દાંડીની વિગતપૂર્ણ તસવીર આલેખે છે.[9] દરિયાનું વર્ણન ધ્યાનાર્હ છે.[10] ઉમાશંકર ‘દાંડીના કિનારાનું સેવન કરવા મળ્યું તેને પરમ લહાવો’ (યાત્રી, પૃ. ૫૪) ગણે છે તે પણ દરિયાને કારણે જ. અહીંના ગામલોકોની લાકડાની તંગીનો તેઓ ખાસ નિર્દેશ કરે છે. તેઓ ગામની ભૂષણરૂપ સંસ્થાઓનો થોડો ખ્યાલ આપે છે. ગામના આતિથ્યસદ્ભાવને પ્રશંસે છે અને ‘અબાવણી’ સાંભળ્યાનો આનંદ વ્યક્ત કરે છે. તેઓનું પૂર્ણાતટે આવેલા વાંસી ગામનો પરિચય આપતું આ ચિત્રાત્મક ગદ્યવર્ણન જુઓ :

“વાંસી માછીઓનું ગામ છે. બારસોની વસ્તી. ગામ વીંધીને અમે સામા પાધર સુધી નીકળી ગયા તો એક અપૂર્વ અનુભવ થયો. આખું ગામ કામમાં લાગી ગયેલું હતું. કોઈ જાળ ગૂંથે છે. કોઈ દોરીઓ પાકી કરવા ચાર-પાંચ ત્રાકોવાળા ગંજાવર રેંટિયાથી વળ આપે છે. અહીં હોડીનું સમારકામ ચાલી રહ્યું છે. અહીં ઘરનાં નળિયાં સંચાય છે, તો અહીં બાંધકામ ચાલે છે. આ ભાઈ નકામી થયેલી જાળને છાપરાના ઘાસ પર બિછાવીને છાપરાને રક્ષણ સાથે અદ્ભુત રોનક આપી રહેલ છે. આ બાઈ દોરીને છેડે ડુંગળી બાંધી તેને ફરવા દઈ વળ ઉબેળી રહી છે. આખું ગામ પ્રવૃત્તિમાં ગૂંથાઈ ગયેલું હોય એવું દૃશ્ય આપણા આળસમાં ડૂબેલા દેશમાં ક્વચિત જ જોવા મળે. જાણે કોઈ મોટા કારખાનાના જુદા જુદા વિભાગો જોતા જોતા તમે પસાર થતા હો એવો અનુભવ થાય.” (યાત્રી, પૃ. ૫૬–૫૭)

સૌ જિલ્લાઓ કરતાં સુરતની સાચી વિશિષ્ટતા એનો સાગરસંપર્ક, એનો સાગરકાંઠો હોવાનું લેખક દર્શાવે છે. દાંડી સ્વરાજ્યની લડત વેળાએ કેવું ‘ચૈતન્યપ્રતીક’ હતું તેનું વીસ વરસે સ્મરણ કરવામાં તેઓ છેવટે લીન થઈ જાય છે. સ્વતંત્ર હિન્દની એકાદ નૌકાશાળા સુરતના સાગરકાંઠા પર હોય એવી લાગણીયે તેઓ આ લેખમાં વ્યક્ત કરે છે. સુરતના સાબરકાંઠાની વાત વસ્તુત: તો ઉમાશંકરની દાંડીયાત્રાની જ વાત આમ બની રહે છે. આ લેખ પછી ‘યાત્રી’માં ઉમાશંકરનો ‘શ્રીનિકેતન’ લેખ અપાયો છે. વસ્તુત: ઉમાશંકરના અત્યંત પ્રિય કવિ રવીન્દ્રનાથની એક મુખ્ય પ્રવૃત્તિનો નિર્દેશ કરતું એ વિદ્યાધામ છે. તે હસ્ત-ઉદ્યોગોનું કેન્દ્ર છે. હિન્દની ખેતી અને ગ્રામસંસ્કૃતિના પ્રતીકરૂપ પૈડાનું – ચક્રનું અહીં સૂચક રીતે ગૌરવ થયું છે. આ સંસ્થાની સજાવટમાં ચિત્રકાર નંદલાલ બસુની ‘ઊભરાતી સર્જકતાની ઉડાઉગીરી’નું દર્શન કરી શકાય છે. (યાત્રી, પૃ. ૭૬). આ શ્રીનિકેતન દ્વારા રવીન્દ્રનાથે ધરતીના અમોઘ આકર્ષણને સ્ફુટ કર્યું હોવાનું ઉમાશંકર જણાવે છે. (યાત્રી, પૃ. ૭૬) ઉમાશંકરે જેમ ગુજરાતદર્શન તેમ ભારતદર્શન કરવાનીયે સતત તત્પરતા દાખવી છે. તક મળી નથી, અવકાશ મળ્યો નથી ને પ્રવાસનો લાભ લીધો નથી ! નૈનીતાલ – અલમોડાના પ્રવાસને વર્ણવતી ત્રણ લેખોની એક માળા તેમણે ‘સંસ્કૃતિ’માં ‘પ્રવાસ’ (– ‘હવાખોરી અને પ્રવાસ’) શીર્ષક હેઠળ આપેલી. ‘યાત્રી’માં તે પૃષ્ઠ ૭૭થી ૧૦૧ ઉપર આપી છે. આ લેખમાળામાં તેમણે મથુરા, નૈનીતાલ, હવાખોરી, આલમોડા વગેરે સ્થળોની લેખકે લીધેલી મુલાકાતનું વર્ણન છે. મથુરાનું વર્ણન કરતાં લેખક ‘ગોપીગીત’ ન સ્મરે એમ બને ? ‘जयति तेऽधिकं जन्मना व्रज:’ તેમને તુરત યાદ આવી જાય છે. વિશ્રામઘાટની આરતી – ‘પ્રકૃતિપૂજાનો – સૌન્દર્યપૂજાનો વિધિ’ (યાત્રી પૃ. ૭૯) એમને આકર્ષે છે. આ આરતીની વાત કરતાં ઉમાશંકર ‘આરતી એટલે સ્વચ્છ અંધકારમાં ટમટમ હાલતી દીપશિખાઓનું રસળતું નૃત્ય’ એવી આરતીની જે વ્યાખ્યા કરે છે તેય ધ્યાનપાત્ર છે. પંડાની વાત પણ ખરી જ. નૈનીતાલની વાત કરતાં પૌરાણિક સંદર્ભ પણ આપે છે. તે સ્થળનો આંખેદેખ્યો હેવાલ લગભગ સર્વગ્રાહી રીતે આપવા તેઓ મથે છે. ‘ભારતવાસીના લોહીમાં હિમાલય માટે કોઈ ગજબનું આકર્ષણ છે.’[11] આ વાત ઉમાશંકર પણ નગાધિરાજનો મહિમા ગાતા કાકાસાહેબની જેમ કરે છે. તેઓ નૈનીતાલની જોવાલાયક જગાઓ(‘પૉઇન્ટ્સ’)ને ‘આનંદબિન્દુઓ’ કહે છે.૧૫ નૈનીતાલમાં ફરવા જવાના એકાંત રસ્તા નહીં હોવાની લેખકની ફરિયાદ છે ! તેઓ નૈનીતાલમાં પ્રવાસી-વસ્તીનું ઠીક બયાન આપે છે. ત્યાંની વસ્તીની બેહાલી ને રોગગ્રસ્તતાનો પણ ખ્યાલ આપે છે. નૈનીતાલ ઠીક ઠીક સમય રહ્યા બાદ સ્વામી આનંદ પાસેથી વિગતવાર સૂચનો મેળવી ઉમાશંકરે પોતાનો અલમોડાનો ‘ખરો પ્રવાસ’ આરંભ્યો હતો. આ પ્રવાસ બસરસ્તે હતો. લેખકે હિમશિખરોના દર્શનનો પ્રમાણમાં વધુ નિર્દેશ કર્યો જણાય છે. તેઓ સુવર્ણરસિત ભવ્ય હિમશિખરો સાથે ‘કાકલ, પાકો !’ જેવા મધુર ટહુકા વેરતા પંખીનેય જોઈ લેવાનું ચૂકતા નથી. અલમોડાની આસપાસના વિસ્તારનું લેખકનું દર્શન અનેક વિગતો સાથે થયેલ છે. બૈજનાથ, બાગેશ્વર, ગ્વાલદમ વગેરે તેઓ નિહાળે છે. પનવાનૌલાથી મિરતોલા પહોંચી ત્યાં અંગ્રેજ સાધુ શ્રી કૃષ્ણપ્રેમ અને શ્રી માધવાશિષનાં દર્શન કરે છે. તેઓ આરતોલાથી જાગેશ્વરને માર્ગે જતાં દેવદારનું મહાવન જુએ છે ને `अमुं पुरः पश्यसि देवदारूम्' – એ કાલિદાસની પંક્તિઓ સ્મરે છે. તેમણે જાગેશ્વર, કાસારદેવી, રાણીખેત, કાઠગોદામ વગેરેની પણ મુલાકાત લીધી હતી. સ્વામી આનંદની દોરવણી અનુસાર આ પ્રવાસમાં લેખકે બારેક દિવસ સુધી જુદાં જુદાં સ્થળોની સૌન્દર્યયાત્રા કરી. એ યાત્રાના ફળસ્વરૂપે એમનું ‘મન પર્વતોખીણોકોતરોથી એવું તો ખીચોખીચ ભરાઈ ગયેલું હતું’ (યાત્રી પૃ. ૧૦૧) કે ગિરિમાળાનો પ્રદેશ છોડી તેઓ મેદાનના પ્રદેશમાં પ્રવેશ્યા ત્યારે એનાં અફાટ મેદાનો અસ્તિત્વમાં છે એ જાણે ક્ષણવાર તો તેઓના માન્યામાં ન આવ્યું ! આ લેખમાળાના અંતમાં લેખક એક હૃદયસ્પર્શી વાક્ય લખે છે :

“ઘર તરફ અમે પ્રવાસ કરી રહ્યાં હતાં એ છતાં જાણે ક્યાં...ક જતાં હોઈએ એમ લાગતું હતું.” (યાત્રી, પૃ. ૧૦૧)

પ્રવાસમાં જ આપણું ઘર કે પ્રવાસ દ્વારા આપણી મથામણ કોઈ નિજી ઘર – કોઈ આપણા છેવટના મુકામ તરફ પહોંચવાની હોય છે ? – પ્રવાસના રહસ્યદ્રષ્ટાને – રસભોક્તાને આવા આવા પ્રશ્નો કોઈક તબક્કે ન ઊઠે તો જ નવાઈ કહેવાય. આ ‘મથુરા, નૈનિતાલ અને હવાખોરી’ લેખ પછી ‘યાત્રી’માં ઉમાશંકરનો ‘ઓડિશામાં ડોકિયું’ લેખ મૂકવામાં આવ્યો છે. ૧૯૬૧માં ૧૩મી એપ્રિલના રોજ કટકમાં યોજાયેલા ઊડિયાભાષી લેખકોના વાર્ષિક ‘વિષુવમિલન’માં અતિથિ તથા પ્રમુખ તરીકે ઉમાશંકર ઉપસ્થિત રહ્યા તે અનુષંગે આ લેખ લખાયો છે. તેમાં એ ‘વિષુવમિલન’ની કામગીરીનો ખ્યાલ આપવા સાથે ઊડિયા ભાષા-લિપિની ખૂબીઓનો નિર્દેશ કર્યો છે. આ નિમિત્તે ભુવનેશ્વર, કોનારક અને પુરીની ફેર મુલાકાત લીધી તેનોયે નિર્દેશ છે. ઉમાશંકરનો કલારસ ને સાહિત્યરસ આ અહેવાલરૂપ લેખમાં સ્પષ્ટ રીતે વ્યંજિત થાય છે. ઉમાશંકરે ૧૯૬૨માં આપેલા ‘ગોવા’ વિશેના પ્રવાસલેખમાં ગોવાના પ્રાકૃતિક–સાંસ્કૃતિક પોતનો પરિચય આપવાનો પ્રવાસ કર્યો છે. દરિયાકિનારો, ગિરિજાઘરો, નદીદ્વીપો, ડુંગરા, કુળાગરો, હિન્દુમંદિરો વગેરેનો દર્શનપરિચય આપવા ઉપરાંત ગોવાના લોકજીવન અને સંસ્કારજીવનનો તેમ જ તેના ઐતિહાસિક–રાજકીય પરિવેશનો પણ તેઓ કેટલોક ખ્યાલ આપે છે. તેઓ કોંકણી બોલી ને સાહિત્યનો પ્રશ્ન પણ છેડે છે. ભાષાવાર રાજ્યરચનામાં એક રાજ્યમાં બીજી ભાષા બોલનારા રહી ન શકે એવી પરિસ્થિતિના તેઓ ટીકાકાર છે. તેઓ સદ્ગત રામચંદ્ર શંકર નાયક, સદ્ગત વાલાવલીકર આદિનો નિર્દેશ કરે છે. ગોવામાં લોકોનું જીવન સુખી હોઈ ચોરીડાકાતી નહિ હોવાનું લેખક જણાવે છે. ત્યાં લોકો ખુલ્લા બારણે સૂએ છે – ફરે છે, પણ એ પરિસ્થિતિ કદાચ લાંબી નહિ ટકે એવો એક વડા ન્યાયાધીશનો ભય પણ ‘હવે આ બારીઓને સળિયા આવી જશે’ – એ મતલબના શબ્દો ટાંકી જણાવાયો છે. ગોવામાંની અનેકભાષિતા જળવાય, યુરોપીય ભાષાઓમાંથી સીધા અનુવાદો થતા રહે એ જોવાની આવશ્યકતા પણ પ્રવાસ-લેખક ચીંધે છે. ગામડાંઓની ગરીબી લેખકને સચિંત કરે છે. લેખક દૂધસાગર – ગોવાના પ્રાકૃતિક સૌન્દર્યનો અનુભવ કરવા સાથે તેનો સદુપયોગ કરી વીજઉત્પાદન વગેરેનીયે શક્યતા પણ બતાવે છે. ગોવાના ભાવિ વિકાસનો ખ્યાલ કરે છે અને ગોવાને ભારતમાં સમાવ્યા બાદ એ પ્રત્યેના ભારતના અભિગમ વિશે કેટલીક માર્મિક વાતો કરે છે. જે રીતે લશ્કરી પગલાંથી ગોવાનો ભારતે કબજો લીધો તે ઉમાશંકરને ગમ્યું નથી. વળી ત્યાંના સ્વાતંત્ર્યવીરોની ઉપેક્ષા પણ તેમને દુ:ખ આપે છે. ઉમાશંકર ‘ગોવા’ લેખમાં ‘સ્વર્ગના ટુકડા’રૂપ (યાત્રી પૃ. ૧૧૨) ગોવાનું સૌન્દર્યદર્શન કરતાં સંસ્કૃતિદર્શન તરફ વધુ ઢળ્યા જણાય છે. આ વલણ ક્રમશ: એમના પ્રવાસલેખોમાં – ખાસ કરીને વિદેશવિષયક પ્રવાસલેખોમાં બળવત્તર બનતું જણાય છે. ‘યાત્રી’માં પૃ. ૧૧૪થી ૩૮૯ સુધીમાં ઉમાશંકરના વિદેશના – એશિયા, યુરોપ તથા અમેરિકાના પ્રવાસોની વીગતો છે. એમાં અમેરિકાના પ્રવાસની તો બહુ ઓછી વીગત છેલ્લે બે લેખોમાં છે. યુરોપયાત્રાની વાત પણ આ ગ્રંથમાં એશિયાની વાતની તુલનામાં ઓછી લાગે. ઘણીબધી વાતો તેમણે જાવા, બાલી, મલાયા, શ્રીલંકા વગેરેની કરવાની થઈ છે. સંભવત: અગ્નિએશિયાના દેશોનું આવું પ્રવાસવર્ણન ગુજરાતીમાં પ્રમાણમાં ઓછું હોઈ એવા પ્રવાસ-સાહિત્યમાં ઉમાશંકરનું પ્રવાસવર્ણન વિશેષભાવે ઉલ્લેખનીય બની રહે છે. એમની આ પ્રવાસપ્રવૃત્તિની કેટલીક ભૂમિકારૂપ ઝલક આ પ્રવાસપ્રકરણની શરૂઆતમાં આપી છે. અહીં તેનો કંઈક વિગતે ખ્યાલ ‘યાત્રી’ના નિમિત્તે આપવાનો ઉપક્રમ છે. ‘યાત્રી’માં ‘જાકાર્તા જતાં’ એ લેખ ઉમાશંકરે એમની મોટી પુત્રી નંદિનીને પત્રરૂપે લખેલો છે. એમાં તેમણે જ દર્શાવ્યું છે તેમ, એમનું ઇન્ડોનેશિયા જવાનું ‘સંસ્કૃતિના કામે’ થયું છે. (યાત્રી, પૃ. ૧૧૪) એ યાત્રામાં ગાંધીજીને વીસમી સદીના ‘સર્વોત્તમ પુરુષ’ માનનાર હુલ્સમન નામના ડચ યુવાનની મિત્રતા થયાની વાત છે. એમાં ચીનમાં રવિશંકર મહારાજ સાથે ફરતાં ગામડાંની બોલીમાં ઠીક ઠીક ચલાવ્યાનો નિર્દેશ છે. (પૃ. ૧૧૫) એમાં ‘ઉરાંગ ઉટાંગ’ શબ્દની ચર્ચા છે. એમાં મલાયી ને ઇન્ડોનેશિયાની ભાષા વચ્ચેના ભેદનો ઉલ્લેખ છે. એમાં ઉમાશંકરની ગદ્યસર્જકતાનું કામણ નીચેના પરિચ્છેદમાં અનુભવી શકાશે :

“પેલી ડચ બાઈ ! બે ગુજરાતણોને ભેગી વણી હોય ત્યારે એ જોગમાયા થાય. નાના બાળકને લઈને બાથરૂમ તરફ ગઈ ત્યારે મોટા છોકરાએ અહીં જમાવ્યું. નીચે પગ વાળીને બેસી ગયો. બેઠકનું બનાવ્યું ટેબલ. એક રંગીન ચિત્રોવાળી અર્ધી ફાડી નાખેલી ચોપડી કાઢી અને મોટેથી ‘સાન્ટા ક્લાઉઝ’નું ગીત ડચ ભાષામાં (મારા હુલ્સમને મને સમજાવ્યું) લલકારવા માંડ્યું. વિમાનના ઊંચા ઘર્ઘરાટમાં ઊંચો ઘાંટો કાઢીને મસ્તપણે એ ગાતો હતો. થોડી વાર પછી એણે ગાવાનું પડતું મેલ્યું. પાનાં ફરફરાવતો ગયો અને આંખો અરધી ઢાળીને ખડખડાટ હસવા લાગ્યો. આટલે ઊંચે વિમાનમાં બાળકનું નિર્દોષ ખુલ્લું હસવું સાંભળીને આનંદ આનંદ થતો હતો. એટલામાં પેલાં બે આવ્યાં. થોડી વાર પછી જોઉં તો પેલું ધાવણું બચ્ચું મારી સામે તાકી રહેલું. અરે ! ખરું તું ! એની મા જોતી હતી. મને થયું કે આ બાળક સાથે પ્રેમ કરવો જ. આજે વાદળાં બહુ હતાં એટલે નીચેના સમુદ્રનો રંગ ઘેરો ભૂરો ન હતો, પણ આછો આછો ભૂરો ને લીલાશ પડતો હતો. પણ સમુદ્ર તરફ એ રંગ જોવા માટે નજર કરવાની જરૂર ન હતી. આ બાળકની આંખોમાં એ રંગ ઘૂંટીને ભર્યો ન હોય ! હવે, એની સામે જોવા જાઉં ને મોટેથી તાણે તો ? પણ એ જુએ ને આપણે એની સાથે દોસ્તી ન કરીએ એ પણ કેવું ? મારા કરતાંયે એ ભૂરાં-લીલાં તેજનાં ટપકાં જેવી આંખોમાં મને વધુ વિશ્વાસ હતો. એણે તો ભેંકડો ન તાણ્યો. ને લુચ્ચું કેવું ? ઊંચે નજર કરીને બધું જ એની બાને એક પલકમાં કહી દીધું.” (યાત્રી, પૃ. ૧૧૬)

પ્રસ્તુત પરિચ્છેદમાં જીવંત ભાષામાં કાવ્યતત્ત્વનું કેવું તો રાસાયણિક સંયોજન છે તે સહૃદયો પામી શકશે, આપણા પ્રવાસી કવિની સંવેદનશીલતાની માધુરી પણ માણી શકશે. પત્રલેખક તરીકેનું ઉમાશંકરનું સામર્થ્ય નીચેના પરિચ્છેદમાંથી બરોબર પામી શકાશે. ઉમાશંકર લખે છે :

“આ બધું ચાલતું હતું ત્યારે આપણે સમજવા જેવી એક વાત બની રહી હતી. ખોલ જોઉં તારો નકશો. જરી જો તો ખરી. હું સિંગાપોરથી થોડુંક ઊડતાંની સાથે સરી ગયો દક્ષિણ ગોળાર્ધમાં અને તું રહી ગઈ ઉત્તર ગોળાર્ધમાં. વચ્ચે વિષુવવૃત્તની રેખા આવી ગઈ. આ રેખા પૃથ્વી ઉપર પગે ચાલતા હોઈએ તો જાણે હમણાં પગમાં ભરાશે એવું લાગે. હું તો ઊડતો હતો. હમણાં વિષુવવૃત્તની રેખા હાથમાં આવશે, હમણાં હાથમાં આવશે એમ થતું હતું, પણ આપણા ભણવાના નકશાઓ પર દોરેલી હોય છે એવી કૈં પૃથ્વીના ગોળા ઉપર કોઈ રેખા ક્યાં કોઈએ દોરી છે ?” (યાત્રી, પૃ. ૧૧૬)

– અહીં ઉમાશંકરની કલ્પનાશીલતા સાથે, જેને સંબોધીને પત્ર લખાય છે તે વ્યક્તિ પ્રત્યેની ભાવભીનાશ ગદ્યને જીવંત બનાવે છે. ઉમાશંકરને સુમાત્રાનું ‘સુવર્ણદ્વીપ’ તરીકેનું દર્શન વિમાનમાંથી થાય છે. ત્યારે તેઓ લખે છે :

“ટેકરીઓ વચ્ચેની હથેળીમાં મોલ ઉપર સૂરજનો તડકો વરસતો હતો, હસતો હતો ને દીપતી ભૂમિ સુવર્ણ હાથમાં ધરીને ઊભી હોય એવું લાગતું હતું.” (યાત્રી, પૃ. ૧૧૬)

ઉમાશંકર દુનિયાના આ સૌથી મોટા દ્વીપસમૂહની લક્ષ્મીનું દોહન કરનારા ડચ લોકોના ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતા આ ટાપુઓ કઈ રીતે ‘ઇન્ડોનેશિયા’ તરીકે ઓળખાતા થયા તે દર્શાવી, તેની ભૌગોલિક, આર્થિક વિગતો પણ નંદિનીને લખી જણાવે છે અને જાવાનું ‘યવદ્વીપ’ તરીકેનું ઔચિત્ય પણ પકડી બતાવે છે. (પૃ. ૧૧૮) તેઓ ‘પાસપોર્ટ’ અને ‘વીસા’ની વસમી પીડાનો નિર્દેશ પણ કરે છે અને પત્રાંતે વિશ્વ-એકતાના આ સમર્થક કવિ-યાત્રી નંદિનીને મોટી થાય ત્યારે ‘લેટીનો પૃથ્વીગોળો’ કાવ્ય વાંચવાનું સરસ સૂચન પણ કરે છે. ‘મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતા’માં તેમનું ઝીણવટભર્યું પ્રતિમાદર્શન ને ભાવદર્શન પ્રગટ થાય છે. ઉમાશંકરને શાંત અને વિશ્વસ્ત શક્તિની પ્રતીતિ મંજુશ્રીનું દર્શન કરતાં થાય છે. પ્રજ્ઞાપારમિતાનું દર્શન કરતાં તેઓ લખે છે :

“પણ ના, વિચારસમાધિમાંથી મળેલો આનંદ ઓ પેલો ઢળેલાં પોપચાંમાંથી ફૂટી નીકળે. જાણે હમણાં બોલી ઊઠશે : ‘ના, ના, મંજુશ્રી, ઉતાવળાં ન થાઓ. બીજો રસ્તો છે.’ કયો બીજો માર્ગ ? પ્રજ્ઞાની પાર પહોંચેલી શક્તિ, ઉદ્રેક દ્વારા પોતાને વેડફી મારવાને બદલે, પોતામાં ઠરી સ્વસ્થ બને છે ત્યારે અભેદ્ય મુદા અને નિષ્કંપ શાંતિની જ્યોત સમી કેવી દીપી રહે છે એ પ્રજ્ઞાપારમિતાની મૂર્તિ જ સ્વયં દાખવી રહેતી નથી ?” (યાત્રી, પૃ. ૧૨૦)

ઉમાશંકરે મંજુશ્રી ને પ્રજ્ઞાપારમિતા વચ્ચેનો શક્તિ-સંવાદ હૃદયમાં ઉતાર્યાથી ધન્યતાનો અનુભવ થયાનું પણ છેલ્લે જણાવ્યું છે. ઉમાશંકરે ‘નિસર્ગતીર્થ’ બાલીની વાત પત્ર-સ્વરૂપે કરી છે. એ પત્રમાં પ્રથમ વાક્ય તો છે આવું : ‘ગરુડે ચઢીને બાલી જવા માટે ઊપડ્યો છું’ ‘ગરુડ’ ઇન્ડોનેશિયાની ઍરવેઝનું નામ છે ને તેથી ‘ગરુડ’નો શ્લેષાર્થ પણ સધાય છે. ઉમાશંકરની આંખોએ વિમાનમાંથી વાદળોએ રચેલી ઊંડી ઊંડી ખીણોની ભેખડો પરથી લપસણી ખાવાની ખરેખરી મજા માણી હોવાનું જાણવા મળે છે. (પૃ. ૧૨૨) ઉમાશંકરની સર્જકદૃષ્ટિ બાલીની વિમાનયાત્રાનું વર્ણન કરતાં બરોબર ખીલે છે. તેઓ લખે છે :

“પણ ગરુડને તો જમીનનું નામ ન જોઈએ. એને અફાટ આકાશ સિવાય જંપ ન વળે. એકબે આંચકા... અને એ ગગનવિહારી અવકાશમાં રચાયેલા એક અનોખા માર્ગ પર આવી પહોંચ્યું. ધોળાં બરફ જેવાં નાનાં નાનાં વાદળો પાસે પાસે ગોઠવાઈને એક આખી ફરસબંધી બની હતી, તેની ઉપર ગરુડ પગથી ઠેકડા ભરતું જાણે ઊડી રહ્યું ન હોય. ના, ના. આવી અદ્ભુત ફરસબંધી પણ ગરુડને લલચાવી શકે કે ? એ તો એનો પણ તિરસ્કાર કરી થોડુંક અધ્ધર ઊડી રહ્યું હતું. માયાવી વાદળોએ પણ પેંતરા બદલવા માંડ્યા. બરફના ઢગલા હોય એવો ચોમેર વિશાળ પટ ફેલાઈ રહ્યો. કોઈ પણ પ્રાણીને એની ઉપર આળોટતાં આળોટતાં ક્ષિતિજના છેડા સુધી પહોંચી જવાનું મન થઈ આવે. પણ ગરુડ તો કહે : ‘ઊંહું !’ બપોરનો તડકો પીને વાદળોના પેટમાં ધવલતા માતી ન હતી. ફૂલીને નાના નાના ગિરિઓની માળા સમાં એ ફેલાયાં. હિમાલયનાં શિખરો પાસે ઘસાઈને ઊડતા હોઈએ એવો અનુભવ થઈ રહ્યો. અરે ગરુડ, જો જો ! આ શિખર સાથે તારી પાંખ અફળાઈ ને, તો તારા અભિમાનના ભુક્કા ઊડી જવાના છે. માખણમાં મોવાળો નીકળી જાય એમ એની પાંખ શિખર આરપાર નીકળી આવી. આ પેલું ધવલશૃંગ તે તો સાક્ષાત્ કૈલાસ જેવું રંગે ને આકારે શોભે છે. વિહંગરાજ, કાંઈક તો આમન્યા રાખો. પાંખોનો અવાજ સંકેલી લો. હરગૌરીને ખલેલ કરશે. જરીક ડોક નમાવીને બાજુ પર એ સરકી ગયું.” (યાત્રી, પૃ. ૧૨૨)

નિરીક્ષણ, સંવેદન, પ્રકૃતિપ્રેમ ને કવિત્વ – આ સર્વના રાસાયણિક સંયોજનનો અર્ક ઉપર્યુક્ત ગદ્યખંડમાં ઊતરેલો પ્રતીત થાય છે. ઉમાશંકર બાલીને ‘ઇન્ડોનેશિયાનું કાશ્મીર’ (પૃ. ૧૨૩) અને ‘કલાનું પિયર’ (પૃ. ૧૨૩) કહે છે. ‘કુદરતના ચારે હાથ’ એના પર હોવાનું તેમને લાગ્યું છે. નિસર્ગતીર્થ બાલી જે રીતે કૌતુકતીર્થમાં પરિવર્તન પામ્યું તેનું ઉમાશંકરને દુ:ખ છે. અમેરિકા આદિ પરદેશોના ‘સફરવેડા’એ એનો ઘાણ કાઢ્યાનું એમનું નિદાન છે. (પૃ. ૧૨૪) કોઈ પ્રદેશનું અથાણું કરવાની વાત (પૃ. ૧૨૪), ‘ઝૂંપડાં ઝબકવા માંડ્યાં’, ‘જરાજીર્ણ માણસો’ (પૃ. ૧૨૪), ‘તડકો પીતા ડાંગરના રોપ’ (પૃ. ૧૨૫) જેવા ઉક્તિપ્રયોગો યાત્રી ઉમાશંકરની કવિત્વસુવાસિત ગદ્યશક્તિના ઉન્મેષો પણ આપી રહે છે. યાત્રી કવિ જે સૃષ્ટિમાં પ્રવેશે તે ‘અનિર્વચનીય આશ્ચર્યસૃષ્ટિ’ ન બની રહે તો જ નવાઈ. બાલી પરના બીજા લેખ ‘બાલી’માં ઉમાશંકર નિસર્ગતીર્થ બાલીનો કલાતીર્થ ને સંસ્કૃતિતીર્થ તરીકેનો પરિચય આપે છે. તકદીર અલીસ્યાબાના કલાકેન્દ્રની વાત અહીં નિરૂપાઈ છે. બાલીનાં લેગોન્ગ જેવાં નૃત્યોની પણ વાત રજૂ થઈ છે. બેલ્જિયન કલાકાર લ માયૂરના રહેઠાણની પણ ઉમાશંકરે મુલાકાત લીધેલી. ત્યાંનાં સ્ત્રી-પુરુષોનાં દેખાવ, રહેણીકરણી, જીવનરીતિ વગેરેનો; ત્યાંના હિન્દુત્વના વ્યાપક અને વિશિષ્ટ પ્રભાવનો, બન્જારની કામગીરીનો, ત્યાંની ચિત્ર ને શિલ્પકળા વગેરેનો રસપ્રદ અહેવાલ ઉમાશંકરે આપ્યો છે. બાલીના સ્વપ્નલોકસદૃશ પ્રભાવની વાત ઉમાશંકરે માર્મિક રીતે કરી છે. ડચ સામ્રાજ્યવાદીઓએ બાલી ટાપુને કમાણીના સાધન તરીકે, તાળું લગાવી અલગ રાખેલો તેવી પરિસ્થિતિની ચિકિત્સા સાથે હૉલૅન્ડના જેવી વનશ્રીનો નિર્દેશ કરવાનું ઉમાશંકર ચૂકતા નથી. (યાત્રા, પૃ. ૧૩૬, પૃ. ૧૩૧) વાડ પર જાસૂદ જેવાં ફૂલ ખીલ્યાં જોઈને ઉમાશંકરની કવિદૃષ્ટિને ‘પર્વતોનું તડકાસ્વપ્ન’ હોવાનો ભાવ થાય છે. (યાત્રી, પૃ. ૧૩૨) વળી ભારતની આટલે દૂર લીંબડાને જોતાં ભેટી પડાયાની વાત પણ કરે છે લીંબડો આ પ્રવાસી કવિ માટે તો ‘લીંબડાભાઈ’ બની રહે છે. (યાત્રા, પૃ. ૧૩૨) ઉમાશંકરે બાલીમાં ભારતીય સંસ્કાર-સંસ્કૃતિનો કેવો પ્રભાવ છે તેની વિગતો રસપૂર્વક આપી છે. તે ઉપરાંત એક રાષ્ટ્ર તરીકે બાલીના રાજતંત્ર તેમ જ પ્રજાતંત્રનીયે કેટલીક ઉપયોગી વાતો અહીં પીરસાઈ છે. બાલીના સમૂહજીવનમાં બન્જાર(પંચાયત)ની કેવી ઓથ હોય છે તેની, ત્યાંની પ્રજાની જીવનશૈલીની પણ રસપ્રદ વિગતો અહીં કેટલીક અપાઈ છે. ‘રૂપાનું સરોવર !’ પણ પત્રરૂપનો પ્રવાસલેખ છે. તેમાં વિમાનમાંથી મેરાપી જ્વાલામુખી જોયાનો નિર્દેશ છે. એ જ્વાળામુખીના ‘ક્રેટર’માં તળાવ ભરાયું હોઈ તેનું ‘રૂપાનું સરોવર’ – એવું નામાભિધાન લેખક કરે છે. આ લેખમાં ઉમાશંકરે ‘ઍરહોસ્ટેસ’ માટે ‘વિયત્સરા’ (પૃ. ૧૪૦) પર્યાય રમતો મૂક્યો છે તે પણ નોંધવું જોઈએ. ‘સલામ ઇન્ડોનેશિયા !’ પણ પત્રરૂપ લેખ છે. આ લેખમાં ઉમાશંકરનો સ્નેહસિક્ત વિનોદરસ પણ અનુભવાય છે. તેમનો વર્ણનરસ પણ નીચેના ફકરામાં કેવો ઊઘડ્યો છે તે સહૃદયો અનુભવી શકશે :

“વિમાનઘર દરિયાકાંઠે જ છે. દરિયા તરફ દોટ મૂકીને હળવેકથી ઊડતા વલંદાએ પોતાની જાતને હવામાં ઊંચકી લીધી. બિચારો દરિયો ! ઓ નીચે હાથ પછાડે, કદાચ એને થયું હશે કે ધરતીને છોડશે તો મારે ખોળે ખેલવા આવી પહોંચશે. પણ અનેક સમુદ્રો બલકે એ સમુદ્રોથી ભરેલી પૃથ્વી પણ જેના ઉદરમાં નાના અમથા જલકણથી – અરે અણુથીયે અલ્પ છે એવા વિભુ આકાશમાં એ શા માટે ન જવા કરે ? પણ આ તો મારો જ તર્ક હતો. દરિયાને શું છે ? એ તો નીચે મરકમરક હસ્યા કરે છે. ધોળાં ધોળાં મોજાંનાં ફીણ ઉપર ઊપસી આવે છે, જાણે એના પેટમાં સ્મિત માતાં ન હોય !” (યાત્રી, પૃ. ૧૪૩)

તેઓ ઇન્ડોનેશિયાની રાજકીય–આર્થિક વગેરે વિગતો પણ નોંધપાત્ર ચીવટથી આપે છે. ઇન્ડોનેશિયાને માત્ર તેની મુલાકાત લઈને જ નહીં અન્યથા પણ ઓળખી લેવાનો ઉપક્રમ ઉમાશંકરે પાકી રીતે સાધ્યો હશે એમ જણાય છે. ઉમાશંકરમાંનો વિશ્વમાનવ એમના પ્રવાસોમાં સારી રીતે ઉઘાડ પામતો હોવાનો અહેસાસ અવારનવાર થાય છે. ઉમાશંકરનો સંસ્કૃતિરસ એમના પ્રવાસોમાં વિશેષ ભાવે પ્રગટતો જોઈ શકાય છે. ‘શ્રીલંકાનું લાવણ્ય’ પ્રવાસલેખમાં તેઓ શ્રીલંકાની મુલાકાત લેતાં જ ત્યાંની બૌદ્ધપરંપરાનાં શિલ્પસ્થાપત્ય વગેરેમાંનો પોતાનો પ્રીતિરસ પ્રગટ કરીને રહે છે. પર્વતમાં ઉમાશંકર ‘પર્વતબ્રહ્મ’નાં દર્શન કરનારા છે. તેથી જ શ્રીલંકામાંયે તેઓ પોતાનો ડુંગરા ચઢનાર (પૃ. ૧૫૧) તરીકે પરિચય આપીને રહે છે. તેઓ રાત્રે સૂએ છે તેય નિરાંતે તડકો ખાતું મૌન વાગોળતાં વાગોળતાં. ઉમાશંકર મનુષ્યનું અંતરતમ સૌન્દર્ય જે રીતે ધર્મ, કળા, સંસ્કાર, શિક્ષણ વગેરેમાં પ્રગટતું હોય છે તેની ખોજ માટે પ્રવાસપરિશ્રમ ઉઠાવતા હોય છે તે તેમના અનેક પ્રવાસલેખો વાંચતાં પામી શકાય છે. એમના પ્રવાસ એ રીતે માનવીય એકાત્મતાના સાક્ષાત્કાર માટેના હોય છે. ભારતના પ્રવાસોમાં ભારતીય સંસ્કૃતિના તો વૈશ્વિક પ્રવાસોમાં વૈશ્વિક સંસ્કૃતિના આત્માને તેઓ પ્રત્યક્ષ કરવા મનસા વાચા કર્મણા પુરુષાર્થ કરતા હોય છે. આમ તો ઉમાશંકરનો સૌથી પહેલો વિદેશ પ્રવાસ તો ચીનનો ૫૪ દિવસનો ઈ. સ. ૧૯૫૨માં જે કરેલો તે જણાય. વિદેશના પ્રવાસોમાં પહેલાં તો એ પૂર્વયાત્રી થયા, પછી પશ્ચિમયાત્રી. ચીન, જાપાન, ઇંગ્લૅન્ડ–રશિયા–યુરોપ, અમેરિકા જેવા દેશો – ખંડોની એકાધિક વાર યાત્રા કરવાનુંયે બન્યું છે. એમની પહેલી પશ્ચિમયાત્રા તે ૧૯૫૬માં. ત્યારે ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લૅન્ડમાં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે તેમને જવાનું થયેલું. આ પશ્ચિમયાત્રાના પ્રવાસની એમની વાત વધારે તો નોંધ-અહેવાલરૂપ છે; એમ છતાં એ વાત કરતાં તેઓ અહીંતહીં કવિનજરે ચઢેલાં કોઈ દૃશ્યો – ચિત્રો જરૂર આપે છે. પશ્ચિમ તરફ જતાં અરબસ્તાન-વિસ્તારમાં દેખાયેલા સુકાયેલા જળ-શેરડાની, મોગરાના ઢગલા જેવાં વાદળોની નોંધ લેવાનું તેમની કવિદૃષ્ટિ ચૂકતી નથી. સિનાઈના શિખર પરના પયગંબર મોસીઝ પણ તેમને યાદ આવે છે. લાંબી ફેજ ટોપી તથા ઘૂંટણ સુધી ઘસડાતા સફેદ ઝભ્ભા ધારણ કરેલા મંદગતિ પિરસણિયાઓ ‘અરબ રાત્રિઓ’નાં પાનાંમાંથી સીધા બહાર આવી રહ્યાનો ભાવ તેમને થાય છે. (યાત્રી, પૃ. ૨૧૮) ભૂમધ્ય સમુદ્ર પરથી ઊડતાં ઉપરનીચે બધે એકસરખો આસામાની રંગ જોતાં ‘આખું વિશ્વ જાણે નીલબંબાકાર’ તેમને જણાય છે. (યાત્રી પૃ. ૨૧૮) તેમને વિમાનમાંથી ઇટાલીના સાંજના કુમળા તડકામાં તરબોળ લીલોતરીભરેલી ખીણોવાળી ભૂમિ ‘સ્મિત કરતી’ લાગે છે. (યાત્રી, પૃ. ૨૧૮) ઇંગ્લૅન્ડની ભૂમિનું દર્શન તેમને સાહસ અને આશ્ચર્યની ભૂમિ રૂપે થાય છે. (યાત્રી, પૃ. ૨૨૨) ‘પશ્ચિમયાત્રી–૨’માં ઉમાશંકર લંડનની થોડીક તસવીરો આપે છે. અમેરિકામાં નાટકો જોવાનાં રહી ગયેલા ઑરતા ઉમાશંકર લંડન આવીને પૂરા કરે છે ! ઉમાશંકર ટ્રફાલ્ગર સ્ક્વેર, કીટ્સનું ઘર, હાઇડપાર્ક વગેરેની મુલાકાત લે છે. કીટ્સના ઘરની મુલાકાત લેતાં એમનો કવિજીવ સુપેરે સંવેદી ઊઠે છે ! (યાત્રી, પૃ. ૨૨૫–૨૨૬) હાઇડપાર્કના દૃશ્યચિત્રની જીવંતતા પ્રભાવક છે. છેલ્લે ઉમાશંકર નોંધે છે :

“લંડનનું એક રીતનું દર્શન આજે થયું – અને તે એના મહોલ્લાઓ કે શેરીઓમાં નહિ પણ એનાં ખુલ્લાં મેદાનોમાં.
મોટાં મેદાનોમાં મુક્તપણે ફરવું : માણસે જંગલ છોડીને સમાજ બાંધ્યો તે પછી પણ એની એને કેટલી બધી જરૂર છે ? ભલે ગાંડાઘેલા ગમે તેવા વિચારો પણ તે મુક્તપણે ઉચ્ચારવા : સમાજને બંધિયાર ન થવા દેવા માણસ માટે એ કેટલું બધું અનિવાર્ય જરૂરનું છે ?” (યાત્રી, પૃ. ૨૩૧)

ઉમાશંકરે ‘યુરોપ : ૧૯૫૬ : વાસરી’માં બોરકર, સુન્દરમ્‌ વગેરેને લખેલા કે લખવા ધારેલા પત્રોની કેટલીક સામગ્રી ઉપરાંત, મિલન-મુલાકાત-ખરીદી-હિસાબ વગેરેની નોંધો છે. જગતની સભરતાનો અનુભવ ઉમાશંકરને પ્રવાસમાંયે થતો રહ્યાનું જણાય છે. (યાત્રી, પૃ. ૨૩૩) તેમણે ‘ધ પાવર ઍન્ડ ધ ગ્લોરી’, ‘ધ ફેમિલી રીયુનિયન’ જેવાં નાટકો જોયાની નોંધ પણ છે. આ વાસરી નોંધમાં ‘મૉં બ્લૉં’ વિશેનું કાવ્ય છે તો ‘માનવ તુજને ક્યાં ક્યાં શોધું ?’ પંક્તિથી આરંભાતું ને બંધાતું કાવ્ય પણ છે. (યાત્રી, પૃ. ૨૪૦ અને ૨૫૨) પશ્ચિમ જર્મનીની યુનિવર્સિટીઓની અભ્યાસયાત્રા નિમિત્તે ૧૯૭૦માં ઉમાશંકરે બૉન, બોખુમ તથા આખન યુનિવર્સિટીઓની મુલાકાત લીધેલી તેની અહેવાલ-નોંધ રૂપે ‘બૉન, બોખુમ, આખન’ લેખ આપ્યો છે. આ યુનિવર્સિટીઓની મુલાકાત લેતાં ત્યાં સંશોધન અને અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મળવાનું થયું તે પણ તેઓ જણાવે છે. ‘ચાર મહાનગરો અને રોમ’માં ઉમાશંકર માત્ર પૅરિસ અને લંડનનો જ પરિચય આપી શક્યા છે. આ લેખના પ્રારંભે જ પૅરિસમાં ભરાતા પ્રાચ્યવિદોના સંમેલન અંગેની વ્યવસ્થામાં જે શિથિલતા હતી તે ઉમાશંકર દેખાડે છે ને તે સાથે આપણા દૂતાવાસોની નીંભરતા – જડતા પણ. ફ્રેન્ચ સરકારે વરસાઈના મહેલનું મ્યુઝિયમ અને સાર્ત્રનું પ્રસિદ્ધ દેવળ તેમ જ રંગભૂમિના કાર્યક્રમો જોવાની વ્યવસ્થા કરેલી તેથી ઉમાશંકર પૅરિસ મહાનગરના સંસ્કારપોતને ઠીક રીતે પામી શકેલા. તેમણે કહ્યું છે : ‘ફ્રેન્ચ રણકો જ જુદો છે. તેનો અનુભવ થાય છે નખશિખ સંસ્કાર-સંપન્ન અનેક પરિમાણી વ્યક્તિત્વવાળા ફ્રેન્ચ લોકોના વાર્તાલાપમાં.’ (યાત્રી, પૃ. ૩૩૬) પછી તેઓ ઉમેરે છે : “પૅરિસમાં જે મનમાં વસી જાય એવી વસ્તુ છે તે છે ફ્રેન્ચમૅનનું નાજુક માનસપોત (‘ફિનેસ’).” (યાત્રી, પૃ. ૩૩૬) આ લખાણમાં વરસાઈના મહેલના મ્યુઝિયમના ગાઇડ બાનુનું શબ્દાંકન પણ ધ્યાન ખેંચે છે. લંડનની મુલાકાતમાં ઉમાશંકરને ચાર સાંજ મળેલી, જેમનો ઉપયોગ આયોનેસ્કોનું ‘મૅકબેટ્ટ’, ‘ઍઝ યુ લાઇક ઇટ’ જેવાં નાટકો જોવામાં તેમણે ગાળ્યો. તેમણે બ્રિટનના એક સજ્જનના નમૂનારૂપ બૉટમ્લીનોયે આછો પરિચય અહીં આપ્યો છે. તેમણે ડિકન્સનાં દૌહિત્રી કે પૌત્રીની મુલાકાતનો હવાલો આપી, ‘સંગીનતા, ધીરતા, સ્વસ્થતા અને જીવનની માર્મિક દૃષ્ટિની ચાડી ખાતી હાસ્યવૃત્તિ એ આ પ્રજામાં સારા પ્રમાણમાં મળતી હોવાનું જણાવ્યું છે. (યાત્રી, પૃ. ૩૪૩) ‘પારેવડા-કુટી’માં ઉમાશંકરે સ્વાતિબહેનને પત્રરૂપે વડ્ઝવર્થનું નિવાસસ્થળનું રસમય રીતે બયાન આપ્યું છે. ‘હાથ લંબાવો ને સ્વર્ગ !’ – એવી કવિ વડ્ઝવર્થની જગાનો પરિચય કરાવતાં આ કવિએ આ સ્થાનને અનુલક્ષીને કાવ્યસર્જન પણ કર્યું – જે એક આહ્લાદક ઘટના બની રહે છે. છેલ્લે સ્વાતિબહેનને ‘જય વડ્ઝવર્થ’ કરી પત્રનું સમાપન કરે છે તે પણ નોંધવું જોઈએ. કવિના હૃદયનો ઉઘાડ ત્યાંની સાંજના જેવો જ સુંદર હોવાનું પારેવડા-કુટીના તાદૃશ ચિતારમાં અનુભવવા મળે છે. ‘યાત્રી’માં જાપાનની યાત્રાને અનુલક્ષતા ઉમાશંકરના બે લેખો છે. એક લેખ હીરોશીમા વિશેનો છે. ‘વિશ્વશાંતિ’ના કવિ ‘વિશ્વયુદ્ધ’ની તારાજીના પ્રતીક સમા હીરોશીમાની ખબરઅંતર કાઢવાનું કંઈ ચૂકે ? હીરોશીમામાં ૭૦,૦૦૦ મૃત જનોનું સ્મારક જોતાં તેમને એશિયાના પશ્ચિમ ખૂણે બનેલી ગોલ-ગોથાનું સ્મરણ થઈ આવ્યું. (યાત્રી, પૃ. ૨૫૬) વળી મ્યુઝિયમમાં નળિયાં, ઈંટ, સિમેન્ટ અને હાડકાંના એકરસ થયેલા ગઠ્ઠા જોતાં ઉમાશંકરને પેલા હાડકાંનો સફેદો માણસની આત્મવિનાશક હોશિયારી પર હસી રહ્યો ન હોય એવું લાગે છે ! (યાત્રી, પૃ. ૨૫૬) પ્રસ્તુત લેખમાં ‘મૃત્યુના મહારણ વચ્ચે અમી-વીરડી જેવાં લાગતાં તાનાબે-દંપતીનો પણ કૃતજ્ઞતાભાવે પરિચય આપે છે. ઉમાશંકર રાત્રે હીરોશીમાએ જે રૂપ કાઢેલું તેનોયે ખ્યાલ આપ્યા વિના રહેતા નથી. આ લેખમાં છેલ્લે માનવ્યપ્રેમી આ યાત્રીકવિ લખે છે :

“ગાડી ઊપડી. હીરોશીમામાં કેટલોય બધો સમય ગાળ્યો હોય, બલકે માનવજાતિની શરમભરી વેદનામાં એક વાર ઝબકોળાવાથી ભૂતકાળ આખો એક વાર તો જૂઠા જેવો લાગતો હોય, એવી લાગણી થતી હતી. હીરોશીમાની યાત્રા કરી હતી એમ નહિ, હીરોશીમામાંથી હવે યાત્રા કરવાની હતી. ક્યાં ? જ્યાં ‘હીરોશીમા’ ન હોય એવા ભાવિ જગતમાં.” (યાત્રી, પૃ. ૨૫૯)

ઉમાશંકરે હીરોશીમા-યાત્રા અંગેની વાસરી પણ રાખેલી, જેમાંની કેટલીક નોંધો જોતાં ઉમાશંકરની યાત્રી કે પ્રવાસી તરીકેની જે સજ્જતા છે, પાત્રતા છે તેનો હૃદ્ય પરિચય થાય છે. ઉમાશંકરની નજર રસ્તામાં ભમરડા રમતાં બાળકોને જોવાનું ચૂકતી નથી કે એમના કાન ચા પાંદડાં વીણવાનું ગીત સાંભળવાનું ચૂકતા નથી. (પૃ. ૩૮૩) ઉમાશંકર શૈક્ષણિક, કલાકીય ને સાંસ્કૃતિક વિગતો પ્રત્યે સવિશેષ દિલચસ્પી દાખવતા જણાય છે. ઉમાશંકરે ૧૯૭૦ના ઉનાળામાં જાપાનના ઓસાકા શહેરમાં ભરાયેલા વિરાટ પ્રદર્શન-મેળાનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કર્યો છે “એક અજાયબી રંગમેળો – એક્સપો ’૭૦” – એ લેખમાં. આ એક્સપોનો મુદ્રામંત્ર હતો ‘માનવજાતિ માટે સંવાદિતા અને પ્રગતિ’. (પૃ. ૩૨૨–૩૨૩) આ એક્સપોનો પોતાના ચિત્ત પર પડેલો પ્રભાવ આલેખતાં ઉમાશંકર લખે છે : ‘એ રંગ, સૂર અને આકૃતિનો જાણે વંટોળ ન હોય ! ચિત્ત અને ચેતના ચકરાવે ચઢે એવી અજાયબ રચના છે એ.’ (યાત્રી, પૃ. ૩૨૪) આ એક્સપો–’૭૦ ભરીને યંત્રવિજ્ઞાનયુગમાં જાપાને પોતાની આત્મ-સ્થાપના કરી છે એમ ઉમાશંકર દર્શાવે છે. (યાત્રી, પૃ. ૩૨૪) આ એક્સપો–’૭૦માં માનવજાતિનો મહિમા ભાગ્યે જ પ્રગટ થાય છે એવો પણ એમનો પ્રતિભાવ હતો. (યાત્રી, પૃ. ૩૨૪) આ ‘યાત્રી’ ગ્રંથમાં ‘આરારાત’ હિમપર્વતની પણ વાત જાણે અપટીક્ષેપેણ આવી જાય છે ! જર્મન વિમાનમાં ઊડતાં તેમને આરારાતનાં દર્શન થાય છે. આ આરારાત એ પૂર્વે પણ ઉમાશંકરે જોયેલો. તેનો અનુભવ તેઓ લાક્ષણિક વાક્છટામાં આ રીતે નોંધે છે :

“શહેર જોવા ત્યાંના યજમાન કવિ લઈ ગયા હતા. નીલ પાણી ઉછાળતી નદીના વંકવોળામણા રસ્તે મોટર ચાલે, ત્યાં વચ્ચે વચ્ચે આરારાત સામે આવીને ઊભે. દરેક દર્શને નવો. નીચેથી તળેટીઓ તરફ ઠીક ઠીક ફેલાયેલો, બૃહત્કાય ઊંચો વધતો, અરધેક જતાં લંકાતો, પછી એકદમ અભીપ્સા એકાગ્ર કરતો, એ જાણે પૃથ્વીનો મટી આકાશના સત્ત્વ સમો બની રહે છે.” (યાત્રી, પૃ. ૩૨૬)

આ આરારાતે, પૌરાણિક કથા પ્રમાણે માનવકુળ અને મોંઘી દુનિયાને બચાવનારી ઊંચાઈ જે દાખવેલી તેનો ઉમાશંકર વિશેષભાવે મહિમા કરે છે. (યાત્રી, પૃ. ૩૨૬) આ ગ્રંથમાં રશિયાને અનુલક્ષતા ઉમાશંકરના પાંચ લેખો તેમ જ વાસરી આપેલ છે. ‘રશિયાના પ્રવાસે’ લેખ ૧૯૬૧ના તેમના રશિયાના પ્રવાસને અનુલક્ષીને લખાયો છે. આ લેખમાં તેમણે એક માર્મિક વાત એ જણાવી છે કે ‘દેશને સમજવામાં વિદેશયાત્રા સારી પેઠે ઉપકારક નીવડે છે.’ (યાત્રી, પૃ. ૨૬૦) વળી તેઓ ‘સાચા અર્થમાં India-returned બની શકાય તો કેવું સારું !’ – એવો ભાવ પણ પ્રગટ કરે છે. (યાત્રી, પૃ. ૨૬૦) ચંદ્રવદન જેવા પ્રવાસવીરને આ યાત્રામાં આકસ્મિક રીતે મળવાનું થયું એનો આનંદ પણ તેઓ વ્યક્ત કરે છે. તેઓ રશિયા માટેની વિમાનયાત્રા દરમિયાન હિન્દુકુશ પર્વતમાળાને જોતાં તેનો ‘પહાડોના જંગલ’ તરીકે અને પછી ‘આખું વિશ્વ પહાડમય ન હોય’ એવો ભાવ વ્યક્ત કરી ‘વિરાટ ગિરિબ્રહ્મ’નો નિર્દેશ કરે છે. (યાત્રી, પૃ. ૨૬૧) તેઓ વિમાનમાર્ગે કાબુલનું દર્શન કરતાં ‘નમતા બપોરના હૂંફાળા પ્રકાશમાં અર્ધતન્દ્રામાં પડેલા સાવજ’ની ઉપમા તેને આપે છે. (યાત્રી, પૃ. ૨૬૧–૬૨). ૧૯૬૧માં ભારત સરકારે રશિયા મોકલેલા પાંચ લેખકોના પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે કુલ ૨૩ દિવસનો પ્રવાસ કરેલો. તેની વાત પ્રશ્નોત્તરીમાં ‘રશિયાનો પ્રવાસ’ નામના લેખમાં તેમણે કરી છે. રશિયામાં સમાચારોની બાબતમાં જે ઉપવાસ થયો તેની વાત પણ તેમણે કરી છે. વળી રશિયન ભાષાને શિક્ષણમાં ફરજિયાત સ્થાન છે તે પણ તેમણે જણાવ્યું છે. તેમનું એક વિચારપ્રેરક નિરીક્ષણ એ છે કે રશિયા ૧૯મી સદીમાં જેવા મહાન સાહિત્યકારો આપી શક્યું તેવા વીસમી સદીમાં આપી શક્યું નથી એ હકીકત છે (યાત્રી, પૃ. ૨૬૫). ઉમાશંકર ત્યાંના આરમીનિયાના પ્રાન્તથી અને ઉજબેક કવિઓને મળવાથી પ્રભાવિત ને આનંદિત થયા હતા. ‘લેનિનગ્રાદમાં લગ્નવિધિ’માં ત્યાંની લગ્નવિધિનું એક વાસ્તવિક ચિત્રણ છે, જેમાં ચર્ચમાંના લગ્ન જેવો જ ભાવ થયાનું ઉમાશંકરે છેલ્લે દર્શાવ્યું છે. ઉમાશંકરે ૧૯૬૧ની રશિયાની વાસરીમાં પ્રવાસવર્ણનમાં કામ આવે એવી ઠીક ઠીક સામગ્રી એકત્ર કરી જણાય છે. જોકે તેના આધારે રશિયાનું એક સળંગ રસાત્મક યાત્રા-ચિત્રણ તેઓ આપી શક્યા નથી એ સ્પષ્ટ છે. તેમની વાસરી સાહિત્ય, કલા, શિક્ષણ વગેરે વિશેના કેટલાક ઉપયોગી સંદર્ભો આપે છે, જે રશિયાના આંતરજીવનપ્રવાહના આકલનમાં ઉપયોગી થાય એવા છે. ‘Man will be eternally in need of faith.’ – એવો અનુભવ કળાકારો – સાહિત્યકારોની બાબતમાં રશિયામાંયે પોતાને થયાનું ઉમાશંકર જણાવે છે. (પૃ. ૩૦૫) ‘સોવિયેત દર્શન’માં ૧૯૭૮માં ઉમાશંકરે તૉલ્સ્તૉયની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રશિયાના કરેલા પ્રવાસ અંગેની પ્રશ્નોત્તરી છે. ‘નૂતન ગુજરાત’-(અમદાવાદ)ના ૨૬–૧૧–૧૯૭૮ના અંકમાં શ્રી દીપક દવેએ ઉમાશંકરની જે મુલાકાત લીધેલી તેનો કેટલોક ભાગ, ઉમેરા સાથે ડિસેમ્બર, ૧૯૭૮માં પ્રગટ થયેલો – તે આ લેખ. ઉમાશંકરે તેમાં કવિ યેવતુશેન્કોનું કાવ્યપઠન, લૅટવિયાના મહાન કવિ રાઇનેસ, નૅશનલ એકૅડેમી ઑફ સાયન્સિઝ, સૉવિયેત પ્રજામાં ભારતીય સાહિત્યનો અનુવાદ અને પ્રચાર, જ્યૉર્જિયાની અને સ્તાલિનના જન્મસ્થાન, સંગ્રહસ્થાન વગેરેની મુલાકાત જેવી કેટલીક રસપ્રદ માહિતી આપી છે. તેમાંથી રશિયામાં પીએચ.ડી.ના શિક્ષણની, ત્યાંના લોકોના રોજિંદા જીવનવ્યવહારની પણ કેટલીક વિગતો જાણવા મળે છે. લેખકના અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો મુદ્દો પણ એમાં ચર્ચાયો છે. (યાત્રી, પૃ. ૩૫૩–૩૫૪) ઉમાશંકરે સ્તાલિનના કવિત્વનો અહીં વિશેષભાવે નિર્દેશ કર્યો છે. રશિયા અંગેનાં ઉમાશંકરનાં સર્વ લખાણોમાં સર્વોત્તમ લખાણ છે. યાસ્નાયા પોલ્યાના વિશેનું. યાસ્નાયા પોલ્યાના તે ગાંધીપ્રેમી ઉમાશંકરના એક પ્રિય સર્જક ‘મહામાનવ’ તૉલ્સ્તૉયનું રહેઠાણ. તૉલ્સ્તૉયના ‘વિશ્વવિશાળ દર્શન’ માટે આ સ્થાન વધુ માફક. (યાત્રા,પૃ. ૩૫૯) આ યાસ્નાયા પોલ્યાના ‘મનુષ્યજાતિ માટે હંમેશનું એક યાત્રાધામ’ (પૃ. ૩૬૧), ‘જગતની નૈતિક-આધ્યાત્મિક રાજધાની જેવું’ (પૃ. ૩૬૩), ‘દુનિયાનું એક જીવંત સંસ્કૃતિધામ’ (પૃ. ૩૬૩) હોવાનું જણાવી છેલ્લે ઉમાશંકર તેના વિશે લખે છે :

“રમણીય પ્રકૃતિતીર્થ યાસ્નાયા પોલ્યાના તૉલ્સ્તૉયની કાવ્યસૃષ્ટિના અને માનવને માનવ બનાવવાના એમના મૌલિક ચિંતન અને આચરણના સબળ પ્રતીક તરીકે આજની દુનિયાનું એક ચેતનકેન્દ્ર બની રહ્યું છે.” (યાત્રી, પૃ. ૩૬૮)

ઉમાશંકરે સારી પ્રજાની જાણે પ્રપિતામહમૂર્તિરૂપ તૉલ્સ્તૉયના જીવનકર્મની, એમનાં વિચારવાણીની ઉત્કટ ઉત્સાહથી અહીં વાત કરી છે. તૉલ્સ્તૉયની સાથે સંકળાયેલી મ્યુઝિયમ આદિ ઘણીબધી બાબતોની વિગતો તેમણે અહીં રસાત્મક રીતે આપી છે. રશિયાના બે ઝારમાંયે વડા ઝાર તો યાસ્નાયા પોલ્યાનામાંના સત્યધર્મી ચિંતક અને મહાન લેખક તૉલ્સ્તૉય જ ! (યાત્રી, પૃ. ૩૬૩) ઉમાશંકરની તૉલ્સ્તૉય વિશેની એક કાવ્યરચના પણ એમાં ઉતારાઈ છે. [આમેય ઉમાશંકરની તૉલ્સ્તૉયપ્રીતિ એમના વિશેના શતાબ્દીસ્મારક ગ્રંથ તથા એમના વિશેનાં ગુજરાતી-માંનાં લખાણોની કિરીટ ભાવસાર દ્વારા સૂચિ તૈયાર કરવા-કરાવવામાં પણ પ્રગટ થઈ જ છે.] ‘યાત્રી’ ગ્રંથમાં ઉમાશંકરના અમેરિકા-પ્રવાસને લગતા બે લેખો છે. ઉમાશંકર પહેલી વાર ૧૯૫૬માં અમેરિકા ગયેલા, શિક્ષણને લગતા કામ માટે, આઠ અધ્યાપકોના જૂથના એક સભ્ય તરીકે. બીજી વાર ત્યાં જવાનું થયું ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમીના નિમંત્રણથી ૧૯૮૬માં. ઉમાશંકરે અગાઉ અમેરિકાનો જે અનુભવ લીધો હતો તેની તુલના તેઓ બીજી વારના અમેરિકાના યાત્રાનુભવ સાથે કરે છે અને ખાસ તો ત્યાં જે સમયભીંસ છે ને જે દિવસભરની કર્મધારા છે તેનો વિશેષભાવે ઉલ્લેખ કરે છે. ‘અમેરિકામાં ગુજરાતીઓ’માં તેઓ અમેરિકામાં વસતા અઢી-ત્રણ લાખ ભારતવાસીઓમાં પચાસ-સાઠ ટકા જે ગુજરાતીઓ છે તેમની જૂની-નવી પેઢીના સંસ્કાર-ઉછેર વગેરેનો પ્રશ્ન છેડે છે. ‘મૂળિયાંવિહોણાં’ ન બનાય એની કાળજી રાખવી અમેરિકી નાગરિક થવા સાથે ભારત ને ગુજરાત પ્રત્યેની પોતાની અભિમુખતા ને નિષ્ઠા જાળવવી – એ પેચીદા મામલાનો સંકેત પણ આ લેખના અંતભાગમાંથી મળી રહે છે.



  1. યાત્રી, પૃ. ૪.
  2. યાત્રી, પૃ. ૧૬.
  3. યાત્રી, પૃ. ૧૭–૧૮.
  4. યાત્રી, પૃ. ૨૨–૨૫
  5. યાત્રી, પૃ. ૨૬.
  6. યાત્રી, પૃ. ૨૭.
  7. યાત્રી, પૃ. ૨૮.
  8. યાત્રી, પૃ. ૫૧–૫૨.
  9. યાત્રી, પૃ. ૪૯–૫૬.
  10. યાત્રી, પૃ. ૫૪–૫૫.
  11. યાત્રી, પૃ. ૮૩.