ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ઇસામુ શિદા અને અન્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫. ઇસામુ શિદા અને અન્ય

એપ્રિલ, ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલ ‘વ્યક્તિચિત્રો’નો ઉપર્યુક્ત ગ્રંથ વસ્તુત: તો હૃદયમાં પડેલી છબીઓનો જ ત્રીજો ખંડ છે. એમાં ઉમાશંકરે કુલ ૪૬ વ્યક્તિઓ વિશેનાં ચિત્રો આપ્યાં છે. તેમાં માત્ર કાકાસાહેબ કાલેલકર તથા ગગનવિહારી મહેતા વિશે બબ્બે (વ્યક્તિ)ચિત્રો છે. આમ આ ગ્રંથમાં કુલ ૪૮ લેખો છે. જોકે આ વ્યક્તિલક્ષી લખાણોમાં કોઈ કોઈ લખાણમાં ચિત્રની રૂપ-રેખાઓ પ્રમાણમાં આછી-પાતળી હોય એવું પણ છે ખરું. એમાંયે ઉમાશંકરના આપ્તવર્ગમાં સમાવેશ પામ્યા હોય તેવાં ઇસામુ શિદા, કાકાસાહેબ, કિશનસિંહ, વાડીલાલ ડગલી, સ્નેહરશ્મિ અને બાનાં વ્યક્તિચિત્રો પ્રમાણમાં વીગતપૂર્ણ લાંબાં છે. એમ તો સરદાર પટેલ, કૃપાલાની, જયપ્રકાશ નારાયણ, ઇન્દિરાજી, જુગતરામ, મિ. એસ. એસ., નરસિંહરાવ દિવેટિયા જેવાનાં વ્યક્તિચિત્રો પણ એમણે કંઈક ખૂલીને, વીગતે, નિરાંતે લખ્યાં લાગે ! કોઈ વ્યક્તિચિત્ર (જેમ કે, ચંપકલાલ વ્યાસ) માંડ બે પાનાંનું છે. પણ આ સર્વ વ્યક્તિ-ચિત્રણોમાં વ્યક્તિ તરીકે ઉમાશંકર કેવા આત્મસમૃદ્ધ ને જીવનસમૃદ્ધ છે તેનો ખ્યાલ મળે છે. રાજકારણ, સમાજકારણ, અર્થકારણ, કેળવણી, અધ્યાત્મ, કલા અને સાહિત્ય – આવાં કેટકેટલાં ક્ષેત્રોમાં ગુજરાતમાંની ને દેશવિદેશમાંની નાની-મોટી કેટકેટલી વ્યક્તિઓની સાથે ઉમાશંકરને – એમની કલમને જોડાવાનું બન્યું છે ! જીવન અને જગતના વ્યાપક સંદર્ભ વચ્ચે રહીને તેઓ જુએ છે. એમનો એક બહોળો વિવિધરંગી પરિવાર છે, જેનું દર્શન તેમની આ બધી તસવીરપોથીઓ જોતાં પ્રતીત થાય છે. પ્રસ્તુત ગ્રંથની ચિત્રવીથિકામાં વિદેશના મહાનુભાવોમાં જાપાન (એશિયા)ના ઇસામુ શિદા છે; રશિયાના તૉલ્સ્તૉય અને ચેખોવ જેવા સાહિત્યકારો છે; ફ્રાન્સના તેજસ્વી ચિંતક-સર્જક જ્યૉં પૉલ સાર્ત્ર છે; ઇંગ્લૅન્ડના આઈ.એ. રિચાર્ડ્ઝ જેવા કાવ્યમીમાંસક પણ છે. કવિ-કુટિર નિમિત્તે અહીં કવિ ઑડેનની પણ ઉપસ્થિતિ છે. જોકે આ ગ્રંથ પ્રગટ થતાં પૂર્વે ‘યુરોપયાત્રા’ (ઑગસ્ટ, ૧૯૮૫)માં પૃ. ૧૬૨–૧૬૯ સુધીમાં આ જ લખાણ ત્યાં છે જ. તેથી તે અહીં ટાળી શકાયું હોત તો સારું થાત. આ છ ચિત્રો સિવાયનાં બાકીનાં બધાં જ વ્યક્તિચિત્રો ભારતની અને ગુજરાતની વ્યક્તિઓનાં છે. તેમાં મહિલાઓનાં વ્યક્તિચિત્રો તો બે જ છે : ઇન્દિરાજીનું અને ઉમાશંકરનાં બા નર્મદા કે નવલબહેનનું. આપણે ત્યાંનાં જે વ્યક્તિચિત્રો છે તેમાં સરદાર પટેલ, આચાર્ય કૃપાલાની, ‘લોકવત્સલ લોકનાયક’ જયપ્રકાશ નારાયણ, મહારાષ્ટ્રના સમાજવાદી નેતા એસ. એમ. (શ્રીધર મહાદેવ જોશી), અશોક મહેતા, ‘આચારસંહિતાના પુરુષ’ એચ. એમ. પટેલ તથા ઇન્દિરાજી જેવાં રાજકારણ સાથે વિશેષભાવે સંકળાયેલ વ્યક્તિઓનો; ગાંધીચીંધ્યા માર્ગે સમાજસેવા ને શિક્ષણ સાથે સંકળાયેલા ‘ગાંધીજીના નિકટના સાથી’ આચાર્ય કાકાસાહેબ કાલેલકર, ‘વિલક્ષણ વિભૂતિ’ વિનોબા, ‘ગુજરાતની મંગળમૂર્તિ’ રવિશંકર મહારાજ, ‘આત્મરચનાના કવિ’ જુગતરામ દવે, ‘લોકસેવક’ આત્મારામ ભટ્ટ, ‘રચનાત્મક કાર્યકર’ વજુભાઈ શાહ વગેરેનો; અર્થકારણના અભ્યાસી ગગનવિહારી મહેતા, બી. કે. મજમુદાર ને વાડીલાલ ડગલીનો; ચિંતન-વિચારના જીવ ‘ચીમનલાલ ચદુભાઈ શાહ, ચંદ્રકાન્ત દરૂ ને ‘મહા-જગતજન’ જિદ્દુ કૃષ્ણમૂર્તિ વગેરેનો તો સાહિત્યક્ષેત્રના કાકાસાહેબ ઉપરાંત વાલજીભાઈ, નરસિંહરાવ, ‘સમન્વયદર્શી સારસ્વત ડૉ. સુનીતિકુમાર ચેટરજી, ‘વડલા જેવા સારસ્વત’ રસિકલાલ છોટાલાલ પરીખ, ભારતના સાહિત્યિક–સાંસ્કૃતિક જીવનના પીઢ અગ્રણી હજારીપ્રસાદ દ્વિવેદી, ‘વિશિષ્ટરંગી ગદ્યકાર’ અને ‘સંસ્કારપુરુષ’ કિશનસિંહ, મહાકવિ જી. શંકર કુરુપ, ઉમાશંકરના ‘ગૌરવશાળી સમકાલીન’ મનસુખલાલ ઝવેરી, ‘તપસ્વી કર્મઠ બ્રાહ્મણ’ જેવા બચુભાઈ રાવત, કવિ શ્રી બાલકૃષ્ણ બોરકર, ‘સમાજભેરુ’ ઈશ્વર પેટલીકર, ‘હાડે સુધારક’ એવા પીતાંબર પટેલ, ‘ભરી તારી હસ્તી’ એવા એસ. આર. ભટ્ટ (સંતપ્રસાદ ર. ભટ્ટ), ‘સારસ્વત’ધર્મી પ્રો. વસન્ત જોશી, ‘ગુજરાતી વાઙ્મયના પ્રથમ પંક્તિના વિદ્વાન’ ભૃગુરાય અંજારિયા, ‘હાડે શિક્ષક’ એવા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઉમાશંકરના આત્મીય ચંપકલાલ વ્યાસ, ‘મૈત્રીના પ્રેમના માણસ’ વાડીલાલ ડગલી, ‘સ્નેહનું રશ્મિ’ તે સ્નેહરશ્મિ તથા કવિશ્રી દુલાભાયા કાગ જેવા મહાનુભાવોનો અને નૃત્યકાર ઉદયશંકરનો સમાવેશ થાય છે. આ વ્યક્તિચિત્રોમાં છેલ્લે ઉમાશંકરે એમનાં માતા નર્મદા (નવલ)નું વ્યક્તિચિત્ર આપ્યું છે. એ જોતાં આપણને એમ થાય કે ઉમાશંકરે એ પ્રકારે એમના પરિવારના પિતા, મોટાભાઈ વગેરેનાંયે ચરિત્રચિત્રણો આપ્યાં હોત તો ઇષ્ટ થાત. ઉપર્યુક્ત વ્યક્તિચિત્રોમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે; જે રાજકારણ, સમાજકારણ, અર્થકારણ કે રચનાત્મક સેવાના ક્ષેત્રે હોય ને સાથે સાહિત્યકાર, ચિંતક કે કલાકાર પણ હોય. આવી બહુમુખી પ્રતિભાવાળી વ્યક્તિઓમાં કાકાસાહેબ, વિનોબા, જે. બી. કૃપાલાની, જેવી અનેક વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે. સ્નેહરશ્મિ કેળવણીકાર પણ ખરા ને સાહિત્યકાર પણ ખરા; જુગતરામ ગાંધીવાદી લોકસેવક પણ ખરા ને કેળવણી ને સાહિત્યના જીવ પણ ખરા. ગગનવિહારી મહેતા રાજકારણમાંયે ખરા ને સાહિત્યમાંયે ખરા. વાડીલાલ ડગલીની અર્થકારણ ને સાહિત્ય બંનેયમાં ગતિ. કેટલીક વાર તો પ્રચંડ મનોઘટનાશાળી વ્યક્તિની અનેક ક્ષેત્રોમાંયે કામગીરી જણાય. ઉમાશંકરનો માનસપરિવાર કેવો બહુરંગી ને વૈવિધ્યસભર, વ્યષ્ટિજીવન ને સમષ્ટિજીવનને કેવો સમૃદ્ધ કરનારો છે તે જોઈ શકાય છે. અંગ્રેજીમાં કહેવત છે A man is known by the company he keeps. ઉમાશંકરનું સત્ત્વસમૃદ્ધ મિત્રવર્તુળ – આપ્તમંડળ જોતાં ઉમાશંકરનીયે સત્ત્વસમૃદ્ધિનો આહ્લાદક ખ્યાલ આપણને મળી રહે છે. ઉમાશંકર તો જીવનની વ્યાખ્યા આપતાં આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં લખે છે :

“મુખ્યત્વે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના (પર્સન-ટુ-પર્સન) સંબંધોનો સરવાળો એ જીવન. સૌથી મોંઘી વસ્તુ એ છે, અને સૌથી પવિત્ર.”

આ રીતે ઉમાશંકરે અહીં જે તે વ્યક્તિઓ – મહાનુભાવોની છબીઓ આપતાં એમની આત્મીયતાના વ્યાપવિસ્તારનો ખ્યાલ પણ આપણને સહજતયા જ આપ્યો છે. તેમણે આ છબીઓ બને તેટલી વસ્તુલક્ષી ને યથાર્થ મૂલ્યાંકનવાળી હોય તેનીયે સાવધાની રાખી છે. જે વ્યક્તિઓની અહીં છબીઓ અપાઈ છે ને જે વ્યક્તિઓ હજુયે સર્જકના હૃદયમાં હોવા છતાં વાણીમાં ઊતરી શકી નથી તે સૌ પ્રત્યે આ માનવતાપ્રેમી સર્જક કૃતજ્ઞતાની તેમજ સમજદારીભર્યા સહ-અસ્તિત્વની લાગણીયે અનુભવે છે. આ લાગણીના જ દસ્તાવેજરૂપ આ ગ્રંથ પણ છે. ઉમાશંકરે ઇસામુ શિદાની વાત કરતાં જાપાની જીવનશૈલી ને સંસ્કારરીતિનોયે એક રમણીય છાયા–સંકેત આપણને આપ્યો છે. ઉમાશંકર કેવા ઉમદા હમદર્દ મિત્ર હતા તે પણ અહીં જોઈ શકાય છે. તૉલ્સ્તૉય ૧૫૦મી જન્મજયંતીના સમારોહમાં ભાગ લેતાં તેઓ માનવતા ને શાંતિના મહાન દ્રષ્ટાનો – સત્યશોધક મહાન સર્જકનો પરિચય કરાવતાં ગાંધીજી ને મહાભારતને યોગ્ય રીતે યાદ કરે છે. (પૃ. ૧૬) તેઓ અસ્તિત્વવાદના તત્ત્વજ્ઞાનનો સબળ પુરસ્કાર કરતા સાર્ત્રની વાત કરતાં એમનાં નાટકોની પોતા પર ઊંડી છાપ પડ્યાનું નોંધે છે. (પૃ. ૨૦) તેઓ ઉત્તમોત્તમ કલાકારોમાં હૃદયનું અગાધ કારુણ્ય હોવાનું નોંધે છે. (પૃ. ૩૨) સરદાર પટેલની પ્રતિભા સ્વતંત્ર ભારતની મૂર્તિમાં હંમેશાં પ્રતીત થતી રહેવાની એમ તેમનું માનવું છે. (પૃ. ૩૭) ઉમાશંકર કાકાસાહેબની સંસ્કારમૂર્તિનો ઠરીને પરિચય કરાવે છે. કાકાસાહેબ સાથેના પોતાના સંબંધની ભૂમિકામાં તેઓ વિનોદપ્રિયતા હોવાનું નોંધે છે. (પૃ. ૪૯) તેઓ યોગ્ય રીતે જ કાકાસાહેબના વ્યક્તિત્વ માટે ‘ભારતીય’ વિશેષણ પ્રયોજે છે. (પૃ. ૫૧) વળી ‘મેં મારી બધી મૌલિકતા ગાંધીજીને શોધી કાઢવામાં ખર્ચી નાખી છે’ (પૃ. ૫૯) – એવું કાકાસાહેબનું વિધાન તેઓ અહીં ટાંકવાનું ચૂકતા નથી. ઉમાશંકર કાકાસાહેબ સાથે લગભગ દસ માસ રહેલા. (પૃ. ૬૧) કાકાસાહેબ મધ્યવયમાં ‘જીવન’ધર્મી અને પાછલી વયે ‘સમન્વય’ધર્મી હોવાનું ઉમાશંકરનું નિદાન છે. ઉમાશંકર કાકાસાહેબનું સ્થાન વિરલ ભારતપુત્રોમાં હોવાનું જણાવે છે. (પૃ. ૭૫) વળી તેઓ ગુજરાતી ભાષાના અગ્રિમ ગદ્યસ્વામી તરીકે કાકાસાહેબનો નિર્દેશ કરે છે. (પૃ. ૭૬) કાકાસાહેબની સાધના ‘નિરંતર વર્ધિષ્ણુ જીવનયોગની સાધના’ (પૃ. ૭૯) હતી. કાકાસાહેબ જો ગાંધીજીના (નિકટના સાથી) તો રવીન્દ્રનાથનાયે માણસ હતા અને એ બંને મહાન વિભૂતિઓ દ્વારા ચાલતા યુગકાર્યના પોષણ-સંવર્ધન-સમર્થનમાં કાકાસાહેબનુંયે મહત્ત્વનું પ્રદાન રહ્યું. ઉમાશંકર વિદ્યાપીઠના પ્રથમ મહાન આચાર્ય ગિદવાનીનો નિર્દેશ કર્યા પછી ‘પયગંબરી છટાવાળી’ (પૃ. ૮૭) આચાર્ય કૃપાલાનીની કામગીરીનો નિર્દેશ કરે છે. (પૃ. ૮૭) એ કામગીરી દેશ માટે સંજીવની સમી પણ હતી. ‘હસીખુશીના ફુવારા’ જેવા આચાર્ય કૃપાલાની અંદરથી ખૂબ ધર્મરસવાળા હતા એમ પણ ઉમાશંકર જણાવે છે. વિનોબા ગાંધીજીના અનોખા સાથી હોવા સાથે વિલક્ષણ વિભૂતિ પણ હતા. તેઓ ‘હાડે તપસ્વી સંત’ હતા. (પૃ. ૯૯) પહેલો અણુબૉમ્બ જાપાન પર ફેંકાયો ત્યારે વિનોબાએ અહિંસા નજીક આવ્યાનું કહેલું તે ઉમાશંકર અહીં નોંધવાનું ચૂકતા નથી. (પૃ. ૧૦૧) અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય ચીંધનાર, જીવનભર ‘અનાસક્ત કર્મઠતા’ દાખવનાર વિનોબાનું કાવ્યાત્મક રીતે વર્ણન કરતાં ઉમાશંકર લખે છે :

“વિનોબા એક એવી વિભૂતિ છે કે ઉત્તમ ભારતજનોની હિમાદ્રિસદૃશ ઉન્નત શૃંગમાલામાં એક શૃંગની પેઠે એ ઝળહળ્યાં કરશે.” (પૃ. ૧૦૩)

‘લોકવત્સલ લોકનાયક’ જે. પી. (જયપ્રકાશ નારાયણ)ને પણ ઉમાશંકરે ઊંડી નિસબતથી શ્રદ્ધાંજલિ અર્પી છે. સકલ સત્તાની ગંગોત્રી એવી લોકશક્તિને સંચારિત કરવામાં જે.પી.નું જીવનકાર્ય પ્રગટ થાય છે. (પૃ. ૧૦૬, ૧૦૭) ‘સંપૂર્ણ ક્રાન્તિ’ના સ્વપ્નદ્રષ્ટા જે. પી.ને તેઓ ગાંધીજીના સાચા ઉત્તરાધિકારી લેખે છે. (પૃ. ૧૧૦) ‘ઇન્દિરા’ વિશેના લેખમાં ઉમાશંકર ઇન્દિરા ગાંધીની મર્યાદાઓ સાથે તેમની શક્તિઓનો પણ સવિવેક ખ્યાલ આપે છે. રવિશંકર મહારાજની વાત કરતાં ઉમાશંકર તેમની વૈરાગ્યબુદ્ધિ, તપસ્યા ને નિર્ભયતાનો વિશેષભાવે નિર્દેશ કરે છે. રવિશંકર મહારાજ ‘મૂક’ હતા તેટલા જ તેજસ્વી હતા તે લેખક બરોબર રીતે બતાવે છે. તેઓ આશ્રમી જીવન યાને આત્મરચનાની કેળવણીનું પાયાનું કામ કરનાર જુગતરામને ‘આત્મરચનાના કવિ’ તરીકે ઉપસાવતાં ‘વેડછીના વડલા’ને તેમની શ્રેષ્ઠ રચના તરીકે ઉલ્લેખે છે. (પૃ. ૧૩૧) ગાંધીજી જો ‘નઈ તાલીમના અધ્વર્યુ’ (પૃ. ૧૩૨) હતા તો જુગતરામ તેના પ્રયોગકાર. ઉમાશંકર દક્ષિણાપથને મળેલા અગસ્ત્ય પછીના બીજા ઋષિ તરીકે તેમને વર્ણવે છે! (પૃ. ૧૩૦) તેઓ એસ. એમ. જોશીનો ભારતીય નેતા તરીકે, ‘સંઘર્ષના માણસ’ (પૃ. ૧૪૩) તરીકે, ‘હાડે સાધુપુરુષ’ (પૃ. ૧૪૪) તરીકે પરિચય આપે છે અને મનુષ્ય તરીકેની મહાનતાનો સમાદર કરે છે. અશોક મહેતાને તેઓ ‘પહેલી હરોળના વિદ્યાસંપન્ન નેતા’ તરીકે – ‘વિદ્યાવ્યાસંગી વિચારક’ તરીકે ઓળખાવે છે. આ અશોક મહેતા ગુજરાતી સાહિત્ય પરિષદને પોતાની બહેન તરીકે ઓળખાવતા તે રસપ્રદ વીગત નોંધવાનું સર્જક ઉમાશંકર શેના ચૂકે ? ‘આચારસંહિતાના પુરુષ’, ‘વિશિષ્ટ ગુજરાતી’ એવા એચ. એમ. પટેલના નિવૃત્તિકાળના જીવનને ‘વાનપ્રસ્થ જીવન’ તરીકે વર્ણવી તેમનામાં પાયાની, નૈતિકતા હોવાનો નિર્દેશ પણ ઉમાશંકરે કર્યો છે. ગગનવિહારી મહેતાના ‘નિજરંગ’ની વાત કરતાં તેમનામાંના ‘ગુજરાતી-લેખક-જીવ’ની વાત પણ કરવામાં આવી છે. ઉમાશંકર ‘નીડર વિચારક’ ચીમનલાલ ચકુભાઈ શાહ સહૃદય ધર્મચિંતનથી સૌના દિલમાં વસ્યા હતા એમ જણાવે છે. ગુજરાતના નિષ્ઠાવાન મેધાવી ઘડવૈયા બી. કે. મજમુદારના વીર જીવનનો તો ‘વીર માનવતાવાદી’ ચંદ્રકાન્ત દરૂના તેજસ્વી જીવનનો ખ્યાલ પણ તેઓ આપે છે. તેઓ આત્મારામ ભટ્ટનાં ત્યાગ-તપસ્યાની પણ યોગ્ય નોંધ લે છે. તેઓ ‘સમજના અને સમજાવટના માણસ’ વજુભાઈના અખૂટ જીવનરસનો ઉલ્લેખ કરે છે. ઉમાશંકર નરસિંહરાવના સાન્નિધ્યની વાત કરતાં પોતાના તત્કાલીન જીવનગાળાની પણ કેટલીક ઉપયોગી વિગતો આપે છે. (પૃ. ૧૭૬–૧૯૦) ‘ગુજરાતી સાહિત્યક્ષેત્રના સાવધ રખેવાળ વિદ્વાન’ નરસિંહરાવની વ્યક્તિમત્તાની ઊંડાઈ ને વિદ્વત્તાની ઊંચાઈનો સરસ ખ્યાલ આપતું ચિત્રાંકન તેમણે અહીં આપ્યું છે. ડૉ. સુનીતિકુમાર ચેટરજીનો ઉમાશંકરે ‘સમન્વયદર્શી ભારતીય વિદ્યાપરંપરાનું દેશવિદેશમાં રૂડું પ્રતિનિધિત્વ કરનાર સારસ્વત’ તરીકે કરાવેલો પરિચય હૃદયંગમ છે. એ જ રીતે વડલા જેવા સારસ્વત ‘રસિકલાલ છોટાલાલ પરીખની અક્ષરસેવાનો ખ્યાલ આપી, એમની વિદાયે ‘એક મોભી પુરુષ’ની ખોટ પડ્યાનું તેઓ જણાવે છે. સાહિત્ય અકાદમીની સ્તંભરૂપ વ્યક્તિઓમાંના એક હજારીપ્રસાદ દ્વિવેદીનો ૭૩મા વરસે દેહાંત થયાની નોંધ લેતાં તેમની સાહિત્યસેવાની વિશેષતાઓ તેઓ ચીંધી બતાવે છે. ઉમાશંકર દુલા ભાયા કાગના ઊજળા ને મર્મીલા વ્યક્તિત્વને થોડી આછી શબ્દ-રેખાઓમાં પણ સબળ રીતે ઉપસાવી આપે છે – ખાસ કરીને ‘પ્રાર્થના પહોંચે છે’ જેવા નિર્દેશથી. દેશવિદેશમાં ભારતીય નૃત્યકલાને સુગ્રાહ્ય બનાવનાર મહાન નૃત્યકાર ઉદયશંકરની ચિરવિદાયની નોંધ ઉમાશંકર લે છે. પ્રાણતત્ત્વથી ઊભરાતા પોતાના આત્મીય જન એવા કિશનસિંહના આત્મવિકાસનું ચલચિત્રાત્મક રીતે નિરૂપણ કરતાં તેમની એક વિશિષ્ટરંગી ગદ્યકાર તરીકે –સંસ્કારપુરુષ તરીકે ઓળખ કરાવે છે. લેખકમિલનનો જન્મ તેમના ઘરે વડોદરામાં થયાનું ઉમાશંકર દર્શાવે છે. (પૃ. ૨૧૦) ‘પૂનમ ભણી ડગ ભરનારા એક વીરલા’ (પૃ. ૨૨૦) એવા કિશનસિંહને ઉમાશંકર અહીં ભાવાર્દ્ર, શબ્દાંજલિ સમર્પે છે. મહાકવિ જી. શંકર કુરુપ (‘જી’)ના અવસાનની નોંધ લેતાં તેમનાં પત્ની સુભદ્રા કુરુપે પોતાની ‘ગાંધીકથા’નો મલયાળમમાં અનુવાદ કર્યાનો નિર્દેશ પણ ઉમાશંકર આપે છે. (પૃ. ૨૨૧) તેઓ સદ્ગત મનસુખલાલ ઝવેરીની કાવ્યસાધના ‘નિજરંગી’ હોવાનું જણાવે છે. ઉમાશંકર તેમની ઉત્કટપણે હાથ દબાવવાની ટેવ નોંધવાનુંયે ચૂકતા નથી ! (પૃ. ૨૨૪) ઉમાશંકરે બચુભાઈનો ‘વીગતના, અમલીકરણના માણસ’ તરીકે પરિચય આપતાં બચુભાઈનું ‘કુમાર’ સાથે સમીકરણ થયાનું નોંધ્યું છે. (પૃ. ૨૨૮) તેઓ લખે છે : ‘રવિભાઈ એટલે સંસ્કારની હવા, બચુભાઈ એટલે સંસ્થા.’ (પૃ. ૨૨૮) બચુભાઈમાં ડિઝાઇનની અદ્ભુત સૂઝ હોવાનું તેઓ જણાવે છે. (પૃ. ૨૨૮) વ્યવસ્થા અને શિસ્તનો અંગ્રેજમાં જોવા મળતો ગુણ બચુભાઈમાં હોવાનું યોગ્ય રીતે જ તેઓ ચીંધે છે. (પૃ. ૨૨૯) વળી બુધકાવ્યસભાના આદ્યસ્થાપકોમાં બચુભાઈની સાથે સુન્દરમ્‌, રામપ્રસાદ શુક્લ અને પોતે હોવાની ઐતિહાસિક વિગત પણ તેઓ અહીં આપે છે. (પૃ. ૨૩૦) તેઓ બચુભાઈને ‘એક તપસ્વી કર્મઠ બ્રાહ્મણ’ તરીકે વર્ણવી તેમની સંસ્કારસેવાનું સમુચિત ગૌરવ કરે છે. (પૃ. ૨૩૧) તેમણે કુશાગ્ર બુદ્ધિવાળા ને સ્વભાવે ફક્કડ કવિ બોરકર તેમજ સમાજભેરુ ઈશ્વર પેટલીકરની અવસાનનોંધો અહીં આપી છે. તેમણે પેટલીકરને વિશાળ અર્થમાં ગુજરાતના એક શિક્ષક તરીકે વર્ણવ્યા છે. (પૃ. ૨૩૫) ‘હાડે સુધારક’ એવા પીતાંબર પટેલનાં વ્યક્તિત્વ ને સેવાનો ટૂંકી અવસાનનોંધમાંયે મુદ્દાસર પરિચય રજૂ કર્યો છે. આચાર્ય સંતપ્રસાદ ભટ્ટ (એસ. આર.)ની ‘ભરી ભરી હસ્તી’નો તેમની એકલરંગી-તા સાથે ઉમાશંકર ચિતાર આપે છે. એસ. આર. કેવા ‘વાતડાહ્યા’ હતા, કેવા નગદ વસ્તુ તરફ જવા મથનારા હતા તે પણ ઉમાશંકર બરોબર બતાવે છે. પ્રો. વસન્ત જોશીનો, પોતાની આસપાસ સાહિત્ય અને સંસ્કારનું એક પ્રોત્સાહક સુગંધમય સમૃદ્ધ વાયુમંડલ રચી રહેનારા સારસ્વતોમાં ઉમાશંકર સમાવેશ કરે છે. (પૃ. ૨૪૭) તેઓ ‘પ્રથમ પંક્તિના વિદ્વાન’ ભૃગુરાયને ‘તથ્યૈકદૃષ્ટિવાળા’ અને ‘સત્યાનુરાગી વિદ્વાન’ પણ કહે છે. (પૃ. ૨૪૯) કૅન્સરથી અકાળે મૃત્યુ પામનાર અનિરુદ્ધના આત્માને ઉમાશંકર ‘મૃદુ વીર આત્મા’ તરીકે વર્ણવે છે. (પૃ. ૨૫૨) ઉમાશંકરે કાવ્ય-ધર્મમાં રસ દાખવનાર પોતાના આત્મીય જન ચંપકલાલ વ્યાસનોય અહીં સમાવેશ કર્યો છે. તેમણે ‘મૈત્રીના, પ્રેમના માણસ’ તરીકે વાડીલાલ ડગલીનો આપેલો પરિચય ઉષ્માસભર ને આર્દ્ર છે. તેમણે વાડીલાલનું જે તટસ્થભાવે મૂલ્યાંકન કર્યું છે તે પણ ધ્યાનાર્હ છે. (પૃ. ૨૬૬–૨૬૭) આ ચિત્ર ઉમાશંકરની વ્યક્તિચિત્રણ કલાના એક ઉત્તમ નમૂનારૂપ છે. ‘સ્નેહનું રશ્મિ’માં ગણેશ જેવી ઝીણાભાઈની દેહયષ્ટિથી માંડી એમની સમુદાર સંસ્કારવાત્સલ વ્યક્તિતાનો આકર્ષક ચિત્રાલેખ છે એમાં ઊપસતું ઉમાશંકરના ઝીણાભાઈ સાથેના પારિવારિક સંબંધનું ચિત્ર પણ હૃદયંગમ છે. ‘મહાજગત-‘જન’ ‘વિશ્વવિભૂતિ’ જિદ્દુ કૃષ્ણમૂર્તિની ચૈતસિક શુદ્ધતા ને સંપ્રજ્ઞતાની વાત પકડીને ઉમાશંકર તેમની અધ્યાત્મસેવાને સમુચિત શ્રદ્ધાંજલિ બક્ષે છે. ઉમાશંકરે એમની મા નર્મદા – નવલનું જે વ્યક્તિચિત્ર આપ્યું છે તેમાં તેમની ચરિત્રચિત્રણની શક્તિનો સ-રસ આવિષ્કાર થયેલો જોઈ શકાય છે. બાની કુટુંબ માટેની મૂંગી સમર્પણભાવનાનો લેખકે તાદૃશ ચિતાર આપેલો છે. એમાં લેખકના સમભાવ અને તાટસ્થ્યનો પણ પ્રભાવ જોઈ શકાય છે. આપણી ગ્રામીણ કુટુંબવ્યવસ્થાની પશ્ચાદ્ભૂ એમાં હૂબહૂ રજૂ થઈ છે. જે તે વ્યક્તિના અવસાન, સન્માન આદિ નિમિત્તે રજૂ થયેલાં આ શબ્દાંકનોમાં જેમ વિષયવસ્તુની તેમ તે રજૂ કરવાની લેખકની શબ્દશક્તિની સહાય ઘણી મૂલ્યવાન સાબિત થઈ છે. લેખકની દૃષ્ટિ જે તે વિષયવસ્તુને કઈ રીતે રજૂ કરવું તેની ઊંડી સૂઝ-સમજ દાખવે છે તો તેની રજૂઆત પ્રભાવક બને એમાં ગદ્ય-શૈલીની એમની જાદુગરી પણ પૂરી કામયાબી દાખવે છે. ઉમાશંકરની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, સંવેદનશક્તિ, પ્રસંગ-પરિસ્થિતિ આદિનું ઔચિત્યસ્થાન, એમનો કલાવિવેક ને એમની ભાષાસૂઝ – આ સર્વનો લાભ એમના વર્ણનાત્મક ગદ્યને કેવો મળ્યો છે તે નીચેનાં કેટલાંક ઉદાહરણોમાંથી સ્પષ્ટ થશે :

બૅંકના ઍસિસ્ટન્ટ મૅનેજર મુરલીભાઈ જેટલા જ, કદાચ વધુ ઊંચા. સહેજ લંબગોળ મોં. ચહેરા પર રતાશ. એકબે દાંત પર સોનેરી રેખ. આંખો એ જ જાપાની, આડો ચીરો મૂક્યો હોય એવી, કુતૂહલભરી, જરીક હસતી, પણ પૂર્ણ વ્યવહારુ. (ઇસામુ., પૃ. ૨)

– અહીં રસજ્ઞો ક્રિયાપદ વગરનાં વાક્યો, વાક્યાવલિનો વિલક્ષણ લયઢાળો, અલંકારની તાજગી વગેરે નોંધશે જ.

અમે દેવળ તરફ ગયાં. કબ્રસ્તાન નાનુંશું. ખંડકાવ્ય જેવડું પણ નહીં, સૉનેટ સરખું. ઑડનની કબર સાદી, પુષ્પ છોડોથી થોડીક આચ્છાદિત. આઠ વાગ્યા હતા. વાદળ પાછળ સૂર્યે દેખા દીધી. એ કિરણોમાં અંગ્રેજી કવિતાની ખુશાલી ચમકી રહી હતી. (ઇસામુ૰, પૃ. ૨૯)
ટૂંકામાં એના જીવનનું સરવૈયું જોઈએ તો જણાય છે કે મરતી વખતે તે વિશ્વવિખ્યાત એવા વીસ ગ્રંથો જ માત્ર નહિ, પણ ચાર ગ્રામશાળાઓ, એક ધોરી રસ્તો, એક શહેર માટેનું પુસ્તકાલય, પિટર પહેલાની પ્રતિમા, દેવોનું ઘંટાલય, ઉજ્જડ જમીન પર પોતે ઉગાડેલું એક જંગલ, અને બે અદ્ભુત બગીચા પોતાની પાછળ મૂકતો ગયો હતો. (ઇસામુ૰, પૃ. ૩૫–૩૬)

– આવું જીવન-સરવૈયું, આ રીતે તો ઉમાશંકર જ આપી શકે !

પારણાં સમયની પ્રાર્થના કદી નહીં ભુલાય. ગાંધીજીની આંખો ! ગાંધીજી નરી આંખો હતા. આંખો નર્યો પ્રેમ હતી. પ્રેમ નર્યો પ્રભુ હતો. (ઇસામુ૰, પૃ. ૫૯)

– કવિની દૃષ્ટિ ને વાણી જ આવું વર્ણન આપી શકે !

ભાષાનો એમને સ્વાદ હતો. હિન્દી પણ સુંદર લખતા. માણસોથી વીંટળાયેલા ન હોય ત્યારે ચોપડીઓ તો એમની આસપાસ હતી જ. કોઈ વિષય અવિષય નહીં. એક વાત પકડે એટલે એનો તાક લે. સ્મૃતિ બહુ કહ્યાગરી. વાંચેલું સંઘરાયું હોય એટલું જ નહીં, જરૂરી ક્ષણે જરૂર હાજર થાય. એક વાર મેં હસતાં હસતાં કહ્યું, ‘કાકાસાહેબ, તમે ગમે તેવા નિષ્ણાતને પ્રશ્નો પૂછી એના વિષયની જાણકારી એની પાસેથી જ મેળવતા જઈ કોઈ એણે ન કલ્પ્યો હોય એવો પ્રશ્ન ઉઠાવી ખુદ એને હંફાવો છો !’ હંફાવવાનો સવાલ ન હોય, મહતી જિજ્ઞાસા લૂંટ ચલાવે એને માઝા ન રહે. (ઇસામુ૰, પૃ. ૬૬–૬૭)
કૃપાલાનીજી સ્વયં ખુશહાલ, કહો કે હસીખુશીનો ફુવારો. સુચેતાજીની સંગતમાં તો એની ઉપર વળી શગ ચઢે. (ઇસામુ૰, પૃ. ૮૯–૯૦)
રવિશંકર મહારાજની કરુણા સમાજછેવાડાનાં દુ:ખ-અપમાનથી તપેલાં-તપાવેલાં માનવીઓ ઉપર વરસી. એ દવલાં ભાંડુઓએ હાશકારો અનુભવ્યો. જુગજુગની – જનમજનમની સંચિત મહેક એમના જીવનમાંથી ફોરી રહી.
મહારાજની માણસાઈમાં કાંઈક એવું હતું કે સામાની માણસાઈ બહાર આવે જ આવે. ગમે તેવો રીઢો અપરાધી હોય, મહારાજ સાથે પનારું પડે એટલે એને કાંઈક બદલાયે છૂટકો. આ કીમિયો કર્યો મહારાજની ઊંડી વૈરાગ્યબુદ્ધિએ, તપસ્યાએ, નિર્ભયતાએ. (ઇસામુ૰ પૃ. ૧૨૨)
વ્યવહારની શક્તિ હતી. જૂના મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્યપદે રહ્યા. સમાજવાદી પ્રવૃત્તિઓથી સંકળાયેલા રહ્યા. વક્તૃત્વથી સમાજજીવન ઉપર છાઈ ગયા હતા, પણ એકંદરે એ ચળવળના માણસ ન હતા, હિલચાલના માણસ ન હતા; એ જાહેરજીવનના, એ અર્થમાં, માણસ ન હતા. એ અંદર જનાર માણસ હતા અને એને ખોલવા માટે બધાની પાસે ચાવીઓ ન હતી. મને તો ઘણી વાર એમ લાગતું કે એસ. આર. જેવી ભરી ભરી વ્યક્તિનો લાભ લેવાની આપણી પૂરી શક્તિ છે ? (ઇસામુ૰ પૃ. ૨૪૨)
દાદર ચઢીએ ને બેસવાનો ઓરડો. બારી આગળ ખુરશી, મહેમાન આવે ત્યાં બેસે. પાછળ લીમડાની લીલી ડાળીઓ. એ ખુરશી પર બેઠેલા યુવક ડગલીને જોઉં છું. તદ્દન સફેદ પાટલૂન – હાફ શર્ટમાં. અંદરની બૂરાઈઓ સામે પૂરા રોષવાળા જુવાન (‘ઍન્ગ્રી યંગ મૅન’), પણ બુદ્ધિઆજી આંખોમાં કોઈ આતંક નહીં. વિચારક મુદ્રા. જરાક પહોળાં જડબાં સૂચવે કે પાયાની વાત કદી આ માણસ પડતી મૂકે નહીં. આખો માણસ છતો થઈ જાય હસે ત્યારે. આગલા દાંત વચ્ચેની જગા એમના હાસ્યની નિખાલસતાને ઓપ આપે. આ માણસ વઢતો હોય ને તોપણ (બલકે તેથી) તમને એની ઉપર વહાલ ઊપજે. (ઇસામુ૰, પૃ. ૨૫૫)
બા માણસભૂખ્યાં, વાતડાહ્યાં, સમાજની – દુનિયાની વાતોમાં ભારે કૌતુક ધરાવે. કોઈને ન્યાય કરવા ન બેસી જાય, પણ સમજવા કરે બધું જ. શિખામણ આપવા ન બેસે, પણ પ્રેમથી સામા માણસનું સાંભળે. ઘણાંનો વાતનો વિસામો બની રહ્યાં. પડોશનાં કંકુ કાકીએ બાની ક્લબનાં ઉપપ્રમુખ જેવાં, અમારા ભાણેજ ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષક (પછી નિવૃત્ત) અનુભવી હેતાળ પ્રહ્લાદભાઈ મંત્રી જેવા. એમને બાનું વ્યસન. એક વાર એ બા પાસે આવ્યા અને હસી પડ્યા. નવલબા, ઘેરથી હીંડવા માંડ્યો. અહીં આવ્યો ત્યારે થયું, અરે કાંઈ કામ નથી ને કેમ આવ્યો છું ! (ઇસામુ૰, પૃ. ૩૦૨–૩૦૩)

ઉમાશંકરના વ્યક્તિચિત્રણના આલેખનમાં પ્રગટ થતી સર્જકતા કેવી ઊંચી પ્રતિની છે તેનો અંદાજ ઉપર્યુક્ત થોડાં ઉદાહરણોમાંથી આવ્યો હશે. તેમની સર્જકતા શબ્દ, શબ્દગુચ્છ, વાક્ય આદિના વિનિયોગમાં પણ સુપેરે પ્રગટ થતી હોય છે. અહીં એમની વાક્કળાના કેટલાક વધુ નમૂનાઓ રજૂ કરવાનો ખ્યાલ છે. એમાં સર્જકતાનો સંવેદન-સ્પર્શ કઈ રીતે થઈ શક્યો છે તે રસજ્ઞો સહેલાઈથી પામી શકશે :

એક પછી એક ગઢ જિતાતા આવાતા હતા. (ઇસામુ૰, પૃ. ૩)
મને યાદ છે કે ૧૯૩૧–૩૩માં વાસરીમાં એક વાત વારંવાર તીવ્રતાપૂર્વક આવતી કે શિયાળામાં ઠંડા પાણીથી નાહતાં પહેલો લોટો શરીર પર રેડતાં ખમચાટ થાય છે તેવું આ સંસ્થાસંન્યાસ અંગે પોતાને થયાં કરે છે. (ઇસામુ૰, પૃ. ૭૧)
પણ મહાદેવભાઈ દેસાઈ જેવાની મૂર્તિ જુએ તેને પ્રતીતિ થઈ જાય કે ગાંધીજી એક એવો અગ્નિ છે જેની મંગલ જ્વાળાઓ વચ્ચે પ્રફુલ્લદલ કમળ ખીલી શકે છે. (ઇસામુ૰, પૃ. ૭૯)
સદીના આરંભમાં ગાંધીજીની વાંસળી વાગી અને દેશમાં ખૂણેખૂણેથી જેને ભારત માટે તાલાવેલી હતી તે ખેંચાઈ આવીને એમની સાથે જોડાયા. (ઇસામુ૰, પૃ. ૯૫)
વિનોબા એક એવી વિભૂતિ છે કે ઉત્તમ ભારતજનોની હિમાદ્રિ-સદૃશ ઉન્નત શૃંગમાલામાં એક શૃંગની પેઠે એ ઝળહળ્યાં કરશે.(ઇસામુ૰, પૃ. ૧૦૩)
જુગતરામભાઈએ જે કામો કર્યાં છે તે પા પા પગલી જેવાં છે, પણ તે વિરાટની પગલી છે. એ ધરુ છે. આવું થઈ શકે છે, એવી તે આપણને હૈયાધારણ આપે છે. આપણે ધારીએ તો માણસાઈથી જીવી શકીએ છીએ. સેવકોનો વંશ લુપ્ત થવાનો નથી. આ સેવકોએ આ પંથકમાં ઝીણો ટમટમતો દીવો પ્રજ્વલિત રાખ્યો છે અને તેનો સ્થિર, સૌમ્ય, સાત્ત્વિક પ્રકાશ પાથર્યો છે. આજે આપણે જુગતરામભાઈના જન્મદિને એવી દુઆ માગીએ કે અમે વીસમી સદીવાળા કંઈક ખૂટલ નીવડ્યા હોઈએ, તો એનું વટક આ એકવીસમી સદીવાળા વાળી દે અને તેઓ પાછા બાવીસમી સદીને ખો આપે ! (ઇસામુ૰, પૃ. ૧૩૬–૧૩૭)
અમાસના પાસથી કેવળ મુક્ત તો કોણ હોય ? પણ પૂનમ ભણી દૃઢપણે ડગ ભરનારા વિરલા હોય છે. ભાઈ કિશનસિંહની અર્ચિમાર્ગની યાત્રા કલ્યાણપરિણામી હો ! (ઇસામુ૰, પૃ. ૨૨૦)
ફરી મળાશે કે કેમ એની ખાતરી ન હતી. હવે તો મહાન નદી પેરિયારના વેગમાં, નાળિયેરીનાં પાંદડાં વચ્ચે થઈ વરસતાં સૂર્યકિરણોમાં કવિની સ્મૃતિના ભણકારા જાગે એ જ. (ઇસામુ૰, પૃ. ૨૨૨)
નાનકડા આંગણામાં ઘોડો ખેલાવી બતાવે એ ખરો અસવાર. બચુભાઈને ‘કુમાર’ની દુનિયા કદી સાંકડી પડી નહીં, અને તેથી એમણે કદી ઉંકારો સરખો કર્યો નથી. પાનકોરનાકાના ઘરથી ‘કુમાર’કાર્યાલય માણેકચોક રસ્તે વાંચતાંવાંચતાં ચાલતા જતા એમને જોયા છે. (એ વખતે ભીડ આજ જેવી નહીં.) ‘કુમાર’માં ખૂણાની થોડી જગા એમની. દિવસે વીજળીદીવો કરવો પડે. પછીથી ચોક તરફ પોતાનો ખૂણો ગોઠવ્યો. ટેબલ ? ટેબલ વળી શાનું ? બચુભાઈની છપ્પન વરસની ‘કુમાર’ – કારકિર્દીમાં ટેબલની સાહ્યબી આવતી જ નથી. અનેક વસ્તુ રાખવાના ઘોડા તેના એક ખાનાને બંધ કરવાનું પાટિયું નીચે પાડો એટલે બને ટેબલ વળી. અંદર ખાનાંઓમાં અનેક ખજાના. (ઇસામુ૰, પૃ. ૨૨૮–૨૨૯)
તો, ભણવું એ જરૂરી છે એટલું જ જરૂરી ખોટું ભણેલું ભૂલવું તે પણ છે. તો, આ બધાં જે રગશિયાં ગાડાં ખેંચ્યા કરો છો અને તરત જ યાંત્રિક રીતે બધી જ વસ્તુઓ કરતા થઈ જાઓ છો, તે હવે છોડો. વસ્તુઓ છે ચેતનાની. (ઇસામુ૰, પૃ. ૨૯૩)

ગુજરાતીની અનેક લાક્ષણિક વાક્તરેહો ઉપર ટાંક્યાં તે ઉદાહરણોમાં તેમ જ અન્યત્ર પણ જોવા મળે છે; જેમ કે, ‘હું જાણું ને ?’ (પૃ. ૧), ‘કહો કે જાનૈયાસંબંધ ખીલ્યો હતો’ (પૃ. ૫), ‘કહે કે મળીએ.’ (પૃ. ૫), ‘જુવાનીને જાણે ક્યાં...ય મૂકી આવ્યાં હતાં.’ (પૃ. ૫), ‘ઢૂંકડું આવે હિરોશિમા’. (પૃ. ૧૦), ‘એ...ઈ બસ ચર્યાં કરો.’ (પૃ. ૪૭), ‘શું જાણ્યું ખખડી ગયેલ વૃદ્ધ દેહનો પણ... તે બલિદાનરૂપે ઉપયોગ કરે.’ (પૃ. ૧૭૨), ‘નિષ્ઠા, સમર્પણ કોને કહ્યાં છે ?’ (પૃ. ૨૨૮), ‘ભલી પોતાની અભ્યાસખોલી.’ (પૃ. ૨૪૫), ‘બહુ હળેભળે તો ને ?’ (પૃ. ૨૪૫) વગેરે. ઉમાશંકરનું ગદ્ય જીવંત અને રસાળ લાગે છે તેનું કારણ તેમની ગુજરાતી વાણી સાથેની પ્રગાઢ આત્મીયતા છે. એ વાણીને એમના લોહીના ધબકાર સાથે સીધો સંબંધ છે. સચોટતા ને સરસતા ઉમાશંકરના ગદ્યમાં સહજતયા સિદ્ધ થતાં આવે છે. ‘નમૂનેદાર સોબત’, ‘ઔપચારિકતાના પોપડા’, ‘વિશ્રબ્ધ આત્મીયતા’, ‘ગાંધીજીના ત્રણ લાડકા ગુરુઓ’, ‘કબ્રસ્તાન સૉનેટ સરખું’, ‘પ્રકૃતિવર્ણનો જાણે પ્રેમપત્રો’, ‘અનાસક્ત કર્મઠતા’, ‘નારંગીના ભાગ છૂટા પડી જાય એમ પાછો વિખેરાઈ ગયો’, ‘વેડછીનો વડલો’, ‘સમાજવાદીઓની તત્ત્વનિષ્ઠાનું તુલસીપત્ર’, ‘નિરંતર અનુકંપાની સરવાણી’, ‘પ્રેમની-મૈત્રીની મબલક મહેક’, ‘અમારો કોઠો જાણે મૃત્યુનો ન હોય ?’ જેવા શબ્દપ્રયોગો – ઉક્તિપ્રયોગો ઉમાશંકરની સર્જનાત્મક રીતે ભાષાને – વાણીને પ્રયોજવાની એમની ક્ષમતા–શક્તિનો પરચો આપીને રહે છે. એમનાં કેટલાંક વાક્યવિધાનો તો વિચારગૌરવે કે ભાવગૌરવે ચિત્તમાં રમમાણ રહે એવાં હોય છે; દા.ત., ‘સંગઠનનો તાર સાંધનારો પણ આ અદીઠ પ્રેમનો તંતુ છે’ (પૃ. ૧૩૫), ‘ગુજરાતી વિદ્વત્તા દેખાડાની કાયર છે’ (પૃ. ૧૯૮), ‘નાનું કે મોટું પણ શૂન્ય એટલે શૂન્ય.’ (પૃ. ૨૯૨) ‘જગતની માતાઓનાં ઋણ ચૂકવવાનો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળે.’ (પૃ. ૩૦૩) ઉમાશંકર ‘શિદાની પણ શાદી થઈ’ (પૃ. ૪), ‘હીરુભાઈ પોતાનું હીર રેડે’ (પૃ. ૧૫૦), ‘એમની મેધા એવી કામદૂઘા જેવી’ (પૃ. ૧૬૩), ‘ખુલદિલ ખેલદિલ મિત્રતા’ (પૃ. ૨૭૮), “સૌના ‘દાદા’, દાદાગીરી જરી સરખીયે નહીં.” (પૃ. ૨૮૬) જેવી, કંઈક યમકરીતિનો આસ્વાદ આપતી શબ્દલીલાયે રજૂઆતમાં દાખવે છે. આ પૂર્વે નિર્દેશ્યા છે. તેવા ‘હાડે સાધુપુરુષ’, ‘હાડે સુધારક’, ‘હાડે શિક્ષક’ જેવા તેમ જ ‘સહવાસની ખુશબો’, ‘આંતરપ્રેરણાની ખુશબો’, ‘વ્યક્તિત્વની ખુશબો’ જેવા ઉક્તિપ્રયોગોના તો તેઓ બંધાણી! ‘માણસભૂખ્યા’ના ઉલ્લેખોયે અનેક મળે ! વળી વ્યક્તિ વ્યક્તિની બોલછાના ઊંડા મર્મી (જેમ કે, રવિશંકર મહારાજની બોલછાના, પૃ. ૧૨૪; દુલા ભાયા કાગ જેવા મરમીના ઉદ્ગારના, પૃ. ૨૦૫ વગેરે) ઉમાશંકરના ચરિત્રચિત્રણના ઉત્તમ આવિષ્કારો એમના અંતરંગ મંડળની વ્યક્તિઓ વિશેનાં લખાણોમાં મળે છે. એ લખાણોમાં (જેમ કે, કાકાસાહેબ, રવિશંકર મહારાજ, જુગતરામ, નરસિંહરાવ, કિશનસિંહ, એસ. આર. ભટ્ટ, વાડીભાઈ, સ્નેહરશ્મિ ને બા જેવાંને અનુલક્ષતાં લખાણોમાં) જે તે વ્યક્તિની વ્યક્તિતાના સાક્ષાત્કાર સાથે એમની આત્મીયતાનો ચમત્કાર પણ અનુભવવા મળે છે. ભાષા આ ગદ્યસ્વામીને વશ વર્તે છે. તેઓ ગુજરાતી ભાષાની વારસાગત કહેવતો, રૂઢિપ્રયોગો, ઉક્તિલઢણો ને તળપદા શબ્દોનો તો સબળ રીતે વિનિયોગ કરી જાણે છે ને તે સાથે નવા ઉક્તિપ્રયોગો – શબ્દપ્રયોગો પણ રમતા મૂકે છે. એક બાજુ, “એમનાં લખાણો પાછળ નરહરિભાઈ પરીખ... કુસુમબહેન શાહ આદિનો ‘હાથ’ છે” (પૃ. ૫૬), ‘વિષ્ણુભાઈને મોંએ થવા... એમની પાસે ગયો’ (પૃ. ૭૪), ‘જયપ્રકાશજીએ છેલ્લાં વરસોમાં કામ કર્યું તેથી ભારતમાતાની આંતરડી ઠરી છે’ (પૃ. ૧૦૮), ‘તપસ્યા હાડમાં હતી, શ્વાસોચ્છ્વાસ જેવી’ (પૃ. ૧૨૩), ‘કવિતાનું નવાણ’ (પૃ. ૨૩૩), ‘ગળથૂથીમાં વિદ્યારસ’ (પૃ. ૨૫૦), ‘ચાંચ સારી છે’ (પૃ. ૨૯૯) જેવા તો બીજી બાજુ ‘ચૂકામૂક’, ‘ઓળવી લીધા’, ‘દોદળી’, ‘વટક’, ‘ડેરા નાખ્યા’, ‘કોઠાસૂઝ’, ‘અસાંગરો’, ‘અગલું બગલું’, ‘આઢવાનો’ જેવા તળપદા વાક્પ્રયોગો – ઉક્તિપ્રયોગો પણ મળતા રહે છે. એમના ગદ્યમાં ‘ચંદરોજ’, ‘કર્તબગારી’, ‘સંબલ’, ‘સરાહના’, ‘ચિકાટી’, ‘લવચીકપણું’ જેવા હિન્દી, મરાઠી આદિના શબ્દોયે દેખાય. વળી તેઓ ‘જાનૈયાસંબંધ’, ‘ફરજચક્ર’, ‘કવિફકીર’, ‘વેડછીવેળા’, ‘અગ્રતાક્રમદૃષ્ટિપૂર્વક’, ‘એક-વિષયનિપુણતા’, ‘અકુતોભયસંચાર’, ‘સકલશ્રી’, ‘મુખકમળઝૂમખું’, ‘તથ્યૈકદૃષ્ટિ-વાળા’ જેવી નવી સામાસિક શબ્દરચનાઓ પણ આપે છે. તેઓ ‘એકમેકમય’, ‘જીવ-ચૂસ’, ‘કાકદૂત’, ‘સ્લેટાલાપ’, ‘મનતોડ’, ‘પક્ષબુદ્ધિ’, ‘કણ્વ-મુદ્રા’, ‘ભાષાદુરસ્તી’, ‘જિપ્સિયત’, ‘વિચારદ્રવ’, ‘હૈયાવગો’ જેવા નવા શબ્દો પણ ઘડે છે. એમાંયે એમની વાક્સર્જકતાના ચમકારા જોઈ શકાય. ઉમાશંકરે પોતાની રીતે કેટલાક અંગ્રેજી શબ્દોના પર્યાયો પણ આ લખાણોમાં આપ્યા છે; દા.ત., ‘લક્ઝરી’ – ‘ઉડાઉગીરી’ (પૃ. ૧૩૫), ‘ઇન્ટેગ્રિટી’ – ‘પ્રામાણિકતા’ (પૃ. ૧૫૦), ‘કરેક્ટ’ – ‘નિર્ભૂલ’ (પૃ. ૧૫૦), ‘એટિકેટ’ – ‘વટની વૃત્તિ’ (પૃ. ૧૫૦), ‘સ્પોક્સમૅન’ – ‘મોવડી’ (પૃ. ૧૫૧), ‘બેઇઝ’ – ‘ભૂમિકા’ (પૃ. ૧૬૩), ‘કૉસ્મોપોલિટન’ – ‘વિશ્વ-નાગરિકતાસંપન્ન’ (પૃ. ૧૯૮), ‘મૅન્ટલ અવેરનેસ’ – ‘મગજતંત્ર’ (પૃ. ૧૯૮), ‘ક્રિએટિવ મેમરી’ – ‘સર્જક સ્મૃતિ’ (પૃ. ૨૧૨), ‘એસ્થિટ’ – ‘સૌન્દર્યકલારસિક’ (પૃ. ૨૩૦), ‘સિમ્ફની’ – ‘મહારાગિણી’ (પૃ. ૨૪૫), ‘ઍરિસ્ટોક્રસી’ – ‘આભિજાત્ય’ (પૃ. ૨૭૨), ‘રેઝિલિયેન્સ’ – ‘લવચીકપણું’ (પૃ. ૨૯૫) વગેરે. ઉમાશંકરની સભર સર્જકતા વિનોદવૃત્તિનો આશ્રય ન લે તો જ નવાઈ લાગે. પંડનેય હસવાની એમની ખેલદિલી રહી જ છે. પોતાને પ્રસંગોપાત્ત, ‘જ્યોત્સ્નાનો વર’ (પૃ. ૯૦) કહીનેય ઓળખાવે. ‘ઇસામુ શિદા’માં ‘આ-રામથી’નો લાક્ષણિક નિર્દેશ (પૃ. ૩), ‘મારી કળા ઉપર જ મને વિશ્વાસ બેસે છે’ – એ ઉક્તિ (પૃ. ૩) વગેરે સૂક્ષ્મ વિનોદવૃત્તિથી પ્રેરિત છે. એમની અભિવ્યક્તિગત પ્રસન્નતા ‘બેત્રણ વાર છાપા માર્યા તે.’ (પૃ. ૨૨), ‘તેમની આ કરામત’ (પૃ. ૪૭), “ ‘કાકાવાળા’ અંબાલાલનો ઠેકો હતો” (પૃ. ૪૮), ‘આ જુગતરામભાઈ અમારામાંથી ભાગી ગયેલા કવિ છે’ (પૃ. ૧૩૧), ‘આ લોભી માણસ એમ અટકી જાય એવા નથી’ (પૃ. ૧૩૩), ‘અગલુંબગલું આવતુંક મારે માથે બેઠું’ (પૃ. ૨૮૩) – જેવી ઉક્તિઓમાં મીઠો ઉજાશ સ્ફુરાવતી જોવા મળે છે. ઉમાશંકર ધારે ત્યારે વેધક કટાક્ષ પણ કરી શકે છે (જેમ કે, ઇસામુ૰, પૃ. ૬૩), પરંતુ આ સ્નેહ ને કરુણાને પ્રાધાન્ય આપતા સર્જકનું ચિત્ત કટાક્ષ કરતાં વિનોદમાં વધુ ઉલ્લસે છે. ઉમાશંકરે ‘ઇસામુ શિદા અને અન્ય’માં આમ તો ‘ઑડનકુટિર’વાળા ઑડનનુંયે ગણતરીમાં લેતાં શરૂઆતમાં જણાવ્યું છે તેમ, ૪૬ વ્યક્તિચિત્રો આપ્યાં છે; પરંતુ પ્રસ્તુત ગ્રંથમાંનાં ચેખોવ, સરદાર પટેલ, વિનોબા અને ગગનવિહારી મહેતાનાં ચિત્રાંકનો ‘હૃદયમાં પડેલી છબીઓ’ના ખંડ-૧ અને ૨માં (ખંડ ૧માં ચેખોવનું, બાકીનાં ૨માં) આવી જાય છે. ‘ઑડન-કુટીર’ને (ને તે સાથે ઑડનને પણ) ગણતરીમાં ન લઈએ તો આ ગ્રંથમાં નવાં વ્યક્તિચિત્રોની સંખ્યા ૪૧ની થાય છે. એ રીતે ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડોમાં તથા આ ગ્રંથમાંનાં વ્યક્તિ-ચિત્રોની કુલ સંખ્યા ૧૭૫ની થાય છે. ઉમાશંકરનો સત્સંગ કેવી કેવી વ્યક્તિઓ સાથે ને કેવો ચાલ્યો; એમના મનોલોકમાં કેવી કેવી પ્રતિભાઓ ને વિભૂતિઓનો સંચાર હતો, એમની માનવતાનો – એમની વિશ્વમાનવીયતાનો વ્યાપવિસ્તાર ને એમનો ચેતોવિકાસ જીવનક્ષેત્રના કયા કયા સીમાડાઓ સુધી ને કેવાં કેવાં માનવબિન્દુઓ સુધી વિસ્તરતો હતો તેની વિવેકપૂત, કલા ને કરુણાથી પ્રકાશિત એવી જીવનકર્મ ને જીવનધર્મનાં મૂલ્યોને ઉજાગર કરતી સત્ત્વરસે શબ્દાંકિત આ ચિત્રવીથિકા ઉમાશંકરના મનોલોક ને તેમજ ગુજરાતના – ભારતના ને વિશ્વના સંસ્કારનિષ્ઠ સંસ્કૃતિલોકની ઝાંખી કરવાની, એનો આહ્લાદક અવબોધ પામવાની – સમજવાની સબળ ભૂમિકા પૂરી પાડે છે અને તેથી તેનું ઉમાશંકરની અક્ષરસેવામાં – એમની શૈક્ષણિક, સાહિત્યિક ને પત્રકારત્વગત સંસ્કારસેવામાં ઘણું મહત્ત્વ છે એમ સ્વીકારવું રહ્યું. એ સત્ત્વરસે ઉમાશંકરનો શબ્દ મૂઠી ઊંચેરો લાગે છે. તેનાં મૂળિયાં ને રસકસનો અંદાજ મેળવવામાં આ ચરિત્રાત્મક સામગ્રીનું મોટું મૂલ્ય છે. નવલરામે ચરિત્રકાર માટે ગણાવેલા ચાર અંશો શોધ, સત્ય, વિવેક અને વર્ણનમાં શોધની વાત ન કરીએ તો બાકીનાં ત્રણ સમ્યગ રીતે અહીં આ શબ્દાંકનોમાં પ્રગટ થાય છે. આ શબ્દાંકનોનું સ્વરૂપ એનાં પ્રયોજનાદિને કારણે વિશિષ્ટ બન્યું છે. આપણે ત્યાં રેખાચિત્રો, કલમચિત્રો, સ્મરણચિત્રો આદિની એક પરંપરા ચાલી આવે છે. નરસિંહરાવનાં ‘સ્મરણમુકુર’નાં ચિત્રો, ન્હાનાલાલનાં ચિત્રદર્શનો, ચંદ્રશંકર પંડ્યા ને લીલાવતી મુનશી વગેરેનાં રેખાચિત્રો, યશવંત પંડ્યાનાં “કલમચિત્રો”, રમણલાલ દેસાઈનાં તેજચિત્રો, વિદ્યાબહેન નીલકંઠનાં સ્મૃતિચિત્રો ને લીલાબહેનનાં વ્યક્તિચિત્રો, કનૈયાલાલ મુનશીનાં કલ્પનામંડિત ચિત્રો ને વિજયરાયનાં ‘નીલમ અને પોખરાજ’માંનાં સંસ્મરણચિત્રો – આવું આ દિશાનું વિપુલ સાહિત્ય મળે છે.[1] છતાં આટલી સંખ્યામાં શબ્દાંકનો, સાથેલાગાં અને એક વિશિષ્ટ સ્વરૂપાકૃતિ લઈને અવતરેલાં તો અહીં જ મળે છે. એક જ વ્યક્તિને (જેમ કે મુનશી, ગગનવિહારી, સરદાર વગેરેને) જુદા જુદા તબક્કે શબ્દ-અર્ઘ્ય અર્પતાં એમાંથી કેવુંક રૂપ બની આવે છે તે એક રસનો વિષય છે. આમાં કેટલુંક પુનરાવર્તન થતું હોય છે; પણ એકંદરે તો આ વ્યક્તિના આંતરવૈભવનો સરેરાશ જે હિસાબ મંડાય છે, એનો જે ઉત્તર આવે છે, જે તાળો મેળવાતો હોય છે તે એક રસપ્રદ વસ્તુ હોય છે. મુનશીની મહાન વ્યક્તિતા એમની ષષ્ટિપૂર્તિ-વેળાની ઉમાશંકરની વાતમાં સૂચિત થઈ છે તે ઘૂંટાતી યથાવકાશ ઉપબૃંહણ પામતી છતાં એનો સમ તો સાચવીને જ રહે છે. વ્યક્તિના આંતરજગતનો અહીં એકંદરે જે સ્વસ્થ-અવિકૃત ચિતાર મળે છે તે ઉલ્લેખનીય બની રહે છે. વિશાલ ફલક પરના ચિત્રને એક લઘુક આરસીમાં ઉતારી આપવાની આ કળા છે. એ માટે આરસી સ્વચ્છ – સારી હોવા ઉપરાંત તેના યોગ્ય સમયે યોગ્ય રીતના ઉપ-યોગની જરૂરિયાત હોય છે. ઉમાશંકરે રોમેં રોલાં વિશે લખતાં જણાવ્યું છે કે : “ઉદાત્ત ચરિતને ઝીલવા માટે હૃદયમુકુર પણ ઉત્તમ જોઈએ છે.” (૧–૨૫૨) આપણે કહી શકીએ કે આ ગ્રંથોમાં ઉદાત્ત ચરિતનું દર્શન જે રીતે આપણને થાય છે તે એમના હૃદયમુકુરની ઉત્તમતાનું પ્રતિપાદન કરે છે. આ છબીઓ ઉમાશંકરની માનવીય નિષ્ઠાનું – માનવ્ય-નિષ્ઠાનું એક ઉત્કૃષ્ટ રૂપ વ્યંજિત કરે છે.  1. આની વિગતપ્રચુર સામગ્રી માટે જુઓ ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટકૃત ચરિત્રસાહિત્ય, ૧૯૬૬, પૃ. ૨૬૦–૨૬૪.