ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૩૧માં ડોકિયું
ઉમાશંકરમાં ‘હું’નું બળ છે જ ને તે કવિતામાં અનેક રીતે આવેલું છે. તેમનાથી, આપણે અગાઉ નિર્દેશ્યું તેમ, ‘હું’ને ભૂંસવાનું થઈ શકે કે કેમ એ પ્રશ્ન છે; પણ ‘હું’નો વિસ્તાર કરવાનું તો સતત તેમણે ચાહ્યું છે. તેમનો મોરચો પોતાના હું સામે છે અને આંતરવિરોધ એમાં એવો છે કે જેમ જેમ એ ‘હું’ની સામે મોરચો માંડી સંઘર્ષ ચલાવે છે તેમ તેમ ‘હું’ બળવત્તર થતો જાય છે ! અલબત્ત, એ ‘હું’ની વ્યાપકતા પણ સાથે સાથે સધાતી જણાય છે ખરી. ઉમાશંકર પોતે પણ પોતાના આ ‘હું’-ના વલણથી અનભિજ્ઞ નથી. પોતે જ પોતાના શિક્ષક છે – ‘હું છું શિક્ષક’ (વસંતવર્ષા, પૃ. ૮૭). ‘હું’ને ઘડવા માગનાર ‘હું’થી જ વાત માંડી શકે ! ઉમાશંકર કલાક્ષેત્રેય સભાન પ્રયત્નોને સ્વીકારીને ચાલે છે. કવિકર્મવ્યાપારમાં કવિની સાધનાની સોપાનમાળા ગોઠવાયેલી હોવાનું તેઓ માને છે. કવિતા એક પ્રકારની સાધનાનો – કહો કે, કલાશિક્ષણનોય વિષય છે; અલબત્ત, સો વસા કલા શીખી શકાય એમ માનવું તેમને માટેય મુશ્કેલ તો છે જ. ઉમાશંકરને એમના જમાનાએ ઘડ્યા છે. એમ એ પોતે પોતાનેય ઘડતા ગયા છે. સ્વમાનનો ખ્યાલ તીવ્ર, ઊંચો, પરાભવ સામે લાચાર થઈ બેસી પડવાનું વેઠી ન શકે. પોતાની ‘તળપદી બુલંદ હસ્તી’ની એક મજબૂત અભિજ્ઞાય ખરી ને તેથી તેઓ જે કંઈ જોતા-સાંભળતા-અનુભવતા ગયા તેમાંથી એ પોતાનો ઘાટ પણ ઉતારતા ગયા. એમની આજુબાજુ એવું તો વાતાવરણ હતું, એવા તો માણસો હતા, એવો ઊંચી ઊંચી આકાંક્ષાઓ ને ભાવનાઓનો આત્મચેતનાને ધક્કો લાગ્યા કરતો હતો કે વર્ષોનું ઘડતર મહિનાઓમાં થઈ શકે એવી પરિસ્થિતિમાં આપોઆપ મુકાવાનું – જીવવાનું સદ્ભાગ્ય તેમને મળી ગયું. ઉમાશંકરનું પહાડો વચ્ચે ઊછરવું એ જો મહત્ત્વની ઘટના છે, તો એમનું વિદ્યાપીઠમાં કેટલાક પહાડ જેવા મનુષ્યો વચ્ચે વિદ્યાર્થી તરીકે હરવું-ફરવું-રહેવું એ પણ એક મહત્ત્વની ઘટના છે. સૂર્ય સમા ગાંધીજી અને એમના નક્ષત્રમંડળની સીધી નજર નીચે વિદ્યાપીઠમાં રાષ્ટ્રીયતાની, કહો કે વિશ્વમાનવીયતાની કેળવણી મળતી હતી. એ કેળવણી વર્ગમાં મળતી હતી તેથી વધુ તો મહાજનોના સંસર્ગમાં મળતી હતી. એ કેળવણીનો આધાર બે-પાંચ નિયત કરેલાં પાઠ્યપુસ્તકો નહોતાં, એનો આધાર હતો રાષ્ટ્રીયસેવાનો અનુભવ, રાષ્ટ્રીય કાર્યક્રમો. ઉમાશંકરે આ કેળવણીનો સારો લાભ લીધો જણાય છે. તેમણે પોતે જ મેઘાણી પરના ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૮ના પત્રમાં લખ્યું છે તે પણ તેમની કેળવણીકથા-ઘડતરકથાની સ્પષ્ટ તરેહ નિરૂપે છે. તેઓ ‘એકશ્લોકી રામાયણ ઢબે આત્મકથા’ આપતાં લખે છે :
- “મારા ટૂંકા જીવનનો ઇતિહાસ ટૂંકાણમાં એ છે કે જેમ જેમ જવાબદારી વધતી ચાલી તેમ તેમ તે ઉઠાવવાની શક્તિ મળી રહે છે. મૅટ્રિક વખતે દયાજનક જંતુ, લાહોર મહાસભાના ઠરાવ માટે લાયક થવા સવારસાંજ કસરત શરૂ કરી ત્યારે એ નિષ્પ્રાણ પ્રાણી, પણ વિરમગામ જોડાયો એટલે અલમસ્ત, યરોડા ઘંટીએ લાગ્યો ત્યારે ૫૬ રતલ સૌથી પહેલાં ફગાવી દેનાર ટોળીનો એક, આમ ચઢતી ભાંજણીએ લેખું ચાલેલું...”[1]
વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણીનો મર્મ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય જવાબદારીનાં કાર્યોમાં પલોટવામાં રહેલો ને ઉમાશંકર એમાં સારા પલોટાયા પણ. ઉમાશંકરે વિદ્યાપીઠના એમના ઘડતરકાળ દરમિયાનની ૧૬–૭–૧૯૩૧ના ગુરુવારથી ૮–૧૧–૧૯૩૧ના દિવસ સુધીની વાસરી રાખેલી. આ વાસરી એમના જીવનમાં તો ખરું જ પણ તત્કાલીન વિદ્યાપીઠજીવનમાં પણ ડોકિયું કરવાની તક આપે છે. એમણે આ વાસરીનું “’૩૧માં ડોકિયું” – એ જે શીર્ષક આપ્યું છે તે પણ અર્થસૂચક છે. છેવટે તો વ્યક્તિને આગળ કરીને એનો દેશકાળ જ બોલતો હોય છે. એ દેશકાળનો અવાજ કેવો ઝિલાયો છે તેની પણ ઝાંખી આ વાસરી વાંચતાં થાય છે. ઉમાશંકરે આ વાસરીમાં પોતાના રોજના જીવનનો – પોતાના દૈનિક સમયનો દરેક દૈનિક નોંધને અંતે હિસાબ આપ્યો છે તે પણ જોવા જેવો છે. એ હિસાબ યથાવત્ પ્રકાશિત વાસરીમાં પ્રગટ કરવાનું લેખકે અનિવાર્ય માન્યું જણાતું નથી. અંગત જીવનને સમષ્ટિગત ભૂમિકાએ, રાષ્ટ્રીય ભૂમિકાએ તૈયાર કરવાનો ઉપક્રમ એમાં જોઈ શકાય. કાકાસાહેબનું સાંનિધ્ય અને એમને માટેનું કામ એમના ઘડતરમાં ઉપયોગી થતું જણાય છે. કાકાસાહેબ, ધર્માનંદ કોસાંબી, નરહરિભાઈ, રા. વિ. પાઠક, ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, ચંદ્રશંકર, જવાહરલાલ નેહરુ, પ્રો. ટક્કર વગેરે સાથેની ચર્ચાવિચારણાઓ, એમનાં વ્યાખ્યાનો – અભિપ્રાયો આદિથી દેશ-વિદેશનાં અને જીવનનાં વિવિધ ક્ષેત્રોને લગતા પ્રશ્નોની સારી જાણકારી ઉમાશંકર મેળવતા જણાય છે. અહિંસા ને આંતરરાષ્ટ્રીય શાંતિ, રશિયન ક્રાંતિ, ભારતનો આર્થિક વિકાસ અને યંત્રીકરણ, સંસ્કાર ને સંસ્કૃતિનો સંબંધ ને આવા તો અનેક પ્રશ્નો વિશે બૌદ્ધિક ભૂમિકાએ ઠીક ઠીક છણાવટ થાય છે. ઉમાશંકરની દિનકરભાઈ, રામભાઈ, અંબાલાલ આદિ મિત્રો સાથેની ચર્ચાનાય કેટલાક ધ્યાનાર્હ નિર્દેશો અહીં છે. એમનું વાચન પણ કેવું વૈવિધ્યપૂર્ણ છે, એમનું કાવ્યલેખન ને જીવનચિંતન કેમ ચાલે છે તેનીયે ઝાંખી અહીં થાય છે. આ વાસરીમાં ઉમાશંકરના ચિંતન-મનન-મંથનના અલબત્ત, થોડાક પણ ઉલ્લેખનીય ખંડકો છે. ઉમાશંકર વિદ્યાપીઠમાં વીરમગામ છાવણીનો બહુમૂલ્ય અનુભવ લઈને આવેલા ને તેથી એમની આંતરિક વિકાસ-સજ્જતાય નોંધપાત્ર કક્ષાએ પહોંચેલી જણાય છે. આમ તો ઉમાશંકરે ૮–૧૦–૧૯૩૧ની વાસરી-નોંધમાં જણાવ્યું છે તે પ્રમાણે ૮–૧૦–૧૯૩૦થી વાસરી લખવાની શરૂઆત કરેલી, (સચવાયું નથી. – ઉમાશંકર) પણ વીરમગામ છોડીને ગામડે ગયા ને તે બંધ થઈ ગઈ. એ પછી પાછી આરંભેલી વાસરીનાં પાનાં અહીં “’૩૧માં ડોકિયું” ગ્રંથમાં મળે છે. ૧૯૩૧ની સાલ ઉમાશંકરના જીવનની ખૂબ અગત્યની સાલ છે. એમની કવિ-પ્રતિષ્ઠાની એ સાલ છે. ૧૯૩૧ તે એમનો ‘વિશ્વશાંતિ’-કાળ. આ વાસરી ‘વિશ્વશાંતિ’ની રચનાપ્રકાશનવૃત્તિ પર પણ પ્રકાશ પાડે છે. વળી આ સમયમાં કવિની કાવ્યસાધના સાથે આત્મસાધનાનેય ચાલે છે. આમેય કવિ માટે તો કાવ્યસાધનાને આત્મસાધનાથી પૃથક કરવી કે જોવી અશક્ય છે. ઉમાશંકરે તો હરિશ્ચંદ્ર ભટ્ટ પરના એક અપ્રકટ પત્રમાં ‘કવિતાનું સંવનન તે પર્યાયે મારે મન આત્માનું પણ છે.’ (૯–૧–૧૯૪૨) – એમ જણાવ્યું જ છે. તેમણે આ વાસરીમાં એમની લેખન-વાચનની પ્રવૃત્તિનો, રાષ્ટ્રીય પ્રવૃત્તિનો કંઈક ખ્યાલ આપ્યો છે. વાસરી નિરાંતે, કલાત્મક ધોરણે લખાયેલી નથી, કંઈક ઉભડક રીતે લખાયેલી જણાય. છતાં એમાં કેટલાંક પૃષ્ઠો ઉમાશંકરના વ્યક્તિત્વ – કવિત્વને સમજવામાં ઉપયોગી છે તેમાં શંકા નથી. ઉમાશંકરનો આ સમય દરમિયાનનો વાચનયોગ કેવો હશે તેનો ખ્યાલ ૨૮–૭–૧૯૩૧ની એમની નોંધ પરથી મેળવી શકાય એમ છે. તેઓ લખે છે :
- “વાંચીએ છીએ તેનો નવદશાંશ ન વાંચીએ તો ચાલે. જીવનને અડે તેટલું જ વાંચવું. પસંદ કરેલી, મહાપુરુષોએ લખેલી, જીવનને સીધી રીતે લાગુ પડતી ચોપડીઓ વાંચવામાં વખતનો વ્યય કરીએ તો જ સાર્થ છે. વાંચીએ તે ઉપલકિયા દૃષ્ટિથી નહિ જ. એ તો પચાવવાનું કે રગેરગમાં પહોંચાડી દેવાનું.” (પૃ. ૪૪)
ઉમાશંકરનું વાચન કેવું વિવેકપ્રેરિત (‘સિલેક્ટિવ’) છે તેનો અંદાજ આ વાસરીમાંના પુસ્તકનિર્દેશો પરથી મેળવી શકાય. ‘રિલિજયન ઑફ મૅન’, ‘ઑન ધ આર્ટ ઑફ રીડિંગ’, ‘ટુ ધ નૅશન્સ’, ‘ફાઉસ્ટ’નો પ્રોલોગ, ‘એડ્યુકેશન ફૉર લાઇફ’, ‘એબૉવ ધ બેટલ’, ‘આઉટ-લાઇન ઑફ વર્લ્ડ હિસ્ટ્રી’, ‘અહિંસા ઍન્ડ વર્લ્ડપીસ’, ‘ગીતાંજલિ’, ‘અનાસક્તિયોગ’, ‘પોએમ્સ ઑફ ટુડે’, ‘અહિંસક પ્રતિકાર’, ‘મહાભારત’, ‘આખરી ફેંસલો’, ‘રઘુવંશ’, ‘ભગવદ્ગીતા’, ‘ધ લિવિંગ પાસ્ટ’ વગેરેનું શ્રવણ-વાચન-ચિંતન તેઓ કરે છે. ‘સુદામાચરિત’, ‘પૂર્વાલાપ’, ‘કાવ્યસમુચ્ચય’ આદિયે તેઓ વાંચે છે. સૂરદાસનાં પદો ને ટાગોરની કવિતા-વાર્તાઓનો અભ્યાસ પણ તેઓ કરે છે. ૧૩–૧૦–૧૯૩૧ની નોંધમાં ‘બંગાળી ઠીક વંચાય છે’ એવી નોંધ પણ છે. તેઓ પ્રસંગોપાત્ત, ઇતિહાસ, ખગોળાદિનાં પુસ્તકો પણ જુએ – વાંચે છે. હેગલની ડાયલેક્ટિક મેથડ, માર્ક્સનું ‘મટીરિયલિસ્ટિક ઇન્ટરપ્રિટેશન ઑફ હિસ્ટરી’ વગેરે પણ સમજે છે. આમ તેમની જ્ઞાનસાધના જીવનસાધના સાથે બરોબર મેળમાં ચાલે છે. ઉમાશંકર આ વાસરીમાં પોતાની અંતર્મુખતાય પ્રકટ કરે છે. આમેય ૯–૬–૧૯૪૧ના હરિશ્ચંદ્ર ભટ્ટ પરના (અપ્રકટ) પત્રમાં તેઓ નોંધે છે : “હું પણ પૂરો અંતર્મુખ છું. અને બહિર્મુખતા છે તે પણ સમૃદ્ધ આત્માઓના સંપર્કથી પ્રમાદને કારણે વંચિત ન રહી જવાય તે ડરથી જ.” તેમની આ અંતર્મુખ મનોવૃત્તિ જ જાત પર કટાક્ષ કરવા તેમને પ્રેરે છે : “ભૂલોનું શાસ્ત્ર લખું એવો હોશિયાર છું.” (પૃ. ૪૪) આ અંતર્મુખતા જ બાપુને વિદાય દીધા પછી આ શબ્દો તેમની પાસે લખાવે છે :
- “રાતે બાપુજીને વિદાય આપી. એ તો હસતા હસતા ગયા, જેવા આવ્યા હતા. પણ એ આવ્યા હતા ત્યારે હતા એવા ને એવા આપણે રહ્યા ?” (પૃ. ૬૪)
ઉમાશંકરનો બાપુજી માટેનો ઊંડો ભાવ ૬–૮–૧૯૩૧ની વાસરીનોંધમાં ઉત્કટતાથી પ્રગટ થયો છે. તેઓ લખે છે :
- “બે વરસ પહેલાં હું મીઠાખળીમાં રહેતો હતો ત્યારે આશ્રમ સુધી અંધારું થયા પછી સાથીઓની સોબતમાં ફરવા જતો. મસ્જિદની પેલી પારને રસ્તે ચાલતાં મને ઘણી વાર અત્યંત આનંદ આનંદ થઈ જતો. ‘આ જ રસ્તે બાપુ ચાલ્યા હશે !…. (આ વર્ણનખંડમાં પણ ઉમાશંકરે જે ભાગ છાપવામાંથી કાઢી નાખ્યો છે તે હોત તો ઠીક થાત. તેમના વ્યક્તિત્વનો યથાર્થ તાગ મેળવવામાં એ ખંડો યત્કિંચિત્ પણ ઉપયોગી થાત. – ચં૰) ને ઘણીયે વાર એ રસ્તે મેં ગળગળા થઈને દેશસેવાની દીક્ષા લીધી છે. ચાલતો છતાં એ રસ્તાની ધૂળ પર મનથી આળોટીને, માતાને વફાદાર રહેવાની ભાવના ત્યાં મેં બળવત્તર બનાવી છે. મને આજેય યાદ છે એ ઝાડ, જેને જોઈ હરવખત મારા મનમાં આ વિચારો આવતા, ને વૃક્ષકમાનવાળા રસ્તા પર તો તે પરાકાષ્ઠાએ પહોંચતા. આજેય મને થાય છે કે સદ્ભાવનાના શુચિ વાતાવરણમાં પ્રવેશ કરતાં માણસે કેટલું પાવિત્ર્ય કેળવવું જોઈએ !” (પૃ. ૭૩)
ઉમાશંકર ગાંધીજીએ પ્રાર્થનાનો પ્રશ્ન છોડ્યો તે પછી એ વિષય પર આત્મવિચાર કરે છે અને ૧૮–૮–૧૯૩૧ની નોંધમાં લખે છે :
- “મારા પ્રાર્થના વિશેના ખ્યાલો વિચિત્ર રીતે વિકાસ પામતા આવ્યા છે. કુદરતની મૂંગી મૂંગી પ્રાર્થના મેં નાનપણથી સાંભળેલી ને કવિતાકલ્પનાની બેવડ પાંખ ન હોત તો આસ્તિકતાને કિનારે જઈ નાસ્તિકતાની ઊંડી ખીણમાં ડોકિયું કર્યા પછી પાછો ફર્યો તે ફરી ન શક્યો હોત. પણ ખરી શ્રદ્ધા તો લડત પછી જ જન્મી, જાગી. તેમાંયે ખાસ કરીને ભજનની ખૂબી સમજ્યા પછી. ને ત્રીજી વાત એ કે આ જિંદગી કે હવે પછીની કોઈકમાં પણ આખરે તો येन विज्ञातेन सर्वमिदं विज्ञातम् भवति – તેને જાણ્યા વિના આરો નથી એનું ભાન પણ શરીરને અને મનને બંનેને પ્રાર્થના તરફ હડસેલે છે... પણ મારી મુશ્કેલીઓ (વિચિત્રતાઓ પણ હોય) ઘણી છે.” (પૃ. ૮૬)
ઉમાશંકર પ્રાર્થના ભાવનાપ્રધાન હોઈ તે વ્યક્તિગત જ હોઈ શકે એવો વિચાર પણ રજૂ કરે છે. (પૃ. ૮૭) ઉમાશંકરનું કવિહૃદય શ્લોકો બોલતાં જો વાદળના રંગો નજરે પડે ને તેમાં પ્રાર્થના નીતરતી અનુભવી શકે તો પછી બીજી પ્રાર્થનાની તેને આવશ્યકતા ખરી ? (પૃ. ૮૭) ઉમાશંકર જણાવે છે કે “પ્રકૃતિ પોતે જાણે ભાવોદ્રેકમાં આવી જઈ પ્રાર્થના કરતી હોય ત્યારે તેમાં ભળી જઈને, તેની સાથે એકતાન થઈને પ્રાર્થના કરવાને બદલે પોતે જ કંઈ ગણગણ્યા કરવું એને મેં શરમની વાત ગણી છે !” (પૃ. ૮૭) ઉમાશંકર પોતાનો પ્રાર્થનાનો અનુભવ આલેખતાં જણાવે છે :
- “પ્રાર્થના વખતે મને મારી સંકુચિતતાનો ખ્યાલ ઘણી વાર આવે છે. પ્રકાશ મળ્યો હોય એવા પ્રસંગો સામુદાયિક કરતાં વ્યક્તિગત પ્રાર્થનામાં વધારે બન્યા છે. – સૂતાં પહેલાંની પ્રાર્થના... એ જ્યારે આવે છે ત્યારે શું થાય છે તે શી રીતે કહેવું ?”
- પ્રાર્થના કરી કરાતી નથી. ક્યાંકથી ઊતરી આવે છે, ને રોમેરોમમાં સંચરે છે. હૃદય તેને અનેક અંજલિએ ઝીલી લે છે. જીવન પ્રફુલ્લ બની રહે છે.” (પૃ. ૮૮)
૧૯–૮–૧૯૩૧ની વાસરી નોંધમાં ઉમાશંકર પ્રાર્થનાથી ટળી જતા મરણભયની વાત કરતાં કાવ્યાત્મક રીતે મૃત્યુચિંતન આપે છે :
- “કાલે રાતે સૂતાં મરણનો ડર જતો રહે તે માટે પ્રાર્થના કરી. સમાધાન તરત જ મળ્યું. જન્મ માટે મેં ચિંતા કરી હતી ? ખબર નથી. જન્મ્યો, જીવું છું, તે મારી ઇચ્છાથી ? તો પછી જેને મારા જન્મની પડી હતી તે મારા મરણને પણ સંભાળશે, જેની ઇચ્છાથી જન્મ્યો, જીવું છું, તેની જ ઇચ્છાથી મરણ આવે તો તેને જન્મ અને જીવન કરતાં કાં અકારું ગણું ?.... સૈનિકજીવનને મરણ સાથે મૈત્રી સહજ થઈ જાય છે, વીરમગામમાં તો મેં મૃત્યુને તેનું પ્રચંડ, ઘમંડી, વિષાદભરેલું મોઢું ખુલ્લું કરી તેના વક્રદંત બતાવવા હાકલ કરી હતી. હું ખુમારી રાખતો હતો કે એ ચળકતી દંષ્ટ્રાઓ ‘શાંત મન વડે ગણીશ હું.”
- ’મંગલ મૃત્યુ મોંઘું મધુર’ (‘ઇસામુ શિદા અને અન્ય’માં પણ ‘નરસિંહરાવનું સાન્નિધ્ય’ લેખમાં ઉમાશંકરે સંભવત: ત્રીજી – ગજવા-ડાયરીનો ઉલ્લેખ કર્યો છે, જેમાં રોજનીશી જેવું ટપકાવતા. એ ડાયરીના હવાલા એ ગ્રંથમાં પૃ. 181 અને 183 પર આપેલા છે. 1934ના અરસાની આ ડાયરીનોંધો જણાય છે. વળી તેમણે તેમના ચીન-જાપાન વગેરેના પ્રવાસોનીયે વાસરીનોંધો કરેલી, જેનો ઉપયોગ એમના પ્રવાસસાહિત્યમાં થયેલો જોઈ શકાય છે. – ચં૰) – છ વરસ પહેલાં એ લાવણી લખનાર તે પણ હું, ને આજે મરણથી ડરનાર (કીટ્સનો “ટેરર ઑફ ડેથ” વળી જુદો જ છે.) પણ. જૂનો દોસ્ત કટ્ટી કરે તે કેટલા દી નભે ? સૂરજ આથમતાં પહેલાં દોસ્ત બની જવાનું ઈસુ ભગવાનનું વચન કેમ કરીને ભુલાય ?”
આ પછી તેમની વાત આગળ ચાલે છે :
- “આજ આવતી કાલને ગળે વળગીને પૂછે છે : કહે, કહે, તારી પાસે મારે માટે શું શું છે ? હું તારી મા છું, પણ હવે મરવા પડી છું ત્યારે તને પૂછું છું, કહે કહે, તારા કરંડિયામાં મારે માટે કલ્પવૃક્ષનાં અમૃતફળ છે કે કોઈ કાળીનાગ છે ? તારા વીખરાયેલા વાળ પરથી તું મદારણ જેવી લાગે છે. તારો સાપ શું મને ડસી ખાશે ? તારી ધીરગભીર ગતિ પરથી, શ્વાસની સુરભિ પરથી તું માલણ ભાસે છે, બોલી દે એ તારાં અમૃતફળ મને અમર રાખશે ને ?” (પૃ. ૯૩)
અહીં કાળ-અમૃતની જાણે નાનકડી કવિતા જ ઊતરી આવી છે. એ કવિતાનો ગદ્યલય, એની રૂપકરીતિ વગેરેય આકર્ષક છે. આ કાવ્યનિષ્ઠ મનોદશા જ એમની પાસે આ પ્રશ્ન પણ કરાવે છે :
- “મારું આ નાનકડું હૃદય બ્રહ્માંડના ધબકાર શી રીતે ઝીલી શકશે ?” (પૃ. ૯૪)
અને તેઓ ઈશ્વરશ્રદ્ધાનું પદ રટે છે :
- “મૈં તો બિરદ ભરોસે શિર નામી.” (પૃ. ૯૪)
આ ઉમાશંકરને સાચા અર્થમાં ધાર્મિકતાના ઉપાસક, આધ્યાત્મિકતાના આરાધક જ લેખવા પડે; રૂઢ અર્થમાં – રૂઢ રીતે ભલે એ ઈશ્વરના માણસ ન લાગતા હોય. ઉમાશંકરને પોતાની નાની નાની જડતા ‘પૂણે’ છે ને એની વાત ૨૦–૮–૧૯૩૧ની દૈનિક નોંધમાં તેઓ કરે છે. ૧૯–૧૦–૧૯૩૧ની નોંધમાં પણ તેઓ કોઈને નુકસાન નહીં પહોંચાડવાની ભાવના અભિવ્યક્ત કરતાં લખે છે :
- “હું બીજાઓનાં કામ માટે નાલાયક હોઉં, મારું પોતાનું કે કોઈનું ઉકાળી શકતો ન હોઉં, તો છેવટે મને પોતાને એકલાને જ નુકસાન કરતાં શીખી જાઉં તો કેવું સારું ! પણ આ નિરાશા તો કોક જ વાર આવે છે, ગમે છે.” (પૃ. ૧૩૬)
તેઓ દૈવી અસંતોષને માત્ર ઉચ્ચ સાહિત્યનું નહિ, જીવનનું પણ મૂળ લેખે છે. (પૃ. ૧૩૬) તેમની એક તીવ્ર મથામણ જીવનની પુનર્ઘટનામાં ફાળો આપવો છે તે શી રીતે આપવો તે અંગેની છે. (પૃ. ૧૩૬) ઉમાશંકરનું આંતરદર્શન આત્મદર્શનની ભાવનાથી પ્રેરિત હોય એવું જણાય છે. પોતાના ‘હું’ને પોતાની બહાર રાખીને જોવા જેટલી સંપ્રજ્ઞતા, તટસ્થતા એમની પાસે છે. કાકાસાહેબે ‘વિશ્વશાંતિ’માં ‘આમંત્રણ’માં એક વાક્ય લખેલું છે : “ઊગતી સૃષ્ટિ સાથે જેમનો સંબંધ છે એવા કેટલાક માળીઓ કોઈની નજર પડે તે પહેલાં જ ઊગતી કળીઓને શોધી કાઢે અને એમનો વિકાસહાસ જોઈને આનંદ પામે છે.” કાકાસાહેબના આ વાક્યોમાં ‘માળી’નો અર્થ ઉમાશંકરે ‘કવિ’ એવો લઈ ત્યાં પોતાને ગોઠવી દીધા ! આવા અર્થઘટન પાછળની અહંની ભૂમિકા ઉમાશંકર જોઈ શક્યા છે ને તેથી જ તેમણે ડાયરીમાં નોંધ્યું છે :
- (અહો ! અહમહમિકા !!)
- અહો ! હું !!
- ઓ અનંત સર્વવ્યાપી હું ! આ નાનકડા ‘હું’ને ગળી જા ! (પૃ. ૧૪૦)
આ ઉમાશંકરનું જેમ આત્મદર્શન તેમ પ્રકૃતિદર્શન પણ આ વાસરીમાં, અલબત્ત, થોડા પ્રમાણમાં, પ્રગટ થયું છે ખરું. ઉમાશંકરે પોતાનું ઓળખાણ આપણે જાણીએ છીએ તેમ, ‘અરવલ્લીના બાળક’ તરીકે આપ્યું જ છે. એ ઉમાશંકરે મેઘાણી પરના ૧૫–૧૨–૧૯૩૮ના એક અપ્રકટ પત્રમાં “મારી તો આકાશ એ ધાત્રી છે.” – એમ પણ કહ્યું છે. એ ઉમાશંકર નદી-ઝરણાં-વાદળ-વૃક્ષ જોતાં આનંદવિભોર થઈ જાય છે, જાણે એમને એમની અરવલ્લીના બાળક તરીકેની અસલિયત પાછી મળતી ન હોય ! તેઓ અમદાવાદમાં – નગરમાં આવ્યા પણ પ્રકૃતિ સાથેનો સંબંધ એમનો ઠીક ઠીક જળવાયેલો જણાય છે. મીઠાખળીમાં હતા ત્યારે તેઓ સરેરાશ રોજ દોઢથી બે કલાક નદીમાં ગાળતા હતા. વિદ્યાપીઠમાં આવ્યા પછીયે મિત્ર પ્રેમશંકરને તેઓ કહેતા : (અહીં જે કેટલાંક વાક્યો મૂળમાંથી લીધાં નથી તે મેં જોયાં છે ને એ વાક્યો હોત તો અભ્યાસીને ઉમાશંકરના વ્યક્તિત્વ-પરિચયમાં ઉપયોગી થાત એમ લાગે છે. જોકે એ વાક્યો રદ કરાયાં તે ક્રિયા પણ એમના વ્યક્તિત્વની દ્યોતક ખરી !)
- “આટલી પાસે નદી, ને એની પાસે જઈએ નહિ તો તેનો દ્રોહ કર્યો કહેવાય…” (પૃ. ૧૩૮)
તેઓ સાબરમતીનો ‘હાથમતીની મોટી બહેન’ને નાતે વિશેષભાવે પક્ષપાત કરે છે. તેઓ લખે છે : “એક મા પોતાના બચ્ચાને કેળવે, તેમ તેણે મારા ડીલને અને દિલને પોતાનાં પુણ્યસલિલથી સાફ કર્યાં છે, અજવાળ્યાં છે.” (પૃ. ૧૩૮) હાથમતીમાં તો ઉમાશંકરના ઘરનાં નેવાંનું પાણી જતું હતું. “એ પાણી સાબરમતીનાં ચુપચાપ ચાલ્યાં જતાં પાણીમાં પકડી પાડવાનું હું ચૂક્યો નથી.” (પૃ. ૧૩૯) માણસોને કુદરતને ખોળે રમવાનો અવકાશ ન આપતી મનુષ્યજાતની અદેખાઈ તેમને કઠે છે. (પૃ. ૧૩૯) ઉમાશંકરે પોતાના નાના ભાઈ કાન્તિભાઈને ઈડર જે પત્ર લખ્યો તેમાંય પ્રકૃતિની કવિતા આવીને રહે છે. આ આખી નોંધ અહીં ઉતારીએ :
- “તું રમતમાં, વરસાદમાં નાહવામાં, કુબેર તળાવડીમાં નાહવામાં, કે પેલા મને ખૂબ ગમતા તે ધોધવાઓનું સંગીત સાંભળવામાં ગરકાવ થઈ ગયો હો ને કાગળ લખવાનું તને સૂઝતું ન હોય, તો મને કહી દેવા દે કે હું કાગળનું કદી નામ નહીં લઉં. એ ધોધવાઓ ઉપર કોઈ દિવસ સાગરનો સંદેશો આવે છે ? છતાં ધોધવાઓનું પોતાનું ગીત નાનાં નાનાં મોજાંને ટેરવે બેસારી ઝરણાંમાંથી નાળાંમાં, નાળાંમાંથી નદીમાં એમ ઠેઠ સાગરને પહોંચતું કરે છે. પર્વતો કદી વાદળોને કાગળ લખે છે ? તોય વાદળાં કોણ જાણે કેવી રીતે એકદમ ઊતરી આવીને તેમને ભેટી પડે છે ને રડવા મંડે છે ! ને કબરોની પેલી મેર આંબાની કુંજ છે તે કદીય કોયલને લખે છે ? તોય કોયલ તો ક્યાંયથીય ઊડી આવે છે ને ગાયાં કરે છે. કાગળ લખનારા નવરા માણસો હોય છે, કે પછી ગાંડા હોય છે, – એ વાત કાગળ લખતો હતો હું તને કહી દઉં !
- નિશાળ આગળ થઈને વહેતા નાળાને તમે બધાંએ મારી નાખ્યું છે, એનો કેસ કોની આગળ ચલાવું ? નહીં તો, ન્યાય મેળવી તમને બધાંને જેલમાં મોકલું ! સમજો છો શું તમારા મનમાં ? પર્વતની ખીણમાંથી પાણી આવતું હોય તે જાય ક્યાં ? તમારી હેઠળ આવતું હોય તો ઊઠીને આઘા જઈને બેસો. ત્યાં બેસવાની તમને કોણ ફરજ પાડે છે ? પણ માણસ પોતાનું જ સાંભળે છે ને બિચારાં ઝરણાં એમનો પિતા પરમેશ્વર તેમને જન્મ આપ્યા પછી સંભાળ લેતો નથી એટલે માનવીને હાથે વિના મોતે મરે છે.
- ઘેર જવાના છો બધા ? જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !
- આપણાં ખંભેરિયા ઉપર શાળીનાં ફૂલ કેવાં ખીલ્યાં હશે ! ને ઝાંઝરી ? વાત જ ન કરો.” (પૃ.૯૯–૧૦૦)
ઉમાશંકરે આ પત્રભાગ કેમ વાસરીમાં ઉતાર્યો તેનો ઉત્તર આ લખાણના રસાસ્વાદમાંથી મળી રહેશે. કેટલી સંવેદનશીલતા ને ઉષ્માથી ઉમાશંકર એમના નદી-ઝરણા-પર્વતના સંસારનું કુશળ પૂછે છે ?! ઉમાશંકરની આ પ્રકૃતિપ્રીતિ જ એમને મોટા ગજાના કવિ – કલાકાર બનાવવામાં સબળ રીતે સહાયક થઈ છે. ઉમાશંકરે ૪–૮–૧૯૩૧ની વાસરીનોંધમાં વરસાદને પણ એક ‘પહેરેગીર’ બનાવી દીધો છે ! (પૃ. ૬૯) વરસાદ આવતાં કાળો ડામર, નાનાં નાનાં ઝાડનાં નાનકડાં પાંદડાં ને બજારમાં ઊભેલાં મકાનોને હસી-ચમકી ઊઠતાં તેઓ જુએ છે. (પૃ. ૬૯) ઉમાશંકર તે દિવસે વિદ્યાપીઠ પાછા ફરતાં મોટરયાત્રાને બદલે પદયાત્રા પસંદ કરે છે. એમ કરવાનું ‘અંગત’ કારણ તે આ :
- “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતાં હોય ને ત્યારે ચાલતા આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવતા હોઈએ એવું લાગે છે, પણ મુશળધાર વરસાદ વરસતો હોય, ઘેલાં થઈને ઝાડ ધૂણવા મંડી પડ્યાં હોય, વાદળાં મલ્લકુસ્તી કરતાં ધમપછાડા કરી રહ્યાં હોય ને આ તાંડવ પળ વાર માટે ચૂપકીથી વીજળી ખમચાતી ખમચાતી જોઈ લેતી હોય – ત્યારે ચાલવાની મજા તો પડશે. પાસે જ પુરપાટ ચાલી જતી સાબરમતી ચાલવામાં પ્રેરણા ને હૂંફ આપી રહી હશે !”S (પૃ. ૭૦)
ઉમાશંકરે આ વાસરીમાં મહાનુભાવોની ચિંતનપ્રસાદી, તથા પોતાનો લેખન-વાચનયોગ ઠીક પ્રમાણમાં નોંધ્યો છે. ખાસ કરીને ‘વિશ્વશાંતિ’ના સર્જન-પ્રકાશનની કેટલીક ઉપયોગી વિગત અહીં મળે છે. દિનકરભાઈએ ફ્રાન્સની ક્રાન્તિના ત્રણ મહામંત્રો સંદર્ભે જે સુંદર ખ્યાલ આપેલો તેનો ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’માં વિનિયોગ કર્યો છે તે આ વાસરીથી જાણી શકાય છે. (પૃ. ૫૧) વળી, ‘યુધિષ્ઠિરના યુદ્ધવિષાદ’ની લેખનસાધનાનો તેમ જ ‘વિશ્વશાંતિ’ની લેખનરીતિનોય કેટલોક ખ્યાલ અહીં મળે છે. ઉમાશંકરે બચુભાઈ રાવતને ૨૫–૯–૧૯૩૧ના રોજ ‘વિશ્વશાંતિ’નો પ્રથમ ખંડક ‘મંગલ શબ્દ’ વાંચવા માટે આપ્યો. તે પછી એ કાવ્ય લખાતું જાય છે. ૨૬–૯–૧૯૩૧ના રોજ લેખન આગળ ચાલે છે. ૨૮–૯–૧૯૩૧ના રોજ એનો અંત પણ સૂઝે છે. ૨–૧૦–૧૯૩૧ના રોજ (ગાંધીજયંતીના રોજ) તો તે ખંડકાવ્ય કાકાસાહેબ પાસે પહોંચી જાય છે. ત્યારે કાવ્યની છેલ્લી પંક્તિઓ લખવાની તથા નામકરણ, અર્પણ બાકી રહેલ હતાં. ‘વિશ્વશાંતિ’ નામ ૨૬–૯–૧૯૩૧ની નોંધમાં સૂઝેલ છે, પણ તે નિશ્ચિત થાય છે કાકાસાહેબની અનુમતિ પછીથી. આ ‘વિશ્વશાંતિ’ રા. વિ. પાઠકને વંચાવતાં તેઓ તેને છપાવવા વિશેનો પોતાનો અનુકૂળ અભિપ્રાય સૂચવે છે, તે સાથે તેના છંદોવિધાનાદિ વિશેય ઉપયોગી ચર્ચા કરે છે. (પૃ. ૧૧૭–૧૧૮) ‘વિશ્વશાંતિ’ ૬–૧૦–૧૯૩૧ સુધીમાં સુધારાઈ પણ જાય છે. ૧૪–૧૦–૧૯૩૧ની નોંધમાં ‘વિશ્વશાંતિ’ નામ કાકાસાહેબે બહાલ રાખ્યાનો તેમ જ તેનો પ્રસ્તાવનાલેખ લખાવ્યાનો નિર્દેશ છે. આમ આ વાસરી, અગાઉ નિર્દેશ્યું તેમ, ‘વિશ્વશાંતિ’-વિષયક કેટલીક ઉપયોગી સ્વાધ્યાયસામગ્રી પૂરી પાડે છે. ઉમાશંકર આ વાસરીને આરંભે મૂકેલ લેખ ‘મારું અરધું વરસ’માં એક લઘુ ચિત્રપટની જેમ તેમના જીવનના એક મહત્ત્વના ખંડને પ્રત્યક્ષ કરાવી રહે છે. મૅટ્રિકમાં આવ્યા ત્યારે આખું વરસ અહીં રહ્યાં છતાં જે વિદ્યાપીઠ પાસેથી કદાચ ફરક્યા પણ ન હતા તે ઉમાશંકર ૧૯૩૧ના વરસમાં ઉનાળો ઊતરતાં વિદ્યાપીઠમાં ઔપચારિક ધોરણે વિદ્યાર્થી નહીં છતાં છ માસ સુધી કાકાસાહેબની ગોઠવણથી રહે છે. આ ગાળા દરમિયાન રાષ્ટ્રતીર્થ – ‘દેશનું ભાવનાકેન્દ્ર’ ને ‘સાહિત્યતીર્થ’ એવી આ વિદ્યાપીઠમાંથી ઉમાશંકર ‘વિશ્વશાંતિ’ની કવિ તરીકે બહાર આવે છે. ઉમાશંકર આ વિદ્યાપીઠગાળા દરમિયાન જ વ્યાસના મહાભારતમાં પ્રવેશ્યા. ૬ કલાકના ખાદીકામ, કાંતણપીંજણ સાથે એમનો ચિત્તચરખો પણ સારી પેઠે સક્રિય રહ્યો જણાય છે. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં પુસ્તકો ગોઠવવાનું કામ કરતાં પોતાના ચિત્તમાં અનેક મહાન પ્રતિભાવોનું વિચારમધુ સંચિત કરવાનું કામ પણ ચાલતું રહ્યું. વીરમગામની દૈનિક સત્યાગ્રહ પત્રિકાના સંપાદન પછી ગદ્યલેખનની તાલીમ – ‘ગદ્યદેવ’ની આરાધનાનું જે કામ ચાલતું રહ્યું તેમાં વિદ્યાપીઠની કામગીરીનો મહત્ત્વનો ફાળો છે. અહીં અનુવાદ – અહેવાલલેખન – વાસરીલેખન આદિની તાલીમ મળતી રહી. આ વાસરી ઉમાશંકરના ગદ્યલેખનનો, વીરમગામની દૈનિક સત્યાગ્રહપત્રિકાનું સંપાદન બાદ કરતાં, પહેલો અનુભવ હતો. (નિવેદન) ઉમાશંકરની આ વાસરી એમના કાકાસાહેબ સાથેના વિશિષ્ટ સંબંધ પર પણ પ્રકાશ પાડે છે. કાકાસાહેબ ઉમાશંકરને “તું કવિ છે, પણ તારો અભિગમ બૌદ્ધિક છે” – એમ કહી શકે છે તો ઉમાશંકર પણ કાકાસાહેબની સૂર્યપ્રકાશ વાદળી હોવાનો તર્ક સ્વીકારતાં ‘ગમે તેમ હોય’ એમ કહી પોતાનું એમના અભિપ્રાય સાથે સર્વથા મળતાપણું નહિ હોવાનો નિર્દેશ પણ કરી શકે છે. તેઓ કાકાસાહેબ સાથેના આ સંબંધની રહસ્યાત્મકતા ચાર દાયકે પણ અનુભવતા જણાય છે. તેઓ લખે છે ::
- “… સહજક્રમે કાકાસાહેબે અંતરંગ માણસ તરીકે મારો સ્વીકાર કર્યો શી રીતે ? આજે ચાર દસકા પછી પણ એ રહસ્યવાત જ લાગે છે. એ સમય જતાં ઘનીભૂત બન્યો છે. વચ્ચે થોડાંક વરસ મળ્યા ન હોઈએ, કાગળ પણ ન લખ્યો હોય, એવું બન્યું છે. વિચારો, વલણો, વર્તનની ભિન્નતા પણ સહેજે રહી છે. કદાચ એ સંબંધનું સજીવપણું, એ ખુશીનો સોદો છે – એ કારણ હોય. બને કે બંનેની શોધમાં કશેક કંઈ સરખાપણું હોય. એટલું ચોક્કસ કે થોડા શબ્દોમાં અમારી વચ્ચે ઘણો સઘન વ્યવહાર ચાલી શકે છે.” (નિવેદન પૃ. [૧૩])
કાકાસાહેબે ઉમાશંકરની આ વાસરી જોઈ છે ને ક્યારેક એના સમયમાં રહી જતાં બાકોરાં માટે એમને ટપાર્યાયે છે. આમ છતાં કાકાસાહેબે ઉમાશંકરને ક્યાંય બાંધ્યા હોય અથવા ઉમાશંકરે ક્યાંય પોતે બંધામણ સ્વીકારી હોય એમ જણાતું નથી. સ્નેહસંબંધોના સમ્યગ વિકાસમાં મુક્તતાનું જે રમણીય તત્ત્વ સ્ફુરતું હોય છે તે ઉમાશંકરની સ્નેહસંબંધોની સૃષ્ટિમાં ઠીક ઠીક પ્રતીત થાય છે. આ વાસરીમાં સ્નેહની, વિનોદની, રાષ્ટ્રભાવના ને માનવ્યનિષ્ઠાની, કુદરતપ્રીતિની અને આત્મતત્ત્વ માટેની અભીપ્સાની કેટલીક સુંદર ક્ષણો છે. માનવીય સદ્ગુણોને ખીલવા – વિકસવા માટેની જે સમઘાત આબોહવા – તેનો સારો એવો સ્પર્શ આ વાસરીમાં નિરૂપાતી અનુભવસૃષ્ટિમાંય અનુભવાય છે. ભલે આ વાસરી પૂરા ચાર માસનીયે નથી, છતાં ઉમાશંકરના જીવનના એક સર્વોત્તમ સમયને આવરી લેતી હોઈ કેટલીક રીતે તે રસપ્રદ પણ છે. ગુજરાતી સાહિત્યમાં આત્મચરિત્રાત્મક સાહિત્યમાં વાસરી-નોંધોની રીતે થતાં લખાણનું એક વિશિષ્ટ મહત્ત્વ છે. નર્મદનું ‘મારી હકીકત’, મ. ન. દ્વિવેદીનું ‘આત્મવૃત્તાંત’ વગેરેમાં છૂટક નોંધરૂપ જે લખાણ છે તે આ વાસરીશૈલીનું જ એક રૂપ લખાય. ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સ્ક્રૅપ બુક – મનનનોંધ’, ‘નરસિંહરાવની રોજનીશી’, બ. ક. ઠાકોરની ‘દિન્કી’ તેમ જ ‘મહાદેવભાઈની ડાયરીઓ’ – આવા આવા પ્રસિદ્ધ ડાયરી-સાહિત્યમાં આ વાસરી પણ ઉલ્લેખનીય તો રહેશે જ એમાં શંકા નથી. લેખક પોતે જ લખે છે તેમ, “ ’૩૧માં ગાંધીજીની વિદ્યાપીઠમાં રશિયન ક્રાન્તિનો ઉત્સાહથી થતો અભ્યાસ – ખાસ કરીને બૌદ્ધધર્મના જગપ્રસિદ્ધ વિદ્વાન ધર્માનન્દ કોસંબીની નિખાલસ ક્રાંતિ-તરફી રજૂઆતો, વિદ્યાપીઠમાં ચાલતી ચર્ચાસભા (સેમિનાર), વિદેશી કાપડની ચોકીના અનુભવો, ગાંધીજીનું અખૂટ પ્રેરણાભર્યું સાન્નિધ્ય – એમના શ્વાસોચ્છ્વાસરૂપ પ્રાર્થના અંગેનાં એમનાં નિરૂપણો, જવાહરલાલ નહેરુ સાથેની મુલાકાત – એ સમયના વિવિધ રંગો આ વાસરીમાં ઝિલાયા છે – અલબત્ત, એક તરુણના માનસ દ્વારા, જે વળી એક ઊગવા કરતો સર્જક પણ છે. કઈ કઈ રીતે, કેવી કેવી વસ્તુઓ એની ચેતનાને સ્પર્શી જાય છે, કેવાં બળોના પ્રભાવ વચ્ચે ‘વિશ્વશાંતિ’ રચાય છે, એવી બધી વ્યક્તિગત કથા પણ સ્વાભાવિકપણે વાસરીમાં આવે છે.” (નિવેદન) અને તેથી જ આ વાસરી લેખકના સમયના જીવનમાં તેમ લેખકના સર્જનાત્મક જીવનખંડમાંયે – લેખકના આંતરજગતમાંયે એક ડોકિયું કરવાની સરસ તક આપે છે. રાધેશ્યામ શર્માએ નવેમ્બર, ૧૯૭૭ના ગ્રંથમાં (પૃ. ૯–૧૩) આ વાસરીનું આસ્વાદલક્ષી સુંદર વિવરણ આપતાં ઉમાશંકરના ડાયરીમાંના લેખન-અભિગમને ‘હૃદયપ્રધાન બૌદ્ધિક અભિગમ’ તરીકે નિર્દેશ્યો છે. રાધેશ્યામે ’૩૧માંના ઉમાશંકરમાં ડોકિયું કરીને નિદ્રાપ્રેમી, શબ્દપ્રેમી, દેશકાળના પ્રકટ-પ્રચ્છન્ન સંસ્કાર-સ્રોતોના સૂક્ષ્મ નિરીક્ષક અને સંવેદક એવા ઉમાશંકરની પ્રસન્નમધુર આંતરછબીને સરસ રીતે ઉપસાવી આપી છે.
ઉમાશંકરે “ ’૩૧માં ડોકિયું” પુસ્તકમાં આરંભે કાળપટ સંદર્ભે આપેલી પંક્તિઓ ઘણી અર્થસભર છે. તેઓ લખે છે :“કાળપટ કોઈની આંગળીઓમાં આવ્યું છે ?
કાળપટનું પોત કોઈએ જોયું છે ?
સ્થળને ખભે લહેરાયાં કરે
નવું – નવતેરું અનેરું કાળ-ઉત્તરીય
એ ફરફરાટ કોઈના હૈયે સંઘરાયો છે ?”
એતદ્દેશકાળ વિશેની ઉમાશંકરની સંવેદનાનું જે સૂક્ષ્મ રૂપ તે ઉપરની કાવ્યપંક્તિઓમાં સબળ રીતે આકૃત થયું છે. ઉમાશંકરે વિદ્યાપીઠની આ વાસરીને પ્રકટ કરીને કાળ ભગવાન જે રીતે વ્યક્તિ-સમષ્ટિ દ્વારા પોતાના શાશ્વત ચૈતન્યધર્મને અભિવ્યક્ત કરતા રહે છે તેની જ સ્વાનુભવજનિત પ્રતીતિ આપવાનો કવિ તરીકેનો સત્યધર્મ, સ્વધર્મ જ બજાવ્યો છે એમ નિ:સંકોચ કહી શકાય.
- ↑ એક અપ્રસિદ્ધ પત્ર.