ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/મસ્ત બાલ—કવિજીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. મસ્ત બાલ : કવિજીવન

ઉમાશંકરે અર્ધી સદીનો દેશવટો ભોગવનાર મસ્ત કવિ બાળાશંકરની કવિતાને ‘ક્લાન્ત કવિ’ એ શીર્ષક હેઠળ સંશોધિત – સંપાદિત કરી ૧૯૪૨માં. એ નિમિત્તે એમણે બાળાશંકરની કવિતા વિશે ‘સ્નેહાલાપનો કવિ’ એ મથાળે લેખ પણ લખેલો જે આ ગ્રંથમાં પરિશિષ્ટ–૧માં મુકાયો છે. એમના વિશે ઉમાશંકરે કરેલી કાવ્યરચના ‘સ્વાગત’ આ ગ્રંથના પરિશિષ્ટ–૨માં મુકાઈ છે. ઉમાશંકરના મતે ‘બાળાશંકર અર્વાચીન ગુજરાતી કવિતા સાહિત્યના ઉદયકાળના એક રસસિદ્ધ કવિ છે.’ (મસ્ત બાલ : કવિજીવન, ૧૯૯૭, પૃ. ૧૦૬) તેઓ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના કવિઓ તરીકે જે ત્રણ કવિઓનો ઉલ્લેખ કરે છે તેમાં પહેલા તે ‘પૂર્વાલાપ’ના કવિ કાન્ત, બીજા તે ‘સ્નેહાલાપ’ના કવિ બાળાશંકર ને ત્રીજા તે ‘સ્નેહવિલાપ’ના કવિ કલાપી. (મ.બા.ક., પૃ. ૧૦૮) આ ત્રણ એવા કવિઓ છે, જેમની કવિતા તેમના જીવનની ઘટનાઓ સાથે પ્રગાઢ ને સીધેસીધો સંબંધ ધરાવે છે. તેમના માટે કવિતા ‘otherself’ જેવી છે. ઊંડા અર્થમાં આ ત્રણેય આત્મલક્ષી – સ્વાનુભવરસિક કવિઓ છે; ભલે પછી તેમની કેટલીક કવિતા પરલક્ષી પ્રકારમાંયે ખેડાઈ હોય ને પ્રસિદ્ધિ પામી હોય. આ ગ્રંથના ડૉ. સ્વાતિ જોશીના નિવેદનમાં જણાવાયું છે તેમ, “બાળાશંકરના કવિજીવનનું મહત્ત્વ તેમના કાવ્યસર્જનનાં અનેક પરિબળો સમજવા માટે તો છે જ; ઉપરાંત એમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના ઇતિહાસની કેટલીક ખાસિયતો પણ પ્રગટ થાય છે એ રીતે એક ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ એનું મહત્ત્વ છે.” ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સહેજે આગળ તરી આવે એવી ‘ક્લાન્ત કવિ’ જેવી વિશિષ્ટ કાવ્યકૃતિ અર્પનાર બાળાશંકર તરફ સાહિત્યજગતની ઉપેક્ષાવૃત્તિ ઉમાશંકરને ઠીક લાગી નથી એ બાબત મહત્ત્વની છે. આમ તો નર્મદાશંકર દેવશંકર મહેતા, કવિ ન્હાનાલાલ, બલવંતરાય, રામનારાયણ પાઠક ને રસિકલાલ પરીખ જેવા વિદ્વાનોનું એમની કવિતાના સંગ્રહ – સંપાદન – પ્રકાશન પ્રતિ ધ્યાન ગયેલું, કેટલાકે થોડી સક્રિયતા પણ દાખવી; પરંતુ ધાર્યું પરિણામ નહીં આવ્યું. રામનારાયણ વિ. પાઠકે તો એમની વિવેચક તરીકેની કારકિર્દીનો પ્રથમ લેખ ‘કવિ બાળાશંકર કંથારિયાનાં કાવ્યો’ – એ મથાળે ગૂજરાત વિદ્યાપીઠના ‘સાબરમતી’ દ્વૈમાસિકમાં છપાવેલો; પરંતુ બાળાશંકરની કવિતાએ વ્યવસ્થિત રીતે સંપાદિત – પ્રકાશિત થવા માટે કવિ શ્રી ઉમાશંકર જોશી સુધી રાહ જોવી પડી ! ઉમાશંકરે જહેમતપૂર્વક બાળાશંકરની કવિતાનું સંપાદન કરવા સાથે એમના જીવન અને કવનની ઝલક દેખાડતા સંશોધન અને સ્વાધ્યાયથી પુષ્ટ એવાં માર્મિક લખાણો પણ આપ્યાં. ‘મસ્ત બાલ : કવિજીવન’ એ રીતે ઉમાશંકરના સંશોધન અને સ્વાધ્યાયથી પુષ્ટ થયેલી બાળાશંકર વિશેની પ્રમાણભૂત ચરિત્રકથા છે. તેમાં ઉમાશંકરની જીવનચરિત્રકાર તરીકેની દૃષ્ટિશક્તિનો પણ રસમય પરિચય – પરચો મળી રહે છે. ઉમાશંકર આ જીવનચરિત્રના આરંભે પ્રસ્તાવનામાં બાળાશંકરની આજે રસપ્રદ લાગતી – ઊલટ પ્રેરે એવી ‘ક્લાન્ત કવિ’ જેવી કૃતિ સામે ‘તે વખતનો વિદ્વદ્વર્ગ ટાઢા પાણીનું માટલું થઈને બેસી રહ્યો હતો’ (પૃ. ૧) તે હકીકત તરફ આપણું ધ્યાન દોરે છે. તેઓ આ ચરિત્રમાં આપણને વાચકો–ભાવકોનેય એમના કથન-આલેખનમાં આત્મીયતા ભાવે સાંકળીને જીવંત રીતિમાં બાળાશંકર વિશેના ચરિત્રલેખનની માંડણી કરે છે; દા.ત.,

“મુંબઈ વિદ્યાપીઠમાંથી ‘ગ્રાડ્યુએટો’ના ઘાણ ઉપર ઘાણ નીકળ્યે જતા હતા અને સાહિત્યક્ષેત્રના મુખ્ય મુખ્ય મોરચાઓ ઉપર તે વર્ગ ઘૂમતો હતો ત્યારે આપણો આ નડિયાદી નાગરનો નબીરો જ દ્વારકાંની છાપ વગરનો હતો.” (પૃ. ૧)

તે વખતના સામાજિક વાતાવરણનું ચિત્ર આલેખતાં પેચિયા લોટામાં દારૂ ભરીને લઈ જવાની ફૅશન ને બીજી બાજુ પ્રાર્થનાસમાજી ચોખલિયાવેડાનો તેઓ નિર્દેશ કરે છે. (પૃ. ૧-૨) તેઓ બાળાશંકરનું ચિત્ર આપતાં લખે છે :

“બાળાશંકર તો ચંગીભંગી, છડેચોક વ્યસની. એની આંખમાં જ ચોખ્ખી નશાની પતાકા ફરફરતી.” (પૃ. ૨)

આ બાળાશંકરમાં ‘સફળ વ્યાવહારિક જીવનના ઝભ્ભા નીચે અપલક્ષણો સંતાડનારા’ (પૃ. ૨) ઉપલા વર્ગને ‘અળવીતરાપણું’ વરતાય તો તે સમજી શકાય એમ છે. ઉમાશંકર ચરિત્રારંભે જ કવિના જીવનનો શક્તિપૂજા સાથેનો આનુવંશિક સંબંધ નિર્દેશે છે. ફારસી સૂફીવાદને કવિના કુળની ‘મસ્ત ફકીરી’ની પ્રણાલિકા સાથે સંબંધ હોવાનું જણાવે છે. આ ‘સૌન્દર્યાસક્ત કવિ’ની ‘એક આંખ પ્રેમ ઉપર અને બીજી આંખ જ્ઞાન ઉપર ઠરી’ (પૃ. ૩) હોવાનું જણાવે છે. કિશોરાવસ્થાથી જ અનહદ જ્ઞાનપિપાસા, બંધન માત્રમાંથી છૂટવાની લગનીનો કેફ, ઠેઠ શૈશવમાંથી અંકુરિત થયેલા પ્રેમનો હૃદયને મળેલો પ્રબળ સંસ્કાર – તેમાં ખાસ તો વિરહની ચોટ, ઊંડી ધર્મનિષ્ઠા, પ્રેમભક્તિ વગેરે બાળાશંકરમાં વરતાતા અંશો માટે જવાબદાર જે પરિસ્થિતિ હતી તેનો તેઓ સવિસ્તર – સપ્રમાણ ખ્યાલ આપવાનો ઉપક્રમ આ ચરિત્રમાં રચે છે. બાળાશંકરનું જીવન ‘એક કાવ્ય જેવું જ’ હોવાનું તેમને લાગ્યું છે. (પૃ. ૩) એમાં સમાજને ઉપકારક નીવડે એવાં તત્ત્વો હોવાનું એમનું મંતવ્ય છે. તે મંતવ્ય પર આવવામાં જે ચરિત્રસામગ્રી તેમને ખપમાં આવી તેની વીગતો પણ તેઓ આપે છે. (પૃ. ૩) બાળાશંકર જેવા નાગર નબીરાના જીવનમાં જે એક જાતની રહસ્યવાદ કે ગૂઢાર્થવાદ (Mysticism)ની લગની જોવા મળે છે તેનાં મૂળ તેમના વંશમાં, પિતાના પ્રપિતામહ સુધી પહોંચતાં હોવાનું દર્શાવે છે. (પૃ. ૪–૫) ખુશાલચંદના પુત્ર સરૂપચંદ, સરૂપચંદના બીજા પુત્ર તે અર્જુનલાલ, તેમના પુત્ર ઉલ્લાસરામ ને તેમના પુત્ર તે બાળાશંકર. અર્જુનેશ્વર મહાદેવના સ્થાપક તે અર્જુનલાલ. આ અર્જુનેશ્વરની છાયામાં જ ઉલ્લાસરામે પોતાના ‘ઊખડેલ દીકરા’ને – બાળાશંકરને વેદાંત, સૂફીવાદ, શાક્તમાર્ગ વગેરેની દીક્ષા આપી હતી. (પૃ. ૫) બાળાશંકરને વિદ્યાવ્યાસંગની દીક્ષા પણ પિતા પાસેથી જ મળેલી. (પૃ. ૧૧) ઉમાશંકરે ઉલ્લાસરામની પોત-પ્રતિભાનોયે ઠીક પરિચય આપ્યો છે. પોતાનો પુત્ર ખ્રિસ્તી ન થઈ જાય તે માટેય ઉલ્લાસરામે જરૂરી પગલાં ભરેલાં. (પૃ. ૧૨) શ્રી બાલાદેવીની તાંત્રિક ઉપાસનાના ફળ રૂપે સંતાનપ્રાપ્તિ થઈ હોવાના ખ્યાલે ‘યોગભ્રષ્ટ આત્મા’ જેવા પુત્રનું નામ ‘બાળાશંકર’ રખાયું હોવાનું જણાય છે. (પૃ. ૧૪) સંવત ૧૯૧૪માં જેઠ વદી પાંચમે રેવાબાઈની કૂખે જન્મેલા બાળાશંકર લાડકોડમાં ઊછર્યા ને સ્વચ્છંદમાંયે સર્યા. આમ છતાં, ‘સદ્ભાગ્યે’, તેમને કેટલાક આશાસ્પદ ને આદર્શદર્શી મિત્રો સાંપડ્યા હતા. બાળાશંકરે ઈ. સ. ૧૮૭૫ના અરસામાં નડિયાદમાં એક નાની-શી ‘પ્રાર્થનાસમાજ’ શરૂ કરી હતી. તેમણે પછી ‘સ્વ-સુધારક સભા’નીયે સ્થાપના કરેલી. બાળાશંકરે વ્રજ, હિન્દુસ્તાનીનું અને સંગીતનું જ્ઞાન હરિલાલ રણછોડલાલ પાસેથી; સંગીતનું વિશેષ જ્ઞાન ઉસ્તાદ કેશવલાલ પાસેથી; શાસ્ત્રી રવિશંકર ધીરજરામ પાસેથી સંસ્કૃતનું; ખેડાના શાસ્ત્રી ગંગાશંકર પાસેથી ‘વૃત્તરત્નાકર’ આદિનું તથા પુરાણી હરિશંકર પાસેથી ‘કુમારસંભવ’ આદિનું જ્ઞાન તથા કવીશ્વર દલપતરામ પાસેથી કવિતાનું સવિશેષ જ્ઞાન મેળવેલું. પર્શિયનનું જ્ઞાન બાળાશંકરે અમદાવાદના ઉસ્તાદ સૈયદમિયાં પાસેથી મેળવેલું. નર્મદ અને દલપતરામમાં ચડિયાતા કવિ દલપતરામ હોવાનો તેમનો અભિપ્રાય હતો. બાળાશંકરનો પત્ની મણિલક્ષ્મી માટે પ્રબળ લગાવ હતો. (પૃ. ૨૦–૨૫) ‘સ્વચ્છંદ પણ ફંદી માત્ર તુજનો’ એમ બાળાશંકરે મણિલક્ષ્મી બાબતમાં કહેલું. (પૃ. ૨૨) ઉમાશંકર નોંધે છે :

“યથાર્થત: કે પછી ભલે ને ભાવનાસૃષ્ટિમાં પણ આપણી ભાષામાં પત્નીનો અનન્ય ભાવે સેવેલો પ્રેમ કોઈ પણ કવિની કવિતાના મધ્યબિંદુ રૂપે વિરાજતો જોવા મળતો હોય તો તે બાળાશંકરની કવિતામાં મળે છે. એ પ્રેમમાં જ તેઓ મોક્ષસરણી જુએ છે.” (પૃ. ૨૫)

બાળાશંકરના જેવી, પત્નીપ્રેમમાં શક્તિપૂજા અને કવિત્વરીતિની સમરસતા જોનારી દૃષ્ટિ, ઉમાશંકરની દૃષ્ટિએ, તો વિરલ ને તેથી વંદ્ય છે. બાળાશંકર સ્નેહનિષ્ઠાના ટેકે ટેકે વ્યવહારજીવનનાં અનેક વાવાઝોડાં વચ્ચે પણ ટકી શક્યા. એટલે જ ઉમાશંકર કહે છે : “એ પોતે ‘ક્લાન્ત’ થયા છતાં ‘કવિ’ ન મટ્યા.” (પૃ. ૨૬) બાળાશંકરના જીવનમાં ‘લગ્નની સાંકળ’નું જો ઉપકારક મહત્ત્વ રહ્યું તો ‘નોકરીની બેડી’નું તેટલું જ અપકારક મહત્ત્વ રહ્યું. (પૃ. ૨૬) પિતા ઉલ્લાસરામે નોકરી આદિના નિયંત્રણથી બાળાશંકરના સ્વચ્છંદી – મનસ્વી સ્વભાવને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્ન, ઉમાશંકર કહે છે તેમ, ‘પવનને નાથવા જેવો’ બની રહ્યો. (પૃ. ૩૩) બાળાશંકરનો સ્વાતંત્ર્યોત્તર, ઉમાશંકરની દૃષ્ટિએ – સંભવત: પિતાની વ્યવહારુતાના જ પ્રતીકારરૂપ પરિપાક- (Nemesis)રૂપ હતો. (પૃ. ૩૪) બાળાશંકરની વિદ્યાવ્યાસંગ ને અધ્યાત્મતત્ત્વને પામવાની મથામણ તો અવિરત ચાલે છે પણ બીજી બાજુ વિદ્યાકીય ને વ્યવહારક્ષેત્રે જોખમી સાહસો પણ ચાલે છે! પિતા તરફથી વારસામાં મળેલી ‘અલૌકિક’ સંપત્તિ તો બાળાશંકરના હાથમાં ‘ઘોડાવ્યાજે’ (પૃ. ૩૭) વધતી ચાલી પરંતુ બીજી બાજુ લૌકિક સંપત્તિયે ઝડપથી ઓસરતી ચાલી! ઉમાશંકર બાળાશંકરની ‘નક્કર સાહિત્યસેવા’નો વીગતે ખ્યાલ આપે છે. (પૃ. ૩૮–૩૯) આ કવિનું સ્વપ્નદ્રષ્ટાપણું ‘ભારતીભૂષણ’ના સંચાલન–સંપાદનમાં, વડોદરાના ‘જ્ઞાનમંજુષા’ના કાર્યમાં, જૂનાગઢ રાજ્યની મદદથી ઉપડેલા ‘ઇતિહાસમાલા’ના કાર્યમાં બરોબર જોવા મળે છે. બીડનું કારખાનું સ્થાપવા જેવાં એમનાં સાહસકાર્યો પણ રંગ લાવત, પણ એમની પ્રકૃતિ ને એમનું પ્રારબ્ધ જ એમાં આડું આવ્યું. ગુજરાતી ભાષા અને સાહિત્યને, ગુજરાતના કલાસંસ્કાર અને એની સંસ્કૃતિને અનેક રીતે ન્યાલ કરી શકે એવા ખ્યાલો તથા પ્રકલ્પો એમના ચિત્તમાં હતા. કદાચ તેઓ કેટલીક બાબતમાં એમના જમાનાથીયે આગળ હતા; પરંતુ પરિસ્થિતિ ને પ્રકૃતિવશાત્ આ ‘આત્મવીર’ (પૃ. ૪૯) કવિ એમની અલૌકિક સંપત્તિનો પૂરો લાભ ગુજરાતને આપી શકે તે પૂર્વે અકાલે માત્ર ચાલીસ વરસે અવસાન પામ્યા. ગુજરાતને શૂદ્રકના ‘મૃચ્છકટિક’નો અનુવાદ અર્પનાર આ કવિને ઉમાશંકર સાભિપ્રાય ‘અર્વાચીન ચારુદત્ત’ તરીકે નિર્દેશે છે. (પૃ. ૫૨) ‘સ્વાગત’ કાવ્યમાં ‘ગુજરાતી કવિતાના સાક્ષાત્ મૂર્તિમત વિપ્રલંભ’ (પૃ. ૧૦૯) તરીકે વર્ણવાયેલા આ કવિ જીવન અને કવનમાં અલગારી જણાય છે. એમનો જીવવાનો ને કવવાનો પોતાનો આગવો કેડો છે. એમણે જ લખેલું છે : ‘મહામસ્તાન જ્ઞાનીના મગજનો તાર જુદો છે.’ (પૃ. ૫૦) ખુવારી વહોરતાંયે ખમીર ને ખુમારીનો પરચો આપનારા, સૌ પોપટ પાળે તો આ કવિ કાગડો પાળે એવી ફાંટાબાજી ને ફાંકાબાજીની લિજ્જત લેનારા આ કવિથી ગાંધીયુગના ગુરુ જો રામનારાયણ વિ. પાઠક તો ગાંધીયુગના ફરજંદ ને કવિ ઉમાશંકર પણ આકર્ષાયા તે ઘટના ‘ક્લાન્ત કવિ’ની કવિતાના દૈવત ને કૌવતની નિર્દેશક છે. ૧૯મી સદીના પ્રતિનિધિ કવિઓમાં ગૌરવભેર જેમની ગણના કરવી પડે એવા, સુન્દરમ્‌ જેમની કવિતામાં અર્વાચીન ગુજરાતી કવિતાનો એક વળાંક જુએ છે એવા આ ‘મસ્ત કવિ’ની સમસ્ત કવિતાનો ઉમાશંકરે ‘સ્નેહાલાપનો કવિ’ લેખમાં ઘણો તલસ્પર્શી ખ્યાલ આપ્યો છે. ‘ક્લાન્ત કવિ’ના સંપાદનનો ઉપયોગી ઇતિહાસ આપી, તેમની રચનાઓના કર્તૃત્વની એક સંનિષ્ઠ સંશોધકની હેસિયતથી ચર્ચાવિચારણા કરી અને એમ કરતાં ભૃગુરાય આદિના મતમતાંતરોની જરૂરી સમીક્ષા કરી ઉમાશંકરે એક ઉત્તમ ભાવકની ભૂમિકાએથી મસ્ત કવિ બાળાશંકરની ‘કોમલ નાદમસ્ત કવિતા’નો સોદાહરણ પરિચય આપ્યો છે. એમાંયે ‘ક્લાન્ત કવિ’ની કૃતિનું સૂક્ષ્મતાથી વિશ્લેષણ કરી, એ કાવ્ય પરકીયાપ્રેમનું કાવ્ય લેખીને ઉપેક્ષી શકાય એવું નથી; બલકે શાક્ત, અદ્વૈત અને સૂફીવાદની તાત્ત્વિક ભૂમિકાએ રચાયેલું પ્રેયસીમાં – પત્નીમાં – ભગવતી ચિતિનું દર્શન કરતું સ્નેહ-તત્ત્વ-દર્શનનું અનોખું કાવ્ય હોવાનું ઉમાશંકરે સમર્થ રીતે પ્રતિપાદિત કર્યું છે. ઉમાશંકરે બાળાશંકરના શિખરિણી ને શાર્દૂલવિક્રીડિત છંદની અનન્યતા નિર્દેશી છે. (પૃ. ૧૦૫) ગઝલમાંય તેઓ ગુજરાતી ભાષાની ઇબારત સાચવતા રહીને ગઝલિયત સિદ્ધ કરનારા કવિ હોવાનો ઉમાશંકરનો અભિપ્રાય છે. આમ બાળાશંકરના જેવા કવિની કવિતાના આસ્વાદમૂલક સંશોધન – સ્વાધ્યાયના જ એક અનિવાર્ય ઉપક્રમ રૂપે એમનું આ રમણીય ચરિત્ર ગુજરાતને આપ્યું તે એમની ઉલ્લેખનીય કાવ્યસેવા છે. એક ચરિત્રકાર તરીકે તેમણે નવલરામ-નિર્દિષ્ટ જે શોધ, સત્ય, વર્ણન અને વિવેકશક્તિ આ ચરિત્રમાં દાખવ્યાં છે તે ઉત્કૃષ્ટ કક્ષાનાં છે એમ કહી શકાય.