ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ગાંધીકથા
ઉમાશંકરે યુવાનીથી ગાંધીજી જેવા મહામાનવની સંનિધિ સ્વીકારી. એમનું મન ‘વિશ્વશાંતિ’ની કવિતા કરતાં ગાંધીજીની છાયામાં – એમના સાન્નિધ્યમાં જઈને વિરમ્યું. “અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો”[1] – એમ તો એ કહે જ છે ને તે આપણે જાણીએ છીએ. ગાંધીજી પોતે વ્યાપક માનવતાના બળવાન પ્રતીકરૂપ હતા. “ગાંધીજી એટલે અહિંસા, સાક્ષાત્ આચારમાં મહેકતી પ્રેમશક્તિ”[2] – આવું અતિશયોક્તિમૂલક ભાવભક્તિદ્યોતક સમીકરણ ૧૯૬૪માં પણ તેઓ આપે છે ! તેમના ચિત્તનો તાર – ‘મગજનો તાર’ ગાંધીજીના જીવન-આદર્શ સાથે કેટલું મજબૂત અનુસંધાન ધરાવે છે તેનો આ એક સંકેત છે. તેમણે ગાંધીજીના વિવિધ પ્રસંગોને કાવ્યમાં – પદ્યમાં તેમ જ ગદ્યમાં સાંકળ્યા છે. ગાંધીજીવનને – તેમના આચાર તેમ જ વિચારને અનુલક્ષીને, અવસર મળ્યો છે ત્યારે, વાત કરવાનું તેમણે પસંદ કર્યું છે. ‘વિશ્વશાંતિ’માં ગાંધીજીની સત્યાગ્રહ-સાધનાનું વૈશ્વિક માનવીય મૂલ્યોના સંદર્ભમાં તેમણે સ્વાગત કર્યું. તેમણે ‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ’ – એમ સૂત્રઘોષણાય કરી ને એમ કરતાં બુદ્ધથી ગાંધી સુધીની એક અહિંસાનિષ્ઠ પરંપરા પણ બતાવી આપી. ગાંધીના ભવ્ય જીવનને ગાવા માટે યુગદ્રષ્ટા કોઈ કવિની આવશ્યકતા પણ તેમણે પ્રતીત કરી. ‘બાણપથારી’માં ગાંધીજીની જીવનબલિગાથાનો મહિમા તેમણે આદર્શમુગ્ધ ભાવથી નિરૂપ્યો અને ‘મૃત્યુનો યાત્રી’ કાવ્યમાં તેમના જીવનનો એક માર્મિક પ્રસંગ પણ આલેખ્યો. ‘નિશીથ’માં પણ ઉમાશંકર ‘સાબરદર્શન’ કરતાં સંતની ‘જગજ્યોત કુટીર’નો નિર્દેશ કર્યા વિના રહી શકતા નથી. ‘આતિથ્ય’માં તેઓ ગાંધીજીના એકવીસ ઉપવાસ પછીના પ્રભાતને અનુલક્ષીને આનંદોદ્ગાર કાઢે છે. કેવળ ગાંધીજીનો જ નહીં કસ્તૂરબાનો પણ લેખકના હૈયે કેટલો આદર વસ્યો છે તે “प्रसीदत रुद्यते” — એ સૉનેટમાં જોવા મળે છે. ગાંધીજી વિશેની એમની શ્રદ્ધા ‘વસંતવર્ષા’માં, ‘વિશ્વશાંતિ’ – ‘ગંગોત્રી’ પછી ઠીક ઠીક બુલંદીથી પ્રગટ થઈ છે. ગાંધીજી પ્રત્યેની અનુરક્તિ માનવ્યનિષ્ઠાનો સ્પષ્ટ રીતે પર્યાય થતી જણાય છે. ‘ગાંધી બાપુનું જન્મસ્થાન’ ‘મૃદુ માનવહૈયું’ હોવાનું કવિ જણાવે છે.[3] સત્યને એના ગાંધી મળી રહેશે એવી શ્રદ્ધાયે તેઓ વ્યક્ત કરે છે.[4] ગાંધીજીના મૃત્યુએ ઉમાશંકરના કવિહૃદયને ઠીક હલાવ્યું છે. ગાંધીજીની છબી તો છેક ‘વિશ્વશાંતિ’-કાળથી એમના હૃદયમાં ઝિલાયેલી હતી, પરંતુ એ ગાંધીનું હોવું અથવા ન-હોવું તે એક જીવનમૂલ્ય – વૈશ્વિક મૂલ્ય લેખક માટે બની રહેતું હોય એમ સ્પષ્ટ રીતે ‘વસંતવર્ષા’ના કાવ્યગાળામાં પ્રતીત થાય છે. યુદ્ધખોરીનો દુ:ખદ અનુભવ પણ ઉમાશંકરની ગાંધીમૂલ્યની ઉત્કટ અભીપ્સામાં કારણભૂત હશે. ‘વસંતવર્ષા’માં ‘આમાર જીબન ઇ આમાર બાની’, ‘મૃત્યુદંડ’, ‘રેંટિયાબારશ : ૨૦૦૪’, ‘અંત એ કલિચક્રનો ?’, ‘ત્રણ અગ્નિની અંગુલી’ તથા ‘રડો ન મુજ મૃત્યુને !’ કાવ્યોમાં ગાંધીજીની વિદાયે જે દુ:ખદર્દ કવિહૃદયમાં પ્રેર્યાં તેના સીધા ઉદ્ગારો છે. આ ઉદ્ગારોમાં સચ્ચાઈનું તત્ત્વ હોઈ તેની અસર ઉત્કટ છે. ગાંધીજીના મૃત્યુમાં પોતાની પણ જવાબદારી હોવાની કબૂલાતમાં ઉમાશંકરની જાગ્રત માનવ્યદૃષ્ટિ તથા માનવમાત્ર માટેની સહાનુભૂતિની પરિષ્કૃત લાગણી જવાબદાર છે એમ કહી શકાય; ગોડસેની હત્યામાં તેઓ નહીંતર પોતાને જવાબદાર ન લેખત. ગાંધીજીની હત્યા એ તો માનવજાતિને માટે એક આત્મનિરીક્ષણની ક્ષણ છે ને ઉમાશંકર જાગ્રત કવિકર્મથી એ ક્ષણનો હિસાબ આપવા મથ્યા છે. ‘અભિજ્ઞા’માં “ગાંધીજયંતી તે દિને” (પૃ. ૬૫) કાવ્યમાં પણ ઉમાશંકર માનવ્યલક્ષી કાર્યો કે માનવસેવાની પ્રવૃત્તિઓમાં જ ગાંધીજીની જયંતી જુએ છે. આમ ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની કાવ્યયાત્રામાં ઉમાશંકરનો ગાંધી-ભાવ એકધારો ઉન્નત ભૂમિકાએ પ્રકટ થતો રહ્યો છે. તેમનાં ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં કાવ્યોમાં પણ ગાંધીભાવનાના અણસાર જોવાના પ્રયત્નો થયા છે. ‘શહીદ’ એકાંકી-સંગ્રહમાં પણ ગાંધીભાવનાનો એક તાર શોધી કાઢવો મુશ્કેલ નથી. એ રીતે એમના કાવ્ય, નાટ્યાદિ સાહિત્યમાં કોઈક ને કોઈક રીતે ગાંધીભાવનાનો ઓછાયો જોવા ઇચ્છનારને જડી શકે એવી સ્થિતિ છે જ. આમેય એમની રસરુચિના ઘડતરમાં, જીવનદૃષ્ટિના વિકાસમાં ગાંધીમૂલ્યોનો સીધો ફાળો લાગે જ છે. આ પરિસ્થિતિમાં ઉમાશંકર પોતે ગાંધીજી વિશે લખવાનું ટાળત તો જ નવાઈ તો લાગત. સ્પષ્ટ રીતે ગાંધીજીવિષયક કહેવાય એવાં બે પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે : ૧. ‘ગાંધીકથા’ અને ૨. ‘સૌના સાથી, સૌના દોસ્ત’ – એ બાળકો માટેની ગાંધીજીવિષયક પુસ્તિકા. ‘વિશ્વશાંતિ’ને પણ ગાંધીવિષયક પુસ્તકોની યાદીમાં કોઈ મૂકી દે તો તે પાછળનાં કારણો સમજી શકાય એવાં છે. વળી આ સંદર્ભમાં ‘જીવનનો કલાધર’ પુસ્તકનેય યાદ કરવું જોઈએ. ઉમાશંકરે ગાંધીજીના ધર્મચિંતન, એમનાં જીવનમૂલ્યો વિશે પણ પ્રસંગોપાત્ત, નોંધ કરી છે. (તેઓ ઇચ્છે તો ગાંધીજીવિષયક એમનાં લખાણોનો એક અલગ ગ્રંથ થઈ શકે. એમણે પદ્ય તેમ જ ગદ્ય ઉભયમાં ગાંધીસત્ત્વની વંદનાનો યુગધર્મ – કવિધર્મ બજાવ્યો છે. 1978માં કરેલી આ નોંધ ઉમાશંકરના અવસાન બાદ ‘જીવનનો કલાધર’ પુસ્તક ડૉ. નંદિની જોશી દ્વારા સંપાદિત થઈ પ્રગટ થતાં સાર્થક થઈ છે એમ જણાવવું જોઈએ.) તેમણે ઑગસ્ટ, ૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીએ જે પ્રાર્થનાપ્રવચનો કરેલાં તેની નોંધ રાખી હતી અને તે નોંધો પરથી કરેલ લખાણ ‘ગાંધીજીનાં પ્રાર્થના-પ્રવચનો’ — એ શીર્ષક હેઠળ ‘સંસ્કૃતિ’–૧૯૪૭ના મે, જૂન અને જુલાઈના અંકોમાં પ્રગટ થયેલું. ઉમાશંકરનો ગાંધી-રસ કેટલો ઉત્કટ હતો તે આવાં બધાં દૃષ્ટાંતોથી સમજાય છે. આ ઉમાશંકર ગાંધીજીના મૃત્યુપ્રસંગે તેમ તેમના શતાબ્દી-પ્રસંગેય કલમ પાસેથી રચનાત્મક – સર્જનાત્મક કામ કઢાવીને રહે છે. તેમણે ૧૯૬૯ના ગાંધીજન્મશતાબ્દીના વર્ષ દરમિયાન ‘સંસ્કૃતિ’માં જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીમાં ગાંધીજીના આંતર-વ્યક્તિત્વનો, એમના આંતરસત્ત્વનો પરિચય આપતા ૧૨૫ પ્રસંગો કુલ ૮૪ પૃષ્ઠોમાં આપેલા.[5] આ કથાનું યથાર્થ સ્વરૂપ તો પ્રસંગમાળાનું જ છે, પરંતુ સત્ય-અહિંસાના આરાધકના સંવાદનિષ્ઠ વ્યક્તિત્વનો એક સૂર વિવિધ પ્રસંગોમાંય સતત સંભળાતો રહે છે અને એ બધા પ્રસંગોમાંથી એક સંવાદમધુર ઉદાત્ત વ્યક્તિત્વ જ અખંડ રૂપે પ્રગટી આવે છે. અને તેથી તેનું ‘ગાંધીકથા’ શીર્ષક સાર્થક છે. ઉમાશંકરે ગાંધીજીના જીવનકાર્ય વિશેની પોતાની ચર્ચાવિચારણા રજૂ કરવાને બદલે, ગાંધીજીના જીવનને જ રજૂ કરવાનું મુનાસિબ માન્યું એમાં એક સર્જકબુદ્ધિનો જીવનવિવેક આપણે જોવો જોઈએ. ગાંધીજીનું જીવન એ જ એમની વાણી. (‘આમાર જીવન ઇ આમાર બાની.’) એ રીતે ઉમાશંકરે ગાંધીજીના જ જીવન દ્વારા એમનો પરિચય આપવામાં ઉત્કૃષ્ટ સત્યવિવેક દાખવ્યો છે એમ કહેવું જોઈએ. ગાંધીજીએ પોતે પોતાને ઘડ્યા છે. ઉમાશંકરે કહ્યું છે તેમ, ગાંધીજીના એક માત્ર શિષ્ય તે ગાંધીજી જ હતા ! અને ગાંધીજીએ જીવનની ક્ષણેક્ષણ ચીવટપૂર્વક એ શિષ્યના ઘાટ-ઘડતરમાં વાપરી છે. ગાંધીજીના જીવનની અનેક બહુમૂલ્ય ક્ષણોમાંથી અહીં કેટલીક પસંદ કરીને ઉમાશંકરે આપી છે. આ ક્ષણો – પ્રસંગો ઉમાશંકરને મન ‘કપૂરના દીવા’ બરોબર છે. એના પ્રકાશમાં ગાંધીજીની ભવ્યવત્સલ તપોમૂર્તિ તરીકેની છવિ સુરેખ રીતે પ્રકટ થાય છે. ગાંધીજીની ‘ભવ્યસુંદર જીવન-આકૃતિ’નું એક વિશિષ્ટ દર્શન કરાવવાનો આ પ્રયત્ન છે અને એ પ્રયત્ન રોચક છે એમાં શંકા નથી. અહીં જે પ્રસંગો આપ્યા છે તે નથી સમયક્રમે કે નથી અનુભવવસ્તુના ક્રમે. લેખકનો પ્રયત્ન ગાંધીજીનું સમગ્ર જીવન સાલવારી રૂપે આપવાનો નથી જ. તેઓ તો જેમ જેમ ગાંધીજીના જીવનવિષયક પ્રસંગો લખાતા ગયા તેમ તેમ ‘સંસ્કૃતિ’માં છપાવતા ગયા ને તેના પરિણામ-સ્વરૂપે આ ‘ગાંધીકથા’ પુસ્તક ઉપલબ્ધ થઈ શક્યું. લેખકે આ પ્રસંગો ગાંધીજીનું તેમજ ગાંધીજીવિષયક જે વિશાળ સાહિત્ય છે તેમાંથી વીણ્યા છે. ગાંધીજીના સાહિત્ય ઉપરાંત, તેમણે પ્રસ્તાવનામાં જણાવ્યું છે તે પ્રમાણે, મહાદેવભાઈની ડાયરીઓ (ભાગ : ૧–૯), સદ્ગત રાવજીભાઈ પટેલનાં પુસ્તકો, કાકાસાહેબ કાલેલકર અને મનુબહેન ગાંધીનાં પુસ્તકો, પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’, સદ્ગત રામદાસ ગાંધીનાં ‘સંસ્મરણો’ તથા શંકરલાલ બૅંકરકૃત ‘ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ’ — આ બધું સાહિત્ય ઉપયોગમાં લીધું છે. ગાંધીજીવનના કેટલાક પ્રસંગો વિજયાબહેન પંચોળી, પ્રભાવતીબહેન જયપ્રકાશ નારાયણ તથા મદાલસાબહેન શ્રીમન્નારાયણ પાસેથી લીધા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ ગાંધીકથાના પ્રસંગો ગાંધીજીના બાળપણથી માંડીને તેમની ઉત્તરાવસ્થા સુધીના સમયગાળાને આવરી લે છે. તેમાં રંભાએ રામનામનો મંત્ર આપ્યો, તે પ્રસંગ છે, વ્રતધારી માતા માટે સૂર્યની રાહ જોવામાં પોતે પણ જોડાયા હોય એ પ્રસંગ છે. એમાં શિક્ષકે ‘Kettle’–ની જોડણી સુધારવાનું કહ્યું ને પોતે ન સુધારી એ પ્રસંગ છે અને માંસાહારાદિ માટે કરજ કરી, પછી પિતાને પ્રાયશ્ચિત્તપત્ર પોતે પાઠવતા હોય – તે પ્રસંગ પણ છે. આ રીતે આ ‘ગાંધીકથા’માં અનેક જાણીતા પ્રસંગો છે. ગાંધીજીની નબળાઈઓ કે ભૂલોનો નિર્દેશ કરતા પ્રસંગો જેમ છે તેમ તેમની સબળતા અને ખબરદારીનો નિર્દેશ કરતા પ્રસંગો પણ અહીં છે. અંધકારથી ડરનાર મોહન મીર આલમની ધમકીથી ડર્યા વિના સાચું લાગે તે કરે છે ને જાનને જોખમમાં મૂકે છે. (પ્રસંગ : ૧૦૯) અન્યાય અથવા જોહુકમીને વશ થવાનો ઇનકાર કરતા તેમના વિદ્રોહી આત્માનું ચિત્ર મારિત્સબર્ગની ટ્રેનઘટનામાં આલેખાયું છે. (પ્રસંગ : ૬૪) પ્રભાશંકર પટ્ટણી સાથેનો ‘કુછ ફિકર નહિ’વાળો પ્રસંગ તેમની અભયમૂલક નમ્રતાનો સુંદર પ્રસંગ છે. (પ્રસંગ : ૧૦૫) તેઓ ક્રમશ: મૃત્યુના ભયને લગભગ જીતી શક્યા હોય એવું લાગે છે. વાયવ્ય સરહદના પ્રાંતની મુલાકાતે જાય છે ત્યારે તેઓ પોતાના રક્ષણ માટે વ્યવસ્થા અનાવશ્યક હોવાનું કહી ટાળે છે, પોતે ચંપારણ બાજુ હતા ત્યારે પોતાને ખૂનની ધમકી આપનાર ગોરાને ત્યાં એક રાત્રે એકલા જ પહોંચી જાય છે ને એ રીતે એ ગોરાને જ આશ્ચર્યમાં મૂકી દે છે. (પ્રસંગ : ૪૬) કૅલનબૅક ગાંધીજીના રક્ષણ માટે રિવૉલ્વર રાખતા. ગાંધીજીને તેની જાણ થતાં એ રિવૉલ્વર તેમની પાસેથી તેમણે દૂર કરાવી ને તે પણ આ માર્મિક વચનો કહીને — “વાહ, ભાઈ, તમે તો પરમેશ્વરનો અધિકાર પણ ઝૂંટવવાની ઠીક હિંમત કરી !” (પૃ. ૪૧) ગાંધીજી પોતે નિર્ભયતાને આરાધે છે તે સાથે બીજાઓને નિર્ભય થવા પ્રેરે પણ છે. મનુબહેનને તેઓ નાહવા માટેનો પથ્થર લેવા એકલી અજાણ્યા પ્રદેશમાં મોકલે છે ને જ્યારે પથ્થર લઈને આવે છે ત્યારે ગાંધીજી તેને કહે છે : “મારે બહેનોને નીડર બનાવવી છે. આ કસોટી કેવળ તારી નહિ, પણ ખરું પૂછો તો મારી પણ હતી.” (પૃ. ૮૮) ગાંધીજીનો સચ્ચાઈનો આગ્રહ સર્વોપરી હતો. સાચું કરવું અને કહેવું તે એમનો આદર્શ હતો. તેઓ કહે છે “દેશના હિત માટે લોકોને કંઈ અપ્રિય કહેવાની જરૂર ઊભી થાય ત્યારે એ તે મને કહેવાની શક્તિ આપે.” (પૃ. ૧૧૩) તેઓ ડૉ. હરિપ્રસાદને પોતાના વિકાસની ગુરુચાવી બતાવતાં કહે છે કે
- “હું તમારા જેવો જ હતો. મારામાં ને તમારામાં અને તમારામાં કે કોઈમાં કશો ફરક ન મળે, સિવાય એક બાબતનો. મને જે વસ્તુ સાચી સમજાય છે તેને હું તે જ ક્ષણથી અમલમાં મૂકતો રહું છું.” (પૃ. ૧૦૦)
ગાંધીજી બાળકોમાં પણ સત્ય, અભય વગેરે ગુણો કેળવાય એવી કેળવણીના હિમાયતી છે. બાળકો પોતાની મર્યાદાઓ સમજતા થાય એ તેઓ જરૂરી લેખે છે. જે બાળકો એમ માને છે કે પોતે કદી જૂઠું બોલતાં નથી, તેમનો રસ્તો કઠણ હોય છે એમ ગાંધીજી માને છે. (પૃ. ૧૩) ગાંધીજી અસત્યનો આશ્રય લઈને કોઈ પણ લાભ લેવાના વિરોધી છે. સાધનશુદ્ધિના તેઓ પ્રખર હિમાયતી છે. જોહાનિસબર્ગમાં પ્રાગજીભાઈ કર્ફ્યુ દરમિયાન છૂપી રીતે ગાંધીજીની પાસે આવે છે ત્યારે ગાંધીજી તેમને આવકારતા નથી. તેઓ તેમને પાછા મોકલી દે છે. ગાંધીજીની આ કાયદાપાલનની સંનિષ્ઠ વૃત્તિ – સત્યવૃત્તિને ઉમાશંકર ઉચિત રીતે સૉક્રેટિસની વૃત્તિ સાથે સરખાવે છે. (પૃ. ૬૩) ગાંધીજી જેલમાં પણ બધા જ નિયમોનું વફાદારીપૂર્વક પાલન કરતા અને કોઈ પણ અઘટિત છૂટ લેતા નહીં. લેખકે તેમના જેલજીવનના અનેક પ્રસંગો (દા.ત., પ્રસંગ : ૩૬, ૪૩, ૪૪, ૪૫, ૫૦, ૮૬ વગેરે) અહીં આલેખ્યા છે. એક પ્રસંગમાં તો કેદી ગાંધીજી મુલાકાતી કસ્તૂરબા સાથે નિરાંતે – છૂટથી વાતચીત કરી શકે એ ખ્યાલથી જેલર એ બંને વચ્ચેથી ખસી જાય છે ને એ પાછા આવે છે ત્યારે તેને ખબર પડે છે કે બંને જણે જેલનિયમને આધીન રહીને જેલરની અનુપસ્થિતિમાં હરફ સરખોય ઉચ્ચારેલો નહીં ! (પૃ. ૫૧) લેખકે આવા પ્રસંગોની પસંદગીમાં એમની સૂક્ષ્મ સંવેદનશક્તિ, એમનો જીવનવિવેક – કલાવિવેક પણ બતાવ્યાં છે. આ પ્રસંગમાળામાંનો એક ઉત્કૃષ્ટ પ્રસંગ તો ૧૨૦મો છે. અત્યંત ટૂંકો, છતાં માર્મિક. એકેય શબ્દ એ પ્રસંગે બોલાતો નથી, છતાં એ પ્રસંગ ગાંધીજી – મહાદેવભાઈના સંબંધ વિશે ઘણું ઘણું કહી શકે છે. બળબળતો ઉનાળાનો દિવસ હતો. બાપુજી જરી આડે પડખે થયેલા ને ત્યારે એમના જુવાન સાથી મહાદેવભાઈ એમને પંખો નાખતા હતા. કેટલાક સમય પછી મહાદેવભાઈએ આંખ ખોલી તો જોયું કે બાપુજી એમને પંખો નાખી રહ્યા હતા. (પૃ. ૧૩૫) ગાંધીજીની આ હૃદયભાવનાનું આલેખન કેટલું હૃદયંગમ છે ! જે ગાંધીજી પોતાના ૧૩ વર્ષના પુત્ર મણિલાલને પોલાક માટે પુસ્તક લાવી આપવાનું વચન પળાવવા રાત્રે છ માઈલનો ધક્કો ખવરાવી શકે છે એ ગાંધીજી બાળકોને છાશ ન મળ્યાથી દુ:ખ અનુભવે છે. (પ્રસંગ : ૪) તેઓ રાત્રે ઊઠીને એક અનાથ બાળક સોમાની સૂવાની સગવડ બરોબર છે કે નહિ તે પણ તપાસી લે છે ને ઊંઘતા સોમાના માથા નીચે એક ગડીબંધ લૂગડાનું ઓશીકું ગોઠવી દે છે. આ પ્રસંગનું નિરૂપણ કરતાં ઉમાશંકર છેલ્લે એક વાક્ય (અલબત્ત, રમણીય વાક્ય) “એના આરામમાં એક મહાત્માનું કાળજીભર્યું વાત્સલ્ય ઓશીકારૂપે આવીને ગોઠવાયું હતું” (પૃ. ૭) – લખવાની લાલચ રોકી શકતા નથી. ગાંધીજી માનવીય સંબંધોમાં સ્નેહને જ પ્રાધાન્ય આપે છે. તેઓ દૃઢ સંકલ્પધારી છે. કસ્તૂરબા માટે થઈને એક વર્ષ માટે કઠોળ-મીઠું છોડતાં એ જરાય વાર લગાડતા નથી. (પ્રસંગ : ૩૫) એ ગાંધીજી જીવનમાં વ્રતસિદ્ધાંતોના પાલનમાંય ચીવટ દાખવે છે પણ એમાં જડતા ન આવી જાય તેનીયે તકેદારી રાખે છે. તેઓ અબદુલ ગફારખાનનાં બાળકો માટે માંસ, ઈંડાં રંધાવી આપવા પણ તૈયાર થાય છે. (પૃ. ૧૦૬) આ તૈયારી પાછળ તેમની બાળકો માટેની સત્પ્રીતિ જ કારણભૂત છે. ગાંધીજી નટેસનના નાના દીકરાએ આપેલી ટુકડો પેન્સિલ માટે સારી પેઠે શોધખોળ કરે છે ને પેન્સિલ શોધીને જ જંપે છે. ગાંધીજી હંમેશાં પોતાની જાતને ગરીબોની સાથે જ મૂકતા હતા. પોશાકમાં તો સાદગી રાખેલી જ, ખોરાકમાં પણ તેઓ પાંચ પદાર્થોથી વધારે નહિ લેવાનો નિયમ રાખે છે. (પ્રસંગ : ૭૨) તેઓ પોતાનો ખોરાક ગરીબનો હોય એમ ઇચ્છે છે. (પ્રસંગ : ૧૨૧) ગરીબોનું કામ પડતું મેલી કોઈ પોતાને માટે દોડી આવે તેય તેઓ પસંદ કરતા નથી. (પ્રસંગ : ૭૭) તેઓ પોતાને ખેડૂત-વણકર તરીકે તો ઓળખાવતા જ હતા, તેમનું ચિત્ત ગરીબો-દલિતોનાં દુ:ખ જોઈને દ્રવતું. તેઓ ગરીબના દાનનો ભારે મહિમા કરે છે. (પ્રસંગ : ૧૦૦) તેઓ પોતે ઠાઠમાઠ કે સુખસાહ્યબીથી વેગળા રહે છે ને તેથી જ કૅલનબૅક એમને માટે થઈને મોટર ખરીદી લાવે છે તો તે તુરત ને તુરત લિલામ-મથકે મોકલાવીને જ જંપે છે. ગાંધીજી દરેકેદરેક વસ્તુનો પૂરેપૂરો ને સારામાં સારો વિનિયોગ થાય એ માટે સતત સભાન હોય છે. પાણી કે માટી કુદરત પાસેથી મફતમાં મળે છે માટે તેનો મન ફાવતો વિનિયોગ કરવામાં આવે તે એમને જરાય મંજૂર નથી. (પ્રસંગ : ૨૩ અને ૨૪) મનુષ્ય એકલો અહીં જીવતો નથી. કુદરત એકલા મનુષ્ય માટે નથી. કુદરતની સહિયારી મિલકતમાંથી ખપ કરતાં જરાયે વધારે લેવું એ ગાંધીજીને મન અપરાધ છે. તેમનો વ્યાપક પ્રેમ જ તેમને જીવનમાં આવા શિસ્ત સાથે જીવવાની પ્રેરણા અને સમજ આપી શક્યો છે એ સ્પષ્ટ છે. “મહાન જીવન એ નાનીનાની વિગતોનો જ સરવાળો હોય છે.” (પૃ. ૨૦) — આ ઉમાશંકરની વાત ‘ગાંધીકથા’માં સુપેરે ઊપસી આવે છે. જે ગાંધી હરિજનફાળાના પૈસાની જાળવણી માટે ખરીદાયેલી પેટીનો ખર્ચ મંજૂર કરતા નથી એ ગાંધી લોકોને આપેલો સમય પાળવા માટે થઈને સ્પેશિયલ ટ્રેનનું રૂ. ૧૧૪૦–૦૦ ભાડું ચૂકવતાં જરાય અચકાતા નથી. ગાંધીજી કયાં મૂલ્યોની જિકર કરે છે એ જ આ બધામાં મહત્ત્વની બાબત છે. ઉમાશંકરે ગાંધીજીની પ્રયોગવીરતા, કર્મવીરતા, પ્રેમવીરતા, સત્યવીરતાની અહીં બરોબર ઝાંખી કરાવી છે. બ્રિટિશ સલ્તનતની સત્તાના વ્રજકોટમાં ક્યાં છીંડું પાડું – એનું સતત ચિંતવન કરતા ગાંધીજીની ઉદાત્ત મૂર્તિ અહીં માનસપ્રત્યક્ષ થાય છે. ગાંધીજીની મુત્સદ્દીગીરી કે એમનીય રાજકીય કામગીરીને ઉપસાવવાનો લેખકનો ખ્યાલ નથી એ સ્પષ્ટ છે. તેઓ મોહનમાંથી મહાત્મા બનનાર ગાંધીજીના આંતરજીવનની જાગૃતિ – પુરુષાર્થ ને આનંદોત્સાહની અમૃતક્ષણોને આપણી સમક્ષ સચોટ રીતે મૂકવા માગે છે. ઉમાશંકરને ગાંધીજી વિશે કશું નવું કહેવાનું નથી, પણ એમને ગાંધીજી વિશે કંઈક વધારે સારી રીતે, વધારે સૂક્ષ્મભાવે કહેવાનું છે. તેઓ ગાંધીજીના સરળ-સંકુલ સત્યપ્રતિષ્ઠ વ્યક્તિત્વનો સર્વાંગીણ પરિચય આપવા માગે છે. ગાંધીજીની ઓળખાણ વધારે ઊંડી રીતે – પાકી રીતે થાય એ તેમનો મકસદ છે અને એ પાર પડ્યો છે એમ કહેવામાં તકલીફ નથી. લેખકે ગાંધીજીની વિનોદવૃત્તિને લગતા પ્રસંગો પણ અહીં લીધા છે. ગાંધીજી બાળકો સાથે બાળક થવાની પ્રશસ્ય શક્તિ ધરાવતા હતા. આઠમો પ્રસંગ આ શક્તિનો જ આનંદ પ્રકટ કરે છે. નીલા નાગિનીના દીકરા માટે થઈને બાપુજી જે અછોવાનાં કરે છે તે જોઈને સરદાર વિનોદ કર્યા વિના રહી શકતા નથી. તેઓ કહે છે : “ભાઈ, બધું કરશે. ઘરડેઘડપણ દીકરો આવ્યો છે એટલે ગમે તેટલાં લાડ લડાવે. આપણાથી ન બોલાય.” (પૃ. ૧૦૮) ગાંધીજીની મોટેરાંઓ સાથે પણ વિનોદવાર્તા ચાલતી હોય છે. અને તેના કેટલાક પ્રસંગો (પ્રસંગ : ૯, ૧૫, ૫૭, ૭૪, ૧૧૭ વગેરે) પણ અહીં નિરૂપવામાં આવ્યા છે. ‘સ્નેહરશ્મિ’ નામ અને એ નામ ધરાવનાર કવિની દેહસમૃદ્ધિ વચ્ચેના મેળનો અભાવ જોઈ ગાંધીજીએ મજાક કરતાં કહેલું : “ક્યાં ગયું પેલું સ્નેહનું રશ્મિ ? ફોઈએ તો નામ પાડવામાં ભૂલ કરી, પણ પોતે શું જોઈને ‘સ્નેહરશ્મિ’ નામ પસંદ કર્યું હશે ?” (પૃ. ૧૪) ગાંધીજીની વિનોદવૃત્તિ એમની આંતરિક સ્વસ્થતાની સાબિતી છે. હાસ્યવૃત્તિનું વરદાન બધાંને હોતું નથી. ગાંધીજી-સરદાર પાસેની વિરલ એવી હાસ્યવૃત્તિ એમના આંતરિક મહિમાને વિશેષભાવે પ્રકટ કરે છે. ‘ખજૂર’વાળા પ્રસંગમાં (પ્રસંગ : ૯) સરદાર-ગાંધી વચ્ચે જે સંવાદ થાય છે તેમાં વિનોદની સાથે સાથે જ સ્નેહનું તત્ત્વ એની અંદર ઊંડે રહેલું છે તેની રમણીય પ્રતીતિ થાય છે. આ અનેક ગંભીર – રાષ્ટ્રીય મામલાઓમાં પડેલી વ્યક્તિ જેટલી સહેલાઈથી બે કામ વચ્ચેના આંતરામાં બેપાંચ મિનિટ ઊંઘી લઈ શકે છે તેટલી જ સહેલાઈથી હસી લઈ શકે છે. દેશના ગંભીર પ્રશ્નોની જોડાજોડ પરિવારના સામાન્ય પ્રશ્નોની પતાવટ પણ એકસરખી નિષ્ઠાથી તેઓ કરતા હોય છે. (પ્રસંગ : ૧૧૩) ગાંધીજીના આત્માની અમીરાઈ આવા પ્રસંગોએ બરોબર અનુભવાય છે. ગાંધીજી જેમ અનેકની ભક્તિનું ભાજન બની રહ્યા હતા, તેમ તેમણે પણ ગોખલે જેવા મહાનુભાવોને પોતાની જાગ્રત ભક્તિનું ભાજન બનાવ્યા હતા. ઉમાશંકરે ગાંધી-ગોખલે (પ્રસંગ : ૧૦૩) ગાંધી-બર્નાર્ડ શૉ (પ્રસંગ : ૧૪), ગાંધી-જનરલ સ્મટ્સ (પ્રસંગ : ૧૨૩), ગાંધી-રેવરંડ ડૉક (પ્રસંગ : ૧૨૪) વગેરેના પ્રસંગો આલેખી ગાંધીજીના પ્રેમસભર કોમળ વ્યક્તિત્વને નિરૂપવાની સુંદર તકો ઝડપી છે. ગ્લેશિનને બીડી પીવા માટે તમાચો મારી દેનાર ગાંધીજીએ હકીકતમાં તો અહિંસા-પ્રેમનો અધિકાર જ મિસ ગ્લેશિન સામે વાપર્યો હતો. (પ્રસંગ : ૮૫) ગાંધીજીનું શ્રદ્ધાસભર આલેખન કરતાં ઉમાશંકરે ‘ગરીબોનાં બા’ સાથેના તેમના પવિત્ર દાંપત્યનું ચિત્ર આપતા પ્રસંગોય કેટલાક નિરૂપ્યા છે. ગાંધીજી ને કસ્તૂરબા પરસ્પરને કેટલાં બધાં અંદરથી ઓળખતાં હતાં તે અહીં કેટલાક પ્રસંગોથી સમજી શકાય છે. (પ્રસંગ : ૬૫, ૧૬ વગેરે) કસ્તૂરબા અને ગાંધીજી ટેબલટૅનિસની રમતનું ઉદ્ઘાટન કરતાં હાથમાં રૅકેટ લઈને ઊભાં હોય – એ ચિત્ર ઉમાશંકરની કવિઆંખ તો ન જ ચૂકે ને? ગાંધીજી બાને એક માર્મિક વાત કહે છે તે પણ અત્રે ખ્યાલમાં રાખવા જેવી છે. બાપુજી કસ્તૂરબાને કહે છે : “તારી પાસે હારવામાં મને ઘણી સફળતા જ પ્રાપ્ત થાય છે. તારો સાથ છે તેથી જ હું શોભ્યો છું.” (પૃ. ૪૦) ગાંધીજીના બ્રહ્મચર્યવ્રતના પાલનમાં બાનો ફાળોય અત્યંત મહત્ત્વનો છે તે પણ આપણે યાદ રાખવું ઘટે. ઉમાશંકરે આ પ્રસંગમાળામાં ગાંધીજીના ‘ગેરસપ્પા’ (ઉમાશંકરે ગાંધીજીને ‘કાર્યના નાયગરા ધોધ’ તો કહ્યા જ છે. (પૃ. 41) જેવા મહાન વ્યક્તિત્વને ઝીલવાનો પ્રેરક પુરુષાર્થ કર્યો છે. ગાંધીજીના અંગત અને જાહેર જીવનમાં વિવિધ પાસાંઓના નિરૂપણ દ્વારા માનવીય મૂલ્યોનો ગાંધીજી થકી જે વિકાસોત્કર્ષ સિદ્ધ થયો છે તેનો નકશો આપવા ઉમાશંકરે ઇચ્છ્યું છે. તેમણે પ્રસંગોની પસંદગી દ્વારા એટલું તો સિદ્ધ કરી આપ્યું છે કે પોતે ગાંધીજીના આંતરવિશ્વનો બરોબર સાક્ષાત્કાર કરી શક્યા છે. એકાદશવ્રત દ્વારા ગાંધીજીએ માનવ્યની સાધનાની જે કેડી ચીંધી એ આ પ્રસંગોમાં બરોબર અંકાયેલી જોવા મળે છે. આ પ્રસંગો અનેક સ્થળોએ અનેક વ્યક્તિઓના સંબંધમાં બનેલા છે. કેટલાક પ્રસંગોની પૃષ્ઠભૂમિ ભારત છે તો કેટલાકની ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા. કેટલાક પ્રસંગો રાજકોટ, અમદાવાદ, મુંબઈ વગેરે વિવિધ સ્થળોએ બન્યા છે, તો કેટલાક ટ્રેનમાંય બન્યા છે. કેટલાક પ્રસંગો જેલમાં તો કેટલાક પદયાત્રા વગેરેમાં બનેલા છે. લેખકને મન આ સ્થળ-સમયનું ઝાઝું મહત્ત્વ નથી, એમને મન મહત્ત્વની વસ્તુ ગાંધીજીનો આત્મપરિચય છે. ગાંધીજીના મહિમાવંત જીવનના મૂળ સ્રોતો તરફ આપણને લઈ જવાની એમની નેમ છે ને તેમાં તેઓ સફળ થયા છે એ નિર્વિવાદ વાત છે. ગાંધીજી કેવા બૃહદ્-મનુષ્ય હતા તે તેમના અન્ય જનો સાથેના વૈવિધ્યસભર – અનેકવિધ સંબંધો જોતાં સમજાય છે. તેમના માનવીય સંબંધોની સીમા બાળકથી વૃદ્ધપર્યંત વિસ્તરેલી જોવા મળે છે. ગોરા ને કાળા, છૂત ને અછૂત, વૈરાગી ને સંસારી, ધનિક ને રંક, શેઠ ને સેવક, સજ્જન ને દુર્જન – અનેક રીતના સ્તરોએ એમની મનુષ્યપ્રીતિ – ભૂતમૈત્રી ચાલે છે. બિલાડી પણ એમની પ્રીતિનજરનું પાત્ર બની શકે છે. વિવિધ ક્ષેત્રોની નાની-મોટી અનેક વ્યક્તિઓ સાથેના એમના સંબંધો અહીં નિરૂપાયા છે. એમાં રાજા જ્યૉર્જ પંચમ પણ ખરા, મિસ ગ્લેશિન પણ ખરી ને જનરલ સ્મટ્સ પણ ખરા. સરદાર, મહાદેવભાઈ, નરહરિભાઈ, કાકાસાહેબ, શંકરલાલ બૅંકર, અબ્દુલ ગફારખાન, ઍન્ડ્રૂઝ, પ્રભાશંકર પટ્ટણી, કૅલનબૅક, રાવજીભાઈ, ગોખલે, રાજેન્દ્રપ્રસાદ, છગનલાલ ગાંધી જેવા અનેક જનસેવકો – મહાજનો સાથેના ગાંધીજીના સંબંધો અહીં નિર્દિષ્ટ થયા છે. એક પ્રસંગમાં તો (પ્રસંગ : ૧૧૬) લેખક પોતેય છે ! ગાંધીજીની આજુબાજુનો આ નક્ષત્રલોક, ઉમાશંકરની ઉપમા વાપરીને કહીએ તો, સૂર્ય સમા ગાંધીજીનો જ મહિમા છેવટે તો કોઈક રીતે દર્શાવી રહે છે. આ પ્રસંગોમાં કેટલાક (૮૭મો, ૯૦મો જેવા) પ્રસંગો પ્રમાણમાં સાદા છે, કેટલાક (૯મો, ૬૦મો, ૯૫મો, ૧૧૭મો વગેરે.) મજાના ટુચકા જેવા પણ છે. કેટલાક પ્રસંગોના નિરૂપણમાં નાટ્યાત્મકતા અનુભવાય છે. ઉમાશંકરની પ્રસંગચિત્રણ માટેની જાગરૂકતા ધ્યાનાર્હ છે. આ પ્રસંગો રુચિકર રીતે લખાયા છે. દરેક પ્રસંગને ભાષાની – ગદ્યની વિશિષ્ટ માવજતનો લાભ મળ્યો છે. સંભવ છે કે આ પ્રસંગો લખતાં લેખકની નજર સામે ભાષા–સાહિત્યનો પંડિત નહિ, પણ ‘મુગધરસિક’ વાચકવર્ગ, ખાસ કરીને કિશોરવર્ગ – બાળવર્ગ – વિદ્યાર્થીવર્ગ હોય. લખાવટમાં પ્રત્યક્ષીકરણનો પ્રયત્ન સતત વરતાય છે. ભાષા પ્રાસાદિક ને ગૌરવયુક્ત છે. આ પ્રસંગોની સાથે સાથે ઉમાશંકરનું ભાષ્ય પણ અવારનવાર પ્રગટ થાય છે. એ ભાષ્યપ્રવૃત્તિ ન હોત અથવા તો હજુયે વધુ સંયત હોત તો સારું થાત; દા.ત., પાંચમા પ્રસંગમાં સોમાના માથા નીચે ગાંધીજીએ ગડીબંધ લૂગડાનું ઓશીકું ગોઠવ્યું. આ ઓશીકાના સંદર્ભે ‘એક મહાત્માનું કાળજીભર્યું વાત્સલ્ય ઓશીકારૂપે આવીને ગોઠવાયું હતું” – એવું અર્થઘટન કરતું વાક્ય આપવાની જરૂર ખરી ? (૭, ૧૦, ૧૧, ૧૯, ૮૬, ૧૦૭ અને ૧૧૨ જેવા) કેટલાક પ્રસંગોમાં ઉમાશંકરે છેલ્લે જે ભાષ્યાત્મક વાક્યો મૂક્યાં છે તે મૂળ પ્રસંગને કેટલાં લાભકારક થાય છે તે પ્રશ્ન છે. ઉમાશંકરમાંનો શિક્ષક અવારનવાર પ્રસંગોના અંતભાગે આવી ‘ગનાન’ના બે ઘૂંટ આપવાની ચેષ્ટા કરી લેતો હોય છે – ને તે પણ પ્રસંગની વ્યંજનાત્મક અસરના ભોગે! આમ છતાં, કેટલેક ઠેકાણે પ્રસંગને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવામાં એમનું ભાષ્ય યત્કિંચિત્ ઉપયોગી થતું હોય એવાંય દૃષ્ટાંતો છે; જેમ કે, ૮૧મા પ્રસંગમાં મનુબહેનને એકલી જ બીજે ગામ જવા દીધી એમાં ગાંધીજી પોતાની કસોટી હોવાનું જણાવે છે. ઉમાશંકર એમાં ભગવાનનીયે કસોટી હોવાનું જણાવી પ્રસંગને એક વધુ ઊંચી ભૂમિકાએ ટેકવે છે. તેઓ પોતાને ઉપલબ્ધ પ્રસંગોના ઘાટ ઉતારવામાં સારી હથોટી બતાવી શક્યા છે. પ્રસંગની અંતર્ગત જે સત્ત્વ-સૌન્દર્ય રહ્યું છે તેને ભાષાની સપાટીએ ઉપસાવવાની તેઓ સારી જહેમત લેતા જણાય છે. ક્યાંક તેઓ ગાંધીજીનો ચિંતનપ્રસાદ પણ આપે છે. (પૃ. ૨૨, ૨૪, ૪૨, ૩૧, ૫૮, ૬૨, ૭૪ વગેરે) ગાંધીજીના મંથનનું ઉત્કટ રૂપ પણ ક્યાંક (જેમ કે, ૭૦મા પ્રસંગમાં) મળે છે. ક્યાંક ઉમાશંકરની અંતરની શ્રદ્ધાભક્તિનો પ્રસાદ પણ પ્રસંગના આસ્વાદમાં પોતાનો ફાળો આપી રહે છે. આ ગાંધીકથા માનવ્યકથા પણ છે. લેખકે આ કથા ગાંધીજીવનની ચમત્કારકથા ન બને એની ખાસ ચીવટ [ગાંધીજીએ સાપના (૧૬મા) પ્રસંગમાં રાખેલી તેટલી ચીવટ] રાખી છે. આ પ્રસંગોની શૈલી સંબંધે એક ટીકા જે થઈ છે તે અહીં નોંધવી જોઈએ. આમ તો અહીં ગાંધીજી સામાન્ય માનવી – મોહનમાંથી મહાત્મા કેમ થયા એની આ કથા છે, છતાં એમાં ગાંધીમહિમા ગવાતો હોય એવો ‘ભાસ’[6] ક્યારેક થાય છે. ભાસ શા માટે ? ગાંધીમહિમાય કેટલાક પ્રસંગોમાં ગવાયો છે; પણ આ ગાંધીમહિમાની પ્રેરક વ્યક્તિપૂજા નહિ પણ માનવ્યપૂજા છે એ જો સમજી લેવામાં આવશે તો પછી ગાંધીમહિમાનું ગાન બાધક નીવડવાનો સંભવ નહિ રહે. પ્રસંગાંતે ઉમેરાતાં અહોભાવયુક્ત વાક્યોની ટીકા હસમુખ શાહે યોગ્ય રીતે જ કરી છે. આ ગાંધીકથામાં ‘ગાંધીજીની સામાજિક, રાજકીય, શૈક્ષણિક કે આર્થિક વિચારધારાનું વિશ્લેષણ નહીં જોવા મળે’; કેમ કે એ આશયથી આ કૃતિ લખાઈ નથી. અહીં એ વિચારધારાના પાયારૂપ ઊર્ધ્વગામી જીવનની સુવાસ મળી રહે છે. અહીં ગાંધીજીની જીવન-આકૃતિના મહત્ત્વના અંશોનું આછુંપાતળું દર્શન તો જરૂર મળી રહે છે. ગાંધીજીના મહાન જીવનમાંથી ઉપાડેલા માત્ર ૧૨૫ પ્રસંગોમાં એમની સંપૂર્ણ જીવનગાથા તો આવવી જ અશક્ય. એમના વ્યક્તિત્વના પ્રધાન અંશોનું રેખાંકન અહીં સંતોષપ્રદ રીતે થયેલું જોવા મળે છે. લેખકે આ પ્રસંગોનો સમયાનુક્રમે અથવા વિષયાનુક્રમે કે એવી કોઈ વ્યવસ્થાથી ગોઠવ્યા હોત તો ઇષ્ટ લેખાત. પ્રસંગોનો કોઈ વ્યવસ્થા વિના જ અહીં થયેલો ખડકલો જરાક કઠે છે. લેખકે થોડી જહેમત-મહેનત પ્રસંગોના હેતુપુર:સરના આયોજન માટે લીધી હોત તો આ કૃતિને તેથી સવિશેષ લાભ થાત. ગાંધીવિષયક ચરિત્રગ્રંથોમાં આ ગ્રંથ સહેજેય ઉલ્લેખનીય છે; કેમ કે, આમાં ગાંધીજીના જીવનના એવા પ્રસંગો છે જેની વરણી ઉમાશંકર જેવા ઉત્કૃષ્ટ ગાંધીપ્રેમી કલાસર્જકે કરી છે અને એ પ્રસંગોની અભિવ્યક્તિમાં કવિગદ્યકારની એક કસાયેલી કલમનો સીધો લાભ જોઈ શકાય છે.
- ↑ કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮.
- ↑ હૃદયમાં પડેલી છબીઓ, દ્વિતીય ખંડ, ૧૯૭૭, પૃ. ૧૬૦.
- ↑ વસંતવર્ષા, પૃ. ૯૨.
- ↑ વસંતવર્ષા, પૃ. ૧૦૮.
- ↑ ‘સંસ્કૃતિ’માં એ પ્રસંગો અંકવાર કેટલા આવેલા તે નીચે આપ્યું છે :‘ગાંધીકથા’-પ્રસંગ: ૧ – ૧૧ સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૧૯, પૃ. ૧–૭.; પ્રસંગ ૧૨ – ૧૧ સંસ્કૃતિ ફેબ્રુઆરી, ૧૯૧૯, ૪૧–૪૪.; પ્રસંગ ૧૯ – ૨૫ સંસ્કૃતિ, માર્ચ, ૧૯૧૯, ૮૧–૮૪.; પ્રસંગ ૨૬ – ૩૭ સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૧૯, ૧૨૧–૧૨૮.; પ્રસંગ ૩૮ – ૫૧ સંસ્કૃતિ, મે, ૧૯૧૯, ૧૬૧–૧૬૮., પ્રસંગ ૫૨ – ૬૩ સંસ્કૃતિ, જૂન, ૧૯૧૯, ૨૦૧–૨૦૮.; પ્રસંગ ૬૪ – ૮૧ સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૧૯, ૨૪૧–૨૫૪.; પ્રસંગ ૮૨ – ૧૦૧ સંસ્કૃતિ, ઑગસ્ટ, ૧૯૧૯, ૨૮૧–૨૯૪.; પ્રસંગ ૧૦૨ – ૧૦૮ સંસ્કૃતિ, સપ્ટેમ્બર, ૧૯૧૯, ૩૨૧–૩૨૫.; પ્રસંગ ૧૦૯ – ૧૨૫ સંસ્કૃતિ, ઑક્ટોબર, ૧૯૧૯, ૩૬૧–૩૭૨. ‘કપૂરના દીવા’ નિવેદન ‘સંસ્કૃતિ’ના ડિસેમ્બરના અંકમાં પૃ. ૪૭૮ પર આવેલું. આમ ઉમાશંકરે આ ‘ગાંધીકથા’ ગાંધીજીને અર્ઘ્ય આપવા નિમિત્તે સંકલ્પપૂર્વક ઑક્ટોબર-૧૯૬૯માં લખાઈ–છપાઈ રહે તે રીતે લખેલી.
- ↑ ગ્રંથ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૨૭.