ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/સૌના સાથી સૌના દોસ્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. સૌના સાથી, સૌના દોસ્ત

આવા સુંદર શીર્ષક હેઠળ નેહરુ બાલ-પુસ્તકાલયના ૩૨મા મણકારૂપે ઉમાશંકર જોશીની ગાંધીજી વિશે લખેલી એક ૩૨ પૃષ્ઠની પુસ્તિકા નેશનલ બુક ટ્રસ્ટ – દિલ્હીએ ૧૯૭૩-૭૪માં પ્રસિદ્ધ કરેલી. આ પુસ્તિકામાં ગાંધીજીના જીવનના કેવળ નવ પ્રસંગો લીધા છે. આ પ્રસંગો રસપ્રદ છે, પણ એની પસંદગી પાછળનું ઉમાશંકરનું જે કંઈ ધોરણ હોય તે સ્પષ્ટ થતું નથી. સંભવ છે કે આ નવ પ્રસંગો દ્વારા બીકણમાંથી બહાદુર બનનાર, ગરીબોની હરોળમાં સ્વેચ્છાએ પોતાને મૂકનાર ગાંધીજીના બહારથી વજ્રકઠોર છતાં અંદરથી કુસુમકોમળ એવા વ્યક્તિત્વનો પરિચય આપવાનો એમનો આશય હોય; આમ છતાં, ગાંધીજીની પરીક્ષા માટેની વિશિષ્ટ ગુણમૂલ્યાંકનની પદ્ધતિનો ખ્યાલ આપતો પ્રસંગ કે ‘સંઘર્યો સાપ પણ કામનો’ – એ કહેવતનો અર્થ બતાવતો પ્રસંગ શા માટે અહીં લેવાયો એવો પ્રશ્ન થાય. અહીં જે પ્રસંગો છે તે ૧૯૬૯માં પ્રસિદ્ધ થયેલ ‘ગાંધીકથા’માં પણ છે. ‘ગાંધીકથા’માંના ૧, ૧૨, ૨૭, ૮૦, ૧૦, ૭, ૬૦ અને ૧૦૦ – એ ક્રમાંકવાળા પ્રસંગો અહીં આ જ ક્રમવ્યવસ્થામાં લેવાયા છે. એ પ્રસંગો ગાંધીજીની નિર્ભયતા, સત્યપ્રિયતા, સ્નેહપરાયણતા, દીનજનવત્સલતા, કેળવણીનિષ્ઠા વગેરેના દ્યોતક છે. ‘ગાંધીકથા’વાળા પ્રસંગો એના એ સ્વરૂપે અહીં લેવાયા નથી. લેખકની અહીંની લખાવટમાં પહેલાંના મુકાબલે વધુ કલાત્મકતા પ્રવેશી જણાય છે. આ લખાવટ જોતાં કોઈને એમ થાય કે ઉમાશંકરે ‘ગાંધીકથા’ના પ્રસંગો પણ ફરી વાર લખ્યા હોત તો તે છે એથીયે વધુ કલાત્મક – આકર્ષક બની શક્યા હોત! ઉમાશંકરની ‘ગાંધીકથા’ રસપ્રદ છે, છતાં એ ચાલતે હાથે લખાયાનું કોઈને લાગે તો નવાઈ નહીં. એક સર્જક તરીકે તેઓ એમાં વધુ ધ્યાન આપી શક્યા હોત, વધુ એકાગ્રતાએ એનો પરિષ્કાર કરી શક્યા હોત. ‘સૌના સાથી, સૌના દોસ્ત’ મિકી પટેલનાં બારેક સુંદર ચિત્રોને લઈ ખૂબ આકર્ષક બન્યું છે. ઉમાશંકરે બાળકો માટે વધુ સમય આપવો જોઈતો હતો અને એમને માટે કાવ્યો, કથાઓ વગેરે લખવાં જોઈતાં હતાં એમ એમનાં ‘ઝરણું’ (વસંતવર્ષા, પૃ. ૩૩), ‘પતંગિયું’ (વસંતવર્ષા, પૃ. ૧૨૫), ‘પર્વત સાથે ચઢું’ (અભિજ્ઞા, પૃ. ૮૫) તથા ‘ધારાવસ્ત્ર’માંનાં અગિયાર બાળકાવ્યો તથા ‘ગાંધીકથા’, ‘સૌના સાથી, સૌના દોસ્ત’ જેવા ચરિત્રકથાના ગ્રંથો તથા વાચનમાળાઓ માટે તેમણે લખેલ પાઠો જોતાં લાગે છે. ઉમાશંકરના ‘ગાંધીકથા’ના તેમ જ ‘સૌના સાથી, સૌના દોસ્ત’ના પ્રસંગોને હિન્દી, અંગ્રેજીમાં અનુક્રમે ‘રેખાચિત્રો’Sને ‘સ્કેચીઝ’ તથા ‘સ્ટોરીઝ’ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે. જોકે એ શબ્દોને શાસ્ત્રીય ધોરણે વળગી રહેવાનો અર્થ નથી. આ બધાં પ્રસંગચિત્રો જ છે. ‘ગાંધીકથા’ અને ‘સૌના સાથી, સૌના દોસ્ત’ – આ બંને ગ્રંથો જોતાં આપણે જાણે ગાંધીજીના જીવનપ્રસંગોની ‘સ્લાઇડો’ (ચિત્રપટ્ટિકાઓ) જોતા હોઈએ એવી લાગણી થાય છે. એક અર્થમાં આ બંને પુસ્તકો ગાંધીજીના જીવનની કેટલીક ઘટનાઓને આવરી લેતી પોથીઓ (તસવીર-પોથીઓ) છે. ઉમાશંકરે ‘ગાંધીકથા’નું અર્પણ કરવામાં કંઈક રોમૅન્ટિક વલણ દાખવ્યું જણાય છે ! તેમણે ‘ગાંધીકથા’ અર્પણ કરી છે “દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી કોરટમાં લઈ જવાતાં હાથકડી પહેરેલા હાથમાં બૅરિસ્ટર ગાંધીએ ઝાલેલી તૉલ્સ્તૉયકૃત ‘ખુદાનો દરબાર તારા અંતરમાં છે’ એ પુસ્તકની નકલને...”. આ જરા વિચિત્ર લાગે એવું છે, પરંતુ આ અર્પણ પાછળનો એમનો ભાવ સમજી શકાય એવો છે. ગાંધીજીનું જે ચિત્ર આ અર્પણપંક્તિમાં પ્રગટ થાય છે એ જ પ્રેરણાબિન્દુ – પ્રસ્થાનબિન્દુ બની શકે એમ છે એવા મહાપુરુષનું ચરિત્રાંકન કરવા માટેનું. ઉમાશંકરે આ બેય પુસ્તકો દ્વારા ગાંધીજીને ઉદારભાવે શ્રદ્ધા-અર્ઘ્ય અર્પેલ છે.