ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/ગોષ્ઠી
‘ગોષ્ઠી’ની પહેલી આવૃત્તિમાં ઉમાશંકર ‘નિબંધ – કલાપ્રકાર’ એ ઔપચારિક અભ્યાસ-નિબંધ ઉપરાંત ૨૨ નિબંધો આપે છે. આ નિબંધોમાં ૧૯૩૪માં લખાયેલો અહેવાલરૂપ નિબંધ ‘ચંદ અલ્ફાઝ’ અને ૧૯૩૫માં લખાયેલ ‘મને સાંભરે રે’ એ બેને, તેમ જ ૧૯૫૧માં લખાયેલ તે “ ‘મંડળી મળવાથી થતા લાભ’ ” અને ‘હું કેમ કાંતું છું’ – આ બેને (અર્થાત્, સંગ્રહમાંના પહેલા બે અને છેલ્લા બેને) બાદ કરતાં બાકીના ૧૮ નિબંધ ૧૯૪૪થી ૧૯૫૦ દરમિયાન લખાયેલા છે. આ નિબંધોમાં વિષય, શૈલી આદિનું વૈવિધ્ય સારી પેઠે છે. ‘ચંદ અલ્ફાઝ’માં ૧૯૩૪માં કૉંગ્રેસનું ૪૮મું અધિવેશન જે મુંબઈ ખાતે મળ્યું તેનો અહેવાલ છે. આ અહેવાલ અહેવાલની રીતે તો ધ્યાનાર્હ છે, પણ જે ચિત્રાત્મકતાએ – કોઈ ન્યૂઝરીલની રીતે અધિવેશનની કાર્યવહીને શબ્દોની પટ્ટીમાં પ્રત્યક્ષ કરી આપે છે તે આ નિબંધમાંની કલાત્મકતા પણ એની આ પ્રત્યક્ષીકરણની ક્ષમતામાં રહેલી છે. અધિવેશનનું સ્થળ, “સમુદ્રમાંના સાંધ્ય રંગોમાં ઝબકોળાઈને વિરાટ રંગરમણાએ ચઢેલો, આશાનિરાશાએ હિલોળાતો, જોનારનાં હૃદય ફરફરાવતો સૌમ્યમંગલ રાષ્ટ્રધ્વજ” (પૃ. ૩૪), નેતાગણ, શ્રોતાગણ, નેતાઓનાં વક્તવ્યો અને તેમનો પ્રભાવ, ઠરાવો, ગાંધીજીની સમાજવાદીઓના જૂથની ક્રિયા – પ્રતિક્રિયાઓ આ બધાંનું રસિક બયાન અહીં છે. આ પ્રસંગનો મહિમા ઉપસાવતાં તેઓ લખે છે :
- “એક વિરાટ પ્રજાની વેદના શી હોઈ શકે તેનો અનુભવ કોઈ આવે વિરલ પ્રસંગે જ થઈ શકે છે. ખંડિત આશામાંથી ભવિષ્યની ઇમારત રચવા માટે એકાદ રાષ્ટ્ર પ્રવૃત્ત થાય તે વખતનું એનું ભવ્ય કુતૂહલ પણ આવે પ્રસંગે જ સમજી શકાય છે.” (પૃ. ૩૫)
આ અધિવેશન સાથે ગાંધીજીના મહાસભાત્યાગનીયે વાત તેઓ છેડે છે. એમનો મહાસભા-ત્યાગ ‘વિચિત્ર લાગે’ છતાં ‘બરોબર’ હોવાનો તેમનો અભિપ્રાય છે. (પૃ. ૩૯) ગાંધીજીની હૃદયસ્પર્શી વાતોના સંદર્ભમાં “સત્ય એ જ અમોઘ કુનેહગીરી છે.” (પૃ. ૩૯) – એ મનનીય જીવનસૂત્ર તારવી આપે છે. તેઓ આવતીકાલ ‘સાવકા’ કહેવાતા સમાજવાદીઓના હાથમાં હોવાનું પણ જણાવે છે. ગાંધીજીના સ્થાનને તેઓ સૂર્યના સ્થાને કલ્પી એમના પ્રભાવનીયે મર્યાદા હોઈ શકે તે સુંદર રીતે બતાવે છે. તેઓ લખે છે કે “સૂરજથી પાણી અમુક હદથી વધારે ગરમ થઈ જ ન શકે એવી વિચિત્ર આ પરિસ્થિતિ છે.” (પૃ. ૪૧) ઉમાશંકર રાષ્ટ્રના પ્રાણને ધારણ કરવાની પૂરેપૂરી અંતર્ગત તાકાત હિંદીમાં છે કે નહિ એ વિશે શંકાશીલ છે. (પૃ. ૪૩) તેઓ આ અધિવેશનમાં લાહોર-કરાંચી જેવો ઉકળાટ-અમળાટ નહોતો એમ પણ જણાવે છે. (પૃ. ૪૪) આમ છતાં એકંદર અધિવેશન ફતેહમંદ હોવાનુંયે લખે છે. ઉમાશંકર પ્રમુખ રાજેન્દ્રબાબુના કુશળ સભાસંચાલનનું, માલવીયજીના વાક્પ્રભાવનું, ‘આજના માણસ’ તરીકે ત્યારે સરદારના ‘લોખંડી દૃઢતાથી’ બોલાતા શબ્દોનું, ગાંધીજીની સત્યનિષ્ઠ સીધી વાતોનુંયે માર્મિક ઝલકદર્શન કરાવીને રહે છે. મૌલાના અબુલ કલામ આઝાદની ઉર્દૂ જબાનની ખૂબીયે એમના ધ્યાન બહાર રહેતી નથી. ત્રેવીસ વર્ષનો એક જુવાન જે પુખ્ત સમજ આ અહેવાલલેખનમાં બતાવે છે તે સાચે જ પ્રશસ્ય છે. ઉમાશંકરે એ અધિવેશનની કેટલીક જીવતી ક્ષણોને એમના શબ્દ-કૅમેરામાં ઝડપી લીધાની આપણને લાગણી થાય છે. ‘મને સાંભરે રે’ કડી મુકામે, છાત્રસંમેલનના પ્રમુખ તરીકે છાત્રોને કરાયેલ ઉદ્બોધન છે. એમાં નિબંધકારનું કવિત્વ – એમની ગદ્યશક્તિ સુપેરે પ્રગટ થઈ છે. નાનપણમાં ભણવા માટે બીજે ગામ છાત્રાલયમાં જતા વિદ્યાર્થીને હોંસભરી બા ‘ડાહ્યો થજે બેટા’ એમ કહી જે રીતે વિદાય આપે છે તેનું સુરેખ ચિત્ર એમણે આલેખ્યું છે. એ ચિત્રમાં પ્રકૃતિનોય રંગ બરોબર રીતે ભળ્યો છે. એ ચિત્ર તો અહીં રજૂ કરવું જ રહ્યું :
- “તમને જોઉં છું ને તરત મને વરસો પહેલાંની એક સાંજ યાદ આવે છે, જ્યારે ઊંટ પર ચઢી બેસીને મારા ગામના ડુંગરા મેં છોડ્યા હતા. તમને જોઉં છું ને અનેક ગામડાંનાં અનેક પાદરો મારી નજર આગળ તરવરે છે. હોંસભરી બા ‘ડાહ્યો થજે, બેટા’ કહી બાળકને હાથે બચી કરી વિદાય આપે છે. દૂર ગાડીમાં રસ્તાના વળાંક પાછળ સૌ એકમેકને દેખાતાં બંધ થાય તે પછી પણ ‘માસ્તરનું કહ્યું માનજે, બેટા’ એવો બાનો અવાજ આવે છે તો સામેથી છોકરો, તોફાની હોય તોપણ એ ઘડીએ તો ઠાવકો બનીને ‘વારુ’ એમ ટહુકો કરે છે. બધી ધમાલમાં વૃદ્ધ માતાજીએ એને એક બાજુ લઈ જઈ આંખમાં પાણી લાવીને શું કહેલું ? ‘બેટા, દેશાવર ખેડે, પણ આપણી ઝૂંપડી ભૂલીશ મા. ઉગમણે બારણે આપણું ઘર છે.’ એ બધાં હેત લાડ આંસુ આશાઓ, બધું સંભારતો સંભારતો વિદ્યાર્થી છાત્રાલય ભણી કોડભર્યો ચાલ્યો જાય છે, આવા તો કેટલાય વિદ્યાર્થીઓ અનેક ગામોથી નીકળી અનેક છાત્રાલયો ભણી ચાલ્યા આવે છે. નથી જોતા શિયાળાની ઠંડી, નથી જોતા ચોમાસાની રેલ. ઉનાળો તપતો હોય, નવા નવા ખરીદેલા જોડા સવારના પહોરમાં જ ઉત્સાહથી પહેરતાં ડંખ્યા હોય એટલે રેતી તપે ત્યારે તો હાથમાં ઉપાડીને પગે થનગનતા ચાલે. નાનકડી કોઈ લીંબડી મળી જાય તો નીચે જઈ થોડો વિસામો લે. અર્ધા અર્ધા ગવાતા હોલાના ગીતને અણસારે જળાશય કલ્પીને તે તરફ બપોરા ગાળવા માટે જાય; પણ નમતો પહોર થતાં કોયલોને સામો અવાજ કરી ચીડવતા ચીડવતા સાંજ પડતાં તો શંભુ મહારાજની બનાવેલી ભાખરી ખાવા છાત્રાલયમાં આવીને હાજર થઈ જાય છે. હોળીગાળે કેસૂડાંની રંગલીલા માણતા ટેકરીઓ ચઢતાઊતરતા, વર્ણતની મસ્તીનો ફાગ લલકારતા ઘર તરફ આંટો મારી આવે છે, તો ચોમાસે વળી બાજરીનાં વિશાળ ખેતરો તરી ઊતરી નદીનાળાં પાર કરી શ્રાવણના મેળા માણી આવે છે અને વૅકેશન પૂરી થતાં ? મુસાફરીમાં એકાદ ટટ્ટુ હોય તો કયા બે જણા સવાર થાય, કોણ આગળ બેસે કોણ પાછળ, કોણ લગામ પકડે ને કોણ સોટી ચમકાવે એના રમૂજ કજિયા ચલાવતા, રસ્તે આંબા પરની સાખો પાડતા, પરબવાળી પાસે એક પૈસામાં પાંચ જણા પાણી પીતા, કરોળિયાનાં જાળાં પાંપણમાં ભરાઈ જાય તેને હઠાવતા, કલ્લોલ કરતા છાત્રાલય ભણી ચાલ્યા આવે છે. કુદરતમાંથી અને મનુષ્યોમાંથી દુનિયાને ખબર પણ ન પડે એમ અખૂટ આનંદ-ઉલ્લાસ પીને, પ્રજાજીવનનાં આ નવાણો કદી કૂદતાં કદી પછડાતાં, ક્યાંક છલાંગ મારતાં, ક્યાંક ઠોકરાતાં, કોઈ સુકાતાં તો કોઈ બમણા વેગથી છલકાતાં અને આગળ ધપ્યે જતાં અત્યારે મારી નજર સામે તરવરી રહે છે, અત્યારે તમને જોઉં છું ત્યારે.”
(ગોષ્ઠી, ૧૯૫૧, પૃ. ૪૬–૪૮)
ઉમાશંકરે આ વ્યાખ્યાનનિબંધમાં કેવળ આવી ચિત્રરસિકતા જ નહિ, ચિંતનરસિકતાયે દાખવી છે. તેમણે છાત્રાલયો ‘સમાજની સાવકી સંસ્થાઓ’ જેવાં થઈ પડ્યાં છે. તેની ટીકા વેદનાપૂર્વક કરી છે. (પૃ. ૪૯–૫૦) છાત્રોની ‘ધણી વગરના ઢોર જેવી’ દશાનું આલેખન કરતાં કહે છે :
- “છાત્રોની દશા અત્યારે તો ધણી વગરના ઢોર જેવી છે. ઘેરથી તો જાણે છૂટ્યા જ ને જ્યાં ગયા ત્યાં તો આફત સમા. કૂવામાંથી ઘડો કઢાવવો હોય ત્યારે બોર્ડિંગવાળા સાંભરે. સાપ નીકળ્યો હોય ને પકડવો હોય ત્યારે બોર્ડિંગવાળા સાંભરે. ઘરમાં પંદર વરસનો કેલૈયો મરી ગયો હોય ને નાતનું કોઈ પાણી સુધ્ધાં બોટવા તૈયાર ન હોય ત્યારે બારમાતેરમા પર બોર્ડિંગવાળા સાંભરે. ઉત્તરાયણ ઉપર દાનપુણ્ય કરવું હોય ત્યારે બોર્ડિંગવાળા યાદ આવે. જામફળીની વાડી કોઈ બીજા–ત્રીજા જ વેડી ગયા હોય પણ ખેડુ પહેલાં એક વાર તો બૂમ પાડી ઊઠવાનો ‘હરામખોર બોર્ડિંગવાળા જ !’ મામલતદારની મોટર ખોટકાઈ ગઈ હોય ને હડસેલાવવી હોય તો ‘બોલાવો બોર્ડિંગવાળાને.’ કોઈના માનમાં મોટો જલસો કરવાનો હોય ને નાટક તમાશા કરવા હોય તો બોર્ડિંગવાળા ક્યાં નથી ?” (પૃ. ૫૦)
લેખકના આ ચિત્રમાં વેદના-રોષનો પાસ બરોબર અનુભવી શકાય તેમ છે. ૨૪ વર્ષના જુવાન ઉમાશંકરની શિક્ષણના પ્રશ્નો વિશેની સમજ કેટલી ઊંડી ને પાકી છે તેય આ નિબંધ બતાવે છે. “સમાજની દયા પર જિવાડીને આપણાં બાળકોને શી રીતે તેજસ્વી બનાવી શકીશું ?” – એ એમનો બળબળતો પ્રશ્ન છે. ઉમાશંકર છાત્રાલયોમાં શિક્ષણને નામે બાળમાનસની સ્વતંત્રતા હરી લેવાય એને ભારે મોટો અત્યાચાર લેખે છે. (પૃ. ૫૨) છાત્રને ઉદારતા – મોકળાશનું વાતાવરણ મળવું જોઈએ. છાત્રાલયનો બેજવાબદારીથી ‘અખતરાખાના’ તરીકે વિનિયોગ થાય એ તેમને નાપસંદ છે. (પૃ. ૫૩) તેઓ તો ગૃહપતિ પણ છાત્રોની ભલામણચિઠ્ઠીઓ ને પ્રમાણપત્રો પછી નિમાય એમ માને છે! (જોકે આ પરિસ્થિતિનાં જોખમોય કેટલાંક છે, જે અહીં ભાવનાપરાયણતાની ભીની ભૂમિકાએ લેખકના ધ્યાન બહાર ગયાં હોય એમ લાગે છે.) ઉમાશંકર “છાત્રજીવન એટલે કડક ‘શિસ્ત’ અને છતાં સાથોસાથ અફાટ મસ્તી, છલોછલ ‘લીલામયતા’ (‘હિલેરિટી’)” એવું મંતવ્ય ધરાવે છે. ‘જગતની પાઠશાળાઓના ચેલાઓ’ તરીકે છાત્રોનો સર્વાંગી વિકાસ તેઓ ઇચ્છે છે. ‘શારીરિક જીવન પૂરતી શિસ્ત અને માનસિક જીવનમાં લીલામયતા’ લાવવી જોઈએ એમ તેઓ જણાવે છે. (પૃ. ૫૭) જોકે શિસ્ત કેવળ શારીરિક જીવનની હોતી નથી, માનસિક જીવનનીયે હોય છે ને તે જરૂરી છે છાત્રવિકાસમાં, એ આ ચિંતનશીલ નિબંધકારના મનમાં ન હોય એમ તો ન જ બને. તેઓ બાળકોને ‘ગ્લાસ વિથ કૅર’ એવી રીતે સાચવવામાં માનતા નથી. બાળકો – કિશોરોમાં સાહસવૃત્તિ તેઓ ઇષ્ટ લેખે છે. તેઓ ‘ગુરુગીરી’નાય કટ્ટર વિરોધી છે. (પૃ. ૫૮) તેઓ છાત્રોના આત્મ-વિકાસ સાથે, એમના જીવનવિકાસ સાથે રાષ્ટ્રવિકાસની, વિશાળ માનવકલ્યાણનીયે સ્પૃહા કર્યા વિના રહી શકતા નથી. નિબંધમાં છેલ્લે ભાવસભર વાણીમાં તેઓ કહે છે :
- “…આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો કે યુનિવર્સિટીનાં શિખર પર કળશ થઈને દીપી રહો, ધારાસભા ગજાવો કે મોટી મોટી મેદનીઓ ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ; આટલું કદી ભૂલશો નહિ કે તમે અહીં અત્યારે ભણો છો એ એક અકસ્માત જ છે. આ કમભાગી દેશમાં સોમાંથી માંડ દસવીસ બાળકો પાટીપેન દેખવા પામતાં હશે, તમે અહીં ભણો છો ને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા પર ચઢી પંખીડાં ઉડાડે છે, શહેરોનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે, વીશીઓનાં અંગીઠાં આગળ શેકાય છે અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે. કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત, એ તમારે ઠેકાણે હોત. પણ તમને ભણવા મળે છે ને આગળ ઉપર તમે મોટા તિસ્મારખાં બની જાઓ તો આટલું આ જરી ભૂલશો નહિ. અનેક લાલચો અને પ્રલોભનો હોય પણ પેલા વાંદરાએ મગરને કહ્યું હતું તેમ કહેજો કે મારું કાળજું તો, અરે, ત્યાં રહી ગયું ! ત્યાં, જ્યાં કુમળાં બાળકો ટોયા બની પંખી ઉડાડે છે, કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે, પોતે ન સમજી શકે એવાં છાપાં વેચતા ફૂટપાથ પર દોડે છે. આંખમાં આંસુ સાથે માએ કહેલું તે માતૃવતને પણ કહ્યું માનજો : “ ‘ઉગમણે બારણે આપણું ઘર છે’ એટલું એક ભૂલશો મા.”
(ગોષ્ઠી, પહેલી આવૃત્તિ, પૃ. ૫૮–૫૯)
કદાચ નિબંધનો સ્વાભાવિક અંત અહીં છે, પણ લેખક કૃષ્ણ-સુદામાના એક રમણીય પૌરાણિક સંદર્ભને અહીં કામે લગાડવાનો લોભ જતો કરી શકતા નથી. સુદામા ને કૃષ્ણને ‘ઉત્તમ છાત્રો’ તરીકે રજૂ કરતાં આ વ્યાખ્યાન-નિબંધનું સમાપન “ ‘તને સાંભરે રે ?’ ‘મને કેમ વીસરે રે ?’ ” – એ પંક્તિઓથી કરે છે. ‘મને સાંભરે રે’ ઉમાશંકરનો શિક્ષણ-વિષયક – તેમાંયે છાત્રજીવન-વિષયક કેટલુંક ગંભીર ચિંતન પીરસતો નિબંધ છે. ઉમાશંકરની માનવ્યપ્રીતિ – છાત્રપ્રીતિ – શિક્ષણપ્રીતિનું રમણીય દર્શન આમાં થઈને રહે છે. આ નિબંધમાં મર્મસ્પર્શી વિચારક્ષણો – ભાવક્ષણો પણ પ્રમાણમાં વધારે છે. બ. ક. ઠાકોર આ નિબંધને ‘સાચી અને અર્વાચીન કર્તવ્યનિષ્ઠાએ પ્રાણવાન”[1] માને છે. બ. ક. ઠાકોરે આવા નિબંધોમાં ‘વિદ્યાર્થીઓને’, ‘બટુકરાજ’ને અને ‘ચેખૉવ’ને ઉલ્લેખ્યા છે. એમાં ‘વાર્તાલાપ’ જેવા સુંદર નિબંધને ગણાવ્યો નથી એ નવાઈ છે. જોકે ‘ગોષ્ઠી’નો એમનો અવલોકનલેખ અધૂરો લાગે છે – એ પણ ઉમાશંકરને અનુસરીને અત્રે નોંધવું ઘટે.
‘વાર્તાલાપ’ એક સર્વાંગસુંદર નિબંધકૃતિ મનાઈ છે. તે કૃતિ વાચકને ‘લેખકના વ્યક્તિત્વના ગાઢ સંપર્કમાં મૂકી દે છે.’ (‘ગોષ્ઠી’નું પૂંઠાપાન–૪) આ નિબંધકૃતિ રેડિયોની માગણીથી લખાયેલી. લેખક ‘વાર્તાલાપ’નો આરંભ જ અનૌપચારિકતાથી કરે છે. તેમાં રેડિયોના સાધનની ખૂબી-મર્યાદાનોય વિચાર કરે છે ને એમ કરતાં શામળ ભટ્ટની વાર્તાઓમાં આવતા આડા અંતરપટનેય યાદ કરી લે છે! રેડિયો પર બોલનાર ને સાંભળનાર બંને એકમેકની દયા પર હોય છે. બોલનાર સાંભળનારથી પરોક્ષ હોય છે એ ઘટના ‘परोक्षप्रियाः खलु देवा:' – એ ઉક્તિની યાદ આપે છે ને લેખક લીલયા પોતાની જાતને દેવોની કોટિમાં ગોઠવી દે છે ! (પૃ. ૬૧) લેખક વાંચવા-લખવા કરતાં વાતો કરવાનું પોતે વધારે પસંદ છે એવું પોતાનો એક પસંદગીક્રમ આપીને નિર્દેશે છે. (પૃ. ૬૨) તેઓ ‘હિન્દુસ્તાન એટલે ગામડું’ એ રીતે શરૂ કરીને કુશળતાથી ‘ગામડું એટલે ચોરો’ અને ‘ચોરો એટલે તડાકીદાસોનો અડ્ડો’ એવા નિગમન સુધી ઊતરી આવે છે. માણસની વાચાળતા(Garrulity)નું પોતાને મોટું આકર્ષણ છે એમ તેઓ કહે છે. (પૃ. ૬૩) વૌઠાના મેળાની કલબલ તોતિંગ ચકડોળમાં છેક ઊંચે ચઢ્યા પછી કેવી લાગે એની કલ્પના તેઓ કરે છે. તેમને પશુ, પંખી, ખિસકોલી, કીડી વગેરેને માનવપ્રાણીના અવાજો આનંદ આપતા હશે કે નહિ એનો વિચાર આવે છે. (પૃ. ૬૩) આમ આ નિબંધમાં તેમની સૂક્ષ્મ સંવેદનશીલતાના ચમકારા અવારનવાર વરતાય છે. ‘માણસ બોલે એ જ સારું છે’ એ બતાવી, માણસ દ્વારા ભગવાન પણ બોલતો હોવાની સંભાવના ઉલ્લેખે છે. (પૃ. ૬૪) બોલવાની આવશ્યકતા કેવી જરૂરી છે તેનો નિર્દેશ ઉમાશંકર સહદેવના દૃષ્ટાંતથી જ નહિ, ચેખૉવના ગાડીવાનના અને પોતાના ભાઈબંધના કહેલા એક દૃષ્ટાંતથીયે બતાવે છે. તેઓ ધ્વન્યાત્મક રીતે પૂછે છે : ‘ખેતરે ખેતરે વાડ ન હોત તો ખેડૂતો વાતો કોની સાથે કરત ? (પૃ.૬૫) આમ વાતચીતનો મહિમા કર્યા બાદ કેવળ વાતચીત-રસિકતાની મર્યાદાયે બતાવે છે. તેઓ લખે છે :
- “માણસ વાર્તા જ કર્યા કરે એ આરોગ્યની નિશાની નથી. નરી વાતો એ આત્માનો કાટ છે.” (પૃ. ૬૫)
તેઓ મૌનથી સંભાષણમાં ભાગ લઈ શકાય એવી એક સંભાવનાયે ઉદાહરણથી બતાવે છે. તેનો ગુંદરિયા (Bores) માણસોનું સાંનિધ્ય માણી શકવાની પોતાની ક્ષમતાનો સોલ્લાસ ઉલ્લેખ કરે છે. ઉમાશંકર વાતો દ્વારા સમભાવને વધારવાની ઊજળી શક્યતા યોગ્ય રીતે જ દર્શાવે છે. આપણે કોઈના દુ:ખની વાતો સહાનુભૂતિપૂર્વક સાંભળીનેય તેના સહાયક થઈ શકીએ. ઉમાશંકર પોતાનું શિક્ષણ – આત્મશિક્ષણ વાતોથી પણ થાય છે એ બતાવે છે. (પૃ. ૬૮) તેઓ શબ્દના જાદુના અનુભવી છે, શબ્દમાં શ્રદ્ધા ધરાવનારા છે. શબ્દ વિશે એમનું વિસ્મયકુતૂહલ પણ ઘણું છે ને તેથી જ લખે છે :
- “આપણને શી ખબર કે કોની જીભ ઉપરથી આપણે માટેનો શબ્દ સરકી આવશે ? પરમેશ્વર કોની દ્વારા બોલશે, – કોણ કહે ?” (ગોષ્ઠી, પૃ. ૬૯)
માણસ પોતે જ પોતાની જ વાણી સાંભળીને વિસ્મયમુગ્ધ થતો હોય – એ વિલક્ષણ અનુભવને ઉમાશંકર માર્મિક રીતે રજૂ કરે છે. (પૃ. ૬૯) તેઓ કાકાસાહેબનું એક સુંદર વાક્ય પણ આ અનુભવના સંદર્ભમાં ટાંકે છે કે ‘પ્રભુ બહુ દયાળુ છે. ઘણીય વાર એણે મને મારે મોઢે બોધ આપ્યો છે.’ (પૃ. ૬૯) ઉમાશંકર માણસ જે રીતે વાક્સ્વરૂપમાં – સંગીત ને સિસોટીમાં પણ પ્રગટ થઈ જાય છે તેનો સોત્સાહ ખ્યાલ આપે છે. તેઓ માણસની દ્વૈપાયન અવસ્થાથી વાકેફ છે, [‘દરેક માણસ એક દ્વીપ જેવો છે.’ (પૃ. ૭૦); જે વાત સુરેશ જોષીએ પણ અનેક વાર દોહરાવ્યાનું આપણે જાણીએ છીએ.] ને તેથી જ તેની આ સ્થિતિને સહ્ય બનાવવામાં વાર્તાલાપની ઉપકારકતા તેઓ સ્વીકારે છે. ઉમાશંકર વાર્તાલાપની તેમ મૌનનીયે અગત્ય સમજે છે. આધ્યાત્મિક મૌનમાં, અર્થાત્, એમના શબ્દોમાં કહીએ તો, “માણસ પોતાની સાથે વાત કરતાં પણ જંપી જાય” એ સ્થિતિમાં તો “એના કાનમાં પરમેશ્વર જ વાત કરી રહ્યો હોય છે.” – એમ તેમનું માનવું છે. ‘વાર્તાલાપ’ નિબંધમાં ઉમાશંકરની અધ્યાત્મનિષ્ઠા, મનુષ્યનિષ્ઠા, શબ્દનિષ્ઠા ઇત્યાદિનો નોંધપાત્ર આવિષ્કાર થયેલો જણાય છે. આ નિબંધમાં જીવનની ઊંડી સમજ અને કલારસિકતાનો સરસ સમન્વય થયો છે. ચિંતનની ગહરાઈ ને અનુભવની વિશદતાનો સુંદર મેળ થયો છે. ઉમાશંકર પ્રાચીન–અર્વાચીન સાહિત્ય અને સંસ્કૃતિમાંથી ઉપયોગી એવા અનેક સંદર્ભો અહીં ખપમાં લે છે. સંકુલ અનુભવની વાત કરવી ને છતાં બોજલ ન બનવું એમાં જ નિબંધકારની ઉત્કૃષ્ટ કલાનો કીમિયો પ્રતીત થતો હોય છે. આ નિબંધ એ પ્રતીતિ આપી રહે છે. ‘વાર્તાલાપ’માં કવિએ ઉચિત રીતે જ માનવના સ્નેહસંબંધોની – સંવાદની ભૂમિકાએ વાર્તાલાપની માંડણી કરી છે. ‘આનંદ શબ્દ’માં પુસ્તકની સૃષ્ટિમાં તેઓ આપણને લઈ જાય છે. શબ્દના નિમિત્તે લેખક વાચક ઉપરાંત પ્રકાશક, મુદ્રક, ગ્રંથવિક્રેતા, ગ્રંથપાલ આદિની મહત્ત્વની કડીઓનો પણ ઉલ્લેખ કરે છે. આમ તેઓ આ નિબંધમાં શબ્દના સંસારને સમજવાનો પ્રયાસ હાથ ધરે છે. (પૃ. ૭૨) પોતાની વાચનક્ષણ કેવી હતી અને કેમ તેને તૃપ્ત કરવાની તકો જડી એની વાત કરતાં બે-પાંચ સ્વાનુભવનાં તારણોય આપી દે છે. તેઓ ઉત્તમ ગ્રંથોના પુન: પુન: પરિશીલનમાં માને છે. પોતાને તો યોગ્ય વખતે યોગ્ય પુસ્તક માર્ગમાં આવ્યું હોવાનું તેઓ જણાવે છે. (પૃ. ૭૭) તેઓ પુસ્તકોની – શબ્દની મહત્તા સમજે છે, સ્વીકારે છે પણ જીવનથી તેમને સર્વોપરી લેખતા નથી. તેઓ લખે છે : “મહાનમાં મહાન પુસ્તકો પણ જીવનનો વિરાટ ગ્રંથ ઉકેલવાની બારાખડી શીખવવાથી વધારે મદદ કરી શકે એમ નથી.” (પૃ. ૭૬) તેઓ પુસ્તકો દ્વારાય તાકે છે તો જીવનવિકાસને. એ શબ્દનો મહિમા તેઓ સ્વીકારે છે જે જીવનની કસોટીમાં ટકી શક્યો હોય. ગીતા જેવા ગ્રંથનો તેથી જ તેઓ મહિમા કરે છે. તેઓ પ્રકાશકો પણ લોકસંપર્કની દૃષ્ટિએ કાર્ય કરે તે ઇષ્ટ લેખે છે. (પૃ. ૭૯) પ્રકાશકોએ લોકવિદ્યાપીઠનું કાર્ય બજાવવા આગળ આવવું જોઈએ એમ તેમનું માનવું છે. (પૃ. ૮૧) આ નિબંધમાં શબ્દની વાત કરતાં લેખકની દૃષ્ટિમાં માનવ-સંસ્કૃતિનો આખો ઇતિહાસ નજર સમક્ષ આવે છે. શબ્દે એ સંસ્કૃતિના વિકાસમાં જે રીતે ને જે ફાળો આપ્યો છે તેની આશ્ચર્યકરતા ઓછી નથી. ઉમાશંકર એ દિશાના સંકેતો પણ આ લેખમાં અત્રતત્ર આપે છે. ‘મિત્રતાની કલા’ નિબંધ-સ્વરૂપની સભાનતા સાથે લખાયેલો નિબંધ છે. નિબંધની શરૂઆત આકર્ષક છે :
- “કેટલાક માણસો એવા નથી હોતા, જેમની સંગતમાં કોઈ અપાર્થિવ સંગીતનો અનુભવ થાય છે ? ઘડી અધઘડી એમની પાસે બેસીને ઊઠીએ છીએ ત્યારે જાતે કોઈ સંગીતના ઉત્સવમાંથી બહાર આવતા હોઈએ એવું, કોઈ સ્વચ્છ પાણીના ધરામાંથી બહાર નીકળતા હોઈએ એવું જાણે આપણા મનને લાગે છે.” (પૃ. ૮૨)
મિત્રતાને લેખક લગ્નના જેવી કલા માને છે. (પૃ. ૮૩) મિત્રતામાં ‘એક માણસના હૃદયનું અકારણે અને અનાયાસે બીજા માનવહૃદય પ્રત્યેનું અભિસરણ’ (પૃ. ૮૪) હોવાનું તેમનું મંતવ્ય છે. સ્ત્રી-પુરુષના સંબંધ–આકર્ષણનો ખ્યાલ કરી ‘માણસ દુનિયાની અર્ધી વસ્તી તરફ તો અનાયાસે ખેંચાણ અનુભવી શકે છે’ – એવું વિધાન કરવા પ્રેરાય છે. (પૃ. ૮૫) તે પછી તેઓ કદાચ ‘મિત્રતાની કલા, એની પરાકાષ્ઠાએ પહોંચેલી સજાતીય વ્યક્તિઓ વચ્ચે જ જોવા મળતી હશે’ એવી સંભાવના આગળ ધરે છે. એ માટે રોમે રોલાંના ‘જ્યૉં ક્રિસ્તૉફ’માંથી આધાર આપે છે. તેઓ ભેદોને સ્નેહથી ભૂંસવામાં મૈત્રીકલા જુએ છે. (પૃ. ૮૭) આ મૈત્રીકળામાં સામાની શરતે પ્રેમ કરવાની તૈયારીને તેઓ ગુરુચાવીરૂપ મહત્ત્વ આપે છે. વળી મૈત્રીમાં વૈમનસ્યના પ્રશ્નો આવે તો તે માટેય માનસિક તૈયારી હોય એ તેઓ જરૂરી માને છે. (પૃ. ૮૯) તેઓ કહે છે : ‘એ વૈમનસ્યના પટ ઉપર મિત્રતાની ભાત ઉપસાવવી એ સ્તો કીમિયો છે.’ (પૃ. ૮૯) તેથી મૈત્રીની ભૂમિકામાં પણ સતનો આધાર લેવામાં માને છે અને એમાં ‘મિત્ર માટે મિત્રતાનો ભોગ આપવા’ની તૈયારી પણ સાચી મૈત્રીમાં અપેક્ષિત હોવાનું તેઓ સૂચવે છે. (પૃ. ૮૯) તેઓ છેવટે તો અંગત મિત્રો ખંખેરીને ‘વિશ્વ-મિત્ર’ બની રહેવામાં મૈત્રીકળાની ચરમ સીમા બતાવે છે. ‘મિત્રતાની કલા’ મનનાત્મક ગંભીર નિબંધ છે. આ નિબંધ પણ અભ્યાસીઓમાં ઉત્કૃષ્ટ લેખાયો છે.[2] મૈત્રીસંબંધની કેટલીક માર્મિક વાતો એમાં છેડાઈ છે, આમ છતાં આ નિબંધ અભિવ્યક્તિના આકર્ષણમાં વાર્તાલાપમાં છે એવી કલાકોટિ સિદ્ધ કરી શક્યો નથી. ‘પરીક્ષા’ નિબંધમાં તેમણે ‘સ્પર્ધાત્મક પરીક્ષાપદ્ધતિ’(પૃ. ૯૧)ની વાત કરી છે. આમ તો સંસારના ક્ષુરધારાપંથ ઉપર ચાલનારની પરીક્ષા તો શ્વાસે શ્વાસે ચાલતી હોવાનું તેઓ જણાવે જ છે. (પૃ. ૯૧) પણ અહીં શિક્ષણક્ષેત્રે પરીક્ષાના કારણે જે પરિસ્થિતિ પ્રવર્તે છે તેની વાત છે. વિદ્યાની સાધના પરીક્ષાની સાધના બની ગઈ છે. (પૃ. ૯૩) ‘શિક્ષણ એટલે ખરું જોતાં ગુરુ અને શિષ્યનો જીવંત સંપર્ક.’ (પૃ. ૯૨) એમ હોવા છતાં હવે એવું રહ્યું નથી. આ સંપર્ક-વિક્ષેપમાં એક કારણ પરીક્ષા છે. પરીક્ષામાંના સ્પર્ધાના તત્ત્વે વિદ્યાને અવિદ્યા કરી મૂકી છે. (પૃ. ૯૮) ‘સ્પર્ધા વિદ્યા માટે વિષ લેખાવી જોઈએ’ (પૃ. ૬૮) એમ તેમનું માનવું છે. તેઓ ઉપમન્યુની કથા દ્વારા અંતે એ સૂચવવા માગે છે કે સાચા ગુરુએ તો શિષ્ય પોતે પોતાનો પરીક્ષક થાય ને જીવનની કોઈ પણ કસોટીમાંથી સફળ રીતે બહાર આવે એવી શક્તિ એનામાં પ્રેરવાની છે. આ ‘પરીક્ષા’ નિબંધમાં તેઓ પ્રસંગોપાત્ત, સ્વકીય અનુભવસંદર્ભનો પણ વિનિયોગ કરે છે. પોતાને પરીક્ષામાં નહિ પણ પરીક્ષાથી સોસવું પડ્યું હોવાનું તેઓ જણાવે છે. (પૃ. ૯૬) તેઓ ક્યાંક કટાક્ષ-વિનોદાદિનો આશ્રય લઈને પણ વક્તવ્ય રજૂ કરે છે; દા.ત., એક સહાધ્યાયીને ૧૦માંથી ૯[3] ગુણ મળતા હતા તે સંદર્ભમાં તેઓ લખે છે : “અદેખાઈથી અમે આરોપ પણ મૂકતા કે ૧૦ની સમીપતમ પહોંચવામાં સહાધ્યાયીનાં આંગળાંની સારા અક્ષરો લખવાની શક્તિ ઉપરાંત ગુરુજીનાં કોટખમીસ સીવવાની શક્તિનો પણ ફાળો ન-જેવો ન હતો.” (પૃ. ૯૫) તેઓ પોતાના એમ. એ.ની છેલ્લી પરીક્ષાના છેલ્લા પ્રશ્નપત્ર સંદર્ભે લખતાં કાંઈક વિનોદાત્મક અભિગમ વક્તવ્યની રજૂઆતમાં અપનાવે છે. લખે છે :
- “મુંબઈ વિદ્યાપીઠના પદવીદાન સમારંભગૃહની દરિયા તરફની બારી પાસે બેઠક મળી હતી. સમુદ્રની શીતળ તાજગીભરી લહરી પ્રેરણાની જેમ વહી રહી હતી. જીવને થયું, હવે આ જિંદગીમાં બીજું ઉત્તરપત્ર લખવાનું નથી, આ આખરી છે. મોંઘો મનખાદેહ મળ્યો ને એમાં પરીક્ષાદેવીનાં ચરણ સેવવામાં, હિંદીની સરેરાશ ઉંમર ગણાય છે એ વટાવીને આગળ વધી ગયા તે છતાં હજી સુધી પાછીપાની કરી નથી. તો આજ તો થવા દો ! ‘श देषु का दरिद्रता?' મરણિયા જોદ્ધાની પેઠે ઊંધું ઘાલીને ખાસ્સાં બેંતાળીશ – તેંતાળીશ પાનાં ચીતરી નાખ્યાં !”
(પૃ. ૯૫) નિબંધના અંતમાં ધૌમ્ય અને ઉપમન્યુનો – એ ગુરુ-શિષ્યનો પ્રસંગ મૂકી પરીક્ષાના ખરા ધર્મને પ્રત્યક્ષ કરાવવાનો એમનો પ્રયાસ આવકાર્ય છે. ‘મેઘાણીભાઈ’ એમનો ચરિત્રાત્મક નિબંધ છે. કેટલાક સારા ચરિત્રાત્મક નિબંધોમાં ખુશીથી મૂકી શકાય એવા આ નિબંધ તરફ અભ્યાસીઓનું ખેંચાવું જોઈએ એટલું ધ્યાન ખેંચાયું લાગતું નથી. શ્રી ઝવેરચંદ મેઘાણી સાથેના પોતાના સંપર્ક-સંબંધનો ખ્યાલ આપતાં તેઓ નિબંધનો આરંભ કરે છે. એ પછી તેમના આંતરવ્યક્તિત્વનો સુરેખ પરિચય કરાવવાનો ઉપક્રમ રચે છે. મેઘાણીનું સ્વમાનીપણું, એમની લોકપ્રીતિ, એમનો વિવેક, એમની ઝીણી નજર સમજણ ને સહાનુભૂતિ, બીજાઓ માટેની ચીવટ, એમની લોકસાહિત્ય માટેની નિષ્ઠા – હોંશ; ટૂંકમાં, એમની જિંદાદિલીનો પરિચય ઉમાશંકર ક્રમબદ્ધ રીતે ઉચિત પ્રસંગો – સંદર્ભો યોજીને કરાવે છે. ઉમાશંકરને એમના વ્યક્તિત્વમાં સૌથી વધુ આસ્વાદ્ય વસ્તુ એમની સમજણ લાગી હતી. (પૃ. ૧૦૬) ‘He was living in every fibre.’ મેઘાણી વિશે આવો એમનો મત હતો. મેઘાણીને લોકોનો અઢળક પ્રેમ મળ્યો તેના કારણ રૂપે તેઓ મેઘાણીએ ક્યારેય લોકો પાસે હૃદયચોરી નહિ કરેલી તે હકીકતને ઉલ્લેખે છે. ઉમાશંકર ‘માણસાઈના દીવા’માં મેઘાણીએ જે સારી સમતુલા જાળવી (સાધુ સભાન થશે, કવિ જયગાથામાં પડશે એવા છૂપા ડરને દૂર રાખવામાં) એની પ્રશંસા કરે છે. (પૃ. ૧૧૦) ‘મેઘાણીભાઈ’માં મેઘાણીના વ્યક્તિત્વને ઉપસાવવામાં એમનો રસ વધુ છે. તેઓ વાર્તાની ‘પોટલી છોડતા’ મેઘાણીનો હૃદ્ય પરિચય આપે છે. સાધારણ માણસોના કામને એ જે રીતે મહત્ત્વ આપતા તેનો પણ સારો નિર્દેશ એમણે આપ્યો છે. (પૃ. ૧૦૭) મેઘાણી ગાઉટના દર્દથી પીડાતા હતા ત્યારે ઉમાશંકર ‘ચરણ કમલ બલિહારી ?’ કહીને પગના જે રીતે સમાચાર પૂછતા તે પ્રસંગ પણ આસ્વાદ્ય છે. (પૃ. ૧૦૮) છેલ્લે નિબંધનો અંત પણ ભાવનિષ્ઠ વાક્યથી સચોટ રીતે કર્યો છે. સદ્ગત મેઘાણીભાઈની જીવંતતાને ઉપસાવતાં ઉમાશંકર પોતાની કવિ-સંવેદનાને પણ પ્રગટ કરીને રહે છે. તેઓ નિબંધમાં છેલ્લે કહે છે : “આ લખતાં લખતાં પણ જાણે લાગે છે કે હમણાં એ આવી પહોંચશે અને એમનો મધુરઘેરો અવાજ સંભળાશે : ‘કાં ભાઈ, આ શું માંડ્યું છે ?’ (પૃ. ૧૧૨) ઉમાશંકરનું વિનીત, શીલપ્રેમી વ્યક્તિત્વ પણ મેઘાણીના સંબંધમાં સ્વાભાવિક જ પ્રગટ થઈને રહે છે. એ વ્યક્તિત્વ મેઘાણીના સમ્યક પરિચયમાં રાચે છે, પણ એમાં અંતરાયરૂપ જરાય થતું નથી એ પણ દેખાય છે. ‘અમદાવાદ – છેલ્લા દસકામાં’ (અમદાવાદ : ૧૯૩૯–૧૯૪૯) – એ નગરચિત્ર છે. ઉમાશંકર માણસોની પેઠે નગરોને વ્યક્તિત્વ હોવાનું માને છે. તેથી આ નિબંધમાં તેમનો ઉપક્રમ અમદાવાદનું નગર તરીકેનું વ્યક્તિત્વ ઉપસાવવાનો રહ્યો છે. તેઓ અમદાવાદના ભૌતિક વિકાસની તો વાત કરે છે તે સાથે તેના સાંસ્કૃતિક વિકાસનોય વિચાર કરી લે છે. “અમદાવાદ એટલે કાબેલ, મીંઢા, કંજૂસ, ઉદ્યમી વેપારીઓની ભૂમિ” (પૃ. ૧૧૩) એવી છાપ ન રહે તે જોવા તેઓ સારી પેઠે ઉત્સુક છે. અમદાવાદ ‘પંચરંગી’ છે. (પૃ. ૧૧૮) એના માનસ ઉપર મધ્યમ વર્ગનું વર્ચસ્ છે. ગામડું ફૂલી ફૂલીને મોટું થયું હોય એવું આ શહેર છે. (પૃ. ૧૧૮) આ શહેરની એક વિશિષ્ટ તાસીર છે અને ઉમાશંકર ‘અમદાવાદ’ શબ્દનો આશ્રય લઈ સામ્યવાદ, સમાજવાદ જેવો અમદાવાદનો પોતાનો એક વાદ – ‘અમદા-વાદ’ હોવાનુંયે જણાવે છે ! (પૃ. ૧૧૯) અમદાવાદની વાત કરતાં મિલોની વાત, રૂપિયા-આના-પાઈની વાત તો ઉમાશંકર લાવે જ; સ્થાનિક ક્ષેત્રમાં સભાનાં સૂત્રો હસ્તગત કરવામાં રસ દાખવતા ધનિકોનો ઉલલેખ પણ તેઓ કરે જ (પૃ. ૧૧૫); તે સાથે ગાંધીજીના આશ્રમનો કે. હ. ધ્રુવ, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ આદિ વિદ્વદ્રત્નોના નિવાસનો પણ નિર્દેશ કરીને રહે છે. તેઓ આ અમદાવાદને દૂધયોજનાની, બગીચા વગેરેની જરૂરિયાત હોવાનુંયે નોંધીને રહે છે. (પૃ. ૧૧૮) આ અમદાવાદને તેઓ ‘સંસારનું પોત બરોબર ઉત્કટ રૂપે બતાવનાર મોટી શાળા’-રૂપ લેખે છે. તેઓ અમદાવાદને મજૂરોનો ઉત્કર્ષ સાધીને દેશવિદેશમાં પ્રશંસા મેળવે એવા સાચા મહાનગર રૂપે જોવા સમુત્સુક છે ને એથી નિબંધને અંતે તદનુરૂપ આશાય વ્યક્ત કરે છે. બ. ક. ઠાકોરે ઉમાશંકરના અમદાવાદના નગરચિત્રમાંના દૃષ્ટિકોણને પોતા તરફથીયે બહાલી આપી જણાય છે.૧૩ તેઓ અમદાવાદના ધનિકો પ્રજાસ્મિતાએ વર્તી દીનદલિત–પછાત વર્ગનાં કલ્યાણકાર્યો હાથ ધરે એવી અપેક્ષાયે પ્રકટ કરે છે. ઉમાશંકર અમદાવાદમાં ધર્મપ્રવૃત્તિ જે રીતે ફાલે-ફૂલે છે તેનીયે થોડી ટીકા કરી લે છે અને ‘અકરાંતિયા પેઠે ખાધા પછી ઉપર ધર્મની ફાકી જોઈએ જ’ એમ કહી એક કટાક્ષ-પ્રહાર પણ કરી લે છે કે ‘સામાન્ય જનતાની આંખે ધર્મના પાટા બંધાતા ન રહે તો બિચારી કાંક ન જોવાનું દેખી જાય વળી !’ (પૃ. ૧૧૬) આ લેખમાં ઉમાશંકરે ‘પોળોવાળા અમદાવાદ’ના પ્રભાવનીયે વાત કરી છે. અમદાવાદનું આ ચિત્ર રેખાચિત્ર જેવું વિશેષ જણાય છે. અમદાવાદ મહાનગરની કોટિમાં મુકાતું જતું હોવાનું ૧૯૪૯માં એમને જે લાગ્યું છે તે સાચું ઠર્યાનું આજે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતનાં કેટલાંક નગરોને પોતાની આગવી વિલક્ષણતા છે અને અમદાવાદ તેમાંનું એક છે. ઉમાશંકરની પસંદગી આ નગર પર ઊતરી એમાં એના સાંસ્કૃતિક મહત્ત્વ ઉપરાંત પોતાનો તેની સાથેનો અંગત સંબંધ પણ કારણભૂત ખરો. ‘પડોશીઓ’ પણ ‘અમદાવાદ – છેલ્લા દાયકામાં’ એ નિબંધ જેવો પણ નર્મમર્મયુક્ત શૈલીનો લઘુ નિબંધ છે. પડોશીઓના વિષયમાં જ સર્જકચિત્તને ઉશ્કેરવાનું એક સ્વાભાવિક બળ રહેલું છે ! લેખકનો નિબંધ-આરંભ કંઈક હળવાશભરી રીતનો છે. એમને મન આ નિબંધ પૂરતું તો ‘પડોશીઓ’ એટલે ‘સ્ત્રી-પડોશીઓ.’ તેઓ સ્ત્રીઓને જ આ નિબંધમાં વિનોદ-કટાક્ષનું લક્ષ્ય બનાવે છે. પડોશીઓની કચરો ફેંકવાની – માનસિક ગંદકી ઉરાડવાની પદ્ધતિનો તેઓ ખાસ નિર્દેશ કરે છે. પડોશીઓની અસૂયાવૃત્તિનો કંઈક ઘૂંટીને ઉલ્લેખ કરે છે અને છેલ્લે ‘वसुधैव कुटुम्बकम्’ પાછળ પણ આ પડોશનો પ્રશ્ન ટાળવાની વૃત્તિ હોવાનું વિલક્ષણ અનુમાન કરે છે. આ નિબંધમાં શૈલીનો સ્વાદ ઠીક ઠીક માણવા મળે છે. એમાંય હળવા કટાક્ષ ઠીક ઠીક આવી શક્યા છે. ઉમાશંકર આ નિબંધમાં એકાક્ષ બન્યા હોવાનો બ. ક. ઠાકોરનો ખ્યાલ છે[4] અને તે સાચો છે. તેઓ જણાવે છે : ‘એમાં લેખક આપણાં નાજુક અને ખુશબદન અર્ધાંગને કંઈક અન્યાય કરે છે.’ તેઓ લેખકના સંબંધે એમ પણ પૂછે છે કે ‘પુરુષો સામે પડોશીઓ લેખે એમને કશું જ કહેવાનું નથી શું ?’[5] વળી ઉમાશંકરે પડોશણ ગુજરાતણોની ઈર્ષ્યા, કૂથલીખોરી, આપવડાઈ, અહંકાર વગેરે બતાવ્યાં છે તો સાથે સાથે એમણે એમની કુટુંબવત્સલતા, સેવાવૃત્તિ, એમનું ઘરરખાપણું વગેરે સદ્ગુણોયે બતાવ્યા હોત તો એમનું આ સ્ત્રીપડોશીઓનું ચિત્ર સમતોલ ને સંપૂર્ણ બન્યું હોત. બ. ક. ઠાકોર પણ આ સંદર્ભે ટીકાત્મક નિર્દેશ આપે જ છે. આ નિબંધને પ્રો. પ્રવીણ દરજીએ આપણા નિબંધ સાહિત્યમાં ઉત્કૃષ્ટ સ્થાનનો અધિકારી[6] ન લેખ્યો હોત તો ઠીક થાત એમ લાગે છે. ‘બટુકરાજ’ વિશિષ્ટ પ્રકારનો લઘુનિબંધ છે. તેને બ. ક. ઠાકોર “નાના પણ મઝેદાર ગલ્પ (‘ફૅન્ટસી’)” તરીકે ઓળખાવે છે.[7] લેખકને બેબિસ્તાનનો એક મઝાનો તુક્કો સૂઝ્યો છે અને તેને આધારે એક કલાત્મક સૃષ્ટિની રચના કરે છે. અલબત્ત, આ પ્રકારનાં સર્જન બ. ક. ઠાકોર યોગ્ય રીતે સૂચવે છે તેમ,[8] લંબાવવા જતાં સર્જકને માટે આકરી કસોટીરૂપ થતાં હોય છે. આ બેબિસ્તાનનો તુક્કો આપણા દેશમાં શીખિસ્તાન ને દ્રાવિડિસ્તાન જેવી જે માંગણીઓ ઊઠી એના સંદર્ભમાં સૂઝેલો જણાય છે. બાળકોનું આત્મભાન જો વધુ પડતું જાગી ઊઠે તો તેઓ પણ ‘આપણા સદ્ભાગી દેશમાં સૌ કોઈ કરવા બેઠું છે તેમ’ (પૃ. ૧૨૬) ‘બેબિસ્તાન’ની માગણી કરવા માંડે ! લેખકે બેબિસ્તાનના સર્જનને વાસ્તવિક પરિસ્થિતિના એક કટાક્ષ રૂપે જોયું – નિરૂપ્યું છે. બેબિસ્તાન એ જ એક શીખિસ્તાન, દ્રાવિડિસ્તાન આદિ સ્તાનોની દવા-રૂપ લાગે છે. (પૃ. ૧૩૦) તેઓ, બેબી પોતાના ખોળામાં બેસી જતાં, એના માટે તો પોતે જ બેબિસ્તાન બન્યા હોવાનું પ્રતીત કરે છે (પૃ. ૧૩૦) અને ત્યાં યોગ્ય રીતે લેખક આ લઘુનિબંધ સમાપ્ત કરે છે. ‘બટુકરાજ’નું શીર્ષક ‘બેબિસ્તાન’ હોત તો યોગ્ય ન થાત ? લેખકની સર્જકતા આ ‘બેબિસ્તાન’ની કલ્પનામાં જ સૌથી વધુ અસરકારકતાથી પ્રગટ થયેલી છે. તેઓ આમાં ઠીક ઠીક અનોપચારિકતાથી પોતાને પ્રગટ કરે છે. એક આસ્વાદ્ય ગદ્ય-રૂપ આ નિબંધમાં સિદ્ધ થયેલું આપણને પ્રતીત થાય છે. ‘ચેખૉવ’ આમ તો કોર્નેઇ યુકૉવ્સ્કીના ‘Chekhov: The Man’ નામના નાના પુસ્તકના સંદર્ભે સૂઝેલ લઘુનિબંધ છે. ‘નિબંધ’ શબ્દ પણ આ લખાણની લઘુતા જોતાં વધુ પડતો વજનદાર જણાય. આ લઘુનિબંધમાં ઉમાશંકર ચેખૉવનું એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી દર્શન કરાવે છે. ચેખૉવના હૃદયના કારુણ્યને ઉપસાવી બતાવવાનો એમનો ઉપક્રમ છે. ચેખૉવે સખત જીવનસાધના દ્વારા મનુષ્ય તરીકેનું ગૌરવ, મનુષ્યને ઘટિત એવી મુક્તિ પ્રાપ્ત કરી હતી. (પૃ. ૧૩૩) એ ચેખૉવની માનવજાત માટેની સહાનુભૂતિ, માનવતા માટેની એની નિસબત સાચે જ અહીં નોંધપાત્ર રીતે ઉપસાવાઈ છે. ‘દક્ષિણનાં તીર્થો’ – એ લઘુનિબંધમાં ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં દક્ષિણ હિન્દનું મહત્ત્વ ખાસ તો લેખકે જણાવેલું છે. દક્ષિણ હિન્દ ‘હિન્દી હિંદ’ (Indian India) છે. (પૃ. ૧૩૬) એ પ્રદેશ ‘એકમૂઠી’ છે. (પૃ. ૧૩૬) (લેખકનું દક્ષિણ હિંદ માટેનું આ ખૂબ સુંદર – સચોટ વિશેષણ છે.) તેણે હિંદની સંસ્કૃતિની તિજોરીનું કામ કર્યું છે. (પૃ. ૧૩૭) દક્ષિણ હિંદના સંસ્કૃતિભંડારો ઉપર પણ સ્વાર્થનો ભોરિંગ ઝળૂંબી રહ્યાની અને દંભના મોટા રાફડા જામ્યાની વાત ઉમાશંકર કરે છે અને એમાં આશ્વાસનરૂપ માત્ર ભોળી અબૂઝ પ્રજાની અતલ શ્રદ્ધા હોવાનું જણાવે છે. (પૃ. ૧૩૮) ઉમાશંકર ‘તારે તે તીર્થ’ એ તીર્થનો અર્થ આપી, તીર્થભાવનાના સર્વોચ્ચ આદર્શનો ખ્યાલ આપે છે અને તીર્થયાત્રા લોકસંગ્રહની ભાવનાથી થાય એ ઇષ્ટ લેખે છે. જે રીતે ગાંધીજીએ આપણા દેશને ઉઘાડી આંખે જોયો તે રીતે દેશને જોવાની અગત્ય પણ તેઓ સૂચિત કરે છે. આજે તો ધર્મભાવનાને ધક્કો મારી ભોગભાવના પ્રકૃતિને ખોળે ચઢી બેસતી જોવા મળે છે. ધર્મતીર્થો પાછળ લોકશાસનની ભાવના હતી. તે સાર્વત્રિક મતા હતાં. હવે એ તીર્થોની સ્થિતિમાંયે પલટો થતો જણાય છે. હવે નવાં ‘ભોગતીર્થો’ થતાં જાય છે ને લેખકની એ માટે કશી ઊલટ નથી. (પૃ. ૧૩૯) ‘દક્ષિણનાં તીર્થો’ એ ઉમાશંકરનું ભારતયાત્રાની વિભાવનાની દૃષ્ટિએ – વિચારદૃષ્ટિએ અગત્યનું લખાણ છે. ઉમાશંકર ‘શ્રીનિકેતન’નો રવીન્દ્રનાથની એક મુખ્ય પ્રવૃત્તિ તરીકે નિર્દેશ કરે છે. તેઓ શ્રીનિકેતનના પ્રાકૃતિક સંનિવેશનો ખ્યાલ આપી ત્યાંના હાથઉદ્યોગોની ખાસ નોંધ લે છે. તેઓ શ્રીનિકેતનનો આપણને જાણે હાથ પકડીને લઈ જઈ એક ભોમિયાની રીતે પરિચય કરાવે છે. શ્રીનિકેતન એ રીતે સંસ્થાપરિચયનો લઘુનિબંધ – લઘુલેખ થાય છે. આ શ્રીનિકેતનમાં હિન્દની ખેતી અને ગ્રામસંસ્કૃતિના પ્રતીકરૂપ પૈડાનો ફાટકમાં થયેલ વિનિયોગ ખાસ ઉલ્લેખે છે. વળી નંદબાબુની ઊભરાતી સર્જકતાનાં ઇંગિતોય આપે છે. હળ ઉપર હાથવાળા ગુરુદેવ રવીન્દ્રનાથનું ચિત્ર ઉમાશંકર ઉલ્લેખવું ભૂલે કે ? કવિએ અનુભવેલ ધરતીના અમોઘ આકર્ષણને સ્ફુટ કરતી આ સંસ્થાને પૃથ્વીને સ્વર્ગથી કાંઈક નિકટતર લાવવાના પ્રયાસ રૂપે ‘કવિ’ ઉમાશંકર અવલોકે છે. આ પરિચયલેખમાં લેખકની સરળ ને સાભિપ્રાય નિરૂપણરીતિ સ્વાભાવિકતાના ગુણે ધ્યાન ખેંચે છે. ‘સ્વતંત્રતા’ ઉમાશંકરની ચિંતનશીલતાનો દ્યોતક નિબંધ છે. ‘સ્વતંત્રતા’ની વ્યાખ્યા તેઓ આ રીતે આપે છે : “સ્વતંત્રતા એટલે દરેક જણ પોતામાં પડેલા સત્યને સાકાર કરી શકે એ માટેની યોગ્ય પરિસ્થિતિ” (પૃ. ૧૯૩) તેઓ આમ સ્વતંત્રતાને સત્ય સાથે સાંકળે છે ને એ રીતે ‘સ્વ’ સાથે ‘તંત્ર’નીયે ઇષ્ટતા સ્પષ્ટતયા બતાવે છે. ‘તંત્રતા’ પર યોગ્ય ભાર મૂકવામાં આવે તો ‘સ્વ’નો અર્થ આપોઆપ મર્યાદિત એટલે કે પરિષ્કૃત થઈ જાય છે એમ તેમનું કહેવું છે. (પૃ. ૧૪૪) (૧૬૦)ેન્ચ વિપ્લવના પિતા રૂસોનો, મનુષ્ય પ્રકૃતિને ખોળે જન્મ્યો હોવાનો અભિપ્રાય નિર્દેશી તેઓ મનુષ્ય ‘પ્રકૃતિને ખોળે’ નહીં પણ ‘સમાજને ખોળે’ જન્મ્યો હોવાનો મત જણાવે છે. તેઓ સ્વતંત્રતામાં `आत्मादेश'નો મહિમા કરે છે. (પૃ. ૧૪૬) સ્વતંત્રતા દ્વારા સ્વ-રાટ્ થવાની ભાવનાય તેઓ નિર્દેશે છે. લેખકે આ લેખમાં યથાવશ્યક ગાંધીના, સૉક્રેટિસ આદિના વિચારોનોય હવાલો આપ્યો છે. ‘વિદ્યાર્થીઓને’ નિબંધ લેખકના વિદ્યાચિંતનના પરિપાકરૂપ છે. આ નિબંધમાં તેઓ વિદ્યાર્થીઓમાંના એક બની વિદ્યાર્થીની વિકાસચિંતામાં પોતાની જાતને સામેલ કરે છે. તેઓ નિબંધના આરંભે જ લખે છે : “વિદ્યાર્થીઓને ‘દોરવણી’ આપવાનો મારો ધંધો નથી. હું પોતે મને વિદ્યાર્થી ગણું છું.” (પૃ. ૧૪૭) તેઓ વિદ્યાર્થીઓને ‘સાચા’ વિદ્યાર્થી થવાની શીખ દે છે. (પૃ. ૧૪૭) ઇતિહાસ ને મહાકાવ્યકૃતિઓનો અભ્યાસ, શારીરિક તાલીમ, પ્રકૃતિસંપર્ક ને વૃદ્ધસંસર્ગ, જાતમહેનત, જનસંપર્ક – આ બધી બાબતોનો વિદ્યાર્થીવિકાસના અનુસંધાનમાં તેઓ મહિમા કરે છે. તેઓ સમાજને બદલવો હોય તો એ સમાજમાં મૂળિયાં પણ નાખવાં જોઈએ એમ અનિવાર્યપણે માને છે. (પૃ. ૧૫૦) તેઓ વિદ્યાર્થીઓને – યુવાનોને ‘પ્રાણના ધોધ રૂપે (પૃ. ૧૫૧) ઓળખાવે છે. રાજકીય પક્ષો તેમનો ‘કાચા માલ’ તરીકે ઉપયોગ કરી જાય એ સામે સાવધાન રહેવાનું પણ તેઓ જરૂરી લેખે છે. રાષ્ટ્રીય શક્તિનો વિકાસ વિદ્યાર્થીઓના સમ્યક વિકાસ પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય જણાય છે. આ નિબંધમાં લેખક ઉદ્દેશ્ય-બોધની સભાનતા સાથે પ્રગટ થતા જોવા મળે છે. ‘વિદ્યાલયો પાસેથી સમાજને જોડા (માર, ફટકા) તો બહુ મળ્યા છે, જોડાં (યુગલો) કેટલાં મળ્યાં ?’ – એવો શબ્દરમત પર નિર્ભર સવાલ કરે છે; પણ એકંદરે લેખક કોઈ રમતની મનોદશામાં નથી. લેખકનો અભિગમ ગંભીર છે. લેખકનો વિદ્યારસ પણ કેટલો સાચો છે તે આ નિબંધમાંથી સ્ફુટ થઈ રહે છે. ‘દિવાસ્વપ્ન’માં કામ-ક્રોધની કલ્પનામૂર્તિઓ આલેખી છે. એ બંને મૂર્તિઓના કેશપાશને આધારે, એમને ખેંચતી એક ત્રીજી ભયની મૂર્તિની કલ્પના પણ કરવામાં આવી છે. લેખકે આ ત્રણેય મૂર્તિઓના નિર્માણમાં ઉત્કૃષ્ટ રીતિનાં કલ્પનાકૌશલ્ય અને ચિંતન-વિચાર દાખવ્યાં છે. માનવહૃદયમાં કામ, ક્રોધ અને ભયનું જે સંબંધે, જે રીતે પ્રવર્તન હોય છે તેનું આ કલ્પનાચિત્ર, માનવહૃદય વિશેની વિભાવનાયે આનુષંગિક રીતે આપી રહે છે. આમાં માનવહૃદયની નૈસર્ગિક ભયવૃત્તિનું દર્શન આ રીતે રજૂ કરવું ઇષ્ટ-આવશ્યક ખરું કે નહીં – એ તરફ બ. ક. ઠાકોરનો અંગુલિનિર્દેશ ‘ગોષ્ઠી’ વિશેના એમના અવલોકનમાં જણાય છે. તેઓ લખે છે : “ભય જ સર્વોપરી એવું લેખકનું સમગ્ર જીવનદર્શન હોય પણ નહીં.” ને તેથી તેઓ પ્રશ્ન કરે છે : “તો પછી આવી લેખિનીરમત પ્રકટ પણ કરવી શાને વારુ ? શૈલીના જ મોહે કશું લખાણ પ્રકાશનોચિત કે કોઈને પણ વાંચવાલાયક ના ગણાય.”૧૯ બ. ક. ઠાકોરનો આ મત વિચારવા જેવો તો છે જ. જોકે લેખક ભયનો પક્ષ કરતા નથી, પરંતુ મનુષ્યજીવનમાં ભયનું જે વાસ્તવિક સ્થાન છે, તેની કામ-ક્રોધાવલંબિતતા છે તેનું જ યથાર્થ દર્શન કવિકલ્પનાના કીમિયાથી કરાવવાનો એમનો આશય છે. તેઓ કોઈ હવાઈ તરંગમાં કે ભ્રમણામાં વાચકને ધકેલી દેવા માગતા નથી. ‘દિવાસ્વપ્ન’ કવિની Myth-making શક્તિનો પરિચય આપીને રહે છે. બધા નિબંધોમાં તે વસ્તુ-નિરૂપણની શૈલીએ સ્પષ્ટ રીતે અલગ તરી આવે છે. અર્વાચીન કાળમાં આ પ્રકારનું મીથ-સર્જન એક પ્રયોગ લેખે તો ધ્યાનાર્હ જ ગણાય. જોકે આ રચનાને ‘ગદ્યકાવ્ય’[9] કહી દેવાની જરૂર જણાતી નથી; કેમ કે, એનું રચનાવિધાન શબ્દલયાદિની ભાવોત્કટતાને લક્ષ્ય કરતું નથી. ‘સારથિધર્મીમાં પત્રકાર’માં લેખક પત્રકારનો ધર્મ શ્રીકૃષ્ણની જેમ સતને પડખે રહેવાનો અને સતનાં બળોને જીવનસંઘર્ષમાં સક્રિય થવા માટે પ્રેરવાનો ને માર્ગદર્શન કરાવવાનો છે. તેઓ લખે છે :
- “દુરિતનાં બળોની સામે સતના યોદ્ધાને ખડો કરવો, દુરિતનાં બળોને પ્રતીતિ કરાવવી કે સતનો યોદ્ધો એમનો પીછો પકડી રહ્યો છે એ સારથિધર્મી પત્રકારનું હમેશાં લક્ષ્ય રહેશે.” (પૃ. ૧૫૯)
બ. ક. ઠાકોરે આ નિબંધના સંદર્ભમાં કેટલીક ચર્ચા કરી છે. “પત્રકારે શિખંડીનો ભાગ ભજવવાનો નથી. શ્રીકૃષ્ણનો ભાગ યથાશક્તિ ભજવવાનો છે.” (પૃ. ૧૫૭) – એવાં વિધાનોએ બ. ક. ઠાકોરને ઉશ્કેર્યા જણાય છે. તેઓ બે બાબતમાં આ નિબંધની ટીકા કરે છે. એક તો ઉમાશંકરના અભિગમમાં એમને વાતડાહ્યાપણું વિશેષ જણાય છે. પ્રત્યક્ષ આચારમાં તો તંત્રીને અનેક મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાનું હોય છે અને કોઈ ને કોઈ પક્ષ સાથે કામ પાડવું પડે છે. આ પરિસ્થિતિમાં પત્રકારે ‘સારથિધર્મી’ બનવું – રહેવું પણ મુશ્કેલ છે. બ. ક. ઠાકોરની આ વાત સ્વીકારીએ તો તેથી ઉમાશંકરનો પત્રકારનો આદર્શ અસ્વીકાર્ય થઈ જતો નથી. વળી લેખકે શ્રીકૃષ્ણ, પાંડવકૌરવનું મહાભારત વગેરે ઘુસાડીને અહીં ઓડનું ચોડ વેતરી નાખ્યાની બ. ક. ઠાકોરની વાત પણ ઉતાવળે અપાયેલો અભિપ્રાય જણાય છે. ‘હિન્દુ સંસ્કૃતિમાતાનું ધાવણ ધાવ્યા કરતા માવડીમુગ્ધ સ્તનંધયો’માં ઉમાશંકરને મૂકવાની જરૂર નથી. વળી અહીં ‘વિષયને દીવે આગળ વધવાને બદલે લેખક દૃષ્ટાંત કે તુલના(‘એનૅલૉજી’)ના પરોક્ષ પ્રકાશે આગળ વધવા ગયા છે અને બરાબર તો નથી જોઈ શક્યા પોતે, નથી બતાવી શકતા વાચકને’[10] – એવી કંઈક ટીકા તેઓ કરે છે. આ સંબંધમાં તેમણે જે તે મુદ્દા પર આંગળી મૂકીને ચર્ચા કરી હોત તો ઠીક થાત એમ લાગે છે. જેવી છે તેવી એમની ચર્ચા દિમાગમાં પહેલેથી જ લીધેલા અમુક નિશ્ચિત ખ્યાલોના પરિપ્રેક્ષ્યમાં થયેલી ને તેથી કંઈક ઉભડક રીતિની વિશેષ જણાય છે. બ. ક. ઠાકોરની વધુ પડતી બુદ્ધિનિષ્ઠાય આવા અભિપ્રાયોની ઉત્કટતામાં જવાબદાર લેખાય. ઉમાશંકરે આ નિબંધમાં મર્યાદિત સંદર્ભમાં કૃષ્ણ-અર્જુનના પુરાકલ્પનનો વિનિયોગ કર્યો છે. ‘છીછરો કૂવો’ પ્રાસંગિક નિબંધ છે. ‘Interim’ નામના એક પત્રમાં ‘છીછરો કૂવો’ નામનો પ્રવેશક-લેખ વાંચતાં જે ચિંતનવિચાર ચાલે છે તેનું એમાં નિરૂપણ છે. તેઓ એ પ્રવેશક-લેખમાંથી કેટલોક ભાગ ઉતારીને આપણા સમયમાં પ્રામાણિક આત્માભિવ્યક્તિ અને ચીવટભર્યા આત્મપરીક્ષણની સવિશેષ જરૂર હોવાની વાત તરફ ધ્યાન દોરે છે. જે અર્થમાં ‘પડોશીઓ’, ‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ લલિત નિબંધ કહેવાય એ અર્થમાં ‘છીછરો કૂવો’ લલિત નિબંધ નથી. અનૌપચારિક નિબંધની વ્યાખ્યામાં એનો સમાવેશ થઈ શકે ખરો. ‘હાસલીલા’ ચિનુભાઈ પટવાકૃત ‘નવોઢા’ પુસ્તકના પ્રસ્તાવના-લેખમાંથી લીધેલ છે. તે પત્રરૂપે લખાયેલ છે. એ પત્રનિબંધમાં હાસ્યતત્ત્વની કેટલીક ગંભીર વિચારણા થઈ છે. આ નિબંધનો આરંભ અનૌપચારિક ઢબે, કંઈક હળવી કલમે થયો છે; પણ તુરત જ તેઓ હાસ્યની ગંભીર વિચારણા તરફ વળે છે. હાસ્યનો રિબામણી સાથેનો સંબંધ તેઓ બતાવે છે. જેમ શરીરની તેમ માણસના મનની કઢંગી દશાઓ પણ હાસ્યની પ્રેરક હોવાનું તેઓ જણાવે છે. તેમના મતે ‘વિશ્વમાં સ્ફુરતા મેળનું નિરીક્ષણ કરવું એટલે રાસલીલાનું દર્શન, અણમેળના સાક્ષી થવું એટલે હાસલીલાનો અનુભવ.’ (પૃ. ૧૬૭) તેઓ હાસ્યના સ્થૂળ – સૂક્ષ્મ, વિકૃત ને મંગલ એવા ભેદ કરતા જણાય છે. (પૃ. ૧૬૭–૬૮) તેઓ ચીન વિશેના એક ગૃહસ્થના અભિપ્રાયને અનુસરીને પશ્ચિમના દેશોને ‘સિરિયસલી હ્યુમરસ’ તો આપણને ‘હ્યુમરસલી સિરિયસ’ માને છે. તેઓ આપણા ગામડાના સમાજને ધ્યાનમાં લઈ આ દેશની ફિલસૂફી એની હસવાની કળા ઉપર ઠીક ઠીક નિર્ભર હોવાના અભિપ્રાય પર આવે છે. ‘હાસલીલા’ નિબંધ લગભગ ગંભીર ચિંતનાત્મક નિબંધ છે; આરંભમાં થોડી હળવાશ છતાં આ નિબંધમાં ઉમાશંકરની સુરુચિ અને સૂક્ષ્મદર્શિતા સ્પષ્ટ રીતે વરતાઈ આવે છે. એમના ચિંતનમાં જીવન વિશેની સમભાવપૂર્ણ વ્યાપક સમજનો પાયો હમેશાં સચવાયેલો જોવા મળે છે. ‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ સ્પષ્ટ રીતે હળવો નિબંધ – લલિત નિબંધ છે. નિબંધનો આરંભ, નિબંધ-વિષયની માવજત અને તેનું સમાપન – આ બધું સુસંકલિત રૂપે લેખકના ઉદ્દેશ્ય – વક્તવ્યને ઉઠાવ આપે છે. લેખકનો ઉદ્દેશ્ય કોઈ ગંભીર વિચારબોધનો નથી, કેવળ આનંદનો જણાય છે. એક મજાનો તુક્કો સૂઝ્યો છે ‘ધ મંગલાષ્ટક લિમિટેડ’ એવી કંપની ખોલવાનો અને તે તુક્કાને પાછો પોતાની કલ્પનાબુદ્ધિથી વિકસાવી રમણીય રૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. તેઓ જાતનીય યત્કિંચિત્ મજાક કરી લે છે. સૂચનપત્ર (‘પ્રોસ્પેક્ટસ’)ની વીગતોય મજાની છે. પેટ્રન અને ડિરેક્ટરીની યાદીમાં પસંદ કરેલાં સાક્ષરનામો અને તેમના માટેનાં વિશેષણો પણ ધ્યાનાર્હ છે. ન્હાનાલાલ માટે ‘કાવ્યકેસરી’, બ. ક. ઠાકોર માટે ‘કવિદિગ્ગજ’ અને લલિતજી માટે ‘કવિતાકરકંકણકૂજન’ જેવાં વિશેષણોનું ઔચિત્ય સ્વયંસ્પષ્ટ છે. ઉમાશંકરે ડિરેક્ટરીની યાદીમાં પોતાનું નામ મૂકી અને ‘કવિજન-પદરજ’ જેવું વિશેષણ પોતાના માટે યોજી પોતાની નરવી વિનોદરસિકતાની (સાચી હાસ્યવૃત્તિની) પ્રતીતિ કરાવી આપી છે. વળી પરિશિષ્ટોમાંથી લગ્નભંગાષ્ટક અને વિરહાષ્ટકાદિની યોજના પણ વિનોદપ્રેરક છે. આવી યોજનાનો એકમાત્ર આશય વિનોદનો હોઈ એમાં ક્યારેય બોજલતા જોવા નહિ મળે. એક મહાન યોજના તરીકે ઠસાવવા જે રીતે તેઓ શરૂઆતમાં તાર્કિક દલીલો યોજે છે તે પણ ધ્યાનાર્હ છે. કવિઓની બેહાલીનું, તેમની ઋણગ્રસ્તતાનું એક આછુંપાતળું સૂચન આમાં છે જ છે. (પૃ. ૧૬૯) હાસ્યરસના એક વિશિષ્ટ નમૂનારૂપે આ નિબંધ આસ્વાદ્ય છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ નર્મદે ૪–૭–૧૮૫૧ના રોજ એ જ શીર્ષકના વાંચેલા નિબંધ પછી, બરોબર એક સૈકે ૪–૭–૧૯૫૧ના રોજ ઉમાશંકર દ્વારા લખાયેલો નિબંધ છે. સમવાયજીવનનો મહાન ગુણ નહિ શીખવાથી આપણા પ્રજાજીવનમાં કેવી તકલીફો પડે છે તેનો અંદાજ આપતાં આ નિબંધનો આરંભ કરાયો છે. તેઓ “સમવાયજીવનનો મહાન ગુણ એ પ્રજાના (પશ્ચિમની) જીવનમાંથી ન શીખવામાં આપણે ભારે તકેદારી રાખી છે.” – એમ કહીને કટાક્ષ પણ કરી લે છે. તેઓ મંડળ-મંડળી ને ટોળી વચ્ચે ભેદ કરે છે ને એ સંદર્ભમાં નર્મદનો હવાલોય આપે છે. (પૃ. ૧૮૧) મંડળી થાય – પંચ મળે એટલે તેમાં ‘સમષ્ટિબ્રહ્મ’નો આવિર્ભાવ થાય છે એમ તેઓ જણાવે છે. (પૃ. ૧૮૦) ઉમાશંકરનો ‘સમષ્ટિબ્રહ્મ’ શબ્દ ઘણો અર્થદ્યોતક છે. તેઓ મંડળી દ્વારા થતા સમષ્ટિબ્રહ્મના સાક્ષાત્કારને અભીષ્ટ લેખે છે. જગતનાં સત તત્ત્વોએ સમવાયવૃત્તિ કેળવવી એ અનિવાર્ય જરૂરિયાત છે એ વાસ્તવિક સ્થિતિ વિશેનું તેમનું આકલન મહત્ત્વનું લેખાય. ‘હું કેમ કાંતું છું ?’ (‘કાંતવા વિશે’) અંગત નિબંધ છે. એની શરૂઆત ચબરાકીભરી જણાય; પણ તે પછી તેઓ રેંટિયાની સાથે સંકળાયેલા ભાવનાવિશ્વને, તેની સાથે સંકળાયેલી માનસિક તાલીમને સચોટ રીતે આપણી આગળ રજૂ કરે છે. “યરવડાચક્રની નાનકડી પેટી એ ગાંધીબાપુએ ભેટ આપેલું એક એવું ખેતર છે કે સૌ કોઈ સહેલાઈથી ખેડી શકે.” (પૃ. ૧૮૫) રેંટિયો સત્યપ્રિયતાની તાલીમ આપે છે. (પૃ. ૧૮૭) ને એક પરમ આશ્વાસક મિત્ર છે. (પૃ. ૧૮૯) તે વધારે ઊંડા અર્થમાં આરોગ્યપ્રદ છે, આશીર્વાદરૂપ છે. (પૃ. ૧૮૯) રેંટિયાને ઉમાશંકર ‘વિચારચક્ર’ તરીકેય ઓળખાવે છે. આમ એકંદરે રેંટિયા વિશેની ગંભીર વિચારણા અહીં રજૂ થઈ છે; આમ છતાં અપવાદ રૂપે એક સ્થળે હળવી રીતે રેંટિયા વિશે વાત કરતાં ‘ઘણી વાર સામા માણસને કાઢી મૂકવાના ઓજાર’ તરીકે પણ તેનો વિચાર કર્યો છે ! તેઓ રેંટિયા વિશે બે-ત્રણ માર્મિક વાતોય કરી દે છે. તેમાંની એક આ છે : “પોતાની સામેની લડાઈઓ લડી લેવા માટે રેંટિયાનો સાથ સ્વીકારવા જેવો છે.” (પૃ. ૧૯૦) તેઓ રેંટિયામાં મહાત્માજીની રોકડી વાતનો મહિમા જુએ છે. રેંટિયામાં આત્મગુંજન પ્રકટ થવાનો અવકાશ મળવો જોઈએ એ પણ એમનું મંતવ્ય ને નહીંતર આ પ્રવૃત્તિ માણસને ધાર્યું ફળ આપનાર ન નીવડી શકે એ દેખીતું છે. આ નિબંધ આમ તો ગંભીર છે; પણ તેમાં ઉમાશંકરની ગાંધીનિષ્ઠા, એમની ભાવનાલક્ષિતા, અંતર્મુખતા વગેરે પણ જણાઈ આવે છે. ચરખાચક્રનો સમસ્ત વિશ્વચક્ર સાથે સંબંધ સાંકળવામાં ઉમાશંકરની કાવ્યનિષ્ઠા જ નિબંધના અંતમાં છેવટે ગુંજી ઊઠતી વરતાય છે. (પૃ. ૧૯૦) ઉમાશંકરે ‘ગોષ્ઠી’ની ત્રીજી આવૃત્તિમાં નીચેના ક્રમાંકમાં પાંચ નિબંધ છેવટે ઉમેર્યા છે : ૧. વિશ્વહૃદયનો ઉદ્ગાતા, મે ૨૩, ૧૯૫૩. ૨. જ્યોતિર્મય શબ્દ, ઑગસ્ટ ૧૩, ૧૯૫૩ ૩. બે શિક્ષકો, ૧૨–૧૨–૧૯૫૨. ૪. સરસ્વતીચંદ્ર મુજ સ્વામી સાચા, ઑગસ્ટ ૩૧, ૧૯૫૧ ૫. આનંદનો વારસો, મે ૧૯, ૧૯૫૪ આ યાદી અગાઉની નિબંધ-યાદીમાં ઉમેરાતાં ‘ગોષ્ઠી’માં ૧૯૫૧માં લખાયેલ ત્રણ નિબંધો, ૧૯૫૨માં લખાયેલ એક, ૧૯૫૩માં લખાયેલ બે અને ૧૯૫૪માં લખાયેલ એક નિબંધ – એ રીતની સ્થિતિ થાય છે. ‘વિશ્વહૃદયનો ઉદ્ગાતા’ નિબંધમાં ઉમાશંકરે એમર્સનનો પ્રતિભાપરિચય આપ્યો છે. ‘માનવઆત્માના સાચા સ્વદેશના (વિશ્વહૃદયના) ઉદ્ગાતા’ તરીકે તેઓ એમર્સનને વર્ણવે છે.[11] પ્લેટોથી એરિસ્ટોટલ સુધીના ‘પશ્ચિમ’ના વિચારકોએ તંત્ર ઉપર વધારે પડતી આસ્થા બતાવેલી જ્યારે એમર્સને તંત્ર કરતાં માણસને વધારે મહત્ત્વ આપ્યું. તેઓ દરેક માનવીમાં પ્રાજ્ઞ (Wise) પુરુષ થવાની શક્યતા નિહાળે છે. ઉમાશંકર એમર્સનને ‘વિચારોના કવિ’[12] તરીકે બિરદાવે છે. એમની ‘લેખિની’ માટે ‘પ્રભુમુખી’ એવું વિશેષણ સાભિપ્રાય યોજે છે. ટાગોરના ‘સાધના’માંના નિબંધો વાંચતાં એમર્સનની યાદ એમને આવી જાય છે. તેઓ એમર્સનના નિબંધોને ‘ઋતંભરા પ્રજ્ઞાના અવાજ’ તરીકે ઓળખાવે જ છે, ઉપરાંત ‘બોલું બોલું થતા સનાતન મહામૌન’ રૂપે પણ એ નિબંધોને ઓળખાવવા પ્રેરાય છે.[13] તેઓ એમર્સનના નિબંધોની શૈલી બાબત લખતાં જણાવે છે : “આવા નિબંધોની ‘શૈલી’ની શી વાત કરવી, જ્યાં નર્યું શીલ જ છે !”[14] કોઈને આવા ઉદ્ગારોમાં ઊર્મિલતા જણાય પણ વસ્તુત: તે શૈલીના જ અંતરંગના નિર્દેશક છે. ‘જ્યોતિર્મય શબ્દ’ શ્રી અરવિંદની વાણીનો ને તે દ્વારા શ્રી અરવિંદનો આંતરપરિચય આપી રહે છે. ઉમાશંકર ટાગોરની અને ગાંધીજીની વાણીનો મર્મ-પરિચય કરાવી તેની તુલનામાં અરવિંદવાણીનું વૈશિષ્ટ્ય તારવી બતાવે છે. તેઓ લખે છે :
- “ચૈતન્યરૂપ આત્મા અખંડ છે, એની શક્તિઓમાંથી કોઈ એકનું જુદી જુદી મહાન વ્યક્તિઓમાં પ્રાધાન્ય દેખાતું હોય છે; પણ તેથી બીજી શક્તિઓ પ્રવર્તતી નથી હોતી એમ નહિ. એવા પ્રાધાન્યની દૃષ્ટિએ કહી શકાય કે ગાંધીજીની વાણી એની શ્રદ્ધાભરી જીવનનિષ્ઠાથી સામા માણસની શિવસંકલ્પશક્તિને પડકારે છે, પ્રેરે છે, ગતિશીલ કરે છે. રવીન્દ્રનાથની વાણી માનવહૃદયની લાગણીઓના સૌન્દર્યથી સામાના ચૈતન્યને સ્પર્શે છે, રસે છે. શ્રી અરવિંદની વાણી જ્ઞાનના પ્રકાશથી માનવની સમગ્ર ચૈતનાને આલોકિત કરે છે, અને એનું મુખ પ્રભુ તરફ ફેરવે છે — સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ અનાયાસે ઢળે એમ.”
(ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૨૦૦)
ઉમાશંકર શ્રીઅરવિંદની શૈલીમાંથી સત્યનો રસ છૂટતો હોવાનું જણાવે છે. (પૃ. ૨૦૧) તેત્તિરીય ઉપનિષદ-નિર્દિષ્ટ અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદમયક – એ પાંચે કોશના પૂરા રહસ્યને અનુભૂતિના બળથી કોઈએ પ્રગટ કર્યું હોય તો શ્રીઅરવિંદે – એમ ઉમાશંકરનું માનવું છે. (પૃ. ૨૦૧) ઉમાશંકર શ્રી અરવિંદના દર્શનમાં માનવજાતિનો ઉત્ક્રાંતિમૂલક જે ભાવિ વિકાસક્રમ છે તેનાંયે ઇંગિત જુએ છે અને લેમ્પ્(૧૬૦)ખ્ટ નામના જર્મન વિચારકના ઇતિહાસદર્શન સાથે શ્રીઅરવિંદના દર્શનનો જે મેળ છે તેય સ્ફુટ કરી બતાવે છે.
‘બે શિક્ષકો’માં ઉમાશંકર પોતાને ભણાવનાર બે શિક્ષકો સ્વ. જીવણલાલ દીવાન અને બલ્લુભાઈ વિશેનાં પોતાનાં સંસ્મરણો આલેખે છે. આ નિબંધ વસ્તુત: સ્મૃતિલેખ – સંસ્મરણલેખ છે. ઉમાશંકરે આ લેખનો ‘હૃદયમાં પડેલી છબીઓ-૨’માં સમાવેશ કર્યો છે અને તેની આ અગાઉ વિચારણા થઈ ગઈ છે. ઉમાશંકરને ચીન-ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન દીવાનસાહેબના અવસાનનો પત્ર મળતાં જ, એમના ચિત્તમાંનાં સંસ્મરણો ઉદ્દીપ્ત થયાં ને તેનું સુભગ પરિણામ તે આ લેખ. ‘ગુજરાત શિક્ષકે સુખી’ હોવાનું દર્શાવી, આ બંને શિક્ષકોની ઉજ્જ્વળ શિક્ષણસેવાને ઉમાશંકર અહીં અંજલિ આપે છે. બંનેના આગમને ‘શાળાનો ચહેરો ચમકી ઊઠતો’ તો ઉમાશંકર જ જોઈ શકે ને ! બંનેય ચારિત્ર્યવંત શિક્ષણ-સેવકોની ખાસિયતો, એમની વત્સલતા, કર્તવ્યપરાયણતા વગેરે અહીં સારી રીતે ઉપસાવ્યાં છે. દીવાનસાહેબનું સીધાપણું ખ્યાલમાં રાખી ઉમાશંકર ‘સીધી લીટીના માણસ’ તરીકે એમનો પરિચય કરાવે છે. બલવંતરાયનું જીવંત કવિના સમું વ્યક્તિત્વ પણ ઉમાશંકર આલેખ્યા વિના રહી શકતા નથી. તેમાં સ્વ. બલ્લુભાઈની આરસપ્રતિમા આગળ બેસવાની દીવાનસાહેબની ટેવ વર્ણવીને એ શિક્ષક બેલડીના સૌહાર્દપૂર્ણ સંબંધને ઉપસાવી આપે છે.
“ ‘સરસ્વતીચંદ્ર મુજ સ્વામી સાચા’ –” એક સુંદર અનૌપચારિક સાહિત્યિક લલિત નિબંધ છે. આ નિબંધ વાંચતાં વિનોદિની નીલકંઠનો ‘જો હું સરસ્વતીચંદ્રને પરણું તો’ નિબંધ યાદ આપી જાય છે. ઉમાશંકરની સર્જનકૃતિને ચિત્તમાં ધારી રાખવાની તાકાત અને તત્પશ્ચાત્ તેના સર્જનાત્મક વિનિયોગથી લખાણમાં રસાત્મકતા સિદ્ધ કરવાની કુશળતા અહીં ઉત્કૃષ્ટ રૂપમાં જોવા મળે છે. જે તે પાત્રનાં વિચાર-વાણી-વર્તનની સૂક્ષ્મતાઓનો એ પાત્રના પુન:સર્જનમાં જે કાબેલિયતથી અત્રે વિનિયોગ થયો છે તે ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે સરસ્વતીચંદ્ર ને કુસુમના વ્યક્તિત્વને સુરેખ રીતે ઉપસાવીને ગોવર્ધનરામ સાથેની પોતાની સહૃદયતાનો સચોટ પરિચય આપી દીધો છે. સરસ્વતીચંદ્રની સંસ્કૃતપ્રચુર ભાસે એવી વાક્શૈલી, કુસુમનું તેજસ્વીપણું વગેરે બરોબર રજૂ થાય છે. કુમુદે ‘પ્રમાદધન મુજ સ્વામી સાચા’ એમ રટણા કરીને પ્રાદધનની વફાદાર પત્ની થવાનો સભાન પ્રયત્ન કરેલો. કુસુમ ઊંઘમાં ‘સરસ્વતીચંદ્ર મુજ સ્વામી સાચા’ – એમ જે રટણા કરે છે તેથી કુસુમ–સરસ્વતીચંદ્ર વચ્ચેના મેળનો પ્રશ્ન ચિત્તમાં ઉદ્ભવે છે. ચંદ્રાવલી તો જેમ કુમુદ-પ્રમાદધનનું તેમ આ કુસુમ-સરસ્વતીચંદ્રનું લગ્ન પણ ‘જારકર્મ’ હોવાનું જણાવે છે. (પૃ. ૨૨૧) આમ આ નિબંધ દ્વારા ‘સરસ્વતીચંદ્ર’ના અંત વિશેનો લેખકનો એક પ્રતિભાવ પણ કલાત્મક રીતે પ્રગટ થયેલો જાણવા મળે છે. કુસુમનો ચંદ્રાવલીમૈયા સાથે રહેવાનો નિર્ણય ‘સરસ્વતીચંદ્ર’ કથાના સંભવિત – સાચા ઇષ્ટ અંત તરીકે – ઉકેલ તરીકે પણ વિચારવા જેવો ખરો.
આ નિબંધમાં લેખકની સંવાદકળા આસ્વાદ્ય છે. વિનોદની લહેર પણ એમાં છે. ‘લગ્ન એટલે ભોમિયાની મદદથી ભૂલા પડવાની કળા’ જેવા વિધાનની રસાત્મકતા સ્પષ્ટ છે.
‘આનંદનો વારસો’માં પણ લેખકનું અનૌપચારિક કલમપાટવ અનુભવાય છે. કુંભારની મટકીમાંથી ગરબો થવા સુધીની ક્રિયામાં આનંદાત્મક અનુભૂતિનો જે વિકાસક્રમ છે તેનું આલેખન રસાવહ બન્યું છે. ભૂતકાળથી આજ સુધીના વારસાની મુખ્ય ચાવીરૂપ જે ભાષા, તેના કાવ્યાત્મક વિનિયોગમાંય આનંદનું જ તત્ત્વ ડોકિયાં કરે છે. ‘વસ્તુના પેટમાં પડેલું આનંદસ્વરૂપ’, તેને પામવાની માનવની આનંદતૃષાનો ઉમાશંકરને બરોબર અંદાજ છે. ઉપયોગિતાવાદનો મહિમા તેઓ જાણે છે, પણ કવિ હોઈ આનંદના મહિમાનેય સમજે છે. નૃત્યકાર રંગભૂમિ પર ચરણને ચલાવે છે. વાસ્તવમાં ક્યાંય પહોંચતો ન જણાય, પણ મનુષ્યના હૃદય સુધી પહોંચી એક આનંદયોગ તો તે સિદ્ધ કરે જ છે. (પૃ. ૨૨૮) “ઉપયોગિતાને વટાવી જઈ પોતાનામાં અંતર્ગત આનંદતત્ત્વને સ્ફુરાવવા કલાપ્રવૃત્તિ માણસે યોજી, ત્યારથી એણે દિવ્યતા પર પોતાનો હક નોંધાવ્યો છે. કળાઓ ઇશારો કરી રહી છે કે માણસ આનંદનો વારસ છે, બલકે, આનંદસ્વરૂપ છે.” (પૃ. ૨૨૮)
ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં પાછળથી ‘ફિલ્મી ગીતો’ વિશેનો એક લેખ પણ ઉમેરેલો, એમાં પોતાને સંડોવીને હળવી રીતે ફિલ્મી ગીતોની વાત કરતાં સુગમ સંગીતની દિશામાં કલાસર્જકતા વળીને ગુંજનક્ષમ રચનાઓ આપે તેવી ભાવના છેલ્લે વ્યક્ત કરી છે. આ લેખમાં ‘નૂતન યુગ’નો શ્લેષ રમૂજપ્રેરક છે. વળી ‘કામિનીકૌશલ’ વિશેની રમૂજ પણ માણવાની મળે છે. લેખકે ‘ખુશનુમાઈ’ની ભાવનાથી આવો લેખ લખવાનું પસંદ કર્યું હશે એમ આપણે માનવું રહ્યું. જોકે લેખકની સાઇગલ, પંકજ મલિક વગેરેની ગાયકીની જાણકારી નોંધપાત્ર તો ખરી. આવા ફિલ્મી ગીતો જેવા વિષયને અનુલક્ષીને ઉમાશંકરની મોકળાશભરી જે આહ્લાદક મુદ્રા પ્રગટ થાય છે તે આસ્વાદ્ય છે.
‘ગોષ્ઠી’ના નિબંધોમાં મનુષ્યના આ આનંદસ્વરૂપનાં દર્શન કરવા–કરાવવાનો ઉપક્રમ જણાય છે. ‘ગોષ્ઠી’ એટલે જ એક અર્થમાં આંતરમેળ. ઉમાશંકર ‘ગોષ્ઠી’ દ્વારા આ આંતરમેળને જ પ્રગટ કરવા – અનુભવવા–અનુભાવવા માગે છે. મનુષ્યના આંતરચૈતન્યની અનેકવિધ લીલાઓના સંચાર – આવિર્ભાવ માટે નિબંધ ઘણું સબળ માધ્યમ બની શકે. ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં આ રીતે નિબંધના માધ્યમને અનેક રીતે યોજીને જ્ઞાન – આનંદને અનુલક્ષતા વાક્ચૈતન્યનો સહૃદયોને સાક્ષાત્કાર કરાવવાનો લલિતગંભીર પુરુષાર્થ કર્યો છે.
- ↑ સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૧૫૧.
- ↑ દા.ત., ‘કવિનો શબ્દ’ પૃ. ૧૬૮; ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’, પૃ. ૨૭૩.
- ↑ સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૧૫૨–૧૫૪.
- ↑ સંસ્કૃતિ ૧૯૫૨, પૃ. ૧૫૫.
- ↑ સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૧૫૫.
- ↑ નિબંધ : સ્વરૂપ અને વિકાસ, પૃ. ૨૭૩.
- ↑ સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૧૫૧.
- ↑ સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૧૫૨.
- ↑ સંસ્કૃતિ, ૧૯૫૨, પૃ. ૧૫૦.
- ↑ પ્રવીણ દરજી, નિબંધ : સ્વરૂપ અને વિકાસ, પૃ. ૨૭૩.
- ↑ ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૧૯૬.
- ↑ એજન, ૧૯૫૭, પૃ. ૧૯૮.
- ↑ એજન, ૧૯૫૭, પૃ. ૧૯૮.
- ↑ એજન, ૧૯૫૭, પૃ. ૧૯૮.