ઉમાશંકરનો વાગ્વૈભવ/૩. ઉમાશંકર જોશીનું નિબંધસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. ઉમાશંકર જોશીનું નિબંધસાહિત્ય

ઉમાશંકરે કવિતા-વાર્તા પછી નાટક-નિબંધ પર પોતાનો હાથ અજમાવ્યો. “લલિત નિબંધ અને ટૂંકી વાર્તા વચ્ચે ઓછું જ અંતરપટ છે”[1] – એવી તો એમની પ્રતીતિ ખરી જ. પોતાની વાર્તાસર્જનની પ્રક્રિયામાં તો નિબંધ ને ટૂંકી વાર્તાનું નૈકટ્ય તેમણે અનુભવ્યું હતું. એમણે ૧૯૩૩માં ‘ગુજરીની ગોદડી’ લખી. આ વાર્તામાં લલિત નિબંધના બરની રસસામગ્રી ઠીક ઠીક છે. એ સંદર્ભે તેઓ લખે છે : “વસ્તુત: મેં લલિત નિબંધ લખવાનો શરૂ કરેલો. ‘કોરો કાગળ’ એ વિષય ઉપર થોડુંક કલ્પનામૂલક લખેલું પણ ખરું, પણ એ કાગળ ખોવાઈ જતાં નવો પ્રયત્ન કલ્પનાએ વાર્તા-આકારનો જ પસંદ કર્યો.”[2] ઉમાશંકરનો લલિત નિબંધમાં રસ આમ ૧૯૩૩થી. એમની કલમ પદ્યમાં ચાલવી શરૂ થઈ તે પછી પણ ગદ્યથી દૂર રહી નથી. સર્જનાત્મક ગદ્યની દિશામાં તેઓ ઝડપથી વિકાસ કરતા રહ્યા અને સર્જનાત્મક ગદ્યના ઉત્તમ આવિષ્કારો દાખવતી કેટલીક વાર્તાઓ, કેટલાંક એકાંકીઓ આપતા ગયા ને આ સાથે જ યથાવકાશ લલિત નિબંધોયે આપતા રહ્યા. ઉમાશંકરે પહેલા નિબંધસંગ્રહ ‘ગોષ્ઠી’માં ૧૯૩૪થી ૧૯૪૬ દરમિયાન લખાયેલા કેટલાક નિબંધો આપ્યા છે તો બીજા નિબંધસંગ્રહ ‘ઉઘાડી બારી’માં ૧૯૪૭થી ૧૯૫૯ દરમિયાન લખાયેલા કેટલાક નિબંધો આપ્યા છે. એ પછીયે એમનું નિબંધસાહિત્ય અવિરત ખેડાતું રહ્યું છે, અને એના અત્યાર સુધીના પરિપાક રૂપે પણ બેએક નિબંધસંગ્રહો સહેલાઈથી થઈ શકે એમ લાગે છે. નિબંધસાહિત્યમાંયે લલિત નિબંધ – સર્જકનિબંધ તરફ તેમનો સર્જક-આત્મા સવિશેષ ઢળ્યો જણાય છે. એમાં વળી ‘સંસ્કૃતિ’નું બળ મળ્યું. ‘સંસ્કૃતિ’માં એક સર્જક તંત્રી તરીકે દર અંકે પોતા તરફથી કંઈક આપી શકાય તો આપવાનો સાત્ત્વિક ઉત્સાહ – લોભ પણ એમને સ્વાભાવિક જ રહે. એક તંત્રી તરીકે જિવાતા જીવન સાથેનો પોતાનો અર્થપૂર્ણ સંબંધ વ્યક્ત ન થાય તે તો કેમ ચાલે ? તંત્રી પોતાના સામયિકના વાચકોથી અતડો રહે ખરો ? એણે કંઈક કહેવું જોઈએ, એણે વાચકોના હૃદય સાથે પોતાના હૃદયનો સેતુ બાંધવા આગળ આવવું જોઈએ. ‘ઉઘાડી બારી’ના નિબંધો તો એ વિધેયાત્મક વલણના સીધા જ પરિણામરૂપ છે. એમણે વાચકોને મળવા માટે, એમની સાથે ગોષ્ઠી થઈ શકે એ નિમિત્તે પોતાની બારી (અંતરની સ્તો) ઉઘાડી કરી દેવામાં સારસ્વત ધર્મ જોયો. સામો પણ પોતાને સાંભળે છે – એ સાંભળશે એવા માનવ્યનિષ્ઠ આત્મવિશ્વાસ સાથે પોતાની વાત વહેતી કરવામાંયે સંવાદિતાની જ સાધના – સારસ્વત સાધના જ એમના ચિત્તમાં અભિપ્રેત હોય એ માનવાને કારણો છે. રોજબરોજના, પ્રજાજીવનના મહત્ત્વના પ્રશ્નો બાબત પોતાના જે કંઈ પ્રતિભાવો હોય તે દિલચોરી વિના જણાવવા, પોતાના વાચકવર્ગને સતત એની જાણ કરી સજાગ ને સચિંત રાખવો – આ કાર્ય એક જવાબદાર તંત્રીનો જ ધર્મ નહીં, એક પ્રજાનિષ્ઠ જવાબદાર સંસ્કારસેવકનોયે ધર્મ સિદ્ધ થતો જતો દર્શાવે છે, કવિતામાં કવિને નહીં, કવિતાને બોલવાનું હોય છે. (‘અભિજ્ઞા’માં આનો સંકેત છે.) વાર્તા, નાટક, નવલકથા જેવા કલાપ્રકારોમાંયે એનાં પાત્રો – પરિસ્થિતિ વગેરેને કંઈક કહેવાનું હોય છે. લલિત નિબંધ એનો પ્રકાર છે, જેમાં લલિત નિબંધ પોતે જે કહેવાનો છે એ લલિત નિબંધકારનું જ સીધું કથન હોય છે. લલિત નિબંધમાં નિબંધ દ્વારા બોલવાનું તો નિબંધકારે જ હોય છે. એણે કોઈ અંતરપટ કે આડશ રાખવાની જરૂર હોતી નથી. પોતાને છુપાવવાની કોઈ યુક્તિ-પ્રયુક્તિની તેને આવશ્યકતા હોતી નથી. ઉમાશંકરના બંનેય નિબંધસંગ્રહનાં શીર્ષકો સ્વના સર્વ સાથેના સંબંધ-સેતુના નિર્દેશક છે.[3] ‘ગોષ્ઠી’ શબ્દમાં તો સ્પષ્ટ રીતે શ્રોતા-વક્તાની ઉપસ્થિતિ અને પરસ્પર સાથેનો હૃદયસેતુ સ્વીકૃત – ગૃહીત જ છે. ‘ઉઘાડી બારી’ શીર્ષક પણ આંતર સાથે બહિર્નો સંબંધ નિર્દેશે છે. કવિ પોતાનામાં જ પરિબદ્ધ નહીં રહેતાં, વિશ્વાશ્લેષી – વિશ્વરૂપ થવાની ખેવના સાથે કોઈક વાતાયન-રૂપ અનુકૂળ ભૂમિકા, જગત સાથેના સંવાદ-દર્શન માટેની, પસંદ કરીને રહે છે. બંને શીર્ષકો કવિના હૃદયસંવાદ માટેના વાક્પુરુષાર્થનો સંકેત આપે છે. આ બંને સંગ્રહો સાહિત્ય, કલા ઉપરાંત કેળવણી, ધર્મ, રાજકારણ, સમાજકારણ, રાષ્ટ્રકારણ; ટૂંકમાં, સત્ત્વના અને સંસ્કૃતિના અનેક વિષયોનો યત્કિંચિત્ પરિચય તો આપે જ છે. તે સાથે પરિચયકાર ઉમાશંકરના સર્જક-ચિંતક માનસનોય રમણીય પરિચય આપી રહે છે. “બે પૂંઠા વચ્ચે હૃદય પ્રવેશ્યું છે ?” આ એમનો પ્રત્યેક સર્જનગ્રંથ માટેનો મહત્ત્વનો પ્રશ્ન છે.[4] આ પ્રશ્ન તેમના આ બંને લલિત નિબંધ-સંગ્રહો માટે પણ પ્રસ્તુત છે. જેઓ આ નિબંધસંગ્રહોનો આસ્વાદ લે છે તેઓ અવશ્ય નિબંધકાર ઉમાશંકરના હૃદય-અભિજ્ઞાનનો બહુમૂલ્ય લાભ મેળવી શકે છે. આ નિબંધોમાંથી સંસ્કાર-સંસ્કૃતિનું, બૃહદ જીવનનું તેમ નિબંધકારના આંતરજીવનનુંયે મર્મદર્શન થઈને રહે છે. ‘ચંદ અલ્ફાઝ’ ત્રેવીસ વર્ષના ઉમાશંકરની જાહેરજીવનના પ્રવાહો વિશેની પુખ્ત સમજનો સારો અણસાર આપે છે. ‘મને સાંભરે રે’ એમના પ્રકૃતિપ્રેમનો, એમના વિદ્યાર્થીજીવનના છાત્રાલય સંબંધી સ્વાનુભવોનો કેટલોક ખ્યાલ આપે છે. એમની છાત્રો માટેની ઊંડી હમદર્દીયે એ લેખમાં વ્યક્ત થઈ છે. ‘બેટા, દેશાવર ખેડે, પણ આપણી ઝૂંપડી ભૂલીશ માં. ઉગમણે બારણે આપણું ઘર છે.” – આ ઉક્તિની જે ભાવસભર, ભાવનાસભર ભૂમિકા છે તેનું પ્રેરક દર્શન તેઓ આ લેખમાં કરાવે છે. ‘વાર્તાલાપ’માંની આ વાત – “મને પૂછો તો હું વાતોમાંથી જ શીખું છું – એટલે માણસમાંથી. ચોપડીઓ વાંચીએ છીએ તે તો તાળો મેળવવા.” (પૃ. ૬૮) – એમની મનુષ્યપ્રીતિની દ્યોતક છે. ઉમાશંકરની શબ્દનિષ્ઠા–શબ્દપ્રીતિ તો શું ‘અનંત શબ્દ’માં કે શું ‘શબ્દો – જીવનનું મધુ’ (ઉઘાડી બારી) લેખમાં સ્પષ્ટ રીતે પ્રગટ થઈ આવે છે. સંવાદિતાના સાધક તરીકે, હૃદયધર્મી સારસ્વત તરીકે એમની પ્રતિમા ઉજ્જ્વળ રૂપે આ લખાણોમાંથી ઊપસી આવે છે. એમનો બાળપ્રેમ, એમની મૈત્રીનિષ્ઠા, એમનો સ્વાતંત્ર્યપ્રેમ, એમની ભારતીયતા માટેની જિકર, લોકશાહી માટેની સતત ચિંતા, વિષમતાનાં સર્જક શોષણાદિ અનિષ્ટ તત્ત્વો સામેની એમની નારાજગી, એમનો કલા-જીવનનો વિવેક, એમની માનવીય સંબંધોમાં સમજ તથા સ્નેહને જ અગ્રતાક્રમ આપનારી અભીપ્સા, એમની જીવનરસ ને જીવનધર્મનો સમન્વય કરવાની સતત મથામણ – વ્યક્તિ અને સમાજ વચ્ચે વિકાસનિષ્ઠ ભૂમિકા સ્થાપવાના સંસ્કારધર્મ માટેની એમની ચીવટ — આ બધું અનેક રીતે, અનેક રૂપે આ લખાણોમાંથી પ્રગટ થઈને રહે છે. આ નિબંધો ઉમાશંકરના વ્યક્તિત્વની મુદ્રાથી સ્પષ્ટ રીતે અંકિત છે. ‘નિબંધ’ના જન્મદાતા મૉન્ટેઇને નિબંધના સંદર્ભમાં કહેલું કે “ઇટ ઇઝ માય્સેલ્ફ આઇ પોર્ટ્રે.” ઉમાશંકર સીધી રીતે આવું કહેવાનું પસંદ કરે ? પ્રશ્ન છે. આ એટલું નિશ્ચિત છે કે એમના નિબંધોમાં નિરૂપિત વિષયના જ્ઞાન સાથે એમના ‘શીલભદ્ર’ વ્યક્તિત્વનો આસ્વાદ પણ મળી રહે છે. ઉમાશંકરના સમૃદ્ધ આંતરવ્યક્તિત્વનો ઉઘાડ અવારનવાર આપણને પ્રસન્નતા બક્ષે છે. ઉમાશંકરના ‘ગોષ્ઠી’ના નિબંધો બતાવે છે કે તેઓ કોઈ એક ચોક્કસ ઢાંચો પસંદ કરીને નિબંધમાં ચાલતા નથી. નિબંધ જાણે તેમને ચલાવે છે ! નિબંધ અનેક લીલાત્મક રૂપો ધરીને ‘ગોષ્ઠી’માં ઉપસ્થિત થાય છે! આવી લીલારૂપતા તેય ‘ગોષ્ઠી’ના આંતરસ્વરૂપતત્ત્વની દ્યોતક લેખાય. ‘ગોષ્ઠી’ લેખકના ‘થોડાક લઘુ લેખો’(નિવેદન)નો સંગ્રહ છે. એ લેખો લલિત નિબંધના આદર્શને સિદ્ધ કરવા મથે છે. એ આદર્શની વિગતે ચર્ચા તેમણે ‘નિબંધ – કલાપ્રકાર’ નામના ગંભીર નિબંધલેખમાં કરી જ છે. લેખક પોતે ‘નિબંધ’ શબ્દ અને ‘લેખ’ વચ્ચે ભેદ કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ પણ સગવડ પ્રમાણે ‘લેખ’, ‘લઘુલેખ’, ‘નિબંધ’ આદિ શબ્દપ્રયોગો કરે છે. તેમના ચિત્તમાં લઘુનિબંધ કે લલિત નિબંધનું – સર્જકનિબંધનું સ્વરૂપ સ્પષ્ટ છે. આ ‘ગોષ્ઠી’ના નિબંધો સર્જકનિબંધો છે. ને એમાં ‘લેખકની આંતરયાત્રા’નો અનુભવ પણ નિહિત છે. [લેખકના મનમાં તો ‘સર્જકનિબંધ એટલે લેખકની આંતરયાત્રા’ (પૃ. ૨૩) આવું સમીકરણ છે જ.] આ સર્જકનિબંધોમાં ‘જુદી જુદી જાતના નમૂના’ (– ઉમાશંકર) છે. એમાં “કોઈ અંગત નિબંધ છે તો કોઈક જેને હળવા કહે છે તેવા છે, કોઈ ચરિત્રાત્મક છે અને કોઈ માત્ર અહેવાલરૂપ છે. એકાદ વ્યાખ્યાન પણ છે તો પ્રસ્તાવના રૂપે મુકાયેલાં લખાણો પણ છે. મનનાત્મક લઘુલેખ પણ દૂર રાખ્યા નથી...” આમ ‘ગોષ્ઠી’ના નિબંધમાં ઠીક ઠીક જૂજવાપણું છતાં એમાં એક તત્ત્વ સમાન છે ને તે છે ‘સંભાષણ – વાતચીત – નું તત્ત્વ’. લેખક આ ગ્રંથના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવે છે કે એ તત્ત્વ ઉપર ભાર મૂકવા જેવું લાગતાં ‘ગોષ્ઠી’ નામ તેમણે આ નિબંધસંચય માટે પસંદ કર્યું છે. આ ‘ગોષ્ઠી’માંના નિબંધો જેમ ઉમાશંકરના વિકાસોન્મુખ સારસ્વત વ્યક્તિત્વનો તેમ એમની ગદ્યસાધનાનોય પરિચય આપે છે. નર્મદે “નિબંધ લખવા, જેવી તેવી વાત નથી.” – એમ એક સૈકા પૂર્વે કહેલું. ઉમાશંકર પણ એના કથનને સ્વીકારીને – આગળ કરીને ચાલે છે. તેઓ પણ ગદ્ય લખવું અઘરું માને છે ને તે સાથે “લલિત નિબંધો લખવા એ ગદ્યની કસોટીરૂપ છે” એમ જણાવે છે. ઉમાશંકરની પદ્યસાધનાનો તેમ ગદ્યસાધનાનો ઇતિહાસ પણ અનવરુદ્ધ વિકાસનો ઇતિહાસ છે. તેમણે ‘ગોષ્ઠી’માં ગદ્યને જુદી જુદી પરિસ્થિતિમાં, જુદાં જુદાં પ્રયોજનોથી ને છતાંય એકમાત્ર હૃદય-સંવાદના ઉદાત્ત લક્ષ્યથી અજમાવી જોયું છે ને એનાં રસપ્રદ પરિણામોય આવ્યાં છે. જગત અને જીવન પ્રત્યેની સદાજાગ્રત સંનિષ્ઠા, સમજ અને સ્નેહ દ્વારા શબ્દને વધુમાં વધુ કાર્યસાધકતાથી વિનિયોજવાની મથામણ અને ખુદવફાઈને કારણે આ લખાણોમાં પણ નોંધપાત્ર સિદ્ધિ તેઓ હાંસલ કરી રહ્યા છે. જેમ એકાંકીકાર, વાર્તાકાર તરીકેની તેમની પ્રતિષ્ઠા ઇતિહાસસિદ્ધ છે તેમ નિબંધકાર – સારા ગદ્યકાર તરીકેની પણ એમની પ્રતિષ્ઠા ઇતિહાસસિદ્ધ જ ગણાય. આપણા ઉત્તમ નિબંધકારો, ગદ્યકારોમાં તેમનું સ્થાન સહજતયા પ્રથમ હરોળમાં જ આવે. ગુજરાતી નિબંધમાં દલપતરામનો નામોલ્લેખ નર્મદ પૂર્વે કરવો જોઈએ. સુન્દરમે દલપતરામની ગદ્યપ્રવૃત્તિની જે કંઈ ઉપેક્ષા થઈ છે તે તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે.[5] દલપતરામનો ‘ભૂતનિબંધ’ ૧૮૪૮માં લખાયેલો, નર્મદનો નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૧માં લખાયેલો. એ આપણો સંક્ષિપ્ત શૈલીનો પહેલો નિબંધ.[6] (– સુન્દરમ્‌) ઉમાશંકર એ નિબંધને ‘લેખકના વ્યક્તિત્વની મુદ્રાવાળો ગુજરાતીનો પ્રથમ નિબંધ’[7] લેખે છે. એ પછી આ પ્રકારના નિબંધનું સ્વરૂપ વિવિધ સર્જકોને હાથે જે રીતે ખીલતું ગયું તેનો આછોપાતળો અંદાજ ‘નિબંધ – કલાપ્રકાર’ લેખમાં આપે છે. “આપણી ભાષાઓમાં સર્જકનિબંધ એક સ્વતંત્ર સાહિત્યપ્રકાર તરીકે હજી પૂરો પાંગર્યો નથી.”[8] – એવો તેમનો અભિપ્રાય છે. ગુજરાતીમાં સર્જકનિબંધને ક્ષેત્રે કાકાસાહેબની અનન્યતા તેઓ બતાવે છે.[9] સર્જકનિબંધ-ક્ષેત્રે રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ, ક. મા. મુનશી, નવલરામ જ. ત્રિવેદી, ઝવેરચંદ મેઘાણી, ર. વ. દેસાઈ, જ્યોતીન્દ્ર દવે, જયેન્દ્રરાય દૂરકાળ, મોહનલાલ પા. દવે, અતિસુખશંકર ત્રિવેદી, ધનસુખલાલ મહેતા, ‘સ્વૈરવિહારી’, ‘વિનોદકાન્ત’, ‘ધૂમકેતુ’, વિનોદિની નીલકંઠ, જયંતિ દલાલ, ગગનવિહારી મહેતા, મુનિકુમાર ભટ્ટ, ચંદ્રવદન મહેતા, ‘ફિલસૂફ’, કિસનસિંહ ચાવડા, સુરેશ જોષી, સ્વામી આનંદ, ચુનીલાલ મડિયા, રસિક ઝવેરી, ‘પ્રિયદર્શી’, દિગીશ મહેતા, બકુલ ત્રિપાઠી વગેરે અનેક લેખકોનો ફાળો છે. તેમણે હળવા તેમજ ગંભીર લલિત નિબંધોમાં યથારુચિ પોતાનો ફાળો આપ્યો છે. ઉમાશંકર સર્જક-નિબંધના સંદર્ભમાં વિનોદિની નીલકંઠના ‘નિજાનંદ’ની ખાસ નોંધ લે છે. તેઓ એમના નિબંધ વિશેના લેખમાં પ્રસંગોપાત્ત, નરસિંહરાવની રોજનીશીનેય યાદ કરે છે. તેઓ ‘વિવર્તલીલા’ને પણ યાદ કરી શક્યા હોત. સર્જક-નિબંધના વળાંક-વિકાસમાં ઉમાશંકરના નિબંધોનું સ્થાન મહત્ત્વનું છે. સુન્દરમે ૧૯૪૭-૪૮માં ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધ” એ સુદીર્ઘ લેખમાં અંતભાગમાં જુવાન કવિઓ ને વાર્તાકારો – ચંદ્રવદન મહેતા, મનસુખલાલ, બેટાઈ, સુન્દરમ્‌, ઉમાશંકર વગેરેના સંબંધમાં એક ધ્યાનાર્હ વિધાન કરેલું :

“(એ) દરેકની પાસે વૈયક્તિક મરોડવાળી શૈલી છે, અને તેઓ ધારે તો વસ્તુપ્રધાન અને કલ્પનાપ્રધાન એ બંને પ્રકારમાં આકર્ષક નિબંધો રચી શકે તેમ છે.”

એમનું આ વિધાન નિરાધાર નહોતું એ તે પછી નિબંધક્ષેત્રે થયેલી ઉમાશંકર આદિની કામગીરી સિદ્ધ કરી આપે છે. ઉમાશંકરે ૧૯૫૧માં ‘ગોષ્ઠી’ અને ૧૯૫૯માં ‘ઉઘાડી બારી’ નિબંધસંગ્રહો આપ્યા. ‘ગોષ્ઠી’ પ્રગટ થતાં શ્રી અનંતરાય રાવળે તેની સંક્ષિપ્ત સમાલોચના કરતાં લખેલું :

“આ લખાણોમાંથી વાચકોને જાણે આત્મીય ભાવે તેમની સાથે ‘ગોષ્ઠી’ કરતા લાગતા શ્રી ઉમાશંકરના સમૃદ્ધ વ્યક્તિત્વનો પરિચય મળી રહે તેમ છે. એમની બહુશ્રુતતા, એમનું સ્ફૂર્તિમંતું ચિત્ત, દુનિયા ને માનવીઓનું એમનું નિરીક્ષણ, એમની ભાવનાશીલતા અને એમની વિનોદવૃત્તિ – આ સૌનું તેમ એમના ગદ્યનું આ સંગ્રહ ઠીક પ્રમાણમાં દર્શન કરાવી રહે છે, જે એમને ‘છોટા કાલેલકર’નું બિરુદ રળાવી આપે તેમ છે.” (પૃ. ૫૩૪)

આ ‘ગોષ્ઠી’નું પ્રકાશન નિબંધસાહિત્યનો ઇતિહાસ આપનારા અનેક વિદ્વાનોને એક “મજલથંભ” સમું જણાયું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર લખે છે :

“છેલ્લા બે દાયકાની વાત કરીએ તો તેમાં શ્રી ઉમાશંકર જોશીએ ‘ગોષ્ઠી’ રૂપે આપેલો ફાળો સૌથી વિશેષ નોંધપાત્ર છે. તેમનાં લખાણો વાચકની સાથે થતી અનૌપચારિક વાતચીતરૂપ છે. તેમનું મીઠું અને સૂચક હાસ્ય, તટસ્થ વાચકને રમતાં રમતાં પ્રવાહમાં ખેંચી જતી તેમની પ્રસન્ન-ગંભીર શૈલી અને ગંભીર વિચારને વાગોળતાં વાગોળતાં નિબંધના સીમાડા સુધી જઈ પહોંચતી ચિંતનશીલતા પહેલે જ ધડાકે તેમને આપણા ઉત્તમ નિબંધકારોમાં સ્થાન અપાવે છે.” (ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, જૂન, ૧૯૬૬, પૃ. ૨૬૭)

ગુજરાતી સાહિત્યમાં અનૌપચારિક નિબંધના વિકાસની વાત કરતાં પૂર્તિલેખમાં જયંત કોઠારી લખે છે :

“છેલ્લા સમયમાં નિબંધના સાહિત્યસ્વરૂપે અનૌપચારિક રીતે ખેડવાના, અને લલિત સર્જનાત્મક સાહિત્યસ્વરૂપની નજીક લઈ જવાના પ્રયત્નો વધારે ધ્યાન ખેંચે છે. એમાં સહજ રીતે સૌથી પહેલું નામ યાદ આવે ઉમાશંકર જોશીનું. ‘ગોષ્ઠી’માં આપણને પહેલી વાર લલિત નિબંધની વિષયસૃષ્ટિ અને એને યોગ્ય માવજત જોવા મળે છે.” (નિબંધ અને ગુજરાતી નિબંધ, ૧૯૭૧, પૃ. ૧૭૦)

‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ – એ વિષય પર મહાનિબંધ આપનાર અભ્યાસી ડૉ. પ્રવીણ દરજી પણ “ ‘ગોષ્ઠી’ અને ‘ઉઘાડી બારી’ જેવા કલાત્મક નિબંધોના સંગ્રહો આપી આપણા સર્જનાત્મક નિબંધોને એક ડગલું આગળ લઈ જવામાં નિબંધકાર ઉમાશંકરનો ફાળો નોંધપાત્ર બની રહ્યો”[10] હોવાનું માને છે. એમનો ‘એક ડગલું’ શબ્દપ્રયોગ લાક્ષણિક અર્થમાં જ પ્રયોજાયો હશે એમ માનવું રહ્યું. આમ ઉમાશંકરની નિબંધકળા એની ગુણવત્તાએ ઐતિહાસિક મૂલ્યવત્તાવાળી ઠરી છે.



  1. પ્રતિશબ્દ પૃ. ૨૨૪–૨૫.
  2. પ્રતિશબ્દ, પૃ. ૨૨૪.
  3. જનક દવેના ‘નિબંધકાર ઉમાશંકર’ લેખ (કવિનો શબ્દ, પૃ. ૧૬૫)માં આનો સંકેત આરંભે જ છે.
  4. અભિરુચિ, પૃ. ૩૬.
  5. નિબંધ અને ગુજરાતી નિબંધ, જાન્યુઆરી, ૧૯૭૬, પૃ. ૧૦૬.
  6. નિબંધ અને ગુજરાતી નિબંધ, પૃ. ૧૦૮.
  7. ગોષ્ઠી, પૃ. ૧૭૯.
  8. એજન, પૃ. ૨૬–૨૭.
  9. એજન, પૃ. ૨૭.
  10. નિબંધ : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૫, પૃ. ૨૭૨.