ઉવેખાયેલી વાર્તાઓ/ઢોરની ઓલાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઢોરની ઓલાદ

માંડ માંડ ચોર હાથ લાગ્યો હતો. પોલીસપટેલની જવા બેઠેલી આબરૂ અને નોકરી બન્ને સચવાઈ ગયાં. મહાલના ફોજદારને ઉપરી-ખાતા તરફથી દબાણ થતાં, ડિસ્ટ્રિકટમાં નીકળવું પડ્યું એનો ફેરો લેખે લાગ્યો, અને માથેથી ‘ઈ તો ફો’દારસા’બનાં પગલાંને જ જશ છે’- એવો જે લોકમત બંધાણો એ તેમના ગુડવિલ (સુવાસ) ખાતામાં જમા થયો. વળી પેલાં છાપાંવાળાઓ આજ વર્ષો થયાં લઈ બેઠા હતા કે, આ ગામમાં થતી ચોરીઓ કે બીજા ગુનાઓના આરોપીઓ કદી પકડાતા જ નથી, એ અળખામણા આક્ષેપને બિનપાયાદાર અને નર્યા અંગત દ્વેષમાંથી જ ઉદ્ભવેલો ઠરાવવા માટે રાજ્યના પ્રચારખાતાના વડાને સાબૂત પુરાવો પણ મળી ગયો. આમ, ચોર પકડાવાથી એક જ કાંકરે બેને બદલે ત્રણ પક્ષીઓ મરી શક્યાં, અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. છતાં, હજી આખો જંગ નહોતો જિતાયો. ભેંસનો ચોર પકડાઈ ગયો, ચોરીની કબૂલાત થઈ ગઈ, એ વાત બધી સાચી; પણ હજી સુધી મુદ્દામાલ હાથ નહોતો લાગ્યો. પણ મુદ્દામાલ હાથ કરવો, એ તો પોલીસપટેલને મન રમતવાત હતી. ગેંડા-પૂંછની પટીવાળી સોટીની શક્તિમાં તેમને અસીમ શ્રદ્ધા હતી. આ કિસ્સામાં તો ઠીક છે કે, ચોર હાથ આવી ગયો છે અને એણે ચોરીની કબૂલાત પણ કરી દીધી છે; પણ સાવ ધડમાથાં વિનાનાં વગર સાક્ષી કે વગર પુરાવાના કિસ્સાઓમાં પણ આ સર્વશક્તિમાન સોટીની સહાયથી પોતે આખેઆખા ગુના કબૂલાવ્યા હતા, એ હકીકત તેમની જાણ બહાર નહોતી. અને આ કિસ્સો તો એટલો બધો સરળ હતો કે, એનો મુદ્દામાલ હાથ કરવામાં સોટી તો શું પણ એકાદ બૂસટ, થપ્પડ કે ગાળભેળની પણ જરૂર નહીં પડે એમ તેઓ માનતા હતા. પણ માણસ માને એ પ્રમાણે જ બધું સમયસર બનતું આવે તો તો પછી ‘હરિ કરે સો હોય’ની કહેવત ઉપર પીંછો જ મારવો પડે ને? ધાર્યું હતું એટલી સરળતાથી મુદ્દામાલનો પત્તો ન મળ્યો. પોલીસપટેલે ધૂંધાને ‘ભાઈ! બાપ! મારા બાપ! વીરા!’નાં વહાલભર્યાં સંબોધનોથી શરૂ કરીને ધીમે ધીમે છેવટ જતાં એની મા, બેન, બાપ અને સાતેય પેઢીની સંભાળ લઈ લીધી; પણ ધૂંધાએ મુદ્દામાલની બાતમી ન આપી તે ન જ આપી. માત્ર પોલીસપટેલની જ નહીં, પણ ફોજદાર અને સૂબેદારની પણ મૂંઝવણ વધી. ચોર તો માંડ માંડ કરીને હાથ કર્યો, પણ મુદ્દામાલ વિના બધું ય એકડા વિનાનાં મીંડાં જ ને? અને મુદ્દામાલ રજૂ ન કરી શકીએ, ત્યાં ખાતાના દફતરે ચોરી પકડ્યાની નોંધ પણ કેવી રીતે થઈ શકે? અને એ નોંધની યશકલગી વિના પગારવધારો પણ કયે મોંએ માગી શકાય? પણ પોલીસપટેલ ઓછી માયા નહોતા. આવાં કાંટિયા વરણના ગામમાં વીસ વીસ વરસથી પટેલાઈ કરી કરીને તેઓ પણ સોમાં સોંસરવા નીકળે એવા થઈ ગયા હતા. ધૂંધો મુદ્દામાલની બાતમી ન આપે, એટલે પોલીસપટેલ અદબપલાંઠી વાળીને બેઠા રહે; એમ તમે સમજો છો? અરે, રામરામ ભજો ભલા માણસ! ઈ વાતમાં શું માલ છે? પોલીસપટેલની ગામ આખામાં એવી તો સારપ હતી કે, અરધું ગામ તો એમના બિનપગારી બાતમીદાર તરીકે કામ કરતું. ગામની જેટલી જેટલી કોઢ્ય, ગમાણ કે વાડામાં ભેંસપાડી સમાઈ શકે, એ બધે ઠેકાણે તેમણે જાતે તપાસ કરી કાઢી - કારણ કે આવા અગત્યના કામમાં પસાયતા ઉપર વિશ્વાસ મૂકવો પોસાય નહીં. કોને ખબર છે, ઈય માલિપાથી ખૂટલ ન હોય? પણ ક્યાંય મુદ્દામાલનો પત્તો ખાધો નહીં. છતાં પોલીસપટેલ જરીકેય હતાશ ન થયા. ધૂંધાને ભૂખ્યોતરસ્યો પૂરી રાખીને તેમણે મુદ્દામાલની ખોજ ચાલુ રાખી. કેટલાક બાતમીદારો એવી બાતમી લાવ્યા કે, પડખેના ગામમાં એક ખેડૂતને ત્યાં આ ચોરઉ ભેંસ વેચાણી છે. પોલીસપટેલને આ વાત ગળે ઊતરી. તરત તેમણે બે પસાયતાઓને મારતે ઘોડે દોડાવ્યા. એ ગામમાં તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે, એક ખેડુએ થોડા દિવસ પહેલાં જ ભેંસ વેચાતી લીધી છે ખરી. એક જણે તો એવા પણ ખબર આપ્યા કે, એ ભેંસ સાવ પાણીને મૂલે આવી છે એટલે કોઈ ઘરઘરાઉની ચોરાઉ જ હોવી જોઈએ. પસાયતાઓને આથી વધારે સાબૂત પુરાવો કયો જોઈએ? ઘરધણી બિચારો ઘણુંય કરગર્યો, ઘટસ્ફોટ કર્યો કે આ તો પૂરા પૈસા દઈને શાહજોગ ખરીદી છે, પણ પસાયતાઓએ તો પટેલનું નાક રાખવા ભેંસને ખીલાસોતી ખેંચવા માંડી. ઘરધણીએ કહ્યું: ‘ભાઈસા’બ, ભેંસ લઈ જાવી હોય તો લઈ જાવ, પણ આ ખીલો તો મેં ચોરાઉ નથી લીધો, હજી ગઈ હોળીએ બાવળની ગાંઠ્ય ભાંગીને ઘડાવ્યો છે; ઈય કાં ઉપાડતા જાવ?’ છેવટે પસાયતાઓએ ખીલો છુટ્ટો કરીને ત્યાં મૂકતા જવાનું સૌજન્ય બતાવ્યું, અને ભેંસ મુદ્દામાલ તરીકે લઈને રસ્તે પડ્યા.

પોલીસપટેલ દરવાજાની દોઢી ઉપર ચડી, સડક ઉપર મીંટ માંડીને કાગને ડોળે પસાયતાઓની પ્રતીક્ષા કરી રહ્યા હતા; અને જ્યારે તેમણે દૂર દૂરથી આવતા બે ઘોડેસવારોની વચ્ચે એક કાળું પ્રાણી દેખ્યું, ત્યારે જ તેમના જીવમાં જીવ આવ્યો. પસાયતાઓ જ્યારે બે જ ખેતરવા દૂર રહ્યા અને પૂછડું ઉલાળીને માખીઓ ઉડાડતી ભેંસની આકૃતિ સ્પષ્ટ દેખાવા માંડી, ત્યારે પોલીસપટેલ એટલા તો આંનદી ઊઠ્યા કે, હરખમાં ને હરખમાં તેમણે મહાલના ફોજદારને ટેલિફોન પણ કરી દીધો કે મુદ્દામાલ હાથ લાગી ગયો! ફોજદારસાહેબે અને સૂબેદારસાહેબે પોલીસપટેલની કાર્યશક્તિ ઉપર ખુશ થઈને તેમના વાંસાને બદલે ટેલિફોનનું રિસીવર થાબડ્યું અને ઠેઠ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને આ મુદ્દામાલ હાથ કર્યાના સમાચાર મોકલી આપ્યા. સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ ‘કામ કરે કોઠી ને જશ ખાય જેઠી’- એ કાર્યપ્રણાલીએ કામ કરનારા હતા. તેમણે તે દિવસે મહારાજા સાહેબની ખાસ મુલાકાત લીધી અને આ મુદ્દામાલ હાથ કર્યાનો જશ પોતાને નામે ચડાવ્યો. મહારાજા સાહેબે તરત પ્રચારખાતાના અધિકારીને સૂચના આપી, અને તેમણે લાગતાંવળગતાં છાપાંઓમાં ચોરીનો મુદ્દામાલ હાથ થયાના સમાચારો મોકલવાનો પ્રબંધ કર્યો.

... હં, પછી પસાયતાઓ સાવ નજીક આવી પહોંચ્યા. દરવાજાની દોઢીથી એક જ ખેતરવા આઘા રહ્યા, પણ ત્યાં સુધીમાં તો અરધા ગામમાં વા વાત લઈ ગયો હતો અને ભેંસનો મૂળ ધણી રોટલો ખાવા બેઠો હતો, એને એંઠે હાથે એ એંઠે મોંએ ચાર જણાએ બાવડું ઝાલીને ઉઠાડ્યો ને દોઢીમાં ખેંચી લાવ્યા. પોલીસપટેલે હરખાતે હૈયે કહ્યું: ‘લ્યો પટેલ, ધૂંધો સીમમાંથી હાંકી ગ્યો તો ઈ તમારી ભગરી! સંભાળી લ્યો!’ અને પછી અડખેપડખે ઊભેલાઓને ઉદ્દેશીને ગર્વભેર કહ્યું: ‘એમ જો મુદ્દામાલ હાથ ન આવે તો તો આ ધોળાંમાં ધૂળ પડે ને?’ તે દરમિયાન ભેંસના ધણીએ કંઈક શંકાશીલ બનીને વાંકા વળીને ભેંસનું આઉ તપાસવા માંડ્યું હતું; અને પોલીસપટેલ પોતાની આ સફળતા બદલ લોકોની મૂક શાબાશી પૂરી સ્વીકારી રહે, એ પહેલાં જ ભેંસના ધણીએ ઊભા થઈને જણાવી દીધું: ‘આ આપણી ભેંસ નથી. આઉ ઉપર ધોળાં ટીલાં હતાં, ઈ આને ક્યાં છે?... ને ઓલીનાં તો એક શિંગડાની અણીય ટપાલહાફિસની ભીંતે ઘસાવા ગઈ તંયે જાળીમાં ભરાતાં બટકી ગઈ’તી... ને ઓલીને તો ભેગો બે મહિનાનો ગાભ હતો ને આ તો હજી ખડાયું છે... પહેલું વેતર આવતાંય આને તો હજી વાર લાગશે... આપણી ન હોય ને આપણી કેમ કહેવાય? આપણી માથેય હજાર હાથવાળો બેઠો છે ને? ખોટું બોલીને ક્યાં બે ભવ જીવવું છે?’ સાવ લાપરવાહીથી ભેંસધણી આ વાક્યો ઉચ્ચારતો હતો, ત્યારે એને ક્યાં ખબર હતી કે, એના શબ્દે શબ્દે પોલીસપટેલના મનમાં બાંધેલ માળખામાં ગાબડાં પડતાં જાય છે!

પોલીસપટેલના મોં ઉપર ભોંઠામણની કાળી શાહી ઢોળાઈ ગઈ. ‘આ ભેંસ તમારી નથી એમ?’ તેમણે જરાક દમદાટીભર્યા અવાજે પૂછ્યું. ‘ના ભાઈસા’બ! ઓલીના તો પૂછડાના મોવાળા કોક અટકચાળાં છોકરાં કાપી ગ્યાં’તાં... ને આની ખરી વચ્ચાળે ફાડ્ય તો જુવો! કેવડી મોટી છે? આપણી ન હોય ને ખોટું થોડું કે’વાય છે કે, આપણી જ છે? ઓલ્યા ઉપર બેઠેલાનો ભો રાખવો જોઈ કે નહીં? જડશે જડવાની હશે તો, નીકર નસીબમાંથી જ ખડી હશે તો લાખ ઉપાયે થોડી જડવાની છે? મર લેનારો રાજી થ્યો...’ ભેંસના માલિકની આવી સ્થિતપ્રજ્ઞ જેવી બેફિકરાઈ સાંભળીને પોલીસપટેલને ઘડીભર તો થઈ આવ્યું કે, આની જીભ ખેંચી કાઢીને બોલતો બંધ કરી દઉં. માંડ માંડ કરીને ભેંસ હાજર કરી છે, ત્યારે ‘મારી છે’- એટલું કહેતાં એને કયું કોગળિયું થાતું’તું! કરી કારવી મહેનત બધી ધૂળમાં મેળવી. તરત તેમણે મહાલ-ફોજદારને ટેલિફોનથી ખબર આપ્યા કે, પકડાયેલો મુદ્દામાલ મૂળ ધણીનો નથી; પણ ભૂલથી બીજી જ ભેંસ આવી ગઈ છે... ... ફોજદારના હાથમાં રિસીવર થંભીગયું. હૃદય પણ થંભી જશે કે શું, એમ દહેશત લાગી. ઘડીભર તો તેઓ ઘાંઘા થઈ ગયા, પણ તરત સ્વસ્થ થઈ, કડક અવાજે પોલીસપટેલને બેચાર ગાળ ભેરવીને ચેતવણી આપી: ‘સાંજ મોર ગમે ત્યાંથી મુદ્દામાલ પકડી પાડો, નીકર પટ્ટો-પાઘડી ઉતારી નાખો ને લોટની તાંબડી ફેરવવા માંડો.’ અને પોતે ફૂલણશી થઇને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને મુદ્દામાલ પકડાયાની સત્તાવાર ખબર આપી દીધી છે એ યાદ આવતાં, તેમનો અવાજ, રિસીવરનો ધ્વનિ પડદો ખમી શકે એ કરતાંય વધારે જોરદાર બન્યો: ‘સાંજ મોર જો ભેંસ હાથ નથી કરી, તો તમારી કે પસાયતાઓની કોઈની ખેરિયત નથી, એટલું યાદ રાખજો.’ પોલીસપટેલને પણ લાંબા સમયની નાસીપાસી પછી એવી તો ચાટી ગઈ હતી કે, ફોજદારસાહેબે ટેલિફોનમાં દમદાટી આપીને મુદ્દામાલ પકડવાની ચાનક ન ચડાવી હોત તોપણ તેઓ યેન કેન પ્રકારેણ એ કામ પાર પાડ્યા પછી જ જંપવાના હતા.

મુદ્દામાલનો પત્તો મેળવવાનો હવે ફક્ત એક જ માર્ગ બાકી રહ્યો હતો - ધૂંધાને મોંએ જ એની બાતમી કઢાવવાનો. ફરી પોલીસપટેલ, પસાયતાઓ અને ગામના બીજા ભારાડીમાં ખપે એવા દાદાઓને લઈને ધૂંધાને પૂર્યો હતો એ કોટડીમાં ગયા અને ફોસલાવી- પટાવી-લાલચો આપીને વાત કઢાવવાનો પ્રયત્ન કરી જોયો. ધૂંધો બાતમી આપે તો એનો ગુનો માફ થાય, એટલું જ નહીં; પણ માથેથી લટકાના ગણીને રૂપિયા પચ્ચીશ રોકડા આપવાનું પણ પોલીસપટેલે કહી જોયું - જો કેમે કર્યો એ મુદ્દામાલ રજૂ કરીને અમલદારોની જવા બેઠેલી નોકરી બચાવી લેતો હોય તો. પણ ધૂંધો તો સો રામદુવાઈ સામે પોતાનું એક ઊંહું લઈને બેઠો હતો; ‘મુદ્દામાલ છે જ નહીં.’

રોંઢો નમતો જતો હતો તેમ તેમ સહુની ફડક વધતી જતી હતી. હમણાં ફોજદારસાહેબનો ટેલિફોન આવશે ને મુદ્દામાલની પૃચ્છા કરશે. પોલીસપટેલ ધૂંધા સાથે વાતો કરતા હતા, તે દરમિયાન પણ તેમના કાન તો ટેલિફોનની ઘંટડી ઉપર જ મંડાણા હતા. લગભગ સાંજ પડવા આવી, છતાં ધૂંધા પાસેથી કંઈ જ જાણવા ન મળી શક્યું, ત્યારે મુખી અને બીજાઓએ મળીને નક્કી કર્યું કે, હવે ભાઠાવાળી શરૂ કર્યા વિના આરો નહીં આવે. ગામલોકોએ પણ સમ્મતિ આપી: ‘હા, બસ, ઈ વિના બીજો ઉપાય જ નથી. સરપ મોકળો હોય ત્યાં લગણ જ વાંકોચૂકો હાલે; ભોંણમાં ભોડું પેસે કે, તરત સીધો દોર થઈ જાય.’

ચોર, ચમાર, નારી વગેરે તાડનના અધિકારી છે: એ ‘મહાત્મા તુલસીદાસજી’ના વચનમાં શ્રદ્ધા ધરાવનારા એક જણાએ આ દરખાસ્તને ટેકો આપ્યો: ‘ધોકે જાર ફાંસરી ને ધોકે નાર પાંસરી.’ આ દરખાસ્તો રજૂ થતાં વાર જ પોલીસપટેલે સોટી લઈને ધૂંધાની પીઠ ઉપર સબાક સબાક વીંઝવા માંડી. સોટીના સબકારા સાથે કેટલાકનાં મોંમાંથી અનુકમ્પાજન્ય સિસકારા નીકળી જતા હતા, પણ સાઠ સાઠ વરસના ટાઢ-તડકા વેઠી વેઠીને રીઢી થઈ ચૂકેલી ધૂંધાની છીપરા જેવી પીઠ ઉપર નેતરસોટીની બહુ અસર તો ન થવા પામી, પણ એ બરડ ચામડા ઉપર ભરોળો પણ પૂરી ન ઊઠી શકી. સોટી વીંઝી વીંઝીને પોલીસપટેલનું કાંડું દુખવા આવ્યું, ત્યારે તેમને થાક આપવા એક પસાયતાએ સોટી લીધી.

પોલીસપટેલે દુખવા આવેલ કાંડાનું હાડકું દાબતાં દાબતાં એક કણબીને હુકમ કર્યો: ‘સામેની નિશાળમાંથી મે’તાજીની આંકણી લઈ આવ.’ સીસમની આંકણી આવી, એટલે પોલીસપટેલના કાંડામાં જોર આવ્યું. ફડાક ફડાક અવાજ સાથે એ ધૂંધાની પીઠ ઉપર ઝીંકવા માંડી. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છઠ્ઠે ઘાએ તો આંકણી એક કટાકા સાથે બટકી ગઈ. ‘મારા હાળાનો વાંસો જ લોઢાનો છે.’ પોલીસપટેલ બોલ્યા. ત્યાં તો ગેટ બહાર મોટરનું ભૂંગળું વાગ્યું અને થોડીક વારમાં જ મહાલના ફોજદારસાહેબ મોટરમાં આવી પહોંચ્યા. ‘કેમ પેટલ, ક્યાં છે મુદ્દામાલ?’ તેમણે આંખ કાઢીને પૂછ્યું. ‘કાંઈ જવાબ જ ક્યાં આપે છે? જાણે કે મોઢામાં જીભ જ નથી. માળું ઢોર હોય ઈ પણ બે પરોણા પીઠ ઉપર પડે, તો ઊંકારો કરે છે. આ તો માળો ઢોરથીય નપાવટ નીકળ્યો. આ મારી સોટી બેવડી થઈ ગઈ ને આ થાંભલી જેવી જાડી આંકણી બટકાવી નાખી, તોય મોંમાંથી હરપ નથી કાઢતો. માણસની ઓલાદ જ નથી લાગતી; ઢોરની ઓલાદ છે.’ ફોજદારસાહેબે પોતાની મોટરમાંથી હન્ટર મંગાવ્યું. હન્ટરના પહેલા જ ફટકાએ ધૂંધાની પીઠ ઉપર લીલી કાચ ભરોળ ઉઠાડી. બીજા ફટકાએ મોંમાંથી સિત્કાર નીકળી ગયો. પોલીસપટેલ, પસાયતાઓ અને બીજા ગામલોકોને થયું કે હં, હવે કંઈક અસર થવા માંડી ખરી. ત્રીજો ફટકો પડ્યો ને ધૂંધો કાળી ચીસ પાડી ઊઠ્યો: ‘એ ભાઈસા’બ, હવે રે’વા દિયો! બહુ થયું! હવે નથી ખમાતું.’ ‘હરામખોર! ભેંસ ચોરવાનું બહુ મીઠું લાગ્યું’તું, કેમ?’ અને બીજો એક ફટકો પડ્યો. ‘સા’બ, પણ ભેંસ ચોરી છે જ કોણે?’ ધૂંધો બોલ્યો. ‘ચોરી નથી તંયે શું શાહજોગ લીધી છે? ચોરીને માથે વળી શિંગડાં ઊગતાં હશે?’ કહીને ફોજદારસાહેબે ફટકા ચાલુ રાખ્યા. ‘બોલ, મુદ્દામાલ ક્યાં વેચી આવ્યો છે?’ ‘ક્યાંય નથી વેચ્યો, સા’બ.’ ધૂંધાને ઉત્તર આપતો જોઈને સહુ આશાવાદી બનવા લાગ્યા: ‘બોલે એને પહોંચાય, આટલું બોલ્યો, તો હવે પૂરું બોલશે ખરો.’ ‘ભેંસ વેચી નથી, તો પછી કયે ઠેકાણે સંતાડી છે? બોલ!’ ફોજદારસાહેબે એક ફટકા સાથે આ પ્રશ્ન પૂછ્યો. ‘ગામમાં છે કે ગામ બહાર?’

ધૂંધાને માટે હવે આ માર અસહ્ય હતો. એની આંખે અંધારાં આવતાં હતાં. લથડતી જીભે માત્ર એટલું જ બોલી શક્યો: ‘ગામમાંય નથી ને ગામની બારેય નથી, સા’બ! આ ધરતી ઉપર ઈની ભાળ કાઢવી રે’વા દિયો ભલા થઈને.’ ફોજદારસાહેબ ગુસ્સે થઇને બોલ્યા: ‘ધરતી ઉપર નહીં તો ક્યાં આકાશમાં ભાળ કાઢવા જાઉં, સાલા દાંડ! બોલ, કોની કોઢ્યમાં મુદ્દામાલ સંતાડ્યો છે?’ અને સમસમ કરતું હન્ટર ધૂંધાની પીઠ ઉપર ભરડો લઈ ગયું. ‘સા’બ, કોઈની કોઢ્યમાં શું કામ સંતાડવા જાઉં?’ ધૂંધાએ પેટ ઉપર હાથ મૂકતાં કહ્યું: ‘આ પેટની કોઢ્ય પહેલાં પૂરું કે બીજાંવની પૂરવા જાઉં?... છતે કાવડિયે વાણિયો દાણા નથી દેતો. મહિનાદીના તો કડાકા વેઠ્યા. પછી કેટલુંક ખેંચાય? ભેંસ રેઢી ચરતી’તી તંયે જીવ હાથ નો રિયો... ઈદ-મસીદની પછવાડે એનાં શિંગડાં ને હાથપગનાં હાડકાં દાટ્યાં છે, જાવ જોઈ આવો! ઈ તમારો મુદ્દામાલ!’ આમ કહીને ધૂંધો આંખના અજબ ચમકાર સાથે આખી ગેટમાં પડછંદા પાડતું હાસ્ય હસી ઊઠ્યો. પણ એ માનવહાસ્ય નહોતું, એ આંખ-ચમકારો પણ માનુષી નહોતો. માણસની માણસોએ મળીને કરેલી અમાનુષી વલેની જ એમાં ચમક હતી. સાંભળીને સહુ હેબત ખાઈ ગયા. માત્ર પોલીસપટેલ એટલું બોલ્યા: ‘હું નો’તો કે’તો માળો ઢોરની ઓલાદનો જ છે?!’