ઉવેખાયેલી વાર્તાઓ/ધણખૂંટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધણખૂંટ

ભારખાનું ભખભખ કરતું ઊપડી ગયું એટલે સ્ટેશન ઉપર અમે ત્રણચાર છડિયાં, એક સાંધાવાળો, એક મોટલિયો, એક ખસૂડિયું કૂતરું, સ્ટેશન પછવાડે ખડકેલી મગફળીની ગૂણોમાં મોઢાં ખોસતાં બે બકરાં અને એક ખાખી... એટલાં જણ બાકી રહ્યાં. ઊતરેલાં છડિયાંના દરેક ડબ્બા પાસે સામે ચાલીને જઈને સ્ટેશન માસ્તરે ટિકિટો ઉઘરાવી લીધી અને પેટીને તાળું વાસી નિશાળ ભણી ચાલ્યા ગયા. ‘ડબલ માવાના’ સાકર-પેંડાવાળાએ એના કાટીલોઢાના ડબામાં બરડવું ભરાવીને અહીંથી અઢી ગાઉ દૂર પોતાના ગામ તરફ ચાલતી પકડી. ચાવાળાએ એની કીટલીમાંથી એક ‘કોપ’ ભરીને ખાખીને મફત પાયો અને વધેલી ચા વાળુમાં વાવરવા ઘેરે લઈ ગયો. અમારા ખટારાને આવવાને હજી બેઅઢી કલાકની વાર હતી એટલે બકુએ ખાખીને પૂછ્યું: ‘આ ગામમાં કોઈ સારી હોટેલ છે કે નહીં?’ ‘હોટેલ તો નથી પણ ધરમશાળા છે. એના કૂવામાં માથોડું માથોડું પાણી ગળકા લ્યે છે. ના’વાધોવાની ભારે મઝા આવશે.’ ખાખીએ ધરમશાળાની ભલામણ કરી. ‘ખટારાને હજી કેટલી વાર છે?’ બકુએ પૂછ્યું. ‘ખટારો તો હમણાં ઠેઠ દોણામાં મેળવણ નાખવા ટાણે આવે છે. તમતમારે ધરમશાળામાં જઈને થાકોડો ઉતારી આવો - પેટમાં કાંઈ નાખવું હોય તો નાખતા આવો. પગી અણબોટ્યા પાણીનો ઘડો રાખે છે.’ ‘જયલાલ, જઈશું ધરમશાળામાં?’ બકુએ મને પૂછ્યું. ‘પણ આપણને અજાણ્યાંઓને ધરમશાળા બતાવશે કોણ?’ મેં આ સૂચન ટાળવા અમસ્તું જ બોલી નાખ્યું. પણ ત્યાં તો ખાખીએ જ વચ્ચે મોટે અવાજે કહ્યું: ‘એ... એ લ્યો આ પગીની જ ગાય ધણમાંથી ઘીરે જાય છે. એની વાંહે વાંહે હાલ્યા જાવ, એટલે પાધરા તમારે ધરમશાળાની ડેલીમાં.’ ખાખીએ ભેટાડેલ આ ભોમિયાની પાછળ મેં અને બકુએ હસતાં હસતાં ચાલવા માંડ્યું. ગોરજની ડમરીઓ ચડી ચડીને ધૂળિયા રસ્તાને ધૂંધળો બનાવ્યે જતી હતી. અમારા નાકની દાંડી સામે ગાય જતી હતી એના ઉપર નજરે નોંધીને અમે ધરમશાળાની મજલ કાપતા હતા. ક્યાંક ભાંગેલા હાડલાં, ક્યાંક તૂટેલા તાવડીનાં ઠીબડાં, સાવરણીનાં બૂઠાં સૂથિયાં, આમતેમ રઝળતાં રાડાં, ઢોરનાં છાણમૂતરનાં ખાબોચિયાં વળોટીને ગાયની પાછળ પાછળ ધરમશાળાની ડેલીમાં દાખલ થયા. પગી ખીલા આગળ ગાયને બાંધવાની સાંકળનો ગાળિયો તૈયાર કરીને રાહ જોતો જ બેઠો હતો. ગાય જઈને ખીલો સૂંઘવા લાગી કે તુરત પગીએ સાંકળની કડી પરોવી દીધી. પછી અમારા સામું જોયું અને અમારા દેખાવ ઉપરથી જ પારખી ગયો હોય એમ એણે આત્મવિશ્વાસથી કહ્યું: ‘રાજકોટને ખટારે જાવા સારુ ઊતર્યા લાગો છો!’ ‘હા’ અમે કહ્યું: ‘કેટલાક વાગે આવશે?’ ‘હમણાં તો એનું કોઈ નેઠું નથી. કોક કોક વાર તો સંધોય બોલાશ શમી જાય તંયે ઠેઠ અડધી રાતે ભૂગળું વાગે છે.’ પગીના અવાજમાં તીખાશ હતી. જરા વાર રહીને એણે વધારે તીખાશથી કહ્યું: ‘રાતવરતનો કોક દી સડકેથી લહરીને ઊંધો વળી જાશે. ઈ તો લોઢાના કારહા છે.’ અને પછી અમારાં મોં ઉપર ચુંબન કરવું હોય એટલું નજીક એણે પોતાનું મોં લાવી, આંખ ઉપર હાથની છાજલી કરીને કહ્યું: ‘રાતવરતનું હવે મને સૂઝે છે ઓછું. પોર આ દીયે એક ડોસીને આંઈ પાણી-પાગરણ આપ્યાં’તાં તો બગબગું થાતાં મોર મારો પાણીનો કળશિયો કાખમાં મારતી ગઈ’તી. પણ તમે તો શાહજોગ માણહ લાગો છ. તમતમારે નાસ્તાપાણી કરો. હું તમને ચોખા પાણીનો ઘડો સીંચી દઇશ. પછી લાંબો વાંહો કરવો હોય તો આ મારો ખાટલો ખાલી પડ્યો છે. ખટારાની લેટનો ઉજાહ દેખાશે તંયે ઉઠાડીશ.’ આગલે જંકશનેથી ખરીદ કરેલા ચેવડા ને પેંડાનાં પડીકાં બકુએ છોડી નાખ્યાં હતાં. પણ એ બધું ચાના ઘૂંટડા વિના બકુને ગળે ઊતરે? એણે પગીને પૂછ્યું: ‘અહીં બે કપ ચા મળી શકશે?’ ‘બે શું કામ, ત્રણ કોપ જડશે; મારા ચૂલાને ક્યાં મોઢું દુ:ખે છે? અબઘડી આના આઉમાંથી બે શેડ્યું તાજા દૂધની પાડી લઇશ. પણ ફદિયું ભૂકીને ને ફદિયું મોરસનું આપો તો છોકરાને લુવાણાની હાટે ધોડાવું - મારા ઘરમાં તો મોરસને બદલે ખાંડિયો ગળ ખાઈ છીં.’ અમે બે પૈસા આપ્યા એટલે પગીનો છોકરો ચા અને ખાંડ લેવા ગયો. પગી એક પ્યાલો લઈને ગાયને દો’વા બેઠો, અને ઓચિંતો એ બૂમ પાડી ઊઠ્યો: ‘આ કાબરો ઢાંઢો મારી ટીલાળીને ખેધે પડ્યો છે... રોજ શિંગડાં મારે છે... કાબરાની ફાટ્ય વધી છે હમણાં...’ પોતાને જ ઉદ્દેશીને ઉચ્ચરાયેલી પગીની આ બુમો અમને ન સમજાતાં બકુએ પૂછ્યું: ‘કોણ છે એ કાબરો?’ ‘કાબરાને નથી ઓળખતા? કાબરો આ ગામનો ધણખૂંટ. ભાર્યે ફાટલ છે. મારી આ ટીલાળીને તો દીઠી નથી મેલતો. ધણમાં ગામ આખાની ગાયું ચરવા જાય છે, પણ કાબરો આ ટીલાળીનો ખેધો નથી મેલતો. ઢીંકે ચડ્યો હશે, એનાં શિંગડાં તો જુઓ ભરાવ્યાં છ!’ દૂધ દોઈને તપેલી ઓશરીમાં મંગાળા ઉપરે મૂકતાં ફરી પગીએ ગાયની વાત ઉપાડી: ‘મેં મેપા રબારીને કહી દીધું છે કે કાબરાને તારે આ ટીલાળીથી છેટો રાખવો - એને ટીલાળી ઉપર ઊલળવા ન દેવો, પણ કાબરો તો જેની ખેધે પડ્યો એની ઉપર પડ્યો જ. ગમે તેવા હુશિયાર ગોવાળનેય ગણકારે નહીં ને! રાખહ જેવો ધણખૂંટ છે. બથમાં સામ્યું ન સમાય એવડું મોટા સૂંડલા જેવું તો એનું કાંધ છે. હાલે તંયે કાંધ તો જમણે ને ડાબે ડોલતો ડુંગર જોઈ લ્યો! પાછો ચોમાસું આખું મા’જનવાડાના ઊભા મોલ ચરે, પછી તો ડિલમાંય ઠીકઠીકનો લોંઠકો થાય ને? સામટો આ’ર કર્યા કેડે કબ્રસ્તાનમાં ઘોરતો હોય તંયે તન વાંભ છેટે તો એનાં ફોરણાંનો ફૂંફાડો સંભળાય. કોની દેન નથી કે કાબરો ઊંઘતો હોય તોય એના આડે ઊતરવાનું જોખમ ખેડે. કાબરો ઢીંક ઉગામે એટલે સામા જણનાં સોયે વરસ પૂરાં થઈ ગયાં સમજી લ્યો! એવો ઝેરીલો છે. એની આંખ્યુમાંથી તો રોગું ઝેર જ વરસે છે. પગ તો એવા જાડા થાંભલા જેવા કે હાલવા ટાણે બે પગ સામસામા એકબીજા હારે ઘસાય એટલે પૂરે મહિને જાતી ભારેવગી બાયડીની જેમ ગણી ગણીને પગલાં માંડે. ડિલમાં એવો તો ઠીકઠીકનો કે ખળખળિયા વોંકળાની નેળ્ય એને હાલવામાં સાંકડી પડે.’ અમને ચા આપી રહ્યા પછી પગીએ મંગાળામાંથી અર્ધાંપર્ધાં બળેલાં કરગઠિયાં વીણીને ઠારવા માંડ્યાં અને ફરી એની એ વાત માંડી: ‘કાબરો મારકણો બવ એટલે સૌ એનાથી સાત ગાઉ છેટાં રિયે. વીરડીની સીમમાંથી કોક વાર ગામ ઢાળે આવી ચડે તંયે રામકા’ણી થાય. ગામની વઉવારુ પાણી ભરવા બીતી બીતી નીકળે. નિશાળનો મેતાજી નિશાળમાં વેલી વેલી છૂટી આપી દિયે ને ગોરાણીમા કાખમાં ઘાલીઘાલીને નિશાળિયાને સાંજાંનરવાં એનાં માબાપને સોંપી આવે. કાબરો શેરીમાં આવીને ભાંભરે ઈ ભેગાં જ કજિયે ચડેલાં છોકરાં-છાબડાં ઘોડિયામાં છાનાં રહી જાય. કાબરો બજારમાં પગ દિયે એટલે વેપારી સહુ આઘાપાછા થઈ જાય. કોક ફોશી વાણિયો પસાયતાને બરકી આવે ને કાબરાને વાંહેથી ડચકારી ડચકારીને ઝાંપા બહાર કઢાવે તંયે સૌના શ્વાસ હેઠા બેસે...’ અહીં પગીએ પણ પોતાનો ચડેલો શ્વાસ હેઠે બેસાડ્યો અને જરાક થાક ખાઈને કાંઈક મનશું જ ગણગણ્યો: ‘ઈ તો જેવી વાડ્ય એવો જ વેલો હોય ને! કડવાં બિયાંમાંથી મીઠાં તૂબડાં ક્યાંથી ઊતરે? જેની વાંહે લીલ પરણાવીને આ કાબરાને ધણખૂંટ કર્યો ઈ જેઠુભી પંડ્યે જ ક્યાં ઓછી માયા હતો, તી આ એની વાંહેનો વાછડો પોણીવીસ ઊતરે?’ બકુએ ચેવડો ફાકતાં પૂછ્યું: ‘એ જેઠુભી કોણ?’ ‘તમે એને ન ઓરખો. એની તો પળ પલટાઈ ગઈયું, જેઠુભી તો આ ગામના ફટાયા હતા. એક તો ફટાયા ને પાછા ફૂલફટાક ને રંગીલા એટલે એની ઊઠબેસ પણ ગામના ઉતાર જેવા છાકટાવ ભેગી. એવા સોબતીઉંનો વાન ન આવે પણ સાન તો આવે ને? એક તો પોતે ફટાયા ને એમાં પાછી જુવાની; પછી શું કે’વાપણું રિયે? જાણે કે ઊંટ ઉકરડે ચડ્યો...’ પગીએ ધરમશાળાની ઊંચી વંડી તરફ આંગળી બતાવીને ઊંટ અને ઉકરડાની ઊંચાઈના વર્ણનને તાદૃશ્ય કર્યું. પછી કથનના સ્વરમાં કરુણ રસને અનુરૂપ અવરોહ લાવીને કહ્યું: ‘જેઠુભીની જુવાનીએ તો ગામમાં કાળું બોકાસું બોલાવી દીધું. એની ડેલી પાસે થઇને કોઈ બાઈમાણસ હાલવાની હિંમત ન કરે. ભૂલેચૂકે અસૂર- સવારે કોઈ એકલદોકલ બાઈ માણસ એની કોર જઈ ચડે તો જેઠુભીની ડેલીમાં પુરાઈ ગ્યું જ સમજવું. જુવાન દીકરિયુંને ને નવી આણાત વહુને કોઈ ઉંબરામાંથી બા’રો પગ મેલવા જ ન દિયે. જેઠુભીની નજર પડી એટલે હાંઉં. પછી ઈ એનો સગડ નો મેલે. અહીં બકુએ કહ્યું: ‘આ તો બહુ ભારે જુલમ કે’વાય, આના માટે તો...’ પગીએ લાંબી ધાંસ ખાઈને છાતીમાં ખખડતા બળખાને હથેળીમાં કાઢી, સામી વંડી ઉપર ફેંક્યો. પછી બોલ્યો: ‘પણ ભાઈ, બવ ફાટ્યા કે બવ ઉપાડા કાંઈ સારા છે? અથોક એક્કેય ચીજ સારી નથી. જેઠુભીની પડતી દશા થવાની હશે તે કુદરતે એને પાપ સુઝાડ્યું. માણસનો માઠો દી બેસે તયેં આવી અવળમત્ય સૂઝે. જેઠુભીના પાપનોય પોરો આવી રિયો’તો, તે એણે પીપળે ચડીને પોકાર્યું. કોઈ દી નઈને તે દી જ જેઠુભી આફૂડા આફૂડા બાપુની ડેલીએ ગયા. રાણીવાસમાં સૌ ઠકરાણાં ને કુંવરિયું ચોપાટે રમતા’તાં. જેઠુભી ચોપાટનો ભારે ઘાયલ. સોગઠાં ભાળે એટલે સાતેય કામ પડતાં મેલીને કોડાં ઉલાળવા બેસી જાય. ફટાયા કુવંરને રાજપાટની ફકર ન હોય એટલે આવા શોખ પોહાય. જેઠુભીની વડ્યની જ એક બહેન હતી. એનું નામ માનબા. માનબાને જેણે જેણે દીઠાં’તાં ઈ વાતું કરે છે કે ઇન્દરરાજાને ધીરે એના જેવી અપસરાઉંય નંઈ હોય. પાંચ હાથ પૂરાં પદમણી જેવાં... ને હાલે તંયે જાણે કે હાથણી હાલી. રૂપ તો એવું ચોખ્ખું કે કસૂંબો પાયો હોય તો ગળા સોંસરવો એનો રંગ ઘૂંટડે ઘૂંટડે દેખાય. રૂપ તો જાણે કે ચૂઈ પડતાં’તાં. માનબાકુંવરી ને જેઠુભી ચોપાટ રમવા બેઠાં...’ અમે નાસ્તો પતાવ્યો એટલે બકુએ પગી પાસે પાણી મંગાવ્યું. પાણી પાતાં પાતાં પગીએ કહ્યું: ‘મારા ખાટલામાં માંકડ નથી, જો તમારે લાંબો વાંસો કરવો હોય તો હજી આજે તડકામાં બપોરે જ સારીપઠ પછાડ્યો છે. ખટારો આવતાં પે’લાં તો રખેને એકાદી ઊંઘ થઈ જાહે.’ બકુએ કહ્યું: ‘ના, ના, ઊંઘવું નથી. તમારી વાત સાંભળવી છે. માનબા ને જેઠુભી ચોપાટ રમવા બેઠાં, પછી શું થયું, એ કહો.’ ‘શું થાય બીજું!’ પગીએ એકાએક અવાજ ધીમો પાડી દીધો. ‘ભાઈ, ગલઢાવ કઈ ગયા છે કે અગન આગળ ગમે તેવું થીણું ઘી હોય તોય ઓગળ્યા વિના ન રિયે. ભલભલા મુનિવરું ચળી ગ્યા છે તો આપણે મરતલોકનાં માટીપગાળાંની શી મજાલ? ચોપાટે રમતાં રમતાં ભાઈબહેન બેય ભાન ભૂલ્યાં. એટલુંય ઓસાણ નો રિયું કે આપણે બેય તો એક જ કૂખનાં જલમ્યાં છંયે - એક જ મગના દાણાની બે ફાડ્યું છંયે. હવે બધોય જોગાનજોગ બનનાર છે ને, તી બાપુ તે દી ઓચિંતા રોંઢા ટાણે કાંઈક કામ પરસંગે એની કોર જઈ ચઢ્યા, ને આ ભાઈબહેનને જોઈને ગમ ખાઈ ગયા. એવો તો કાળ ચડ્યો, કે જઇને જેઠુભીને એક બૂંહટ ખેંચી કાઢી. ખીજ તો ચડે જ ને ભાઈ, ગમે તેવાં તોય એક જ માના ખોળામાં આળોટેલ, એક મગની બે ફાડ્ય. ઈ બાપથી કેમ જોયું જાય? બાપુના રાવણ જેવા ડિલના ભાર્યે સિંહ જેવા હાથની બૂંહટ પડી ગઈ ઈ ભેગી જ જેઠુભીની આંખ ફરી ગઈ. બાપુએ પૂછ્યું: ‘એલા તારા ખોળામાં આ કોણ બેઠું છે?’ જેઠુભી કાંઈ બોલ્યા નહીં એટલે બાપુએ ધડ દેતીકને બીજી બૂંહટ ઠોકી. જેઠુભીની બત્રીસી ખખડી ગઈ. આંખ્યું ચકળવકળ ફરવા માંડી. હોઠને જાણે કે લકવા થયો હોય ઈમ ફરફર ફરફર ધ્રૂજવા મંડ્યા. પણ જેઠુભીને કંઈ બોલતાં ન ભાળ્યા એટલે બાપુનો કરોધ એટલો બધો વધી ગયો કે સંધુય જોર ભેગું કરીને ફડાક કરતીકને એવી તો અડબોથ ઠોકી કે જેઠુભીના કાનમાં તમરાં બોલી ગ્યાં; આંખ્યના ડોળા જાણે કે ફાટી ગ્યા; ને ભીડેલા હોઠને બેય ખૂણેથી ડબાક ડબાક લોહી ચૂવા મંડ્યું. ‘સમજી ગ્યાને ભાઈ?’ પગીએ ખોંખારો ખાઇને સ્ફોટ કર્યો: ‘જેઠુભીના મગજમાં કાંઇક નસતરક જેવું થઈ ગયું. ઈ ટાણાથી જેઠુભી સાવ મગજમેટ. નંઈ ખાવાનું ભાન, નંઈ પીવાનું ભાન. અંગ ઢાકવાનીય સોં નંઈ. કોક એને પહેરણું પે’રાવી દિ યે તંયે પે’રે. આવું ગાંડું માણહ સચવાય કેમ? એની પાહે જાતાંય સૌ બીએ. એને કોઈ રોટલો આપવા જાય તો એનીય છેડતી કરે. ગાંડાને ગમ થોડી હોય? બાપુ પણ જેઠુભીના રંગાડા-ભવાડાથી થાક્યા ને હકમ કર્યો કે, એને ખેતરની કોઢ્યમાં પૂરી રાખો. ભાઈ, આવે ટાણે સગી પરણેતર હોય તો ગાંડાઘેલા ધણીનીય ચાકરી કરે. પણ જેઠુભીને તો કોઈ કરતાં કોઈ નંઈ. વાંઢા ફટાયાનું કોને પેટમાં બળે? બાપુનો એક ખવાસ ડોસો બે ટાણાં ખેતરે જઈને ગમાણના અંજવાસિયામાંથી જેઠુભીને રોટલાપાણી નીરી આવે. બાપુએ સાફ મના કરી’તી કે જેઠુભીને ગમાણની બહાર પગ મેલા ન દેવો. પણ જેઠુભીને માથે કાળ ભમતો હશે એને કોણ રોકી શકે? એક દી ગમાણનાં કમાડ ઉપર સાંકળ ભરાવવાનું સાથીને ઓસાણ નંઈ રિયું હોય તી જેઠુભી ઉંબરા બારા આવી ગ્યા. ગમાણના અંધારાને બદલે ખેતરનો આટલો બધો ઉજાસ ભાળીને ઈ તો ગાંડાતૂર થઈ ગ્યા. કોહે બેઠેલો સાથી પપૈયાને ઓલાણે પૂગ્યો’તો. ઈ પાછો વળતો’તો તંયે એણે જેઠુભીના વાવ્યના પાણીમાં પોતાનો પડછાયો ભાળીને હીહી હીહી કરીને હસતા ભાળ્યા. એને થ્યું કે આ એક કોશ ઠલવીને હમણાં એને ગમાણમાં પૂરી આવીશ, પણ ઈ પેલાં તે જેઠુભી પોતાના પડછાયા હારે બથ ભીડવા સારુ વાવ્યમાં સીધો કોશિયો મારીને અંદર ખાબક્યા... ... બકુએ વચ્ચે જ પૂછ્યું: ‘પછી એમાંથી જીવતા બહાર આવી શક્યા કે... ...’ ‘રામ રામ કરો મારા ભાઈ!’ પગીએ કહ્યું: ‘ચૈતરવૈશાખીની ઉલેચાઈ ઉલેચાઈને ખાલીખમ્મ થઈ ગયેલી વાવ્યમાં ભાલા જેવી અણિયાળી ભેખડ્યું સિવાય બીજું કશું હોય કે એમાં ખાબકનાર ઢબી શકે? ગડગડિયું નાળિયેર વધેરતાં સૂકો ગોટો રડી પડે એમ જેઠુભીની ખોપરી વધેરાઈ ગઈ. ગાંડા માણસને ગમ થોડી પડે છે?’ ‘અરે રે! મરી ગ્યો બિચારો?’ બકુએ દિલસોજીનો નિ:શ્વાસ પણ મૂકી દીધો. ‘મરી તો ગ્યો, પણ સગાંવહાલાંવને મારતો ગ્યો.’ પગીએ મર્મવાક્ય ઉચ્ચાર્યું. ‘એમાં પાછળનાઓને મરવાનું શું હતું? ઊલટાનું, આ તો ઘરમાંથી ઘો ગઈ...’ બકુએ કહ્યું. ‘મરી ગ્યો તંયે થોડાક દી તો સૌ તમે કીધું એમ જ કેતા’તા કે સારું થયું, મરનારોય છૂટ્યો ને આપણેય છૂટ્યા. પણ જેઠુભી વાંહેનાને એમ ક્યાં સખ લેવા દિયે એમ હતો? બાપુના ઘરમાંથી એક પછી એક જણે ખાટલો ઢાળવા માંડ્યો. આજ દી લગણ બાપુનાં પુન્ય ચડિયાતાં હતાં તી છ મહિનાના છોકરાનુંય આંખ્યમાથું નોતું દુખ્યું. એની જગ્યાએ ઘરમાં રાજરોગ આવવા મંડ્યા. કોકને ખેન રોગ થ્યો, તો કોકને પાંડું. એકનો ખાટલો ઊપડે ન્યાં તરત બીજાનો ઢળે. જાણે કે વારા કાઢ્યા ન હોય! સૌ વરહ વરહ બબ્બે વરહ લગણ પિલાય. મંદવાડ તો એવે શકને ઘરમાં ગર્યો કે કેમે કર્યો જાય જ નહીં. બાપુ તો એક વાર જેવા સુખી હતા એવા જ દુ:ખી થઈ ગ્યા. ભાઈ, બીજી સંધીય ખોટ ખમાય છે, પણ ઘરમાંથી માણહ જાય એની ખોટ નથી પુરાતી.’ કંઈક છૂપું રહસ્ય ખાનગીમાં જણાવવું હોય એમ પગીએ એના આખા ખાટલાને અમારી નજીક ખસેડ્યો અને બોલ્યો: બાપુના કટમ્બને જેઠુભી નડતો’તો. નડે તો ખરો જ ને ભાઈ, આવા કાચા કુંવારા જુવાનજોધ મરી જાય પછી આ સંસારમાં જીવ તો રઈ જ જાય ને? વણસંતોખી વાસના વકર્યા વિના રિયે જ નહીં. ને ઈ વકરેલી વાસના સંતોખાય નહીં ત્યાં લગણ ઈ જીવની ગત્ય પણ થાય નહીં. ઈ જીવ ખોળિયા વન્યાનો અધ્ધર ને અધ્ધર ભમતો રિયે, ને જેની પાસે એનું લેણું રઈ ગ્યું હોય એને પીલ્યા કરે.’ અહીં બકુથી ન રહેવાયું. એણે શંકા વ્યક્ત કરી જ: ‘પણ ખબર શી રીતે પડી કે જેઠુભીની વાસના રહી ગઈ છે અને જીવની ગત નથી થઈ?’ પગીએ જવાબ આપ્યો. એના જવાબમાં અમારા અજ્ઞાન પ્રત્યે જરા હળવો રોષ પણ હતો. બોલ્યો: ‘ગામમાં ભૂવા સંધાય મરી પરવાર્યા હોય તો ખબર નો પડે. બાપુ એમ કાંઈ ગફલતમાં રિયે એવા નો’તા. ડાકલાં વગડાવીને ભૂવાને ધુણાવે ઈ ભેગું જી હોય ઈ જણાઈ આવે. પણ બાપુને તો ડાકલાંય બેસારવા ન પડ્યાં ને ભૂવોય ધુણાવવો ન પડ્યો. કટમ્બમાં એક ડોશી સાચક માણસ હતાં. એના સરમાં આવીને જેઠુભી કહી ગયા કે મને લીલ પરણાવો ને પ્રાચીને પીપળે પાણી રેડાવો; નીકર કોઈને સખ લેવા નંઈ દઉં.’ ‘બાપુ તો પરભાસ જઈને પીપળાને પાણી રેડી આવ્યા ને ગામમાં આવીને લીલ પરણાવ્યાં. આ કાબરો તો તંયે નાનકડો વાછડો હતો. નાનપણથી જ શભાવે હરાયો હતો એટલે એના ધણીને થયું કે આ હરાયા ઢોર ઉપર મે’નત લેવી નકામી છે. એના લખણ ધોંહરું ખેંચવાનાં કે હળે જોતરાવાનાં નથી. એના દેંદાર તો ફરતલ આખલો થવાના છે. એટલે બાપુએ લીલ પરણાવવા સારુ વાછડો જોઈએ છે એમ વાત વહેતી મૂકી કે તરત કાબરાનો ધણી સામે હાલીને કાબરાને બાપુની ડેલીએ બાંધી આવ્યો. બાપુએ એક વાછડી ગોતી કાઢી ને જેઠુભીના લીલ પરણાવ્યાં. લાલચોળ ધગ-ધગતી લોઢાની કોશ લઈને કાબરાના પેટમાં ત્રણ ખૂણાળું ચિતરામણ આંક્યું ને કાબરો આખલો થયો.’ બકુએ પૂછ્યું: ‘લીલ પરણેલાં વાછડા-વાછડીનું પછી શું કરવાનું?’ પગી બોલ્યો: ‘તમે તો સાવ અણસમજુ લાગો છો. લીલ ટાણે વાછડાને તો ભામણ કિયે એટલે ઉપાડવો પડે. બાકી સાચી રીતે તો જેઠુભી પોતે જ પરણ્યો કે’વાય ને? પછી ઈ ગાયનું દૂધ મેળવાય નહીં. સાંજ મોર વાળુમાં વાવરી નાખવું જોઈએ - એનું દહીં નો કરાય; ને આખલા ઉપર ધોંહરું નો નખાય. ઈ સીમના ઊભા મોલ ચરે તોય કોઈથી એના ઉપર પરોણોય ન સબોડાય. મા’જનનું ખાઈને મોટો થાય એના બદલામાં ઈ ગાયુંના ધણમાં ફરીને ધણખૂંટ થાય ને ગામના ઢોરઢાંખરમાં વધારો કર્યા કરે. ગામ આખાની ગાયું ઉપર ઊલળવાની એને છૂટ. કાબરો આવી રીતે ગામનો ધણખૂંટ થયો.’ આટલે આવીને પગી ઊંડા વિચારમાં ડૂબકી મારીને તળિયેથી કાંઈક તાગ લાવ્યો હોય એમ બોલ્યો: ‘જેવો જેઠુભી હતો, એવો જ કાબરો છે. એક રૂંવાડાનોય ફેર નંઈ. બેય જણાયે ગામમાં બોકાસું બોલાવી દીધું. મેં મેપા રબારીને હજાર વાર ચોખ્ખી ના કીધી છે કે કાબરાને મારી ટીલાળી ઉપર ઊલળવા ન દેવો; પણ કાબરો હાથ રિયે ખરો? મેપાને બદલે મેપાનો બાપ આવે તો એનેય નો સારે.’ ફરી પગીએ અવાજ એકદમ ધીમો કરી નાખીને મનશું જ ગણગણવા માંડ્યું: ‘જેઠુભીય ક્યાં ઓછો રાશી હતો તી આ કાબરો એનાથી પોણીવીશ ઊતરે? સગી બેનનોય વિચાર નો કર્યો ને... એક જ મગની બે ફાડ હતી, એટલીય ખબર ન પડી... ...’ થોડી વાર સુધી કોઈ કાંઈ બોલ્યું નહીં. આટલી વાત સાંભળ્યા પછીનું મૌન મારી નાખે એવું હતું. બકુની તો છાતી જ બેસી ગઈ હોય એવું એના મોં ઉપરથી લાગતું હતું. મેં પૂછ્યું: ‘ખટારાને હજી વાર છે?’ ‘ઓલી સામી ધારની પછવાડેથી ઉજાસ દેખાય છે?’ પગીએ સામું પૂછ્યું. ‘ઉજાસ દેખાય પછી સારી વારે એનું ભૂંગળું સંભળાય છે. ધારુમાં આડીઅવળી ચડઊતર કરતાં બવ વાર લાગશે. હાલો, ઘડીક વે’લા જઈને ઊભું રહેવું સારું. આંયા બેસીનેય આપણે ક્યો પાડો દોઈ નાખવો છે?’ આમ કહી કહીને પગીએ અમને પરાણે ઉઠાડ્યા, અને પોતે પણ ઊઠ્યા. ‘હાલો મારેય ટેસન ઢાળું આવવું છે - જરાક પગ મોકળો કરવા. આખો દી બેસી બેસીને પગ બંધાઈ જાય છે.’ આટલું બોલતાં પગીએ રાડ પાડીને પોતાના છોકરાને બોલાવ્યો. સરકસમાં તાર ઉપર ચાલવા માટે પઢાવી રાખેલા પશુની અદાથી છોકરો આવીને ડેલીના ઉંબરા ઉપર અમારો રસ્તો રોકીને ઊભો રહ્યો. બકુને પગીની આ અદાકારીમાં કશી સમજ ન પડતાં પગીએ જ ઘટસ્ફોટ કરવો પડ્યો. છોકરાનો જમણો હાથ આગળ કરતાં એણે કહ્યું: ‘આમાં કાંઈક મેલતા જાવ શેઠ! છોકરો બચાડો મા વગરનો છે.’ આ વિધિ પણ બકુએ મૂંગા મૂંગા પતાવી. આજે જાણે કે એનું મોં સિવાઈ ગયું હતું. ફરી ભાંગ્યાંતૂટ્યાં ડબલાં, તાવડી, ઠીબડાં, છાણાના પોદળા, ફેંકાઈ ગયેલો કાટમાળ અને એવો બીજો ઓજીસારો વળોટીને પાદરમાં પહોંચ્યા. ખટારાની રાહ જોતાં ઘણા માણસો અહીં જમા થઈ ગયા હતા વાવનો અવેડો જોઈને ફરી પગીને કાબરો યાદ આવી ગયો. બોલ્યો: ‘ભાઈ, કાબરો તરસ્યો થાય ને આંયા કણે પાણી પીવા આવે તંયે અડધો અવેડો ઉલેચાઈને ખાલી થઈ જાય. કોઠાના પરમાણમાં આ’ર હોય ને? ઘણી વાર રોંઢા ટાણે કાબરો કોકના કડબના ક્યારાનો સારીપટ બુકરડો બોલાવીને પછી અવેડા પાસે પડ્યો પડ્યો નિરાંતે વાગોળતો હોય ને ખંધોલે બેસતા અટકચાળા કાગડાને કાન પટપટાવીને ને પૂંછડું ઉલાળી ઉલાળીને ઉડાવતો હોય તંયે મોળી છાતીના કોઈ માણસની તો મજાલ શી કે એના આડા ઊતરી જાય! ઘણાય ફોશી છોકરાં તો વાવ્યને પ્રદખણા ફરીને ઓલી કોરથી જ હાલે. સાંજે હીંહારાં નાખતું ધણ આવે ઈયેય કાબરાને ભાળીને એક કોરે તરી જાય ને! એમાંય કાબરો કોક વાર અવેડાની પાળ પાસે બેસવાને બદલે જરાક ઓરો રસ્તાની વચ્ચે બેસી જાય તંયે તો રામકા’ણી થાય. સાંકડા મારગ વચ્ચે એની રાખહ જેવી કાયા આડી પડી હોય તંયે ગાડાંગડેરાંય હાલી નો શકે.’ હવે પેસેન્જરો સારી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. બકુ ખટારાની દિશામાં પ્રતીક્ષા કરવાને બદલે ઊંધી દિશામાં જ કાંઈક શૂન્યમનસ્ક તાકી રહ્યો હતો. પગી આજે જનાવરોની પાછળ જ પડ્યો હતો. કાબરાની વાત મેલીને હવે ટીલાળીને ઉપાડી બોલ્યો: ‘ભાઈ, જનાવરે જનાવરેય ફેર હોય છે ને! પાંચેય આંગળી તો માણહમાંય ક્યાં સરખી છે તી જનાવરમાં સરખી જડે? મારી ટીલાળી કેવી સોજી સાંસલા જેવી છે! આ તમે જેના હાથમાં હમણાં અડધો મેલ્યો ઈ મારો ગગો ચાર વરસહનો હતો તંયે ટીલાળીના બે પગ વચ્ચારેથી ગરકી જાતો પણ ટીલાળી તો પૂંછડું ય હલાવવાવાળી નંઈ. કાબરાનું એક રૂંવાડુંય ટીલાળીમાં ગોત્યું ન જડે. બેયના સ્વભાવમાંય હાથીઘોડાનો ફેર. ભગવાને પાંચેય આંગળી થોડી સરખી કરી છે? મેં મેપા રબારીને હજાર વાર કીધું કે તારે ટીલાળી ઉપર કાબરાને ઊલળવા નો દેવો; પણ કાબરો તો -’ નેળ્યના વળાંકમાં ભોં-ભોં કરતું ખટારાનું ભૂંગળું વાગ્યું અને થોડી વારમાં તો અમારી આસપાસ ઊડતી ધૂળની ડમરીના ગોટે-ગોટા ખટારાની બત્તીના પ્રકાશના શેરડામાં છતા થઈ ગયા. કોણ જાણે ક્યાંથી બકુનાં મોંમાં જીભ સળવળી.પગી પાસેથી કોઈક ભયંકર જોખમી બાતમી કઢાવતો હોય એટલા ગંભીર અને ધીમા અવાજે એણે પૂછ્યું: ‘ટીલાળી અને કાબરા વચ્ચે કાંઈ સગપણ-સંબંધ ખરો કે? - દૂરદૂરનું કાંઈ -’ અમારા કોઈક ઘોર અજ્ઞાન ઉપર પગી સાચેસાચ ચિડાયો જ. બોલ્યો: ‘સગપણ ને સંબંધ શું કરો છો મારા ભાઈ! કાબરો ને ટીલાળી બેય એક જ મગની બે ફાડ છે. એક ભાઈ ને એક બેન. એક જ કૂખનાં જણતલ...’ અમે ખટારામાં ગોઠવાઈ ગયા ત્યારે પણ પગી એની સમજૂતી આપ્યે જતો હતો: ‘એક જ માના પેટનાં અળોટલ. એમાં વળી આઘા ને ઓરાંની ક્યાં માંડો છો મારા ભાઈ! - મૂળ, દાણો તો એક જ. એની ફાડ નોખી નોખી...’ ધૂળિયા રસ્તાના ખાડામાં ખટારાનાં પૈડાંએ પહેલું ચક્કર લીધું ત્યારે તો એટલી ડમરી ચડી કે બહાર ઊભેલા પગીનું મોં પણ સ્પષ્ટ ન દેખાઈ શક્યું. ઊપડતા ખટારાના ખખડભભડ અવાજમાં દૂર પડતા જતા પગીનું વાક્ય અર્ધું જ સંભળાયું.’ ‘મેં મેપા રબારીને હજાર વાર ટોક્યો છે... કે...’