ઉવેખાયેલી વાર્તાઓ/મારી નાખ્યાં રે...!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારી નાખ્યાં રે...!

‘એ... ગયાં!...’ ખટારામાં રોદો આવતાં સહુ છડિયાં એકસામટી ચીસ પાડી ઊઠ્યાં. એક તો બેઠા ઘાટનો બાવા આદમના જમાનાનો ગણાય એવો ખડખડપાંચમ ખટારો, એમાં બેસીને પાકા પંદર ગાઉનો ગાડાકેડાનો પંથ કાપવાનો, અને એમાં આ રોંદો આવ્યો તેથી સેવકના તો હાંજા ગગડી ગયા. પણ ઘરડાંઓના પુણ્યપ્રતાપે સહુ હેમખેમ ઊગરી ગયાં. ચીરોળા સ્ટેશનથી ખટારામાં ચડ્યો ત્યાં જ મને ઊંડે ઊંડે અંદેશો તો હતો જ કે નરસિંહ મહેતાની વેલ્ય જેવું આ અર્વાચીન વાહન સંઘને દ્વારકા દેખતો નહીં કરે. છતાં, આ અજાણ્યા અને ઉજ્જડ ફ્લેગ સ્ટેશનમાં રાતવાસો ન કરવો હોય તો આ કહેવાતા મોટર-ખટારામાં ચડી ગયા વિના છૂટકો જ નહોતો. યાદ આવ્યા એટલા બધા જ ઇષ્ટદેવોનું સ્મરણ કરીને બેઠો તો ખરો, પણ જીવ તાળવે ચોંટ્યો હતો. ખટારામાં ઠાંસોઠાંસ, ઘઉંના કોથળાની જેમ ખડકાયેલા ઉતારુઓમાં હું એકલો જ આવો ડરપોક કે ફોશી હતો એમ ન માનશો. મારા પડખામાં જ ડાહીમાના દીકરા ગણાતી વાણિયા કોમના એક ભાભા બેઠા હતા એ તો મારાથીય વધારે ગભરાતા હતા. હમણાં આ ખટારો ખાડામાં ગબડી પડશે, એવા ભયથી એનનું હૃદય તો શું આખું શરીર ધ્રૂજતું હતું. અને એમના ધ્રુજારાને કારણે એક ગભરુ કણબી યુવાન ધ્રૂજતો હતો. એમાં એમનો વાંક પણ નહોતો. ખટારો સાવ ‘સિક’ હતો, એનું ‘બોડી’ આખું કચડ કચડ બોલતું હતું - જાણે ચારેય દિશામાં શેરડી પીલવાના ચિચોડા ન ચાલતા હોય! માથેની છત એટલી તો નીચી હતી કે ઘણા ઉતારુઓની પાઘડીઓ છાપરામાં ભટકાતી હતી. અને હાંકનારો ડ્રાઇવર પણ જાણે કે અમારા ઉપર દાઝ કાઢવા જ એક પણ રોંદો તારવ્યા વિના, આંખ મીંચીને આડેધડ દીધે રાખતો હતો. આસપાસમાંથી ધીમે અવાજે કાનસૂરિયાં ચાલતાં હતાં કે ડ્રાઇવર પીધેલો છે. તો કોઈ વળી એની પીધેલી હાલતને વાજબી ઠરાવવા કહેતું હતું: ‘ભાઈ, છાંટો લીધા વિના તો આવી ટાઢમાં ખટારો હાંકવો સહેલ છે શું?’ તો કોઈ બીજો ઉતારુ ફરિયાદ કરતો હતો: ‘પીધો હોય તો ભલે પીધો, આમ આંખ મીંચીને હંકારાતું હશે? જરાક કેડો અંતરાશે ને આખી ગાડી ઊંધી વળી જશે તો?’ આમેય ઉપરાઉપરી રોદાને કારણે અને હરેક વેળા ખટારામાં મચી જતા ઉલ્કાપાતને કારણે વાતાવરણ ભયજનક તો હતું જ. એમાં વળી આવી આવી વાતો જાણે કે એ ભયમાં ઉમેરો કરતી હતી. ‘હમણાં ભલે ગમે એમ હાંક્યા કરે, પણ ખાખીની મઢી ટાણે જરાક આંખ ઉઘાડી રાખે તો સારું.’ મારા પડખામાં, બિલાડી સામે પડેલા ગભરુ પારેવાની જેમ ફફડતા ડોસા બોલ્યા. ‘કેમ વળી! ખાખીની મઢીનો રસ્તો આના કરતાંય વધારે ખરાબ છે?’ મેં પૂછ્યું. ‘ખરાબ તો શું, પણ... એ ... ગયા!’ ડોસા પોતાનો જવાબ પૂરો કરે એ પહેલાં તો રસ્તાના ખરાબાએ ફરી પરચો આપતાં સહુ ઉતારુઓ પોતાની બેઠક પરથી ઊથલીને છાપરામાં ભટકાયા અને ડોસાના મોંમાંથી ભયસૂચક ચીસ નીકળી ગઈ. આ વખતે તો અમારી પાછળની બેઠક પરથી નાનકડાં છોકરાંઓની ચીસો પણ ઉમેરાઈ. એ છોકરાંઓને ધવરાવી રહેલી માતાઓએ ડ્રાઇવરને ઉદ્દેશીને ફરિયાદ પણ કરી: ‘ભાઈ, જરાક ધ્યાન રાખીને હાંક્યને, મારા વીર! અમારે લગ્નમાં નથી જાવું. ભલે થોડાંક મોડાં પૂગીએ.’ પણ આ બહેનોનો એ વાલીડો વીર કશી પણ વિનંતી સાંભળવા તૈયાર નહોતો. એ તો, સહુ સાચું જ કહેતાં હતાં એમ, આંખ મીંચીને દીધે રાખતો હતો. પેલા ડોસાનો અદ્ધર ચડી ગયેલો શ્વાસ જરા હેઠો બેઠો ત્યારે મેં પેલા અધૂરા ઉત્તરની પૂર્તિ કરાવવા એમને વિનંતી કરી: ‘ખાખી મઢીનો રસ્તો ખરાબ નથી તો બીજો કયો ભય છે? ચોરડાકુ કે આડોડિયા આંતરે એમ છે? કે પછી આખા સૌરાષ્ટ્રને ધમરોળતો ભૂપત એની બંદૂક લઈને આડો -’ ‘ભૂપત-બૂપતનો કોઈનો ભો નથી.’ ડોસા જરા સ્વસ્થ થતાં બોલ્યા. મને થયું કે હવે તુરત અમારો ડ્રાઇવર બીજો હડદોલો ન લગાવે તો સારું. નહિતર, આ વખતે પણ ડોસાનો ઉત્તર અધૂરો રહી જશે. સદ્ભાગ્યે સામાન્ય ખખડાટ-ભભડાટથી વધારે ઉગ્ર આંચકો ન લાગ્યો અને ડોસાએ વાક્ય પૂરું કર્યું: ‘ખાખીની જગ્યા જ આખી વેમવાળી છે.’ અને ડોસા એ વહેમવાળી જગ્યાની યાદ માત્રથી ધ્રૂજી ઊઠ્યા લાગ્યા. ‘વહેમવાળી શી રીતે? કાંઈ ભૂત-પલીત કે જીનાત થાય છે?’ મેં પૂછ્યું. ‘જીનાત શું થવાનો હતો, એવી ધરમની જગ્યામાં? પણ ખાખીબાવાનો બાંધવા મન થયું. ને એ પણ બીજે ક્યાંય નહીં ને ઓલ્યા ખાખીની જગ્યા ઉપર જ. સરકારી અમલદારને કોણ રોકે? દૂબળો સિપાઈ ઢેઢવાડે શૂરોપૂરો. એણે શરાપ, કોઈને સુખી ન થાવા દિયે.’ અગાઉના કરતાંય વધારે વહેમ જન્માવે એવું વાક્ય ઉચ્ચારી નાખીને ડોસા મૂંગા થઈ ગયા વાતાવરણને વધારે તંગ કરી મૂક્યું. પછી એ તંગ વાતાવરણ વચ્ચે જ એક અચ્છા ફિલસૂફની જેમ ઓચર્યા: ‘સારાં-માઠાં કામનો બદલો આ ભવમાં જ જડી રહે છે. ઉપર બેઠો છે એ હજાર હાથવાળો કોઈને મેલતો નથી... એ... ગયા!-’ એક નાનીસરખી ખાડ આવતાં ખટારો ઊલળ્યો અને ફરી ડોસાએ ચીસ પાડી દીધી. પણ હવે તેઓ આ જાતના હડદોલા અને આ પ્રકારની ચીસથી ટેવાઈ ગયા હતા, તેથી બહુ અસ્વસ્થ બન્યા વિના જ આગળ બોલ્યા: ‘ખાખી પણ ખિજાણો તે ધનોતપનોત કાઢી નાખ્યું.’ ‘કોનું?’ એ હું પૂછ્યા વિના ન રહી શક્યો. ‘રાજગઢના દીવાનનું, બીજા કોનું?’ ડોસાએ કહ્યું: ‘દીવાનનું ને એના દીકરાનું બેયનું, એ... માર્યા... માંડ બચ્યા -’ વાક્યે વાક્યે પૂર્ણવિરામ આવે એમ ડ્રાઇવર પણ થોડી થોડી વારે હડદોલા આપવાનું ચૂકતો નહોતો. ‘આ જડભરત હમણાં ભલે આડો ને અવળો હાંક્યા કરે. પણ ખાખીની મઢીએ સીધો હાંકે તો સારું.’ ડોસાએ ફરી ચેતવણી ઉચ્ચારી. ‘ખાખીની મઢીમાં એવું તે શું છે તે આટલા ગભરાયા છો?’ ‘વરસ દીમાં બે વાહન ઊથલી પડ્યાં’તાં -’ ‘કોનાં?’ ‘દીવાનસાહેબનાં.’ ડોસાએ કહ્યું. અને પછી વાત કરવાની રગમાં આવીને ચલાવ્યું: ‘દીવાન વિશ્વનાથ પણ એ જ લાગનો હતો. બિચારો ખાખી એની ધૂણી ધખાવીને ચીપિયો ખોડીને બેઠો’તો, ત્યાંથી ઉઠાડ્યો. ટેકરો ભેગો રાફડો પણ ખોદી નાખ્યો. પછી તો ભોરિંગડંખે જ ને?... એ... ગયા!’ ડોસાએ ઝનૂનપૂર્વક મને વળગી પડીને પોતાની જાત સમાલી. ‘આવા અજડ હાંકનારા હારે ક્યાં પનારો પાડ્યો? સોય વરસ પૂરાં કરી નખાવશે.’ થોડો સમય હડદોલા વિનાનો ગયો એટલે મેં ફરી મૂળ વાતનો તંતુ સાંધ્યો. ‘દીવાનસાહેબનું શું થયું, એ કહો.’ ‘દીવાન પણ હતો આ હાંકનારના જેવો માથાનો ફરેલ. એને ડાકબંગલો હુકમ કાઢ્યો કે ખાખીની મઢી પાડી નાખો. બાવો બચાડો બહુ બહુ કરગર્યો. ઠેઠ ઠાકોરસાહેબ સુધી અરજ કરી આવ્યો; પણ કાંઈ કામ ન આવ્યું. ધણીનું કોઈ ધણી છે? મઢીની જગ્યા આદુકાળથી હાલી આવેલી એટલે સતવાળી ખરી. પણ આજકાલના ભણેલા અમલદાર માને ખરા? દીવાને તો હુકમ છોડ્યો કે બાવાને હાંકી કાઢો ને જગ્યા સાફ કરી નાખો. કેમ જાણે ડાકબંગલો બાંધવાનું મુરત વહ્યું જાતું હોય!... એ માર્યાં!... માંડ બચ્યા! હે ભગવાન... સમજ્યા ને? ખાખીની આદુકાળની જગ્યા સાફ કરી નાખી. બાવો બચાડો ચીપિયો પછાડીને રોતો ને રગડતો હાલ્યો ગયો. ને એની કકડતી આંતરડીની કદુવા દેતો ગયો... એ માર્યાં!... ગયાં કે શું?... સમજ્યાને ભાઈ? ખાખી તો બચાડો પછી બહુ ઝાઝું જીવ્યો નહીં. દીવાને તો હવા ખાવાનો આલીશાન બંગલો બાંધ્યો. પણ અન્યાયથી લીધેલી ચીજનો ભોગવટો ક્યાં સુધી લાંબો હાલે? એક વાર રાતને ટાણે દીવાનસાહેબ ડિસ્ટ્રિક્ટમાંથી પાછા વળતા હતા ને સામેથી મોટર હારે ભેંસો ભટકાણી. કાચના ચૂરેચૂરા થઈ ગયા ને દીવાનસાહેબની છાતી ચાળણીની જેમ વીંધાઈ ગઈ. કેટલાય ઉપાય કર્યા, ભલભલા દાક્તરને બોલાવ્યા, પણ... એ હળવે! મારો હાળો આ હાંકનારો પણ કો’ક ટણક લાગે છે!... ગલઢાં- બુઢ્ઢાંનોય વિચાર નથી કરતો.’ આ વખતે સહુ ઉતારુઓનાં માથાં છતનાં પાટિયાં સાથે એવાં તો રંગાયાં હતાં કે ખટારાને ચારે ખૂણેથી ચડભડાટ શરૂ થયો હતો. અને એમાં વળી આ ડોસા દીવાનસાહેબના કરુણ વૃત્તાંત વડે વાતાવરણની તંગદિલી વધારી રહ્યા હતા, તેથી ઉતારુઓએ મોટેથી ફરિયાદો કરવા માંડી: ‘એલા એય, અમે શું ટિકિટના પૈસા નથી આપ્યા? ભાઈની ભલાઈએ ખટારો હાંકશ? તને કોઈ પૂછવાવાળું છે કે નહીં?’ ‘આટલી ઉતાવળ કરીને કઈ હૂંડી વટાવવા જાવું છે?’ ‘અહીં અંતરિયાળ ઊંધો વાળીશ તો સહુ રઝળી પડશું ને પાવળું પાણીય નહીં પામીએ.’ ‘ખાખી મઢી આવે તંયે તો આંખ જરાક ઉઘાડી રાખજે નહિતર, સહુનાં વહાલાંના વિજોગ કરાવીશ.’ ‘હા, ભાઈ. પછી થયું અણ-થયું નથી થવાનું. પછી અમે તારો ટાંટિયો વાઢવા થોડાં આવવાનાં હતાં?’ ‘આ તો શેતાની ચરખા છે. એના ભરોસા કેવા? ગમે તે ઘડીએ ઊંધા વળી જાય... ખાખીની મઢી આગળ ચેતીને હાલવા જેવું છે...’ ‘પછી દીવાનનો દીકરો તો ઘણોય ચેતીને હાલતો,’ વાતનો તંતુ પકડીને ડોસાએ આગળ ચલાવ્યું: ‘પણ માણસ સાત ચેતતો રહે તોય નસીબમાં લખ્યું હોય એ મિથ્યા કેમ થાય? ઓલ્યા અતીતની આંતરડી કકળાવી હતી એનો બદલો મળ્યા વિના કેમ રહે? કહેતાં નથી કે તુલસી હાય ગરીબ કી -’ ‘પણ એ દીવાનના છોકરાનું શું થયું એ કહો ને!’ આ ધર્મોપદેશક ડોસો તુલસીદાસની આખી સાખી મારા માથામાં મારશે અને એ દરમિયાન અમારો દયાળુ ડ્રાઇવર કદાચ બીજો હડદોલો બક્ષી દેશે તો બધી વાત અધૂરી રહી જશે એ બીકે મેં ડોસાને અરધેથી જ ‘કાપી નાખીને’ આગળ પૂછ્યું. પણ વાર્તા કહેવામાંય આ વણિક ગૃહસ્થ ગજબની કંજૂસાઈ બતાવતા લાગ્યા. દીવાનના દીકરાને શું થયું, એ સીધેસીધું કહેવાને બદલે એના સદ્ગત આત્માને સંભારીને પહેલાં તો એ કરુણ મોત પર આંસુ સારવાની તૈયારી કરતા જણાયા: ‘બચાડો દીવાનનો દીકરો! કેવો કનૈયાકુંવર જેવો હતો!’ આવા કટોકટીને ટાણે પણ આ કમબખત ડોસો સીધી વાત કરવાને બદલે કવિતા કરવા બેઠો છે એ જોઈને મારી ખીજનો પાર ન રહ્યો. મનમાં થયું, દોસ્ત ડ્રાઇવર,આ ડોસાની કાવ્યતંદ્રા ઉડાડવા એક જોશભેર હડદોલો લગાવ! ‘બચાડો તાજો જ પરણેલો. ઘરમાં બાયડી! પણ... એ ગયા! હાશ, ભગવાન!... સમજ્યાને, બાયડી પણ પાંચ હાથ પૂરી પદમણી જેવી. જાણે ઇન્દ્રરાજાની અપસરા જોઈ લ્યો!’ કોણે કહ્યું કે વૃદ્ધ માણસોમાં રસિકતા નથી હોતી? હવે આ ડોસલો દીવાન-પુત્રની પત્નીનાં અંગોપાંગના વર્ણનની લતે ચડી જશે કે શું, એવી બીક હું અનુભવતો હતો ત્યાં જ, ધરતીમાંથી કોઈએ ધક્કો માર્યો હોય એમ ખટારો જાણે કે બે પૈડે ઝાડ થતો લાગ્યો ને સહુનાં માથાં ધડીમ ધડીમ છતમાં અફળાયાં. આ વખતે તો ધાવણાં છોકરાં કાળી ચીસ પાડી ઊઠ્યાં, એમની માવડીઓએ પણ ભારે કકળાટ કરવા માંડ્યો. કોઈકના માથામાં ખટારાનો ખીલો બેસી જતાં લોહીની ફૂટ પણ થઈ હતી. ફરિયાદો ઊઠી: ‘એ ઊભો રાખ, ઊભો રાખ! તારા ખટારામાં લાલબાઈ મેલ! મોફત બેસાડ તોય અમારે નથી બેસવું.’ ‘ધોળે ધરમેય આ ખટારો ન જોઈએ. ભગવાને ટાંટિયા ક્યાં નથી આપ્યા? ઠાલા મોફતના જીવનાં જોખમ ખેડવાં?’ ‘અંતરિયાળ ઊથલી પડશું તો ઘેરે સહુ વાટ જોતાં રહેશે.’ ડોસાએ પણ આ ફરિયાદોમાં પોતાનો સૂર પુરાવ્યો: ‘ભાઈ, ડાકબંગલો આવે તંયે જરાક વેમ રાખીને હાંકજે. ખાખીનું થાનક... મૂળથી જ વેમવાળી જગ્યા... વેળા-કવેળા થઈ જાય... વાર ન લાગે વાર!’ હું જોઈ શક્યો કે ડોસાનાં આ સંભાષણો તથા ખાખીની જગ્યાવાળું બયાન બાજુમાં બેઠેલો જુવાન ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો, એ બયાનના વાક્યે વાક્યે એ ગભરાઈ રહ્યો હતો. એ સુકલકડી ખેડુ જુવાનની શૂન્ય આંખો ખટારાની ચારે દિશામાં ચકળવકળ ફરતી હતી પણ એના કાન તો ખાખી-પુરાણ ઉથલાવી રહેલા ડોસાના મોં ભણી જ મંડાયા હતા. જુવાનના હૃદયમાં ચાલી રહેલાં ઉચાટ અને અકળામણ એના ચહેરા પર ઊપસી આવતાં હતાં. ખટારો જોશમાં જતો હતો. અંધારું પણ સારા પ્રમાણમાં જામ્યું હતું. થોડી થોડી વારે લાગ્યા કરતા આંચકાની ઉગ્રતા પણ વધી હતી. અકળાઈ ગયેલા ઉતારુઓનો કોલાહલ પણ એટલો જ વધ્યો હતો. ભરદરિયે સ્ટીમર ડૂબવાની થાય ત્યારે પ્રવાસીઓ હાંફળાફાંફળા થઈ જાય એવું જ અત્યારે ખટારામાં થયું લાગતું હતું. ધાવણાં છોકરાંની માતાઓ અનેક જાતની બાધા-આખડી લઈ રહી હતી અને માનતાઓ માની રહી હતી. ‘આમાંથી સાજાંનરવાં ઊતરશું તો છોકરાને ગોળ ભારોભાર જોખીશ.’ ‘હે ખોડિયારમાતા, આમાંથી ઉગારશો તો ચાર નાળિયેર વધેરીશ ને ચાર દીવા કરાવીશ.’ કૉલેજનો એક વિદ્યાર્થી તો આ આખી બસ-સર્વિસ સામે સવારના પહોરમાં છાપાંઓમાં ફરિયાદ છપાવવાની વેતરણ કરી રહ્યો હતો. આવા અજડ ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરાવવાની પણ એ ધમકી આપી રહ્યો હતો. ડોસા પાસેથી મારે દીવાન-પુત્રની આખી વાત જાણવી હતી, પણ એ રંગીલો માણસ પેલી અપ્સરા ને પદમણીમાંથી જ ઊંચો નહોતો આવતો તેથી મેં આગળ પૂછવાનું માંડી વાળ્યું હતું. પણ ત્યાં તો પેલા ખેડુ જુવાને જ જાણે કે મારા વતી ડોસાને પૂછ્યું: ‘હેં બાપા, દીવાનસા’બના દીકરાને ખાખીની જીગા પાસે -’ ‘મારી નાખ્યાં રે!’ ‘વોય માડી રે!’ આખા ખટારામાંથી જાણે કે સામટી મરણચીસ ઊઠી. ખટારાનું એક પૈડું નીકળી જતાં આ મહાકાય વાહન એક પડખાભેર આરામ કરવાની તૈયારી કરતું લાગ્યું; અનાજના કોથળા એકબીજા પર ખડકાઈ પડે એમ સહુ ઉતારુઓ એક પડખે ખડકાઈ પડ્યા હતા. ખટારો આખરે ઊભો રહી ગયો હતો. ‘વોય માડી રે!’ અને ‘મારી નાખ્યાં રે!’ની મરણચીસો વચ્ચે ‘ખાખીની મઢી આવી!’ એવો કોઈનો તીણો અવાજ મારે કાને પડ્યો હતો. પણ એ અવાજ કોનો હતો એ હવે આ સામટા કોલાહલ અને ચીચિયારીઓમાં કળવું મુશ્કેલ હતું. સદ્ભાગ્યે કોઈને કશી ઈજા નહોતી થઈ. ડ્રાઇવર અને કન્ડક્ટર નીચે ઊતરી ગયા અને થોડા સશક્ત ઉતારુઓની સહાય લઈને ધીમે ધીમે સહુને બહાર કાઢ્યાં. દીવાન-પુત્રનું અધૂરું વૃત્તાંત કહીને અટકી ગયેલા ડોસા તો મારા શરીર સાથે મડાગાંઠ ભીડીને જાણે કે જળોની જેમ મને વળગી રહ્યા હતા. નવાઈની વાત તો એ હતી કે ખટારાનો આ મરણધક્કો ખાવા છતાં આ ડરપોક ડોસાને ઊની આંચ પણ નહોતી આવી. પણ પેલો તરવરિયો ખેડુ જુવાન એવો તો હેબતાઈ ગયેલો કે એના રામ રમી ગયા હતા. ત્રણ માણસોએ મળીને એ જુવાનના લાકડા જેવા નિશ્ચેષ્ટ દેહને બહાર ખેંચી કાઢ્યો ત્યારે એ શબની મોં. ફાડ અધખુલ્લી હતી. ‘ખાખીની મઢી આવી!’ શબ્દો કદાચ આ મોં-ફાડમાંથી ઉચ્ચારાયા હશે. પોતે સાવ હેમખેમ છે એવી પાકે પાયે ખાતરી થતાં ડોસાએ ડ્રાઇવરને ધમકાવવા માંડ્યો: ‘હું કહીકહીને થાક્યો કે ખાખીની મઢી આવે ત્યારે ધ્યાન રાખીને હાંકજે, પણ તેં માન્યું જ નહીં.’ ‘ડ્રાઇવર તાડૂક્યો:’ ‘ખાખીની મઢી આ સડકે આવે છે જ ક્યાં? ડાકબંગલાનો મારગ તો ઉગમણો રહી ગયો. એ સડક તો રિપેરમાં છે એટલે આપણે આ આથમણા ફેરમાં ગાડા-કેડે હાંકવું પડ્યું.’ ‘તો ઠીક.’ ડોસાએ છુટકારાનો દમ લેતાં કહ્યું: ‘માથેથી મોટી ઘાત ગઈ.’ મેં કહ્યું: ‘તમારી ઘાત ગઈ ખરી, પણ આ ખેડુ જુવાન ઉપર. હવે તમે સો વરસ જીવશો.’