ઉવેખાયેલી વાર્તાઓ/મોલુંમાં દીવા શગે બળે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોલુંમાં દીવા શગે બળે

ગામમાં ઢૂંઢો રાક્ષસ ફરી વળ્યો હોય એવો સોપો પડી ગયો હતો. પાણીશેરડે પણ જળ જંપી ગયાં હતાં, પણ સરકારી પોલીસચોકીમાં અન્ય ‘શકમંદ શખ્સો’ની સાથે સૂતેલા જુવાન મેરુ બસિયાની આંખમાં ઊંઘ નહોતી. પોલીસચોકીની એ ખડબચડી કાળમીંઢ ફરસબંધી પર સંખ્યાબંધ શકમંદ આદમીઓ સોડ તાણી સૂતા હતા. નપાણિયા ભાલ પ્રદેશનું આ ગામડું ગુનેગારોનો અડ્ડો ગણાતું. વાણિયા-બ્રાહ્મણનાં થોડાં ‘શરીફ’ ખોરડાં બાદ કરતાં બાકીનાં બધાં ચોરડાકુઓના જ ચોતરા હોય એમ સરકારી અધિકારીઓ માનતા. ગામની આવી અળખામણી શાખ સાવ ખોટી હતી એમ પણ ન કહી શકાય. આસપાસના પ્રદેશોમાં બનતા લૂંટઝૂંટના ઘણા બનાવોનાં પગેરાં આ ગામમાં કેન્દ્રિત થતાં. ધાડ અને ખૂનખરાબી કરતા બહારવટિયાઓને અહીંથી સારા સારા સાગરીતો મળી રહેતા. આ ઉજ્જડ પ્રદેશમાં આ ગામવાસીઓની એવી તો હાક વાગતી કે એકલદોકલ મુસાફરો ધોળે દિવસે પણ આ સીમમાં પ્રવેશતાં ગભરાતા અને કેડો તારવીને ચાલ્યા જતા. ગામવાસીઓની અને ખાસ કરીને બસિયા કુટુંબની આવી મેલી મથરાવટીને કારણે જ નવપરિણીત મહેરામણને પોષ મહિનાની હિમાળા જેવી ટાઢમાં ડેલીનો ઢોલિયો છોડીને અહીં સાથરે શયન કરવું પડ્યું હતું, પણ એ બાબતનો મેરુને લગીરે રંજ નહોતો. પોતાના બાપદાદાઓ પેઢીઓથી બીજા સહુ શકમંદોની સાથે અહીં સરકારી ચોકીએ જ સૂતા આવ્યા હતા. ત્રીજી પેઢીએ એક ડોસાનું મૃત્યુ પણ અહીં મધરાતે અફીણની કાંકરી લેતાં લેતાં નીપજેલું. મેરુ પણ સગીર મટીને સત્તર વરસની પુખ્ત ઉંમરનો થતાં એનું નામ હાજરીપત્રકમાં દાખલ થઈ ગયેલું અને રોજ રાતે સરકારી પસાયતાઓની નિગેહબાની તળે સૂવા આવવાનું એને ફરમાન થઈ ગયેલું. પસાયતાએ મધરાતે સહુને ઢંઢોળીને ત્રીજી વારની ‘ગિનતી’ કરી લીધેલી. રાબેતા મુજબ હાજરીનો હોંકારો ભણીને સહુ નિદ્રાધીન થઈ ગયેલા. એકમાત્ર મહેરામણની આંખમાં નીંદ નહોતી. અજંપાને કારણે આકુળ બનેલી એ આંખો તો ગામ વચ્ચે ઊભેલી વશરામ ઠક્કરની ત્રણ ભોંયાળી મેડીની ડગલી ઉપર મંડાણી હતી. હજી દોઢ દાયકા પહેલાં ડુંગળી-લસણનો કોથળો અને કાંટા-છાબડાં લઈને ગામમાં આવેલા આ લુહાણાએ પીંખાતી ખેડ અને ભાંગતી ગરાસદારીનો બેવડો લાભ લઇને એવો તો વેપાર જમાવેલો કે થોડાં વરસમાં તો એણે ગામના દરબારગઢને મોભારે આંબે એવડી ઊંચી મેડીના પાયા નાખેલા. મગફળીની શિંગ શેકીને વેચવાના બિઝનેસમાંથી વશરામે એટલી તો ઉત્ક્રાંતિ સાધી કે એના ડેલામાં તેલની ઘાણીનાં એક્સપેલર ફરવા લાગ્યાં. એક વેળા નવરાશના ગૃહઉદ્યોગ તરીકે કાલાં ફોલનાર આ કાબેલ વેપારીએ કપાસ અને રૂના કબાલા કરનાર સડોડિયા તરીકે નામ કાઢ્યું અને પછી તો હનુભા માણસિયાના દરબારગઢ સામે પોતાની ત્રણ ભોંયાળી મેડી ‘ઠક્કર નિવાસ’ની સરસાઈ સ્થાપિત કરવા માટે મોટા દીકરા ગોરધનના લગ્નપ્રસંગે ખાસ અમદાવાદથી રંગબેરંગી કાચ મગાવીને અગાસી પર ટચૂકડીક ડગલી બંધાવી અને એ રંગમહેલ સામે દરબારગઢની રોનકને ઝાંખી પાડી દીધી. ગોરધનના એ રંગમહેલમાં અત્યારે મોડી રાતે પણ ઝડસ દીવો બળતો હતો. અને મેરુ બસિયાની નજર એ દીવાના ઉજાસ પર ચોંટી હતી. પોતાના જાતિસ્વભાવ પ્રમાણે એ મેડીમાં ગણેશિયો મારીને ખાતર પાડવાની યોજનાઓ એ નહોતો ઘડતો; જોકે આ વિદ્યામાં આ લબરમૂછિયો જુવાન પૂરેપૂરો પારંગત હતો. તેમ એ ટગલી પર ચંદનઘો ફેંકીને દોરડા વડે જુલિયટઝરૂખે પહોંચવાની રોમિયોવૃત્તિ પણ એનામાં નહોતી સળવળતી; જોકે એવા ડોન-વાન-છાપનાં રંગદર્શી સાહસો આજ સુધીમાં એ ઘણાં કરી ચૂક્યો હતો. અત્યારે તો ઉજાગરો વેઠતી એની આંખ ગોરધનના શયનગૃહ ઉપર મંડાણી હોવા છતાં એના મન:ચક્ષુ સમક્ષ તો નવોઢા ગરાસણી જીવુબા ઊભી હતી. આમ તો બસિયાનું ખોરડું મૂળ ખાધેપીધે સુખી ગણાતું, છતાં બેત્રણ પેઢીથી ઘસાતું ગયેલું તેથી મહેરામણને કોઈ કન્યા મળતી નહોતી. જુવાન પાટું મારીને પૈસો પેદા કરી શકે નહીં ત્યાં સુધી કોઈ શ્વશુર એને પોતાની પુત્રી પરણાવે નહીં. પણ ગયે વરસે મહેરામણે ભેઠ-બોકાની બાંધીને, શહેરમાં હટાણે જતા તેલપળી કરનાર એક હાટડીદારને આંતરેલો અને એનાં ખિસ્સાં હળવાં કરેલાં ત્યારથી લોટોઝોટો કરવાની એની શક્તિની ખ્યાતિ ફેલાવો પામેલી અને ‘માટી છે જોરૂકો’ એવી માન્યતા દૃઢીભૂત બનેલી. તુરત ઉપરગામના એક પુત્રીપિતાએ નાળિયેર મોકલી આપેલું અને મહેરામણ કંકુઆળો થયેલો. લોકકથાઓમાં વર્ણવાય છે એવી સાગના સોટા જેવી ‘પાતળી પરમાર’ જીવુબા જાણે કે ડેલીનાં અધખુલ્લાં કમાડમાંથી મહેરામણને સનકારી રહી હતી. એની તોફાની અને મારકણી આંખો આ યુવાનને આમંત્રી રહી હતી. મેરુ વિહ્વળતા સાથે વિમાસણ અનુભવી રહ્યો: ‘પસાયતો છેલ્લી આલબેલની હાજરી પૂરી ગયો પછી હું હળવેક રહીને ચાલ્યો - સરકી ગયો હોત તો! અત્યારે પાછો પણ આવી ગયો હોત...’ મેરુએ આજુબાજુ નજર કરી. સહુ શકમંદ આદમીઓ થાક્યાપાક્યા ઘસઘસાટ ઘોરતા હતા. પસાયતો અલ્લાબક્ષ પણ રોન મારવા ગયો હોય એમ લાગતું હતું; કેમ કે એ દમિયલ માણસનો સતત સંભળાતો ખોં... ખોં અવાજ શમી ગયો હતો. બીજી હાજરીને હજી થોડી વાર હતી. મહેરામણ બિલ્લીપગલે ઓશરીનાં પગથિયાં ઊતર્યો અને અંધારે અંધારે લપાતોછુપાતો પોતાની ડેલી ભણી ઊપડ્યો. માથા સુધી સોડ તાણીને ઘસઘસાટ ઊંઘતો હોવાનો ડોળ કરનાર એક આદમીએ આ સંચાર સાંભળીને આંખ પરથી પછેડી સહેજ ઓરી કરી અને ત્રાંસી નજરે આ જોઈ લીધું. એ ઊંઘતો આદમી હતો મહેરામણનો દૂરનો પિત્રાઈ લાખુ બસિયો. મહેરામણના ઘર સાથે એને જૂની અદાવત હતી. વળી એની નજર પહેલેથી જ જીવુબા પર હતી અને જીવુબાએ તો મેરુનો હાથ ઝાલ્યો ત્યારથી લાખુના હૃદયમાંનો વૈરાગ્નિ વધારે પ્રજળ્યો હતો. અત્યારે આ કાળમુખા કુટુંબીનું કાસળ કાઢી નાખવાનો સરસ મોકો છે એમ સમજી લાખુ ઊભો થયો અને પસાયતાની ખોજ આદરી. બીજી ‘ગિનતી’ને હજી થોડી વાર છે એમ સમજીને પસાયતાએ દોઢીમાં પોતાની સાંગામાંચી પર જરા લાંબો વાંસો કર્યો હતો, એમાં અખંડ જાગરણો કરતો એ ‘સંયમી’ જરીક વાર જંપી ગયો હતો. લાખુએ એને ઢંઢોળ્યો અને મહેરામણની ગચ્છન્તિના સમાચાર કહ્યા. ‘ગયો ક્યાં પણ?’ પસાયતાએ ગભરાઈને પૂછ્યું: ‘રાતોરાત ક્યાંક ગણેશિયો મારે નહીં!’ ‘ક્યાંય ખાતર પાડવા નથી ગયો. ફકર કરો મા. ડેલીએ ઘરવાળીનું મોઢું જોવા ગયો છે, વરલાડડો!’ લાખુએ કહ્યું અને પછી દાઢવાણી ઉચ્ચારી: ‘ઓલી જોગમાયાનું મોઢું જોયા વિના અલબેલો ઓહરી જાતો’તો. આ તો ત્રીજી દાણ આમ થયું. બે વાર તો હું બોલ્યો નો’તો.’ અને પછી તો લાખુએ ‘કરમ કુંભારનાં ને લખણ લખપતિનાં’ અને એવાં એવાં ઘણાં સૂત્રાત્મક વાક્યો ઉચ્ચારીને દિવસોથી ભેગી થયેલી દાઝ ઠાલવી. અલ્લાબક્ષ ખારો ધૂંસ જેવો થઈને બસિયાની ડેલી તરફ ઊપડ્યો. એને પગલે પગલે થોડું અંતર રાખી લાખુડો ચાલતો હતો.

*

‘મેરુલા! એલા એય મેરુલા!’ મહેરામણને કાને પસાયતાનો પડકાર પડ્યો અને એ ચોંકી ઊઠ્યો. પોતે ડેલીએ આવ્યો છે એ વાતની પસાયતાને જાણ કરાવનાર દુશ્મન પિત્રાઈ લાખુ બસિયો જ હોવો જોઇએ એમ મહેરામણને કાંઈક સ્વયંસ્ફુરણાથી સમજાઈ ગયું અને પડકાર કરનાર પસાયતા પ્રત્યે નહીં પણ અદેખા ને અદાવતિયા પિત્રાઈ પ્રત્યે એ રોષથી સળગી રહ્યો. ગોખલાના જાળિયામાંથી એણે બહાર નજર કરી તો ડેલી સામે અંધારામાં બે વ્યક્તિઓના ઓળા દેખાયા. પસાર થતી હરેક ક્ષણ મહેરામણ માટે જીવનમરણની નિર્ણાયક બનતી જતી હતી. પોલીસના પહેરા તળેથી પોતે છટકી આવ્યો એ એક ગંભીર ગુનો થયો હતો. પરહેજમાંથી છટકવાની કોશિશ કરનાર બંદીજનો માટે નિયત થયેલી આકરી શિક્ષા એ સારી પેઠે જાણતો હતો. પસાયતાના હાથમાં સપડાવાને બદલે પાછલે બારણે વાડામાંથી વંડી ઠેકીને ભાગી છૂટવાનો એણે મનસૂબો કર્યો. ડેલી બહાર પસાયતાના હાકલા-પડકારા વધતા જતા હતા. કાનમાંથી કીડા ખરે એવી ગંદી ગાળગલોચ પણ સંભળાતી હતી. આ અણધારી આપત્તિ ઊભી કરનાર લાખુડા ઉપર મહેરામણને કાળ ચડ્યો. ઢોલિયાની તળાઈની બેવડામાં સંતાડેલો તમંચો એણે બહાર કાઢ્યો. જાળિયામાંથી અટકળે લાખુડાનું નિશાન નોંધીને ભડાકો કર્યો અને તુરત વાડામાંથી હરણફાળે વંડી ઠેકીને એ અંધારામાં ઓગળી ગયો. આવી સુનકાર રાતે ધડાકો સાંભળીને થોડા માણસો બહાર આવ્યા. મહેરામણે અંધારામાં તમંચાનું નિશાન નોંધતાં ભૂલ કરી હતી. લાખુડાને બદલે પસાયતાનું ઢીમ ઢળી પડ્યું હતું. લાખુડે મહેરામણને વંડી ઠેકી નાસતો જોયો. પસાયતાને ફૂંકી મારીને પોતાનો પિત્રાઈ ભાગી છૂટે છે એ જાણવા છતાં લાખુએ કશું બુમરાણ ન કર્યું; જેના પર વેર વાળવા પોતે આટલી જહેમત લીધી હતી એ આદમી તો ગામ વીંધીને હેમખેમ નીકળી ગયો છતાં લાખુએ જરીકે રંજ ન અનુભવ્યો. એની નજર વાસ્તવમાં તો કંકુની પૂતળી જેવી જીવુબા ઉપર હતી. અત્યારે મેઘલી રાતે, ઢોલિયાના પાયા પાસે પારેવડીની જેમ ફફડતી ઊભેલી નિરાધાર નવોઢાને કલ્પીને લાખુડાની આંખમાં સાપોલિયાં રમવા લાગ્યાં. મોં પર ખંધું હાસ્ય લાવીને એ આગળ વધ્યો અને ઓરડાની સાંકળ ખખડાવી. બનેલા બનાવથી ડઘાઈ ગયેલી ગરાસણીએ આગળિયો ઉઘાડ્યો અને નજર કરી તો સામે અદાવતિયા લાખુને ઊભેલો જોઈને એક ડગલું પાછળ હઠી ગઈ. ‘લાખુડો તો સાવ પાણી વિનાનો છે, કાં?’ લાખુ માટેનું લગ્ન-કહેણ જીવુબાએ જુવાનીના તોરમાં જે વાક્ય વડે નકારેલું એ જ વાક્ય લાખુડાએ મોકો જોઈને આ માનુનીના માથામાં માર્યું અને એ મેણાની મારનારીનાં માન ઉતારવા એ ગર્વભેર આગળ વધ્યો. જીવુબા સાવધ થઈ બે ડગલાં પાછળ હઠી અને ઢોલિયા પરથી તમંચો ઉપાડ્યો. લાખુડાનું લગ્ન-કહેણ પાછું ઠેલતી વેળા આ યુવતીએ ઉચ્ચારેલું વાક્ય સાચું પડ્યું: ઘાસલેટિયા દીવાના ઉજાશમાં ચમકતો તાતો તમંચો જોઈને લાખુડો પીછ મેલીને ભાગ્યો. તરત દરવાજાની દોઢી તરફ દોડી જઈને પોલીસ-પટેલને ઉઠાડ્યા અને પસાયતાની લાશ તથા જીવુબાના ઢોલિયા પરનો તમંચો પંચની હાજરીમાં હાથ કરાવ્યાં. સવારમાં તાલુકેથી ફોજદાર આવ્યા અને અટકાયતી જીવુબા સામે ખૂનનો કેસ દાખલ થયો. અલ્લાબક્ષનું ખૂન મહેરામણે નહીં પણ જીવુબાએ કર્યું છે, એવી લાખુડે જુબાની આપી. પોતા પર હુમલો થતાં સ્વરક્ષણ માટે આ પગલું ભરવું પડેલું એ મતલબનો જીવુબાનો બચાવ અદાલત સમક્ષ ટકી શક્યો નહીં અને મનુષ્યવધ બદલ એને જનમટીપની સજા થઈ. એ ગોઝારી રાતે મહેરામણ ગભરાટનો માર્યો તમંચાનો બાર કરીને નાસી તો છૂટ્યો પણ પછી એની વિમાસણનો પાર રહ્યો નહોતો. વાડાની વંડી ઠેકતી વેળા એને એ વિચારવાનો પણ અવકાશ નહોતો, કે જેના આંગણામાં એક લાશ ઢળી છે એ જીવુબાનું પાછળથી શું થશે. જીવુબાનું જે થયું - લાખુડે એની ધરપકડ કરાવી અને અદાલતે સજા ફરમાવી - એની વિગતવાર બાતમી મળતાં આ ઝનૂની યુવાન વધારે ઝનૂની બન્યો અને બહારવટે ચડ્યો. એક માત્ર વેરતૃપ્તિની સર્વભક્ષી આગમાં સ્નેહ, સૌહાર્દ, પ્રેમ વગેરેની બધી જ લાગણીઓ ભસ્મીભૂત થઈ ગઈ. માનવસુલભ એ સર્વ કોમલ લાગણીઓની ખાક ચોળીને ઊભા થયેલા કાપાલિકે માનવભક્ષણ માંડ્યું. મહેરામણને નામે ખૂન પર ખૂન ચડવા લાગ્યાં. આર્થિક-સામાજિક વિષમતાઓ જેમનું અહોનિશ સર્જન કર્યા જ કરે છે, એવા અનેક અસંતુષ્ટ બળ્યાઝળ્યા સાગરીતો મહેરામણને મળી રહ્યા અને એણે બહારવટિયાઓની ટોળી જમાવી આખા પ્રદેશને ધમરોળવા માંડ્યો. ધાડ, લૂંટ અને ખૂન તો મહેરામણની ટોળી માટે સામાન્ય બનાવો બની રહ્યા. મેરુ બસિયાનું નામ પડે ને પ્રજા તથા પોલીસ સુદ્ધાં ધ્રૂજવા લાગતાં. જૂની કથાઓમાં આવે છે એમ મેરુ બસિયાનું નામ પડે અને ઝાડપાન કરમાઈ જાય એટલી હદે એની ત્રાસપ્રવૃત્તિ વધી ગઈ. છતાં વેરતૃપ્તિ માટે તડપતા મહેરામણના સંતપ્ત દિલને સંતોષ નહોતો. પોતાના જીવનબાગને ભરવસંતમાં જ ઉજાડી નાખનાર આદમી જ્યાં સુધી સલામત હતો, ત્યાં સુધી આ બહારવટિયાના વેર ઝંખતા જીવને જંપ નહોતો વળતો. મહેરામણના માથા માટે મોટું ઇનામ જાહેર થયું હતું. પણ એણે તો સામેથી સરકારી તંત્રને કહેવડાવ્યું હતું કે લાખુડાનું નાક કાપ્યા પહેલાં હું હથિયાર હેઠાં નહીં મૂકું; જે દિવસે એ માણસને હું નકટો કરીશ, તે દિવસે હું જાતે જ આવીને પોલીસમાં હાજર થઈ જઈશ. બહારવટિયા તરફથી જાસારૂપે ગયેલું આ કહેણ અક્ષરશ: સાચું પડવા નિર્માયું હતું. વર્ષો પહેલાંની એ ગોઝારી રાત જેવી જ એક મેઘલી રાતે મહેરામણ પોતાના ગામ ઉપર ત્રાટક્યો અને લાખુડાને ગોતી કાઢીને એનું નાક કાપી લીધું. ‘લેતો જા, લેરખડા! હવે જીવુબાની ગોખીય તારા નકટા મોં સામે નહીં જુવે!’ કહીને, પોતાના પિત્રાઈ પર થૂંકતો મહેરામણ સીધો જઈને પોલીસ પટેલને સ્વાધીન થયો.

અનેક ખૂનના આરોપો બદલ દેહાંતદંડની સજા પામેલા મહેરામણને એક વહેલી પરોઢે ફાંસીને માંચડે ચડાવાતો હતો, ત્યારે આકાશમાં અણઆથમ્યું રહી ગયેલું એક રડ્યું ખડ્યું તારોડિયું જોઈને એને વર્ષો પહેલાં જોયેલો ગોરધનની રંગમેડીનો દીવો યાદ આવી ગયો - અને સાથે સાથે, જનમટીપની સજા ભોગવી રહેલી-અને સંભવત: આવી જ આકાશી રંગમેડીમાં ઝબૂકતા તારોડિયા તરફ ટાંપી રહેલી - જીવુબા યાદ આવી ગઈ. પણ એક વેળા કવિત્વભરી લાગણી અનુભવવા જતાં સંજોગોવશાત્ કાપાલિક બની બેઠેલો આ ક્રૂર બહારવટિયો ફરી વાર કવિ બની શકે એમ નહોતો, કે જેથી એક જ નિશાન પર નોંધાયેલી ચાર આંખોનો રોમાંચ એ માણી શકે.