ઉવેખાયેલી વાર્તાઓ/હરબંસકુંવર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હરબંસકુંવર

બૂંગિયો નહોતો વાગ્યો કે નહોતાં ગર્જ્યા જાંગી ઢોલ. સિંધુડો પણ ક્યાંય સંભળાયો નહોતો. છતાં કોણ જાણે કઈ હૈયાઉકલતથી ગામ આખાના સશક્ત માણસો, જે હથિયાર હાથવગું લાગ્યું એ ઉપાડીને હુલ્લડખોરો સામે ધસી ગયા હતા. ધસી ગયા પછી જાણ થઈ કે સ્થાનિક હરીફ કોમે આ દંગો નથી મચાવ્યો. રેડકિલફ ચુકાદાએ આંકેલી નવી સીમાઓની પેલી પારથી હરીફ કોમનું મોટું હથિયારધારી ધાડું આવ્યું છે અને સામૂહિક કતલ શરૂ કરી છે. લૂંટ અને આગથી જ એમને સંતોષ નથી; કત્લેઆમ કરીને તેઓ જંપતા નથી; મિલકત લૂંટવાનો પણ એમને બહુ મોહ નથી; એમની નજર તો નોંધાયેલી છે જુવાન સ્ત્રીઓ ઉપર. જુવાન સ્ત્રીઓને જરા પણ જફા ન પહોંચે એની આ હુમલાખોરો તકેદારી રાખે છે; પણ તે કોઈ ઉદાત્ત સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાથી પ્રેરાઈને નહીં; પુરુષવર્ગને ઠાર કરીને સ્ત્રીઓને જીવતી રાખવામાં એમને કોઈક વિશિષ્ટ પ્રકારનું ‘સ્થાપિત હિત’ રહેલું દેખાય છે. ઊંચે મજલે ઊભી ઊભી હરબંસકુંવર આ આખી સંહારલીલા વિસ્ફારિત આંખે અવલોકી રહી હતી. પોતે નવપરિણીત હતી. પતિ તેજાસિંગ તો ભયની બૂમ પડતાં જ નાગી તલવારે ગામને ચકલે જઈ પહોંચ્યો હતો. કિરપાણ કે કંગી સંભાળવાનો પણ એને સમય નહોતો રહ્યો. આડોશપાડોશના અન્ય જુવાનો પણ દોડી ગયા હતા. કાન ફાડી નાખે એવું બુમરાણ સંભળાતું હતું. પોતાના પતિએ જરૂર પાંચપચીસ દુશ્મનોને ધરાશાયી કરી દીધા હશે એવી કલ્પના કરીને આવા આપત્તિકાળે પણ હરબંસકુંવર આછું મલકી રહી. થોડી જ વારમાં ગામને ચારે ખૂણેથી અગ્નિશિખાઓ ઊંચે ચડવા લાગી. એક પ્રચંડ જ્વાલા ગુરુદ્વારા ઉપર જલતી હતી. એ જોતાં જ હરબંસનાં રૂંવેરૂંવાં કમ્પી ઊઠ્યાં પણ હજી વધારે કમ્પારી અનુભવવાની તો બાકી હતી. પાછલી શેરીમાંથી એકસામટાં સ્ત્રીઓનાં આક્રંદો ઊઠ્યાં. હરબંસે ગોખબારીમાંથી એ તરફ નજર કરી. હુમલાખોરો ગજાસંપત પ્રમાણે એકાદબે યુવતીઓને ઉપાડીને નાસી જતા દેખાયા. મતિ ભમાવી દે એવું એ દૃશ્ય હતું. અલબત્ત, ક્યાંક ક્યાંકથી શૌર્યભર્યો સામનો થતો હતો, અને અપહરણો કરવા આવેલાઓ મકાનોના ઉંબરમાં જ ધૂળ ચાટતા થઈ જતા હતા. ગામલોકો હાજર સો હથિયાર કરીને જે હાથ આવે તે વસ્તુ હુમલાખોરો ઉપર ફેંકતા હતા. એકાદ સ્થળેથી તો ઉપલે માળેથી કડકડતા તેલની કડાઈ ઠાલવવામાં આવી ને હુમલાખોરો સડસડતા સૂઈ ગયા. પણ સ્ત્રીવર્ગનો આ સામનો લાંબા સમય સુધી ઝીંક ઝીલી શકે એમ ન હતો. ચોગાનમાં બુમરાણ ધીમું પડતાં લાગ્યું કે હુમલાખોરોની સંખ્યા, સામનો કરનારાઓ કરતાં અનેક ગણી મોટી હતી. એમનાં શસ્ત્રો પણ વધારે અર્વાચીન હતાં. શેરીને બારણે બારણે સંગીનો ભોંકાવા લાગી હતી. ગામમાં અલ્પ સંખ્યામાં રહેતું પોલીસદળ તો ક્યારનું દબાઈ ચૂક્યું હતું. કાયદો અને વ્યવસ્થાના રક્ષકો આવીને રક્ષણ કરશે એ કલ્પના જ આકાશકુસુમવત્ હતી. એ દૃશ્યે હરબંસને કમકમાં પ્રેર્યાં. પાછલી શેરીની વચ્ચોવચ્ચ ઊભી વાટે હુમલાખોર એક યુવાન સ્ત્રી પર અત્યાચાર કરી રહ્યો હતો. દયા, કરુણા કે સ્ત્રીસન્માનની તો અત્યારે કોઈએ આશા જ નહોતી રાખી; પણ માનવવ્યવહારે સ્વીકારેલી અને સર્વમાન્ય ગણેલી લાજમર્યાદાનો પણ લોપ થતો હતો. સામાન્ય સુરુચિ પણ નહોતી સચવાતી. આંખ કહ્યું ન કરે એવું એ દૃશ્ય હતું. સ્ત્રી કાળાં બોકાસાં નાખતી હતી અને હુમલાખોર બેફામ ગાળો બોલી રહ્યા હતા. દૃશ્ય જોઈને હરબંસને તમ્મર આવ્યાં, પણ તમ્મર ખાઈને ફસડાઈ પડવાનો શોખ આચર્યો અત્યારે પોસાય એમ નહોતો. થોડી જ ક્ષણો વીતે અને પોતે પણ એ જ અત્યાચારનો ભોગ બને એવી પૂરેપૂરી સંભાવના હતી. માનવી અત્યારે પશુ બન્યો હતો; એ શું કરશે એ કરતાં શું નહીં કરે, એ જ કલ્પવું મુશ્કેલ હતું. સામૂહિક કતલ પછી તેજાસિંગના પુનરાગમનની આશા રાખવી વ્યર્થ હતી. હવે તો કોઈ પણ હિસાબે તાતી સંગીનોના અત્યાચારોમાંથી ઊગરવું આવશ્યક હતું. વ્યક્તિ કરતાં સમષ્ટિની સમજ અને હૈયાઉકલત વધારે સાચી હોય છે. આ શેરીની સ્ત્રીઓએ, પાછળના લત્તાનાં દૃશ્યો જોઈને નાસભાગ શરૂ કરી હતી. કઈ તરફ? ત્યાં જ... બીજે ક્યાં?... ... પાણીશેરડે કૂવા તરફ? જેમને જીવતાં રહેવાની તક ન મળે એમને મનફાવતી રીતે મરવાની તો તક હોવી જ જોઇએ ને? આડે દિવસે ભેંકાર લાગતો એ ભમ્મરિયો આજે હરબંસને મુક્તિદાતા સમો લાગ્યો. સ્વમાનભેર જીવતા રહેવાની તો સગવડ નથી, પણ મરવાની આટલી સરસ અને સહેલી સગવડ છે એ જાણીને એ ફરી આછેરું મલકી. વિચાર કરવા રોકાવાનો કે પોતે લઈ રહેલ પગલાંનાં પરિણામો અંગે સરવાળા-બાદબાકી કરવાનો સમય ન હતો. કવિએ ગાયું છે તેમ પસાર થતી પળેપળ ઇતિહાસથી ભરી હતી. હર પળે ઇતિહાસ જ સરજાઈ રહ્યો હતો; છો ને અખબારી કાનૂનો અને ‘પ્રેસ એટિકેટ’ આ ક્ષણિક બનાવોને ‘ઉશ્કેરણીય’ ગણીને અખબારોને પાને એ ‘ઇતિહાસ’નો અક્ષર સુદ્ધાં નોંધાવા ન દ્યે! એ એક જ ક્ષણ! એ ક્ષણની આગળપાછળનો કશો વિચાર કરવા રોકાયા વિના જ હરબંસ દોડી. ઘરનાં બારણાં ઉઘાડાં ફટાક મૂકીને જ દોડી. કમાડ વાસવા જતાં પણ મૃત્યુને ભેટવાની મળેલી તક ગુમાવી બેસવાનો ભય હતો. ભમ્મરિયાને કાંઠે જાણે કોઈ ખજાનાની લૂંટાલૂંટ થતી હોય એમ ગામની યુવતીઓ પડાપડી કરતી હતી. જાણે વહેલી તે પહેલી એવી હોડ ન બકાતી હોય! જીવતરને બદલે મૃત્યુની મઝા માણવાની ત્યાં મારામારી થતી હતી! મોક્ષદાતા ભમ્મરિયામાં આંખ મીંચીને હરબંસે ઝંપલાવ્યું. પણ બીજી ઘણી અભાગણીઓની જેમ હરબંસને નસીબે પણ મોત નહોતું નિર્માયું. આડે દિવસે બબ્બે મથોડાં પાણી જ્યાં ગળકાં લેતાં એ ભમ્મરિયો આજે માનવદેહો વડે ભરચક હતો. સહરાના રણમાં માનવીઓ જીવતાં રહેવા માટે પાણી માટે ઝંખે છે; અહીં એથી ઊલટી જ પરિસ્થિતિ હતી. ભમ્મરિયામાં સ્ત્રીઓ મૃત્યુને ભેટવા પાણી માટે ઝંખતી હતી, પણ બહુ મોટી સંખ્યામાં જીવતા માનવદેહોએ ખડકાઈને પાણીને અદૃશ્ય કરી મૂક્યું હતું. મરવા માટે માણસો તરફડિયાં મારતાં હતાં, પણ મોત મોંઘું થઈ બેઠું હતું. જાણે નફાખોરોએ મોત જેવી ચીજને પણ કાળાંબજારમાં ધકેલી દીધી હતી! અનેકોને માટે મુક્તિદાતા બની ચૂક્યા પછી બીજાઓ માટે ભમ્મરિયો મોતની ભેટ બક્ષી શકવાને અસમર્થ બની ગયો હતો. પોતાની આ અશક્તિ બદલ એ જાણે કે શરમ અને ક્ષોભ અનુભવતો હતો, ત્યાં જ એની લાજ રાખવા હુમલાખોરો આવી પોહોંચ્યા. ભમ્મરિયાએ અનેક સ્ત્રીઓને બક્ષેલું જીવનદાન આ જીવનઘાતકોની જાણબહાર રહી શક્યું નહોતું. પાણીની બૂડને અભાવે જીવતી રહી ગયેલી સ્ત્રીઓને આ લોકોએ વીણી વીણીને બહાર કાઢી દીધી. હરબંસ પણ આખરે હુમલાખોરોના હાથમાં જ જઈ પડી, ત્યારે ભમ્મરિયા કરફ જોઈને એ મૂંગો ઠપકો આપતી હતી: ‘ફટ્ટ તને! ખરે ટાણે જ તેં મને દગો દીધો?’ ભમ્મરિયાને વાચા હોત તો એ કહેત: ‘એમાં મારો શો ગુનો? મેં તો મારા ગજા પૂરતું કામ કરી આપ્યું!’