ઋણાનુબંધ/નટવર ગાંધીને – ૮૦મા જન્મદિને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નટવર ગાંધીને – ૮૦મા જન્મદિને


નોંધ: નટવર ગાંધીએ મને એક ચેલન્જ આપી. મારે એમને એમના ૮૦મા જન્મદિને એક છંદબદ્ધ સોનેટ આપવું! હું અછાંદસમાં લખનારી. સોનેટની શિસ્ત મને ઓછી ફાવે. છતાં એ ચેલેન્જ મેં સ્વીકારી, અને પરિણામે શિખરિણી છંદમાં આ સોનેટ થયું. એ કેવું થયું છે તે તો એ અને સહૃદય વાચક જાણે!



મળી’તી જ્યારે હું પ્રથમ દિન તેને ય વરસો
વીત્યાં કૈં તો યે તું સ્વજન, હજી છો એ જ બસ એ!
હજી એ ચ્હેરે ના પડી કરચલી એક પણ ના,
હજી એની એ છે નિત ચમકતી ટાલ શિરપે,
હજી એની એ છે તરલ ગતિ ને તીક્ષ્ણ મતિ કૈં,
હજી એની એ છે રસભર મીઠી રીત રતિની,
હજી ઝીણી આંખે જગ સકળનું માપ લઈને
હજી પૂછી પૂછી, સમજી ઘણું, ઉલ્લાસ કરતો.

હજી તેં માંડી છે નજર દૂર ક્ષિતિજ પર, ને
હજી તારે ઊંચે શિખર ચડી આકાશ અડવું,
હજી તારું હૈયું નિત થનગને, પ્રેમ ઉભરે,
મહત્ત્વાકાંક્ષાથી સભર નયનો સ્વપ્ન નીરખે,
થયાં એંશી એ તો ક્રૂર રમત કેલેન્ડર તણી,
તને કેવી રીતે, પ્રિયતમ સખે, વૃદ્ધ ગણવો?