ઋણાનુબંધ/સ્વેટર
Jump to navigation
Jump to search
સ્વેટર
હૂંફ માટે
બે
જુદા જુદા ઊનનું
જુદા જુદા રંગનું
હોંશે હોંશે ખરીદાયેલું
આકર્ષક સ્વેટર.
પણ હવે
પહેરવાની મઝા નથી—
એ બંધબેસતું જ નથી!
વાંકુંચૂકું ગળું
ટૂંકી બાંયો
ને ઠેકઠેકાણે પડતી ખોળ.
વળી,
મોટા સોયાથી ગૂંથાયું હશે કે કેમ
એનાં કાણાં એટલાં મોટાં
કે
સૂસવતો પવન છાતીએ વળગે…
લેતાં તો લેવાઈ ગયું
પણ હવે
ઘેરો લાગતો રંગ
ને
ડિઝાઇન પણ ના પસંદ!
થાય છે—
ઊન ખરાબ કર્યા વિના
આખું સ્વેટર ઉકેલી
નવી મનપસંદ ડિઝાઇનમાં
ફરી ગૂંથી શકાય (તો)?