ઋણાનુબંધ/૧. આપણે અને ઊગતી પેઢી
યુનિવર્સિટી ઑફ પેન્સિલવૅનિયાની વિશ્વવિખ્યાત સાઉથ એશિયા ડિપાર્ટમેન્ટ અને પૅન લૅન્ગવેજ સેન્ટરના આશ્રયે મને આપણી ઊગતી પેઢીને ગુજરાતી ભાષા શીખવવાની તક થોડાં વર્ષોથી મળી છે. આ યુનિવર્સિટીનાં ધોરણો ખૂબ ઊંચાં અને એનો ખર્ચ પણ મોંઘો. એટલે મુખ્યત્વે જે વિદ્યાર્થીઓ અહીં ભણે છે તે ખૂબ જ હોશિયાર અને સાથે સાથે પૈસાપાત્ર કુટુંબોમાંથી આવતા હોય છે. બિઝનેસ, મૅડિસિન, એન્જિનિયરિંગ જેવાં પ્રોફેશનલ ક્ષેત્રોમાં તેમનું ભણવાનું થતું હોય છે. અને છતાં આ ચબરાક વિદ્યાર્થીઓમાં પોતાના સાંસ્કૃતિક વારસા માટે ઊંડી જિજ્ઞાસા અને પ્રેમ જોવા મળે છે. આ કારણે ભાષાનો વ્યવસ્થિત અભ્યાસ કરવા કેટલાક વિદ્યાર્થીઓ અમારા ડિપાર્ટમેન્ટમાં દર સેમેસ્ટરે ગુજરાતીનો કોર્સ જરૂર લે છે.
આ વિદ્યાર્થીઓને કારણે તેમનાં માબાપોને મળવાની તક મને લાધી છે. ઔપચારિક વાતો પછી દરેક માબાપનો સહજ પ્રશ્ન એ હોય છે કે ‘આ ઊગતી પ્રજા અમારે માટે શું ધારે છે?’ આવતી પેઢી આપણે માટે શું ધારે છે એનું કુતૂહલ દરેક પેઢીને સહજ હોય છે. પરંતુ આપણા જેવી એમિગ્રેટ (emigrate) પ્રજા માટે પેઢી પેઢી વચ્ચેના સંબંધો અને સંઘર્ષો ખાસ ધ્યાન માગી લે છે.
સામે પક્ષે આ વિદ્યાર્થીઓ માટે આપણી પેઢી પણ એક કુતૂહલનો વિષય છે. દરેક એમિગ્રેટ પ્રજાની બીજી પેઢીની માફક આપણી ઊગતી પ્રજા પણ બે દુનિયામાં જીવે છે. એક ઘરની અને બીજી બહારની. એક દેશની અને બીજી અમેરિકાની. આપણે માટે દેશની દુનિયા સહજ અને સુપરિચિત છે. ઊગતી પ્રજા માટે અમેરિકન દુનિયા સહજ અને સુપરિચિત છે. આ કારણે આપણા અને એમના દૃષ્ટિકોણ જુદા છે. આપણે દેશી આંખે એમને જોઈએ છીએ. અને એ પ્રજા આપણને અમેરિકન નજરે જુએ છે. અહીં, એ ઊગતી પ્રજા આપણને કેવી રીતે જુએ છે એ વિશે થોડા વિચારો રજૂ કર્યા છે. અહીં જે રજૂ થાય છે એ કોઈ વ્યવસ્થિત અભ્યાસનું પરિણામ નથી. મુખ્યત્વે તો આ વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં કે વર્ગ બહાર વાતો કરવાના જે અસંખ્ય પ્રસંગો મળ્યા છે તેનું પરિણામ છે.
પહેલી વાત એ છે કે આ ઊગતી પ્રજા આપણામાં કુટુંબ પ્રત્યેનો અઢળક પ્રેમ છે તેને પ્રશંસાના ભાવથી જુએ છે. કુટુંબ પહેલું — એ આપણો ધ્રુવમંત્ર છે, એ વાત એમને સ્પષ્ટ છે. આજુબાજુનું અમેરિકન કુટુંબ વેરવિખેર થઈ રહ્યું છે તેની સરખામણીમાં આપણી કુટુંબવ્યવસ્થા જળવાઈ રહી છે તેની તેમને ખૂબ હૈયાધારણ છે. આ છોકરાછોકરીઓને ખબર છે કે આ એમનાં માબાપ એમને છોડીને ક્યાંય જશે નહીં અને એમનાં સુખસગવડ માટે આકાશપાતાળ એક કરશે. ‘કુટુંબ પહેલું, છોકરાંઓ પહેલાં, પછી આપણે’ — આ ‘ગીત’ આપણે માત્ર ગણગણતા જ નથી, એનો લય આપણી રગેરગમાં વહે છે એ હકીકત આપણી ઊછરતી પેઢીને નિશ્ચિંત બનાવે છે અને સાથે સાથે એમનામાં પણ કુટુંબ પ્રત્યે પ્રેમની લાગણી અને જવાબદારીની ભાવના ઊભી કરે છે. મોટાભાગના મારા વિદ્યાર્થીઓ કહે છે કે એમના માતાપિતા વૃદ્ધ થશે ત્યારે તેઓ એમને અમેરિકનોની જેમ ‘નર્સિંગ હોમ’માં નહીં મૂકે પણ એમને સાથે રાખશે અને એમની સેવા કરશે.
બીજી વાત એમને એ સ્પષ્ટ થઈ છે કે ઉચ્ચ શિક્ષણ — ખાસ કરીને જેમાં વધુ પૈસા બનાવાય તેવાં બિઝનેસ, મૅડિસિન, એન્જિનિયરિંગ, ફાર્મસી વગેરે પ્રોફેશનલ ક્ષેત્રોનું આપણને ઘણું મહત્ત્વ છે. એટલે એમના બાળપણથી જ એ બાબત પણ જાણ્યે-અજાણ્યે આપણે અસાધારણ દબાણ મૂકીએ છીએ. છોકરાંને શું ગમે છે અને શું કરવું છે એ વાત પડતી મૂકી, કયા ક્ષેત્રમાં વ્યવસ્થિત અને ધીકતી કમાણી થાય એનો આપણે સતત વિચાર કરીએ છીએ અને એ દિશામાં એમની દોરવણી કરીએ છીએ.
આ ઊગતી પેઢી ખૂબ જ હોશિયાર છે. એમને જો આપણાં સારાં લક્ષણોની ખબર છે તો સાથે સાથે એમની ચબરાક નજર આપણી નબળાઈઓને પણ બરાબર જાણે છે. એમનું કહેવું છે કે આપણે ભલે ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર વગેરેની મોટી મોટી વાતો કરતા હોઈએ પણ આપણે માટે પૈસો એ પરમેશ્વર છે. આપણે એકબીજાનું માપ પૈસાથી કાઢીએ છીએ. કોને મોટું ઘર છે, કોની પાસે મર્સીડીસ છે, કોને ઘેર સ્વિમિંગ પુલ છે, કોણ ડૉક્ટર છે, કોણ હીરાનો વેપારી છે — આવી બધી વારંવાર થતી ઘરની વાતો આ પ્રજા બરાબર સાંભળે છે અને સાથે સાથે આપણુંય માપ કાઢે છે. વધુમાં, આફ્રિકન-અમેરિકન પ્રજા પ્રત્યેની આપણી સૂગ, બિનગુજરાતી ભારતીયો પ્રત્યેનો ઉઘાડો અણગમો, અન્ય ધર્મો પ્રત્યે — ખાસ કરીને મુસ્લિમો માટેની — આપણી અસહિષ્ણુતા વગેરે આપણી ઊગતી પ્રજાને કઠે છે. નવી દુનિયામાં પણ દેશના જૂના અને કટાઈ ગયેલા રીતરિવાજોને જળોની જેમ ચોંટી રહેવાનો આપણો દુરાગ્રહ, અન્યોન્ય પ્રત્યેના ઔપચારિક વિવેકનો અભાવ — આ બધું પણ આ પ્રજા સમજી શકતી નથી.
રોજબરોજના વ્યવહારમાં ‘સૉરી’ કે ‘થૅન્ક યુ’ ન કહેવું એવા આપણા અવિવેકને વિચિત્ર માનીને આપણાં છોકરાં એને ગળી જવા તૈયાર છે. પણ પોતે કયું ક્ષેત્ર પસંદ કરવું અથવા તો ખાસ કરીને કોને પરણવું એમાં થતી આપણી રોજની દખલને એ લોકો ખમી ખાવા તૈયાર નથી. અહીં હું બે પેઢી વચ્ચે આવી રહેલા સંઘર્ષના ભણકારા સાંભળું છું.
મીરાં નાયરની ફિલ્મ ‘મિસીસીપી મસાલા’માં આ પ્રશ્નની રજૂઆત કરવામાં આવી છે.
યુગાન્ડાથી ભાગીને અમેરિકા આવી મિસીસીપીમાં મૉટેલના ધંધામાં ઠરીઠામ થયેલા એક ગુજરાતી કુટુંબની એ વાત છે. ફિલ્મની નાયિકા આફ્રિકન-અમેરિકન છોકરાના પ્રેમમાં પડે છે અને એને પરણવા તૈયાર થાય છે. હૈયાના હાર સમી પોતાની એકની એક દીકરી હબસીને પરણે એ ગુજરાતી માબાપને ગળે કેમ ઊતરે? ફિલ્મમાં આ વાત ભલે છીછરી રીતે રજૂ થઈ હોય પણ દરેક માબાપને દિવસરાત મૂંઝવતો આ એક મહાન પ્રશ્ન છે અને આપણાં છોકરાછોકરીઓને પણ એટલો જ મૂંઝવે છે. પોતે જેના અગાધ પ્રેમમાં છે એ વ્યક્તિ કાળી, ધોળી, ખ્રિસ્તી કે મુસલમાન છે તેની કોઈ યુવાનયુવતીને પડી નથી હોતી પરંતુ એ વ્યક્તિ ગુજરાતી કે ભારતીય નથી એથી માબાપ એને સ્વીકારશે નહીં એની ચિંતા એમને સતત રહે છે.
દેશથી દસ હજાર માઈલ દૂર આવીને પણ જાતજાતના વાડા બાંધીને જે રીતે આપણે રહીએ છીએ તે પણ આ નવી પ્રજાને માન્ય નથી. આ ઉપરાંત, એમણે કેવી રીતે એમનું જીવન જીવવું, શું ભણવું, કઈ કૉલેજમાં જવું અને કોને પરણવું — આ બધું આપણે આપણી દૃષ્ટિએ નક્કી કરીએ એ એમને ખૂબ મૂંઝવે છે. આ બાબતમાં જો આપણે ચેતીશું નહીં તો પેઢી પેઢી વચ્ચેનો વિસંવાદ વધતો જ જવાનો છે એ નિઃશંક છે. મૂળમાં તો આ ઊગતી પ્રજા અમેરિકન છે એ વાત જ આપણે સ્વીકારી શકતાં નથી, એટલે જ તો જે રીતે દેશમાં આપણે ઊછરતી પ્રજા ઉપર જોહુકમી કરતા હતા તે રીતે જોહુકમી કરવા પ્રયત્ન કરીએ છીએ. સ્વતંત્રતાના આ દેશમાં એ જોહુકમી ચાલશે નહીં એવું મને આ ઊગતી પેઢી પાસેથી સ્પષ્ટ સંભળાય છે.
પેઢી પેઢી વચ્ચે સંઘર્ષ હોવા એ જગજૂની વાત છે પરંતુ આ સંઘર્ષમાં હું મુખ્યત્વે આપણો વાંક વધુ જોઉં છું. ઊગતી પેઢીની આવડત અને હોશિયારી જોઈને કોઈનુંય મન પ્રસન્ન થઈ જાય. વધુમાં, એમનામાં ઉદારતા, સહાનુભૂતિ, આદર્શ પ્રત્યેનું વલણ, પ્રેમ, મમતા વગેરે સદ્ગુણો પણ ભરપૂર દેખાય છે. એમના ભવિષ્ય માટે મને ચિંતા દેખાતી નથી. પુત્રનાં લક્ષણ પારણામાંથી એ આપણી કહેવત સાચી હોય તો આ પ્રજાનું ભવિષ્ય ઉજ્જ્વળ હશે એની મને ખાતરી છે. પરંતુ એની સાથે સાથે આપણી પેઢીનું સામાજિક અને કૌટુંબિક ભવિષ્ય અહીં કેવું હશે એની મને ચિંતા જરૂર રહે છે.
અહીં જે લખાયું છે તે બધાંને જ લાગુ પડે છે એવું કહેવાનો મારો કોઈ આશય નથી. ઘણાંય એવાં કુટુંબોને હું ઓળખું છું કે જેમાં માબાપ અને છોકરાંઓના સંબંધો સુંદર અને સુદૃઢ છે. છતાં દુર્ભાગ્યે એટલું તો જરૂર કહેવું પડે કે મોટેભાગે તો ઊગતી પેઢી સાથેનું આપણું વર્તન ચિંતાજનક છે. આર્થિક દૃષ્ટિએ ખૂબ જ કુશળ અને વ્યવહારુ આપણી પ્રજા, સામાજિક દૃષ્ટિએ સંકુચિત કેમ છે એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.