ઋણાનુબંધ/૨. વિદેશમાં ઝાંસીની રાણીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. વિદેશમાં ઝાંસીની રાણીઓ


સ્મૃતિકાર મનુએ કહ્યું છે: જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવો રમે છે. સ્ત્રીઓ ગૃહિણી બની બાળકો ઉછેરે તેના કારણે આપણા સમાજમાં કૌટુંબિક સ્થિરતા આવે છે. પુરુષ દારૂડિયો કે લફંગો બની ઘર છોડી ભાગી જાય ત્યારે સ્ત્રી વાસીદાં વાળીને બાળકોને મોટાં કરે છે. એટલે જ પિતા તરીકે પુરુષની નહીં પરંતુ માતા તરીકે સ્ત્રીની પ્રશંસા આપણાં શાસ્ત્રોમાં, કહેવતોમાં, દંતકથાઓ અને સાહિત્યમાં થતી રહી છે. પરંતુ આજે એ બધું પોથીમાંનાં રીંગણાં જેવું છે.

સ્ત્રીઓ પ્રત્યેનો આપણો વહેવાર હાથીના દાંત જેવો છે: ચાવવાના જુદા ને બતાવવાના જુદા. ગાંધીજીના સુધારાના પ્રયત્નો પછી મોટાં શહેરોમાં સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને પુરુષ સમોવડી બની. પરંતુ ગામડાંઓમાં અને નાનાં શહેરોમાં હજી તેનું સ્થાન બાળકો ઉછેરતી ગૃહિણીનું જ છે. ગૃહિણી ગૃહં ઉચ્યતે જેવું મીઠું મીઠું બોલીને આપણે સ્ત્રીઓને ઘરમાં પૂરી રાખી છે. પશ્ચિમ જેવી સ્ત્રી-પુરુષોની સમાનતા આપણે ત્યાં નથી.

હું જ્યારે જ્યારે સ્ત્રીઓની પરાધીનતાની વાત કરું છું ત્યારે ત્યારે સાંભળનાર ઝાંસીની રાણીથી માંડીને ઇન્દિરા ગાંધીના દાખલા આપે છે. એ દાખલા અપવાદ છે. આપણા સમાજમાં પુરુષ એકલો રહેતો હોય તેની કલ્પના થઈ શકે છે પણ સ્ત્રીની કલ્પના અન્ય પુરુષના સંબંધમાં જ થાય છે: મા, બહેન, પત્ની.

*

દીકરી પારકું ધન છે, એવું કણ્વ ઋષિના મોંએ કાલિદાસે કહેવડાવ્યું છે. દીકરી સાસરે જાય ત્યારે માબાપનો ભાર ઓછો થાય. દીકરી માથાભારે નીકળી કે પરણી ન શકી તો માબાપ માટે કાયમની ચિંતાનો વિષય બની રહે છે. પુરુષના અનુસંધાનમાં જ સ્ત્રીઓને જોવાની આપણી દૃષ્ટિના કારણે આપણી સ્ત્રી પુરુષ સમોવડી બની શકી નથી.

આપણાં લગ્નોમાં પતિ ધણી, સ્વામી કે નાથ ગણાય છે, પતિ-પત્નીની મૈત્રીને અવકાશ નથી. લગ્નજીવનના આરંભનું શારીરિક આકર્ષણ એની નવીનતા ઓસરે તે પછી ટકતું નથી. ભારતીય પતિ-પત્ની આંખમાં આંખ પરોવીને સામસામાં કલાકો સુધી વાતો કરે તેવું દૃશ્ય અહીં કે ભારતમાં વિરલ છે. આ બાબતને તે દંપતીનાં ભણતર, પૈસા, સામાજિક દરજ્જાની સાથે કોઈ સંબંધ નથી. અમેરિકા આવ્યા પછી પણ એ વાતમાં વધુ ફરક પડ્યો નથી.

*

ભારતથી અહીં આવતી આપણી સ્ત્રીઓ તેમની કુટુંબ, ઘરને સાચવીને જ આગળ પગલું ભરવાનો વિચાર કરે છે. ડૉક્ટર હોય, કમ્પ્યૂટર ટેક્નિશિયન હોય, ચાર ચોપડી ભણેલી હોય કે બી.કૉમ. હોય; સ્ત્રી માટે પતિ, બાળકો, કુટુંબ પહેલાં અને પછી તેમનું કેરિયર. આવી કુટુંબકેન્દ્રી દૃષ્ટિનો વારસો આપણી સ્ત્રીઓ દેશમાંથી સાથે બાંધી લાવી છે. પોતાની વ્યક્તિગત પ્રગતિ, પોતાના અંગત ગમા-અણગમાના વિચાર કરતા પહેલાં પોતાનું પગલું પતિ, બાળકો, કુટુંબને શી અસર કરશે તે વિચારે છે. અને એ કારણે અનેક કજોડાં નભ્યે જાય છે. છૂટાછેડા લે તો બાળકોનું શું થાય? સમાજ શું વિચારે? એના કરતાં બાળકોને સાચવીને બેસી રહો. જે છે તે ચલાવી લો. એમ મન મનાવી સંસાર ગબડાવ્યા કરે છે. આ રીતે કૌટુંબિક સ્થિરતા જળવાય છે, બાળકોનું ભલું થાય છે; પરંતુ સ્ત્રીની અંગત પ્રગતિ, અંગત પ્રતિભા રૂંધાય છે.

*

હું મારી આજુબાજુ અનેક કુશળ અને કુશાગ્ર સ્ત્રીઓને જોઉં છું જેમને છૂટી મૂકી હોય તો ક્યાંની ક્યાં પહોંચી જાય. પણ પતિ અને બાળકોના અનેક તારના તાંતણે બંધાયેલી સ્ત્રીઓ પોતાની આશાઓ અને અપેક્ષાઓને પાંગરવા દેતી નથી. તેમની મહત્ત્વાકાંક્ષાઓ ‘સુખી કુટુંબજીવન’ના યજ્ઞકુંડમાં હોમાતી હું દરરોજ જોઉં છું.

કુટુંબકેન્દ્રી મનોદશાના કારણે આપણી ભણેલી સ્ત્રીઓ પોતાના ભણતરનો ઉપયોગ ફક્ત કમાણી પૂરતો જ કરે છે. ભણતર તે બૌદ્ધિક વિકાસનું એક અગત્યનું વાહન છે, પોતાના ક્ષેત્રમાં અને જ્ઞાનવિજ્ઞાનના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવવાની એક ઉમદા તક છે, એવો વિચાર કે એવી પ્રવૃત્તિ આપણી સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. પોતાની ડિગ્રીથી સારા પગારવાળી નોકરી મળે, અને તે સારા પગારથી સારું ઘર, સ્વિમિંગ પુલ, અને મર્સીડીસ લઈ શકાય તેવી વાતો હું વારંવાર સાંભળું છું. પાર્ટીઓ, સમારંભોમાં આપણી સ્ત્રીઓ પાસેથી પોતાના ક્ષેત્રની આગવી પ્રવૃત્તિઓ કે પ્રગતિની, અથવા વર્તમાન રાજકીય-સાંસ્કૃતિક પ્રવાહોની વાતો જવલ્લે સંભળાય છે. કોણે મોટું હાઉસ લીધું, કોણે વર્લ્ડ ટૂર કરી, કોણે હીરાનો દાગીનો કરાવ્યો, કોણે પોતાની પચ્ચીસમી વેડિંગ એનિવર્સરી ધામધૂમથી ઊજવી — આવી વાતો સહજ સંભળાય છે. આપણને થાય કે આ બધી સ્ત્રીઓનું ભણતર ક્યાં ગયું?

*

આમાં અપવાદ પણ અવશ્ય છે. એવી સ્ત્રીઓને જોઈને, સાંભળીને આપણું હૈયું હરખાય. એમણે પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિઓનો સુગમ સમન્વય કર્યો છે. કેટલીક તો સાવ ન ભણેલી, ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલતી સ્ત્રીઓ પણ ભારતથી આવીને અહીંનું વાતાવરણ બ્લોટીંગ પેપરની જેમ ચૂસી લે છે; ખુમારીથી ફૅક્ટરીઓ, દુકાનો, ઑફિસોમાં કે સ્ટોર્સમાં નાનુંમોટું કામ કરે છે, તેમજ ઘરે જઈને છોકરાંઓને ગરમ રસોઈ જમાડે છે.

આ સ્ત્રીઓ અંગ્રેજી નથી આવડતું કહીને બેસી નથી રહેતી; તેમને દેશના બંધિયાર કૌટુંબિક વાતાવરણમાંથી મુક્તિ મળી છે, એ સ્વતંત્રતાનો તેમણે પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. અમેરિકન મોકળાશ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વગેરેથી એમને નવો અવતાર મળ્યો છે. હાથમાં પર્સ લઈ, હોઠ પર લિપસ્ટિક લગાડી, ફટ કરીને પોતાની ગાડીમાં બેસીને આ સ્ત્રીઓ દરરોજ કામે જાય છે. જેવું ને તેવું કામ હોંશેહોંશે કરે છે. વીકએન્ડની પાર્ટીઓમાં અમેરિકન વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓની વાત કરીને ખુલ્લા મને હસે છે. જાણે તેમણે આખા અમેરિકાને બાથમાં લઈને હચમચાવ્યું છે. પાંચ કે દસ વર્ષ પહેલાં કેનેડી એરપૉર્ટ પર ગભરાતી ગભરાતી ઊતરેલી આ ગભરુ સ્ત્રીઓ ન્યૂ જર્સી ટર્નપાઇક ઉપર ગાડીના કૅસેટપ્લેયર પર ફિલ્મી ગીતો સાંભળતી સાંભળતી પાણીના રેલાની જેમ સડસડાટ ગાડી ચલાવતી જોવા મળે છે. આ સ્ત્રીઓમાં કોઠાસૂઝ છે. વ્યવહારુ દૃષ્ટિ છે. પોતાનું સાચવી, સંભાળીને આગળ વધવાની તેમનામાં ધગશ છે. આ સ્ત્રીઓ આજની ઝાંસીની રાણીઓ છે.

સન ૧૯૬૦, ૧૯૭૦ના ગાળામાં આવેલી આપણી સ્ત્રીઓ માટે હવે પછીનો તેમનો પરદેશ-વસવાટ કટોકટીભર્યો હશે એવું મને લાગે છે. જે કૌટુંબિક ભાવના દ્વારા એમના અમેરિકન વસવાટના બબ્બે દાયકા એમણે ઉજ્જ્વળ કર્યા તે જ કૌટુંબિક ભાવના અનેક વિપરીત મુશ્કેલીઓનું કારણ બનશે.

આપણી ઘણી સ્ત્રીઓની ઇચ્છા એવી હોય છે કે એમના દીકરાની વહુ એમની સાથે રહે. અથવા દીકરો કે દીકરી કોઈ જાણીતા પાત્રને જ પરણે. પાંચ-સાત ગામના પટેલો, નાગરો, બ્રાહ્મણો, દેસાઈઓ, કપોળ, જૈન વગેરેનાં નોખાં નોખાં સંમેલનો થાય છે. આપણી સ્ત્રીઓ તેમાંથી કોઈ ભાંગ્યુંતૂટ્યું મીઠું મીઠું ગુજરાતી બોલતું પાત્ર મળે એવું ઇચ્છતી હોય છે. પણ અમેરિકામાં જન્મેલાં આપણાં સંતાનોના ચહેરા ભારતીય હોય છે, અને અંશેઅંશ અેમરિકન. તે સૌ પોતાની ઇચ્છાથી જ જીવનસાથી પસંદ કરશે, ભલે પછી તે પાંચ ગામનો પટેલ હોય કે જ્યૂઇશ છોકરો હોય. આપણી અનિચ્છા હોય તો એમની પસંદગીની આડે આવવું; કે દીકરો-વહુ પોતાની સાથે રહે એવો આગ્રહ રાખવો હવે આપણાં કુટુંબોમાં કંકાસનાં કારણ બની રહેશે. આપણી સ્ત્રીઓએ પોતે આપેલાં બલિદાન ભૂલી જઈને આ વાસ્તવિકતાનો કડવો ઘૂંટડો પીવો પડશે. આપણી ઘણી સ્ત્રીઓએ વ્યવહારુતા બતાવીને આ સ્વીકાર્યું છે. તે દાદને પાત્ર છે. જે સ્ત્રીઓ તે સ્વીકારી શકતી નથી એમની મુશ્કેલીઓનો કોઈ અંત નથી.

સન ૧૯૭૦ની આસપાસ વધુ ભારતીયો અહીં આવ્યા. એને લગભગ પચ્ચીસ વર્ષ થયાં. આ પચ્ચીસ વર્ષોમાં આપણી સ્ત્રીઓમાં અનેક સૂક્ષ્મ ફેરફાર થયા છે.

હજી બહેનો સાડી, સલવાર કુર્તા, ચાંદલો ને ઘરેણાં પહેરે છે, આપણી રસોઈ કરે છે, પરંતુ હવે વીકએન્ડની પાર્ટી-સમારંભોમાં ભારત પાછાં જઈ વસવાની વાતો બહુ સંભળાતી નથી. આપણી સ્ત્રીઓ સ્વીકારતી થઈ છે કે હવે આપણે અમેરિકામાં જ રહેવાનું છે. અહીં ઊછરેલાં સંતાનો આપણને હંમેશના અમેરિકન બનાવે છે. તે અમેરિકન જીવનસાથી પસંદ કરે ત્યારે જેસિકા પટેલ કે રૂપા સિલ્વરમેન જેવાં નામો સાંભળવાં મળે છે. દીકરો જેસિકાને પરણે કે દીકરી સિલ્વરમેનને વરે તે વાત આપણી સ્ત્રીઓ સ્વીકારતી થઈ તે એક મહાન ફેરફાર છે.

આપણી સ્ત્રીઓની કોઠાસૂઝ તેમને ખૂબ ઉપયોગી નીવડી છે. ગુજરાતનાં નાનાં ગામડાંમાંથી અમદાવાદ, ત્યાંથી મુંબઈ અને ત્યાંથી ન્યૂ યૉર્ક, શિકાગો, હ્યૂસ્ટન કે લૉસ ઍન્જલસ પહોંચતી આપણી સ્ત્રીઓની યાત્રા એમની ઉત્તરોત્તર પ્રગતિનો પુરાવો છે.