ઋણાનુબંધ/૨. ફિલાડેલ્ફિયા — મારી કર્મભૂમિ
મારી લગભગ આઠ દાયકાની લાંબી જિંદગી માત્ર બે જ શહેરોમાં જિવાઈ છે — મુંબઈ અને ફિલાડેલ્ફિયા. મારો જન્મ મુંબઈમાં અને ત્યાં મેં જિંદગીના પહેલા પચીસ વરસ ગાળ્યાં. ત્યાં હું ભણી. કૉલેજમાં પણ ત્યાં જ ગઈ. મનસુખલાલ ઝવેરી જેવા ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉત્તમ પ્રોફેસર પાસે ગુજરાતી કવિતા ભણી અને સુરેશ દલાલ જેવા સહાધ્યાયીઓ સાથે મેં ગુજરાતી કવિતા માણી. કૉલેજ પૂરી કર્યા પછી ભાઈની ઑફિસમાં થોડાં વરસ કામ પણ કર્યું.
મુંબઈનાં આ વરસો સુખ અને આનંદનાં હતાં, છતાં “અતિ પરિચાયાત અવજ્ઞા” એ ન્યાયે મારે મુંબઈ છોડવું હતું, દુનિયા જોવી હતી. ભાતભાતના લોકોને મળવું હતું. ૧૯૬૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં સૌ બહેનપણીઓને અમેરિકાનો મોટો મોહ હતો. એ નવી દુનિયા હતી. જ્હૉન કેનેડી ત્યારે જ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કેનેડી અને એની સોહામણી પત્ની જેકલાઇને આખી દુનિયા પર જાણે કે જાદુ નાખ્યો હતો. અમને થતું કે અમેરિકામાં ભણતો કોઈ ભારતીય રાજકુમાર આવીને અમને ઉપાડી જાય તો કેવું સારું!
મારું કાંઈક એવું જ થયું! મારા પતિ નિકુલ અમેરિકાથી દેશમાં પરણવા આવ્યા હતા. એક મિત્ર દ્વારા અમારી ઓળખાણ થઈ. થયું કે આ તો મારી અમેરિકા જવાની ટિકિટ છે. મારે આ તક ન ગુમાવવી જોઈએ. ઘરના લોકોની આનાકાની અવગણીને મેં તો ઝંપલાવ્યું. નિકુલ તો થોડા દિવસની રજા લઈને દેશમાં આવ્યા હતા, એમને પાછું જવાનું હતું. અમે ઝટપટ લગ્ન કર્યાં અને આમ હું અમેરિકા આવી. પહેલા ઊતર્યા ન્યૂયૉર્ક. એ શહેર જોઈને, અમે સીધા પહોંચ્યા ફિલાડેલ્ફિયા.
હું ફિલાડેલ્ફિયા પહોંચી ૧૯૬૦માં. આ લખું છું ૨૦૧૭માં. આ ૫૭ વરસનો મુંબઈ બહારનો મારો લાંબો વસવાટ ફિલાડેલ્ફિયામાં થયો છે. જેમ જેમ હું અહીં રહેતી ગઈ, લોકોને મળતી ઓળખતી થઈ, તેમ તેમ ફિલાડેલ્ફિયા મને ઘર જેવું લાગવા માંડ્યું. હા, શરૂઆતનાં વરસોમાં મુંબઈની, કુટુમ્બીજનોની યાદ જરૂર આવતી. દર વર્ષે ક્રિસમસની રજાઓમાં દોડીને મુંબઈ જતી પણ ખરી, પણ બેત્રણ અઠવાડિયે થાય કે ચાલો પાછા ઘરે જઈએ!
જે ઘરમાં અત્યારે રહું છું ત્યાં મને હવે પચાસ વરસ થવાં આવશે. આમ હું બહુ હરફરનું માણસ નથી. જ્યાં બેસું ત્યાં જ પછી ઠરીઠામ થઈ જાઉં. અમેરિકાનાં બીજાં શહેરોમાં બહુ ફરી છું, પણ ફિલાડેલ્ફિયા છોડવાની વાત ક્યારેય કરી નથી કારણ કે આ શહેરમાં, આ ઘરમાં મને જે શાતા મળી છે તે મને બીજે ક્યાંય નથી મળી. મારા અંધેરીના ઘરમાં પણ નહીં જ્યાં મેં જિંદગીના પહેલા અઢી દાયકા કાઢ્યા હતા.
૯૦૩૪ લાયકન્સ લેનના મારા આ ઘરમાં રવિશંકર આવીને રહ્યા છે, જ્યાં એમણે મારી રસોઈ હોંશે હોંશે ખાધી છે અને અરધી રાત સુધી સિતાર બજાવી છે, જ્યાં બીટલ જ્યૉર્જ હેરિસને પણ મારા હાથની શુદ્ધ શાકાહારી રસોઈ આંગળાં ચાટીચાટીને ખાધી છે, જ્યાં ઝાખિરહુસેને તબલાંની રમઝટ ઝમાવી છે, જ્યાં કૌમુદી મુનશી, લક્ષ્મીશંકર જેવાં અનેક ગાયકોએ એમના મધુર કંઠ રેલાવ્યા છે.
આ જ ઘરમાં ચંદ્રવદન મહેતા, મકરંદ દવે, નારાયણ દેસાઈ, મનસુખલાલ ઝવેરીથી માંડીને ઉત્પલ ભાયાણી, કાજલ ઓઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી, હિતેન આનંદપરા, મુકેશ જોશી, અને પ્રણવ પંડ્યા સુધીના અનેક સાહિત્યકારો આવીને રહ્યાં છે. જે ઘરને સુરેશ દલાલે પોતાનું અમેરિકાનું સરનામું આપીને નવાજ્યું છે, તે ઘરને મારાથી કેમ છોડાય?
જીવનની સંધ્યાએ નટવર ગાંધી સાથે મારો આત્મીય સંબંધ બંધાયો. એ વૉશિંગ્ટનના રહેવાસી. અમે ત્યાં એક નવું ઘર માંડ્યું, મનગમતી રીતે મેં એ સજાવ્યું, છતાં અઠવાડિયે-બે અઠવાડિયે હું ફિલાડેલ્ફિયાના ઘરમાં પગ મૂકું ત્યારે જ મને ટાઢક વળે. ગાંધી વૉશિંગ્ટનના જીવ. એ વૉશિંગ્ટન છોડે નહીં, અને હું ફિલાડેલ્ફિયા છોડું નહીં. હા, અમે વારંવાર એકબીજાંને જરૂર મળીએ. સાથે રહીએ. પણ હું હરીફરીને પાછી ફિલાડેલ્ફિયા પહોંચી જાઉં ત્યારે જ મને ધરપત થાય.
ફિલાડેલ્ફિયાનું મને આવું ગાંડું વળગણ કેમ?
નિકુલનું અને મારું કામ ફિલાડેલ્ફિયામાં. પેન્સિલવેનિયા રાજ્યનું એ સૌથી મોટું અને જાણીતું શહેર. દર વરસે અમેરિકા જોવા ફરવા આવતા દુનિયાભરના લાખો પ્રવાસીઓ તેમજ અમેરિકન નાગરિકો માટે ફિલાડેલ્ફિયા એક તીર્થધામ છે. એવું એનું ઐતિહાસિક મહત્ત્વ. શહેરને ખૂણે ખૂણે ઐતિહાસિક મૉન્યુમેન્ટ્સ જોવા મળે. અમેરિકાનાં અનેક નાનાંમોટાં શહેરોમાં માત્ર એક ફિલાડેલ્ફિયાની જ વર્લ્ડ હેરિટેજ સીટીઓમાં ગણતરી થાય છે.
અમેરિકાનાં રાજ્યો એક સંયુક્ત દેશ બન્યા તે પહેલાં પણ ફિલાડેલ્ફિયા એક અગત્યનું શહેર હતું. અમેરિકાનો એક દેશ તરીકેનો પ્રારંભ અહીંથી થયો. કહી શકાય કે એ અમેરિકાની જન્મભૂમિ છે. અહીં જ અમેરિકનોએ ૧૭૭૬માં એમના સ્વાતંત્ર્યનો ઢંઢેરો પીટ્યો અને અહીં જ એમણે ૧૭૮૭માં એમનું બંધારણ ઘડ્યું. શરૂઆતના દાયકામાં (૧૭૯૦-૧૮૦૦) ફિલાડેલ્ફિયા જ અમેરિકાની રાજધાની હતી.
અમેરિકાની અનેક સાંસ્કૃતિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનાં શ્રીગણેશ પણ અહીં ફિલાડેલ્ફિયામાં થયાં. અમેરિકાની પહેલી લાઇબ્રેરી, પહેલી બિઝનેસ સ્કૂલ, પહેલી મેડિકલ સ્કૂલ, પહેલી હૉસ્પિટલ, પહેલું ઝૂ, પહેલું સ્ટૉક એક્સચેન્જ — વગેરે અહીં ફિલાડેલ્ફિયામાં જ સ્થપાયાં. અહીંની અનેક જગપ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં દેશવિદેશથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા આવે છે. એમાંના કેટલાકને તો આ શહેરનું એવું ઘેલું લાગે છે કે એ પછી અહીં જ રહી જાય છે!
શહેરનું નૈસર્ગિક સૌંદર્ય પણ એટલું જ નોંધપાત્ર. વરસાદ પછી તો ખાસ. લીલોતરી જોઈને આંખ ભરાઈ જાય. અમારા ઘરને અડોઅડ જ રળિયામણો ફેરમોન્ટ પાર્ક છે. આખાયે એ શહેરને આવરી લેતા એ પાર્કની ગણતરી અમેરિકાના મોટા પાર્ક્સમાં થાય. હું તો ત્યાં દરરોજ ચાલવા જાઉં.
કુદરત જાણે શહેર ઉપર ઓવારી ગઈ હોય તેમ અહીં બે વિશાળ નદીઓ — સ્યૂલકીલ અને ડેલાવેર — અને અનેક નાનાંમોટાં ઝરણાંઓ પાણીથી હંમેશ છલોછલ ભરેલાં રહે છે. વધુમાં ઓછું હોય તેમ બાજુમાં આવેલા હજારથીય વધુ એકર્સમાં પથરાયેલા લોન્ગવુડ ગાર્ડનની વનશ્રી તો આ શહેરની અજાયબી છે. ત્યાં દુનિયા આખીના અનેક પ્રકારનાં ફૂલો જોવા મળે. વળી ઉનાળાના દિવસોમાં ત્યાં એના ભવ્ય ફુવારા સાથે સંગીતના સૂરોની છોળો ઊડે. અને મારી જેવી ગુલાબગાંડી સ્ત્રી માટે દર જૂન મહિનામાં ભરાતો અહીંનો રોઝ-શો તો મોટો ઉત્સવ બની રહે છે.
આ બધાંનું મને આકર્ષણ મોટું. પણ સૌથી મોટું વળગણ અહીંના ભલા લોકોનું.
ગ્રીક ફિલૉસૉફર્સનો એવો ખ્યાલ હતો કે કોઈ પણ શહેરના રહેવાસીઓ જ્યારે એકબીજા સાથે સંપ અને સંગઠનથી રહે અને એકબીજાનું ભલું ઇચ્છે અને ભલું કરે ત્યારે જ એ સાચા નાગરિક બને છે. આ દૃષ્ટિએ ફિલાડેલ્ફિયાની સ્થાપના કરનારા ક્વેકર લોકો કર્મકાંડો કરતા ધર્માચારમાં વધુ માનતા તે સાચા નાગરિકો હતા. એમના આ સદ્ભાવ અને સદાચારને કારણે જ ફિલાડેલ્ફિયા ભાઈચારાનું (City of Brotherly Love) શહેર ગણાય છે.
મારા ફિલાડેલ્ફિયાના લાંબા વસવાટમાં મને આવા બંધુત્વથી ઊભરાતા અનેક સજ્જનો મળ્યા છે, જેમના પ્રેમના તાંતણે હું અહીં બંધાઈ રહી છું. મારા સદ્ભાગ્યે અહીંની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં મને પહેલા ભણવાનું અને પછી ત્યાં જ કામ કરવાનું મળ્યું. એઝરા પાઉન્ડ, વિલિમય કાર્લોસ વિલિયમ્સ જેવા કવિઓ; વોરેન બફેટ જેવા ચતુર ધનાઢ્યો, નોમ ચોમ્સ્કી જેવા ભાષાશાસ્ત્રી; લુઈ કહાન જેવા આર્કિટેક્ટ — આવી જગપ્રસિદ્ધ વિભૂતિઓ જ્યાં ભણી હતી તે યુનિવર્સિટીમાં હું પણ વિદ્યાર્થી બની.
વધુ સદ્ભાગ્ય તો એ હતું કે નૉર્મન બ્રાઉન જેવા ખ્યાતનામ ઇન્ડૉલૉજિસ્ટના હાથ નીચે મને ભણવાનું મળ્યું, અને પછી તેમની સાથે કામ કરવાનું મળ્યું. એ ઉદારચરિત અને ઉમદા વિદ્યાપુરુષ અને એમના સંસ્કારી કુટુંબ સાથે અમારો ઘરોબો બંધાયો. આમ ફિલાડેલ્ફિયામાં જ સ્થાયી થવાનું એક અગત્યનું બહાનું મળ્યું.
યુનિવર્સિટીમાં કામ કરવાને કારણે અહીં આવતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે ઓળખાણ થઈ, એમાંના કેટલાકની સાથે તો જીવનભરની મૈત્રી બંધાઈ. દેશથી દસ હજાર માઈલ દૂર રહેતા અમારા જેવા માટે આ મિત્રો જ અમારાં સગાંવહાલાં. અરધી રાતે જરૂર પડતા આવીને ઊભા રહે તેવા આ મિત્રો અમેરિકામાં મને બીજે ક્યાં મળવાના છે?
યુનિવર્સિટીને કારણે અહીં વારંવાર કવિઓ, લેખકો, વિચારકો આવે. વિધવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો આપે. એક વાર જાણીતી અમેરિકન કવયિત્રી એન સેક્સટન અહીં આવેલી. હું ગઈ એને સાંભળવા. એની કવિતા અને કાવ્યપ્રક્રિયા વિશેની એની વાતો સાંભળીને હું છક્ક થઈ ગઈ. ઘરે આવીને મેં પહેલી કવિતા લખી. એ સમયે જે કલમ ઊપડી તે પછી મેં ક્યારેય પાછી મૂકી નથી. દેશમાં મેં કવિતાનો અભ્યાસ કર્યા છતાં ક્યારેય કવિતાનો ક ઘૂંટ્યો નહોતો, પણ આજે મારે ખાતે દસ કવિતાસંગ્રહો અને એક વાર્તાસંગ્રહ જમા છે એ આ ફિલાડેલ્ફિયાનો અને આ ઘરનો જ પ્રતાપ છે. જે શહેરે અને ઘરે મને કવિતાની અને વારતાની આવી ભેટ આપી તે બન્નેને મારાથી કેમ છોડાય?
ફિલાડેલ્ફિયાનું સોહામણું નામ તો મેં ઉમળકાથી મારા એક કાવ્યસંગ્રહને આપ્યું છે! આ શહેર મારી રગેરગમાં