ઋણાનુબંધ/૩. જીવનની સંધ્યાએ સૂર્યોદયનો ઉલ્લાસ!
પહેલી વાત એ કે આ લેખ સહિયારો શા માટે? આ લખીએ છીએ ત્યારે અમારામાં પન્ના નાયકની ઉંમર ૮૫ની છે, અને નટવર ગાંધીની ઉંમર ૭૮ની છે. અમારાં બન્નેની જીવનસંધ્યામાં અમારું જે કાંઈ સર્જનાત્મક કામ થાય છે, બલ્કે જે જીવન જિવાય છે તે અન્યોન્યના સહયોગથી જ થાય છે. દરરોજ સવારની ચા પીતાં પીતાં જેમ અમે પૂર્વાકાશે થતો સૂર્યોદય સાથે માણીએ છીએ, તેમજ અમે જીવનસંધ્યામાં પ્રગટેલો આ અણધાર્યો સૂર્યોદય પણ સાથે જીવીએ છીએ, માણીએ છીએ. અમે ક્યારેય કલ્પના કરી નહોતી કે અમને આ સૂર્યોદય મળશે. આ મોટી ઉંમરે અમારા વ્યક્તિગત જીવનમાં અમે તો પરવારીને બેઠેલાં હતાં. તેમાં અચાનક જ અમને સહજીવનની, સહયોગની, આ અદ્ભુત અને અનેરી તક મળી છે તે અમારા નસીબની બલિહારી છે.
ઊગતો સૂર્ય આવી રહેલા દિવસની આશા, આકાંક્ષા, અપેક્ષા સાથે આવે છે, નવું નવું કરવાની ધગશ લઈને આવે છે. આ વાત સાચી હોય તો પરવારી જવાની આ ઉંમરે અમને અનેક પ્રકારની આશા, આકાંક્ષા, અને અપેક્ષા કેમ હોઈ શકે? જીવન જીવવાની ધગશ કેમ હોઈ શકે? લોકો પૂછે છે: તમે બન્નેએ આ શું માંડ્યું છે? આ શું ભક્તિભજન કરવાનો સમય નથી? શું મંજિલનો અંત નથી આવ્યો? લગામ ઢીલી મૂકી વિસામો કરવાનો આ સમય નથી? આ બધા પ્રશ્નો અમને પણ થાય છે, છતાં મન માનતું નથી. અમારે કૂલે જાણે કે ભમરો ચોંટ્યો હોય એમ હજી પણ આ કરવું અને તે કરવું, અહીં ફરવું અને ત્યાં ફરવું, આને મળવું અને તેને મળવું, આ જોવું અને તે જોવું, એવી એવી કંઈક યોજનાઓ અમે ઘડીએ છીએ! Robert Frostની પેલી પંક્તિઓ અમને બરાબર લાગુ પડે છે:
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
અમને થાય છે કે જીવનસંધ્યાએ ખરેખર જ સૂર્યોદય થયો છે!
૧૯૫૭થી માંડીને છેક આજ સુધીનાં લગભગ ૬૦ વરસ અમે બન્ને સતત કંઈક ને કંઈક પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ કામ કરતાં રહ્યાં છીએ. અમેરિકામાં નિવૃત્તિની ઉંમર ૬૫ની ગણાય. નટવર ગાંધીએ જ્યારે નિવૃત્તિની વાત કરી ત્યારે તેમને ૭૩ વર્ષ થયાં હતાં. પન્ના નાયક ત્યારે પાંચેક વરસથી નિવૃત્ત થઈ ગયાં હતાં. અમે જ્યારે કામ કરતાં હતાં ત્યારે અમને મનગમતી વાંચન, લેખન, અને સાહિત્યની પ્રવૃત્તિ મુખ્યત્વે વીકેન્ડમાં જ થઈ શકતી. હવે તે અમારે ફૂલ ટાઇમ કરવી હતી.
ગાંધીની નિવૃત્તિ લેવાનું મુખ્ય કારણ હતું: પન્ના નાયક! ગાંધીનાં પત્ની નલિનીના મૃત્યુને પાંચ વરસ થવા આવ્યાં હતાં. પન્નાના પતિ નિકુલનું અવસાન થયે સાતેક વરસ થયાં હતાં. પન્ના ગુજરાતી સાહિત્યની એક પ્રતિષ્ઠિત કવયિત્રી. એનું ઘર એ ફિલાડેલ્ફિયાનું સંસ્કૃતિધામ હતું. રવિશંકરથી માંડીને અનેક કલાકારો, સાહિત્યકારો, દેશના અગ્રણીઓ એના ઘરે આવતા. ૧૯૭૯માં પન્ના અને નિકુલ ગુજરાતી કવિ સુરેશ દલાલને લઈને વૉશિંગ્ટન આવેલા. વૉશિંગ્ટનના કેટલાક સાહિત્યરસિક મિત્રોએ એમના કાવ્યવાચનનો કાર્યક્રમ રાખેલો. અન્યોન્યનો એ પહેલો પરિચય. પછી તો સુરેશ દલાલના સૂચનને અનુસરી ઈસ્ટ કોસ્ટ પર વસતા કેટલાક મિત્રોએ ગુજરાતી લિટરરી અકાદમીની સ્થાપના કરી. એમાં પન્ના મુખ્ય. એ એની એક વાર પ્રમુખ પણ થઈ હતી. ગાંધી પણ એમાં જોડાયા. અકાદમીની મિટિંગો અને કાર્યક્રમોને કારણે ગાંધી અને નલિની ઘણી વાર ફિલાડેલ્ફિયા આવતા. આમ એમની કૌટુંબિક મૈત્રી બંધાઈ તે લાંબો સમય ચાલી.
અમે બન્નેએ લાંબું લગ્નજીવન ભોગવેલું: પન્નાનું નિકુલ સાથે ૫૦ વરસનું અને ગાંધીનું નલિની સાથે ૪૭ વરસનું. આવા સુદીર્ઘ સહવાસ પછી જીવનસાથીના નિધને અમને એકલવાયાં કરી મૂક્યાં. અમને બન્નેને એ એકલતા વસમી લાગી. ૨૦૧૩માં અમે અમારું બાકીનું જીવન સાથે ગાળવાનું નક્કી કર્યું. દેશમાં આ વાત છાપે ચડી. એક બાજુથી એવો પ્રતિભાવ આવ્યો કે જતી જિંદગીએ આ તમે શું આદર્યું? મોટી ઉંમરે આ તમને શું સૂઝ્યું? ગાંધીને લોકો કહે, “તમે તો હવે દાદા થયા છો. સંતાનોને ઘેર સંતાનો થયાં છે. તમારાથી આવું થાય?” પન્નાને કહેવાયું કે “તમે એક ભવમાં બે ભવ કરો છો. તમને એ ન શોભે. ગાંધીને તો મોટી ઉંમરના દીકરો અને દીકરી અને એમને ઘરે પણ દીકરા અને દીકરીઓ છે. તમે ગાંધીના બહોળા કુટુંબમાં કેવી રીતે ફિટ થશો, કેવી રીતે ગોઠવાશો?”
બીજી બાજુએ એમ કહેવાયું કે “તમે તો આ નવી કેડી શરૂ કરો છો. આપણે ત્યાં વિધુર અને ખાસ કરીને વિધવાઓથી પુનર્લગ્નનો વિચાર જ ન થાય, ત્યાં તમે નવો દાખલો બેસાડો છે અને તે પણ આ ઉંમરે તે બીજા લોકોને માર્ગદર્શક બની રહેશે.” આટલું ઓછું હતું તો અમારી ઉંમર વચ્ચે જે તફાવત હતો તે પણ ચર્ચાનો એક વિષય બની ગયો. એ સમયે પન્નાની ઉંમર ૮૦ની અને ગાંધીની ૭૩ની. આપણે ત્યાં સંબધોમાં કાં તો સ્ત્રીપુરુષ સમવયસ્ક હોય, અથવા પુરુષ ઉંમરમાં મોટો હોય. અમારી બાબતમાં ઊંધું થયું. આ બધાં વિશે દેશમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમનો જવાબ સ્પષ્ટ હતો: “લોકોને જે માનવું હોય તે માને, અને કહેવું હોય તે કહે, I don’t give a damn!” અગત્યની વાત એ હતી કે જિંદગીમાં જે કાંઈ થોડાં વર્ષો બાકી રહયા છે તે અમારે એકબીજા સાથે ગાળવાં હતાં. અમારે સાહિત્યનું સહિયારું કામ કરવું હતું, દુનિયા ભમવી હતી.
સીએફઓ(ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર)ની અગત્યની જોબમાંથી ગાંધી જ્યારે રિટાયર થયા ત્યારે શું કરવું અને ખાસ તો શું ન કરવું તેનો તેમને સ્પષ્ટ ખ્યાલ હતો. સામાન્ય રીતે સીએફઓ જેવી ઉચ્ચ કક્ષાની પોઝિશનમાંથી નિવૃત્ત થયા પછી કન્સલ્ટિંગ કરવાની તક બહુ મળે. તમારા ક્ષેત્રમાં હોશિયાર છો, વધુ જાણકાર છો, અને એ બાબતમાં મદદ કરી શકશો એ બહાને અમેરિકાની કન્સલ્ટિંગ કંપનીઓ તમને હાયર કરે. પણ મૂળ આશય તો તમારી લાગવગ અને ઓળખાણથી તમે જ્યાં કામ કર્યું હોય ત્યાં એમને મોટા કૉન્ટ્રેક્ટ અપાવશો એ હોય છે. એમણે નક્કી કર્યું હતું કે એવી વેશ્યાગીરીનું કામ એ નહીં કરે.
એવામાં વૉશિંગ્ટનની જ્યોર્જટાઉન યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાંથી એમને કોલ આવ્યો કે તમે અમારે ત્યાં બે વરસ માટે Distinguished Policy Fellow તરીકે આવો. ગાંધીએ યુનિવર્સિટીવાળાઓને શરત મૂકી કે “હું ભણાવીશ નહીં.” યુનિવર્સિટીના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના હેડ એમને કહે કે “તમારે ભણાવાની જરૂર નથી. ક્યારેક ક્યારેક મ્યુનિસિપલ ફાઇનાન્સ વિશે લેકચર આપજો, તમારા ડિસ્ટ્રિક્ટના અનુભવ વિશે વિદ્યાર્થીઓ સાથે વાતો કરજો, અમને જરૂર પડે સલાહસૂચનાઓ આપજો.” આમ બે વરસની એ અપૉઇન્ટમેન્ટ એમણે લીધી.
બીજી પ્રોફેશનલ પ્રવૃત્તિમાં ગાંધી વર્લ્ડ બૅન્ક સાથે કન્સલ્ટિંગ કરે છે. એ જ્યારે ડિસ્ટ્રિક્ટના સીએફઓ હતા ત્યારે ઘણી વાર બૅન્કના અધિકારીઓ એમને ડિસ્ટ્રિક્ટના અનુભવો વિશે પ્રવચન આપવા બોલાવતા. આફ્રિકા અને એશિયાના દેશો માટે ડિસ્ટ્રિક્ટ જે રીતે કથળેલી નાણાકીય પરિસ્થિતિમાંથી ઊગરીને રીતે સધ્ધર થયું તે એક અનુકરણીય દાખલો હતો. દેશ ગરીબ હોય કે સમૃદ્ધ, પણ જો પ્રાથમિક નાણાકીય જવાબદારીની અવગણના થાય તો દેવાળું કાઢવા સુધી જવું પડે એ સમજાવવા માટે ડિસ્ટ્રિક્ટ એક જીવતોજાગતો દાખલો હતો. બૅન્કના અધિકારીઓએ એમને વિનંતી કરી કે હવે જો નિવૃત્ત થયા છો તો ડિસ્ટ્રિક્ટના આ નાણાકીય ઉદ્ધારની વાતો કરવા પરદેશ જાઓ ખરા? એમણે ખુશીથી હા પાડી. આમ બૅન્કના આશ્રયે દક્ષિણ કોરિયા, જૉર્ડન, ટર્કી, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇથિઓપિયા વગેરે દેશોનો એમણે પ્રવાસ કર્યો છે. પન્નાને અનુકૂળતા પડે અને ગમે તો એ પણ ગાંધી સાથે દુનિયા ભમવાની આ તક લે છે.
ગાંધી નિવૃત્ત થયા પહેલાં વૉશિંગ્ટનના ચીફ ફાઇનાન્સિઅલ ઑફિસર(સીએફઓ)નો અગત્યનો હોદ્દો ધરાવતા હોવાથી અહીંની સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવા અમને અનેક આમંત્રણ મળે છે. વધુમાં તે અહીંની પ્રખ્યાત શેક્સ્પિયર અને અરીના સ્ટેજ થિયેટર કંપનીઓના બોર્ડ મેમ્બર હોવાથી અમને નવાં ભજવાતાં નાટકના પ્રથમ શો અને ડિનરનું આમંત્રણ હોય જ તેથી એ બધી પ્રવૃત્તિઓમાં પણ અમે હોંશે હોંશે ભાગ લઈએ છીએ. ગાંધી વૉશિંગ્ટનની વિખ્યાત મેટ્રોપોલિટન ક્લબના મેમ્બર હોવાથી ત્યાં થતા અનેક કાર્યક્રમોમાં પણ અમે જઈએ છીએ. વધુમાં આ પ્રવૃત્તિઓને કારણે વૉશિંગ્ટનની સાંસ્કૃતિક દુનિયાના અગ્રણીઓનો અમને પરિચય થાય. અમારી આ બધી પ્રવૃત્તિઓ અન્યોન્યના સહકારથી અને સાન્નિધ્યમાં જ થાય છે.
છેલ્લાં પચાસ વરસોથી પન્ના અમેરિકાના ફિલાડેલ્ફિયા નામના શહેરમાં રહે છે, અને ગાંધી છેલ્લા ચાલીસેક વરસથી વૉશિંગ્ટનમાં રહે છે. આ બે શહેરો વચ્ચે લગભગ દોઢસો માઈલનું અંતર. લોકો પન્નાને વારંવાર પૂછે છે: “શું તમે વૉશિંગ્ટન મુવ થઈ ગયા કે ગાંધી હવે ફિલાડેલ્ફિયા રહેવા આવવાના છે?” હું ને ગાંધી હજી જ્યાં રહેતાં હતાં ત્યાં જ છીએ. અને છતાં અમે એકબીજાની સાથે જ છીએ.
પાંચ વરસના અમારા અમારી ઢબના સહજીવનનો સરવાળો શું છે? એક જ વાક્યમાં મારે જો કહેવાનું હોય તો કહી શકાય કે સાહિત્ય, સંગીત, કળા, અને પ્રવાસથી સભર અમારાં આ વરસો ક્યાં ગયાં તેની ખબર જ નથી પડી. અમે બન્ને નિવૃત્ત છીએ એટલે અમારી પાસે એકબીજા સાથે રહેવાનો અને એકબીજાને માણવાનો ઘણો સમય મળે છે. ભગવાનની કૃપાથી અમે બન્ને સંપન્ન છીએ જેથી વેકેશનમાં બહારગામ જવાનું સહેલાઈથી શક્ય બને છે. દિવાળીની રજાઓમાં વળી અમે મોટે ભાગે દેશમાં જઈએ. અમને બન્નેને ક્રૂઝ લેવાનું બહુ ગમે છે તેથી ક્રૂઝ લઈએ છીએ. આમ દેશ-પરદેશના પ્રવાસો કરીએ છીએ અને અનેક મિત્રોને હળીએમળીએ છીએ.
આ ઉપરાંત અમારી બન્નેની કાવ્યપ્રવૃત્તિઓ તો ચાલુ છે જ. ગાંધીના ત્રણ કાવ્યસંગ્રહોમાંથી ચૂંટાયેલાં અને નવાં કાવ્યોનો એક નવો સંગ્રહ ૨૦૧૫માં પબ્લિશ થયો છે તો પન્નાની ચૂંટાયેલી કવિતાઓનો દિલીપ ચિત્રેએ કરેલા અનુવાદનું નવું પુસ્તક ‘બહિષ્કાર’ મરાઠીમાં પબ્લિશ થયું છે. વધુમાં એમની કેટલીક ચૂંટેલી કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ કરીને એક પુસ્તક પણ તૈયાર થયું છે. ૨૦૧૭માં પન્નાની સંકલિત કવિતા ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ એમ બે વૉલ્યૂમમાં પ્રગટ થઈ તો સાથે સાથે ગાંધીની આત્મકથા, એક અજાણ્યા ગાંધીની આત્મકથા, પણ પબ્લિશ થઈ. આમ અનેક સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસોથી સભર અમે અમારું સહજીવન, કહો કે અમારો જીવનસંધ્યાએ પ્રગટેલો સૂર્યોદય માણીએ છીએ.
પ્રસન્ન દામ્પત્યની અમે જે વ્યક્તિગત કલ્પના વર્ષો સુધી કરેલી તે સ્વપ્ન આજે મોડે મોડે પણ સાકાર થયું છે તે માટે અમે ભગવાનનો મોટો પાડ માનીએ છીએ. આનો અર્થ એ નથી કે અમારાં બન્ને વચ્ચે મતભેદ નથી અને જીવનના બધા રાગો એક સૂરે જ ગવાય છે. અમારી વિચિત્રતાઓ અમને એકબીજાને નડે જ છે, પણ એ બાબતમાં અમે ઝઘડાઓ કરીને એકબીજાનું મનદુઃખ કરવાને બદલે વાતો કરીને એકબીજાને સમજવા પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી અમારું આ ઓપેન કોમ્યુનિકેશન રહેશે ત્યાં સુધી અમારા આ સહજીવનનું ભાવિ ઊજળું દેખાય છે.
બાકી તો કાલની કોને ખબર છે? અમે તો પ્રભુને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારાં બાકીનાં જે થોડાં વરસો રહ્યાં છે તે આવી રીતે અમને એકબીજાને સાથે જીવવા દે. અમારી બન્નેની જિંદગી જે મોડે મોડે પણ ધન્ય થઈ છે તે ચાલુ રહે. બાકી તો અમારો સમય પાકે ત્યારે તો ઈશ્વર એની પાસે અમને સાથે લઈ લે, એટલી જ પ્રાર્થના!