ઋણાનુબંધ/૩. સારે જહાંસે અચ્છા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. સારે જહાંસે અચ્છા


આપણી આઝાદીને હવે પચાસ વર્ષ પૂરાં થવા આવે છે. આ અડધી સદીનું સરવૈયું કેવી રીતે કાઢવું? સરવૈયું, હિસાબ, બે રીતે કાઢી શકાય.

એક તો આપણે આપણી આજુબાજુ નજર કરીએ અને આપણા પડોશી દેશો જે લગભગ આપણી સાથે જ આઝાદ થયા હતા તેની સરખામણી કરીએ અને જોઈએ કે એ ક્યાં સુધી આવ્યા અને આપણે ક્યાં સુધી આવ્યા.

બીજી રીત એ કે આઝાદ થયા ત્યારે આપણે સ્વરાજ્યની જે કલ્પના કરેલી તે આજે વાસ્તવિક બની છે કે નહીં.

અને ત્રીજી પણ એક રીત છે, આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે પચાસ વર્ષ પહેલાં આપણે ક્યાં હતા અને આજે આપણે ક્યાં છીએ. આમાં કોઈની સાથે સરખામણી નથી પણ ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા તેની ગણતરી કરવાની છે.

આ છેલ્લી દૃષ્ટિએ જોઈએ તો આપણે આર્થિક, રાજકીય અને સામાજિક રીતે ઘણી પ્રગતિ કરી છે. આજે દેશમાંથી ભૂખમરો કે દુકાળ નાબૂદ થઈ ગયા છે. એક જમાનામાં આપણો ખેડૂત ચાતકની જેમ વરસાદની રાહ જોતો. એ વરસાદ ન થયો તો ભૂખમરો ચોક્કસ સમજવો. છપ્પનિયા દુકાળ પર તો આપણા ગુજરાતી સાહિત્યમાં એક મહાન નવલકથા — માનવીની ભવાઈ — લખાઈ છે. આજે આઝાદીનાં પચાસ વર્ષ પછી એવો ભૂખમરો છે એવું ક્યાંય સંભળાતું નથી. વરસાદ આવે કે ન આવે, દેશને ખૂણે ખૂણે પાણી કે અન્નની અછત હોય ત્યાં તે પહોંચાડાય છે.

આપણી લગભગ એક બિલિયન (૧.૦૦ કરોડ) સુધી પહોંચવા આવેલી વસ્તીને અત્યંત સામાન્ય જીવનધોરણની વસ્તુઓ પહોંચાડવી એ એક મહાન સિદ્ધિ છે. આજે સાંજ પડ્યે ગામડાંઓ અંધકાર ઓઢીને સૂઈ જતાં નથી. ઇલેક્ટ્રિસિટી, ટીવી ગામેગામ પહોંચ્યાં છે. રેલવે, બસ, ઑટોરિક્ષા અને પ્લેનથી દેશના એક ખૂણેથી બીજા ખૂણે જઈ શકાય છે. સૅટેલાઇટના કારણે હવે ટેલિફોન અને ફેક્સ પણ સરળ બન્યાં છે. ગામેગામ એની વ્યવસ્થા છે. આમ, દેશના જુદા જુદા ભાગ એકબીજા સાથે સંકળાયા છે. કમ્યૂનિકેશનની આ આગવી ક્રાન્તિ ગણાય. કેબલ ટીવીના કારણે ત્યાં પણ હવે નાનાંમોટાં ગામોમાં બધે સીએનએન, બીબીસી તો ખરાં જ, ઓપ્રા વિનફ્રી અને બે-વોચ પણ લોકો રસથી જુએ છે.

દેશમાં ઔદ્યોગિક અર્થકારણનું એક માળખું તૈયાર થઈ ગયું છે. એને માટે પાયાના જે ઉદ્યોગો જોઈએ એ બધા સાબૂત થઈ ગયા છે. તે ઉપરાંત ટેક્નૉલોજી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પ્રવીણ ઇજનેરો આપણી પાસે તૈયાર છે. આવો આખોય મધ્યમ વર્ગ, જે કોઈ પણ દેશની આર્થિક પ્રગતિ માટે અનિવાર્ય છે, તે આપણે તૈયાર કર્યો છે. અને તે વર્ગ કાંઈ નાનોસૂનો નથી. લગભગ આખા અમેરિકાની વસતી જેટલો છે. મેડિકલ, ટેક્નિકલ, એન્જિનિયરિંગ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને બીજા ઉચ્ચ શિક્ષણમાં આપણે જે મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એનું આ પરિણામ છે.

આ મધ્યમ વર્ગના કારણે અને મુખ્યત્વે શરૂઆતમાં મળેલા મહાન નેતાઓના કારણે દેશમાં રાજ્યતંત્રનું માળખું અને ફ્રી પ્રેસ, મતાધિકાર, અને સ્વતંત્ર જ્યુડિશિયરી વગેરે લક્ષણોથી બનેલી લોકશાહી જળવાઈ રહ્યાં છે. આપણી સાથે જ સ્વતંત્ર થયેલા પાકિસ્તાનના રાજકારણની અંધાધૂંધી જોઈએ છીએ ત્યારે તેની સરખામણીમાં આપણો દેશ અને તેની રાજ્યવ્યવસ્થા ખૂબ સાબૂત લાગે છે. તે ઉપરાંત આવી વિધ વિધ પ્રજા, આવડી મોટી વસ્તી અને ભાષાઓ, અને રીતરિવાજો છતાં એક રાષ્ટ્ર તરીકે, એક લોકશાહી રાજ્યતંત્ર તરીકે આપણો દેશ જળવાઈ રહ્યો છે. તે મારી દૃષ્ટિએ એક મહાન સિદ્ધિ છે.

આ બધું હોવા છતાં, દેશથી પાછા આવતા કોઈ એન.આર.આઈ.ની સાથે વાત કરીએ તો તરત જ ગરીબી, ગંદકી, ગિરદી, ગંધાતી હવા અને ગંદા રાજકારણીઓની જ વાત સંભળાય છે. મારી દૃષ્ટિએ આમાં આપણે દેશને અન્યાય કરીએ છીએ. એક તો આપણે પશ્ચિમના અમેરિકા, કેનેડા કે ઇંગ્લૅન્ડ જેવા અત્યંત વિકસિત દેશો સાથે સરખામણી કરીએ છીએ. આ સરખામણી અયોગ્ય છે. અમેરિકાનો દાખલો લઈએ તો એની પાસે ઓછી વસ્તી છે, અને કુદરતી સંપત્તિ તો છે જ. પણ મુખ્ય વાત એ છે કે એને છેલ્લાં અઢીસો વર્ષ મળ્યાં પ્રગતિનાં અને આપણને હજી પચાસ જ. વધુમાં, જ્યાં તંગી હોય ત્યાં લાંચરુશ્વતના નાનામોટા પ્રશ્નો રહેવાના જ. એનો અર્થ એવો નથી કે આપણે ત્યાં લોકો વધુ ચોર છે અને અહીં નથી. અમેરિકા જેવો સમૃદ્ધ દેશ કે જેમના સંજોગો અને ઇતિહાસ સર્વથા જુદા છે, તેની સાથે આપણા દેશની સરખામણી કરવી અયોગ્ય છે.

છતાં, દેશની રાજકીય પરિસ્થિતિ વિશે—લાંચરુશ્વત અને ગંદા રાજકારણ વિશે—દેશમાં પણ આપણને ફરિયાદ, ફરિયાદ, ફરિયાદ જ સાંભળવા મળે છે. આ બાબતમાં આપણો માપદંડ બરાબર નથી. આઝાદી પછી તરત આપણને ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, રાજાજી જેવા મહાન અને નિઃસ્વાર્થ નેતાઓ મળ્યા. જેમણે દેશ અને પ્રજાની ઉન્નતિ માટે પોતાના જીવનનું અને કુટુંબનું બલિદાન આપી તન, મન અને ધનથી સેવા કરી. આ મહાન પેઢીના સમર્થ માણસો આપણા દેશના પ્રધાનપદે, રાજ્યપદે, ગવર્નરપદે અથવા તો યુનિવર્સિટીઓમાં કાર્યરત હતા. એ જગ્યાએ આજે સાવ સામાન્ય માણસો બેઠેલા છે. જેમને માટે પ્રધાનપદ તો પૈસા બનાવવાનું એક સાધન છે.

દેશના મોટી ઉંમરના લોકો કે જેમણે સ્વરાજ્યમાં રામરાજ્યની કલ્પના કરી હતી એ આજના રાજ્યતંત્રમાં મોટો ભ્રષ્ટાચાર જુએ છે ત્યારે એને થાય છે કે આપણે શું કરી બેઠા છીએ? કવિ ઉમાશંકરે કહ્યું તેમ સપનાને સળગવું હોય તો બધી તૈયારી આપણી પાસે છે. મારી દૃષ્ટિએ કવિની વાત સાચી તો છે. પણ અસ્થાને છે. જેમ આ દેશમાં વૉશિંગ્ટન, જેફરસન જેવા ફાઉન્ડિંગ ફાધર્સ — આદ્યપિતાઓ — કે લિંકન અને રૂઝવેલ્ટ જેવા નેતાઓ સાથે વૉશિંગ્ટન ડી.સી.ના આજના નેતાઓની સરખામણી કરવી અયોગ્ય છે તેમ ગાંધીજી, નહેરુ કે સરદાર પટેલ સાથે નરસિંહ રાવ કે દેવે ગોવડાની સરખામણી ન થઈ શકે.

પણ અત્યારના ભ્રષ્ટાચારમાં પણ જ્યાં સુધી ફ્રી પ્રેસ છે, મતાધિકાર છે, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી છે, ત્યાં સુધી દેશના ભવિષ્યમાં મને તો આશા દેખાય છે. કારણ કે આ બધા લોકશાહીનાં ઉદ્ધારક લક્ષણો છે. ફ્રી પ્રેસથી ભ્રષ્ટાચારી રાજકારણીઓ છતા થયા છે. મતાધિકારથી તેમને ગાદી પરથી હટાવાયા છે. અને ઇન્ડિપેન્ડેન્ટ જ્યુડિશિયરીથી મોડો મોડો પણ ન્યાય મળે છે. અને ઇન્દિરા ગાંધી જેવી શક્તિશાળી વ્યક્તિને જેલમાં મૂકી શકાય છે. બહુ જ ઓછા દેશોમાં આ શક્ય છે. ખાસ કરીને જ્યારે આપણને આઝાદીનાં પચાસ જ વર્ષ થયાં છે, દેશ મોટો છે, તેની પ્રજા વિધ વિધ છે, અને ઇતિહાસ ભાગલાઓથી અને ભાંજગડોથી જ ભરાયેલો છે. આપણે માત્ર ધીરજ રાખવી ઘટે.