એકતારો/અનાદર પામેલી લેખિનીનો પત્ર
[બંગાળી માસિકોની ઊભી ને ઊભી રહેતી કાવ્યોની માગણીએ કવિવર રવીન્દ્રનાથને લાચાર બનાવ્યા છે. વૈશાખના વિચિત્રા–અંકને કવિ એક કાવ્ય મોકલે છે, તેનો આ અનુવાદ છે. તેમાં કાલિદાસ 'મેઘદૂત'માં યક્ષને જે સ્થાન આપ્યું તેવું હાસ્યરસિક સ્થાન કવિવર 'કાલિદાસી’ અર્થાત કલમને આપે છે.]
સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે,
અંદરથી લખવાની તાકીદ એક નથી રે!
ગદ્યપદ્યનું મૌન હૃદયની મધ્ય જડાયું,
ગણગણ કરતાં જાય દિવસ ને ખૂટે આયુ.
ટાઢ તાપમાં ખેતર સામે તાકી બેસું,
સૂઝે નવ કો શબ્દ, ભર્યું ભેજામાં ભૂસું. ૧.
ડેસ્ક પરે એ પડી બાપડી બડી વિજોગણ,
હોત કદી જો કવિ–કાષ્ઠની એ મુજ લેખણ,
વિરહોર્મિ નિજ પદ્ય મહીં વહવીને લાવત,
પ્રિયાવિયોગી યક્ષ સમું આ ગાન સુણાવતઃ ૨.
સુણો કવિ ફરિયાદ, ત્વરિત તમ જવાબ દેજો,
ચંપા સમ તમ આંગળીઓને વંદન કહેજો,
જે લેખણ તમ હસ્તસ્પર્શથી જીવન પામી,
અચલકૂટના દેશવટા એ શે સહેવાની!
ગાત્ર ગયાં મુજ ગળી, બંધ મસીપાન થયાં છે,
સજા વ્યર્થતા તણી કઠિન આ ક્યમ ખેંચાશે! ૩.
સ્વાધિકારને મદ ચડિયો મુજને કદિ પેખ્યો?
બોર સમો તમ બોલ એક મેં કદી ઉવેખ્યો?
કાગળ પર અક્ષરો ઝરે તને ઉરની ભાષા,
હરદમ એ વિણ હતી કોઈ મુજને અભિલાષા?
નીલકંઠ હું બની, તમારી ખિદમત કાજે,
નીલ શાહીનું ગરલ પીપી મુજ કંઠ જલે છે. ૪.
તમ કિર્તિના પથે ખેંચતી અગણિત રેખા
એક પુસ્તકે તોય ન મમ નામાક્ષર દેખાયા;
તમ હસ્તાક્ષર થકી બન્યો મોંઘેરો કાગળ,
પુરસ્કાર વિણ રહી એકલી હું જ અભાગણ.
કાગળનું મહાભાગ્ય, મેજ પર સૂતા રહેવું!
ડાબી જમણી દોડદોડ કરી મારે મરવું.
લખ્યું તમારૂં સર્વ અને તમ નામ તણો જશ
જાય દુષ્ટ કાગળને; મુજને સદાય અપજશ. ૫.
કીર્તિહીન ખિદમત કરી કરી મુજ અંગો ગળશે,
શાપવિસર્જન તણો કાળ તે દિવસે મળશે.
કવિજી! તમ વાચાળપણાનો ક્યાંય ન જોટો,
અનુસરી તમને લખ્યો પત્ર આ લાંબો મોટો.
ખતમ થઈ ફરિયાદ માહરી, રજા લઉ છું,
સદા આપના ચરણ તણી કાલિદાસી છું. ૬.