એકતારો/સાહિત્યની બારમાસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યની બારમાસી


સખી! કારતકે કવિતાની ઝડીઓ રે,
જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે,
કવિની પત્ની ફેંકી દેતી ખડીએ;
રઘુપતિ રામ રુદેમાં રે'જો રે. ૧.

સખી! માગશરે મોંઘા છે કાગળ રે,
પૈસા ન મળે પ્રકાશક આગળ રે,
તો યે ચલવ્યું છે ધાકડે ધાકડ;
—રઘુપતિ રામ૦ ર.

સખી! પોષે પસ્તીના તોલે રે,
મારાં પુસ્તકના ભાવ બોલે રે,
બૂકસેલરો કાળજાં ઠોલે;
—રઘુપતિ રામ૦ ૩.

સખી! માઘે પોતા કેરાં પડઘમ રે,
ગજવીશું માસિક કાઢી ધમધમ રે,
જાણું જાહેરખબરોનો મર્મ;
—રઘુપતિ રામo ૪.

સખી! ફાગણે ફાવટ ના'વી રે,
રૂપાન્તર કે ભાષાન્તરની ચાવી રે,
તરજૂમાની મોસમ આવી;
—રઘુપતિ રામ૦ પ.

સખી! ચૈતરે ચિત્ર કઢાવો રે,
કનુભાઈ કને દોડ્યા જાઓ રે,
હવે એની એ તાણે રેખાઓ;
—રઘુપતિ રામ૦ ૬.

સખી! દાવ બળે વૈશાખી રે,
પાઠ્યપુસ્તકની રત પાકી રે;
યુનીવર્સિટી કૈકની કાકી;
—રઘુપતિ રામ૦ ૭.

સખી! જેઠ જનાબ બુખારી રે!
દેશો રેડીઓ ઉપર વારી રે,
અર્થઘન છે કવિતાઓ મારી;
—રઘુપતિ રામ૦ ૮.

સખી! આષાઢમાં અનુવાદો રે,
મુવા શરદબાબુ, નથી વાંધો રે,
ભાષા–ભાવની ખીચડી રાંધો;
—રઘુપતિ રામ૦

સખી! શ્રાવણે બાલસાહિત્યે રે,
બાંડી બોબડી ભાષાની ભીંત્યે રે,
ફેંકો લોંદા ફાવે તેવી રીત્યે;
—રઘુપતિ રામ૦ ૧૦.

સખી! ભાદરવે ભય ટળિયા રે,
એઠા જૂઠા અહીં તહીંથી મળિયા રે,
સોશ્યાલીસ્ટ સાહિત્યના ઠળિયા
—રઘુપતિ રામ૦ ૧૧.

સખી! આાસોનાં લક્ષણ કાળાં રે,
આંટા ખાય ઉઘરાણીઓવાળા રે,
કાઢો એક નવી ગ્રંથમાળા;
—રઘુપતિ રામ૦ ૧૨.