એકતારો/ધરણીને દેવ સમાં વરદાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધરણીને દેવ સમાં વરદાન


મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન!
ધરણીને દેવ સમોવડ દાન!

પૂર્વ–પછમના ગગન–કેડલે રવિનો રથ ખેડાય,
એ જ કેડલે ધરણીના પણ સ્વર–રથડા હંકાય
ધરણીને દેવ સમોવડ દાન. ૧.

ધરણી કેરૂં જે હૃદયનિવાસી ધૂળવિહારી ગાન,
એને કાજ નીલામ્બર ભીતર મંદિર રચવા હામ
ધરણીને અમરો સમ વરદાન. ર.

અણદીઠાં વિદ્યુત–ગરૂડોની પવન–પાંખ પર ચડો!
ઓ તુજ કવિ–છંદો ક્ષિતિજોના સીમાડા સર કરો

અડો જૈ સુરપુરી કેરે દ્વાર,
માનવી જનના રમ્ય વિચાર!

ધરણીના એવા સુખલલકાર,
આજ તો ધરણી દિસે નિહાલ.

ધરણીને દેવ સમોવડ દાન,
પૃથિવીને પ્રભુજીનાં વરદાન. ૩.


  • કલકતા આકાશ-વાણીનું (રેડીઓ) સ્ટેશન ખુલ્લું મૂકતાં શ્રી. રવીન્દ્રનાથ ટાગોરે સંભળાવેલા ગાનનો અનુવાદ.