એકતારો/હું બધાયનો ગુલામ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હું બધાયનો ગુલામ!


ગુલબંકી છંદ


(૧)
હું જુવાન, હું જુવાન
હું તમામનો ગુલામ.
હું સદાય ઝીલતો બીજાં તણાં સડેલ જ્ઞાન;
કોથળી નથી ક્યહીંય ચામડાની હું સમાન!

(૨)
હું સિપાહી જુદ્ધનો
બુધો અને અબુધનો.
નવીન ચેલકાઓ મુંડનાર સર્વ શોખીનો!
મને નિહાળતાંની વાર કાંઈ ઘેલડા બનો!

(૩)
હું તમારી ટોપલી
ચિરાડિયાં થકી છલી.
નકામ ચિત્ત—ચીથરાં વિચારનાં વહું ભલી!
તૂટેલ ટાંક, ડાબલી,
હું–માં સમાય : હું તમારી ટોપલી.

(૪)
હું ફૂટેલ ડોલચું :
ભરાય શું? ઝિલાય શું?
હરેક વાપરી પછી પછાડતું ફગાવતું.
ફળી વચાળ—હું ફૂટેલ ડોલ ડોલચું!

હું જુવાન! હું જુવાન!
માફ માગું મે'રબાન!
હું નહિ બનું ગુલામ.