zoom in zoom out toggle zoom 

< એકાંકી નાટકો

એકાંકી નાટકો/કેતકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કેતકી

(નાનકડી નદી, અને કાંઠે કેવો કોળ્યો છે.

આછેરું અજવાળું, અને મહીં અરુણનો ગલગોટો ખીલ્યો છે. પીળાં પરિધાન પહેરી કેતકી ગાતી-ગાતી આવે છે)

કેતકી :

આવ રે આવ,

દખિણના વાયરા :

ઉત્તરી ઝુલાવ,

દખિણના વાયરા :

વર્ષાએ વાત કરી નમી નમી કાનમાં :

રજનીએ આંખ મીંચી કાળા વિતાનમાં :

ડોલે હૈયાનું નાવ :

મારે અંગ અંગ કેસરનાં પુંજ લળે સાનમાં :

એનાં પીળાં સજાવ :

દખિણના વાયરા :

ઉત્તરી ઝુલાવ,

દખિણના વાયરા :

વન વન વાયરા! વાત સંભળાવ :

‘કેતકીની ફાટફાટ કાય :

એનું અંતર ઊભરાય!

કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય!

કાંઈ કહેશો ત્યાં કેસરના પુંજ વેરાય!

જેને જોવે તે જાવ!

દખિણના વાયરા:

ઉત્તરી ઝુલાવ,

દખિણના વાયરા :

(સામે દક્ષિણ દિશામાંથી કંકણને આવતો જોઈ એની તરફ હાથ ફેલાવતી :)

મને કોઈ લઈ જાવ,

દખિણના વાયરા!

કંકણ : સૂતો હતો ત્યાં સૂર આવ્યા : ‘આવ રે આવ’ કેતકી, કોને સાદ દે છે?

કેતકી : ભરતી ચડે ત્યારે સાગર કોને સાદ દેતો હશે? કાં તો કોઈને નહિ, અને કાં તો સહુને! એને પૂછવા જઈએ તો જવાબમાં ફરી સાદ દે! આજે કેતકી કોળી છે; એનું જોબન ફૂટ્યું છે! ભરતીની જેમ જોબનનો પણ સાદ દેવાનો સ્વભાવ છે. કોને એ તો કોણ જાણે!

કંકણ : સાગર તો સહુને માટે ગાતો હશે! પણ પ્રત્યેક કોતર એમ માની બેસે છે કે એણે પોતાને માટે ગાયું; અને પડઘો પાડી ઊઠે છે. કેતકી, ગા ને! સાદ દે ને! હું પણ ઘડીભર અસંખ્ય કોતરોમાંની એક બની રહું.

કેતકી :

એકલ પરમાણુ વહી ધરતી તળાવ,

‘કોઈ એકલ?’ ઓ વાયરા! પૂછજે સવાલ :

એકલતા હોય ત્યાં કેસર વરસાવ;

મને સઘળે ફેલાવ,

દખિણના વાયરા!

ઉત્તરી ઝુલાવ,

દખિણના વાયરા!

કંકણ : કેતકી, સૌને મળીને શું કરીશ? સઘળામાં સંપૂર્ણતા નથી; મર્યાદાના ક્યારામાં સંપૂર્ણતા કોળે છે, અનંત થવા માટે અગણિત થવાની નહિ પણ શૂન્ય થવાની જરૂર છે, તેમ વિશ્વૌપમ્ય માટે વિસ્તરવાની નહિ, પણ વિલીન થવાની જરૂર છે.

કેતકી : સમજ્યો નહિ તો! જન્મી ત્યારથી એક જ વસ્તુથી ડરતી આવી છું : એકલતાથી! એકલતાની અકળામણે સૌ દ્વિદલ બને છે. પણ જરા આગળ ચાલી એકબીજામાં વિલોપન પામી ફરી એકલાનાં એકલાં થઈ રહે છે. મારે તો કોઈની પણ પાસે જવું છે; અને છતાં કોઈનું થવું નથી. સૌ સાથે સરખી પ્રીતિ, ત્યાં કોનામાં વિલીન થવું અને કોને વળાવવું? માટે રોજ રોજ ગાઉં છું :

‘વન વન વાયરા! વાત સંભળાવ :

કેતકીની ફાટ ફાટ કાય!

એનું અંતર ઊભરાય!

કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય!

કાંઈ કહેશો ત્યાં કેસરના પુંજ વેરાય!

જેને જોવે તે જાવ!’

દખિણના વાયરા!

ઉત્તરી ઝુલાવ

દખિણના વાયરા!

કંકણ : ભયાનક પ્રયોગ, કેતકી. સાગરે તો સ્વતાનમાં ગાયા કર્યું; પણ અગણિત ભેખડોએ પોતાનાં કાળજાં કોરી નાખ્યાં.

કેતકી : એમાં સાગરનો શો દોષ, કહે તો? હૃદય પોતાની દીવાલો ભેદી બહાર પડે ત્યાં કોઈ બીજું એને બાંધી લેવા મળે છે. ઘણાં હૃદયોને એમાં સ્વાતંત્ર્ય ભાસે છે. પણ સઘળાં હૃદય સરખાં ન હોય, કંકણ. સાગર અનન્ત કાળ સુધી ગાયા કરશે; અને હુંય સૌને સાદ પાડ્યા કરીશ :

જેને જોવે તે જાવ,

દખિણના વાયરા!

મને સઘળે ફેલાવ,

દખિણના વાયરા!

કંકણ : તું કહે તે, કેતકી. સૌમાં મારો સમાવેશ થાય છે. મનેય સ્વીકાર.

કેતકી : સ્વીકારવાનું નહિ; મને લઈ જવાનું. મેં તો સવારનો સાદ દીધો છે :

જેને જોવે તે જાવ,

દખિણના વાયરા!

કંકણ : કાંઈ નથી સમજાતું. કેતકી. તને લઈ પણ કેમ જવી? હું લઈને તને કોઈ ઠેકાણે મૂકું તો વળી બીજો આવીને ઉપાડી જાય. વળી તને જતાંય વાર નહિ

કેતકી : સાચું સમજ્યો, કંકણ! મને લઈ ગયા પછી પણ તારે મને કોઈ પણ સ્થળે મૂકવી તો જોઈએ ના? તારાથી કાંઈ મારી સાથે અહરહ રહી શકાય? વળી તું રહે તો મને ગમે પણ નહિ.

કંકણ : તને લઈ જવાતી નથી અને છોડી જવાતીય નથી. શું કરવું મારે તારું તે!

કેતકી : કહું? સમજીશ? જો આમ આવ. (કંકણ પાસે જાય છે. કેતકી એના હોઠ ઉપર ચુંબન કરે છે.) આ તો પળનો પરમાનંદ; પણ એની સ્મૃતિનો આનંદ જીવનભર ટકે, નહિ? જીવનભર હોઠને હોઠ અડાડી રાખીએ તો ઊલટું અસુખ થાય. મારું પણ એમ જ જાણજે. મને જોવી, મ્હોવી અને કાંટા સહાય તો સ્હોવી પણ ખરી. પણ આ જન્મ અનુરાગની આશા ન રાખવી. માણ્યા પછી મૂકી દેવામાં જ માલ છે. સાચું પૂછે તો એ સુખ એટલી કિંમત માગી લે છે. એમાં સુખ આપવાની શક્તિ છે, પણ કમળની જેમ એનો જન્મ કાદવમાં છે...

કંકણ : પણ કેતકી...

કેતકી : સાંભળ પૂરું ઉતાવળો ન થા. તને એક ચુંબન આપ્યું. બસ હવે, ખલાસ. ફરી તારા હોઠ કદી ન પલાળવાની. એમાં સુગંધ હતી, પણ સુગંધ પણ અંતે તો એક પ્રકારની ગંધ ખરી ને!

કંકણ : કેતકી, તેં પ્રણયયજ્ઞ...

(ઉત્તરમાંથી ધીરેધીરે સ્પષ્ટ થતું ગાન સરતું આવે છે :

ઊભો હતો ઊંચી કરાડ,

અદમ્ય સાદ ઉરથી સર્યો રે.

પાણા વિંધ્યા ને વિંધ્યા પહાડ,

અજાણ ખૂણે પડઘો પડ્યો રે.)

ઓ મા... રે! આ તો ગુંજનનું ગાન; જ્યારે જુઓ ત્યારે ગાતો હોય! અને આ જ ગીત ગાતો હોય! કેતકી, હું તો ચાલ્યો!

કેતકી : આટલી ઉતાવળે? અને આમ ઉદ્વિગ્ન કેમ થઈ ગયો ઓચિંતો?

કંકણ : મને જવા દે, કેતકી. પ્રશ્નો પૂછી પૂછીને મને મોડું નહિ કર. ગુંજન મને તારી સાથે ભાળશો અને માર્રા ભોગ બોલી જશે.

કેતકી : આમ અધૂરું કહીને જતો નહિ રહેતો, કંકણ! વાત કરવી નહિ, અને કરવી તો અપૂરી કરવી નહિ. ઘોર અંધારામાંય માર્ગ કાપી શકાય. પણ મહીં વીજળીનો ચમકારો થાય તો આંખ આંધળી થાય.

કંકણ : તને જોઉં છું, કેતકી, અને મારી ભાષામાંથી બધા જ ‘ન’ ઊડી જાય છે. જો સાંભળ. વેણુ-વનમાં બેઠોબેઠો એક દિવસ હું વાંસળી વગાડતો હતો. ઉત્તરમાંથી ઓચિંતો ગુંજન આવ્યો, અને પાકેલા વાંસ જેવું પીળું મોં કરી મારી સામે ઊભો રહ્યો. મેં પૂછ્યું : ‘તને શું થયું છે. ગુંજન?’ જવાબ દે તો કે! મારી આંખમાં આંખ ખોડી એ તો જોઈ રહ્યો. પછી પૂછે : ‘કોને બોલાવે છે, કંકણ?’ મને તો કાંઈ જ ખબર નહોતી. મેં જવાબ દીધો : ‘કેતકીને!’ સ્થિર થઈને એ ઊભો રહ્યો. છાતીની ધમણ ઉપર જાણે હિમાલય બેસી ગયો હોય એમ એ પણ સ્તબ્ધ બની રહ્યો. મેં ઉમેર્યું : ‘ગુંજન, શું થયું છે તને, કહે તો! મને કેતકી ગમે છે. ગમે તેને સાદ કરવામાં અપરાધ શો?

કેતકી : પછી?

કંકણ : પછી? પાકેલા વાંસ ઉપર બે જ પાંદડાં બાકી રહ્યાં હોય એવી એની આંખો લીલી કાચ થઈ ગઈ. એણે પોતાની મૂઠીઓ વાળી, અને પછી મારી તરફ હાથ ઉગામ્યો.

કેતકી : (ફિક્કું હસતી) અને પછી?

કંકણ : મારી જીભ તો તાળવે ચોંટી ગઈ. શું બોલું કે શું ચાલું? મહામહેનતે કહ્યું : ‘ગુંજન, રાગ ન કર. હું ક્યાં કહું છું કે કેતકી મને ચાહે છે? એમ તો મનમાં ને મનમાં સૌને આકાશની ચંદ્રાણીને પણ ચાહવાનો અધિકાર છે!’

કેતકી : ના, કંકણ, હું તને ચાહું છું. એવું ન બોલતો!

કંકણ : પછી શું કહ્યું, ખબર છે? પછી કહ્યું : ‘હજી તો આપણી હોડ છે! જે જીતે એની કેતકી!’

કેતકી : હા.... હા....હા.... પામર..... (હસે છે.) તમે બન્ને જીતવાના, અને બન્ને હારવાના. સારું થયું કે આકાશના તારાઓને હોડમાં ન મૂક્યા.

(ગીતધ્વનિ સ્પષ્ટ થતો જાય છે.

તે રાત થકી શોધું એ સ્થાન,

જ્યાં અંતર હોંકાર સાંપડ્યો રે!

વાયુ વાત માંડ્યા મેં કાન,

ટેકરાની ટોચે ચડ્યો રે!)

કંકણ : કેતકી, મારા બાર વાગી ગયા. એ તો આવી લાગ્યો. ક્યાં જાઉં, ક્યાં સંતાઉ?

(બહાવરો થઈને ચારે બાજુ ફરી વળે છે. દોડીને કેવડાના ઝુંડમાં ઢંકાઈ જાય છે.

ગોઠણબૂડ પાણીમાં પલળતો પલળતો ગુંજન ગાતોગાતો આવે છે. એના હાથ અને છાતીની વચ્ચે કદંબના ગોટાઓનો ગજરો છે.)

ગુંજન :

ઊભો હતો ઊંચી કરાડ,

અદમ્ય સાદ ઉરથી સર્યો રે!

પથ્થર વિંધ્યા ને વિંધ્યા પહાડ,

અજાણ ખૂણે પડઘો પડ્યો રે!

તે રાત થકી શોધું એ સ્થાન,

જ્યાં અંતર હોંકાર સાંપડ્યો રે!

વાયુ વાત સુણ્યાં મેં ગાન,

ટેકરાની ટોચે ચડ્યો રે!

ઊંચેરી આભની કમાન,

ખાલીખમ; મૂગું રડ્યો રે!

વન વન માંડ્યા મેં કાન,

સાદ વન પાછો જડ્યો રે!

કેતકી : ક્યાંથી જડે, ગુંજન? એને તો મેં અંતરમાં ચોરી રાખ્યો છે; મારા અંતરમાં. અહીં આવે, સાંભળવો હોય તો!

(ગુંજન કેતકીની પાસે જાય છે. એની ભરી છાતી ઉપર કાન માંડે. કેતકીની છાતી ધડકે છે.)

ગુંજન : એ જ, એજ કેતકી, વર્ષોથી શોધું છું. એ આજ મળ્યું. પણ મને એ પાછો નહિ આપી દેતી! એ તારા જ અંતરમાં ભલે રહ્યો. બદલામાં તારો સાદ હું ચોરી લઈશ. બન્ને ચોર બનશે, એકબીજાનાં!

કેતકી : પણ આટલાં બધાં કદંબ કોને સારું?

ગુંજન : તને દેવા લાવ્યો છું, કેતકી!

કેતકી : ઊંહ્ (મોઢું મચકોડે છે.) મને કદંબ ન ગમે. બહુ રૂપાળાં છે! સંપૂર્ણ છે; ગૂંથણીમાં અને ગંધમાં. કાંઈક ખૂટે નહિ તો એ આ જગતનું નહિ. વાંસળીમાં છિદ્રો હોય છે માટે તો એ વાગે છે. વ્યક્તિત્વમાં છિદ્ર ન હોય તો વનસંગીત જામે નહિ.

ગુંજન : (વહેતી નદીમાં કદંબને વહેતાં મૂકી) તને ન ગમે તે મને ન ખપે! જ્યારે જ્યારે કોઈ ફૂલ લાવું છું ત્યારે તે કાંઈક એવું કહે છે કે સાચું મનાય નહિ. પણ તું કહે છે એટલે માન્યા વિના પણ ચાલતું નથી. પણ તને કયાં ફૂલ ગમે છે, તે તારે કહેવું પડશે!

કેતકી : હવે તો સંકોચ થાય છે, ગુંજન. તે દિવસે તું ગુબાલ લાવ્યો : નથી ગમતાં કહી મેં તને પાછો વાળ્યો; સાગની મંજરીને પણ મેં સ્વીકારી; રાજચંપાની મોહિની પણ મને ન રુચી. હવે કેટલી વાર તને પાછો વાળવો? જા, તું જે દઈશ તે લઈશ.

ગુંજન : ના, કેતકી, એમ નહિ, તને શું ગમે છે તે તારે કહેવું પડશે. તું કહેતાં થાકીશ પણ હું કરતાં નહિ થાકું. ગુંજન કેટલું કઠિન છે તેની તને કલ્પના છે? કેવડાના કાંટાઓમાં સમીર પોતાની કાયા ચીરે ત્યારે ભૈરવનું ગુંજન જન્મે. પથરાઓ સાથે અફળાઈ અફળાઈ પોતાની ધારાને પીંખી નાખે ત્યારે નિર્ઝર વાગેશરીનું ગુંજન પામે. મારો જન્મ જો આટલો કઠિન છે તો કર્મ અને કસોટીની તો કલ્પના કરવી રહી, કેતકી! તને શું ગમે છે તે તારે કહેવાનું!

(કેવડાના ઝુંડમાં સળવળાટ થાય છે. કંકણ હાંફતો-હાંફતો સરી આવે છે.)

કંકણ : ઓ મા! નથી સહાતું! કેતકીના કાંટા અસહ્ય છે. આખે ડિલે ઉઝરડા પડ્યા છે.

ગુંજન : (લાલ પીળો બની) અને હજી દિલે ઉઝરડા પડવા બાકી છે. પણ જવા દે એ વાત, બોલ, તું અહીં ક્યાંથી?

કંકણ : ગુંજન, રાગ નહિ કરતો મારી ઉપર. સવારનો સૂતો હતો ત્યાં કેતકીનો સાદ આવ્યો, ‘આવ રે આવ.’ અને મારાથી ન રહેવાયું. હું શું કરું, ગુંજન?

કેતકી : કંકણ સાચું કહે છે. લે તને પણ એ સંભળાવું, ગુંજન!

આવ રે આવ,

દખિણના વાયરા :

ઉત્તરી ઝુલાવ,

દખિણના વાયરા :

એકલ પરમાણુ વહી ધરતી તળાવ,

‘કોઈ એકલ?’ ઓ વાયરા! પૂછજે સવાલ :

એકલતા હોય ત્યાં કેસર વરસાવ;

મને સઘળે ફેલાવ,

દખિણાના વાયરા!

મને કોઈ લઈ જાવ

દખિણના વાયરા!

કંકણ : સાંભળ્યું ગુંજન? હવે તો સાચું માનીશ ને?

ગુંજન : મારી સાથે નહિ બોલ, કંકણ!

કેતકી : તમે મારે માટે લડો છો, નહિ?

ગુંજન : હા.

કંકણ : હા.

કેતકી : હું શું કરું છું ખબર છે? તિરસ્કારના લીલા રંગને ઘૂંટીઘૂંટી ફિક્કું પીળું હાસ્ય રેલાવું છું. તમને એ ગમે છે, નહિ? તો લઈ જાવ એ :

‘કેતકીની ફાટફાટ કાય :

એનું અંતર ઊભરાય!

કોઈ આવો, એ આજ અણમૂલ વેચાય!

કાંઈ કહેશો ત્યાં કેસરના પુંજ વેરાય!

જેને જોવે તે જાવ!

દખિણના વાયરા :

ઉત્તરી ઝુલાવ.

દખિણના વાયરા :’

ગુંજન : જવા દે તો આજે એ બધું તારું ગાન! દિવસોથી તને એક પ્રશ્ન પૂછવા અંતર ઊંચુંનીચું થાય છે. આજે તો પૂછી લઉં, ને છૂટ આપે તો!

કેતકી : છૂટ છે, ગુંજન, ગમે તે પૂછવાની.

ગુંજન : પણ તને માઠું લાગશે તો!

કેતકી : સરોવરમાં થોડું પાણી હોય ત્યારે સૂર્યનો અહંકારભર્યો પ્રતાપ જોઈ એ મનમાં ને મનમાં બળી જાય. પણ જ્યારે એના કાંઠા ફાટફાટ થાય, અને છલકાઈને એના ઉપરથી પાણીની ચાદરો ને ચાદરો સરવા લાગે ત્યારે એ જ સૂર્યના એ જ પ્રચંડ તાપને ‘આવો’ કહી હસતે મોઢે ઝીલી લઈ એમાંથી સપ્તરંગી મેઘધનુષ રચે. જીવન પરિપૂર્ણ થાય છે, ત્યારે આનંદના ઉદ્રેકમાં બધું જ કાળું ગળી જાય છે. અને ક્રોધનો રંગ કાળો હોય છે. આજે તે નચિંત રહેજે, ગુંજન!

ગુંજન : તો કહે તો : તું મને ચાહે છે?

કેતકી : હા રે હા, ગુંજન. તેં છાતીએ કાન મૂકી કાંઈ સાંભળ્યું તો!

કંકણ : કેતકી, તેં હૈયાંઓને હોડમાં મૂકવાં શરૂ કર્યાં છે. ઘડી પહેલાં તો કહેતી હતી કે તું મને ચાહે છે?

ગુંજન : ખરું, કેતકી?

કેતકી : હા કંકણ, હું તને ચાહું છું. હું તમને બન્ને ચાહું છું. બધાયને ચાહુ છું.

મને કોઈ લઈ જાવ

દખિણના વાયરા!

મને સઘળે ફેલાવ,

દખિણના વાયરા!

ગુંજન : (ક્રોધાવેશમાં પોતાના વાળ પીંખી નાખે છે. આમથી તેમ ફરવા લાગે છે.) આકાશમાં મેઘાડંબર ગાજ્યો અને પહાડે પડઘો પાડ્યો. થોડી વાર પછી ખબર પડી કે વરસાદ તો સાગરમાં થયો. કેતકી રે... કેતકી.... પડછાયા જેટલી અસ્પષ્ટ છતાં સદાય સંકળાયેલી! કેતકીની બરાબર સામે ઊભો રહે છે. આંખોમાં અજબ અમી લાવી સામી આંખોમાં પ્રતિબિંબ જુએ છે.)

પણ કેતકી, વાર્તામાં વીસરી ગઈ મારા પ્રશ્નનો ઉત્તર આપવો! કહે તો, તને કયું ફૂલ ગમે?

કેતકી : જગતમાં તને સૌથી વિશેષ શું ગમે?

ગુંજન : કેતકી.

કેતકી : તને ગમે તે મને ગમે. કેતકી લાવી આપ અથવા લઈ જા.

ગુંજન : સાચું સાચું, કેતકી, અત્યાર સુધી સમજ્યો નહોતો.

(દોડતો કેવડાના ઝાડ ઉપર ચડે છે. ઊંચામાં ઊંચી ડાળે કેતકી ઊઘડી છે, એને લેવા ટોચે પહોંચે છે. તોડવા હાથ લંબાવે છે.)

કંકણ : સંભાળ, ગુંજન, નીચે ઊતરી જા. કેતકીના ગોટામાં સ25 વીંટળાયેલો દેખાય છે. ઊતરી જા જલદી.

ગુંજન : બિચારા કંકણ, તને જ્યાં સર5 દેખાય છે ત્યાં તે નથી, પણ તને જ્યાં નથી દેખાતો ત્યાં સરપ છે. પણ આજે નહિ, અનુભવે તને તે સમજાશે. હું તો બધું સમજ્યો છું અને સમજેલું જ કરું છું. (ફેણ ઉછાળી ગુંજનને નાગ ડસે છે. પળ વિપળમાં કેતકીના ડોડવા સાથે ગુંજન નીચે ખરી પડે છે. એની છાતી નીચે કેતકી પથરાઈ જાય છે.)

કંકણ : ઓ મા! ભયાનક! ભયાનક!

કેતકી : (મડાની સ્તબ્ધતાથી) તુંયે જઈશ, કંકણ!

કંકણ : (દોડતો દોડતો) ડાકણ! (અને અને અલોપ થઈ જાય છે.)

કેતકી : ચાલ્યા; બધા જ ચાલ્યા ગયા. પણ શું કરું?

એકલ પરમાણુ વહી ધરતી તળાવ,

‘કોઈ એકલ?’ ઓ વાયરા! પૂછજે સવાલ :

એકલતા હોય ત્યાં કૈસર વરસાવ;

મને સઘળે ફેલાવ,

દખિણના વાયરા!

ઉત્તરી ઝુલાવ,

દખિણના વાયરા!

(કેતકીની આંખમાંથી બે આંસુ પડે છે, અને નદીના નીરમાં મળી જાય છે.)