એકાંકી નાટકો/ડુંગળીનો દડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડુંગળીનો દડો

(સરિતાના સાગરસંગમની ભૂષિર દૃશ્યમાન, ભૂશિરની એક પાંખે સમુદ્રવાળુને મથાળે સમદરવેલના ચોગમ વિસ્તરના ફાંટાઓ ઉપર જાંબલી ફૂલો ઝૂમે છે. આગળ જ્યાંથી માટી શરૂ થાય છે ત્યાંથી લીલોતરી વિસ્તરે છે. જાંબલી ફૂલો ઉપર ધરતી લજામણી એમાં લૂમખે વળી છે. અને પછી એક મોટા રૂખડા પાછળ વૃક્ષરાજિનો વિસ્તાર દેખાય છે. ભૂશિરની તીવ્ર પાંખે સરિતાવાળુને મથાળે નદીનો કાંપ એકઠો થયો છે, અને મહીં વનશ્રી વેરાણી છે. રાતાં, ભૂરાં અને પીળાં ખડફૂલોની મીઠડી ભાત ઉપર ઝળૂંબતા કેવડાઓ કોળ્યા છે. તેની પાછળ થોરની વાડ વચાળે એક લીલુંછમ ખેતર અને તેનીય પાછળ આવળબાવળ અને બોરડીનાં બડઝાંખરાં. વળ ખાતોખાતો સામેથી ચાલ્યો આવતો નદીનો પટ સાગરનીરમાં સમાઈ જાય છે. નદીનો પટ કોરોધાકોર છે અને એમાં ગોળ કાંકરા ઊડે છે. સાગરમાં ભરતી ભરાતી જાય છે. એક પછી એક મોજું આગળ વધતું જાય છે અને પૃથ્વીના પટ ઉપર આલિંગનઆંકા મૂકતું જાય છે. આકાશમાં ઉઘાડ થાય છે અને સરિતાપટ અને સાગરતીરની અદૃશ્ય રેખા ઉપર એક નગ્ન કુમાર રમતો પ્રગટ થાય છે. હજારી ગલગોટા જેવો એ લાલલાલ છે. સમુદ્રવાળુમાં કૂબાઓ કરતો લવતો જાય છે.)

અરુણ : એક. (બીજો બનાવી) બે. (ત્રીજો બનાવી) ત્રણ. (જરા આગળ આવી ચોથો બનાવી) એક. (પાંચમો બનાવી) બે. (વચ્ચે ઊભો રહી) બધા મળીને પાંચ. (પગની અને હાથની બે હથેળી જોતો) મેં બનાવ્યા કૂબ બધા! - અને હવે હું જ ભાંગું મેં જે બનાવ્યું તે! (રિપુદળનો સંહાર કરતો હોય તેમ બધા કૂબા ફેંદી નાખી વિજયાનન્દમાં પોતાના પગને નીરખી રહે છે. પછી આનન્દના ઉદ્રેકમાં પોતાના પગને બટકું ભરવા બેસી જાય છે, બટકું ભરે છે.) અહા કેવી મજા! કેવો આનન્દ! ઊભો થઈને નાચવા લાગે છે. થોડી વારે અટકીને રેતીમાં પડેલાં પોતાનાં પગલાંને જોઈ રહે છે. નીચે નમી નમીને પગલાંને જીભ અડાડવા લાગે છે એક, બે, ને ત્રણ! અને આ એક, ને બે બધા મળીને પાંચ! તોય થોડા બાકી રહી ગયા. આ છ, સાત, આઠ, ને નવ! (થોડી વારે) હવે આગળ? આગળ શું બોલવું? (મૂંઝાતો ચારેકોર જોવા લાગે છે. નદીનો છેલ્લો વળ ઉકેલી કોઈ કુમારી આગળ વધતી દેખાય છે. અરુણ ઘડી ભર તેને જોઈ રહે છે. કુમારી સ્તબ્ધ થઈ ઊભી રહે છે. અરુણ હાથના અણસારે એને સાકરે છે. નગ્ન કુમારી એકદમ આગળ આવી ઊભી રહે છે.) અરુણ : ના, એટલે બધુ દૂર નહીં. (એક ડગલું આગળ જાય છે.) ઉષા : અને આટલે? (હસે છે.) અરુણ : ના; હજીય પાસે. (એક ડગલું આગળ ભરે છે.) ઉષા : અને આટલે? (હસે છે.) અરુણ : ના, ના; ના. હજીય! (આગળ વધતો સાવ સામે જઈને ઊભો રહે છે. ઘડી ભર બન્ને એકબીજાને નખશિખ જોઈ રહે છે.) અરુણ : તને જોઈ અને આઘે ન ઉભાયું. ઉષા : મારાથી પાછા ન હઠાયું. અરુણ : એક મોજું કાંઠે અફળાઈ પાછું ફરે : બીજું વારિહેલે આગળ ચડે : બન્ને એવા જોરથી અફળાયા! ઉષા : અને એમાંથી પાણીનો મિનારો ચડે. અરુણ : ખરું, ખરું. મેં પણ એ જોયું છે. (હાથ પકડી ખેંચતો) પણ મને તને ખાઈ જવાનું મન થાય છે. ઉષા : ખાઈ જા! (સહજ હાથ પસારે છે.) અરુણ : અ-હ્-હા! (જોરથી બટકું ભરે છે.) ઉષા : ઓહ! (દુ:ખથી બૂમ પાડે છે.) મને ઈજા થાય છે. અરુણ : તો લે ધીમેથી (બટકું સહેજ પોચું પાડે છે.) ઉષા : હજી! હજી! જો લોહી નીકળે મને. અરુણ : (હજી પોચું પાડતો) લે, હવે? ઉષા : બસ! બહુ ગમે! અરુણ : પણ મારા દાંત તો અડતાય નથી. ઉષા : તો અડાડતોય નહિ. અરુણ : (મોઢામાંથી હાથને મુક્ત કરી હાથમાં પરોવે છે. ખેંચે છે.) ચાલ તો! અત્યાર સુધી હું મારા કૂબા બનાવતો, અને હું જ ભાંગતો! હવે હું બનાવું અને તું ભાગ, ચાલ. (બન્ને ભીની રેતી સુધી આગળ ઊતરી આવે છે. અરુણ કૂબો બનાવે છે.) અરુણ : એક બનાવ્યો. ઉષા : (રગદોળી નાખતી) એક ભાગ્યો. અરુણ : (બીજો બનાવતો) જો બનાવ્યો. ઉષા : (રગદોળી નાખતી) બીજો ભાગ્યો અરુણ : આ ત્રીજો. ઉષા : આ ત્રીજો. અરુણ : આ એક ને બે! ઉષા : આ એક ને બે! અરુણ : મેં બધા મળીને પાંચ સર્જ્યા! ઉષા : મેં બધા મળીને પાંચ સંહાર્યા. અરુણ : (એકદમ કૂબા બનાવતો) આ છ સાત, આઠ અને નવ. ઉષા : (એકદમ કૂબા ભાંગતી) આ છ, સાત, આઠ અને નવ. અરુણ : કેવી મજા! (કૂદ ઊઠતો) કેવો આનન્દ!! (દોડીને ઉષાના હાથને બટકું ભરે છે.) ઉષા : (વિરોધથી) જો? દાંત અડાડવાના નથી. અરુણ : (મુક્ત કરતો) તું નહોતીને, ત્યારે હું મને બટકાં ભરતો! મને થતું અજગરની જેમ હું મને જ ગળી જાઉં! અને હવે જ્યારે જ્યારે આનન્દ થશે ત્યારેત્યારે તને બટકા ભરીશ, હો! ઉષા : ચાલ, ફરી કૂબા બનાવીએ! આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, ને નવ. હવે? ઉષા : હવે? (બન્ને થોડી વાર પ્રશ્ન કરતાં મૂઝાયેલાં ઊભાં રહે છે.) અરુણ :ચાલ. ઉષા : પાંચીકડાં વીણીએ. અરુણ : ચાલ. (ઉષા આગળ ચાલે છે. અરુણ પાછળપાછળ ઉષાની પગલીઓને નીચા નમી નમી જીભ અડાડતો જાય છે. બન્ને જ્યાં સમુદ્રે છીપ, બઘોલાં, શંખ, શંખ અને ચકમકિયાં; અને નદીએ જ્યાં ગોળગોળ પાંચીકડાં વેર્યાં છે ત્યાં પહોંચે છે.) ઉષા : આ પાંચકો કેવો સરસ છે? મઝાનો ગોળ ગોળ! અરુણ : ખૂબ સરસ છે! અને આ? ઉષા : ખૂબ સરસ છે! અને આ? અરુણ : ખૂબ સરસ છે! અને આ? ઉષા : (જવાબમાં બટકું ભરી) જો! ચિડાતો નહિ; દાંત નથી ભરાવ્યા! અરુણ : (એક પથ્થર ઉપાડી) જો તો! આ પથ્થરમાં કેવાં ચકરડાં છે? આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ! પણ હજીય ઘણાં બાકી રહી જાય છે! હવે? ઉષા : (રસથી) હવે? અરુણ : (થોડી વાર મૂંઝાયા પછી ફેંકી દે છે.) કોણ જાણે! ઉષા : (એક ચકમકિયો ઉઠાવી) જો તો! આની બન્ને બાજુ કેવી દીપે છે? આ મારી! અરુણ : (આંગળી ચીંધતો) આ મારી! મારી મને આપ. ઉષા : પણ પથ્થર તો એક જ છે. તારી બાજુ તને કેમ મળે? (જોરથી અરુણના વાંસામાં ફેંકે છે.) અરુણ : જો? ઈજા થાય છે મને! ઉષા : (બીજો ઉપાડી) લે ધીમે મારું. અરુણ : હજી વાગે છે. ઉષા : (ત્રીજો ફગાવી) હવે? અરુણ : અડતોય નથી! (બન્ને અમસ્તાં જ હસે છે.) ઉષા : જો, આ છીપ જોઈ? આપણા માથા ઉપર જેવો રંગ છે તેવો રંગ તેમાં પણ પુરાયો છે. (વધતાંવધતાં મોજાં સરકી આવી ઉષા-અરુણના પગ પલાળે છે.) અરુણ : અ-હ્-હા! જો તો! પાણીમાં તું દેખાય છે. ઉષા : જુઠ્ઠો! તું દેખાય છે. અરુણ : જુઠ્ઠો! જોતી નથી, આ તારી પ્રતિછાયા? ઉષા : આપણે બન્ને જુઠ્ઠાં હશું? કેમ બને? અરુણ : (પાણીમાં છબછબિયાં કરતો છાંટા ઉડાડે છે.) તને પલાળું. ઉષા : તને પલાળું (એય છબછબિયાં કરે છે.) અરુણ : અરે! ઊંચે જા. જો પેલું મોટું મોટું આવે. ઉષા : (ઊંચે જોતી) મોજાના માથા ઉપર કંઈક તરે છે. અરુણ : (આઘો ખસતો) જે હશે તે હમણાં આવશે. (એક મોજું આવી બન્નેને ગોઠણ સમાણા પલાળી જાય છે. મોજું પાછું ફરતાં કાંઠા ઉપર ડુંગળીનો દડો પડી રહે છે.) ઉષા : (દડો ઉપાડતાં) આ શું હશે? અરુણ : (આંચકી લેતાં) મને આપ તો! હું કહું! (બીજું મોજું આવી બન્નેને કેડ સમાણાં પલાળી જાય છે. મોજું પાછું ફરતાં કાંઠા ઉપર એક મરેલી મગર પડી રહે છે.) ઉષા : શું છે? કહે જોઉં; આવડતું હોય તો! અરુણ : ખબર નથી પડતી, પણ એક નીચે અનેક પડ હોય એવું આ ફોતરા ઉપરથી લાગે છે. ઉષા : ચાલ ઉઘાડીએ. અંદર કાંઈક હશે! અરુણ : હા, ચાલ. (બન્ને ઉપર જવા લાગે છે. અરુણ મરેલી મગરને પૂંછડેથી તાણી ઉપર ખેંચવા લાગે છે. ઉષા અને મદદ કરવા લાગે છે.) ઉષા : (જતાં જતાં) બેસવાનું સરસ મળી ગયું. ઉપર ખરબચડું છે એટલે લપસી પણ નહિ જવાય. (રેતીના એક ઢગલા ઉપર મગરને મૂકે છે. બન્ને ગોઠણ અડતા રાખી પાસે-પાસે બેસી જાય છે.) ઉષા : લાવ, પહેલું પડ હું ઉખેળું. અરુણ : (આપતો) લે! (ઉષા ડુંગળીનું પહેલું પડ ઉખેળે છે. એક શસ્યશ્યામલા સુંદરી પ્રગટ થાય છે. લીલી લીલી ચૂંદડીમાં રાતાં, પીળાં, અને જાંબલી એવાં ફૂલછાંટણાં છે. કેશભારની બે પાંથી પાડી વચ્ચે સિંદૂરની સેંથીસરિતા વહે છે. આંખમાંથી અમી ઝરતી એ બન્ને બાળકો સામે ઊભી રહે છે.) ઉષા : ઓ મા ! (હાથમાંથી ડુંગળીનો દડો પડી જાય છે) અરુણ : ઓહ! (બન્ને આંખો ફાટી રહે છે.) શસ્યશ્યામલા : ગભરાશો નહિ, બાળકો! હું તમને આત્મકથા કહેવા આવી છું. અરુણ : આત્મકથા નહિ; એક ટચૂકડી વાર્તા કહો. શસ્યશ્યામલા : વાત એટલે કથા અને આત્મકથાય તે અંતે તો એક કથા છે ને? વળી દરેક વાર્તા ટચૂકડી હોય છે. માત્ર કેટલાક નવરાઓ એને વિસ્તારથી વર્ણવે છે. ઉષા : (ઉત્સુકતાથી) પણ વાર્તા શરૂ કરોને? શસ્યશ્યામલા : અંતરમાં જ્વલંત જ્વાલામુખીઓ શમાવી હું ઉપરથી લીલી પ્રસન્નતા પાંગરું છું. મારી ઉપર સરિતાઓ સરે છે અને સાગરો ઘૂઘવે છે. વનેવન વિસ્તરતી વનરાજીઓ વસંતેવસંત મારા સ્વાંગ બદલાવે છે, અને જૂનું ફગાવી દઈ, નવું સજી લઈ, નવજન્મ પામે છે. મારા નિબિડ કાનનોમાં પશુપક્ષી કલ્લોલે છે અને મારી ઉપર વસેલાં જનપદોમાં માનવહૃદય ધબકી રહે છે. પરમતત્ત્વની લીલાના વિકાસક્રમમાં હું છેલ્લું સ્વરૂપ, પંચમ મહાભૂત છું અને માનવતત્ત્વના વિકાસક્રમનું મંડાણ મારાથી છે. તમે સૌથી પ્રથમ મારામાં હતાં, અને અત્યારે પણ તમારામાં મારો અંશ છે. મારું નામ પૃથ્વી: અને વરુણા મારી માતા થાય! (પવનની ઝડીમાં પહેલું પડ ઊડી જાય છે અને શસ્યશ્યામલા સાગરમાં કોશિયો મારી તળિયે બેસે છે.) અરુણ : (મૂઠીઓથી આંખો ચોળતો) હાશ! કેવું અઘરું-અઘરું બોલી ગઈ. પણ તોય એનો અવાજ મને ગમતો હતો. ઉષા : મને એનું રૂપ ગમતું હતું ખૂબ. કેવી સરસ મોરપીંછ રંગની સાડી પહેરી હતી! પણ ચાલ, બીજું પડ ઉખેળું. અરુણ : આ વખતે મને આપ. જો તું ઉઘાડે છે ત્યારે અથરી-અઘરી વાર્તાઓ સાંભળવી પડે છે. ઉષા : તો આવતે વખતે તારો વારો. (ડુંગળીનું બીજું પડ ઉખેળે છે. સાગરભૂરાં વસ્ત્રોમાં સજ્જ વરુણા પ્રકટે છે. એ શ્વાસ લે છે ત્યારે છાતી ઉપર મોજાં ચડે છે. પવનમાં ઘડીમાં એની ઘાઘરીનો ઘેર ચડે છે તો ઘડીમાં ઓસરે છે.) વરુણા : આખા વિશ્વને હું મારા સંગીતથી વિમુગ્ધ કરું છું. મારી છાતીઓ ઉપર હજારહજાર જહાજ ચાલે છે. મહાયુદ્ધ એ મારો શ્વાસ છે. મારા પાનથી પંખી, પશુ અને પ્રાણીમાત્રને શાતા મળે છે. સવાર-સાંજ હું સહસ્રશત ઘોડલાંઓ અગમ પ્રાંતથી વહેતા મૂકું છું અને પછી પાછા ખીલે બાંધું છું. અને એ બધું અકારણે! આકાશના ઊંચાણેથી હું અનન્તધારાએ સરીને પૃથ્વીને રસાળ બનાવું છું; અને પૃથ્વીના પટપટાન્તર ભેદીને પાતાળગંગા બનું છું. પાછું ઉપર સરી આવી ઊંચે ચડું છું અને શૈલશિખરોને મારું લીલાસ્થળ કરું છું. પરમતત્ત્વની લીલાની વિસ્તારવાર્તાનું હું ચતુષ્પદ છું અને માનવતત્ત્વની ઉત્ક્રાંતિમાં હું બીજું ચરણ છું. તમે આ સ્વરૂપને પામ્યાં એ પહેલાં મારામાં હતાં, અને મારા સ્વરૂપે પહાડને વિંધતાં, જંગલોને ભેદતાં, ખેતરોને પાણી પાતાં, સુવર્ણકેશીના પ્રાસાદને પખાળતાં, જનપદોને વિહરાવતાં વહ્યાં કરતાં હતાં. અને હજીય તમારામાં મારું તત્ત્વ છે. મારું નામ વરુણા. હું શસ્યશ્યામલાની માતા અને વૈશ્વાનરની સુપુત્રી! (પવનની ઝડીમાં બીજું ફોતરું ઊડી જાય છે : વરુણા કોશિયા કૂદકાથી સાગરને તળિયે સરકી પડે છે.) ઉષા : (આંખો ચોળતી) વાર્તાને અંતે શું આવ્યું એ બરાબર ન સમજાયું. અરુણ : શરૂઆત મારા મગજમાંથી સરી ગઈ. (બંને અકારણ હસે છે.) ઉષા : લે; હવે તારો વારો. જોઉં, તારે વખતે કેવી સહેલી વાર્તા સાંભળવાની મળે છે? અરુણ : (ડુંગળીના દડાનું ત્રીજું પડ ઉખેડતો) ત્યારે જો! (વૈશ્વાનર પ્રકટે છે. અગ્નિશિખા સમી એની લટો પવનમાં વિંઝાય છે. એણે અગ્નિરાતાં પરિધાન પહેર્યાં છે. આંખમાં પ્રતિભા છે અને કપાળમાં કાન્તિ, બાળકોની—ઉષાઅરુણની, આંખો અંજાઈ જાય છે.) અરુણ : (આંખો દાબતો) ઓ! ઓ! આંખો જ નથી ઊઘડતી. ઉષા : મારીય તે! વૈશ્વાનર : ટેવાશે એટલે ટકટકવા લાગશે, બેટાઓ! હું પ્રકાશનો પુંજ છું. મારા વિના સર્જન આંધળું બને! ભભૂકતા જ્વાલામુખીઓ મારા ઓડકાર માત્ર છે; તત્ત્વોમાં હું રુદ્રતત્ત્વ છું. અને સકળ સ્વરૂપને હું ઘડીકમાં ભસ્મીભૂત કરી શકું છું. પંચમહાભૂતોના ત્રાજવાનો હું ઘડો છું. મારું નામ વૈશ્વાનર! વરુણા મારી પુત્રી અને હું માતરિશ્વાનો પુત્ર! તમારામાં જે તેજ છે તે હું છું, કુમારો! (પવનમાં ડુંગળીનું ત્રીજું ફોતરું ઊડી જાય છે. વૈશ્વાનર અલોપ થાય છે.) ઉષા : હાશ! વાર્તાય ન સમજાણી અને સ્વરૂપે ન જોવાયું. મોટો ભડભડ બળતો ભડકો જાણે! તારા વારામાં તો સઘળું ગુમાવ્યું પણ મૂકનવે આ બધી માથાફોડ! ચાલ ફરી કૂબાઓ બનાવીએ. આ વખતે હું બનાવું અને તું ભાંગ. અરુણ : વાહ રે! પોતે બે વારા લીધા. અને અમને એક વારામાં પડતું મૂકવાનું પટાવે છે? ગમે તેમ તોય મારા વારામાં ટચૂકડી વાર્તા મળી એટલું તો કબૂલ કર. તારા વારાવાળા તો બધા વાતુડિયા હતા. ઉષા : તે હજી ક્યાં તારો વારી ખલાસ થયો છે? હવે જોશું. અરુણ : તો જો! (અરુણ ડુંગળીના દડાનું ચોથું પડ ઉખેળે છે. માતરિશ્વા પ્રકટી નીકળે છે. એમના આખાયે અંગમાં વેગ છે અને પરિધાનમાં સંચાર છે. એમણે સાતેય રંગ સજ્યા છે.) માતરિશ્વા : હું માતરિશ્વા વૈશ્વાનરનો પિતા! અને વૈશ્વાનર કરતાંયે વધારે સૂક્ષ્મ સ્વરૂપ મારું છે. આકાશના આ અનંત ગુંબજમાં મારો ઉગમ છે. હું અપ્રાપ્ય છું કેમ કે પકડાતો નથી. હું પ્રાણને પ્રાણ આપું છું. અને પ્રાણને જડમૂળથી ઉખેડી નાખવાની પણ મારામાં શક્તિ છે. હું સ્થાવરને જંગમ કરું છું અને જંગમને સ્થાવર કરી સ્થાપું છું. આ આખું વિશ્વ મારું વિહારભવન છે અને તેમાં હું સ્વચ્છંદે વિહરું છું. મારા સ્વચ્છંદમાંથી સાગર અને સરિતા, પુષ્પ અને પાંદડાં છંદ પકડે છે. જો આ વિશ્વ વાંસળી છે તો હું મહીં પરમતત્ત્વનો શ્વાસ છું. તમારામાંય મારું તપ છે, કુમારો; કેમ કે પંચમહાભૂતોમાં હું બીજું છું. મારું નામ વાયુ. અરુણ : (કૂદી ઊઠી) ઓહ રે! જાવા, જાણ્યા મોટીમોટી વાતો કરવાને બદલે એમ કહોને કે ઓક્સિજન અને હાઇડ્રોજનનું સંમિશ્રણ! માતરિશ્વા : વીસમી સદીમાં જન્મની સાથે આવી મૂર્ખાઈનો વારસો મળતો લાગે છે. ઓક્સિજન અને હાઇડ્રોજન તો મારામાં રહેલાં અનેક તત્ત્વોમાંનાં બે છે. એમનામાં મારી સમાપ્તિ નથી પણ મારામાં એમની સમાપ્તિ છે. સમજ્યા? પણ ચાલો, ઊપડું ત્યારે! (વાયુમાં ચોથું ફોતરું ઊડી જાય છે અને માતરિશ્વા પાતળા પડતા પડતા અદૃશ્ય થઈ જાય છે.) ઉષા : હવે મારો વારો પાછો. લાવ. (ડુંગળીનો દડો ઝૂંટવી લઈ પાંચમું પડ ઉખેળી ડુંગળી ખલાસ કરે છે. અનંત પ્રકટે છે. એનું સ્વરૂપ ઘનશ્યામ છે. આંખો અગાધ છે અને અંગ ઉપર વાદળાંઓ વીંટાયાં છે.) અનન્ત : પંચમહાભૂતોનું પ્રથમ સપ્તક અને સૂક્ષ્મતમ હું અનન્ત! માતરિશ્વા કરતાંય ઓછું અને અપ્રાપ્ય! પરમતત્ત્વની શક્તિનું હું સીધું સંતાન આકાશ! તમારામાં મારું તત્ત્વ છે. અને મારામાં તમારો સમાસ છે. મારામાં સકળ અસ્તિત્વની હસ્તી છે. હું વિશાળ છે અને અગણિત નિહારિકા, સૂર્યો, તારાઓ, ગ્રહો, અને ચંદ્રોને મારા પેટમાં પૂરી રાખું છું. મને રંગ નથી કેમ કે હું રંગનો અભાવ છે. મારું નામ આકાશ. (પવનની ઝડીમાં ડુંગળીનું છેલ્લું છોતરું ઊડી જાય છે અને આકાશ અવકાશ થઈ જાય છે.) ઉષા : જોયું? મેં ઉઘાડ્યું તો કેવી સરસ વાર્તા સાંભળવાની મળી? અરુણ : પણ હવે? અંદર તો કાંઈ નથી. ઉષા : હા; અંદરથી તો કશું જ ન નીકળ્યું. અરુણ : પણ અંદર કશું નહોતું તો આ બધા પટ કોની ઉપર આવર્યા હશે? કાંઈક આધાર તો જોઈએ ને? અંતરિક્ષે : એ આધાર તે હું છું. હું અંદરથી નીકળી ગઈ તોય તમે ન જોઈ શક્યાં? ઉષા : (સાશ્ચર્ય) ના! અંતરિક્ષે : પણ એ તો એમ જ બને. આજકાલના તમને ઊંધાઈની રોગ લાગ્યો છે. તમે પાર્થિવથી શરૂ કરી અદૃશ્યમાં જવા મથો છો. માટે તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એવો ઊંધો તમારી ક્રમ છે. થોડાં વધી શકશો ખરાં પણ પછી? આકાશથી આગળ શું? આકાશથી આગળ અંતરાળ હું છું. હું માવા-પરમત્ત્વની માનસી! મને સ્વીકૃત કરીને આગળ વધ્યાં હોત તો આ શરમભરેલી સ્થિતિએ તમે ન પહોંચ્યાં હોત! તો પછી આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી એવો ઊતરતો તમારી ક્રમ રહેત અને બધે ઉજાસ થઈ જાત! હું અંતરાળ! આકાશથીય સૂક્ષ્મ મારું સ્વરૂપ છે; અથવા મને સ્વરૂપેય નથી! તમે નદીનાળું જોયું છે? અરુણ : હા! અંતરિક્ષે : તો એને કોનો આધાર હોય છે? બોલો? ઉષા : તમને ખબર! અંતરિક્ષે : અંતરાળનો. ડુંગળીના પડોનેય અંતરાળનો આધાર હતો. અને સર્જનનું પણ તેમ જ છે. જેની ઉપર સર્જન ચણાયું એ અંતરાળ તે હું! કેટલાક મને માયા કહે છે. કેટલાક શક્તિ કહે છે. કોઈકોઈ વળી મને આદ્યા કહે છે. (ધીમેધીમે સ્વરૂપ પ્રગટ થતું જાય છે.) હું પરમતત્ત્વની શક્તિ છું અને મારામાંથી પંચભૂતોનો પ્રાદુર્ભાવ છે. મારું સ્વરૂપ મરિચિકાનું છે. પણ હું શક્તિ, આદ્યા! સર્જનની જનની છું. (વિરાટ સ્વરૂપે દૃશ્યમાન થાય છે. કેશભાર જમીનને અડે છે. આંખોમાં અનંત વાત્સલ્ય ભર્યું છે. માતૃત્વની સંજ્ઞા સમા બે પયોધર લચી રહ્યા છે. કુમાર-કુમારી કૂદીને ધાવવા લાગે છે.) માયા : બેટાઓ! હું વિશ્વંભરા છું. હું સંસારસાર છું. મહાકાળ અને અવકાશ મારું યમલ છે, કે જેમાંથી જગત જન્મે છે. મારાથી પારસ્પરિકતાનો સંભવ જન્મે છે, અને પારસ્પરિકતામાંથી મૂલ્ય પરિણમે છે. અને એ રીતે માનવ-જગતનું સર્જન થાય છે. અજગરની આસપાસ જેમ એના આકર્ષણનું કૂંડાળું હોય છે તેમ પરમતત્ત્વની આસપાસ શક્તિનું-મારું-માયાનું કૂંડાળું છે. (માયા અલોપ થાય છે એટલે ઉષા-અરુણ નીચે ખરી પડે છે. બંને માથાં ચોળતાં ઊભાં થાય છે.) ઉષા : માર્યાં. માથું ભાંગી ગયું. અરુણ : (આંખો ચોળતાં) ચક્કર ચક્કર આવે છે. (મગર ઉપર બેસી જાય છે. ઉષા પણ ગોઠણને અડતા રાખી પડખે જ બેસી જાય છે.) અંતરિક્ષે : અને હવે તમે મારું — શક્તિનું પણ ઉગમ પરમતત્ત્વ બ્રહ્મ-બાજુઓ! (કેટલીય ક્ષણો સુધી કુમાર-કુમારી આંખો ફાડી અવાક અને અસ્થિર બેઠાં રહે છે.) ઉષા : (ઊંડી તંદ્રામાંથી જાગી મહાનિશ્વાસથી) ઓહ! ઓહ! છૂટી! છૂટી માંડ! અરુણ : (ઊંડી તંદ્રામાંથી જાગી અકથ્ય વેદનાથી) ઓહ! ઓહ! છૂટ્યો! છૂટ્યો માંડ! ઉષા : બધુ જ ઓગળી ગયું હતું. બધે હું જ! હું જ! અરે સમજાવી શકતી નથી મારો અનુભવ અને એની વેદના. કશું જ હતું નહિ કશે! હુંય નહોતી! અરુણ : બધે હું જ! હું જ સઘળે વિસ્તર્યો’તો! ગમે નહિ! મારા બન્ને હાથો પછાડ્યા કરી તાળીઓ પાડ્યા કરું! આનન્દ થાય તો મને જ બટકું ભરું! અને ક્રોધ ચડે તો મને જ થપાટ મારું! શ્વાસ લેવાની જરૂર નહિ તોય વગર શ્વાસે ગૂંગળાયા કરું. ઉષા : એક્લી-એકલી હું! હસું તો કોઈ પ્રફુલ્લે નહિ! રડું તો કોઈ કરમાવ નહિ! આલિંગવા જાઉ ત્યાં મારા જ અવયવો હાથ આવે! તુંય નહોતો! ક્યાં ગયો હતો, કહે તો? અરુણ : માંડ-માંડ તું મળી હતી તે તું પણ હાથ ન લાગે. પછી તો તું આવી તે પહેલાં મારી જે સ્થિતિ હતી તે થઈ રહી. મારા કૂબા હું જ ભાંગું! અને ભાંગ્યાને ફરી હું જ ભપકાદાર કરું! આનન્દ થાય તો બટકું પણ કોને ભરવું? તું તો હોય નહિ. પછી તો દાંત ભરાવી ભરાવીને મને લોહી કાઢું. છતાં લોહીને નીકળે નહિ, અને વેદનાય થાય નહિ. અને એ બધું સહાય નહિ. ઉષા : ચાલ, ભાગીએ અહીંથી! એમાં કશો સાર નથી. હવે તો એવા હજાર દડા આવે તોય હાથ ન ઝાલવા. અરુણ : ચાલ! ચાલ દોટ મૂકીને દોડી જઈએ. (બંને આંગળાંના આંકડા ભીડી દોડવા લાગે છે. દોડતાં-દોડતાં ભૂશિર સુધી આવી લાગે છે.) સમદરવેલ : કુમાર! કુમારી! અહીં આવો. બહુ ડરી ગયાં છો તે બેઘડી દિલાસો આપું. અરુણ : ના, ના. અમે તો ભાગી જઈશું દૂરદૂર. ફરી અહીં સુધી મોજું ચડે અને કાઈ બીજો દડો હાથ લાગે તો તો ભાગે લાગે ને? સમદરવેલ : ગભરાઓ નહિ. હું સમુદ્રની સીમાખાંભી છું. સમુદ્ર મને કદી ઉલ્લંઘે નહિ. મારાથી એ મીઠડો મહેરામણ શરમાય છે. હું સમુદ્રની માઝા છું. અને સમુદ્ર માઝા મૂકે નહિ. ઉષા : તો ચાલ ને? અરુણ : ચાલ. (બંને નજીક જાય છે અને એકએક ફૂલ તોડે છે. પછી એકબીજાના કેશભારમાં ખોસે છે.) અરુણ : તને આ કેવું દીપે છે? ઉષા : તને આ કેવું ઓપે છે? લજામણી : અરે અહીં, આવો, અહીં! સમુદ્રનો ભરોસો નહિ. સમુદ્ર માઝા ન મૂકે તે સાચું, પણ મૂકે ત્યારે પ્રલય કરે. અહીં મારી પાસે આવો. જુઓ મનેય સુંદર જાંબલી ફૂલો છે. શિરીષ તમને ગમે ને? એના જ ઘાટનાં. (કુમાર-કુમારી લજામણી પાસે જાય છે અને ફૂલ તોડવા લાગે છે.) ઉષા : સ-ર-સ! મને બહુ ગમે આ ફૂલ. લજામણી : અરે મને અડશો નહિ! તો-તો હું કરમાઈ જઈશ! (થોડી વારે) પણ આમંત્ર્યાં ત્યારે તો અડવાં દેવાં જ જોઈએ. બધા આમંત્રણ મૃત્યુનાં આમંત્રણ હોય છે. તોડી લ્યો ત્યારે મારાં ફૂલ. (બંને એક-એક ફૂલ તોડે છે અને પછી એકબીજાના દેશભારમાં ખોડે છે.) રૂખડો : અરે અહીં આવો, કુમાર! અને કુમારી, તમે પણ! લજામણીનો પણ ભરોસો નહિ. જેમ સાગરેય કદીક માઝા મૂકે, એમ લજામણીયે કદીક નકટી થાય. જુઓ ત્યાં! (ટૂંકડી ડાળી-આંગળી ચીંધતો) એક ઝૂમખો છે. એણે જોયું કે એને પ્રફુલ્લેલી જોઈ પતંગિયાં આવે છે. પણ પતંગ-સ્પર્શ થતાં જ એ અકળાઈ ગોટો વળી જાય છે. મનની મનમાં રહી જાય છે. અને ઉપરાંત દેશનાં દાન દેવાં પડે છે. એટલે એણે મરજાદ છોડી. હવે તમે અને પગ તળે કચડી નાખો તોય ના શરમાય. એટલે તો મેં એનું નામ નિર્લજ લજ્જાવતી પાડ્યું છે. (સર-સર હસે છે.) (કુમાર-કુમારી રૂખડા કને જાય છે.) અરુણ : માર્યાં! આવડું મોટું પેટ અને માથે પાઘડીય નહિ! ઉષા : તમે સાવ ન ગમો તેવા છો, રૂખડાજી! રૂખડો : પણ મારી ઉપર ચડી તો બેસો! પછી બેઠાંબેઠાં એક વાંસળી વગાડે અને બીજી ગાય! અરુણ : હા. એ મઝાની વાત! (બંને ચડવા જાય છે અને લપસી પડે છે.) ઉષા : તોબા! નકામા લજ્જાવતીની સરસાઈ કરી અહીં બોલાવ્યાં અને આવ્યાં ત્યારે ફૂલેય ન આપ્યાં. ચાલો, દોડીએ પાછાં. (બંને હાથના આંકડા ભરાવી ભૂશિરની બીજી પાંખે દોડવા લાગે છે.) પીળું ખડફૂલ : (વિરોધથી) અરે! અરે! જરા જોઈને તો દોડો! હું કચરાઈ જાઉં છું. અરુણ : અરે રે! (પગ ઊંચા લઈ લે છે.) પીળું ખડફૂલ : ગંધવતી વસુંધરાને આનન્દ થાય છે અને પુલકી ઊઠે છે. હું એનો પીત્તપુલક છે. કુમાર. (કુમાર એને તોડી લઈ કુમારીના કાનમાં ખોસે છે.) અરુણ : જે હાથ લાગે તે તને જ દઈ દઉં, કુમારી! રાતું ખડફૂલ : હુંય પૃથ્વીપુલક છે, અને ઉપરાંત પૃથ્વીના મરોડ વખતે ફૂટતો લોહીનો ટશિયો છું. મનેય ધન્ય કરો. કુમારી! (કુમારી એને તોડી લઈ કુમારના કાનમાં પરોવે છે.) ઉષા : મારું એટલું સઘળું તારું, કુમાર! ભૂરું ખડફૂલ : અને હું તો સાવ રહી ગયું. અરુણ : તો પડ્યું રહે. મને તો તારો રંગ જ ગમતો નથી. તું તો રંગનો અભાવ છે. જોને, આકાશને રંગ નથી તેમાં તો એ ભૂરું દેખાય છે. અને આકાશે તો અમને ગૂંગળાવી માર્યાં! જોકે એનો દાવો તો એવો હતો કે એ છે માટે શ્વાસ લઈ શકીએ છીએ. કેતકી : મારો સાદ તો સૌને છે! ઉષા : (પાસે જતાં) અહા! શી મહક! તારુંય શરીર ખૂબ મહેકે છે, હો, કુમાર! અરુણ : (પાસે જતાં) તારુંય તે, કુમારી! (બંને એકબીજાને બટકા ભરે છે.) ઉષા : આ વખતે તો કોઈએ દાંત ન અડાડ્યા! કેતકી : મને તો તોડો! એકબીજાને તોડવા લાગ્યાં છો તે! ઉષા : (સરોષ) તારે અમારો વાદ નથી કરવાનો, સમજી? અરુણ : અમે ગમે તેમ કરીએ. કેતકી : હા... હા... હા...! (મશ્કરી કરતી હસે છે.) મારેય કોઈ એવું છે, હો. કે જેને વિશે ‘અમે ગમે તેમ કરીએ!’ તેમ હું ય કહી શકું. ઉષા : (હેબતાઈ જઈ) હેં! અરુણ : (ક્રોધથી) સાવ ન ગમે તેવી છો, તું! (હાથની ઝપટ મારે છે.) ઓ મા રે! કાંટા વાગ્યા! લોહી નીકળ્યું! કેતકી : કેવો આઘાત થયો? (હસતી) તમે એમ માનતાં હતાં કે એકબીજાની સામે તમે જેમ જોતાં થયાં તેમ પહેલાં કોઈ યુગલે નહિ જોયેલું અને પછી કોઈ યુગલ નહિ જોશે. પણ એક રીતે તમે સાચાં છો. પ્રત્યેક યુગલને થાય છે કે પોતે પહેલું અદ્વિતીય, અને છેલ્લું! માટે તો પ્રેમથી કોઈ કંટાળતું નથી. (કુમાર-કુમારી દોડવા લાગે છે.) હાથિયો થોર : સતીના પંજા જેવા મારા હાથલા જોયા તમે? અને છતાંય એમાં ન મોહ્યા, કુમાર? અરુણ : મારે તો કુમારી છે તારી શી પરવા મને? હાથિયો થોર : તો મારાં ફળ ખાવ. ઉષા : તારા ફળને તો કાંટા છે. હાથિયો થોર : સહુ ફળને કાંટા હોય છે. કેટલાકની જીભને વાગે છે. કેટલાકના જીવતરને વાગે છે. પણ તમે તમારી મેળે એ બધું સમજતાં શીખશો. અરુણ : આણે તો વાર્તા માંડી પાછી ! (એક છીંડું પાડી ખેતરમાં જાય છે.) ઉષા : (અનુસરતાં) વાર્તા સાંભળી-સાંભળીને તો હેરાન થઈ ગયાં. ડુંગળી : મને મૂળથી ખેંચી કાઢો! ઉષા : ના! પેલા માતરિશ્વા મૂળથી ખેંચી કાઢવાની વાર્તા કહી ગયા અને ડરાવી ગયા. અમારે એવું નથી કરવું. ડુંગળી : પણ ખેંચી તો જુઓ! પછી મારા ઉપયોગની ખબર પડશે. અરુણ : લે ત્યારે! (ખેંચી કાઢે છે. સ્વરૂપ જોઈ કાંપી ઊઠે છે અને ફગાવી દે છે.) ઓ બાપ રે! પાછો દડો! ઉષા : અને ફરી કંટાળા ભરેલી વાર્તાઓ સાંભળવાની. ડુંગળી : (દૂર પડીપડી હસતી) અરે એ તો શંકરાચાર્યની વાડીનો ડુંગળીનો દડો હશે! મારી તો સાવ જુદી વાત છે. મને તો ખાઈ જાવ એટલે પત્યું! વળી તમે ત્યાં પણ એ જ ભૂલ કરી. તમે એને ખાઈ જવાને બદલે ખોલવા બેઠાં અને પરિણામે પટકાઈ પડ્યાં. લો હવે વિલંબ ન કરો. મને કરડી ખાવ. ઉષા : ના...! પાછી તું અંદરથી ઊકળી ઊઠે તો પેલા દડા કરતાંય વધારે ખબર લઈ નાખ ને! ડુંગળી : ના, બહેન, ના! ખાધું પચાવી શકાય છે. તમે પેલા દડાનેય ખાઈને પચાવી ગયાં હોત તો આવી બિહામણો અનુભવ ન થાત. અને ઓડકાર આવત તેય જીવનશાંતિનો. ઉષા : (ડુંગળી ઉપાડી) ચાલો ત્યારે! ડુંગળી : પણ મને ખાઈ જાવ એ પહેલાં એક વાત કહી દઉં. જુઓ; હવે આગળ ચાલશો એટલે નિબિડ કાનન શરૂ થશે. એમાં આવળ, બાવળ અને બોરડીનાં ઝાડઝાંખરાં છે. વળી વગડામાં અસંખ્ય કેડીઓની ભુલભુલામણી છે. એટલે કોઈ પણ કેડી ઉપર ચાલશો તોય અટવાઈ જશો. એના કરતાં હાથમાં કુહાડો લઈ પોતાનો માર્ગ કરી લેજો. અરુણ : વળી વાર્તા માંડી. (કૂદીને એક બટકાથી અડધી ડુંગળી ખાઈ જાય છે.) ઉષા : (બાકીની મોંમાં મૂકતાં) પેટમાં જ પૂરી દ્યો એટલે ધમપછાડા ન સાંભળવા પડે! (બંને ચાલવા લાગે છે. થોડી વારે અટકી પડે છે અને સામસામે તાકવા લાગે છે.) અરુણ : એક વચન આપીશ? ઉષા : એક વચન આપીશ? અરુણ : હા! ઉષા : હા! અરુણ : મારા વિશ્વની પરિમિતિ તારામાં આવી રહે છે. તારા વિશ્વની પરિમિતિ મારામાં આવી રહેશે? ઉષા : મારા વિશ્વની પરિતૃપ્તિ તારામાં આવી રહે છે. તારા વિશ્વની પરિતૃપ્તિ મારામાં આવી રહેશે?

(બંને જવાબમાં એકબીજાને દાંત વગાડ્યા વિના બટકાં ભરી આગળ ચાલવા લાગે છે. અને જોતજોતામાં તો આવળ બાવળ અને બોરડીન નિબિડ વગડામાં અદૃશ્ય થઈ જાય છે.)