એકાંકી નાટકો/નાક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નાક


પ્રવેશ પહેલો


(મોટા રસ્તા ઉપર એક બાજુએ એક સારું ઘર છે. તેના પાછલા ભાગમાં એક મોટા ઓરડામાં ગંગાબાઈ — વકીલપત્ની, દીવા પાસે બેસી કંઈક સાંધે છે. ઓરડાના એક ખૂણામાં વચે દીકરા અનન્તરાયની વહુ આંસુ ભરી આંખે કંઈક વિચારતી બેઠી છે. જમણી બાજુની બારીમાંથી નવ વાગ્યાના તારાઓ દેખાય છે. ડાબી બાજુની દીવાલમાં દીવાનખાનાનું બારણું પડે છે. તેમાંથી વાતચીતનો ધીમો અવાજ આવે છે. ડોક્ટર અને વકીલ વાતો કરતાં-કરતાં બારણાંમાથી બહાર આવે છે. ચંપા અનન્તરાયની વહુ લાજ કાઢી જાય છે.)

દિનકર : પધારજો ડોક્ટરસાહેબ, તસ્દી માફ કરજો. ડોક્ટર : અરે, વકીલસાહેબ, એ શું બોલ્યા? એમાં તસ્દી શી? આપણે ક્યાં જુદા છીએ? દિનકર : હા, એ તો એમ જ હોય તો. એમ ઉતાવળ શું કરો છો? આ ફી તો લેતા જાવ! ડોક્ટર : કંઈ નહિ જી, કંઈ નહિ જી, પછી આપી હોત તો ચાલતે. (ડોક્ટર ફી લઈ ‘સાહેબજી’ કરી કટકટ દાદરો ઊતરી જાય છે) દિનકર : સાંભળ્યું ? (ગંગાબાઈ ઊંચુ જુએ છે.) હવે આશા નથી. અનન્તના શરીરમાં ક્ષય રોગનાં જંતુ એટલું તો જોર કરી ગયાં છે કે હવે તો તે બે મહિનાનો મહેમાન. હરિ! હરિ! ગંગાબાઈ : પ્રભુ, પ્રભુ! મારા સાત ખોટના દીકરાને આ શું થયું? દિનકર : એ તો આપણાં નસીબ એવાં એમાં કોઈ શું કરે? આ ભણેલગણેલ દીકરો જાય એ તો કોને ગમે? મારું તો અંતર વીંધાઈ જાય છે. પણ શું કરું? કાંઈ બાળકની જેમ પોક મૂકીને રોવાય છે? ગંગાબાઈ : મનસુખ ક્યાં છે? અનન્ત પાસે કોણ છે? દિનકર : મનસુખ અનન્ત પાસે જ બેઠો છે. શાંતિ ડોક્ટર સાથે દવા લેવા ગયો છે. આપણે તો જે બની શકે તે કરી ચૂકીએ. ફળાફળ તો હરિને હાથ છે. (ચંપા રોવું રોકી શકતી નથી. ભૂલથી મોટેથી હીબકી ભરાઈ જાય છે.) ગંગાબાઈ : (નરમાશથી) વહુ, બેટા! જાવ, અગાશીમાં બેસો, ને હરિનું ભજન કરો તો મારા દીકરાને સારું થાય. (ચંપા મોઢું ઢાંકી જાય છે.) બિચારી ફૂલની કળી જેવી; આપણને આટલું લાગે છે ત્યારે તેને કેટલું થતું હશે? બિચારીએ શું પાપ કર્યું હશે? હરિ, હરિ! અમારી ઉપર કેમ કોપ્યો છે? (વકીલ આંટા મારતા અટકે છે.) દિનકર : પણ સાંભળ્યું? શાંતિના સસરા ઉતાવળ કરે છે. કન્યા મોટી થતી જાય છે, અને ન કરે નારાયણ ને અનન્તને કંઈક થાય તો પાછાં લગ્ન તો એક વરસ આઘાં ઠેલાય ને? મારે તો બધી તરફથી આવી પડી છે. ગંગાબાઈ : હા, એય વિચારવાનું છે! તો મનેય એ પ્રશ્ન મૂંઝવે છે. દિનકર : પણ પૂરી વાત તો સાંભળ, શાંતિના સસરા તો બહુ ઉતાવળ કરે છે. જો હું આ વરસે જ વિવાહ ન કરું તો વેવિશાળ તોડી નાખવાની ધમકી આપે છે. કેવા માણસો છે. ગંગાબાઈ : દુનિયામાં એમ જ ચાલે. છોકરી મોટી થતી જાય છે એ વાત પણ સાચી જ છે ને? દિનકર : તો પછી....(અટકે છે.) ગંગાબાઈ : તો પછી શું? દિનકર : તો આપણે એ લગ્ન વહેલાં ઉકેલી લઈશું? ગંગાબાઈ : હાય, હાય! તમે, આ શું બોલો છો? ઘરમાં મારા દીકરાની મરણ પથારી ને હું વિવાહ ઊજવું? તમારી તે મતિ ફરી ગઈ છે? દિનકર : પણ તો બીજું શું થાય? અને ધામધૂમ કરવાનું હું ક્યાં કહું છું? એ તો જેમતેમ કરીને વિવાહ ઉકેલી દઈએ તો આફત ટળે ને? બહુ ખરચ નહિ કરીએ. નોતરાંઓ ઓછાં ફેરવશું. (આંટા મારવા શરૂ કરે છે.) ગંગાબાઈ : ધીમે બોલો. વહુ જાણશે તો તેને શું થશે? એ બિચારીને તો આ લગ્ન અસહ્ય થઈ પડશે. દિનકર : ત્યારે બીજું શું કરીએ! એ તો શું આપણને પણ નહિ લાગે? ગંગાબાઈ : પણ તમારી મતિ ઠેકાણે છે? દીકરો મરવા પડ્યો છે ને ઘેર વાજાં વગડાવતાં તમને શરમ નહિ આવે! માણસો શું કહેશે? દિનકર : થયું ત્યારે, કપાવો નાક. પેલો વેવિશાળ તોડી નાંખશે, ત્યારે કોણ તારો બાપ બીજી લાવી લેવાનો હતો? ગંગાબાઈ : પણ જરા ધીમે તો બોલો. તમે આ શું માંડ્યું છે? મને તો તમારા હૃદયની કલ્પના જ નથી આવતી કે એક દીકરાને એક તરફ મરતાં જોતાં પણ બીજાને પરણાવવાનું દિલ ચાલે છે. દિનકર : તમે અંતે બૈરાં તે બૈરાં! તમે શું જાણો સંસારના રંગઢંગ? નાક કપાશે તેનો વિચાર સરખોય નથી આવતો. ગંગાબાઈ : પણ બિચારી ચંપાને માથે આભ તૂટી પડશે તેનું તમને કંઈ જ નથી થતું? પોતાના પતિને મરતો જોશે અને બીજી તરફ પોતાના દિયરને પરણતો જોશે. તેના નિસાસા પડશે ને નખોદ નીકળી જશે. દિનકર : જે થવાનું હોય તે થાય. તો આ લગ્ન જલદી ઉકેલી દેવાનો. ગંગાબાઈ : દુનિયાનો ડર નથી? દીકરાની માયા નથી? દિનકર : બધું છે પણ નાક આડું આવે છે ને બધું ઢંકાઈ જાય છે. અને શું શાંતિને પરણાવશું તેમાં જે મરવાનો છે તે જીવી જવાનો છે? ગંગાબાઈ : હાય, હાય! તમે કેવું બોલો છો? તમારા પોતાના દીકરા વિશે તમે આવું બોલી શકો! કે વકીલાત કરી કરીને હૃદય પાષાણનું બની ગયું છે? જાવ, તમારે જેમ કરવું હોય તેમ કરો. મારી પાસે ફરી આવું ન બોલતા. (આંસુ લૂછે છે.) દિનકર : (બે આંટા માર્યા પછી) પણ એમ નહિ. તું જ વિચાર કે જો વેવિશાળ તૂટે તો પછી શું બાકી રહે? આપણું નાક કપાય અને વળી કોઈ દીકરી ન દે દીકરી! ગંગાબાઈ : હુંય એ સમજું છું; પણ મને તો દુનિયાની બીક લાગે છે. દિનકર : પણ તને તો આમાં વાંધો નથી ને? ગંગાબાઈ : ના. દિનકર : બસ ત્યારે દુનિયાને તો હું પહોંચી વળીશ, ગંગાબાઈ : પણ, અનન્ત જાણશે તો? એ બિચારો આ આઘાત નહિ સહી શકે. તેના અંતકાળમાં પણ આપણે તેને સંતોષ ન આપી શકીએ? દિનકર : જો વળી, પાછાં બોલ્યા કે? ગંગાબાઈ : ઠીક, લ્યો ત્યારે, પણ જે કરો તે વિચારીને કરજો. દુનિયા દોષ ન દે. દિનકર : એ બધું હું વિચારી લઈશ, વળી શાંતિના લગ્નથી તો અનન્તને આનંદ થવો જોઈએ. ગમે તેમ તોય તે તેનો મોટો ભાઈ. ગંગાબાઈ : તેની ફરજ વિચારતાં પહેલાં તમે તમારી વિચારી લો તો? દિનકર : શું વિચારે? હું કાંઈ આ મારા સ્વાર્થ માટે કરું છું? કુટુંબની આબરૂ સાચવવા તો આ બધું થાય છે. પણ ઠીક એ તો હમણાં જ હું ભૂદેવને ત્યાં જાઉં છું અને નક્કી કરી લાવું છું, ત્રીજ, ચોથ, અનુકૂળ આવશે, કેમ? ગંગાબાઈ : હા, હું પણ બધી તૈયારી કરવા લાગું. (વકીલ પાઘડી-ખેસ નાંખી ચાલતા થાય છે.)


પ્રવેશ બીજો


(અગાશી પાસેના ઓરડામાં અનન્તનો ખાટલો છે. તેનું શરીર સાવ પીળું પડી ગયું છે. આંખ ઊંડી ઊતરી ગઈ છે અને તગતગે છે.) અનન્ત : આ પ્રકારનું મૃત્યુ અસહ્ય છે. મને ખાતરી છે કે બે મહિના પછી હું મરી જવાનો. મારાં માતા-પિતાને ખાતરી છે કે બે માસ પછી તેનો વહાલો દીકરો ચાલ્યો જવાનો. અને ચંપા પણ જાણે કે બે માસ પછી તેનું સર્વસ્વ લૂંટાઈ જવાનું. તેઓના મનની શી દશા હશે? મારા મનમાં તો આગ ઊઠે છે. કેવું અઘોર મૃત્યુ! બે માસ પછી મરવાનો છું એ જાણીને જીવવાનું! (ચંપા આવે છે. એકદમ દોડીને આલિંગી પડે છે.) ચંપા, ચંપા ! મારી સામે તો જો (અટકી પડે છે.) કેમ તું રડે છે? શા માટે રડે છે? તારાં આંસુ કાંઈ મૃત્યુ અને મારી વચ્ચે થોડી જ પાળ બાંધવાનાં? (એનો વાંસો પંપાળે છે. ચંપા કાંઈ બોલવા જાય છે.) કેમ અટકી પડી? શું બોલવા જતી હતી? ચંપા : કાંઈ નહીં. અનન્ત : ના, પણ કહે તો ખરી. શું કહેવા જતી હતી? ચંપા : કાંઈ નહિ. અનન્ત : કાંઈ નહિ? કોઈ દિવસ નહિ ને આજે મારું નહિ માને? ઠીક, પણ ઘરમાં આ શેની ધમાલ ચાલે છે? ચંપા : હું એ નહિ કહું. મારાથી એ નહિ કહેવાય. અનન્ત : નહિ કહેવાય? (ચંપા રડી પડે છે.) અને તું રડે છે કેમ? ચંપા : કાંઈ નહિ. એ જાણવાથી કશો ફાયદો નથી. અનન્ત : પણ ના, કહે તો ખરી, મને સતાવે છે કાં? ચંપા : કહું? તમારાં માતા-પિતા તમારા મૃત્યુ વખતે શાંતિને પરણાવવા બેઠાં છે. (ચંપાની આંખમાં અગ્નિ વ્યાપે છે.) અનન્ત : શું? ફરી કહે તો? મેં કદાચ ખોટું સાંભળ્યું. ચંપા : આ બધી ધમાલ શાંતિના લગ્નને કારણે તમે મરવા પડ્યા છો તોય તોરણો બંધાવવાનાં છે. બહાનું આપે છે કે શાંતિના સસરા ધમકી આપે છે કે જો વેળાસર લગ્ન નહિ થાય તો વેવિશાળ તૂટશે. તો તો તમારા પિતાનું નાક કપાય ને? બાપને બેટા કરતાં નાક વધારે પ્રિય લાગ્યું. હૃદય પાષાણનું જ છે. નહિ તો પુત્રના મરણ સમયે આવો વિચાર સરખોય કેમ આવે? અનન્ત : ના, ના, ચંપા તે ખોટું કહેતી લાગે છે. પિતા આવું ન કરે. ચંપા : ખોટું કહું છું? કોને ખોટું કહું? મારા સર્વસ્વને ખોટું કહું? (રડી પડે છે. મોઢું ઢાંકી દે છે.) અનન્ત : ચંપા, તું ખિન્ન ન થા, મને જતાંજતાં તો તને હસતી જોઈ લેવા દે. એ તો દુનિયા! અત્યાર સુધી હું માતા-પિતા, ભાઈ-બહેન એ બધામાં પ્રભુને વીસરી ગયો હતો. આ તો અંતકાળે હરિએ અનુગ્રહ કરી શિખવાડ્યું કે સૌ સ્વાર્થનાં સગાં હોય છે. તે પણ સમજ, ચંપા આ સર્વ ખોટું છે. પણ કહે તો, ચંપા! મારા ગયા પછી તું શું કરશે? (ચંપા અનન્તના હોઠ દાબી દે છે.) ચંપા : એવું ન બોલો. મને શા માટે સતાવો છો? એક તો હું બળી રહી છું, ત્યાં તમે મને કા બાળવા બેઠા? અનન્ત : ના, ના, ચંપા, તું દુ:ખી ન થઈ જતી. તને જે નહિ ગમે તે તો હું નહિ જ કરું. શા માટે કરું? ચંપા મને તારી માફી પણ માગવાનો અધિકાર નથી, ચંપા હું તો પરણવાની કેટલીયે ના પાડતો હતો પણ પિતા મારા શરીરની અવસ્થા જાણતા હતા તોય મને પરણાવ્યો. અને તારો ભવ બગાડ્યો એ પણ નાક ખાતર. મને માફ કર, ચંપા! ચંપા : એવું ન બોલો, કહું છું ને કે એવું ન બોલો. (ચંપા રડી પડે છે.) અનન્ત : ચંપા! (બે હાથે માથું ઊંચું કરીને) મને કશાની ચિંતા નથી પણ એક જ ચિંતા થાય છે. મારા મૃત્યુ પછી તારું શું થશે? ચંપા : તેની તમે ચિંતા ન કરશો. મેં તેનો રસ્તો શોધી લીધો છે. અનન્ત : કયો રસ્તો? ચંપા : કાંઈ નહિ એ તો. (ચંપા અનન્તના ખોળામાં માથું ઢાંકી દે છે.)


પ્રવેશ ત્રીજો


(પહેલાં પ્રવેશવાળો ઓરડો. નીચે ફળિયામાં કોઈ ઉમંગભર્યો કોલાહલ સંભળાય છે. આ ઓરડો પણ ફરી ગયો છે. દીવાલોને નવો રંગ ચડ્યો છે. બધું વ્યવસ્થિત છે. ઓરડામાં ચંપા સિવાય કોઈ નથી. તે તેના હંમેશના પહેરવેશમાં જ લમણે હાથ દઈને બેઠી છે. મોઢા ઉપરની શાંતિ વડવાનળની સૂચના કરે છે.) ચંપા : સગાં! (નિસાસો નાંખે છે.) જોયાં જગતનાં સગાં. એક પિતાને પુત્ર કરતાં આબરૂ વધારે પ્રિય છે. પુત્ર મૃત્યુના બિછાના ઉપર આળોટે છે ત્યારે પિતા પોતાના બીજા દીકરાને પરણાવે છે. એક તરફ પુત્રની મૃત્યુ ચીસો સંભળાશે, અને બીજી તરફ ઉમંગનાં ગીતો ગવાશે. ભાઈ પણ કેવો! અરેરે, તેને વિચાર પણ નહિ થતો હોય કે પોતાનો જ મોટો ભાઈ મૃત્યુ પથારીએ છે? કેવું કઠોર હૃદય! ભાઈને મરતાં જોતાં ફૂલ ઉડાડવા કેમ જીવ ચાલશે? (આંસુ લૂછે છે.) હરિ, હરિ! (ઊભી થઈ અનન્તના ફોટા પાસે જાય છે. અનિમિષ નયને તેની આંખોમાં જોઈ રહે છે.) કેવું સરસ શરીર? આજે કેવું થઈ ગયું છે? (ગંગાબાઈ પ્રવેશ કરે છે. ચંપા મોઢું ફેરવી જાય છે.) ગંગાબાઈ : હજી પણ કપડાં નથી પહેર્યા ને? વહુ, મારું માનશો નહિ ને? (ચંપા નિરુત્તર રહે છે.) કેમ, શાની વાર છે? બાપડો શાંતિ તમારી કેવી વાટ જુએ છે? ચાલો, જલદી કરો, આ છોકરવાદ શી? બધાં બૈરાંઓ પણ તમારી જ વાટ જોઈ અટક્યાં છે. ચંપા : મને શા માટે સતાવો છો? ગંગાબાઈ : તમને સતાવવા માટે શું અમે આમ કરીએ છીએ? ચંપા તમને આમ જોઈને અમારું તો હૃદય વીંધાઈ જાય છે. અમને આ લગ્નમાં કશો જ ઉમંગ નથી. એ તો ફરજ બજાવી લઈએ ને છૂટીએ. (ચંપા નિ:શબ્દ જ રહે છે.) ચંપા! જલદી કરોને. એ તો અમને પણ શું નહીં લાગતું હોય? મારો પણ એ દીકરો જ થાય છે ને? પણ શું કરીએ? જુઓ, સૌ માહ્યરામાં પણ આવી ગયા છે. તમે જલદી કરો નહિ તો મુહૂર્ત ચાલ્યું જશે. ચંપા : (સાવ દીન ભાવે) મને શા માટે સતાવો છો? તમે સમજી શકો છો કે મારાથી આ સ્થિતિમાં આનંદ ન કરી શકાય. મને ત્યાં પણ રોવું આવી જશે. મને અહીં જ રહેવા દો, અહીં જ રોવા દો. ગંગાબાઈ : ચંપા, તમે તો બહુ હઠીલાં. ચાલો, મારું કહ્યું માનો. લ્યો તમે કપડાં પહેરો ત્યાં હું તમારે માથે મોડ ઘાલું. ચંપા : મને અહીં જ રહેવા દો. હું ત્યાં આવીશ તો વળી તમારા આનંદમાં ભંગ પડશે. હું અત્યારે હારી ગઈ છું. મારાથી રડવું નહિ ખાળી શકાય અને સૌનો ઉમંગ ઊડી જશે. ગંગાબાઈ : શું કામ માથું કુટાવો છો, વહુ? તમારું અમે શું બગાડ્યું છે તે અમને નિંદવા બેઠા છો? ચંપા : કશું જ બગાડ્યું નથી અને હું તમને નિંદુ પણ ક્યાં છું? એટલા માટે તો હું ત્યાં આવતી પણ નથી. ભૂલથી રડી જવાય તો..... ગંગાબાઈ :- ઠીક, હવે કપડાં પહેરી લો તો સારું તમારા વિના વહુમાં કોણ થશે? વળી શાંતિએ પણ હઠ લીધી છે કે વહુમાં તો ભાભી જ થાય. અનન્ત પણ તમને હસતાં જોશે ને રાજી થશે. ચંપા : પ્રભુ ખાતર મને સતાવવી છોડો. મને શા માટે દુ:ખી કરો છો? હું અહીં જ સુખી છું. વળી તેમની પાસે પણ કોઈ નથી. ગંગાબાઈ : ઠીક, હવે એક દિવસમાં શું ખાટું-મોળું થઈ જવાનું છે? (ચંપા બીજા ઓરડામાં જવા જાય છે. રોકીને) ક્યાં જાવ છો? ચંપા : એ ઓરડામાં મારાં કપડાં પડ્યાં છે. તે હું પહેરીને આવું છું. ગંગાબાઈ : ઠીક, જલદી પાછી આવજો. હું અહીં જ છું. તમે નહિ આવો ત્યાં સુધી હું અહીંથી ખસવાની નથી. જાવ, જલદી કરો, બેટા! તમે કેવાં ડાહ્યાં છો! (ચંપા જાય છે. ગંગાબાઈના મોઢા ઉપર સંતોષની રેખા તરવરે છે.) હાશ! (ખીંટી ઉપરથી મોડ ઉતારી આમ તેમ જરૂર વિના સરખો કરે છે. ચંપા મજાનો પહેરવેશ પહેરી દાખલ થાય છે. લીલી સાડીમાં તેનું ફિક્કું પીળું મોં દીપી નીકળે છે. વાહ! હવે કેવાં સારાં લાગો છો? અહીં આવો, મોડ ઘાલું, (ચંપા સ્તબ્ધ ઊભી જ રહે છે. એટલે ગંગાબાઈ તેની પાસે આવે છે. મોડ ઘાલતાં ઘાલતાં તેનો હાથ સહેજ ચંપાના ગાલને અડી જાય છે.) આ શું ચંપા તમે ઠંડા કેમ પડતાં જાઓ છો? (એકદમ પાછી પડી જાય છે. ચંપા ધોળી પડતી જાય છે.) વહુ, ચંપા, બેટા! કેમ નથી બોલતાં? તમને શું થયું? હાય, હાય! શાંતિ, શાંતિ! (જોરથી રાડો પાડે છે.) આ શું થયું? બેટા તમને? (પાસે જઈ હાથ પગ તપાસવા લાગે છે. શાંતિ લગ્નના દમામમાં દાખલ થાય છે.) શાંતિ : કેમ? હજુ કેટલી વાર છે? સહુ રાહ જોઈને બેઠાં છે. ભાભી, તમે કેટલાં ઝેરીલાં છો? હું પરણું છું એ પણ તમારાથી નથી જોવાતું? આ ધામધૂમ જોઈને તમારી આંખમાંથી ઝેર કેમ વરસે છે? એક તો નિરાંતે ભણવા કે રમવા પણ નથી દીધો. ઘડીક થાય ને કાં તો દવા મંગાવો ને કાં તો ફળ મંગાવો. ને પરણવામાં પણ વિઘ્ન નાંખો છો? ચાલો, ઉતાવળ કરો. મુહૂર્ત ચાલ્યું જાય છે. ચંપા : શાંતિભાઈ! મારા તમને આશીર્વાદ છે. તમે સુખી થજો. (ચંપા સાવ પૂણી જેવી સફેદ થઈ જાય છે.) શાંતિ : હવે આશીર્વાદ પછી અત્યારે તો ચાલો.

(ચંપા પાસે જઈ હાથ ખેંચે છે. ચંપા તમ્મર ખાઈ નીચે પછડાઈ પડે છે. એક ધડાકો થાય છે. એક બાજુથી અનન્ત અને બીજી બાજુથી દિનકર દોડી આવે છે. સહુ આંખો ફાડી જોઈ રહે છે.)