એકાંકી નાટકો/પ્રાંગણ અને પછીત
દૃશ્ય પહેલું
(સ્થળ: મંદિરનું પ્રાંગણ
કાળ : વહેલી સવાર.
રસ્તાનો એક અંત મંદિરના દ્વાર પાસે આવી રહે છે; અને બીજો અંત દૃષ્ટિગોચર નથી. રસ્તાની સામી કોર સ્વામીજીનું મકાન દેખાય છે. ઝરૂખાની બારીઓ સિવાય બીજું બધું બંધ છે.
તેર વરસની હરિજનની એક છોકરી રસ્તો સાફ કરી રહી છે. વાન શામળો અને વાળની ટૂંકી લટો ઊડતી છે.)
રાધા : (વાળતાં વાળતાં પાછળ ફરી) હજી નહિ આવ્યો. કોઈ દિ’ વચન પાળવું નહિ, અને રોજ વચન આપ્યા કરવાં.
(ફરી વાળવા લાગે છે.) અને અજવાળું થશે કે આવશે. પણ પછી આવ્યું શું કામનું? મળાય પણ નહિ.
(સૂંડલામાં વાસીદું ભરવું શરૂ કરે છે.) વાળીવાળીને તો મારી કમ્મર વળી ગઈ. હવે તો એનો એક ઢીંક પડે તો જ સીધી થાય.
(સૂંડલાને ભરી માથે મૂકે છે. રસ્તાને એક ખૂણે કચરાને નાખવા જાય છે.) એ આવે! કેવું કટાણું સાંધીને આવે છે? પણ અંતે આવ્યો તો ખરો!
(ઝટપટ સૂંડલો નીચે મૂકી, એક પથ્થર ઉપર બેસી જઈ, નીચું માથું રાખી, અડધું મનમાં અને અડધું બહાર, એક ગીત ગણગણવા લાગે છે.)
મારગડો મૂક એલા નંદજીના લાલા,
મારે મહી વેચવાને જાવું જીરે !
વેચવાને ગોરસની ગાગરી શિરે ધરી,
મારે હજી નથી વેચાવું જીરે !
(પંદર વરસનો હરિજનનો એક છોકરો પ્રવેશ કરે છે. અને ચુપકીથી સરી આવીને રાધાની બન્ને આંખો દાબી દે છે. એય શામળો છે અને મોઢા ઉપર શીળીના ઘોબા છે.)
રાધા : (જાણે અકળાતી) કોણ છે, કાળમુખો? (મરડાતી) છોડી દે માર પાટા, અને મૂકી દે મને મોકળી!
(ફરી ઉછાળો મારે છે; પણ છોકરો છોડતો નથી.)
સવારના પો’રમાં મારી છેડ કરનાર તું કોણ? મૂકી દે છે કે બૂમ પાડું?
છોકરો : નામ કહે!
રાધા : નાથીઓ!
છોકરો : ના
રાધા : રામલો
છોકરો : ના
રાધા : ભીમકો, લખુડો, લંગડો, કાળમુખો!
છોકરો : ના, ના, ના, ના.
રાધા : ઠીક, કાનુડા; મૂકી દે. હું પહેલેથી જ જાણતી’તી
કાનો : ના.
રાધા : ના શું? હા! તને દૂરથી આવતો મેં જોયો હતો. પણ મારે તો રાધાકૃષ્ણ ખેલવા’તા.
કાનો : તારી આંખ છોડીને મોઢું દાબવું પડશે, સમજી! આપણે હરિજનને તે કાનગોપી હોય?
રાધા : કેમ ન હોય? હરિજનોને ત્યાંય છોકરા-છોકરી જન્મે છે. માત્ર છોકરા નહિ, હોં! (હાથ ઉપર હાથ મૂકતી) પણ ખોલી દે તો મારી આંખો! જો મને અંધારાં આવે છે. હું તો તને બનાવતી’તી!
કાનો : મને તું શું બનાવતી’તી? જેમ રાધાને વેચાવું હતું પણ વેચાવાની ના કહેતી હતી, તેમ તું જાણતી હતી, ને ન જાણવાનો ડોળ કરતી’તી અને તેની મને ખબર પણ હતી.
રાધા : ઠીક, તું જીત્યો, જા! પણ છોડ તો ખરો!
કાનો : એમ ન છોડું. ગાતી’તી એ ફરી ગા!
રાધા : ગાઉં નહિ!
કાનો : ગવરાવ્યે જ રહું!
રાધા : (ઊછળતી) છોડ : છોડી દે મને! કોઈ આવી જશે તો ફજેતી થશે.
કાનો : ફજેતી આપણી થશે કે જોનારની! ન જોવાનું જોઈ જાય તેમાં તો એમની શરમ!
રાધા : સાવ ગાંડો રહ્યો તું તો! રસ્તા ઉપર તો કૂતરાં બિલાડાં ગેલ કરે! — માણસ નહિ.
કાનો : તે પણ આપણને માણસ ગણે છે કોણ? વળી બાગમાં તો ઘણી વખત હું સામે જ વાળતો હોઉં છતાં ઊંચવરણનાં ભાઈંડા-બાયડી કૂકડાંઓથીય નપાવટ ચાળા કરે છે. એકબીજાને થપાટ મારે, આંગળાં કરડે, રૂમાલ ઉડાડે ને બીજું ઘણું! આપણે તો કાંઈ એવું કરતાં નથી.
રાધા : તે એમને પાલવે, કાનુડા! પોતાથી હલકાંની દેખતાં હીણા થવામાં કોઈને શરમ નથી આવતી. જે લોકો તારી દેખતાં છેડ કરે છે તે લોકોની દેખતાં અમલદારો એવું જ કરે છે; અને અમલદારોની દેખતાં રાજાઓ એવું કરે છે. જોને કૂતરાં-ગધેડાં કાંઈ આપણી શરમ રાખે છે?
કાનો : તો પછી તું શા માટે ખિજાય છે?
રાધા : કેમ કે આ રસ્તેથી કૂતરાંય નીકળે એ પહેલાં સ્વામીજી નીકળશે. અને એમની તો શરમ રાખવી જોઈએ ને!
કાનો : ના....આ......રે! એમને તો એ ઊલટું જોવું ગમે! માત્ર આસપાસ જોઈને પહેલાં ખાતરી કરી લેશે કે બીજું કોઈ જોતું નથી.
રાધા : હવે માથાફોડ મૂક. મને મોડું થાય છે, અને રસ્તો વાળ્યા વિનાનો રહી જાય છે.
(સ્વામીજીના મકાનનું નીચલું બારણું ઊઘડે છે. એમણે કપાળ ઉપર કેસરનું તિલક કર્યું છે, અને હાથમાં રુદ્રાક્ષની માળા છે. હીરકોરું ધોતિયું પહેરી ચાખડી ઉપર ચટાક ચટાક કરતા પગથિયાં ઊતરે છે.
છોકરાંઓને ખબર ન પડે તેમ મલકાતા-મલકાતા આગળ વધે છે.)
કાનો : તું નહિ ગા ત્યાં સુધી આંખો નહિ જ ઊઘડવા દઉં.
રાધા : નહિ શું ઊઘડવા દે?
(ઊછળીને ઊભી થઈ ધક્કો મારે છે. કાનો સ્વામીજી ઉપર અફળાઈ પડે છે. એ જ વખતે બેચાર માણસો દાતણ કરવા બહાર ઓટલા ઉપર આવે છે. રાધાના હોશકોશ ઊડી જાય છે.)
સ્વામીજી : (બૂમ પાડી ઊઠે છે.) અભડાવ્યો! સવાા પો’રમાં મને અભડાવ્યો! (પડેલા કાનાને જોરથી એક પાટુ મારે છે.) દોડજો! મારો આ હરામખોરને! મારો આખો દિવસ બગડ્યો!
(મંદિરમાંથી બે ભૈયા લાઠીઓ લઈ દોડી આવે છે. પાછળ પૂજારી અને મહારાજનું મંડળ છે.
રસ્તા ઉપરનાં મકાનોમાંથી લોકો નીકળી નીકળીને એકઠા થવા લાગે છે.)
સ્વામીજી : (ભૈયાને સંબોધી) પીટી ઈસ સાલેકુ! મુઝે ધર્મભ્રષ્ટ કિયા!
(ફરી એક જોરથી લાત લગાવે છે. કાનો ચીસ પાડી પડી જાય છે.)
રાધા : (બહાવરી થઈ બૂમ પાડતી) મારી નાખ્યો! મારી નાખ્યો કાનિયાને! કોઈ દોડજો! કોઈ બચાવો એને!
(સૂંડલો અને સાવરણી ત્યાંના ત્યાં રાખીને બૂમ પાડતી દોડી જાય છે.)
પહેલો ભૈયો : પીટો! પીટો સાલુકો આજ તો અચ્છી તરહ સે!
(કાના ઉપર લાકડીઓ, જોડા અને ગડદાપાટુનો વરસાદ વરસે છે.)
કાનો : (કરગરતો) માફ કરો. માફ કરો મારા અન્નદાતા! મને આજે છોડી દ્યો! ફરી કોઈ દિ’ આ રસ્તે નહિ ચડું! માફ કરો!
સ્વામીજી : (ત્રાડી ઊઠતા) માફ શું કરે! મારી જાત વટલાવી! મારો દેહ અભડાવ્યો! હવે ઉપદેશમાં મોડું થશે અને લોકો નિરાશ થઈ પાછા જશે! આખો દિવસ બગાડ્યો. સાળા હરામખોર!
(પેટ ઉપર ફરી એક પાટુ લગાવે છે. કાનો બૂમ પાડી ઊંધો પડી જાય છે. એના મોંમાં ફીણ આવી જાય છે.)
વાણિયો : હવે છોડી દ્યો, મા’રાજ! બિચારો ખૂબ પસ્તાય છે!
સ્વામીજી : હવે પસ્તાય છે, અભડાવ્યા પછી.
(શ્વાસ ઉતારતા ઊભા રહે છે. અને પછી દૂર ઊડી પડેલી ચાખડીઓ લેવા જાય છે.)
સ્વામીજી : (હજી પહેલાના જ તોરમાં) ચાલો, હવે સૌ સૌને કામે જાવ. અહીં ટોળે વળવાની કાંઈ જરૂર નથી. ઉપદેશમાં મોડા પડશો પાછા.
(ધીમેધીમે સૌ વિખેરાવા લાગે છે.)
ચાલો હું પણ જઈને ગંગાજળથી સ્નાન કરી લઉં.
(રસ્તા ઉપર કાનો એકલો બેભાન પડી રહે છે. ઓટલો ચડી પાછું ફરી સ્વામીજી ઝડપ ભરી દૃષ્ટિ કાના ઉપર નાખી બારણું વાસી દે છે. એક કાગડો કાના ઉપર થઈને કળેળતો ઊડી જાય છે.)
દૃશ્ય બીજું
(સ્થળ: મંદિરની પછીત
કાળ : એક મહિના પછી એક રમ્ય સાંજ
રસ્તાની સામી કોરે મંદિરનું પછવાડું પડે છે. બરોબર સામે સ્વામીના મકાનનો ઝરૂખો રસ્તા ઉપર ઝળૂંબે છે. નીચે મકાનનો વાડો છે અને એનો દરવાજો વાસેલો છે.
રસ્તો સાંકડો અને નિર્જન છે. સંધ્યાનું પહેલું અંધારું ઊતરે છે અને નિર્જનતામાં ઉમેરો કરે છે.
એક હરિજન-સ્ત્રી રસ્તો વાળે છે. એનાં અંગોમાં ઓસરતું જોબન છે. વર્ણ ઘઉંવર્ણો અને આંખો મીઠી છે. એની આછકલી ગુલાબી સાડી તળે સફેદ ઘાઘરાનો ઘેર, છાતી ઉપર લીલી અટલસનું કાપડું ચળકે છે. વાળ સફાઈથી ઓળ્યા છે. અને ગાલના ગલોફામાં પાન છે. બીડી પી-પીને કાળા થયેલા હોઠ પાનથી લાલ બન્યા છે.)
ગુલાબડી : (રસ્તા ઉપર સાવરણાની જે તોરણ ભાત પડે છે એ તેને ગમતી હોય તેમ ઘડી એને જોવા થંભે છે. પછી પાછું વાળવું શરૂ કરે છે, અને ગીત ઉપાડે છે.)
હું તો કાળુડી નાગણી,
જીવલેણ ડંખ દેતી!
તોયે હું કેવી અભાગણી!
જીવલેણ ડંખ વ્હેતી !
નાગણીને કોઈ ભોરિંગ ડસીયો!
ભોરિંગ ડસીયો!
(વાળતી અટકીને ઉપર ઝળૂંબતી અટારી સામે અપેક્ષાએ જોઈ રહે છે. એની આંખો ચમકે છે.)
રોયો, ઘરમાં નથી લાગતો!
(ફરી વાળવું શરૂ કરે છે, અને જરા વધારે જોરથી ગાવું શરૂ કરે છે.)
હું તો કાળુડી નાગણી,
જીવલેણ ડંખ દેતી!
તોયે હું કેવી અભાગણી!
જીવલેણ ડંખ વ્હેતી!
નાગણીને કોઈ ભોરિંગ ડસીયો!
ભોરિંગ ડસીયો!
(ઉપર ઝરૂખામાંથી ખોંખારો આવે છે. ગુલાબડી સાંભળ્યું ન સાંભળ્યું કરી વાળતી ગાતી રહે છે.)
ભૂંડો ભોરિંગ ડસીયો!
કૂડો ભોરિંગ ડસીયો!
(ઝરૂખામાંથી ફરી ખોંખારો આવે છે. થોડીવાર પછી સ્વામીજી ડોકાય છે. અને ધીમે સાદે ટહુકો કરે છે.)
સ્વામીજી : આવ, ઝેર ઉતારી નાખું, ગુલાબડી.
(ગુબાલડી ગાતી જ રહે છે
ભૂંડો ભોરિંગ ડસીયો!
કૂડો ભોરિંગ ડસીયો!
સ્વામીજી : (કોઈ નથી એની ખાતરી કરી) ગુલાબડી!
ગુલાબડી : (જવાબ નથી દેતી)
સ્વામીજી : ગુલાબડી, ઊંચે તો જો!
ગુલાબડી : એમ ઉપરથી બૂમબરાડા ન પાડશો!
સ્વામીજી : તું તો જબરી! લે, નીચે આવું ત્યારે!
ગુલાબડી : (વાળતાં વાળતાં)
નાગણીને કોઈ ભોરિંગ ડસીયો!
ભૂંડો ભોરિંગ ડસીયો!
(વાડાનું બારણું ઊઘડે છે, અને સ્વામીજી અડધા લપાઈને ઊભા રહે છે.)
સ્વામીજી : આ કાપડી તો મેં મોકલાવી હતી તે! અને આ ઘાઘરો પણ ગોરાણીવાળો! ગુલાબડી, તું આજે તો સોળે શણગાર સજીને આવી છે, હો!
ગુલાબડી : ગરીબની છેડતી ન કરો, મા’રાજ!
સ્વામજી : તું વળી કે’દિની ગરીબ થઈ ગઈ? આ તારી આંખોમાં તો રૂપિયાની કોઠીઓ ભરી છે.
ગુલાબડી : તમે અમારા માબાપ ગણાવ, મા’રાજ! આ ન શોભે!
સ્વામીજી : હવે દુનિયામાં બધું માબાપ જ છે ને! મૂક તારા ચાળા હવે જો, આમ ઓરી આવ તો!
ગુલાબડી : ના. કોઈ જોઈ જાય. ગોરાણી જીવતી જ દાટી દે ને!
સ્વામીજી : ગોરાણીને તો ફરવા મોકલી દીધાં છે. અને માણસોનેય મંદિરમાં રવાના કર્યાં છે.
ગુલાબડી : પણ કોઈ રસ્તે નીકળે તો ભોગ લાગે!
સ્વામીજી : અરે પણ અત્યારે કોણ તારો દાદો અહીં....
ગુલાબડી : (આંખો નચાવી) તો હું આ ચાલી...
સ્વામીજી : ના...ના....ના....ના! એમ શું કરે છે, ગુલાબડી? જો હુંય થોડો બહાર આવું, અને તુંય થોડી પાસે આવ!
(બન્ને તેમ કરે છે. સ્વામીજી એનો હાથ પકડે છે.)
સ્વામીજી : ગુલાબડી!
ગુલાબડી : બોલો! (આંખો નચાવે છે અને પછી નીચે જોઈ જાય છે.)
સ્વામીજી : પણ તું ક્યાં ગઈ હતી એ તો બોલ? એક મહિનાથી દેખાઈ નહીં તે શું જમ...
ગુલાબડી : (હાથ તરછોડતી) પાછા?
સ્વામીજી : ના...ના...ના...ના. પણ હું રોજ સાંજે તારી રાહ જોતો. પણ તું આવે જ નહિ! તારે માટે એ સાડીઓ મગાવી રાખી છે.
ગુલાબડી : તો આપો આજે.
સ્વામીજી : તે શું આપ્યા વિના રહી શકવાનો છું? પણ કહે તો આટલા દિવસ ક્યાં ગઈ હતી?
(એના વાંસા ઉપર હાથ ગોઠવે છે.)
ગુલાબડી : મા’રાજ, મારો જવાનજોધ દીકરો ફાટી પડ્યો. અહીં હું ગાંડી થઈ જઈશ એમ ધારીને મારા બાપુ મને મારે પિયર ઉપાડી ગયા. પણ તમારા વિના ચેન શે પડે? હું પાછી ચાલી આવી.
સ્વામીજી : (ધ્રાસકો પડે છે.) દીકરો મરી ગયો? કેમ કરતાં?
ગુલાબડી : (શાંતિથી) એ કેમ ખબર પડે? એક મહિના પહેલાં થોડાંએક માણસો સવારમાં એને ઉપાડીને ઘેર લાવ્યા. જોયું તો પેટ ફાટી ગયું હતું, અને મોંમાંથી ફીણ નીકળી ગયાં’તાં!
સ્વામીજી : (શામળા પડી જાય છે. ભૂલમાં ને ભૂલમાં હાથ જોડી દે છે.) અરેરે! (પાછા જાગૃત થતાં ફરી હાથ પકડે છે. પાસે ખેંચે છે અને છાતી ઉપર એનું ગળું જોરથી દાબે છે.) પણ મૂક એવી વાતો! માંડમાંડ મળ્યા ત્યાં એ ક્યાં માંડીએ, ખરું ને? અને પછી બે સાડીઓ આપીશ હોં!
ગુલાબડી : (એમને બહાર ખેંચતી) પણ બહાર તો નીકળો!
સ્વામીજી : બહાર નહિ અંદર વાડામાં ચાલ!
ગુલાબડી : વાડામાં નહિ! ઘામ થાય. અહીં મઝા છે અને અહીં પછીતે કોણ આવવાનું હતું?
સ્વામીજી : પણ... પણ...
ગુલાબડી : હવે પણ બણ શું? (એકદમ ઊછળીને એને બહાર ખેંચી કાઢી રસ્તા ઉપર પછાડે છે. પછી એને બાથ ભીડી પડખે આળોટી પડી બૂમ પાડવા લાગે છે.)
દોડજો! દોડજો રે કોઈ! મારી લાજ લૂંટાણી! મારી દેહ વટલાણી! મને ભ્રષ્ટ કરી!
(સ્વામીજી છૂટા થવા વ્યર્થ પ્રયત્નો કરી રહે છે.
અડખેપડખેના ઘરોમાંથી લોકોને નીકળતા જોઈ ગુલાબડી વધારે શોરબકોર કરે છે.)
અરે દોડજો રે! કોઈ દોડજો રે! પીટ્યો મને અબળાને એકલી ભાળી ઘોડો થયો! હું ભાગતી’તી એટલે મને પછાડીને ઉપર ચડી બેઠો! હરામખોર! કોઈ બચાવો! બચાવો!
(લોકો ટોળે મળી અવાક થઈ ઊભા રહે છે.
જોગમાયાની જેમ ગુલાબડી સ્વામીજીની ઉપર ચડી બેસે છે; એની આંખો ફાટી ગઈ છે. અને અંદરથી અંગારા ઝરે છે. બે હાથથી એ સ્વામીજીનું માથું ઉપાડીને પછાડે છે.)
હરામખોર!
(એક લાત મારીને ચાલતી થાય છે. બધા બાઘા બનીને જોઈ રહે છે.)
કોઈ ન મળ્યું તે મને હરિજનને..... ....?