એકોત્તરશતી/૩૯. યથાસ્થાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યથાસ્થાન

કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? ક્યાં છે તારું સ્થાન? વિદ્યારત્નના મહોલ્લામાં જ્યાં પંડિતો વસે છે, આકાશને વ્યાપીને છીંકણી ઊડે છે કોની મગદૂર છે કે ત્યાં ઊભો રહે? જ્યાં દિવસરાત સદાય સૂક્ષ્મ તર્ક ચાલી રહ્યો છે કે પાત્રને આધારે તેલ છે કે તેલને આધારે પાત્ર; જ્યાં મોહના અંધકારનો નાશ કરનાર પોથીનાં પાનાં ઢગલાબંધ છે, એની વચ્ચે તું એક ખૂણામાં આસન લેવા ચાહે છે? આ સાંભળીને ગીત ગુંજરી ગુંજરીને કહે છે, નહીં, નહીં, નહીં. કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? કઈ બાજુનું તને આકર્ષણ છે? પાષાણથી રચેલા મહેલોમાં ભાગ્યવંતો રહે છે. મેહોગનીના ઘોડાને ભરીને પાંચ હજાર ગ્રંથો પડ્યા છે. સોનેરી શાહી પર ડાઘ સરખો પડતો નથી. કોઈ પાનાં ઉઘાડતું નથી, જાણે કે અસ્વાદિત મધુ કે અનાઘાત જૂઈ. પૂરેપૂરા જતનપૂર્વક નોકરો નિત્ય ધૂળ ઝાપટે છે. હે મારી છંદોમયી ત્યાં જવું છે? આ સાંભળીને ગીત કાનમાં મર્મરીને કહે છે, 'નહીં, નહીં, નહીં.' કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? ક્યાં આદરમાન પામવાં છે? જ્યાં જુવાન વિદ્યાર્થી એક્ઝામના વાચનમાં મંડી પડ્યા છે, પરંતુ મન તો ક્યાંથી ક્યાં સરકી જાય છે. અપાઠ્ય એવાં સૌ પાઠ્યપુસ્તકો સામે ખુલ્લાં પડ્યાં છે. વડીલોના ભયથી કાવ્યને ગોખલાના તાકામાં મૂકી રાખ્યાં છે. તે જગાએ અસ્તવ્યસ્ત અવ્યવસ્થાનો મેળો જામ્યો છે, તેની વચ્ચે હે ચપલ, શું તારે રમવું છે? એ સાંભળીને ગીત દ્વિધાથી મૂંગું રહે છે અને જાઉં જાઉં કરે છે. કયા હાટમાં તું વેચાવા ચાહે છે, હે મારા ગાન? ક્યાં તારા ઉગાર થશે? ભંડારમાં જ્યાં લક્ષ્મી જેવી વહુ કામમાં લાગી ગઈ છે, વચમાં વચમાં છૂટ્ટી મળતાં ઓરડામાં દોડી જાય છે, ઓશીકાની નીચે ચોપડી સંતાડેલી છે તેને તે ખેંચી કાઢે છે. બાળકના અત્યાચારથી એનાં પાનાં ફાટીતૂટી ગયાં છે—મેશથી અંકાયલી, સિંદૂરથી લેપાયલી, વાળની વાસથી ભરેલી પથારીને છેડે ફાટીતૂટી સ્થિતિમાં શું તું જલદી જલદી જવા ચાહે છે! લોભથી કંપતું ગીત છાતી પર નિસાસો નાખીને સ્તબ્ધ રહે છે. કયા હાટમાં વેચાવા ચાહે છે, હે મારા ગાન? તું ક્યાં જીવન પામીશ? જ્યાં સુખમાં તરુણયુગલ પાગલ બનીને ઘૂમે છે, સૌની નજર ચૂકવીને અંધકારને ઓઝલ સમજીને શોધે છે, પંખીઓ તેમને ગીત સંભળાવે છે, નદીઓ તેમને વાત કહે છે, પુષ્પો, લતાઓ અને પાંદડાંઓ એમને કેટલીયે જાતના છંદ સંભળાવે છે. એ સ્થાન પર સરલ હાસ્ય અને સજલચક્ષુની નિકટ, વિશ્વબંસીના ધ્વનિની વચ્ચે જવાની ઇચ્છા છે? એકદમ ઊછળીને કહે છે મારું ગાન—' ત્યાં જ મારું સ્થાન!' જુલાઈ, ૧૯૦૦ ‘ક્ષણિકા’

(અનુ. નિરંજન ભગત)