એકોત્તરશતી/૬૨. ધુલા મન્દિર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધુલામંદિર

ભજન, પૂજન, સાધન, આરાધના—બધું પડ્યું રહેવા દે. તું શું કરવા બારણાં બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે? અંધકારમાં છુપાઈને તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે? આંખ ખોલીને જો તો ખરો, ઓરડામાં દેવ તો છે નહિ. તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે, મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે, ત્યાં ગયા છે, અને તડકામાં ને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત મજૂરી કરે છે. તેમને બે હાથે ધૂળ લાગી છે, તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ. મુક્તિ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં? પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને. વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં, ધૂળ માટી લાગે તો ભલે લાગતી. તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા. અને માથાનો પસીનો પગે ઊતરવા દે. ૧૧ જુલાઈ, ૧૯૧૦ ‘ગીતાંજલિ’

(અનુ. નગીનદાસ પારેખ)