ઓખાહરણ/કડવું ૧૪

કડવું ૧૪

[પ્રણયલીલામાં ચોમાસુ વીતી જતાં, સગર્ભા બનેલી ઓખાને જોઈ જતાં મંત્રી દ્વારા રાજા બાણાસુરને તેની જાણ થાય છે અને બાણાસુર મંત્રીને તપાસ માટે મોકલે છે.]

રાગ દેશાખ
વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગવિલાસ,
સુખ પામી ઘણું રે, તેહવે આવ્યો આશ્વિન માસ. ૧

રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમાર,
‘કન્યારૂપ ક્યહાં ગયું રે? ઓખા દીસે છે રે નાર! ૨

ચિત્રલેખા છે નહિ. રે, એકલડી દે દર્શન,
રાતી રાતી આંખડી રે, પ્રફુલ્લિત દીસે તંન. ૩

હીંડે[1] ઉર ઢાંકતી રે, શકે થયો છે નખપાત,
અધર પર શ્યામતા રે, કોએક પુરુષ-દંતના ઘાત. ૪

સેવક સંચર્યા[2]રે દેખીને નવો વિકાર,
મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર. ૫

પ્રધાન પરવર્યો રે જહીં છે અસર કેરો નાથ,
‘રાયજી! સાંભળો રે,’ કહે છે મંત્રી જોડીને હાથ. ૬

‘લૌકિક વારતા રે, એક આપણને લાંછન,
જીભલડી છેદીએ રે, કેમ કહું પ્રગટ વચન? ૭

બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારીરૂપ;’
એવું સાંભળી રે, આસનથી ડગિયો ભૂપ. ૮

ધજા ભાંગી પડી રે, અમથી અકસ્માત,
બાણ કંપ્યો ઘણું રે, ‘મંત્રી! કહેને સાચી વાત.’ ૯

‘શિવે કહ્યું તે થયું રે : તારી ધજા થાશે પતન.
ત્યારે જાણજે રે, કો રિપુ થયો ઉત્પન્ન.’ ૧૦

‘જાઓને મંત્રી! તમો રે, જુઓ પુત્રી કેરી પેર,
કોઈ જાણે નહિ રે, તેમ તેડીને લાવો ઘેર.’ ૧૧

પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન,
ઓખાને માળિયે રે, હેઠા રહીને વદે વચન. ૧૨

કૌભાંડ ઓચરે રે, ‘ઓખાજી! દો દર્શન;
ચિત્રલેખા કાંહાં ગઈ રે? ચાલો, તેડે છે રાજન’. ૧૩

થર થર ધ્રૂજતી રે, પડી પેટડિયામાં ફાળ,
‘શું થાશે, નાથજી રે? આવી લાગી છે જંજાળ! ૧૪

તમો રખે બોલતા રે, નાથજી! દેશો મા દરશન.’
મુખ ઊડી ગયું રે, થયાં સજળ બે લોચન. ૧૫

બાળા બેબાકળી રે, કંપે કદલી[3]સરખા ચરણ;
કસણ કસ્યા વિના રે કંચુકી, અવળાં છે આભરણ. ૧૬

બારીએ બાળકી રે, ઊભી રહી ત્યાં આવી,
કૌભાંડે કુંવરી રે અભયવચને બોલાવી : ૧૭

‘ચિત્રલેખા કહાં ગઈ? એકલડી દે દર્શન!
કન્યારૂપ કહાં ગયું રે, જે તું થઈ છે નારી-તન? ૧૮

શરીર સંકોચતી રે, વ્રેહે વ્યાકુળી રે, બહેની!
ઘર માંહે કોણ છે રે? શીઘે્ર મુજને સાચું કહેની.’ ૧૯

ઘૂંઘટડો તાણતી રે બોલે ઓખા ભાંગી વાત :
‘ડીલ વારુ નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, ૨૦

તેણે હું વ્યાકુળી રે, નયણે ભરું લોચન,’
કૌભાંડ ઓચરે રે, ‘કાં બોલો આળપંપાળ? ૨૧

હેઠાં ઊતરો રે, નહિ તો ચડીને જોશું માળ. ૨૨

વલણ
‘ચડીને જોશું માળ જ્યારે, ભાંગશે તમારો ભાર રે;
એવું જાણી હેઠાં ઊતરો, રાય કોપ્યો છે અપાર ૨ે.’ ૨૩



  1. હીંડે-ચાલે
  2. સંચર્યા-ચલ્યા
  3. કદલી-વેલો