ઓખાહરણ/કડવું ૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૮

[અનિરૂધ્ધની વીરતાથી બાણાસુરના વિશાળ સૈન્યના આગમન વિશે સાંભળી, ઓખા-પોતાના પ્રિયતમ વિશે ચિંતા વ્યક્ત કરે છે, યુધ્ધમાંથી તેને નાસી જવા વિનવે છે પણ અનિરૂધ્ધ તેને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવા સમજાવે છે.]

રાગ મારુની દેશી
‘મારા સ્વામી ચતુરસુજાણ, બાણદાળ[1] આવે રે, જાદવજી!
દીસે સેન્યા ચારે પાસે, થાશે શું હાવે રે? જાદવજી! ૧

એ બળિયા સાથે બાથ, નાથ! કેમ ભીડો રે? જાદવજી!
હું તો કહું છું તમારી દાસી, નાસી હીંડો રે, જાદવજી! ૨

ઓ દળ બળવંત દીસે, રીસે રાતા રે, જાદવજી!
બળિયા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી! ૩

ઓ ગજ આવ્યા બળવંત, દંત કેમ સાહાશો રે? જાદવજી!
આ અસુર-અર્ણવ[2] વાધ્યા, તણાયા જાશો રે, જાદવજી! ૪

એવું જાણીને ઓસરીજે, ના કીજે ક્રોધ રે, જાદવજી!
તમો એકલાને આશરો શાનો? માનો પ્રતિબોધ રે, જાદવજી! ૫

હાં, હાં, ધીરા થાઓ, ધાઓ તે ફાંસુ રે, જાદવજી!
મારી જમણી આંખડી ફરકે, વરખે આંસુ રે, જાદવજી! ૬

મને દિવસ લાગે ઝાંખો, નાખોને ભોગળ રે, જાદવજી!
એ તો ના સમજે સમજાવ્યું, આવ્યું ઓ દળ રે, જાદવજી! ૭

તમો હું-દેહડીના હંસ, ધ્વંસ છે જુદ્ધે રે, જાદવજી!
વેશ પાલટી પાછા વળો, પળો[3] મારી બુદ્ધે રે, જાદવજી! ૮

‘તમે ઘેલાં દીસો છો ઘરુણી, તરુણી! મૂકો ટેવ રે, રાણીજી!
અમે બાણ થકી કેમ ઓસરશું? કરશું સેવ રે? રાણીજી!

જો અનિરુદ્ધ રણથી ભાજે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી!
નાઠે અર્થ નવ કોઈ સીજે[4], કીજે શી ચાલ રે? રાણીજી! ૧૦
વલણ
ચાલ ન કીજે, અતિ ઘણી, અંતે રાખશે મોરાર રે;’
ધાયો નાથ નિરભે થઈ, પછે રોવા લાગી નાર રે. ૧૧



  1. બાણદળ-બાણાસુરનું સૈન્ય
  2. અર્ણવ-દરિયો
  3. પળો-અનુસરો
  4. સીજે-સરે