કથાલોક/આઝાદી પરસ્ત આત્માનું પ્રતીક



આઝાદીપરસ્ત આત્માનું પ્રતીક

૧૯૦૨ના ફેબ્રુઆરીની સત્તાવીસમી તારીખે કૅલિફોર્નિયામાં સેલીનાસ મુકામે જૉન સ્ટાઈનબેકનો જન્મ થયો. આ અમેરિકન સાહિત્યકાર પિતૃપક્ષે જર્મન છે અને માતૃપક્ષે આયરિશ છે. પિત્રાઈ વંશાવળી જોતાં તો તે મૂળ સત્તરમી સદીના એક મેસેચ્યુસેટ કુટુમ્બમાંથી ઊતરી આવ્યો છે. છતાં અધિકાંશે તે કૅલિફોર્નિયાની ખીણનો જ એક આદમી છે, જે સ્થળે લગ્ન પછી એ સ્થાયી નિવાસ કરી રહ્યો છે. સેલિનાસ હાઈસ્કૂલમાંથી સ્નાતક થઈને સ્ટાઈનબેકે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ચાર વર્ષ ગાળ્યાં. પણ આ સંસ્થામાં તે નિયમિત વિદ્યાર્થી તરીકે નહિ પણ એક ખાસ અભ્યાસી તરીકે જ જોડાયો હતો. વિજ્ઞાન અને વિશેષતઃ પ્રાણીશાસ્ત્ર તેનો પ્રિય વિષય હતો. લેખક બન્યા પૂર્વે તે ઘણા ધંધા કરી ચૂક્યો હતો. કકડે કકડે અભ્યાસ કરવાથી છેવટે વિદ્યાલયની ઉપાધિ મેળવ્યા વિના જ અભ્યાસ છોડવો પડેલો. એ દરમિયાન એક ખાંડના કારખાનામાં અને એવી બીજી નોકરીઓ કરેલી. છેવટે, ધંધાર્થી લેખક બનવાનો સંકલ્પ કરીને ન્યૂયોર્ક તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં એક છાપામાં ખબરપત્રી તરીકે કામ શરૂ કર્યું, પણ તરત એમાંથી પાણીચું મળ્યું, કારણ કે ભાઈસાહેબ સમાચારોને સીધેસીધા મોકલવાને બદલે પોતાની રીતે કાવ્યમય બાનીમાં પોતાના અંગત વિચારો અને ટીકાટીપ્પણો ઉમેરીને મોકલતા. પછી મૅડિસન સ્કવેરનો બગીચો બંધાતો હતો, ત્યાં ઈંટાળાં સારવાનું કામ સ્વીકાર્યું. કૅલિફોર્નિયા પાછા ફરીને એક મકાનના શિયાળુ પગી તરીકે નોકરી લીધી, પણ જ્યારે મકાનમાલિકોને ખબર પડી કે એક ઝાડ પડવાથી છાપરું ભાંગી ગયું છે, ત્યારે સ્ટાઈનબેકને ફરી પાણીચું મળ્યું. તેની પહેલી જ નવલકથા ‘કપ ઑફ ગોલ્ડ’ ૧૯૨૯માં પ્રગટ થઈ. બીજી ‘પેશ્ચર ઑફ હેવન’ ૧૯૩૨માં અને ત્રીજી ‘ટુ એ ગોડ અનનોઉન’ ૧૯૩૩માં બહાર આવી. પણ આ ત્રણેય નવલકથાઓના પ્રકાશનથી એનું આર્થિક દારિદ્રય ન ફીટ્યું. ત્રણેય કથાઓની ભેગી મળીને ૩૦૦૦ નકલ પણ ન ખપી. હતાશ થઈને તેણે ધંધાર્થી લેખક બનવાની આશા છોડી દીધી હતી, ત્યાં જ ચોથી નવલકથા ‘ટોર્ટીલ્લા ફ્લેટ’ ૧૯૩૫માં પ્રગટ થઈ, જેની ઉપરાઉપર આઠ આવૃત્તિઓ થવા પામી અને એના ચલચિત્રના હક્કો પણ વેંચાયા. સ્ટાઈનબેકને જિંદગીમાં પહેલી જ વાર વધુ નહિ તો એક વર્ષ માટે આર્થિક ઉપાધિમાંથી રાહત મળી. આ સફળતાએ તેને સારી પ્રસિદ્ધિ પણ આપી અને પાંચમી નવલકથા ‘ઇન ડયુબીઅસ બેટલ’ પણ સફળ પ્રકાશન બન્યું. કેટલાક વિવેચકોએ આ કથાને ઉત્તમ ગણી, ત્યારે ઉદ્દામવાદીઓને કથામાંનું ઉદ્દામ નેતૃત્વ ન ગમ્યું, જ્યારે કેટલાક પ્રત્યાઘાતીઓને હડતાલનાં વર્ણનો ખૂંચ્યાં. પણ કૅલિફોર્નિયાની કૉમનવેલ્થ કલબે તો એ કથાને કૅલિફોર્નિયન લેખકોની વર્ષ દરમ્યાનની કૃતિઓમાંની સર્વોત્તમ ગણીને સ્ટાઈનબેકને સુવર્ણચન્દ્રક આપીને અભિવાદન કર્યું. બહારની દુનિયામાં સ્ટાઈનબેકનો ડંકો વગાડનાર નવલકથા ‘ઑફ માઈસ ઍન્ડ મેન’ ૧૯૩૭માં આવી. કૅલિફોર્નિયાના એક નાનકડા ખેતરમાં બે ભાઈબંધો જૉજ અને લેનીની એમાં વાત છે. ખેતરમાં મજૂર તરીકે કામ કરી, પાંચ પૈસા રળીને પછી વતન પાછા ફરી, પોતાનું ખેતર વસાવવાનાં એમને સ્વપ્નાં આવે છે. પણ લેનીને નાનકડાં કોમળ પ્રાણીઓ પાળવાનું અને રમાડવાનું એવું તો ખતરનાક વ્યસન છે, કે સસલાં–ઉંદરડાં સાથે પ્રેમ કરતાં કરતાં એની ડોક મરડીને મારી નાખે ત્યારે જ એ જંપે. આવે જ ઉગ્ર પ્રેમ એ એના માલિકની યુવાન પત્ની સાથે કરે છે અને એ બનાવ બન્ને ભાઈબંધોનાં સ્વપ્નાંને ધૂળમાં રગદોળનાર બને છે. આ નવલકથામાં રહેલું જોરદાર નાટ્યતત્ત્વ તથા નાટક માટે અનિવાર્ય એવી એકસૂત્રતાથી આકર્ષાઈને ૧૯૩૮માં સ્ટાઈનબેકે એનું નાટક રચ્યું અને બ્રોડવેનાં પ્રેક્ષકોને ગાંડાં કર્યાં. ૧૯૪૦ની શરૂઆતમાં એનું ચલચિત્ર પણ બહાર આવ્યું. ચલચિત્રમાં ઝડપી ક્રિયાતત્ત્વને લીધે છેવટની નાટકી પરાકાષ્ટા તો મૂળ નવલકથાનેય ટપી જાય એટલી જોરદાર અને સ્પર્શક્ષમ બની છે. સ્ટાઈનબેકને સામાન્યતઃ ‘રાક્ષસી ઊંચાઈવાળો અને સુંવાળા વાળવાળો’ વર્ણવાય છે. મોન્ટરે અખાતના કાંઠાળ પ્રદેશનો એ માનવી છે. ભૌતિકશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને પ્રાણીશાસ્ત્ર ઉપરનાં પુસ્તકો એને વાંચવાં ગમે છે, વાર્તાસાહિત્ય એ બહુ ઓછું વાંચે છે — જોકે, થેકરે એનો પ્રિય લેખક છે. ઈ. સ. ૧૯૩૦માં કેરોલ હેનિંગ સાથે એનું લગ્ન થયું અને લગ્ન પછી ‘ટોર્ટિલા ફ્લેટ’ની કથાની કર્મભૂમિ મોન્ટરેમાં દમ્પતી થોડો સમય રહ્યાં. ત્યાં તેમણે પોતાની એક લોન્ચ વસાવી અને ઘણોખરો સમય દરિયાઈ સફરોમાં તેમ જ માછલાં પકડવામાં ગાળતાં. આ ધંધો તેમને બહુ જ મદદરૂપ બન્યો, કારણ કે એ સમયે તેઓ મહિને પચ્ચીસ ડૉલર ઉપર દહાડા ગુજારતાં. આમ તે સ્ટાઈનબેક વિશે બહુ ઓછું જાણવા મળી શકે છે. પોતે અત્યંત શરમાળ પ્રકૃતિ ધરાવે છે. જાહેરમાં આવવાનો લગીરેય અભરખો નથી અને પોતાના ખેતરનું શાન્ત સાદું જીવન જ પસંદ કરે છે. ‘ગ્રેઈપ્સ ઑફ રૉથ’ને પુલિત્ઝર પારિતોષક અર્પણ થયું અને એનું ચલચિત્ર ઊતર્યું, ત્યારે ભલભલા વિવેચકોને પણ તેણે મુલાકાત આપવાની ના પાડેલી. હોલીવૂડ પ્રત્યે પણ એને ન્યૂયોર્ક જેટલો જ અણગમો છે. જાહેર ખાણાંઓ પણ એને નથી ગમતાં અને જાહેર ભાષણો ટાળે છે. પોતાનો ફોટોગ્રાફ લેવાય એ પ્રત્યે એને ચીડ છે. એક સમય એવો હતો, જ્યારે પોતે સામાન્ય દાડિયા તરીકે ખેતરમાં મજૂરી કરતો. આજે રોયલ્ટીના પૈસાની ટંકશાળ પડે છે છતાં અમનચમન માણવાનો એને સમય તેમ જ સ્પૃહા નથી જ. નાઝીઓ સ્ટાઈનબેકને યહૂદી ગણે છે. ‘ઍસોસિયેટેડ ફાર્મર્સ એને અગમ્યવાદી ધારે છે. વસ્તુતઃ એની પાસે આવા કોઈ બંધિયાર વાદ કે પંથ જેવી વિચારસરણી જ નથી. સ્ટાઈનબેકની સાહિત્યકૃતિઓનું આગળ પડતું લક્ષણ એમાં રહેલું વૈવિધ્ય અને બહુશ્રુતપણું છે. તેની પહેલી નવલકથામાં રંગદર્શી ઇતિહાસ છે, તો ‘ટોર્ટિલા ફ્લેટ’માં આનંદની છોળો ઊડે છે. ‘ધ લોંગ વેલી’માં મનોવ્યાપારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, ત્યારે ‘ઈન ડયુબીઅસ બેટલ’માં સમાજશાસ્ત્રીય અભ્યાસ છે. ‘ગ્રેઈપ્સ ઑફ રૉથ’ને પુલિત્ઝર પારિતોષક અર્પતી વેળા ઘણા વિવેચકોએ એને છેલ્લાં દસ વર્ષ દરમ્યાનની સર્વોત્તમ કથા કહી હતી. ૧૯૪૦ના મે સુધીમાં એની ચાર લાખ ને પચીસ હજાર નકલો ખપી ગઈ હતી. આ કથામાં રહેલું સામાજિક વસ્તુ બહુ સ્પર્શક્ષમ છે. ગરીબીમાં પિલાઈને ભૂખે મરતા થયેલા ‘ડસ્ટ બૌલ’ ગણાતા પ્રદેશના લોકોનો સામટો સંઘ કૅલિફોર્નિયામાં રોજી કમાવાની આશાએ હિજરત કરે છે. આ સંઘમાં ‘એકી’ તરીકે ઓળખાતું જૉડ કરીને એક નમૂનેદાર કુટુંબ છે. વિશાળ હૃદયના અને હિમ્મતબાજ ‘મા’, જે આખા કુટુંબને એક પ્રેમગાંઠે ગંઠી રાખે છે, જેલમાંથી પેરોલ ઉપર છૂટીને આવેલો પુત્ર ‘હોમ’, ‘અલ’ ગ્રમ્પા અને ‘રોશરાન’ને લઈને આ આખો કાફલો એક જૂને મારગે આગળ વધે છે. કુટુંબનાં બે માણસો તો રરતામાં જ મૃત્યુ પામે છે. રસ્તે અહીંતહીં ડેરા નાખતું કુટુંબ આગળ વધે છે. છેવટે તેઓ કૅલિફોર્નિયા પહોંચે છે અને સરકારી છાવણીમાં ધામા નાખે છે. પણ પછી શેરીફો અને મજૂર કન્ટ્રાક્ટરો એમને હડધૂત કરે છે. ટૉમના એક મિત્રને એક માણસે મારી નાખવાથી ટૉમ એનું ખૂન કરે છે, અને છેવટે ભોંયભીતર જવું પડે છે. રોસાશર્નને મરેલું બાળક અવતરે છે, પણ માને હજી આશાભંગ નથી થતો. ‘ગ્રેઈપ્સ ઑફ રૉથ’ એ ખેડૂત જીવનની તાદૃશ કથા છે. ખેડૂતોના રઝળપાટની યાતનાઓનું એમાં બયાન છે. ‘જૉડ’ કુટુંબનું આલેખન કરીને સ્ટાઈનબેકે તળપદા લોકજીવનના મર્મને સ્પર્શ કર્યો છે. આનું વર્ણન જોમભર્યું અને રંગદર્શી છે. જોકે છેવટના ભાગમાં કથા કૃત્રિમ રીતે નાટકી બની જાય છે, છતાં એમાંનાં પાત્રોની બોલી તો સર્વાંશે અને તળપદી સત્યનિષ્ઠ જ છે. નજીવા નાના નાના પ્રસંગોમાં પણ લેખકે ચીવટથી ઘેરા રંગ પૂરી બતાવ્યા છે. એ પ્રચારલક્ષી નવલકથા નથી, પણ હળાહળ અન્યાયો સામે પણ ટકી રહેતા માનગૌરવની અને નિ:સહાય રોષની કરુણ કથા છે. ‘ગ્રેઇપ્સ ઑફ રૉથ’નું ઉતારવામાં આવેલું ચલચિત્ર તો સર્વોચ્ચ દિગ્દર્શન, અદાકારી તેમ જ ફોટોગ્રાફીનો ત્રિવેણીસંગમ છે. કથાનાં છેવટનાં થોડાંક દૃશ્યો ચિત્રમાં છોડી દેવામાં આવ્યાં છે પણ એ કાંઈ બહુ મહત્ત્વનાં નહોતાં. જૉડ છેવટે છાવણીમાંથી નાસી છૂટે છે. અને ચિત્ર પૂરું થાય છે. મૂળ કથાની કેટલીક વસ્તુઓને ચિત્રમાં જોકે મઠારવામાં આવી છે, છતાં મૂળ કથાની સંવેદના ચિત્રમાં તલભાર પણ ઓછી નથી થતી એ હકીકત હોલીવૂડના ચિત્રઉત્પાદકોની યશાકલગી છે. સ્ટાઈનબેકની કલામાં કેટલીક દેખીતી મર્યાદાઓ પણ છે. કથાઓનું માળખું ગોઠવવવામાં એને બહુ ફાવટ નથી. સંકલના બહુ જ નબળી હોય છે. ઘણુંખરું તો એ સિનેમાને નજર સામે રાખીને જ લખે છે. ‘ઑફ માઇસ ઍન્ડ મૅન’નું ગુંફન એવી તો સિફતથી કરેલું કે બે સેટ ઉપર જ આખું ચિત્ર ઉતારી શકાય. શૈલીમાં વધારે પડતું સભાનપણું દેખાઈ આવે છે. વસ્તુની માવજત કરવામાં એ જાણે કે કોઈ યાંત્રિક બનાવટોનો આશરો લે છે. ભારેખમ વસ્તુની હળવી માવજત એ જેમ સ્ટાઈનબેકનું આગવું લક્ષણ ગણાય છે, તેમ એ એની એક મર્યાદા કહો તો મર્યાદા અને ક્ષતિ કહો તો ક્ષતિ પણ ગણી શકાય; કારણ કે, એ સાહસનાં ભયસ્થાનો પણ ઓછાં નથી. ઘણી વખત એ પાત્રોને ઓઠે પોતાના વિચારો જણાવવા જતાં પાત્રાલેખનનો વાસ્તવદોર ચૂકી જાય છે. માનવજીવન અંગે એને કેટલાંક સુંદર સનાતન સત્યો લાધ્યાં છે એની ના ન કહી શકીએ, પણ એ બધાંને માનવપાત્રોમાં મૂર્ત કરવામાં એ સફળ નથી થતો. ‘ઇન ડયુબીઅસ બેટલ’ જેવી યુગની મહાકથામાં માનવજીવનની સમજ અને સંવેદન અચ્છી રીતે રજૂ થયાં હોવા છતાં એમાંનાં પાત્રો હાડચામનાં નથી બની શક્યાં. કોડીબંધ કથાઓ લખ્યા પછી પણ આ બાબતમાં તો સ્ટાઈનબેક છેક શિખાઉ જેવો જ લાગે છે. ‘ધ મૂન ઈઝ ડાઉન’ એ નોર્વે ઉપરના નાઝી આક્રમણની કથા છે. એ કથા પ્રગટ થઈ ત્યારે વાચકવર્ગમાં કૃતિની ગુણવત્તા વિશે ઉગ્ર મતભેદ ઊભો થયો હતો. ઘણા વિવેચકોને એ કથામાંના નાઝ જુલમોનું ચિત્રણ સાવ મોળું લાગ્યું હતું. પર્લ હાર્બર પછી પ્રગટ થયેલી આ કથામાંના નાઝીઓને પૂરતા પ્રમાણમાં રાક્ષસ નહિ ચીતરવા બદલ ઘણું વાંચકોને ખોટું લાગેલું. પણ કૃતિનું મૂલ્યાંકન કરવા માટે આવા ગજમાપ ઉપર ભાગ્યે જ ભરોસો મૂકી શકાય. સાચી વાત તો એ છે કે ‘ઑફ માઇસ ઍન્ડ મેન’ની જેમ આ કથામાં પણ સ્ટાઈનબેકે માનવપાત્રોના ઓઠા તળે રહેલા અંતરતમ ‘પશુ’નું જ રૂપક દોર્યું છે. આ પાશવી માનવ એ આ અમેરિકી કલાકારનો પ્રિય જિગર છે એમ કહી શકાય. નાનપણમાં પ્રાણીશાસ્ત્રનું ભણતર ભણનાર લેખક આ જ્ઞાનસંચય મેટી ઉમ્મરે, માનવીમાં ખૂણેખાંચરે એ છુપાયેલા પશુઓનો અભ્યાસ કરવામાં વાપરે છે. નાઝીઓ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો એનો હેતુ જ નથી. કથામાંના મેયરમાં આરોપાયેલ માનવજીવનનું સનાતન ગૌરવ, જે ગમે તેવા પાશવી હુમલાઓ સામે પણ અજેય છે એનું યથાર્થદર્શન એ જ કથાનો સારમર્મ છે. ‘શશી જતાં’ એ અજેય માનવોના જીવનસંગ્રામનું એક રૂપક ગણી શકાય. આ કથા પ્રગટ થઈ ત્યારે હિન્દનું રાજકારણીય વાતાવરણ કથામાં આલેખાયેલ નોર્વેજિયન વાતાવરણ જેટલું જ નિઃસહાય રોષથી ધૂંધવાતું હતું. ‘ચાલ્યા જાવ!’ના હાકલ પડકાર શમી ગયા પછી મૂંગે મોંએ પણ ઠંડી તાકાતથી સરકારી દમનના કોરડાઓ ઝીલી રહેલ લોકોને આ કથામાં સમદુઃખી પાત્રોનાં દર્શન થયેલાં. ત્રણ ત્રણ મહિનાની અજોડ હડતાલ પછી એક વહેલી સવારે અમદાવાદની મિલોએ લાચાર બનીને ચીમનીઓ પેટવી એ દૃશ્ય જેમણે જોયું હશે એમને આ કથામાંના હડતાલિયા ખાણિયાઓ જરૂર સમભાવ પ્રેરશે. યુદ્ધના પ્રાસંગિક વસ્તુ ઉપર મંડાયેલી બીજી કથાઓથી આ કથા જુદી પડે છે એનું કારણ એ છે કે એકપક્ષી પ્રચારતત્ત્વથી આ કૃતિ બહુધા દૂર રહી શકી છે. નાઝીઓને પણ સ્ટાઈનબેકે અમાનુષી કે રાક્ષસો ચીતરવાને બદલે સામાન્ય, શ્વસી રહેલ માનવો જ આલેખ્યાં છે. તેઓ પણ અનુકમ્પા, સંવેદન, સહાનુભૂતિ, પ્રેમ વગેરેના હૃદયધબકાર અનુભવે છે. રેસ્ટોરાંમાં પોતાના પગલાં થતાં જ હડુડુડુડુ કરતું આખું રેસ્ટોરું ખાલીખમ્મ બની જતાં નાઝી અમલદાર કેવો ખાસિયાણો બનીને અકળાઈ ઊઠે છે, એ રમૂજી દૃશ્ય તો આ કથા કરતાંય ચલચિત્રમાં વધારે ચોટદાર બન્યું છે. નાઝીઓ પણ માનવ છે, તેઓ પણ માનવસોબત માટે તલખે છે. આ પરાઈ ભોમકા ઉપર બે ઘડી કોઈ પાસે જીવ ઠાલવવા ઝંખે છે. લૅફનન્ટ ટોંડર તેની આંખમાં વસેલી મોલી પાસે યાચે છે : ‘મારે તારી સાથે માત્ર વાત જ કરવી છે. થોડી ક્ષણો માટે પણ આપણે આ યુદ્ધને વિસારે પાડી ન શકીએ?’ મેયર ઓર્ડનનું પાત્ર તો કોઈ પણ દેશના આઝાદી પરસ્ત આત્માનું પ્રતીક કહી શકાય. એ નોર્વેનો મેયર મટીને, ‘આઝાદ માનવીઓ હરહમેશ અજેય્ય છે.’ એવી ભાવના બની રહે છે. લાન્સર સાથેના વાર્તાલાપોમાં મેયરનાં ટૂંકાં ને ટચ પણ સામા માણસને સળગાવી મૂકનાર વિચારમૌક્તિકો તો ગાંધીજી કે જવાહરલાલનાં ભાષણોની યાદ આપે એવાં છે. પોતાનો સુવર્ણચન્દ્રક હાથમાં રમાડતાં રમાડતાં એ કહે છે : ‘Free men cannot start a war, but once it is started, they fight. It is always the herd men who win battles and the free men who win wars.’ પ્રથમ મહાયુદ્ધ વખતે લોઈડ જૉર્જે લડાઈ અને યુદ્ધ વચ્ચે બતાવેલો આવો સૂક્ષ્મ તફાવત વર્ણવીને મેયર પેલા જાણીતા સ્વાતંત્ર્યગાનની પંક્તિઓનું જ પુનર્રટણ નથી કરતા લાગતા? Battle of freedom when once begun, Though oft vanquished, is ever won છેલ્લે છેલ્લે જ્યારે મેયરની ધરપકડના સમાચાર સાંભળીને તેની પત્ની સ્ત્રીસહજ ગભરાટ અને આશંકાથી પતિને પૂછે છે કે, આ બધી ધાંધલ શી છે, મેયરની ધરપકડ થઈ શકે? ત્યારે મેયર પોતાની લાક્ષણિક મર્મવાહી વાણીમાં દ્વિઅર્થી ઉત્તર આપે છે : ‘No. They can’t arrest the mayor. The mayor is an idea conceived by free men. It will escape arrest.’ કથાનો અંત વાંચ્યા પછી જ સમજાય છે કે મેયરના આ કથનમાં માત્ર ગૂઢાર્થ જ નહિ, પયગમ્બરી આર્ષદર્શન પણ હતું.

ફેબ્રુઆરી, ૧૯૪૫