કથાલોક/કરણ ઘેલો : નાયક કે ખલનાયક?
નવલકથાઓ : ગુજરાતી
કરણ ઘેલો : નાયક કે ખલનાયક?
કરણરાજ રે ક્યાંહ રે ગયો...નગર છોડીને શીદને ગયો?....
સર્વ પ્રથમ નંદશંકરે ‘કરણ ઘેલો’ નવલકથામાં પૂછેલા અને પછી તો દાયકાઓ સુધી હારમોનિયમ શીખનારાઓ કાળી ચાવીના મનોયત્ન તરીકે લલિત છંદની જે પ્રશ્નાર્થસૂચક ગીતપંક્તિઓ વાપરતાં આવ્યા છે એનો ઉત્તર પણ દાયકેદાયકે જુદા જુદા નવલકથાકારો જુદી જુદી રીતે આપતાં આવ્યા છે. ચૌલુક્યગ્રંથાવલિના લેખક ધૂમકેતુએ પણ ‘રાય કરણઘેલો’માં આ ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. અલાઉદ્દીન ખીલજીના આક્રમણ સામે છેવટ સુધી લડી લેવા કે ખપી જવાને બદલે કરણરાય શા માટે પાટણ છોડી ગયો એ પ્રશ્ન કરતાંય વધારે મહત્ત્વનો ઐતિહાસિક પ્રશ્ન તો પાટણ ઉપર અલાઉદ્દીનની ફોજોએ શા માટે આક્રમણ કર્યું, એ છે. કેમ કે, આ પ્રશ્નમાં કરણના મંત્રી માધવની, દંતકથા મુજબ, ગદ્દારીની વાત સંડોવાયેલી છે. આ પરંપરિત કથા એવી હતી કે માધવની ભાભી ઉપર કરણરાયે કૂડી નજર કરેલી તેથી એનું વેર લેવાના આશયથી માધવ મંત્રી પોતે જ દિલ્હીના તુરકાણોને તેડું કરી લાવેલો. નંદશંકરે આલેખેલી આ લોકપ્રિય લોકવાયકાને પછીના કથાકારોએ ખોટી ઠરાવી છે. મુનશીએ ‘ભગ્ન પાદુકા’માં આ વાયકાનો રદિયો આપ્યો છે અને ‘માધવિ મ્લેચ્છ આણિઆ તહિં’ એવો પદ્મનાભરચિત આક્ષેપ પણ પાયા વિનાનો હોવાનું જણાવ્યું છે : ‘કર્ણદેવ વાઘેલા વિશે જે સમકાલીન ઉલ્લેખો મળી આવે છે તે એને સારો રાજકર્તા અને વીર યોદ્ધો બતાવે છે. એની ને માધવની ભાભીની વાત ખરી હોય તો તે, રજવાડાંમાં કાંઈ નવાઈ ન કહેવાય. ૫ણ સંસ્કારી બ્રાહ્મણ પ્રધાન વેર માટે સમસ્ત દેશનું સત્યાનાશ વાળે અને તે પણ મ્લેચ્છોની વિનાશક વૃત્તિઓ જાણીને હોય કે એનાથી અણજાણ રહીને હોય, તો પણ એ કૃત્ય કોઈ પણ દૃષ્ટિએ અક્ષમ્ય છે. સોમનાથનો ગઢ ઉલૂઘખાને કે અલફખાંએ લીધો ત્યારે માધવ યુદ્ધમાં મરાયો તેનો પણ ઉલ્લેખ છે.’ માધવને આવું પ્રશંસાત્મક પ્રમાણપત્ર આપીને મુનશીએ કરણઘેલાના પ્રચલિત કથાનકમાંથી એક કથાક્ષમ ખલનાયકને ખેંચી લીધો છે; એટલું જ નહિ, કરણરાયને પણ સારો રાજકર્તા અને વીર યોદ્ધો કહીને કથાનાયકમાંથી કાપુરુષતા, કાયારખાપણા આદિ આકર્ષક દુર્ગુણો પાછા ખેંચી લીધા છે. બાકી વધવા દીધી છે, નકરા સદ્ગુણે અને શૌર્યની જ વાત. ધૂમકેતુરચિત ‘રાય કરણઘેલો’ પણ આ નકરા સદ્ગુણો અને શૌર્ય ઉપર આધાર રાખીને લગભગ સાડાત્રણસો પાનાં જેટલી લાંબી કથા કાંતવાનો પ્રયત્ન બની રહે છે. અને એ આખોયે પ્રયત્ન પેલાં પ્રચલિત ખલપાત્રોને વીર નાયક તરીકે પ્રતિષ્ટિત કરવાને ઉદ્યમ બની રહે છે. અને એ કપરો ઉદ્યમ કોઈને ઈર્ષ્યા આવે એવો નથી. આ ઐતિહાસિક કથા યુદ્ધકાલીન હોવાથી એક યુદ્ધકથા તરીકે એ, સ્વાભાવિક જ, રમ્ય બની રહે છે. એમાં રણવાસથી માંડી રણાંગણ સુધીનાં રુદ્ર–રમ્ય ભવ્ય–ભીષણ ચિત્રો આલેખાયાં છે. રાજદરબારનાં દૃશ્યો, ઘોડેસવારો અને પવનવેગી સાંઢણીઓની દોડધામ, ગુપ્તચરોની અવરજવર, ખુલ્લી તેમ જ ગુપ્ત મંત્રણાઓ–મસલતો, રાજદ્વારી કાવાદાવા, દાવપેચ, ખટપટો, શત્રુઓના સંભવિત આક્રમણ સામે સાથી રાજ્યોની દળબંધી, યુદ્ધમોરચાની વ્યૂહરચના, ખૂનખાર જંગ, આદિ યુદ્ધકથાઓની સઘળી સામગ્રી આ કથાનકમાં મોજૂદ છે. અમુક અંશે, ખુદ ધૂમકેતુએ જ આલેખેલ સોમનાથની યુદ્ધકથા ‘ચૌલાદેવી’ જોડે આ કથાની માવજત મળતી આવે છે. પણ સોમનાથની યુદ્ધકથામાંની ભીમદેવ અને ચૌલાની પ્રણયલહરી જેવું કશું રોમાંચક તત્ત્વ ‘રાય કરણઘેલો’માં ગેરહાજર હોવાથી લેખકને સઘળો મદાર શૌર્યનાં શમણાં ઉપર જ બાંધવો પડ્યો છે. અને આ શમણાંની માવજત ધૂમકેતુની તાસીરને માફક આવે એવી છે. ‘તણખા’ મંડળોની ઘણી વાર્તાઓમાં એક પ્રકારની સ્વપ્નિલતાની છાંટ પીરસનાર વાર્તાકારે આ નવલકથાનો આરંભ જ રાજા કર્ણદેવના એક સ્વપ્ન–બલકે, દુઃસ્વપ્ન–થી કર્યો છે. ‘ગુર્જર રાજલક્ષ્મીનો સ્વામી, ચાલુક્યવંશાવતંસ એકરંગી વીર પાટણપતિ રાજા રાય કરણ વાઘેલો પોતાનો મૃતદેહ નિહાળે છે.’ એ મૃતદેહની અવસ્થા આવી છે; ‘જંગલે જંગલ વીંધીને જાણે રખડતો રખડતો, ભમતો રઝળતો કોઈ અહીં આવ્યો હોય, હજારો સંકટ, તાપ, વેદના, યાતનાઓ સહીસહીને ચીંથરેહાલ બની ગયેલો, રાનરાન ને પાનપાન થઈ ગયેલો, અત્યંત દુઃખી એવો એ માણસ લાંબો થઈ ને મૃતઃપ્રાય અવસ્થામાં અહીં ઢળી પડ્યો હતો! એવો એ મૃતદેહ હતો! એના મરણ પછી પણ એનું દુઃખ જાણે મરણ પામ્યું ન હોય તેમ એના વિશીર્ણ સુક્કા, શૂન્ય, લુખ્ખા, પાતળા, કૃશ, લોહી ઊડી ગયેલા ચહેરા પર હજી પણ દુઃખ દુઃખ ને દુઃખ ખરડાઈ ગયું હતું.’ કથાનું આ ઊઘડતું પ્રકરણ અને ખસૂસ તો રાજાના મૃતદેહનું આ વર્ણન, એમાં રહેલી શબ્દાળુતાની થોડી વધારે પડતી માત્રા માફ કરીએ તો, નાન્દી જેવું બની રહે છે. આ પ્રકરણને, કથામાં ભરતવાક્યની ગરજ સારતા અંતિમ પ્રકરણ ‘રાય કરણ’ જોડે પણ સીધો સંબંધ છે. એ દૃષ્ટિએ જોતાં, આરંભિક નાન્દી, અર્વાચીન ચલચિત્રની ઝલક રજૂ કરનારા ‘ટ્રેલર’ની કામગીરી બજાવે છે. રાજા સ્વપ્નમાં બોલી રહ્યો હતો : ‘મને વાત કહેતાં જાઓ, કે જે મરણ પામ્યો તે અણનમ રહીને નામ મૂકીને ગયો કે પરપોટાની જેમ ફૂટી ગયો? બસ આટલું કહેતાં જાઓ...’ અને આના ઉત્તરમાં, આકાશમાંથી જાણે અવાજના પડઘા ઊઠતા લાગ્યા : ‘એ જનારો તો વજ્જર પુરુષ હતો. હે રાજા! એ અણનમ હતો, અડગ હતો, અટંકી હતો, ટેકીલો નર હતો, ગુર્જરવીર હતો. એ રાય કરણઘેલ હતો. અમે એની ભાગ્યરેખાદેવીઓ અને ગુર્જરલક્ષ્મી એના મરણને માટે નહિ, એના વજ્જર માટે શોકમાં પડ્યાં હતાં એવો લોહપુરુષ હવે આવી રહ્યો! અમને શોક એ વાતનો હતો. એને સત્કારવા માટે તો દિક્પાળો ફૂલમાળા ધરી રહ્યા હતા. એ મર્યો પણ અણનમ અડગ ખડક સમ ઊભો રહીને. એ છેલ્લો હતો!’ કરણરાયના શૌર્ય અને સદ્ગુણોની સળંગ યાદી આ ઉક્તિઓમાં સમાઈ જાય છે. અને આરંભમાં જ અંત સમાયેલો છે, એ ઉક્તિ અનુસાર લેખકે વચ્ચેનાં એકતાળીસ પ્રકરણોમાં આ શૌર્ય અને સદ્ગુણોને સાચાં પાડવાનો પ્રયત્ન કર્યો છે. કથામાં ને નાટકમાં ખલનાયક હોવા જ જોઈએ એ પરંપરિત ખ્યાલ હવે જુનવાણી ગણાય. એવા પૂર્વનિશ્ચિત પાત્રો વડે રચાતી કૃતિ કલાકૃતિને બદલે એક કારિકા–ફોર્મ્યુલા–નું આલેખન જ બની રહે. પણ નર્યા ધીરોદાત્ત અને વીર નાયકો વડે જ કલાકારનું કામ ચાલી શકે ખરું? ‘રાય કરણઘેલો’ના વાચન પછી આ પ્રશ્ન વિચારવા જેવો લાગે છે. આ એક શૌર્યકથા છે એ વાત સાચી, પણ એ શૌર્યનો સમ આરંભથી જ એટલો તો ઊંચો રહે છે કે કથાની પરાકોટિ વેળા એની માત્રામાં બહુ ઝાઝો ઉમેરો થતો નથી. કથાને રસાળ બનાવવા માટે લેખકે સઘળી શક્તિઓ અહીં યોજી છે. એક ક્ષણે તો, તુરકાણોના આક્રમણ સામે સંયુક્ત મોરચો રચવા માટે ઉદયમતી રાણીની વાવમાં મધરાતે ગુપ્ત મંત્રણાઓ ગોઠવી છે. સોઢલજી અને સિંહભટ્ટ જેવા, કરણના વફાદાર સેવકોનાં પાત્રો સારાં આલેખાયાં છે. પડોશી રાજ્યોની મદદ મેળવવા માટેનાં માધવ મંત્રીનાં નિષ્ફળ ‘મિશનો’ પણ સહાનુભૂતિની દાદ માગી લે એવાં છે. વઝીર નુસરતખાન તથા સિપેહસાલાર ઉલુગખાને પાટણ ફરતો તુરકાણનો ઘેરો ઘાલ્યો એ આ કથાનું ગુરુત્વકેન્દ્ર ગણાય. પાટણનો ઘેરો એ સોમનાથથી માંડીને સ્તાલિનગ્રાડ સુધીના વિખ્યાત ઘેરાઓનો જ એક યુદ્ધપ્રકાર છે, અને આવા યુદ્ધપ્રકારોનાં વર્ણનો કોઈ પણ સર્જક–કલ્પનાને સારા પડકારરૂપ બની રહે છે. લેખકે આ પ્રસંગના આલેખનમાં સારો વર્ણન કસબ કામે લગાડ્યો છે. છતાં ધૂમકેતુ જેવા કસબી કનેથી હજુયે વધારે જોરદાર આલેખનની અપેક્ષા રાખવાનો આ૫ણને અધિકાર છે. માધવ મંત્રીનું ચિત્રણ એક ખૂટલ કે દેશદ્રોહીને બદલે નિષ્ઠાવાન રાજભક્ત તરીકે થયું છે. અને એના જ સૂચનથી કરણરાય પાટણના ઘેરાયેલા કિલ્લામાંથી નાસી છૂટીને બાગલાણની વાટ સાથે છે. દેવળદેવી અને કૌલાદેવી જોડે કરણની આ શ્વાસ થંભાવી દેનારી નાસભાગનાં વર્ણનો વાંચીને વાચકને પણ શ્વાસ થંભી ગયા જેવો અનુભવ થાય છે. કરણરાયના પાટણત્યાગને કર્તાએ ‘બીજો રણથંભ રોપવા’ જેવું–એટલે કે બીજો યુદ્ધમોરચો ખોલવા જેવું–સોહામણું નામ આપ્યું છે. પણ એ પછીની ઘટનાઓ પરથી કરણરાયની આવી કોઈ પરાક્રમશીલતાની સબળ પ્રતીતિ મળતી નથી. કોણ જાણે કેમ પણ પાટણ છોડીને બાગલાણમાં આશ્રય લેનાર કર્ણદેવનું ચિત્ર, પૅકીંગ છોડીને તાઈવાન પહોંચનાર ચ્યાંગ કૈ–શેકની યાદ તાજી કરાવે છે. આ યુદ્ધકથા વિજયની નહિ પણ પરાજયની કથા છે. અને એટલે અંશે કથાકારનું કામ સીધાં ચઢાણ જેવું કપરું કે કસોટી કરનારું બની રહે છે. ભયંકર સર્વનાશને અંતે છેલ્લા પ્રકરણમાં સોઢલજી અને સિંહભટ્ટ એક મનમાન્યા પાળિયાને અર્ધ્ય અર્પતાં જણાય છે. આ બન્ને વફાદાર રાજસેવકો હવે સ્વપ્નની મોજમાં જ જીવવાનું પસંદ કરે છે. આરંભિક પ્રકરણની જેમ આ અંતિમ પ્રકરણ પણ ધૂમકેતુની એક મનગમતી દુનિયાની લાક્ષણિક નીપજ છે. આ જુનવાણી પાત્રોનો તોખાર અને તલવારનો યુગ આથમી ગયો છે તેથી તેઓ એ સપનાંનાં સંભારણાંમાં જ જીવે છે. ‘આપણો જમાનો ગયો. આપણો રંગ ગયો. એ છટા ગઈ. કેવળ એનું સ્વપ્નું હવે આપણું રહ્યું.’ આમ, ગુજરાતના છેલ્લા રજપૂત રાજાની અને ધૂમકેતુકૃત ચૌલુક્ય નવલગ્રંથાવલિની આ છેલ્લી નવલકથા વાંચ્યા પછી પણ, આજથી સો વર્ષ પહેલાં નંદશંકરે લલિત છંદમાં છેડેલો પેલો વિખ્યાત પ્રશ્ન તો હજીય અંશતઃ અનુત્તર જ રહે છે :
કરણરાજ રે ક્યાંહ રે ગયો?....
નગર છોડીને શીદને ગયો?
ઑગસ્ટ ૧૨, ૧૯૬૦