કથાલોક/‘પ્રેમપંથ’ પછી પરિણયપંથની ખોજ



‘પ્રેમપંથ’ પછી પરિણયપંથની ખોજ

ઈશ્વર પેટલીકરની નવલકથા ‘ઋણાનુબંધ’ ખરી રીતે તો એમની એક જૂની ને જાણીતી નવલકથા ‘પ્રેમપંથ’ના અનુસંધાનમાં વાંચવી જોઈએ. એ કથામાં લેખકે ડઝનેક પ્રેમવાંચ્છુઓની પ્રેમપદાર્થ પ્રાપ્ત કરવાની મથામણ રજૂ કરેલી. પ્રેમનગરનાં એ યાત્રીઓના ચિત્રણમાં લેખકે આખરે તો પ્રેમ એ પંથ વિનાનો જ પંથ છે, એનો કોઈ નિશ્ચિત આસ્ફાલ્ટાચ્છાદિત રાજમાર્ગ નથી, એવું તારતમ્ય આપેલું. હવે નવી નવલકથા ‘ઋણાનુબંધ’માં તેઓ પરિણયપંથનું ચિત્રણ કરતા જણાય છે. જેને મોઢેથી લેખકે ખાસ્સી બે ખંડમાં વિસ્તરતી આ કથા કહેવરાવી છે એ નાયિકા(?) આલેષા પાંત્રીસ વર્ષની અવિવાહિત ‘મહેતી’ છે. કુટુંબનું ભરણપોષણ કરવાના ઉમદા આશયથી એ જાણીબૂઝીને જ કુંવારી રહી છે. ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ન મરે, એવી રસમ આપણા દેશમાં આજ સુધી પ્રચલિત હતી. (તેથી જ તો કદાચ પણ્યાંગનાઓને કૌમાર્યગ્રહ ઉતરાવવા એમને પીપળા જોડે ચાર ફેરા ફેરવી દેવાનો રવૈયો પ્રચલિત થયો હશે.) પણ હવે, લેખક કહે છે તેમ, પશ્ચિમના દેશોની પેઠે આપણે ત્યાં પણ ઉદ્યોગીકરણ થયા પછી નવી સમાજરચનામાં ડોસીઓએ પણ કુંવારા મરવું પડે એવા સંજોગો સરજાયા છે, ‘કમ્પેનિયન જોઈએ છે’ એવી અખબારી જાહેરખબર વાંચીને આશ્લેષા સુબંધુકૃતિકાના કુટુંબમાં એમનાં બાળકોની સહચરી તરીકે નોકરીએ રહે છે. અને એમાંથી એ શિક્ષિકાના શાન્ત જીવનમાં જે અશાન્તિ ઊભી થાય છે એમાંથી આ રસભરપૂર વાર્તા રચાય છે. આ વાર્તા રસભરપૂર બનવાનાં કારણો એકથી વધારે છે. પહેલું તો એ કે આ વાર્તામાં લગભગ બધાં જ પાત્રો અસાધારણ છે. ગાંધીજીના આશ્રમમાં કોઈ કોઈ વાર આશ્રમિકોના ભવાડા થતા ત્યારે વ્યવહારદક્ષ અને સંસારદક્ષ સરદાર વલ્લભભાઈ ટકોર કરતા કે આશ્રમવાસીઓની જીવનલીલા તો આવી જ હોય. જે માણસ સીધું સૂતરું જીવન જીવતો હોય એ ગૃહસ્થી આફૂડો ઘરબાર છોડીને આશ્રમમા આવે જ શા માટે? વાર્તાઓની દુનિયા માટે પણ કોઈ એમ કહી શકે કે એનાં પાત્રોનાં જીવનમાં કશુંક અસાધારણ ન હોય તો એમાંથી વાર્તા રચાય જ કેમ કરીને? પેટલીકર આપણા એક અચ્છા કલાકાર હોવા ઉપરાંત સંસારશાસ્ત્રી અને સુધારક પણ છે. એથી જેમના જીવનમાં જરાતરા પણ સુધારણાને અવકાશ કે આવશ્યકતા ન હોય એવાં ‘અસીલો’નો કેસ એ હાથમાં લે પણ શાના? અલબત્ત, કોઈ વાર સમાજમાં અસ્વાભાવિકતા કે અસાધારણપણું જ એટલું વ્યાપક બની રહે છે કે એ પોતે જ એક સ્વાભાવિકતા કે સાધારણપણું બની રહે ખરું. પશ્ચિમના કેટલાક પ્રગતિશીલ સમાજોમાં આજે મનોરોગચિકિત્સકનું શરણું લેવાનું એટલું તો સાધારણ ને વ્યાપક બની રહ્યું છે કે સાઈકિએટ્રિસ્ટને ઉંબરે કદીય ન ગયો હોય એ માણસ પોતે જ મનોરોગિષ્ટ ગણાય છે. ‘ઋણાનુબંધ’ની પાત્રસૃષ્ટિ પણ લગભગ એકસરખી અસાધારણ જણાય છે. સુબંધુની પત્ની કૃતિકા એના મિત્ર પર્જન્ય જોડે પણ પત્ની તરીકે જ રહે છે. એણે લગ્ન વેળા શરત કરેલી કે હું તમારા બેઉ જોડે પત્ની તરીકેનો વહેવાર રાખું એ તમને કબૂલ હોય તો જ પરણું. એનો કૉલેજકાળનો જ ત્રીજો મિત્ર એન્ડ્રુઝ ઉર્ફે અમરિષ ઉર્ફે અંબાલાલ તો સદ્ભાગ્યે ભાંગફોડિયા સામ્યવાદી તરીકે ભૂગર્ભવાસી બનીને ભાગતોનાસતો ફરે છે એટલી વળી રાહત ગણીએ. બાળલગ્ન વડે રેવા જોડે પરણીને ચાર સંતાનોનો પિતા બનેલો એન્ડ્રુઝ પોતે પણ ઓછી અસાધારણતા નથી ધરાવતે. કથાપટમાં અમસ્તાં આડવાતમાં આવી ચડતાં ગૌણ પાત્રોને પણ કંઈક ને કંઈક અસાધારણતા હોય છે જ. પંચગીનીમાં બુઝર્ગ જરથુસ્તી જહાંગીરજી એવાં જ બુઝર્ગ આંગ્લ વિધવા જોડે લગ્ન કર્યા વિના સહજીવન ગાળે છે. અશ્લેષાને પોતાની પૂર્વજન્મની પ્રેમિકા સમજીને અણધાર્યા જ મોહી પડેલા ગળેપડુ જેવા ગિજુભાઈ એક વાર વિધુર થયા બાદ પરણું તો ગ્રેજ્યુએટ યુવતીને જ, નહિતર વિધુર જ રહું એવું આકરું વ્રત લઈ બેઠા હોય છે. મુંબઈવાળા આદર્શ ગાંધીભક્ત કચભાઈ (અસલ કનુભાઈ ચમનલાલ) સાચે જ કચ–દેવયાની જેવા અનુભવ વડે દાઝેલા હોય છે. કચભાઈની દેવયાની પછીથી આશ્રમવાસી આચાર્યભાઈ જોડે પરણે છે ત્યારે પણ પતિને ‘મેથીપાક’ ચખાડતી રહે છે. એ જ રીતે, આશ્રમની કામવાળી ‘મોટી મણિ’ની માતા એના પિતાને મારતી હોય છે. આશ્રમના અધિષ્ઠાતા ‘દાદા’ના દામ્પત્યની ખાસ કોઈ વિષમતા લેખકે છતી કેમ નથી કરી એ જ અચરજ ગણાય. બાકી તો, ‘ઋણાનુબંધ’ની લગભગ આખીય પાત્રસૃષ્ટિ વિષમ દામ્પત્યથી પીડાતી હોય છે. આ વિષમમાંથી શમ શોધવાનો પ્રયત્ન એટલે આ નવલકથા. સુબંધુના દામ્પત્યમાં લગ્નના દિવસથી જે ત્રિકોણ યાને ત્રેખડ રચાયેલ છે એમાં આશ્લેષા પ્રવેશતાં ચોથો ખૂણો રચાય છે. આશ્લેષાને લેખકે જેટલી ઝડપથી સુબંધુના પ્રેમમાં નાખી દીધી છે એટલી જ ઝડપે એ ગળાબૂડ પણ ઊતરી ગઈ છે. (એ માટે લેખક કરતાંય સુબંધુની બહેન નિહારિકાને જ વધારે જવાબદાર ગણવી રહી.) આરંભમાં તો આશ્લેષા સુબંધુને કૃતિકા જોડેની નામોશીભરી સ્થિતિમાંથી મુક્ત કરાવીને પરણવાનો આગ્રહ રાખે છે પણ એ ઉકેલ અશક્ય લાગતાં અને પોતાના જાતીય આવેગો અસહ્ય જણાતાં આખરે એ લગ્ન કર્યા વિના પણ સુબંધુની ઉપવસ્ત્ર તરીકે રહેવા તૈયાર થાય છે. આશ્લેષા જ્યાં શિક્ષિકા હતી એ શાળામાં એક વાર અમેરિકી મહિલાઓનું સમાજસંશોધક પ્રતિનિધિમંડળ આવ્યું હોય છે અને એ મંડળનાં વડા મહિલા પોતે ‘કુંવારી માતા’ હોવાથી આ શાળામાં કુંવારી માતાઓની વસતિગણતરી કરવા બધી શિક્ષિકાઓને તમે લગ્નપૂર્વે માતા બન્યાં છો કે નહિ, એવી ગર્વભેર પૂછગાછ કરી ગયાં હોય છે, ત્યારે આશ્લેષાએ એવા સદ્ભાગ્ય અંગે નિરાશાભર્યો નકાર ભણેલો, એ અનુભવ પરથી કદાચ એને સુબંધુ જોડે લગ્ન કર્યા વિના એના બાળકોની માતા બનવાના કોડ જાગ્યા હોય તે નવાઈ નહિ. સામ્યવાદી એન્ડ્રુઝ પણ આ દિશામાં એને સારું ઉત્તેજન આપે છે. પણ ગાંધીવાદી (કે વિનોબાવાદી?) દાદા એને લગ્નનો ધર્મ્ય માર્ગ જ લેવાનો આગ્રહ કરે છે. આખરે ચતુષ્કોણનો ઉકેલ આવે છે, પણ એ આશ્લેષાને ઇષ્ટ કે ઇપ્સિત નથી. કૃતિકાએ પર્જન્ય જોડેનો નાતો બંધ કરીને સુબંધુ જોડે એકપતિવ્રત–વ્યવહારથી રહેવાનો નિર્ણય કર્યો હોય છે, અને ત્યારે આશ્લેષા સામે પર્જન્યની મૂર્તિ જ રહે છે. ઝડપભેર ઉદ્યોગીકરણ પામી રહેલ આપણી સમાજરચનામાં હવે સ્પિન્સ્ટર–અવિવાહિત સ્ત્રીઓની સમસ્યા ઊભી થઈ રહી છે. પુખ્ત વયની અપરિણીતાઓ પરિણયપંથ શોધે એ કથાવસ્તુ કલાક્ષમ બની શકે એવું છે. ઈશ્વર પેટલીકરે આ વસ્તુની એક સમાજશાસ્ત્રી કે સુધારક કરતાંય વિશેષ તો એક કલાકારની રીતે માવજત કરી બતાવી છે. ‘ઋણાનુબંધ’ના પેટલીકર ‘જનમટીપ’ના પેટલીકરની વધારે નજીક જણાય છે. કથાવસ્તુ તેમ જ એની રજૂઆતમાં એમણે હિમ્મત જ નહિ, કલાસૂઝ પણ સારા પ્રમાણમાં દાખવી છે. પાત્રાલેખન અને મનોવિશ્લેપણમાં તેઓ વ્યવસાયી તબીબ જેવા ટાઢા લોહીના તર્કશાઓ બની શક્યા છે. સાથે, સર્જક તરીકેની સહાનુભૂતિની માત્રા પણ જાળવી શક્યા છે એ એમની નવીન સિદ્ધિ ગણાશે. ‘ઋણાનુબંધ’ પેટલીકરની વાર્તાકલાનો એક નવીન ઉન્મેષ દાખવે છે. એ નવીનતા, કેટલાક વાર્તાકારો આજકાલ અજમાવે છે એવી નક્ષત્રો પરથી પાત્રોનાં નામકરણ યોજનારી નવીનતા જ નથી; કથાવસ્તુના વિભાવનની અને એની તાજગીસભર, રસાળ, પ્રતીતિકર અને નિરાડંબર રજૂઆતની નવીનતા છે. કથનકલાના પ્રયોગ લેખે પણ આ કથા મૂલવવા જેવી છે. એની રજૂઆત અરૂઢ હોવા છતાં એમાં લોકપ્રિયતાના અંશો પણ ઓછા નથી. સ્થૂલ રીતે જોઈએ તો આ કથા મદ્રાસ બાજુથી આવતાં અને ‘બૉકસઑફિસ હિટ’ જેવાં લોકપ્રિય બનતાં ચલચિત્રોનાં બધાં જ લક્ષણો મદ્રાસી મસાલા ઢોસાની પેઠે એક જ સ્થળે એકઠાં કરી આપે છે. દા. ત. પ્રેમનો ચતુષ્કોણુ, ભદ્રસમાજનાં ચિત્રો, પ્રણય, વિરહ, ક્રિકેટ મૅચ માટે પૂનાની સહેલગાહ, પંચગનીનો પ્રવાસ, દીપડાનો શિકાર, છદ્મ વેશે વસતો ક્રાંતિકાર, એને ઘોડેસવારીમાં અકસ્માત, સૅનેટોરિયમમાં શુશ્રૂષા, પૂર્વજન્મની કથા કહેનાર સાધક, આશ્રમનાં અસાધારણ પાત્રો, આશ્લેષાને વીજળી–આંચકાનો અકસ્માત, કસ્બાની ઇસ્પિતાલમાં સારવાર, તાજમહાલ હોટેલમાં સત્કાર સમારંભ આદિ ‘માસ્ટર હિટ’ મુવિ ફિલ્મનાં બધાં જ અનિવાર્ય ઘટક તત્ત્વો આ કથામાં સામેલ છે. પણ સદ્ભાગ્યે એનો ઉપયોગ લેખકે સસ્તી લોકપ્રિયતા રળવા માટે નહિ પણ કથાપટના સાહજિક અંશો તરીકે જ કર્યો છે તેથી એ પ્રસંગો બહુ અપ્રતીતિકર કે અનાવશ્યક નથી જણાતા. જોકે, કથાના બીજા ખંડનો અતિપ્રસ્તાર તંગ વાર્તાદોરને જરા ઢીલો પાડે છે ખરો. છતાં એક નારીના જાતિઆવેગ, સંતાનેષણ અને પરિણયના પ્રશ્નની આમ સામાન્ય જણાતી કથાસામગ્રીને લેખક પોતાના પ્રતિભાબળે અસામાન્ય પરિમાણ આપી શક્યા છે એ એમની યશકલગીમાં એક અદકલહાણનું પીંછું ઉમેરશે એમ લાગે છે. જૂન, ૧૯૬૪