કથાલોક/ગુજરાતી નવલકથામાં રાજકીય વલણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search



ગુજરાતી નવલકથામાં રાજકીય વલણ

રાજકીય નવલકથા એ શબ્દપ્રયોગ, એક રીતે જોઈએ તો વિચિત્ર લાગે છે. નવલકથા એ આખરે નવલકથા જ છે; એના પર સામાજિક, રાજકીય કે આર્થિક એવી ચીઠ્ઠીઓ ચોડી ન શકાય. પણ સજાગ કલાકારની કૃતિમાં જીવનનું સર્વાંગી દર્શન આવ્યા વિના ન રહે. અને પરિણામે આયાસે યા અનાયાસે જીવનનાં સર્વ પાસાં અને પ્રવાહો સાથે રાજકીય પાસું અને રાજકીય પ્રવાહોનું પ્રતિબિંબ પણ એનાં સર્જનોમાં ઝિલાયા વિના ન રહે. જીવનને સળંગ સમદૃષ્ટિએ અને સાંગોપાંગ નિરખનારા સર્જકો રાજકીય પ્રવાહથી પણ અલિપ્ત ન રહી શકે. એમની રાજકીય વિચારસરણી અને વલણ એમનાં લખાણોમાં જાગૃત કે અજાગૃતપણે ઊતરી આવે. જીવનને આવી સળંગ સમદૃષ્ટિએ અને સાંગોપાંગ નિરખનાર આપણા પહેલા પ્રથમ નવલકથાકાર ગોવર્ધનરામ હતા. ઓગણીસમી સદીના ગુજરાતના પુરાણ સમી મહાનવલ ‘સરસ્વતીચન્દ્ર’માં ગોવર્ધનરામની એક સ્પષ્ટ રાજકીય વિચારસરણી દેખાઈ આવે છે. રાનડે અને એ સમયના બીજા અગ્રણી વિચારકોની જેમ ગોવર્ધનરામ પણ આ દેશમાં બ્રિટિશ સત્તાના આગમનને વિધિનો એક સંકેત સમાજતા હતા. આ ભૂમિની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિના શુભ અંશોના મિશ્રણ વડે હિન્દનું કલ્યાણ સધાશે એવી એમને શ્રદ્ધા હતી. આપણે એ ભૂલવું ન જોઈએ કે ‘સરસ્વતીચન્દ્ર’માં રજૂ થયેલ રાજ્યકારણ એક ફિલસૂફનું રાજકારણ હતું. એ ફિલસૂફને શ્રદ્ધા હતી કે ‘પેકસ રોમાના’ની જેમ ‘પેકસ-બ્રિટાનિકા’ પણ વિશ્વકલ્યાણ સાધી શકવાને સમર્થ છે. હિન્દ પરનું આ પરાચક્ર જતે દિવસે આ મહારાષ્ટ્રને કેવું હતપ્રાણ કરી મૂકશે એની ‘સરસ્વતીચન્દ્ર’ના સર્જકને કલ્પના સુદ્ધાં નહોતી. ‘સરસ્વતીચન્દ્ર’નો સર્જનકાળ આપણા જીવનનો તન્દ્રાકાળ હતો. અને છતાં સરસ્વતીચન્દ્ર જેવા રખડુ ફિલસૂફનું પાત્ર સર્જનાર આ પ્રબોધમૂર્તિ દૃષ્ટાએ કેટલાક ગૌણ રાજકીય પ્રશ્નો પરત્વે રજૂ કરેલાં દૃષ્ટિબિંદુઓ આજે સાચાં પુરવાર થયાં છે. ઉદાહરણ તરીકે, રિયાસતી રાજવીઓ સત્તાત્યાગ કરીને સમગ્ર હિન્દની તંત્રરચનામાં બ્રિટનના લોર્ડ્ઝની ઢબે દેશને સેવા આપતા થાય એવો ગોવર્ધનરામે ભાખેલો આદર્શ આજે થઈ રહેલા રિયાસતી એકીકરણને પરિણામે મૂર્ત સ્વરૂપ પામી રહ્યો છે એ હકીકતને કોણ ઇન્કારી શકશે? ગોવર્ધનરામ પછી મુનશી સુધી આવતાં રાજકીય વિચારસરણીનો આમૂલ પલટો દેખાઈ આવે છે. ‘સ્વપ્નદૃષ્ટા’ના સર્જકમાં પ્રજાસ્મિતા(નેશનલિઝમ)ની ભાવના પૂર્ણ સ્વરૂપે વિકસેલી દેખાય છે. થોડા દાયકા પૂર્વેની તન્દ્રા ખંખેરીને પ્રબુદ્ધ બનેલું હિન્દ સૂરત ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં જહાલો અને મવાલો વચ્ચે ખુરશીઓ ઉછળાવે એટલું બધું રાજકીય સજાગતા ધરાવતું થઈ ગયું છે, એ હકીકતનું તાદૃશ વર્ણન ‘સ્વપ્નદ્રષ્ટા’માં જોવા પામીએ છીએ. બંગાળામાંથી વિપ્લવવાદી સાહિત્ય થોકબંધ ગુજરાતીમાં ઊતરવા લાગે છે. ‘વેરની વસુલાત’ જેવી કથામાં સ્થાપિત સત્તાને યેન કેન ઉથલાવી પાડવાની તાલાવેલી દેખાય છે. ટિળકના કર્મયોગનો એ જમાનો હતો. મુનશીએ ‘સરસ્વતીચન્દ્ર’માંથી જ પ્રેરણા લીધી હોવા છતાં તેમનું રાજકીય વલણ ગોવર્ધનરામથી સાવ જુદું છે, તેઓ ‘શઠં પ્રતિ શાઠ્યં’ની ફિલસૂફીમાં માને છે. દેશના રાજકીય તખ્તા ઉપર ટિળક પછી ગોખલે–ગાંધીજી આવે છે અને નવલકથાઓનો સૂર બદલી જાય છે. પરદેશી શાસન સામે અહિંસાત્મક પ્રતિકાર બોધતું ગાંધીવાદી રાજકરણ સંખ્યાબંધ નવલોમાં પ્રતિબિંબ પામે છે. સવિનયભંગનો બેઠો બળવો પૂરા બે દસકા સુધી સાહિત્યકરોને કથાવસ્તુ પૂરું પાડતો જોઈ શકાય છે. ગાંધીયુગની નવલકથાઓના નાયકો સરરસ્વતીચન્દ્રની જેમ કિંકર્તવ્યમૂઢ નથી. તેઓ એક યા બીજા પ્રકારના પ્રતિકારમાં માને છે. દાખલા તરીકે, ‘સોરઠ તારાં વહેતાં પાણી’માંનું રિયાસતી વાતાવરણ તો ‘સરસ્વતીચન્દ્ર’માં રજૂ થયેલ રિયાસતો જેટલું જ અરાજક, ખટપટિયું અને કલુષિત છે, પણ ‘સોરઠ તારાં વહેતાં પાણી’નો નાયક પિનાકી આ રિયાસતી અત્યાચારોની સામે માથું ઊંચકતો ચિતરાયો છે. બ્રિટિશ સત્તાના સાર્વભૌમત્વ સામે સ્વમાન રક્ષવા ગાદીત્યાગ કરનાર સુરેન્દ્રદેવ જેવા રાજવીનું વાસ્તવિક પાત્રાલેખન પણ પહેલી જ વાર આ કથામાં જોવા મળે છે. અસહકાર, ના-કર લડત, સવિનય કાનૂનભંગ, નિઃશસ્ત્ર પ્રતિકાર વગેરેની ગાંધીવાદી વિચારસરણી દર્શક, રામનારાયણ નાગરદાસ પાઠક, સોપાન અને બીજા નવલકથાકારોએ યથાશક્તિમતિ પોતાની કૃતિઓમાં વણી લીધી છે. પણ ગાંધીયુગના ગુજરાતની એક નમૂનેદાર નવલકથા ગણાવાનું બહુમાન તો રમણલાલ વસંતલાલ દેસાઈકૃત ‘દિવ્યચક્ષુ’ ખાટી ગઈ. આ કથામાં એન કર્તાને અત્યંત પ્રિય એવા પ્રેમત્રિકોણના આલેખન ઉપરાંત દલિતોદ્ધાર, અસ્પૃશ્યતા-નિવારણ, સત્યાગ્રહ વગેરેનાં એવાં તો ઘેરાં ચિત્રો ઊપસ્યાં છે કે એ સમયના આપણા રાજકીય જીવનનું નખશિખ વૃત્તાંત–નિવેદન કરનાર દસ્તાવેજી નવલકથા તરીકે પણ ‘દિવ્યચક્ષુ’નું જ નામ આપવું પડે. ગાંધીવાદી વિચારસરણીની સાથોસાથ જ ગુજરાતના યુવકવર્ગમાં સામ્યવાદનું આકર્ષણ અને અભ્યાસ વધતા જતા હતા. એ વેળા તો તરુણવર્ગ પર ભૂરકી નાખી જનાર આ નૂતન રાજકીય ફિલસૂફીનો પ્રચાર પણ જોશભેર ચાલ્યો હતો. અને નવલકથા પણ એ પ્રચાર–માધ્યમોમાંથી બાકાત ન રહી શકી. સામાજિક અસમાનતા, વર્ગવિગ્રહ, શ્રમજીવી શાસન વગેરેને કથાવસ્તુ બનાવીને સામ્યવાદી લેખકોએ ‘ભઠ્ઠી’, ‘ક્રાન્તિની જ્વાળા’ અને બીજી સંખ્યાબંધ નવલકથાઓ રચી. પણ સ્ટિફન સ્પેન્ડર કહે છે તેમ એક સર્જનાત્મક ફિલસૂફી તરીકે સામ્યવાદી વિચારસરણીમાં બહુ ઝાઝો અવકાશ નહોતો. સર્જનની દૃષ્ટિએ એમાં ઊંડા ખેડાણની શક્યતા નહોતી. પરિણામે એ સમયે થોકબંધ બહાર પડેલી નબળીસબળી લાલરંગી નવલકથાઓમાંથી એકાદી પણ આજે ભાગ્યે જ આકર્ષણ ટકાવી શકી છે. આનું કારણ એ લાગે છે કે સામ્યવાદી ફિલસૂફી ગાંધીવાદી ફિલસૂફીના જેટલી આત્મશોધક નથી. સનાતનીઓ સાથે સ્પર્ધા કરે એવી અત્યંત સંકુચિત સાંપ્રદાયિકતામાં સરી પડવાની એમાં ભરપૂર શક્યતા રહેલી છે. આ ભૌતિકવાદી વિચારસરણી અમુક માન્યતાઓને સ્વયંસિદ્ધ સમજીને જ આગળ વધે છે, ત્યારે માનવહૃદય શી રીતે કામ કરે છે એની રહસ્યમયતા, જે કલામાત્રનું ઉપાદાન ગણાય, એને એમાં સ્થાન જ નથી રહેતું. ટોમસ મૅન, ‘પાસ્ટ માસ્ટર્સ’ના વિવેચનમાં સાચું જ સૂચવે છે કે કાર્લ માર્ક્સ પણ ફ્રેડરિક હૉલ્ડરલિન વાંચવો જોઈએ. આપણા રાજકીય જીવનમાં વચ્ચે એક તબક્કો એવો આવી ગયો જ્યારે યુવાનવર્ગ ગાંધીવાદ અને સામ્યવાદ વચ્ચે દ્વિધાભાવ અનુભવી રહ્યો હતો. એ બંને વિચારસરણીઓ વચ્ચે ઝોલાં ખાતા યુવક–માનસનું ચિત્ર પણ રમણલાલકૃત ‘શોભના’ જેવી નવલકથામાં આલેખાયું છે. વચ્ચે એક દાયકા સુધી ગાંધીજીએ કૉંગ્રેસને ગ્રામોદ્ધાર અને રચનાત્મક કાર્યક્રમો તરફ વાળી. એ સમયના આપણા સમાજજીવનની તસવીર પણ રમણલાલે ‘ગ્રામલક્ષ્મી’ની ચાર ભાગમાં વિસ્તરેલી લાંબી રચનામાં રજૂ કરી છે. અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશનું આલેખન સોપાને ‘પ્રાયશ્ચિત્ત’ નવલકથાના બે ભાગમાં આપ્યું છે. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને હિન્દને પૂછ્યાગાછ્યા વિના એમાં શામિલ કરવામાં આવ્યું ત્યારે એની સામે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહનો આદેશ આપ્યો એ સમયની એક નવલ પણ આપણને મળી છે. એ છે, જયંતી દલાલકૃત ‘ધીમુ અને વિભા.’ શાહીવાદી નેમોની સિદ્ધિ અર્થે લડાતા યુદ્ધ સામેનો આ સત્યાગ્રહ આગળ ઉપર ૧૯૪૨માં જ્યારે ‘હિન્દ છોડી ચાલ્યા જાઓ!’ના પડકારમાં પરિણમ્યો ત્યારે એ લડતની તવારીખ આલેખવા માટે તો ઘણી કલમો પ્રવૃત્ત થઈ. બેંતાલિશના આંદોલન ઉપર સારી સંખ્યામાં નવલકથાઓ મળી છે. ‘પાદરનાં તીરથ’, ‘ઘૂવડ બોલ્યું’, ‘અણખૂટ ધારા’, ‘ખંડિત ક્લેવરો’, ‘૯મી ઑગસ્ટ’, ‘વનવાસ’, ‘દેશવટો’ વગેરે કથાઓમાં એ લોકક્રાંતિનાં આછાંપાતળાં પ્રતિબિંબો ઝિલાયાં છે અને હજી બીજી કથાઓમાં ઝિલાઈ રહ્યાં છે. રાજકીય રીતે સંપ્રજ્ઞ સાહિત્યકારોમાંના એક અગ્રણી નવલકથા દર્શકની કલમે લખાઈ રહેલી કથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં બેંતાલિશના આંદોલનનું આલેખન છે. સ્વ. મેઘાણીની અપૂર્ણ રહેવા પામેલી કથા ‘કાળચક્ર’માં પણ બેંતાલિશની લડત, આઝાદ હિન્દ ફોજનું જ્વલંત પ્રકરણ તેમજ આપણા સામાજિક–રાજકીય જીવનનાં બીજાં ઘણાં પાસાં આવરી લેવાનો પ્રયત્ન હતો. હિન્દમાં બ્રિટિશરોના આગમનને વિધિનો સંકેત માનનાર ગોવર્ધનરામને સામે પડ છે બેંતાલિશ વખતે બ્રિટિશરોને ચાલ્યા જવાનો આદેશ આપતા, પરદેશી તંત્રને ભાંગફોડ પ્રવૃત્તિ વડે સ્થગિત કરી સમાંતર સરકાર રચવાના ચિત્રો આલેખનાર આજના કથાકારોને વિચાર કરીએ છીએ ત્યારે આપણી રાજકીય વિચારણા અને વલણની આખી એક સદીની ઉત્ક્રાન્તિ નજર સામે તાદૃશ થાય છે. અને છતાં કહેવું પડશે કે ગુજરાતી નવલોમાં બહુ ઊંડી અભ્યાસપૂર્ણ રાજકીય વિચારણા નથી આવતી. જેઓ સાહિત્યકારો છે તેમનામાં રાજકીય જાગરૂકતા અને સંપ્રજ્ઞતા ઓછી છે. જેઓ રાજકીય રીતે સંપ્રજ્ઞ છે તેઓ સાહિત્યપ્રવૃત્તિ તરફ પ્રમાણમાં ઓછા આકર્ષાય છે. પરિણામે, સાહિત્યકૃતિઓમાં પ્રતિબિમ્બ થતું રાજકારણીય તત્ત્વ એટલું તો પાંગળું હોય છે કે માત્ર એટલી જ સામગ્રી પરથી રાજકીય વલણનો તંતુ પકડવાનું કામ અભ્યાસીઓ માટે મુશ્કેલ બની રહે છે. તો પણ, એક આશ્વાસન અનુભવી શકીએ કે છેલ્લા અઢી-ત્રણ દાયકા દરમ્યાન ગુજરાતે રાજકારણને સાહિત્યમાં ઝીલવાને બદલે જીવનમાં જીવી બતાવ્યું છે. સાહિત્ય કરતાં જીવનનુ મૂલ્યાંકન ઊંચું આંકીએ તો આ હકીકત ઓછી ગૌરવપ્રદ ન ગણાય. નવજાત આઝાદીની ઉષ્મા અનુભવી રહેલું હિન્દ આજે સમાજવાદ કે સામ્યવાદ કરતાં પણ એક ડગલું આગળ જતી પૂજ્ય રાષ્ટ્રપિતાએ બોધેલી સર્વોદયની વિચારસરણીનો પુરસ્કાર કરી, સમગ્ર એશિયાનું નેતૃત્વ લઈ રહ્યું છે. અને જતે દિવસે કદાચ બાકીની દુનિયાને પણ આ વિશ્વકલ્યાણકારી વિચારસરણી તરફ એ આકર્ષી શકશે એમ લાગે છે. એ જોતાં, આપણા જીવનનો આ મહાન તબક્કો અનેક મહાનવલોનાં કથાવસ્તુ પૂરાં પાડનાર પ્રેરણાબળ બની રહે એમ ઇચ્છીએ.

મુંબઈ રેડિયો પરથી પ્રસારિત, એપ્રિલ ૧૪, ૧૯૪૯