કથાલોક/નવલકથામાં સિનેમાની નકલબાજી?
નવલકથામાં સિનેમાની નકલબાજી?
ગ્રામજીવનની નવલકથાઓ વિષે હમણાં જાણવા જેવો અનુભવ થયો. જાણીતા સાહિત્યરંગી પત્રકાર અને લેખક હરિન શાહ મહિના-એક પહેલાં મુંબઈની મુલાકાત વેળા ઘેરે આવી ચડેલા જતાં જતાં કહ્યું : હમણાં અંગ્રેજીમાં કાંઈ નવું વાંચવા જેવું આવ્યું હોય તો આપો. ઝાઝાં પુસ્તકો ફેંદવાની આળસે, ટેબલ પર પડેલા. એક તાજા જ પ્રકાશન તરફ નજર નાખી. એક હાથવગી નવલકથા નોર્વેજિયન લેખક નટ હેમ્સનની હતી. એનું નામ ‘ગ્રૉથ ઑફ ધ સોઈલ.’ હેમ્સનની આ નોબલ ઇનામ જીતનારી નવલકથા આમ તો બહુ જૂની ગણાય પણ રુપા ઍન્ડ કંપનીએ કાચા પૂઠામાં એની ભારતીય આવૃત્તિ પ્રગટ કરી છે એ મારા જેવા ઘણા વાચકો માટે નવું પ્રકાશન બની રહેવા સંભવ હોવાથી એ પુસ્કત હરિન શાહને સોંપી દીધું. અને વળતે જ અઠવાડિયે એમના તરફથી જે અણધાર્યો લાંબો પત્ર આવ્યો એમાંથી પણ આ નવલકથા વિશેનાં કેટલાંક નિરીક્ષણો ઉતારવા જેવાં છે : ‘ગ્રૉથ ઑફ ધ સોઈલ’ વાંચી રહ્યો છું. આપણે ત્યાં નવલકથાને રસપ્રદ બનાવવા માટે ઘટનાની અસરકારકતા ઉપર મુખ્ય આધાર રાખવો પડે છે, જ્યારે યુરોપ અને અમેરિકાના લેખકો પાત્રાલેખનમાંથી તથા કથાની પશ્ચાદ્ભૂના ચિત્રણમાંથી મંદમંદ સમીર જેવી અસર ઉપજાવતા હોય છે. એ તફાવત પાછળ આપણા સમાજની પ્રાથમિકતા જવાબદાર હશે? ‘ગ્રૉથ ઑફ ધ સોઈલ’માં ફરીથી મને એ જ દેખાઈ રહ્યું છે. ધીંગા અને અલગારી ડુંગરમાં પડેલા એવા જ અલગારી આઈઝેકને થોડાક દહાડામાં રાઠોડી ભેરુ મળી આવે છે. આઈઝેક અને ઇંગરના પરિચયનો પ્રથમ દિન હેતાળ નથી. એ તો, કોઈ જેન્ટલમૅનના ઔપચારિક જયજય જેવો જ છે. એકબીજાંની ગાય દોહી આપી, ચા–પાણી પીવરાવીને રાત પડતાં દિલને થાકના આરામનું લેણું ચૂકવવાનું હતું તેથી બન્ને પડ્યાં. આઈઝેક અને ઇંગરની એ વાત લેખકે સાવ ટાઢે કોઠે પોણી લીટીમાં જ કહી નાખી છે : ‘આઈઝેક વૉઝ લાઇંગ ડાઉન વૉન્ટિંગ હર, ઍન્ડ શી વૉઝ વિલિંગ...’ આપણો લેખક આ મહત્ત્વની છતાંય સાવ સ્વાભાવિક ઘટનામાંથી બે પ્રકરણો ખેંચી કાઢવાની લાલચ રોકી શકતે નહિ. “કારણ? કારણ કે આપણા પછાત સમાજમાં હજુ પણ Life is an event. ખરેખર, જીવન એક આઘાત જેવો અનુભવ કરાવે છે. વાસ્તવમાં તો એ અનેકાનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયાઓના સારસરવાળા જેવી એક નીપજ હોય છે. મને લાગે છે કે આપણી સામંતશાહી જીવનશૈલીએ ‘ટ્રાઈબલ’ જીવનશૈલી પર વિજય મેળવ્યો હોવા છતાંયે આપણે હજી એમાંથી બહાર આવ્યા નથી...પરિણામે આપણું જીવન હજી સમધારણવાળું, સમથળ બન્યું નથી...આપણો લેખક સિનેમાની માફક બૉકસ–ઑફિસ પાછળ જાગૃત રીતે ઘેલો નહિ હોય, પણ એ આપણા સમાજના સામંતશાહી વાયુમંડળમાંથી કદાચ બહુ ઊંચો નથી આવ્યો.” નટ હેમ્સનની નવલકથા પરથી તારવવામાં આવેલું આ નિરીક્ષણ ગ્રામજીવનની આપણી બધી જ કથાઓને લાગુ ન પડતું હોય તોપણ એમાં રહેલો તથ્યાંશ વિચાર પ્રેરનારો તો છે જ. ગ્રામજીવનની જ શા માટે, નગરજીવનની કથાઓમાં પણ સિનેમાની અસર વરતાવા લાગી છે. હમણાં જ આપણા યુવાન કવિ હરીન્દ્ર દવેએ વાતવાતમાં પોતાનો અનુભવ કહી સંભળાવ્યો. એમને ‘જનશક્તિ’ દૈનિકમાં સાપ્તાહિક ગ્રંથવાલોકન નિમિત્તે સર્જાતા સાહિત્યના સમ્પર્કમાં રહેવાનું થાય છે. એમણે કહ્યું કે હમણાં હમણાં ઘણી નવલકથાઓ ચલચિત્રની પટકથા(સિનારિયો)ની ઢબે લખાવા લાગી છે. એમણે કેટલાક પ્રસંગો અને વર્ણનોનાં ઉદાહરણ આપ્યાં એ ઉપરથી સમજાયું કે એ લખાવટ નવલકથા કરતાં ચિત્રપટની ‘શૂટિંગ સ્ક્રિપ્ટ’ માટે વધારે અનુકૂળ નીવડે એવી હતી. નવલકથા અને સિનેમાની કલા વચ્ચે અમુક હદ સુધી સામ્ય અવશ્ય છે. પણ નવલકથા એ રૂપેરી પરદાની પટકથા કરતાં ઘણું ઘણું વિશેષ છે. નવલકથાકાર દૃશ્યમાન ઘટનાઓનો નર્યો વૃત્તાંત–નિવેદક નથી; એ તો જીવનના નિરીક્ષક ઉપરાંત એનો ભાષ્યકાર પણ છે જ. નારી આંખે દેખાતી સ્થૂલ ઘટનાઓ ઉપરાંત પણ એને ઘણું વધારે કહેવાનું હોય છે. અને એ માટે રૂપેરી પરદાની સિનારિયોશૈલી એક ઓજાર તરીકે ઘણી ઊણી પડે એમ લાગે છે. સિનેમાની કલા નવલકથાનું અનુકરણ કરે એ સમજી શકાય. બલકે, ઉત્તમ નવલકથાઓ પરથી ઉત્તમ ચલચિત્રો સર્જાય એ એક ચાલુ રવૈયો છે, અને સરજતની સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ સિનેમા પરથી નવલકથાઓ રચાય એ પ્રક્રિયા બહુ સુખદ જણાતી નથી. એ ચાળે ચડવા જેવું નથી. અને અનુકરણની વાત કરીએ તો પણ છેલ્લામાં છેલ્લું વલણ તો, નવલકથાની લેખનશૈલી ચલચિત્રમાં યોજવાનું જણાય છે. પશ્ચિમમાં ‘રિમેમ્બ્રન્સીઝ ઑફ ધ થિંગ્ઝ પાસ્ટ’ અને ‘યુલિસિસ’ નવલકથાઓની ઢબે ચલચિત્રો ઊતરવા લાગ્યાં છે. આ ચિત્રોમાં પહેલી નજરે અસંગત અને અનાવશ્યક જણાતાં અસંખ્ય દૃશ્યો રજૂ થતાં રહે છે અને પ્રેક્ષકના ચિત્ત પર એની સામૂહિક અસર વડે રસનિષ્પત્તિ સિદ્ધ કરવાની કરામત યોજાય છે. આવી સ્થિતિમાં આપણી નવલકથા સિનેમાની સસ્તી નકલબાજીમાં અટવાઈ જશે કે શું?
જૂન ૧૪, ૧૯૬૧