કથાલોક/નવલકથાની શક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



નવલકથાની શક્તિ

‘આ ધરતી પર નવલકથાકારના અસ્તિત્વનું કોઈ વાજબીપણું હોય તો તે આટલું જ છે : ઉચ્ચોચ્ચ ને ભવ્યતમ પાત્રોમાં પણ અંતરતમ પડેલ કુત્સિતતા અને છિન્નભિન્નતા છતી કરવી; આની સાથોસાથ, પતનશીલ જણાતાં પાત્રોમાં પણ પ્રચ્છન્નપણે વહેતી પાવિત્ર્યની સરવાણી શોધી કાઢવી.’ નવલકથાકારની કામગીરી વિશે ફ્રેન્ચ કથાકાર ફ્રાંઝવા મૉરિયાકે આ વર્ણન ૧૯૨૯માં કરેલું. ગઈ સદીમાં બીજા એક નવલકથાકાર ટૉમસ હાર્ડીએ આ જ કામગીરી લગભગ એ જ પરિભાષામાં આ રીતે સમજાવેલી : ‘કવિ અને નવલકથાકારનું કામ ભવ્યતમ વસ્તુઓમાં રહેલી ક્ષુદ્રતા અને ક્ષુદ્ર વસ્તુઓમાં રહેલી ભવ્યતા ચીંધી બતાવવાનું છે.’ આ બેઉ નિરીક્ષણોના ટૂંક સાર જેવું, નવલકથાકારનું લક્ષણ-વિશેષ આર્નોલ્ડ બેનેટે બાંધી આપેલું : ‘ખરેખર મહાન નવલનવેશનું અતિઆવશ્યક લક્ષણ તે ભગવાન ઈસુ ખ્રિસ્ત જેવી સર્વગ્રાહી સહાનુકમ્પા.’ રૉબર્ટ લુઈ સ્ટિવન્સને કહેલું કે, ‘લેખકની હાટડીમાં એક જ ઓજાર હોય છે, અને તે છે અનુકમ્પા.’ નવલકથાકારની કામગીરીને કરુણામૂર્તિ ઈસુ ભગવાનની જોડે મૂલવતાં આ બધાં નિરીક્ષણો નવલકથાકારોનાં પોતાનાં જ છે. આજકાલની સાંસ્કૃતિક આબોહવામાં નવલકથા અને નવલકથાકારની પ્રતિષ્ઠાનો પારો નીચે ઊતરી રહ્યો છે ત્યારે આ અવતરણો મેં ચાહીને ટાંક્યાં છે. ‘લેડી ચેટલીંઝ લવર’ને અશ્લીલ ગણ્યા પછી હવે હેન્રી મિલરના ‘ટ્રૉપિક ઑફ કૅન્સર’ ઉપર પણ તવાઈ આવી છે; અને હવે તો ‘ફ્રૅનિ હિલ’ પણ દાણાવાળાઓને ત્યાંથી ખાંડ ખેંચાઈ ગઈ એટલી ઝડપે બુકસ્ટોરમાંથી ખેંચાઈ ગઈ છે. મરજાદીઓ મનમાં મલકાઈ રહ્યા છે કે આ લેખકો માળા આ જ લાગના હતા...આવી નાગી ને નફ્ફટ વાર્તાઓ લખીલખીને આપણાં છોકરાંઓને બહેકાવી–બગાડી મૂકતા હતા. આજે પણ કૉલેજોનાં સાહિત્યમંડળો સમક્ષ મંગલ કે અ–મંગલ પ્રવચનો કરવા જાઉં છું ત્યારે છેવટની પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં કોઈક વિદ્યાર્થી–કદાચ પ્રાધ્યાપકપ્રેરિત જ પ્રશ્નાર્થી–એક સવાલ તો પગ ખેંચવાની ઢબે છેડતી કરવા ખાતર પૂછે જ છે કે ‘તમને નથી લાગતું કે નવલકથાઓએ યુવાનોને બગાડી મૂક્યા છે?’ આની સામે હું વળતી છેડતી જેવો ઉત્તર વાળું છું : ‘તમને બગાડી મૂકવાનું બિચારા નવલકથાકારનું તે શું ગજું?’ અથવા, ‘નવલકથા વાંચવાથી તમારામાં વધારે બગાડો તે બીજો શો થવાનો હતો?’ પણ આવી મજાક કર્યા પછી મનમાં અવશ્ય એક ચિંતા તો જાગે જ છે, અને તે ચિંતા છે નવલકથાના દુરુપયોગની. પણ ખરેખર નવલકથાનો કે કોઈ પણ સાહિત્યપ્રકારનો દુરુપયોગ થઈ શકે ખરો? અને કદાચને થાય તો પછી એ વસ્તુ સાહિત્યના નામનેય પાત્ર રહે ખરી? મરજાદીઓ મોટે ભાગે તો અમુક સાહિત્યકૃતિ અનૈતિક છે એવું બુમરાણ મચાવતા હોય છે, પણ આ બુમરાણ પણ ઘણી વાર બાલિશ કે સાવ પોલું હોય છે. કોઈ વાર અનૈતિકતાની ફરિયાદ સાપેક્ષ પણ હોય. અદાલતોના ન્યાયાધીશોને ‘લેડી ચેટલીંઝ લવર’ અનીતિપોષક જણાય ત્યારે જૉર્જ બર્નાર્ડ શૉ એ જ કથાને લગ્નોન્મુખ પુત્રીને ભેટ આપવાને લાયક ગણે. ‘યામા ધ પિટ’ને તત્કાલીન રશિયન સરકાર સેન્સર કરે, પણ એનો કર્તા કુપ્રન તો એ કથા માતાઓને અને યુવાનોને અર્પણ કરે. આજે ૧૯૬૪ની સાલમાં પણ હેન્રી મિલરની નવલકથાઓને કશી કાપકૂપ વિના અંકબંધ તો એક ફ્રાન્સ સિવાય દુનિયાના કોઈ દેશમાં છાપવાની છૂટ નથી મળતી. પશ્ચિમના ભલભલા ઉદારમતવાદી ને અ–મરજાદી સમાજો પણ હેન્રી મિલરની ભડક અનુભવે છે, ત્યારે સાચા રસજ્ઞો ‘બ્લૅક સ્પ્રિંગ’ કે ‘ટ્રૉપિક ઑફ કૅન્સર’ જેવી રચનાઓમાં પશ્ચિમની બુદ્ધિજીવી ને યંત્રોપાસક સંસ્કૃતિની કૃત્રિમતા સામે એક બુલંદ તહોમતનામું વાંચવા મથે છે, મિલરનાં જિન્સી ચિત્રણોમાં આત્મદર્શનનો ઉદ્યમ નિહાળે છે. આ સાપેક્ષ નૈતિકતાની વાત ઘડીભર બાજુએ રહેવા દઈએ તોપણ એક વાતની તો ના નહિ જ કહેવાય કે નવલકથાના દુરુપયોગો થાય જ છે. મોટે ભાગે બજારુ પ્રકાશકો ને બુકસેલરો કીર્તિ કરતાંય કલદાર રળવા આ સાહિત્યપ્રકારનો ગેરલાભ ઉઠાવતા હોય છે. મહાબલિપુરમના નટરાજની મૂર્તિ લોકપ્રિય નીવડે પછી એની પ્રતિકૃતિના ‘રૅપ્લિકા’નું જથ્થોત્પાદન કરવા માટે, ‘ગણપતિચ્યા કારખાને’ જેવાં કારખાનાં નીકળે એવો આ ધંધાદારી ઉદ્યમ હોય છે. ગ્રેસ મેટલિસની કલમે ‘પીટન પ્લેસ’ જેવી બજારુ કથા બેસ્ટ સેલર સાબિત થાય એટલે એ કૃતિ તેમજ કર્તા બેઉનાં નામ ફરીફરીને વટાવી ખાવા ‘રિટર્ન ટુ ધ પીટન પ્લેસ’ લખાવાય જ. દુબારા ઢબના આ ‘રિટર્ન’ પ્રયોગો આ સાહિત્યપ્રકારનું એક જાણીતું દૂષણ છે. એના પ્રલોભનમાં ફસાનાર ભલભલી પ્રતિભાઓને ધોવાણ થઈ ગયાં હોવાના દાખલા દરેક ભાષામાં મળી આવે એમ છે. પ્રશ્ન તો એ થાય છે કે, સાહિત્યમાં સૉનેટનો નહિ, એકાંકી નાટકનો નહિ, ને એકલી નવલકથાનો જ આવો દુરુપયોગ શાથી થાય છે? કારણ કે, નવલકથા અત્યંત લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. એનું બજાર એકાદ ઉદ્યોગનાં પરિમાણ ધરાવનારું ધરખમ હોય છે. તેથી જ એ માલ એસેમ્બ્લી લાઈનની પદ્ધતિએ ને કન્વેયર બેલ્ટની ઝડપે બહાર પડતો રહે છે. એ માલમાં સારાં, નરસાં ને નપાવટનું મિશ્રણ હોય છે. કમનસીબે એમાં છેલ્લા બે પ્રકારના માલની બહુલતા હોય છે. એ ગંજાવર ગ્રંથસમૂહમાંથી સારી નવલકથા પ્રાપ્ત થવી એ એક સુખદ અકસ્માત જ બની રહે છે. ગુજરાતી સાહિત્યની જ વાત કરીએ તો આજકાલ દર વર્ષે અંદાજે બસોથી ત્રણસો જેટલી નવલકથાઓ પ્રગટ થાય છે. પણ એના પ્રકાશન પછી બીજે જ વર્ષે એમાંની કેટલીક કૃતિઓનાં નામ પણ યાદ રહે છે એ તપાસ કરવા જેવી છે. પ્રજાસમૂહમાં નવું નવું અક્ષરજ્ઞાન પ્રસરે અને લોકનાયકો તેમજ પ્રકાશકો કહે છે તેમ લોકોમાં નવી વાચન ભૂખ ઊઘડે ત્યારે પસ્તી પેદા કરવાના ઉદ્યમને પણ ઉત્તેજન મળે જ. આ ઉદ્યમને ઉત્તેજન મળવાનું કારણ એ છે કે નવલકથા અત્યંત શિથિલ અને અત્યંત સહેલો સાહિત્યપ્રકાર છે. (જોકે, એનું આ દેખીતું સહેલાપણું ભ્રામક જ છે, એ તો આ લેખનપ્રકારને ખેડનારાઓ સ્વાનુભવથી સમજતા જ હશે) અન્ય સાહિત્યપ્રકારોને એની આછી પાતળી પણ બંદીશને વશ વર્તવું પડે છે. નવલકથા લખનારને શબ્દોશ અને ક્રિયાપદોની જ જરૂર પડે છે. ‘યુદ્ધ અને શાન્તિ’ની પેઠે બધી જ નવલકથાઓ કાંઈ પંદર–પંદર વાર ફરીફરીને લખાતી નથી હોતી. બધા જ નવલકથાકારો ફ્લૉબેરની જેમ યોગ્ય સ્થળે યોગ્ય શબ્દ મૂકવા માટે રાતોની રાતો ઉજાગરા નથી કરતા, બધા જ નવલકથાકારો કાંઈ ટૉલ્સ્ટૉયની જેમ પોતાનાં ‘રુધિર–માંસમાં કલમ ઝબકોળીઝબકોળીને’ લખતાં નથી હોતાં. તેથી જ, આજે નવલકથાની નરવાઈ માટે મોટામાં મોટી ચિન્તા એને આ જથ્થોત્પાદનના બજારુપણામાંથી કેમ કરીને બચાવવી, એ છે. સદ્ભાગ્યે પેલા ઈસુ સમી અનુકમ્પા ધરાવનારા કથાકારો આ બજારુપણાના પાશમાં ફસાતા નથી. બજારુ બનવાની કે નફાખોરી કરવાની વાત તો બાજુએ રહી, કીર્તિના ઝળહળાટની પણ એમને પડી નથી હોતી. નવલકથાના લેખનને તેઓ એક ગંભીર પવિત્ર આધ્યાત્મિક પ્રવૃત્તિ તરીકે આરાધતા રહે છે. નવલકથા આમ તે સામૂહિક સંસ્પર્શની ક્ષમતા ધરાવતો સાહિત્યપ્રકાર છે. પણ એના સર્જકો અત્યંત એકલવિહારી હોય છે. સર્જકના સર્જનવ્યાપાર અને એની પ્રક્રિયા તો શયનગૃહની બાબત છે, એવી ઝવેરચંદ મેઘાણીની એક ટકોર નવલકથાકારોને વિશેષ લાગુ પડતી જણાય છે. પ્રુસ જેવો નવલકથાકાર પોતાના ખંડનાં બારીબારણાં ભીડીને નવલકથાઓ લખે, બહારનો જરાતરા ઘોંઘાટ પણ ઓરડામાં પેસી ન જાય એટલા ખાતર તિરાડો સુદ્ધાંમાં રબ્બરની પટીઓ લગાવી દે, એ બધું સર્જકની વિચિત્રતા કે ધૂનીપણામાં ખપાવવાને બદલે એની વ્યવસાયી જરૂરિયાતો લેખે જ સ્વીકારવા જેવું છે. ગર્ટ્રુડ સ્ટેઈન કે હેમિંગ્વે કે હેન્રી મિલર સ્વૈચ્છિક દેશનિકાલ જેવી સ્થિતિ સ્વીકારી લે અથવા ફૉકનર જેવો માણસ પોતાનાં ફાર્મહાઉસની બહાર નીકળવાની જ ના પાડે, ત્યારે સમજાય કે નવલકથાકારોના આ એકલવિહારીપણામાં કોઈ અહમ્ નહિ પણ આંતરિક જરૂરિયાત જ કામ કરતી હોય છે. દુનિયામાં ભિન્નભિન્ન વ્યવસાયોમાં પડેલા કિસમકિસમના માણસોએ નવલકથાઓ લખી છે એ ઉપરથી પણ અનુમાની શકાય કે આ સાહિત્યપ્રકાર એના સર્જકની કોઈક અનિવાર્ય અભિવ્યક્તિનું માધ્યમ બની શકે તેમ છે. ગોવર્ધનરામ આજન્મ કલાકાર હોવા છતાં વ્યવસાયે વકીલ અને સ્વભાવે આત્મશોધક અને સાધક હતા. ‘સરસ્વતીચંદ્ર’ને એમણે આત્મશોધનનું જ સાધન બનાવ્યું. આજકાલ જેની ઉપર અશ્લીલતાના આરોપસર પિસ્તાળ પડી રહી છે એ હેન્રી મિલર તો કહે છે કે, જિન્સી પ્રક્રિયાઓના ઉઘાડેછોગ આલેખન વડે હું તો આત્મસાક્ષાત્કાર કરવા મથી રહ્યો છું. His concern with sexuality is not really with sexuality at all but with selfrealisation.’ એકાદ ‘ઝ્યાં ક્રિસ્તોફ’ મારફત એકલા રોમાં રોલાંની જ નહિ પણ સમગ્ર યુરોપીય સાહિત્યની ચેતનાને વાચા સાંપડી શકે છે. દોસ્તોયેવ્સ્કી જેવો કલાકાર પોતાની નવલકથાઓમાં મર્ત્ય માનવીની દિવ્યતાની ઝાંખી કરાવી શકે છે, તો સજાતીય જિન્સી આવેગોનું પણ નિઃસંકોચ ચિત્રણ કરીને આન્દ્ર જિદ મનુષ્યના પૂર્ણત્વનો સાક્ષાત્કાર કરાવી શકે છે.

સત્યનારાયણની કથામાં મુખ્યત્વે તો એ કથા કરાવનારને શા શા ફાયદા ને પેલા સાધુવાણિયા જેવા કપટીઓને શા શા ગેરફાયદા થયા એની લાંબીલચ દાસ્તાન આવે છે, એ અનૌચિત્ય દોષ વહોરીને પણ નવલકથાની શક્તિ અંગે કેટલીક કથાઓ કહેવા જેવી લાગે છે. અમેરિકામાં હબસી ગુલામોને મુક્તિ અપાવવાનું સારું એવું શ્રેય ‘અંકલ ટોમ્સ કેબિન’ને ખાતે જમા થયું છે. ફ્રાન્સમાં એક અત્યંત નુકસાનકારક આલ્કોહૉલિક પીણા એબ્સિન્થ ઉપર પ્રતિબંધ મુકાવવામાં બાલ્ઝાકની એક નવલકથા નિમિત્ત બનેલી. બ્રિટનમાં કારખાનાં તથા જેલખાનાંની સુધારણાઓના કાયદા પાર્લામેન્ટે કરેલા પણ એ માટેનો અનુકૂળ લોકમત ડિકન્સની નવલકથાઓએ કેળવેલો. ઝ્યાં ક્રિસ્તોફ જેવી નવલકથા લોકસમૂહના સંસ્કારઘડતરનું સાધન બની શકે છે. ફ્રાન્ઝ કાફકાની રચનાઓમાંથી સમગ્ર માનવજાતની સંપ્રજ્ઞતાનો પડઘો સાંભળી શકાય છે. મિલર કે કાફકા જેવા કથાકાર તો ઉત્તમોત્તમ કલાકારો હોવા ઉપરાંત ‘વિઝનરી’, સ્વપ્નદૃષ્ટાઓ અને આર્ષદૃષ્ટાઓ પણ સાબિત થાય છે. ‘શ્રીકાન્ત’ કે ‘ગોરા’ જેવી નવલોમાં એક રાષ્ટ્રનો આત્મ યથાતથ ઝિલાઈ શકે છે. આ સઘળી ગુંજાશ નવલકથામાં રહેલી અપાર શક્યતાઓની જ સાખ પૂરે છે. વાર્તાલેખકોનો આદિનાયક ગોગોલ ગણાય છે એમ નવલકથાકારોના વંશવેલામાં મૂળ પુરુષ તરીકે સર્વાન્તિસની પ્રતિષ્ઠા થઈ છે. સહુ વાર્તાકારો ગોગોલના ‘ઑરવકૉટ’માંથી ટપક્યા, એ ઢબે કહી શકાય કે આધુનિક નવલકથાનાં મૂળ ‘ડોન કિહોટે’માં રહેલાં છે. હવે અચરજ તો જુઓ કે પહેલી નજરે સાહસકથા લાગતી, પણ સમજે એને સાલે એવો, છૂપા વાઘનખ જેવો તીક્ષ્ણ મર્મ ધરાવતી એ આદિકથામાં આદિમ–Primitive–તત્ત્વ ભારોભાર રહેલું છે. આજે ચાર સૈકા પછી પણ પવનચક્કી પર ધસી જતો એ ડોન કિહોટે અને એને સાથી સાંકો પાન્ઝા તાઝાબતાઝા ને નૌબનૌ લાગે છે એનું રહસ્ય એ કથામાંના આદિમ લક્ષણમાં શોધી શકાય. અને સાચી વાત એ છે કે કોઈ પણ કલ્પનોત્થ કથામાં આ આદિમ તત્ત્વ આવશ્યક બની રહે છે. વાર્તા ભલે અતીતની હોય, સામ્પ્રતની હોય કે પછી આવતી કાલની દુનિયાનો કલ્પનાવિહાર હોય; એનું સ્થળ ગ્રામજીવનમાં હોય કે નગરજીવનમાં, એની પાત્રસૃષ્ટિમાં કંકુડી ને કાનિયો હોય કે સરસ્વતીચંદ્ર ને કુમુદ–કુસુમ હોય, એના ઘટનાસૂત્રમાં કોઈક ને કોઈક પ્રકારની આદિમતા વિના કથામાં પ્રાણ ધબકી શકતો નથી. એ આદિમતા વફાદારીઓની દ્વિધાની હોય, સંઘર્ષની હોય, પરંપરા સામેના પડકારની હોય, બેવફાઈની હોય કે એના પરિતાપની હોય. કસ્લરે કહ્યું છે કે, દુનિયાભરના કલ્પનોત્થ સાહિત્યમાં કથાવસ્તુઓ તો બહુ પરિમિત હોય છે, એ વસ્તુઓના જૂજવા ઘાટમાં જ, એના સ્થળકાળ ને રંગરોગાનમાં અપરંપાર વિવિધતા હોય છે. એક તાજો જ દાખલો યાદ આવે છે એ રજૂ કરું : ‘સરસ્વતીચંદ્ર’ના કથામાળખાની ધરી ક્યાં છે? જેનો વિવાહ થઈ ચૂક્યો છે એ નાયક ગૃહત્યાગ કરી ગયો, અખબારી ભાષામાં એ ‘લાપત્તા’ બની ગયો, પછી એની વાગ્દત્તા બીજાને વરી. પણ એમાં વાર્તા ક્યાં આવી? અથવા, વાર્તા શી રીતે બની કે જામી? એ લાપત્તા નાયક પાછો આવ્યો. એટલું જ નહિ, બીજાને પરણેલી પોતાની વાગ્દત્તાને ઘેર જ અતિથિ તરીકે જઈ પહોંચ્યો. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નું કથાવસ્તુ સંભારીએ. સત્યકામ શીતળાના રોગમાં મરી પરવાર્યો છે એ સમાચાર મળ્યા પછી રોહિણી બીજે પરણી. પણ સત્યકામ તો જીવતો પાછો આવ્યો. એમાંથી વાર્તા જન્મી. આ અઠવાડિયે રાજકપૂરનું ‘સંગમ’ ચિત્ર જોતાંજોતાં આ બેઉ કથાઓનું સામ્ય સાંભરી આવ્યું. એ ચિત્રનો નાયક સુંદર યુદ્ધકાળમાં વિમાની તરીકે ફરજ બજાવવા યુદ્ધમોરચે જાય છે અને વિમાન સળગી ઊઠતાં મરી પરવારે છે એ સમાચાર જાણીને સુંદરનો મિત્ર ગોપાલ સુંદરની પ્રેયસી રાધા જોડે દિલ જોડે છે, એને ‘પ્રેમપત્ર’ લખે છે. પણ સુંદર તો ઍમ્બ્યુલન્સમાંથી જીવતો નીકળે છે અને વાર્તામાં ગૂંચ ઊભી થાય છે. નવલકથાઓમાં સનાતન ગણાતો પ્રેમત્રિકોણ ‘સરસ્વતીચંદ્ર’થી માંડીને ‘સંગમ’ સુધીમાં કેવી વિવિધરંગી પણ મૂળભૂત સનાતનતા જાળવી રહે છે! હાન સુયિનની નવલકથા ને ચલચિત્રનું નામ યાદ છે ને? Love is a Many Splendoured Thing. વાત સાચી. પણ પ્રેમનો મૂળ રંગ તો એક જ હોય છે. બાકીના બીજા બધા મેળવણીથી થાય. Variations of a theme. નાટકો માટે કહેવાય છે કે, એમાં વધુમાં વધુ છત્રીસ પરિસ્થિતિઓ જ શક્ય છે. નવલકથાઓમાં કદાચ એટલું વૈવિધ્ય પણ નહિ મળે, કેમકે, પેલા બુનિયાદી આદિમ તત્ત્વની બહુ ઝાઝી આવૃત્તિઓ શક્ય નથી. મને ઘણી વાર વહેમ આવે છે કે ફ્લૉબેર, જોઈસ, લૉરેન્સ કે મિલર જેવાની નવલકથાઓને અદાલતો અશ્લીલ ઠરાવે છે તે એ લેખકોની આદિમ તત્ત્વની વધારે પડતી ઉપાસનાને કારણે તો નહિ હોય? અદાલત મને માફ કરે તો કહું કે આ ચતુષ્ઠ્યમાં મને લેખક વધુમાં વધુ આદિમ અને વધુમાં વધુ આસ્વાદ્ય મિલર લાગ્યો છે. એ લેખક તો, કલા અને જીવનની અભિન્નતા સિદ્ધ કરવા મથે છે. કલા અને જીવન નહિ પણ જીવનકલા જ, અથવા માત્ર જીવન જ. લૉરેન્સ ડરલ તો મિલરને એક ફિરસ્તાની કોટીમાં મૂકે છે. આકાશને બદલે ફ્રાન્સની ધરતી પર વસતા એ ફિરસ્તાની આગાહી તો એવી છે કે કાળક્રમે કલા અને જીવન વચ્ચેના ભેદ લોપાઈ જશે, મનુષ્ય આજે દિલ અને દિમાગની બેવડી દુનિયામાં દ્વિમાર્ગી જીવન જીવી રહ્યાં છે એ નષ્ટ થતાં આખરે દિલની જ દુનિયા સર્જાઈ રહેશે.

દિમાગની દુનિયામાંથી પણ સાહિત્ય નથી સરજાતું એમ નહિ કહી શકાય. આજકાલની અતિઅર્વાચીન કવિતાનો નેવું ટકા ભાગ Cerebral–માનસિક વ્યાયામની નીપજ હોય છે. કોષ્ટકો, કારિકાઓ આદિના મનોયત્નોમાંથી ગણિતને બદલે કવિતા કે નવલકથા પ્રસવવાના પ્રયત્નો થાય ત્યારે કેવું પરિણામ આવે? જેમ્સ જોઈસના thought train વિચાર–સંક્રમણની જ વાત કરું. એની મહાનવલ ‘યુલિસિસ’ એવી તો મહાન નીવડી કે એણે બધી નવલકથાઓનો ખાતમો કરી નાખ્યો એમ કહેવાયું છે. He wrote a novel to end all the novels. જર્મનીના વાઈમાર યુગના મહાન સૃષ્ટા બિસ્માર્કના અંતિમ દિવસોમાં કૈઝરે પોતાની ડાયરીમાં એક નિરીક્ષણ ટપકાવેલું : બિસ્માર્ક એક મહાન તોતિંગ શિલાની જેમ આજે તોળાઈ રહ્યો છે. એ શૈલરાશિ ઊખડી પડશે ત્યારે એના પાયા તળેથી પાર વગરના ભાજીપાલા ને જીવજંતુઓ ખદબદી ઊઠશે. નેહરુના અવસાનના દિવસથી મનમાં રમ્યા કરતી આ અગાહી જોઈસની બાબતમાં બંધબેસતી લાગે છે. જોઈસ પણ મહાન મનોરોગી હતો અને એટલો જ મહાન નવલકથાકાર પણ બની શક્યો. એ પોતાનું માંહ્યલું ભૂત યુલિસિસરૂપે શીશામાં પૂરી શક્યો ન હોત તો એ ભૂત એને પોતાને જ ભરખી જાત. પણ બધા જ મનોરોગીઓ કાંઈ નવલકથાકાર તરીકે મૃત્યુ પામી શકતા નથી; એ તો મૅન્ટલ હૉસ્પિટલમાં જ મૃત્યુ પામતા હોય છે. તેથી જ તો એવા લેખકો માટે કહેવાયું છે ને, કે સાહિત્યમાં તેઓ આપવા ગયા જીવન પણ આપી બેઠા ઇસ્પિતાલો. મને લાગે છે કે રોગ વિષે જ્ઞાન મેળવવા માગતો વાચક નવલકથા કરતાં મટિરિયામેડિકાને જ વધારે શ્રદ્ધેય ગણે. રાખે માનતા કે stream of consciousnessની નવલકથાઓનો હું કાંકરો જ કાઢી નાખવા મથું છું. એ ન ભૂલીએ કે વર્જિનીઆ વુલ્ફ જેવાં લેખિકાએ ‘લાઈટ હાઉસ’, ‘ધ વેવ્ઝ’ વગેરેમાં આ પ્રકારના કેટલાક સમર્થ પ્રયત્નો કર્યા છે, પણ સાથે એ પણ ન ભૂલીએ કે વર્જિનીઆ વુલ્ફ પોતે આપઘાત વડે જ જીવનમુક્તિ મેળવી શક્યાં હતાં. જે કલા એના સર્જકમાં જ જીવનબળ ન સિંચી શકે એ કલા અંગે કોઈ વાર સચિંત થઈ જવાય છે. મગજના મનોયત્નો વડે ભલે ગમે તેવી રમણીય સૃષ્ટિ ખડી કરીએ પણ એમાં જ્યાં સુધી જીવન સંચારિત ન થાય ત્યાં સુધી એ શા કામનો? આવી રચનાઓ માટે કસ્લરે એક સચોટ ઉપમ વાપરી છે : એક ભવ્ય ઇમારતને પાણી, વીજળી, ઉષ્ણતાયંત્ર, એરકંડિશનિંગ આદિ બધી સગવડો વડે સજ્જ કરી છે, પણ એ સાધનોનું મુખ્ય main વિદ્યુતપ્રવાહ જોડે જોડાણ નથી કર્યું. આ main તે શું? કસ્લર તો એને ‘કંઈક’ કહીને અટકી જાય છે. આવી નવલકથાઓમાં માતબર સામગ્રીઓ મોજૂદ હોવા છતાં એમનામાં ‘કંઈક’ ખૂટતું લાગે છે. આ ‘કંઈક’ને આપણે પ્રાણતત્ત્વ કહીશું? કે આદિમ તત્ત્વ વડે જ ઓળખાવીશું? શબ્દ ગમે તે વાપરીએ પણ એ તત્ત્વનું જનનકેન્દ્ર દિમાગ નહિ પણ દિલ છે એ ન ભૂલીએ. આરંભમાં પેલી ઈસુ જેવી અનુકમ્પાની વાત કહી એનું ઉદ્ભવસ્થાન પણ શરીરની શિરટોચમાં નહિ પણ આપણી ડાબી બાજુના પડખામાં જ છે.

નવલકથાની વ્યાખ્યાઓ પણ એના સ્વરૂપ જેટલી જ શિથિલ હોય છે. કદાચ એ બધી જ વ્યાખ્યાઓમાં તથ્યાંશ હશે. એક જમાનામાં નવલકથા માટે એક નકારાત્મક વ્યાખ્યા પ્રચલિત હતી : ‘રોમાન્સ’ નહિ તે નવલકથા. પણ એ તો, કાળું નહિ તે ધોળું, એવું વ્યાપક નિવેદન થયું. એલિઝાબેથ બૉવેને નવલકથાનું એક લક્ષણ બાંધી આપ્યું છે : The nonpoetic statement of a poetic truth. કાવ્યમય સત્યનું અકાવ્યમય નિવેદન. પણ કાવ્યમય સત્ય એટલે શું? બહુ જ સંદિગ્ધ શબ્દો છે. બૉવેને પણ કબૂલ કર્યું છે કે કાવ્યમય સત્યો તો સઘળાં ઉદ્ઘોષિક થઈ જ ચૂક્યાં હોય છે. એમાં તમે નવું શું ઉમેરવાના હતા? પણ ના, કાવ્યમય સત્યનું લક્ષણ એ કે એની કોઈ ઘોષણા આખરી ન ગણાય. તેથી જ તો માનવીના અહંકારની વાત મેલવિલે ‘મોબિ ડિક’માં કહી દીધી હોવા છતાં હેમિંગ્વે ફરી ફરીને ‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’માં એ સત્યનો પુનરોચ્ચાર કરી શકે છે. ‘વાત કંઈ નવી નથી’ એ સૂત્ર નવલકથાને વિશેષ લાગુ પડે. છે. વાત ભલે નવી ન હોય, પણ એની વિભાવના, રીત, રજૂઆત અને માવજતમાં કવિપ્રતિભાની કસોટી થઈ શકે. મધ્યમ વર્ગની એક બેવફા નારી માદામ બોવરીની વાતમાં કઈ નવીનતા છે? પણ ફ્લૉબેરે પોતાના કાવ્યમય સત્યની રજૂઆત માટે એ અ-કાવ્યમય નિવેદનનો આશરો લીધો. કથાવિષયોમાં મૂળભૂત વૈવિધ્ય બહુ ઝાઝું નથી પણ એના રૂપભેદમાં તો વિધાતાની સૃષ્ટિમાં જેટલાં માનવીઓ એટલી નવલકથાઓની શક્યતાઓ રહેલી છે. તેથી જ નવલકથાઓનું વર્ગીકરણ મુશ્કેલ લાગે છે. ઐતિહાસિક, સામાજિક એ સાચું વર્ગીકરણ નથી. મારું ચાલે તો હું તો દિલની નવલકથા, દેહની નવલકથા, દિમાગની નવલકથા એવા નવા વર્ગો સૂચવું. માદામ બોવરી આદિ કથાઓ દેહલીલાને કેન્દ્રમાં રાખે છે. એમિલી બ્રોન્ટે ‘વુધરિંગ હાઈટ્સ’માં દિલચશ્પ પ્રેમકથા આપે છે. જોઈસ, પ્રુસ આદિ દિમાગી કથાઓના સ્વામી છે. કૉલેજોના વર્ગોમાં ઘણી વાર ઘટનાપ્રધાન, વિચારપ્રધાન. ચિંતનપ્રધાન આદિ ખાનાંઓમાં નવલકથાઓને વહેંચી અપાય છે એ શિક્ષણરીતિ બહુ સારી નથી. એને પરિણામે અમુક પ્રકારની નવલકથા ઊંચેરી ને અમુક નીચેરી એવા ઊંચનીચના ખોટા ભેદ ઊભા થાય થાય છે. સર્જનમાં જ નહિ, વિવેચનમાં પણ ઘણી વાર ફૅશનપરસ્તી પેસે છે, ત્યારે બહુ ગોસ-મોટાળા થાય છે. કોઈ વિવેચકને ઘટનાપ્રધાન કથા પસંદ ન પડે, કોઈને ઘટનાપ્રવાહનો વેગ બહુ ન ગમે, મુનશી કે ગુણવંતરાયની કથાઓમાં પાણીપંથા ઘોડા કે જોજનવેગી સાંઢણીઓ દોડે ત્યારે કથાપ્રવાહમાં પણ એટલો જ વેગ વરતાય છે. એમાં કોઈ વાર ઘોડા જનોઈવઢ વઢાઈ જાય કે સાંઢણીઓને જાણે કે ખરીઓ હોય એમ અવાજ પણ સંભળાય. ટાગોરની ‘ગોરા’માં પાનાંનાં પાનાં વાંચો ત્યાં સુધી સંદેશ ને રસગુલ્લાં આરોગવા સિવાય કે થોડીક ચર્ચાઓ સિવાય બહુ ઘટનાઓ ન બને. કેટલીક નવલકથાઓમાં લેખકની વિચારસરણીનું જ પિષ્ટપેષણ ચાલતું હોય. કોઈ કથા અમુક વાદની પ્રતિષ્ઠા કે પ્રચાર કરવા જ લખાઈ હોય. પણ ભાવક તરીકે આપણી નિસબત નવલકથામાંના કલાતત્ત્વ સાથે જ હોવી ઘટે.

[પ્રવૃત્તિ સંઘ, મુંબઈને ઉપક્રમે ૬-૮–૧૯૬૪ને રોજ આપેલ વ્યાખ્યાનનો આરંભિક અંશ]