કથાલોક/નવલકથાનો નાભિશ્વાસ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search



નવલકથાનો નાભિશ્વાસ?

આપણે સૂરત લેખક–મિલનમાં મળ્યા ત્યારે શ્રી. દર્શકની નવી નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી.....’ પ્રગટ થઈ હતી. પશ્ચિમમાં હેમિંગ્વેની નવી નવલકથા ‘ઑલ્ડ મૅન ઍન્ડ ધ સી’ને પુલિટ્ઝર પારિતોષિક મળ્યું હતું. અને હવે આપણે અહીં વડોદરામાં મળીએ છીએ ત્યારે થોડા દિવસ પહેલાં જ આપણા પ્રમુખશ્રીએ એમના માસિક ‘સંસ્કૃતિ’ની તંત્રીનોંધમાં એક સૂચક પ્રશ્ન પૂછ્યો છે : ‘ગુજરાતી નવલકથાને વળી પાછું શું થયું લાગે છે?’ આ પ્રશ્ન અંગ્રેજીમાં આમ પૂછી શકાય : ‘વ્હોટ સીમ્સ ટુ બી રૉંગ વિથ ધ ગુજરાતી નોવેલ?’ આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં સામો એક પ્રશ્ન પણ પૂછી શકાય : એકલી નવલકથા સામે જ શા માટે ફરિયાદ કરો છો? ટૂંકી વાર્તા અને નાટકની હાલત વળી નવલકથા કરતાં ક્યાં બહેતર છે? સાચું પૂછો તો કદાચ, કાવ્ય અને વિવેચન સિવાયનાં બધાં જ સાહિત્યસ્વરૂપોમાં વળતાં પાણી જેવું નથી લાગતું? નવલકથાની જ વાત કરીએ તો, પશ્ચિમના દેશોમાં પણ આ સાહિત્યપ્રકારની સ્થિતિ આપણા કરતાં બહુ સારી નથી લાગતી. હજી ગઈ સાલ જ ઇંગ્લૅન્ડમાં સર હેરોલ્ડ નિકલ્સને પ્રશ્ન ઊભો કર્યો હતો : ‘ઈઝ ધ નોવેલ ડેડ? નવલકથા મરી પરવારી છે કે શું?’ આ પ્રશ્ને એવી તો ચર્ચા જગાવેલી કે નવલકથાકાર ફિલિપ ટોયન્બી, વિવેચક એલન પ્રાઈસ–જૉન્સ, કવિ લુઈ મેકનિસ વગેરેએ એમાં ભાગ લીધેલો. પુછાયેલા પ્રશ્નના હકારમાં તેમજ નકારમાં જવાબો આપેલા અને આખરે એડવિન મ્યુરે એ સંવિવાદનું સમાપન કરેલું કે નવલકથા મરણપથારીએ પડી છે એ વાત સાચી, છતાં એ સાવ મરી પરવારી નથી, ઑક્સિજન ઉપર છે. હજીય એકાદ બે પ્રતિભાસંપન્ન સર્જકો આવે તો આ સાહિત્યસ્વરૂપ ઊગરી શકે એમ છે. આ ચર્ચામાં સર હેરોલ્ડે જે વિધાનો કરેલાં એ તો અંતિમ-માર્ગી અને આઘાતજનક છે. એમણે તો કહેલું કે નવલકથાની આવરદા જ હજી ઔદ્યોગિક ક્રાંતિ જેટલી કાચી એટલે કે બસો જ વરસની છે. કાવ્ય અને નાટકની અઢી–ત્રણ હજાર વરસની અવસ્થા જોતાં આ સાહિત્યસ્વરૂપ તો હજી શૈશવકાળમાં જ ગણાય, તેથી એનું બાળમરણ જેવું થઈ જાય તો નવાઈ નહિ. સર હેરોલ્ડની દલીલ એ હતી કે ‘ધ આર્ટ ઑફ ફિકશન ઈઝ ઓકેઝનલ રાધરધેન એ પરમેનન્ટ ફૉર્મ ઑફ ઍક્સપ્રેશન. ઈટ રિકવાયર્સ સર્ટન સ્ટેટ ઑફ સિક્યુરિટી, એ સર્ટન ટ્રાન્કવીલ કન્ડિશન.’ આ વિધાન સ્વીકારીએ તો એમ કહી શકાય કે ઇંગ્લૅન્ડના વિકટોરિયન યુગ જેવી કે આપણા ‘પંડિતયુગ’ જેવી સુસ્થિરતા કે નિરાંત આજે રહી નથી. તો ‘પંડિતયુગના મહાકાવ્ય’ જેવી નવલકથાઓ હવે શાની નીપજી શકે? કવિ મેકનિસનો મત તો વળી વધારે આઘાતજનક છે. એ તે કહે છે કે નવલકથા એ સર્જકની અભિવ્યક્તિ માટેનું બહુ માતબર માધ્યમ છે જ નહિ. આ શિથિલ સાહિત્યસ્વરૂપ લેખકના એદીપણાની આડનીપજ જેવું છે. વળી, આ વાર્તાપ્રકાર લેખકોમાં તેમજ વાચકોમાં વધારે પડતી લોકપ્રિયતા ભોગવે છે એ પણ એના વિકાસ માટે મોટું ભયસ્થાન છે. આ અંગ્રેજ કવિ તો એક એવી આગાહી કરે છે કે હવે ભવિષ્યના નવલકથાકારોમાંથી કેટલાક લેખકો કાવ્ય અથવા નાટક તરફ વળશે અને એથીય વધારે લેખકો રિપોર્ટિંગ(વૃત્તાન્તનિવેદન)ના વ્યવસાયમાં પડશે અથવા મૂંગા રહેશે. આમ થશે તો જ, આજની બિનસમતોલ અને બિનરંગી દુનિયામાં કશુંક સમતોલપણું સ્થપાશે, કેમ કે નવલકથાના અતિવિશાળ ફલકને લીધે કેવળ કાળા અને ધોળા રંગો જ જોવા મળે છે, ત્યારે દુનિયાના રંગો નિહાળવા માટે આપણે નાટક અને કાવ્ય તરફ વળવું પડશે. નવલકથા વિશેની આવી આગાહીથી આપણે ગભરાવાની જરૂર નથી, કેમ કે આ આગાહી કરનાર માણસ કવિ છે. અને કવિઓ ઉપર બહુ ભરોસો રખાય નહિ. વળી, એમાંનાં કથનો પણ આપણાં દૈનિક છાપાંઓનાં રાશિવાર ભવિષ્યો જેવાં, દુનિયા આખીને બાર રાશિમાં વહેંચી નાખતાં અને સામૂહિક ચુકાદા આપનારાં ‘સ્વીપિંગ સ્ટેટમેન્ટ્સ’ છે. અને એનો પુરાવો એ છે કે નવલકથાના મૃત્યુ વિશેની ચર્ચાના અરસામાં જ બે નવલકથાઓને નોબેલ પારિતોષિક પણ મળ્યાં છે. લેજરકવીસ્ટકૃત ‘બારાબાસ’ અને હેમિંગ્વેની ‘ઑલ્ડ મૅન ઍન્ડ ધ સી’ નવલકથાઓ કાંઈ બહુ જૂની નથી. હજી ગયે મહિને જ જેને પુલિટ્ઝર પારિતોષિક અપાયું, એ ફોકનરની નવી નવલકથા ‘ધ ફેબલ’ પણ એક ધરખમ કૃતિ છે. યુડોરા વેલ્ટીકૃત ‘પોન્ડર હાર્ટ’ને છેલ્લાં પાંચ વરસની શ્રેષ્ઠ નવલકથા ગણીને અમેરિકન અકાદમી ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સ તરફથી હોવેલ્સ ચંદ્રક અપાયો હોવાના સમાચાર પણ હમણાં જ આવ્યા છે. એટલે વિદેશોમાં પણ નવલકથા સાવ નિષ્પ્રાણ થઈ ગઈ છે એમ તો કહી ન શકાય. બહુ બહુ તો એટલું ઘટાવી શકાય કે ‘વુધરિંગ હાઈટ્સ’ કે ‘માદામ બોવરી’ કે ‘ઝ્યાં ક્રિસ્તોફ’ કે ‘વૉર ઍન્ડ પીસ’ જેવાં શિખરો આજના સર્જકો સર કરી શકતા નથી. હવે આ ચિત્રને પડછે આપણી પોતાની સર્જનપ્રવૃત્તિનું થોડું સ્ટૉકટેકિંગ કરીએ. ‘સરરસ્વતીચંદ્ર’ જેવું મહાકાવ્ય કે ‘ફોરસાઈટ સાગા’ જેવી નવલમાળા લખવા જેટલી નિરાંત અને સ્વસ્થતા આજના સર્જકને સાંપડતી નથી, એવી એક ફરિયાદ બલકે બહાનું રજૂ કરવામાં આવે છે. પણ એમાં બહુ વજૂદ નથી, કેમ કે આખેઆખા ઐતિહાસિક યુગોને આવરી લેતી નવલમાળાઓ લખવા જેટલી—નિયમિત લખવા જેટલી—નિરાંત અને ઉદ્યમશીલતા આપણે ત્યાં છે જ. ‘માનવીની ભવાઈ’ અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના લેખકોએ અતિવિશાળ ફલક પર સમાજજીવન ચિતરવાનાં નિશાન તાકી રાખ્યાં છે. બીજા લેખકો પણ દર વર્ષે એકાદ બે નવલકથા તો નિયમિત આપે જ છે. આ સાહિત્યપ્રકારની માગ જ એટલી મોડી છે કે એનો અમુક પુરવઠો તો યેનકેન પણ ઊભો કરવો જ પડે છે. અને છતાં, સુરતથી વડોદરા સુધીની આપણી મજલમાં ‘મળેલા જીવ’ કે ‘જનમટીપ’ની કક્ષાની કૃતિઓ પણ કેટલી મળી એ વિચારવા જેવું છે. ટૂંકી વાર્તા વિષે એક મિત્રે ફરિયાદ કરેલી કે આપણે ત્યાં વાર્તાઓની અતિવૃષ્ટિને પરિણામે ‘લીલા દુકાળ’ જેવી સ્થિતિ થઈ છે. આ વિધાન ટૂંકી વાર્તા કરતાંય અધિકાંશે નવલકથાને લાગુ પડે એવો સમય આવતો જાય છે. નવલકથાઓ ગૂડ, બૅડ અને ઇન્ડિફરન્ટ–પુષ્કળ લખાય છે, છતાં ‘મનહર અને મનભર’ કૃતિઓનો દુકાળ વરતાય છે. અંગ્રેજીમાં કહેવાય છે તેમ ‘પોવર્ટી એમિડ્સ્ટ પ્લેન્ટી’ જેવી, આ પરિસ્થિતિનાં કારણો શાં છે? થોડુંક આત્મનિરીક્ષણ કરીએ. વેશપરિધાનની જેમ સાહિત્યમાં પણ ઘણી વાર અમુક અમુક ‘ફૅશન’ ચાલે છે. પ્રગતિશીલ સાહિત્યની ઝુંબેશના દાયકામાં જેમ ‘ગટર અને પાછલી ગલી’ની દુનિયા આલેખાતી હતી, તેમ ‘વળામણાં’ અને ‘મળેલા જીવ’ પછી આપણે ત્યાં ગ્રામજીવનની કથાઓ લખવાની ફૅશન ચાલી છે. આ નિમિત્તે પણ સારી કથાઓ લખાતી હોય તો એમાં કશું ખોટું નથી. પણ ખ્યાતનામ કૃતિઓ પરથી ઘણી વાર અનુસર્જનો થતાં હોય એમ લાગે છે. ‘શ્રાવણી મેળો’માં પહેલી જ વાર આલેખાયેલ ચગડોળ, ‘મળેલા જીવ’માં પૂરબહારમાં ચગેલો, પણ પછી તો એટલા બધા લેખકોએ એ ચગડોળ ફેરવી નાખ્યો કે હવે જાણે કે એ ફરવાની જ ના પાડે છે. અને છતાં હમણાં હમણાં યુવાનોમાં કમરપટા પહેરવાની ફૅશન ચાલી છે એમ નવલકથાનાં નાયક–નાયિકા તરીકે કાનજી અને જીવીની લોકપ્રિયતા ચાલુ જ રહી છે. પણ ‘જનમટીપ’ની તાઝગી ‘મળેલા જીવ’ની કવિતા કે ‘માનવીની ભવાઈ’નું ઊંડાણ બહુ ઓછી કૃતિઓમાં જોવા મળે છે. ઘણી કથાઓ તો બીબાંઢાળ કે એકબીજાના પડઘા પાડતી હોય એવું લાગે છે. બીજું એક વલણ પણ હમણાં દેખાય છે. એ છે, સુધારક વૃત્તિનું વલણ. ગ્રામજીવનની તેમજ શહેરીજીવનની પણ ઘણી નવલકથાઓમાં સીધો ને સ્ફુટ ઉપદેશ જોવા મળે છે. જે સામાજિક અનિષ્ટો અને દૂષણોના નિવારણ માટે અખબારોમાં લેખો લખાવા જોઈએ, આંદોલનો યોજાવાં જોઈએ અને ધારાસભાઓમાં ખરડા રજૂ થવા જોઈએ, એ દૂષણોના નિવારણ માટે નવલકથાઓ પ્રયત્ન કરે ત્યારે કેવું પરિણામ આવે? પૈઠણ કે દાયજાના પ્રશ્નો, જ્ઞાતિ–ગોળની આપખુદીના પ્રશ્નો, સ્ત્રીઓની પરાધીનતાના પ્રશ્નો, સાસુ–નણંદના સીતમના પ્રશ્નો વગેરે વિષયો તો હિંદુ કોડ બિલની કલમો બની શકે, નવલકથાનાં કથાબીજ શી રીતે થઈ શકે? નવલકથા ઉપરાંત બીજું ઘણું સાહિત્ય હમણાં એવું લખાય. છે, જે વાંચીને એમ લાગે કે આપણે ત્યાં ફરી વાર સુધારકયુગ બેઠો છે કે શું? લેખો અને નિબંધોમાં ઉપદેશનું તત્ત્વ આવે ત્યાં સુધી તો ઠીક, પણ વાર્તાઓ જ્યારે બોધપ્રધાન લખાવા માંડે ત્યારે કલાતત્ત્વની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? આવાં લખાણો માટે ‘જીવનલક્ષી’ એવું ખાસ લેબલ પણ યોજાયું છે. કેમ જાણે બાકીનું બધું સાહિત્ય ‘મરણલક્ષી’ જ હોય! આવા વલણની પાછળ કોઈક કૃતક પ્યુરિટન વૃત્તિ કામ કરી રહી લાગે છે. આપણા વિવેચકોમાં તો નહિ પણ ગ્રંથાવલોકનકારોમાં આવું વલણ વિશેષ જણાય છે. અગાઉ એક દાયકા સુધી માર્ક્સવાદી વિચારસરણીએ આપણી રસદૃષ્ટિને રુંધેલી એમ, હવે આ ચોખલિયાવૃત્તિ પણ નિર્ભેળ ‘એસ્થેટિક્સ’માં અવરોધ ઊભો કરી રહી છે. પરિસ્થિતિ તો એવી ઊભી થઈ છે કે આજે ગોવર્ધનરામ આવીને જમાલ–પ્રકરણ આલેખે તો સુગાળવો સમાજ એનો બહિષ્કાર જ પોકારે. કોઈને પ્રશ્ન થશે કે આપણા લોકો આમ એકાએક ધર્મપરાયણ, પાપભીરુ સુ–શીલ અને સદાચારી બની ગયા છે કે શું? ના. પોલીસખાતાનાં દફતરો–અને એથીય વધારે માહિતગાર એવા છુપી પોલીસના અહેવાલો તો આનાથી અવળું જ ચિત્ર રજૂ કરે છે, જુદી જ સાહેદી આપે છે. આ નવી પાદરીવૃત્તિનાં કારણો ગમે તે હોય, પણ આજે કાક–મંજરી જેવાં પાત્રો કે ‘પૃથ્વીવલ્લભ’ જેવી નવલકથા કે ‘બ્રહ્મચર્યાશ્રમ’ જેવાં નાટકો કે ‘બે ખરાબ જણ’ જેવાં પ્રહસનો સરજાય એવી સાહિત્યિક હવા રહી નથી. એવી ફરિયાદ સંભળાય છે કે સમાજજીવનમાં મૂલ્યાંકનના ધોરણો નીચાં ઊતરી જાય ત્યારે બહુ સત્ત્વશીલ સરજત સંભવી ન શકે. પણ આ ફરિયાદમાં વજૂદ નથી લાગતું. સર્જક ધારે તો ઓસરતાં મૂલ્યાંકનને જ સર્જનનો વિષય ન બનાવી શકે? સ્પેનમાં જ્યારે જીવનમૂલ્યો રસાતાળ ગયેલાં ત્યારે જ સર્વાન્તિસે ‘ડોન કિહોટે’માં એ સમાજ પ્રત્યે તીવ્ર કટાક્ષ કરેલો. આપણે ત્યાં તો કાંઈ એવી પરિસ્થિતિ નથી. એક દૃષ્ટિએ જોઈએ તો સૂરતથી વડોદરા સુધીનો સમય, આગલાં બે વર્ષ કરતાં વધારે પ્રોત્સાહક સાબિત થયો છે. આ ગાળામાં રાષ્ટ્રની પહેલી પંચવર્ષીય યોજનાનાં કેટલાંક સુફળ પ્રાપ્ત થયાં છે. એવી ઘણી ઘટનાઓ બની છે. આપણા નવલોહિયા કવિમિત્રો અને લેખકો ભારતનું નવનિર્માણ હમણાં જ નજરે જોઈને અહીં આવ્યા છે. વિધિવક્રતા માત્ર એટલી જ છે કે આ ગાળા દરમિયાન પંચવર્ષીય યોજનાનો ઉપહાસ કરતી એક નવલકથા ગુજરાતી સાહિત્યમાં–હું માનું છું કે એકલા ગુજરાતી સાહિત્યમાં જ—લખાવા પામી છે. સંભવ છે કે એ કથાલેખકે અગંભીરપણે એવો કટાક્ષ કર્યો હોય. હવે આપણા સાહિત્યકારો દેશાટન કરીને, નવી ચેતના અનુભવીને આવ્યા છે, ત્યારે એ સંપ્રજ્ઞતાનાં સુફળ સાંપડશે એવી આશા રાખીએ. સામાજિક નવલકથાઓનો ફાલ તો પશ્ચિમમાં પણ બહુ સારો નથી ઊતરતો. કદાચ અકસ્માત હશે, પણ જે બે ત્રણ કૃતિઓનું આંતરરાષ્ટ્રીય બહુમાન થયું છે એ બધી જ કથાઓ વ્યાપક અર્થમાં ઐતિહાસિક કૃતિઓ જ છે. ‘બારાબાસ’માં ઈસુના જીવન પછીનો કાળ આલેખવામાં આવ્યો છે. ‘ઑલ્ડ મૅન ઍન્ડ ધ સી’ પણ વાચ્યાર્થમાં નહિ પણ ધ્વન્યર્થમાં ઈસુની શહાદતની જ રૂપકકથા છે. ફૉકનરકૃત ‘ધ ફેબલ’ તો પહેલા વિશ્વયુદ્ધની એક ઘટનાને ઈસુના જીવન અને મૃત્યુના સાત દિવસની સમાંતર મૂકે છે. આ ઉપરથી કોઈ એમ પણ કહી શકે કે આજે ઉત્તમોત્તમ સરજતની પ્રેરણા અતીતમાંથી સાંપડે છે, સામ્પ્રતમાંથી નહિ. અતીતની–એટલે કે ઐતિહાસિક કૃતિઓની આપણે ત્યાં ખોટ નથી. વાસ્તવમાં તો આપણે ત્યાં કોઈ સાહિત્ય ધમધોકાર બહાર પડતું હોય–કારખાનાંની એસેમ્બલી લાઈનની પદ્ધતિએ—તો તે ઐતિહાસિક કથાઓનું જ. અને છતાં, ‘દીપનિર્વાણ’માં જે કલાતત્ત્વ છે એવું બીજી કેટલી કૃતિઓમાં આવી શક્યું છે? ‘સંસ્કૃતિ’ના તંત્રીએ ફરિયાદ કરતી વેળા કહ્યું છે કે મુનશીની નવલકથા ‘ભગ્ન પાદુકા’ આપણા નવલોહિયા લેખકોની સિસૃક્ષાને પડકારરૂપ બની રહેશે. પણ એ કથાની જે થોડીક વાનગી પ્રગટ થઈ છે એ વાંચ્યાં પછી ‘ભગ્ન પાદુકા’ પણ ખરેખર પડકારરૂપ બની શકે એમ છે કે કેમ એ વિચારવા જેવું છે.

(લેખક મિલન, વડોદરામાં વંચાયેલો નિબંધ)
જૂન ’૧૧ ૧૯૫૫